વેપાર વર્તમાન : માર્કેટિંગના ઉંદરની દોડાદોડી…

World Of Mouse

ઇન્ટરનેટના વિકાસ દરમિયાન કેટલાંય વિષયોના વૈજ્ઞાનિક કારણો, સિદ્ધાંતોમાં ફેરબદલ કરવામાં આવી છે. ન ધારેલું, ન વિચારેલું, ન બનેલું, બની રહ્યું છે. એકબીજાના ચેહરા ન જોઈ શકનારા આજે બીજા બંધનો વિના અજાણ્યાની પેન્ટમાં દબાયેલા પીળા રૂમાલની ગાંઠને પણ ઓળખી શકે છે.

હર ઘડી હર પળમાં નેટ પર કાંઈક નવું સર્જાતું રહે..ને જાતું રહે છે. માર્કેટિંગના મામુ ફિલીપ કોટલરના 4Ps, પેરીટો સાહેબના ૮૦:૨૦નો નિયમ, પીટર ડ્રકર ગુરુનું રી-એન્જિનીયરીંગ, ગોર્ડન મૂર મહારાજનો નવિનીકરણ મંત્ર…વખતો વખત નવા પોશાકો ધારણ કરતુ રહે છે. નવી વ્યાખ્યાઓ સર્જતું રહે છે.

ઇન્ટરનેટ પર વેપાર હવે કોઈ મોટી વાત નથી રહી. નાનકડી ઘટનાને મોટી બનાવી તેના જરૂરતમંદ ગ્રાહક સુધી જરૂરી સંદેશો પહોંચાડવું અગત્યનું બની રહ્યું છે. આપણું જ્ઞાન, આપણી આવડત, આપણો આઈડિયા, આપણી પ્રોડક્ટ, આપણી સેવાનો ઈજારો હવે ફકત નાનકડી જગ્યા પુરતો સીમિત નથી….ગ્લોબલાઈઝડ થઇ ગયું છે.

આ બધાં ફેક્ટર્સને જીયોગ્રાફી કે ડેમોગ્રાફીના સીમાડાઓ તોડીને આખી દુનિયામાં ફેલાવું છે. તમારી જશુભાઈ એન્ડ કંપનીના સૂઝ હોય કે મનુભાઈ પાન સેન્ટર, સારિકા સાડી હોય કે એલિઝ વન્ડરલેન્ડ નર્સરી પોતાની રીતે ગ્લોબલ ઓળખ મેળવી શકે છે. નેટ પર તે ‘મીની-મલ્ટીનેશનલ’ કંપનીનો ટેગ લગાવવા સક્ષમ છે.

અમેરિકાના નાનકડાં ટાઉનમાં રાજુભાઈને તમારા પાનનો ચસ્કો લાગ્યો હોય તો ત્યાંથી બેઠાં પણ પાનનો ઓર્ડર આપી શકે છે….બલ્કે બીજા સેંકડોને તમારા પાન ખવડાવતા કરી શકે છે. યુરોપના પરગણામાંથી (તમે નાનકડી માનતા હોવ એવી) નર્સરીની સાઈટ પર મુકાયેલા કન્ટેન્ટમાંથી તમને ત્યાં પ્રેઝેન્ટેશન આપવા નિમંત્રણ આપી શકે છે. સારિક સાડી જે હજુ સુધી સિંધી કે મનીષ માર્કેટમાં જ દબાયેલી હોય તે પોતાનો પાલવ સિંગાપુરમાં રહેલી મલેશિયન માનુનીને પણ પહેરાવડાવી શકે છે. 

પણ સવાલ એ થાય છે કે…..

  • એવું શું કરવામાં આવે છે કે જેનાથી કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ કે સર્વિસ..માર્કેટમાં પોતાની એક આગવી ઓળખ મેળવે છે?
  • લોકો ખરીદવા, ખાવા કે પહેરવા પડાપડી કરે છે…મેઈલ કરે છે…SMS કરે છે….ટ્વિટ કરે છે…રેકમેન્ડ કરે છે??
  • અરે! વાપરતી વખતે ગર્વ અનુભવે છે???

આ બધું થાય છે. માર્કેટિંગ નામના એક ઉંદર દ્વારા. – કેમ ના સમજાયું?

અરે ભાઈ!….જુનો શબ્દ: વર્ડ ઓફ માઉથ હવે ક્યારનોય નવો બની ગયો છે… વર્ડ ઓફ માઉસ.

આ એક એવા ઉંદરની કમાલ છે જેમાં હજારો કંપનીઓ, લાખો લોકો..કરોડોની ઉથલપાથલ કરે છે. જેમાં વધુ ભાગે લોકો બરબાદ થાય છે ને બાકીના આબાદ (રેફ. ૮૦ : ૨૦ નિયમ). એટલે જ તો કહેવાય છે કે વેપાર ‘રેટ રેસ’ બની ગયો છે.

‘વર્લ્ડ ઓફ માઉસ’ની આ કથાનકનો આખા બેઝ પર એક પુસ્તક તૈયાર થયું છે. મારા પ્રિય લેખક ‘સેઠ ગોડીન’ના જ મિત્ર અને મને ઘણાં ગમતાં બીજા માર્કેટિંગ ગુરુ ‘ડેવિડ સ્કોટ’નું એક પુસ્તક….

જેનું પ્રિસ્ક્રિપ્શન મને શનિવારે સાંજે આપવું છે.

ત્યાં સુધી….જવાબ આપ લોકોની પર છોડી દઉં તો કેમ?  

હવે કહો જોઈએ: એ પુસ્તકનું નામ શું હોઈ શકે?

હિન્ટ: લેખકનું નામ તો કહી જ દીધું છે….પણ ગૂગલિંગ કરવાની જવાબદારી આપ લોકોની. ને તમને તો ખબર જ છે આ બ્લોગ પર સાચું બોલવાથી ફાયદો જ થાય છે. એટલે ‘સરપ્રાઈઝ’ ગિફ્ટ પણ મળશે જ એની ગેરેંટી. હવે કોમેન્ટ બોક્સ તમારું…બોલો!

સર‘પંચ’

‘જગ’મશહૂર તો ખરી પણ બોટલમાં પણ હવે મશહૂર થઇ રહી હોય એવી ‘નેસ્લે’ કંપનીની સબ-બ્રાન્ડ ‘કોન્ત્રેક્સ પાણીનું પણ કઈ રીતે માર્કેટિંગ કરી શકે છે…જોઈ લ્યો એનું એક અફલાતુન ઉદાહરણ…

હવે…. ‘બહેસ જાય પાણીમાં’ એવું બોલવાની કાંઈ જરૂર ખરી?

તમને એવું કોણ યાદ આવી ગયું જેમને આ લેખ પસંદ આવી શકે?

વિકાસ વાવડ: નેટ જંગલના મંગલકારી સમાચારો…

ગૂગલના ‘ફેર’ ગૂગલી સમાચાર…

પાછલા બ્લોગ પોસ્ટમાં પેલી ગૂગલના સાયંસ ફેરમાં જીતીને આવેલી ભારતીય કૂડ્ડીઓની વાત થઇ હતી. તો દોસ્તો, એ જ ગૂગલનો સાયંસ-ફેર ફરી પાછો પોતાનો દરવાજો ખોલી રહ્યો છે. કેરિયરને સાયકલ કે બાઈક પર ગોઠવવા કરતા લાઈફ-બોટમાં સમાવવામાં શાણપણ છે.  હવે તમને, અથવા તમારા ભાઈ-બહેન કે બાળકમાં કોઈક હટકેપણું લાગતું હોય તો આજે જ આ ફેરની સાઈટ પર જરા હવા-ફેર કરી આવવા જેવું છે.

http://www.google.com/events/sciencefair/

ક્યાંક એવું પણ થઇ શકે ને કે આ વર્ષે તમારામાંથી ક્યાંક કોઈકનો નંબર….ગૂગલી મારી શકે!

——————————————————————————————

જંગલીના મંગલી સમાચાર…

દુનિયાની સૌથી મોટ્ટામાં મોટ્ટી, હજારો પ્રકારની પ્રોડક્સમાં અપરંપાર, કસ્ટમર સર્વિસમાં અગ્રેસર એવી એમેઝોન.કોમ ઇન્ડિયામાં લોન્ચ થઇ ચુકી છે. વાત કરવી છે. ‘જંગલી.કોમ’ની.

નામ ભલેને વાઈલ્ડ હોય પણ તેની ડણાક ઇન્ડિયાના ઈ-કોમર્સ માર્કેટમાં ગુંજી ચુકી છે. દોસ્તો, ખિસ્સામાં દામ ભલે ના હોય પણ હૈયામાં હામ હોય તો પેસિફિક સમુદ્રમાંથી હિન્દ મહાસાગરમાં આવી ગયેલા તકોના મોજાંઓને પકડી લેવા જેવા છે. તમારી પાસે નેટવર્ક-પ્રોગ્રામિંગની સ્કિલ્સ હોય કે સોફ્ટવેર ડેવેલોપમેંટની…યા પછી લોહીમાં ખરા ઉતરે એવા ઇન્ટેન્સિવ માર્કેટિંગનું જ્ઞાન કે કસ્ટમરને દોસ્તમાં ફેરવવાની સ્કિલ્સ….સાવ અલગ અને સાચે જ ‘હટકે’ વર્તન કરવાની ત્રેવડ હોય તો જંગલી.કોમ પર એપ્લાય કરવા જેવું છે.

ઈન્ટરનેટ પર એમેઝોન.કોમની છત્રી હેઠળ ઘણાં ભારતીયોએ અમેરિકામાં નામ અને દામ કમાઈ રહ્યા છે. શું વેચવું અને કઈ રીતે વેચવું એની સોફીસ્તીકેટેડ ટ્રેઇનિંગ એમ.બી.એ.ની ડિગ્રી પણ આપી શકતી નથી. એ માટે તો સરિતામાંથી મહાસાગર બનેલી એમેઝોન.કોમના જંગલમાં ઘૂસ મારવી પડે.

http://www.junglee.com/f/1000604193/ref=footer_hiring

બોલો કોણ છે જે મને સૌથી પહેલા ખબર આપી શકે છે કે “મુર્તઝાભાઈ, જંગલી.કોમના જંગલમાં મને તક મળી છે- આભાર.”

સવાલ: વેપારની વાતો કરતા આ બ્લોગ પર આમ ‘જોબ’ ઓફરની વાત શા માટે?-

જવાબ: સિમ્પલી!….કુનેહ શીખવા માટે.

આજે ઘણાં કેરિયર-ઓરિએન્ટેડ દોસ્તો સર્વિસની સીડી ચઢીને બિઝનેસના બંગલા સુધી પહોંચતા થયા છે.  ‘જોબ’ માર્કેટમાં જેટલો અસરકારક અનુભવ એટલી ધંધામાં સફળતા વધુ અકસીર. અને એ માટેની તૈયારી કરવા માટે તમારામાંથી ઘણા ને હવે ખબર તો હશે જ કે…આ પ્રકારના પુસ્તકો વાંચવા જ રહ્યા.

“માત્ર ચમકતા ચાઈલ્ડ બની રહેવા કરતા વિફરતા વાઈલ્ડની વેલ્યુ વધારે છે.”મુર્તઝાચાર્ય.

ખૈર, તમને એવું કોણ યાદ આવી ગયું જેમને આ લેખ પસંદ આવી શકે?- તો હમણાં જ લખી નાખો એમનું નામ અને ઈ-મેઈલ. પછી મોકલવાની જવાબદારી મારી…

સર-ચોરસ ‘પંચ’:

ચોરસ કાણું કરી (અક્કલને ‘હોલ’) કરતુ ડ્રિલ-મશીન: એ તો જગ જાહેર છે કે અવનવી કરામતો, શોધખોળો કરવામાં જાપાનીઓ લાજવાબ છે જ….હવે આ ગોળ કાણાને બદલે ચોરસ કાણું કરી આપતા ડ્રિલ મશીનને જ જોઈ લ્યોને…જોયા પછી એમ જરૂર લાગશે કે અક્કલમાંય થોડું થયું ખરું!

 


વેપાર વાઈન ….બનાવે તબિયત ફાઈન !

Baar-Glass

કેટલાંક ઈ-મેઈલ્સ માત્ર ચાવવા જેવા હોય છે ને કેટલાંક પચાવવા જેવા. આજનો જ દાખલો લઇ લઈએ. ‘શરાબ’ નામ માત્રથી શરમાઈ જાય એવા દોસ્તો જ્યારે એવા મસ્ત મજાના મેઈલ્સ મોકલે છે. ત્યારે વાંચ્યા બાદ માનસિક શાબ્દિક-નશો થાય છે….દિવસ બની જાય છે. (આપણા બ્લોગર દોસ્ત રજનીભાઈ અગ્રાવતના ફેસબુક પર થોડાં સમયથી આવા જ નશાકારક શબ્દોનો માહોલ જામ્યો છે. એ પણ ગાંધીધામ જેવા શહેરથી…).

આવો જ એક મેઈલ કેરોની સખત ઠંડીના માહોલને મીઠાશ આપી ગયો. અલબત્ત લખાણ અંગ્રેજીમાં હતું. એટલે ઈંગ્લીશ કરતા દેશીની અસર વધારે થાય એવા હેતુથી તેનું ભાષાંતર કરી આપ લોકોની સાથે વ્હેંચી રહ્યો છું.

 તો તમે પણ ‘લટકાવી’ દો મયખાના (બાર)ના કોઈક માલિકે જણાવેલા આ બાર વાઈન વાક્યો….  

૧.  “આ  દુનિયામાં એટ-લિસ્ટ બે જણા એવાં છે જે તમારા માટે જાન પણ ન્યોછાવર કરી શકે છે.

૨.  આ  દુનિયામાં ૧૫ વ્યક્તિઓ એવી છે જે તમને સાચે જ ચાહે છે. એજે રીતે તમે પણ એમને ચાહો છો.

૩.  આ દુનિયામાં કેટલીક વ્યક્તિઓ એવી છે જે તમને ધિક્કારે છે, ફકત એ કારણે કે તેઓ તમારી જેવા બનવા માંગે છે.

૪.  આ દુનિયામાં કોઈક એવી ખાસ વ્યક્તિ છે જેને માટે તમે ખુદ એક દુનિયા છો.

૫.  આ દુનિયામાં તમે એક યુનિક વ્યક્તિ છો…સ્પેશિયલ છો.

૬.  આ દુનિયામાં કોઈક એવી વ્યક્તિ પણ છે જેને તમે હજુ ઓળખતા નથી તોયે એ તમને ઘણી ચાહે છે.

૭.  તમારું એક નાનકડું સ્મિત પણ સામેની વ્યક્તિને ખુશીઓ આપી શકે છે, પછી ભલેને તમે એમને ન ગમતા હોવ.

૮.  રાતે જ્યારે તમે સુવા જાઓ છો ત્યારે કોઈક એવી વ્યક્તિ પણ છે જે તમારા માટે વિચારે છે, ચિંતિત છે.

૯.  જ્યારે તમારાથી કોઈક ગંભીર ભૂલ થઇ જાય છે ત્યારે…કાંઈક નવું જ અને સરસ પરિણામ બહાર આવે છે.

૧૦.  જ્યારે તમને લાગે કે..લોકોએ તમારી સામે પીઠ ફેરવી છે ત્યારે..આગળ આવી તેમની સામે એક મીઠી નજર ફેરવશો. ને પછી ઉપરનું સાતમુ વાક્ય ફરી વાંચશો.

૧૧.  કોઈકે તમારી પ્રશંશા (તારીફ) કરી હોય તે હંમેશા યાદ રાખશો, ટીકાને તરછોડી દેજો.

૧૨.  જ્યારે તમને શરાબ પીવાનું મન થાય ત્યારે ઉપરના વાક્યો ફરીથી વાંચી જશો. શક્ય હોય તો તમારા કોઈક ‘લોસ્ટ’ થયેલા સાથી સાથે ગ્લાસને બદલે આ ‘લીસ્ટ’ શેર કરજો. મને મારો વેપાર નહીં પણ તમારી ઝીંદગી બચાવવામાં રસ છે.”

“ઝીંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને પાછુ ગળતું જામ છે.”

વેપાર વિસ્મય: ફિલ્મની ઉતરી ગયેલી ફિલ્મ…કોડાક !

Kodak_Collections

ત્યારે હું સાત વર્ષનો હતો. તોયે એ પહેલા ઘણી વાર ફોટો તો પડાવી ચુક્યો હતો. પણ ત્યારે સ્ટુડિયોમાં પ્રથમ વાર પડેલા ફોટાને ટગરટગર જોવાનો મારો પહેલો અનુભવ એ વર્ષમાં થયો. ફોટાને ૧૮૦. ડીગ્રી એ ફેરવાયા બાદ પહેલીવાર નામ પાછળ વંચાયુ: મોટા K ના લોગો વાળો શબ્દ કોડાક પેપર.

કેટકેટલીયે કથાઓ, કથનીઓ, કંપનીઝ, કપલ્સ, કાળજાના કટકાઓ, કે પછી ટૂંકમાં કહું તો ‘ક્રેડલથી લઇ કબર’ સુધીની કરોડો ક્ષણોને કચકડે કંડારીને (કોણ જાણે..થોડાં સમય માટે?!?!?!!) કરમાઈ ગયેલું નામ એટલે: કોડાક

બસ હજુ થોડાં જ દિવસો પહેલા નાદારી નોંધાવીને એટલીસ્ટ આ રીતે મીડિયામાં ‘ફ્લેશ’ આપી ગયેલી કોડાક કંપનીના સમાચાર વિશે થોડું વસમું તો લાગ્યું છે. પણ બહુ નહીં. કેમ કે તેના માટે ‘ન કર્યા એવા ભોગવે’ એવા વેપારી આલમના હટકે સૂત્રને સાર્થક કરવું જરૂરી જ હતું. આજે નહિ તો કાલે નાદારીની નાદાની નિશ્ચિત હતી. પણ આ વ્યાપારી દુનિયા છે. જેમાં રૂદનના કારણો પણ દુનિયા ખુલાસાવાર માંગતી હોય છે. એટલે મારી સાથે બીજા સેંકડો લોકોને વિસ્મયકારક સવાલ થયો કે

એવું તો શું થયું કે ફોટોગ્રાફિક માર્કેટમાં કોડાક જેવી કંપની ટકી ન શકી?”

માત્ર એક કારણ આપવું હોય તો કહી શકાય: ‘ડિજીટલ ટેકનોલોજીને સાચી રીતે સ્વિકારવામાં ઠેલં-ઠેલાપણું.’

તોયે થોડું સર્ચ-રિસર્ચ કર્યા પછી પ્રાપ્ત-સૂત્રોકે અનુસાર આ કંપનીને બરબાદી મળવાના કેટલાંક વધું કારણો આ રહ્યાં…

  • ૧૯૮૧માં સોની કંપનીએ પોતાનો પહેલો ડિજીટલ કેમેરા માર્કેટમાં મુક્યો…ત્યારે કોડાકે સોનીના આ પગલાને થોડું પાગલપણું ગણાવ્યું…એમ કહીને કે.. “એમની ટેકનોલોજી સમય કરતા થોડી વહેલાં આવી ગઈ છે…અમે તો માર્કેટના સરતાજ છીએ. ડિજીટલ દુનિયામાં આવવાની હજુ અમને વાર છે.”
  • બીજા ૧૦ વર્ષમાં આવુ માનીને ભૂલ સુધારવાનો મોકો નસીબે તેમને ઘણી વાર આપ્યો, પણ…આડે આવ્યો ઈસ્ટમેન ‘ઈગો’. ડિજીટલ કેમેરા ભલે નાના ધોરણે બનતા..પણ કોડાકની મૂળ પેપર-પ્રિન્ટીંગ પધ્ધતિ આડે પાટે ના ચઢી જાય એ માટે તેના બોર્ડ-મેનેજમેન્ટે પેપર-ફિલ્મ પર અજમાવવામાં આવતા કેમિકલના ધંધામાં ધ્યાન રાખ્યું. એમ માનીને કે.. “ડિજીટલ દુનિયામાં આપણું દિલ્હી હજુ દૂર છે.” 
  • અલબત્ત ‘૯૦ના દાયકામાં કોડાકના પેપર અને પ્રિન્ટીંગ બંને આગળ આવ્યા. એમનો ડિજીટલ યુગ પણ જોર-શોરથી શરુ પણ થયો…પણ માર્કેટિંગમાં ફૂજી, કોનીકા, નિકોન, કેનન જેવા ખેલાડીઓની કાતિલ ધમધમી શરુ થઇ ગઈ હતી. એમ ધારીને કે.. “આપણે તો ફિલ્મ ઉતારવાના ધંધામાં પાયોનિયર છીએ. આગળ જતાં રેસ તો આપણા નામે જ ને!
  • ૨૦૦૦ની સાલ પછી ઈન્ટરનેટના સેન્સને સમજી નાની-મોટી ઘણી કંપનીઓએ વેબ-ઇમેજિંગ પર વધું ધ્યાન પરોવ્યું. એ દરમિયાન કોડાકના ડિજીટલ કેમેરાઓ પોતાની રીતે માર્કેટ સર અને શેર કરવાની કરામત કરતા રહ્યા. પણ ત્યાંજ…૨૦૦૭માં એપલ કંપનીના ‘આઈ-ફોન’ અને ‘આઈ-પોડ ટચ’ દ્વારા જાણે ઇમેજિંગ-ટેકનોલોજીનું ત્સુનામી આવ્યું. બીજા મહારથીઓ સાથે કોડાકને પણ જબરદસ્ત ‘આઈ-તમાચા’નો અનુભવ થઇ ગયો. પણ હવે ઘણું મોડું થઇ ગયું હતું. કોડાકે મનને એમ મનાવીને સાંત્વના મેળવી છે કે “ભલે એપલ નામનો મોરલો સોળે કળાએ માર્કેટમાં ખીલી જાય…. ફિલ્મ-ટેકનિકમાં હજુયે અમે ‘સ્ટમે ’થી અડીખમ છે. ફરી બેઠા થઇ જાશું.”-

સાચું જ છે. ઈમેજ-સોફ્ટવેરમાં ભલે બીજા લાભ ખાટી ગયા હોય. પણ જન્મથી લઇ જનાજા સુધીની ઇમોશન્સને કંડારવામાં કોડાકની હાર્ડવેર ટેકનિકનો જોટો અલગ જ છે. આમેય એનું પણ અમેરિકન લોહી ખરુને! હાર એમ કાંઈ જલ્દી માની લે એવી આ કંપની થોડી છે?- મામામિયાં ની ટંગડી ઉંચી તે આનું નામ !

સમયના સાચા ફિલ્મીકરણ પર ભરોસો રાખી ફિલ્મ ચાલુ રહે એવી કોડેકી અભ્યર્થના….સ્માઈલ પ્લિઝ!

“મુજકો બરબાદી કા કોઈ ગમ નહીં,

ગમ તો હૈ બરબાદી ક્યોં ચર્ચા હુવા.

કલ ચમન થા, આજ એક સેહરા હુવા,

દેખતે હી દેખતે યે ક્યા હુવા?!”

સર‘પંચ’

(અ)કર્મનું ફળ…આ રીતે પણ મળે છે…

વેપાર વ્યક્તિત્વ: કુડિયોં કા હૈ ઝમાના???

પાછલી પોસ્ટમાં અરફા રંધાવા વિશે જ્યારે લખ્યું ત્યારે ખબર ન હતી કે આ લખાણની અસર મને ગૂગલિંગ કરાવી દેશે. ઉચકીને એક મજાની મગજી જગ્યા પર લઇ જશે. જ્યાં મેડિકલ ક્ષેત્રે એક અનોખી સિદ્ધિ હાંસિલ થઇ રહી છે…

એ સંદર્ભે વિજ્ઞાનની સાથે ઉછલતી(ને ઉછેરાતી) ત્રણ કિશોરીઓની વાત કરવી છે, બતાવવી છે…..એ પણ એક સાથે. શક્ય છે આ પોસ્ટ વાંચતા ફક્ત ૩-૪ મિનીટ થાય પણ જે પ્રેઝેન્ટેશન-ક્લિપ જોવાલાયક છે તે પૂરી ૧૬ મિનીટની છે.

એક છે શ્રી બોઝ, બીજી લોરેન હોડ્ગે ને ત્રીજી નાઓમી શાહ, ત્રણ માંથી બે ભારતીય કહી શકાય પણ ઉછેર પાકો અમેરિકન હોવાથી ગર્વ કઈ રીતે લેવો એ બાબત આપ લોકો પર છોડી દઉં છું. મને જે વાત કરવી છે તે તેણીઓએ જીતેલા પરાક્રમની છે.

આ ત્રણે ટીનેજર્સ વિજ્ઞાનના બંધ લાગતા કેટલાંક દરવાજાઓ ખોલી રહી છે…(અલબત્ત જેમાંથી વેપારની કેટલીયે તકો પણ ખુલી જાય એવું છે.

થયું એવું કે થોડાં અરસા અગાઉ ગૂગલે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળો યોજ્યો હતો. હવે એમાં સામાન્ય વાત એક જ હોઈ શકે. એજ કે તેની દરેક બાબત અસામાન્ય વાત સાથે સંકળાયેલી હોય !

આ વિજ્ઞાન-મેળામાં જો જીત મેળવી લઈએ તો સમજી લેવાય કે બાળકના કેરિયરનો લાઈફ-ટાઈમ મેળ પડી ગયો. દુનિયાની મશહૂર સાયન્ટિફિક એકેડેમીમાં મેમ્બરશીપ, જ્યાં નેશનલ જિયોગ્રાફિકની ટીમ ફોટોગ્રાફી કરવા ડૂબકીઓ લગાવે તેની સાથે જવાની તકો, ને સાથે સાથે ગૂગલના હેડક્વાર્ટર ‘ગૂગલપ્લેક્સ’માં મુલાકાતનું માનભર્યું આમંત્રણ…ને બીજી કેટલીયે ભેંટો, માનપત્રો….નસીબજોગે, આ વર્ષે આ બધું જ આ ૩ ભગિનીઓના ભાગે મેળવી લેવાનું આવ્યું છે

શ્રી બોઝ (૧૫-૧૬ વર્ષ જૂથ): ગ્રાન્ડ-પ્રાઈઝ મેળવનાર શ્રીએ જે સ્ત્રીમાં ઓવેરિયન કેન્સરના લક્ષણો દેખાય ત્યારે એમની પર થતી કિમોથેરાપી દરમિયાન થતી ક્રિયાઓ-પ્રક્રિયાઓ પર રિસર્ચ કર્યું છે. તેણી એ આ બાબતે ધ્યાનમાં રાખવામાં આવતી એવી કેટલીક બાબતો પર પ્રકાશ પાડ્યો છે જેનાથી કેન્સરની સારવારમાં આમૂલ પરિવર્તન લાવી શકાય છે.

લોરેન હોડગે (૧૩-૧૪ વર્ષની જૂથમાં): સાત વર્ષની ઉંમરથી વિજ્ઞાન-મેળામાં ભાગ લેતી આવતી લોરેનનો આ વર્ષે વિષય હતો: અલગ-અલગ રીતે બનાવવામાં આવતી ચિકન રેસિપીમાં મળી આવતા કેટલાંક એવા કાર્સિનોજ્ન્સ (એવા તત્વો જેનાથી કેન્સર થવાની સંભાવના છે.)

નાઓમી શાહ: જૈવિક રસાયણ (ઓર્ગેનિક કેમેસ્ટ્રી) અને અણુ વિજ્ઞાન (ન્યુક્લિયર શક્તિ)ને ખૂબ વ્હાલ કરતી આ પાકી ગુજ્જુ છોકરીએ તો ૧૫-૧૬ વયની જૂથમાં પહેલું પ્રાઈઝ મેળવ્યું છે. આપણને ખુદ વાંચતા ને સાંભળતા જ ચક્કર અનુભવાય એવી બાબત પર નાઓમીએ પોતાના દિમાગનું ચક્કર “હવામાં થતાં પ્રદૂષણની અસર દમ (અસ્થમા) પર કેવી રીતે થાય છે તે માટેનું એક અનોખું ગાણિતિક મોડેલ” રજુ કર્યું છે.

આ ત્રણેના વિષય-વસ્તુની જાણકારી સાથે એમનો ભરપૂર આત્મ-વિશ્વાસ પણ જોવો હોય તો આવી જાવ…ને પછી શોધી કાઢો ક્યાં ક્યાં તકો સંતાયેલી છે?- તમારા માટે કે પછી તમારા બાળકો માટે?

 

ક્વિક-ક્લિક: . http://www.google.com/events/sciencefair/

તમને એવું કોણ યાદ આવી ગયું જેમને આ લેખ પસંદ આવી શકે?- તો હમણાં જ લખી નાખો એમનું નામ અને ઈ-મેઈલ. પછી મોકલવાની જવાબદારી મારી…

વેપાર વાઇરસ:: મેઇડ ‘આઉટ’ ચાઈના ટાઉન !

એનું નામ આદમ હન્ફ્રી. વેકેશનમાં તેને ફરવા માટે ચાઈના જવું હતું. એટલે ફોર્મમાં આવીને તે ઇન્ટરનેટ પર ચાઈનીઝ કોન્સ્યુલેટની વેબસાઈટ પર લાંઆઆઆઆમ્બુ-લચક વિઝા-ફોર્મ ભરવા લાગી ગયો. હિસ્ટ્રી-જ્યોગ્રાફિ અને સિવિક્સના મરી-મસાલાથી ભરપુર એવા આ ફોર્મ ભરવામાં જ તેને ખાસ્સો એવો સમય કાઢવો પડ્યો. કહેવાય છે કે ભણવા માટે ચીન પણ જવું પડે તો જાઓ. પણ અહીંયા તો ભણી-ગણીને જવું પડે એવી હાલત થઇ ગઈ.

ખૈર, ઓનલાઈન ફોર્મ ભરી પ્રિન્ટ-આઉટ લઇ બીજા જરૂરી એવા ડોક્યુમેન્ટ્સ લઇ આદમ હમ્ફ્રી ન્યુયોર્કની ચાઈનીઝ કોન્સ્યુલેટમાં વિઝા એપ્લાય કરવા માટે આવી ગયો. પણ ત્યાં પહોંચ્યા એને બાદ ખબર પડી કે વિઝા-એપ્લીકેશનનું ફોર્મ તો સાવ બદલાઈ જ ગયું છે. જે ફોર્મ ઓનલાઈન ભરવાનું હતું તે બીજું જ હતું……ભેંસ ગઈ હડસન નદીમાં !

શાંત ચિત્ વાળા આદમભાઈને ગાંધીગીરી કરવાનો પહેલો મોકો મળ્યો.

“સર ! આપ મને નવા ફોર્મ માટે મદદ કરી શકશો?

“ના, નહિ કરી શકીએ.”

“સર ! આપની પાસે બીજું પ્રિન્ટેડ ફોર્મ મળશે?”

“ના, નહીં મળે.”

“સર ! નજીકમાં કોઈ સાયબર કેફે છે?”

“હા ! છે. બર્ગર-કિંગમાં”

ખોરા આદમી જેવા એમ્બેસીના ઓફિસરોને તો અસહકારનું આંદોલન કરવું હતું એટલે આદમભાઈને મોકલી આપ્યો નજીકમાં આવેલા બર્ગર-કિંગ ફાસ્ટ-ફૂડની અંદર રહેલા સાયબર કેફેમાં. જ્યાં જઈ તેને બીજું એક નવું ફોર્મ ભરવાની નવેસરથી શરૂઆત કરવાની હતી.

આદમભાઈ આવી પહોંચ્યા એ કેફેમાં જ્યાં તેના જેવા બીજા ઘણાં ફસાઈ ગયેલા ‘આદમી’ ઓ દેખાયા. એ સૌ ત્યાંના કોમ્પ્યુટર પર ફોર્મ ભરવામાં મશગૂલ હતા. હજુયે શાંત ચિત્તની અસર હેઠળ રહેલા આદમને ત્યાં મગજમાં એક ચમકારો થયો. માથા પર ચમકેલા એ બલ્બમાંથી તેના દોસ્ત સ્ટિવન નેલ્સનનો નંબર દેખાયો.

“સ્ટિવ, એક જોરદાર આઈડિયા આવ્યો છે. તારી મદદની સખ્ત જરૂર છે. બસ અમલ કરવો છે માટે એક મોટી પેન્સકી-વાન ભાડે જોઈએ છે. આ ચીનાઓની કોન્સ્યુલેટ બહાર લઈને આવી જા.” –

સમજો કે ગાંધીગીરીનો હવે આ બીજો એક મોકો હતો.

સ્ટિવે તો આદમની આ વાત પર બીજી ઘડીએ સહકાર નોધાવી દીધો. ને પછી કોઈ સર્ચ- રિસર્ચ- બિઝનેસ મોડેલ પર બહુ લાંબી ચર્ચા કર્યા વગર…કોઈ પણ પ્રકારની બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી લીધા વિના કે પછી કોઈ પણ માસ-મોટું રોકાણ કર્યા વગર…બે દિવસ બાદ શરુ થઇ ગયો મોબાઈલ વિસા કન્સલ્ટન્સી બિઝનેસ.

એક લેપટોપ, એક પ્રિન્ટર, બે-ત્રણ ખુરશીઓ, એક અલગ તરી આવે એવો બ્લ્યુ ગણવેશ ધારણ કરી અને ૧૦ ડોલરની ફીમાં આદમે ઓનલાઈન ફોર્મ ભરી આપવાનો આ નાનકડો ‘બિઝનેસ’ હજુ સાડા ૩ મહિના પહેલા જ શરુ કર્યો છે. ઓફ કોર્સ કમાણીની મધ્યમ શરૂઆત તો થઇ જ ચુકી છે અને સર્વિસની સુવાસ ફેલાવા પણ ફેલાવા લાગી છે. ગ્રાહકો વધવા લાગ્યા છે એટલે ફી પણ ૨૦ ડોલર વધારી દીધી છે. પછી તો તેના દોસ્ત નેલ્સનની મદદ સાથે-સાથે એક ચીની-મીની દોસ્ત પણ જોડાઈ ગઈ છે. જે ચાઈનીઝ ભાષાની અનુવાદક છે.

Adam's-Visa-Consultancy-Service

આ ત્રણેઉ ભેગા મળી દિવસના આશરે ૫૦૦ ડોલર્સની કમાણી વાનમાં બેઠાં બેઠાં કરી લ્યે છે. વેપારના તેમના આ ધર્મમાં જો કોઈ બૌદ્ધ સાધુ ગ્રાહક તરીકે આવે છે તો તેને ૫ ડોલરનું ડિસ્કાઉન્ટ પણ આપી દે છે… એમ માનીને કે તેમના થકી થોડું હજુ વધુ સારુ ‘સદ્કર્મ’ થઇ શકે!…!

દોસ્તો, એ તો શક્ય છે જ કે દુનિયામાં આવા તો દરરોજ અગણિત કેટલાંય આદમો જન્મતા હશે ! એવી ઘણી કથાઓ છે…વ્યથાઓ છે. જેમાં કેટલાંક પોતાની જાતે ઉઠતાં હશે ને બાકીના પર‘પોટા’ની જેમ ફૂટતાં હશે. આ તો જેનું ‘ફોર્મ’ લાંબુ હોય છે તેની ચર્ચા થાય છે.

તમારી કે તમારી જાણમાં હોય એવી વ્યથા છે જેની કથા થઇ શકે?       

“તકલીફમાંથી તકને જે લીફ્ટ કરી જાણે એ ખરો ‘આદમી’.”

- મુર્તઝાચાર્ય :-)

સર‘પંચ’

બિના મચાયે શોર…ચોરી કર જાયે ચોર…

ડાયલોગ્સ વગરની CCTV માં ઝડપાયેલી (કે બનાવાયેલી) એક હટકે એડવર્ટાઈઝમેન્ટ જોવી હોય તો જોઈ લ્યો….પછી કશુંયે બોલવું ‘ની’ પડે ને પાછી જોવા મજબૂર કરી દેશે એની ગેરેંટી….જી!

દોસ્તો, તમારા કોઈ એવા સ્વજન છે જેમને આ બ્લોગ-પોસ્ટ મદદરૂપ થઇ શકે?-

પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: ‘The Art of the Start’- શું ‘એ’ માટે તમે શરૂઆત કરી?

Guy Kawasaki

“સર! તમારી હું જબરદસ્ત ફેન છું. તમારી ઓલમોસ્ટ બધી ફિલ્મો મેં જોઈ છે.”

ઓહ એમ! પણ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી મેં આજ-દિન સુધી કોઈ પણ ફિલ્મમાં કામ કર્યું નથી.”

“અરે એમ કેમ હોય, ચોક્કસ તમે તમારી ઓળખ છુપાવવા આમ કરો છો, પણ આખી દુનિયા તમને ‘જેકી ચેન’ તરીકે ઓળખે છે.”

હ્હાહાહાહાહા…ઓહ એમ છે ત્યારે. પણ મારું નામ જેકી ચેન નથી…ગાય છે. ગાય કાવાસાકી!”

એવર-ફ્રેશ રહેતી વર્જિન એરલાઈન્સમાં મુસાફરી કરી રહેલા આ ‘ગાય’ ભાયડાને ઉપર મુજબનો ફૂલ-ફટાકડી એર-હોસ્ટેસ જેવો અનુભવ ઘણી વાર થઇ ચુક્યો છે. એ આખરે કરે પણ શું? જ્યારે એનો ચહેરો પેલા તોફાની ટારઝન જેકી ચેનને મળતો આવતો હોય ત્યારે આવા મસ્તીભર અનુભવોનો લાભ તો ઉઠાવતા જ રહેવું પડે ને!

ગાય કાવાસાકી જાપાનીઝ ઓલાદનું અમેરિકન વર્ઝન. ચિંતામાં પણ તેનો ચહેરો હંમેશા હસતો દેખાય એવા આ હસમુખલાલના હાસ્યનું સિક્રેટ એટલું જ છે કે તે હંમેશા ચિયરફૂલ મિજાજ રાખે છે. એની પાછળનું બીજુ કારણ એ કે તેની કેરિયરની શરૂઆતના અમૂક વર્ષો બીજી એવર-ફ્રેશ એપલ કંપનીમાં કામ શીખી-કરીને આવ્યો છે.

કહેવાય છે કે ‘મેકિન્ટોશ’ કોમ્પ્યુટર વિકસાવવામાં ગાયનો બહુમુલ્ય ફાળો છે. એટલે ટેનશ્ન્સના પહાડોની વચ્ચે પણ પોતાના દિમાગને ‘હટકે’ રાખી શકે છે. ઈન્ટરનેટની દુનિયામાં તેણે પોતાની ઓળખ એક ‘ઇવેન્જલીસ્ટ‘ તરીકે કાયમ કરી છે. ઇવેન્જલીસ્ટ એટલે હાલના જમાનામાં ઈન્ટરનેટ માર્કેટમાં લોન્ચ થતી કોઈ પણ ઈનોવેટિવ પ્રોડક્ટ કે સર્વિસના સારા-નરસાં પાસાઓ અને તેના પર થનારી અસર પર પ્રતિભાવ આપનાર એક્સપર્ટ.

આમ જોવા જઈએ તો આપણી દેશી ભાષામાં ગાયને આપણે માતા ગણીએ છીએ. પણ આ ગાયભ’ઈ ટેકનોલોજી વિકાસ માટે ‘બાપ’ સાબિત થયો છે. કેમ કે તેનો હાલમાં મુખ્ય વ્યવસાય જ ઉભરી આવતા ઉદ્યોગ-સાહસિકોને ‘કેપિટલ’ (રોકાણ)પૂરું પાડવાનું છે. એટલે તેની કંપનીનું નામ ‘ગેરેજ ટેકનોલોજી વેન્ચર્સ’ રાખ્યું છે. તેના મત પ્રમાણે દુનિયામાં રાજ કરતી ટેકનો-કંપનીઓ (જેવી કે એપલ, ગૂગલ, માઈક્રોસોફ્ટ, ઓરેકલ, ઇન્ટેલની શરૂઆત નાનકડા ગેરેજમાંથી થઇ છે.)

ખેર, ગાય કાવાસાકીનાં લખાણનો મને બે વર્ષ પહેલાં જ પરિચય થયો છે. અને એ લખાણ પણ તેના પ્રેઝનટેશન દ્વારા મળ્યું. લગભગ એક કલાક ચાલનારા આ લેક્ચરમાં મને કોઈક નવો કોન્સેપ્ટ, આઈડિયા કે વિચારને પ્રદર્શિત કરવા માટેની ગાઈડલાઈન્સ મળી આવી. લખાણની શૈલી ને વિકસાવવા લગતી કેટલીક નવી ટેકનિક્સની જાણકારી હાંસિલ થઇ. અને એ જ લેકચર પરથી તેમનું પુસ્તક તૈયાર થયું છે:

આર્ટ ઓફ ધ સ્ટાર્ટ. એટલે શરૂઆત કરવાની કળા‘.

Art-of-the-Start-Book

આ શરૂઆત એટલે શેની શરૂઆત?….

ખાવાની- પીવાની..?

ઉઠવાની- ચાલવાની- ચલાવવાની…??

દોડવાની- પકડવાની- બેસવાની- આરામની…???

હરાવવાની- જીતવાની- સામેવાળાનું કરી નાખવાની‘….????

કે પછી પોતાના ગુના ધોવાની કે કોઈકને ધોઈ નાખવાની….?????

…..અરે ના ભાઈ ના…એવી કોઈ ફિઝીકલ બાબતને ધક્કો મારવાની વાત નથી. પણ માહિતીઓના મહાસાગરમાંથી નાનકડાં પણ અસરકારક સારામાં સારા વિચારો, આઈડિયાઝ, કોઈ મજબૂત સ્કિલ, કોઈક પ્રયોગ યા પ્રોજેક્ટને થોડાં વધુ અસરકારક રીતે બહાર કાઢવાની વાત છે. જેમાં કોઈક નવી દુકાન, કંપની, સામાજિક મિશન યા પછી જોબ-સ્થાપન પણ હોઈ શકે.

પણ અહીં એવા પરિબળોને બહાર કાઢીને બસ પછી ‘હાશ!’ કરવાની વાત નથી કરવામાં આવી…એમાં જે માધ્યમ થકી તમારા શ્રોતાજનો, સહકાર્યકરો અને ગ્રાહકોને પાચક અદામાં સમજાવી-શામેલ કરાવવાની વાત છે. અબ યેહ બાત આપકી સમજ મેં તો આ ગઈ ના સાહબ?”

કેટલાંક કહેશે જો દિખતા હૈ, વહી બિકતા હૈ. એમાં બહુ નાટક કરવાની જરૂર ક્યાં આવી?” બરોબર છે. પણ આ ‘દિખતા હૈ’ અસરકારક ત્યારેજ બને છે જ્યારે તેમાં એવા કેટલાંક સુપાચ્ય મસાલાનો તડકો મારવામાં આવે. જેનાથી જોનાર-સાંભળનારને આ તડકાની ‘ઠંડક’ મહેસૂસ થાય. આવા નાનકડાં ચુટકી નમકવાળા વાક્યો (કે પોઈન્ટ્સ)નું સંયોજન એટલે આર્ટ ઓફ ધ સ્ટાર્ટ.

તમને (યા પુરુષ હોવ તો તમારી પત્નીને) ગર્ભ રહે (પ્રેગ્નન્ટ થાવ) ત્યારે શું કરો?- અલબત્ત એવી વ્યક્તિઓ પાસેથી માહિતીઓ એકઠી કરો જેની પર તમને વિશ્વાસ હોય. અથવા આ જ વિષયની કોઈક એવી બૂક લઇ આવશો…બરોબર?

તમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે ત્યારે કેમ આગળ વધશો?- એવી તકો શોધતા રહેશો જેમાં તમે જેમ બને તેમ તમારી જાતને સંભાળી શકો. અથવા એવાજ ટાઈટલની એક બૂક લઇ આવશો જે તમને પ્રેરણાત્મક બળ પૂરું પાડી શકે….ખરુને?  

તમને એક કરોડ રૂપિયા (કે એક મિલિયન ડોલરનો) ભડભડતો આઈડિયા આવ્યો છે. પછી શું?- ત્યારે આ આઈડિયાની આગને લાગમાં ફેરવવા શું પગલાં ભરશો?- એવા જ કોઈક ઉદ્યોગ સાહસિકની કે સાચા સલાહકારની મદદે દોડી જશો ‘જો આપકી ઝીંદગી બદલ દે’. અથવા ‘આઈડિયામાંથી કરો કમાણી’ નામની કોઈ એક મશહૂર પોથી લઇ આવશો….કેમ સાચું કીધું ને?  

આર્ટ ઓફ ધ સ્ટાર્ટ બૂકને આવા ઘણાં વિચારોનું, આઈડિયા વિકાસનું કે મુશ્કેલીમાં મદદનું પ્રેરક-બળ કહી શકાય.

ગાયભાઈના કહેવા પ્રમાણે કોઈ પણ વિષય-વસ્તુની વ્યવસ્થિત શરૂઆત કરો ત્યારે…

  • કોઈ પણ બાબતની પાછળ રહેલી (સંતાયેલી) બાબત પર નજર રાખો.
  • મિશન સ્ટેટમેન્ટને બદલે નાનકડો પણ અસરકારક મંત્ર રચો.  ‘ગ્રાહકનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. જે માટે એમના ઓર્ડર પર પૂરતું ધ્યાન આપવામાં અમે તન-મન-ધન એક કરીશું.’ જેવા લાંબા-લચક વાક્યોને બદલે ‘સ્વસ્થ ઝડપી સેવા’માં બધું કહી શકાય.
  • એવરેસ્ટ પર ચઢવાની શરૂઆત ઘરમાંથી બહાર નીકળીને કરો.- એટલે મોટા પ્રોજેક્ટની આશા(નિયત) રાખી નાનકડા પગલાથી શરૂઆત…
  • બાપુજીએ વર્ષો સુધી પતરાં ટીપ્યા…તમે ટીપવાનું ઓટોમેટિક મશીન લઇ આવો.- એટલે જુનવાણી વિચારને દફન કરી નવા-નવા અમલ પર કાર્ય કરતા જાવ.
  • આગળ વધતા રહો. થોડો વિકાસશીલ અસંતોષી નર થોડો વધારે સુખી બનતો અને બનાવતો રહે છે.
  • શરૂઆતથી જ….તમારી એક હટકે ઓળખ સ્થાપો. – ગાંધીદાદા, ધીરુદાદા, કરસનકાકા તમે તો હજુયે વર્ષો સુધી યાદ રહેવાના…હોં!
  • ગ્રાહક કોઈ પણ બાજુથી આવી શકે તે માટે ચારે બાજુથી દરવાજા ખુલ્લા રાખો.- સાથે સિક્યુરિટી માટે પણ સજાગ રહો.

આવા તો કાંઈક-એવા ચબરખાઓ દ્વારા ગાયભાઈ આર્ટ ઓફ ધ સ્ટાર્ટ માં ડાઈરેક્ટ કે ઇન-ડાઈરેક્ટ રીતે ગાંગરે છે. તેના આવા સૂર માણવા બુકના તબેલામાં જઈ આવવું જોઈએ દોસ્ત!

          વધુમાં…એમાંથી આપણને….

  • કોઈ વાતને ગાગરમાં સાગરની જેમ સમજાવવી હોય તે માટે ૧૦-૨૦-૩૦ની ફોર્મ્યુલા કેવી રીતે વાપરવી?
  • ધંધાની શરૂઆતમાં આપણા જેવું જ ચંચળ માનસ ધરાવતો ‘વેપારીક આત્મન’ (દિલદાર બિઝનેસ પાર્ટનર) કેવી રીતે શોધવો?
  • કોઈ પણ મોટા પ્રોજેક્ટ શરુ કરતી વખતે કોની કોની સલાહ લેવી યા કોની ન લેવી?
  • આપણા થકી ગ્રાહક સુધી કોઈ પણ સેવા કે વસ્તુ ખુબ સરળતાથી કઈ રીતે પહોંચાડી શકાય?
  • પ્રગતિને પંથે આડે આવતા કેટલાંક ‘નસ ખેંચું’ બળો (તેની ભાષામાં ‘બોઝો’)ને કઈ રીતે દબાવવા…

          જેવી ઘણી ચબરાકી ટીપ્સ પણ આપવામાં આવી છે. આવી ટીપ્સ લેવા માટે માથા ટીપ્યા વગર બૂક ખરીદી લેવી સારી.

‘ગાય’ તેના નામની જેમ નાનકડી પણ સીધી વાત કરવા માટે જાણીતો છે. એટલે ટાઈટલમાં પણ તેણે એવી સમજણવાળી વાત કરી છે. ‘શરૂઆત કરવાની કળા’….એટલા માટે કે તેની પર ‘ઝેન’ વિચારધારાની ઘણી અસર છે. જ્યારે અટક ‘કાવાસાકી’ છે એટલે બજાજ મોટર સાયકલ સાથે જોડાયેલી ન હોવા છતાં ‘બુલંદ અમેરિકામે બુલંદ વિચાર’ કરી શકે છે. વતન ભલે જાપાન હોય પણ વર્તનતો અમેરિકન જ ને…

અમેરિકન પ્યાલામાં જાપાનીઝ ‘કાહવા’ પીવડાવતા સાકીની લિજ્જત એટલે!…આર્ટ ઓફ ધ સ્ટાર્ટ!

ચાલો…..એટલીસ્ટ બૂક લેવાની પણ શરૂઆત તો કરો!

દોસ્તો, તમારા કોઈ એવા સ્વજન છે જેમને આ બ્લોગ-પોસ્ટ મદદરૂપ થઇ શકે?- તો એમનું નામ અને ઈ-મેઈલ જણાવી આજના દિવસે એટ-લિસ્ટ શુભકાર્ય કરવાની પણ શરૂઆત થઇ શકે એમ છે :-)

‘વ્હે’પાર:: સિદ્ધિ તેને પણ જઈ વરે જે લોહીથી છે ન્હાય !

Arfa-Karim-Randhawa

(c) Wikipedia

દોસ્તો, પાકિસ્તાનનું નામ આવે ત્યારે તુરંત આપણા મનમાં ‘આતંકવાદ’, ‘કોમવાદ’, ‘દુશ્મન’ જેવા શબ્દોની ગોળીઓ છૂટી પડે છે. પણ આ વખતે આવા કુ-નામોને જરા મનમાં જ શમાવી ને તાજેતરમાં જ એક બુઝી ગયેલી શમાને યાદ કરી લઈએ તો…. 

‘અરફા’ કરીમ રંધાવા

અરેબિકમાં અરફાનો અર્થ થાય છે ‘મહાનતા’ એટલે ‘Greatness’. તેણીએ સાચેજ આ નામ ૮ વર્ષમાં સાર્થક કરી આખા પાકિસ્તાનમાં તો અમર કરી દીધું પણ સાથે સાથે કોમ્પ્યુટરની દુનિયામાં પણ ૮ વર્ષની વયે મગજ-તોડ MCP (Microsoft Certified Professional) નું દિગ્ગજ પદ હાંસિલ કરીને એક અનોખી સિદ્ધિ મેળવી લીધી હતી. જે ઉંમરે હજુ બાળકો કોમ્પ્યુટરનું ‘બેઝિક’ જ્ઞાન પણ થોડું બેઝિકસ જ જાણતા હોય છે ત્યારે અરફાની એ નાનકડી ઉંમર માટે આ પ્રમાણપત્ર ઘણું ટચૂકડું સાબિત થયું.

વ્હાલાં સ્કોલર્સ !….આ પ્રમાણપત્ર મેળવવું કાંઈ આસાન નથી…. MCP ના રામબાણ જેને વાગ્યા છે તે લોકોને ખબર છે કઈ રીતે તેમના બાર વાગે છે. કેટલાંય ખાટુંઓ અધવચ્ચેથી હાથ ધોઈ નાખે છે. યા પછી ઈજ્જત બચાવવા માંડ માંડ પાસ કરે છે ત્યારે ૧૯૯૫ની બીજી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના ફૈઝલાબાદમાં આવેલા નાનકડા કસ્બામાં જન્મી અરફાએ ૯ વર્ષ પૂરા થાય તે પહેલા આ સર્ટીફિકેટ હાંસિલ કરી ચુકી હતી. આ મોટી સિદ્ધી મેળવ્યા બાદ ૨૦૦૫માં MCP ના પ્રણેતા બિલ ગેટ્સે આ ટચુકડીને તેના માઈક્રોસોફ્ટના હેડ-ક્વાર્ટરની મુલાકાતનું આમંત્રણ આપ્યું હતું………પોતાને ખર્ચે !

પ્યારા પ્રબુધ્ધ્જનો !… તે સમયમાં સિયેટલ શહેરમાં આવેલા માઈક્રોસોફ્ટના એ હેડક્વાર્ટર જોવા માટે દુનિયાભરના ટેકનો-ગિક્સ બાધા માનતા, પોતાની દુનિયા એક કરતા, અંદર સમાવતા. તેના ઇન્ટરવ્યુ આપવા માટે, નસ-ખેંચાઈ જાય એવા સવાલોના જવાબો આપવા માટે થોથાંઓ ઉલટાવી નાખતા. ત્યારે પોતાના બલ-બૂતા પર બિલ ગેટ્સના માનીતા બનીને અરફાએ ત્યાર બાદ બીજા ૫ વર્ષમાં આવી બીજી કાંઈક કેટલીયે પ્રો-સિદ્ધિઓ મેળવી લીધી હતી. આવું એટલા માટે કે તેને મળ્યા બાદ ખુદ બિલભાઈ પણ માની ગયો હતો કે “આ બાળકી તો MCP ના લેવલ કરતા પણ આગળ નીકળે એવી છે.”  (હવે લાગે છે કે ‘How would You Move Mount Fuji પુસ્તક વાંચ્યા વગર પણ આ રીતે ત્યાં પહોંચી શકાય છે.)

પ્યારે પિતાજી- માતાજી !….તમારા બાળકને બસ!… માત્ર કોમ્પ્યુટર ના ‘કરવા’ દેજો…..એને એમાં રહેલી કઈ બાબત પ્રત્યે સૌથી વધુ લગાવ છે તે કરવા દેજો. પછી જુઓ વખતે ‘એ જ’ તેમને આગળ કરવામાં મદદરૂપ થઇ જશે.

અરફા જન્મી ત્યારે બગલા જેવી તો હતી પણ તેની ઝીંદગીના સોફ્ટવેરમાં ‘બગ’ લઈને જન્મી હતી જેનું જ્ઞાન અમૂક જ વર્ષો પછી ડોક્ટર્સને થયું ત્યારે પિતા કરીમે પાકિસ્તાનના નામાંકિત બીજા ઘણાં હાર્ટ-સર્જનો પાસે તપાસ કરાવી. એક રિપોર્ટ મળ્યો. “અરફાકે દિલમેં છેદ હૈ. ઉસકી વજહ સે દિલકે આસપાસ આયે હુએ મસલ્સ પર જોર આ રહા હૈ. કહા નહિ જા શકતા કે બેટી કિતા વક્ત જી સકતી હૈ…”

શું ખેલ ખલ્લાસ થઇ ગયો? ના..ના ખેલાડીઓ !! પછી તો ખેલ શરુ થયો. આ બાળકી અને તેની આસપાસ રહેલા માઈક્રોસોફ્ટની મેગા દુનિયાનો. એક વાત ફરીથી માની જ લેજો કે “કુદરતની રમતમાં એક દરવાજો બંધ થાય છે ત્યારે..બીજા કેટલાંય અગણિત દરવાજાઓ ખુલ્લા થાય છે. પણ વધુ ભાગે લોકો બંધ થયેલા દરવાજા પાસે બેસી રડ્યા કરે છે.” નબળાં હાર્ટની સામે દિમાગની નસ ઘણી મજબૂત સાબિત થઇ. એનું પરિણામ તેના પિતા કરીમબાબાને અરફાના ૯માં વર્ષે જોવા મળી ગયું. સમજોને કે કુટુંબના એ સૌ માટે નવવર્ષ બની ને આવ્યું. ને પછી શરુ થયો પ્રસિદ્ધિનો એક મેગા દોર. પાકિસ્તાનનો જિન્હા એવોર્ડ સાથે, બીજી કાંઈક કેટલીયે એકેડમીઓના સેંકડો મેડલ્સ, માનનીય સંસ્થાઓનું સભ્યપદ, હજારો ભેંટો, લાખોની દૌલતનો વરસાદ…તે પણ તેની ૧૫ વર્ષની વયના ઉંબરે!

પોતાની બીમારી વિશે જાગૃત અરફાએ બિલ ગેટ્સ તરફથી દરેક પ્રકારની મેડીકલ મદદનો શાનથી અસ્વિકાર કર્યો. ચાર દિવસ પહેલા ૧૪મી જાન્યુઆરીએ સવારમાં આપણે તો સૌ આપણા પોતાના પતંગો ચગાવવામાં મશગૂલ થયા હોઈશું ત્યારે આપણી પડોશમાં જ આવેલા દેશના કસ્બામાં અરફા નામના નાનકડા કટી-પતંગનો ફૈસલો કાયમ માટે થઇ ગયો હતો…

મને હવે આશ્ચર્ય નથી થતું કે સુપર-સિદ્ધિ હાંસિલ કરનારાઓ આ દુનિયામાંથી જલ્દી કેમ વિદાય થઇ જાય છે?!?!?!?!? કારણકે એ ખુદ લોકો પંચ-વર્ષિય યોજનાને માત્ર ૬ મહિના કે એક વર્ષમાં જ પતાવી દેતા હોય ત્યારે ખુદાને પણ કહેવું પડતું હશે કે ચલ બચ્ચે! તેરી યહ ક્લાસકા હોમવર્ક તો કમ્પ્લીટ હો ગયા હૈ…આ અબ લૌટ ચલે દૂસરી ક્લાસમેં

શક્ય છે એ ઘડીમાં…યા પછી અત્યારની ઘડીમાં હજારો દીકરીઓ કે દીકરાઓના આવા ફૈસલા થઇ રહ્યાં હશે પણ અરફાની વાત એટલા માટે બહાર આવી કે તેણે જાતે કોઈક ‘હટકે’ (પ્ર)સિદ્ધિ મેળવી હતી….જ્યારે રિદ્ધિ તો આ દુનિયાએ આપી હતી.

બોલો હવે કોઈ જણાવી શકશો કે આવી જ કોઈ હટકે બાબતે આપનામાંથી કોઇ શ્રીગણેશ કરી રહ્યુ છે?

અરફાઓ જન્મતી નથી…જન્માવવી પડે છે.

….સવાલો-જવાબો આવકાર્ય.

મિત્રો, અરફાની આખી બાયોગ્રાફી હું અહીં લખી શક્યો નથી. એટલા માટે કે હું તેને જાતે મળી શક્યો નહિ. પણ એટલું કહી શકું છું કે તેના વિશે લખાયેલા કલામમાં, કલમમાંથી જે વેવ્સ મળી આવ્યા છે તેને બસ આપ લોકોની સાથે વહેંચ્યા છે.. જો હું મળી શક્યો હોત તો કદાચ તેની ૧૬ વર્ષની ઉમ્રમાં થયેલા ઘટનાક્રમને હજુ વધુ ખોલી શકવા સક્ષમ થઇ શક્યો હોત…

સરતાજ’ દીકરીનો જ સર‘પંચ’

“If you want to do something big in your life, you must remember that shyness is only the mind. If you think shy, you act shy. If you think confident, you act confident. Therefore never let shyness conquer your mind.” – અરફા કરીમ રંધાવા

વેપાર મય-વિસ્મય: !!! ઓગ્મેન્ટેડ રિયાલિટી !!!…સબ-કુછ હૈ આસપાસ…પર હાથમેં ન હો કુછ ભી સાથ…

ઓગ્મેન્ટેડ રિયાલિટી’ એટલે વધારેલી વાસ્તવિકતા‘. દેશી ભાષામાં કહીએ તો ‘કોમ્પ્યુટર ગ્રાફિક્સ દ્વારા “જે ન હોય તેમાં વર્ચ્યુઅલ અસર ઉપજાવી સર્જેલી (અ)વાસ્તવિકતા. હમણાં હમણાંથી મને ખૂબ ગમતો વિષય. ઝડપથી વિકસતી ટેકનોલોજીમાં ‘ઓગ્મેન્ટેડ રિયાલિટી’નું નામ મુખ્ય છે. જે વધુ ભાગે આપણને ટી.વી. પર આવતી જાહેરાતોમાં અને હવે ઘણી ફિલ્મોમાં જોવા મળે છે.

ધ્યાનમાં આવે તો ફિલ્મ ‘તારે ઝમીન પર’માં બાળક ઇશાનના માથાની આસપાસ ફરતી ટ્રેઈન, પ્રાણીઓ અને વસ્તુઓ…. એવી જ રીતે રજનીકાંતની ‘રોબોટ’ ફિલ્મમાં અને ખાનની રા-વન જેવી સેંકડો ફિલ્મોમાં તો ડગલે ને પગલે વપરાયેલી છે.

આજે આ જ ટેકનોલોજી પર ત્રણ મજાના ઉદાહરણો બતાવવા છે…ને પછી એક ખુબ ઉપયોગી તક વિશે વાત પણ કરવી છે.

  1. અમેરિકાના એક રિટેઈલ ચેઈન આઉટલેટ ‘ટેસ્કો’એ પોતાની વસ્તુઓને આવી અસરમાં ઉપજાવી ગ્રાહકોને ગાંડા કર્યા  છે. સ્પર્શ્યા વગર પણ વસ્તુઓ ને નજીકથી બતાવી ખરીદવા તલપાપડ કરતા ડેમો ને તમે જ જોઈ લ્યોને આ વિડીયો-ક્લિપમાં…

 

………………………………………………………………………………………………………………………..

Continue reading

સાત મિનિટમાં સેલ્સમેનશીપનો ક્લાસ…ઝક્કાસ!

“તું શું વેચવા આવ્યો છે?”

પર્સનાલીટી!..…પણ આ પ્રોડક્ટ તો એની જાતેજ વેચાય છે…”

“એવું કેમ?”

“કેમ કે મારા ગુરુ ટોની રોબિન્સે કહ્યું છે કે ૨ વર્ષ ‘ડોર  ટૂ ડોર’ સેલિંગની પ્રેક્ટિસ ૪ વર્ષના સેલ્સ-માર્કેટિંગ મેનેજમેન્ટની કોલેજ ડિગ્રી બરોબર છે.”

આજે એક વિડીયો ક્લીપ દ્વારા સાત મિનીટમાં સેલ્સની વાત બતાવવી છે. અને તે પણ હસતા હસતા.... :-)   ન સમજાય તો બીજી વારની ૧૪ કે ૨૧ મિનીટ્સ પણ વપરાઈ જાય તો લેખે લાગશે..

વાત કેની બ્રુક્સના અફલાતુન સેલ્સમેનશીપની છે. ચપટીમાં મીઠ્ઠી વાતોથી હસતા-હસાવતા ગ્રાહકને પ્રોડક્ટ દ્વારા ફસાવી ખુબીથી હાથમાં ૩૦ ડોલર્સની લિક્વિડ-ક્લિનરની બોટલ મૂકી જાય છે. જે સમજદાર છે તે એમાંથી પ્રોડકટ સાથે ઘણું બધું લઇ શકે છે ને જેઓ તેને ‘અવગણે’ છે તે થોડું (ઘણું) ગુમાવે છે.

દોસ્તો, કેની બ્રુક્સ જેવો ‘સાલસ’મેન આપણે આંગણે આવી બારણા-બારી કે જમીનને ચમકાવી જાય ને પછી હાથમાં એવી કોઈ જરૂરી વસ્તુ વેચી જાય ત્યારે હોંશે હોંશે લઇ લેવાનું મન કેમ ન થાય?!?!?! 

હે નવયુવાન બાળકો અને એમના વ્હાલાં-વાલીઓ!…. તમને કે તમારા ઉગતા બાળકને ચમકવું છે?- તો વહેલી તકે ‘ડોર ટૂ ડોર’ વેચાણ કરવા-કરાવવામાં શરમ ન અનુભવશો…કેમ કે

ચમક…એકલા લિક્વિડથી નથી આવતી….એ આવે છે તે વસ્તુ કે સેવાને જરૂરતમંદ સુધી પહોંચાડતા દરેક પરિબળથી…..લિક્વીડીટીથી

કેની બ્રુક્સ આજે મારા માટે સાચો ‘સર’ પંચ છે.

આપના સ્નેહી કે દોસ્તને આ બ્લોગ વિશે જણાવવું હોય તો કોનું નામ આપી શકો?