=[વેપાર વિચાર]= જો ગુમાવીને પણ કાંઈક મેળવવું હોય તો…

જસ્ટ ઈમેજીન.

તમે તમારા બોસની બબાલ…બૈરાની બકબક….અને વધું પડતા કામનો કકળાટ, જેવી બાબતોથી થાકી ગયા છો. ટેન્શનનો પહાડ માથે ભમી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. 

ત્યારે તમને આ બઅઅઅઅધ્ધું થોડા સમય માટે ક્યાંક છોડીને એવી જગ્યાએ ‘ચાઈલા જવું’ છે, જ્યાં તમે…ખુદ ‘સ્વ’ બન્યા વિના થોડા જ સમયમાં ‘સ્વ’સ્થ થઇ શકો…તો કેવું?

તેના રસ્તાઓ તો ઘણાં છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ ઓટો કંપની જીપ તેની એક અનોખી GPS ટેકનોલોજીમાં એ બાબતે ડિજીટલી રસ્તો બતાવી મદદે આવી છે. (GPS એટલે ગાડીને નાનકડા સ્ક્રિન પર રસ્તો ગાઈડ કરતો ઈલેક્ટ્રોનિક ભોમિયો

જીપે તેના નવા મોડેલમાં ગોઠવેલી GPS સિસ્ટમની અંદર એક નવો ઓપ્શન મુક્યો છે. ‘GET LOST’. ખાસ એવા લોકો માટે જેઓ ઉપર મુજબના હાલથી બેહાલ થયા છે. અને ક્યાંક એવી અજાણી જગ્યાએ પહોંચી જવા માંગે છે કે જ્યાં થોડો સમય તણાવ મુક્ત રહી શકે.

ત્યારે આ Get Lost સિસ્ટમનો બટન દબાવતાં જ આપણને કાર/ગાડી એવા ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં લઇ જાય છે કે આપણને થાય છે કે… ‘લે! હાળું આવું દ્રશ્ય તો ક્યારેય જોયું જ નો’તું લ્યા !

નીચેની વિડીયો ક્લિપ જોયા પછી તમને પણ થશે કે…. “માણસને અજાણ્યા રસ્તા ઉપર લઇ જઈ તેનો ખુદનો સાચો ‘રસ્તો બતાવે’ એવી ટેકનોલોજી તે આનું નામ…

=] સર‘પંચ’ પોઈન્ટ:[=

મોબાઈલના App Developes, તમને આમાંથી ‘ઝબૂક’ કરતો કોઈક આઈડિયા મળ્યો? - મને તો મળ્યો છે...જ.દ !

(મને યકીન છે કે...આ ટેકનોલોજીને ભારતમાં ઘણું મોટું માર્કેટ મળી આવશે.) 

<= મોરલો=>

“જીવનમાં ક્યારેક ખુદની જાતને મળવું હોય તો... ‘Get Lost’ પણ થતા રહેવું.”
.

વેપાર વાઈરસ:: ક્રિયેટિવ કોમ્યુનિકેશનનો એક કૉફી-કપ

આજે….એક ઔર ‘જસ્ટ ઈમેજીન’… 
-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.

|| તમારા શહેરની એક ઘણી પ્રચલિત કૉફી-હાઉસમાં તમે વારંવાર એકલા કાં તો કોઈક વ્હાલા-વ્હાલી સાથે કૉફીની ચુસકી માણવા જાઓ છો. તમને ત્યાંની કૉફીના ટેસ્ટ સાથે તેની સર્વિસ, સ્ટાફ, સ્વભાવ અને ઓફકોર્સ… ભાવ પણ ગમે છે. 

ને એક દિવસ સવારે અચાનક…

તમે આદત મુજબ ત્યાં પહોંચી જાઓ છો. પણ અંદરનું દ્રશ્ય સાવ બદલાઈ ગયું છે. એક નવું જ રિફ્રેશિંગ ઈન્ટીરીયર દેખાય છે. સવિતાને બદલે ‘સ્વિટી’ અને જયકિશનને બદલે ‘જેક્સન’ દેખાય છે. 

સાવ નાનકડા કૉફી-પ્યાલાને બદલે બંને હાથે પકડી શકાય એવો અલમસ્ત, કૉફીની સોડમ યુક્ત મોટ્ટો પેપર કપ દેખાય છે. અને ૨ વર્ષથી એકના એક વપરાયેલા ક્લાસિક ‘પ્રાઈઝ-કાર્ડ’ને બદલે…વાઉ ! ગ્લોસી પેપર વાળું ‘મેનુ’ દેખાય છે. 

‘હોં સાહેબ!, હા બેન!’ બોલવાને બદલે એ લોકો સેક્સી વોઇસમાં “હેલોઓઓ, હાય ! વોટ કેન આઈ ડૂ ફોર યુ, સર?” સંભળાય છે. તમે ભલે ટેન્શનમાં આવી જાઓ છો પણ એ સૌ તમારા હાવભાવને વાંચી રોજીંદી આદત મુજબ જ કૉફીનો ઓર્ડર લે છે. પણ બધું જ અંગ્રેજીમાં બોલે છે અને તમને પણ બોલવાની આદત પાડે એવો માહોલ રચે છે. 

ટૂંકમાં, તમને થાય છે કે…હાઈલા ! મરી જ્યા આજ તો ! આ હવાર-હવારનું આપડું દેશી શપનું જ છ ક પ્હછી હાચે જ બાપાએ રાતોરાત વિહ્ઝા કરી આલીને ઈંગ્લીસ દેશમોં ક્યાંક ટ્રાન્ષપોર્ટ કરી કાઈઢો છ ?!??!?!?!?

પણ એ લોકો ભલા છે તમને કૉફી આપવાની સાથે એક મસ્ત રંગીન બ્રોશર પણ આપે છે (યારો ! પ્લિઝ હવે અહીં ‘બ્રોચર’ ન બોલશો હોં !).

અંગ્રેજીમાં પ્રોફેશનલ વાતચીતની કળા શીખો. 

થોડાં દિવસો માટે ‘તદ્દન મફતમાં’ અંગ્રેજી શીખવાના ક્લાસ એટેન્ડ કરવા માટે સમજાવવામાં આવે છે. તમે દેશી સ્ટાઈલમાં વિદેશી ભાષા શીખવા તૈયાર થઇ જાઓ છો. અને એ લોકો કૉફી-કપ દ્વારા તમને બાટલીમાં ઉતારી દે છે. બધાં જ જીતે છે. એક નવું પરિવર્તન સર્જાય છે. ||
-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.

યેસ દોસ્તો! કૉફીના બહાને રશિયાનોને બ્રિટીશ-અંગ્રેજી શીખવવાની આ હટકે સ્ટાઈલ રશિયાના જ એક નાનકડા ટાઉન એક્ખાતરીનબર્ગમાં શરુ થઈ છે. અને ત્યાંની પ્રજાએ આ મિશનને સારો એવો રિસ્પોન્સ આપ્યો છે.

તમે તમારી પ્રોડક્ટ કે સેવા સાથે એવું કોઈ ગતકડું કરી શકો છો? કે પછી એવો કોઈક આઈડિયા દોડ્યો હોય તો (કૉફી વગર) શેર કરી શકો છો.

[ હવે આજે આટલું પૂરતું છે. ખરુને? એટલે ‘સરપંચ’ જાણવા માટે ફેસબૂક પર આવતી રહેલી નેક્સ્ટ #PatelPothi ના પોઈન્ટ પર નજર રાખવી. ] 

– ચાલો, અત્યારે હું તો આ ઉપડ્યો ‘ટી’ પીવા! તમતમારે ત્યાં સુધી  વિડીયો જોઈ લ્યો….

વેપાર-વાઈરસ:: હસતા- હસાવતા કમાણી કરી શકાય છે….આ રીતે પણ !

દોસ્તો,

તમને થોડું હસતા અને……થોડું વધારે હસાવતા આવડે છે?-

જો હા! તો આજની આ પોસ્ટને દિલમાં વસાવી લેજો. કામ લાગી શકે છે. એટલા માટે કે તેમાંથી એક તકને પકડવાની છે. તો પેશ છે તેની શરૂઆત એક ઉદાહરણ સાથે…

એમનુ નામ છે: મી. વિલી. ઉંમર વર્ષ હશે લગભગ ૫૦+. પણ કામ અનોખું છે. જોવામાં આમ તો સાવ સહેલું લાગે પણ કરવામાં એટલું ય સહેલુંય નથી…બોસ!

વિશ્વ પ્રસિદ્ધ વોલમાર્ટના હાઈપર સ્ટોર્સમાં વિલીભાઈની પોઝીશનનું નામ છે. ‘ગ્રીટર’. એટલે કે આવકારનાર. જેઓ વોલમાર્ટમાં માત્ર ખરીદી કરવા જ નહિ પણ ક્યારેક જોવા (વિન્ડો શોપિંગ કરવા) પણ આવે છે, એવા દરેકને તેઓ હસતા ચહેરે આવકારે છે.

આવનાર ગ્રાહકનું શોપિંગ એન્ટરટેઈનિંગ કેમ બની શકે એની જવાબદારી આ વિલભાઈ વીલું મોઢું કર્યા વિના સંભાળે છે. થાકેલો મૂડ હોય કે પછી સ્ટોર્સની હજારો પ્રોડક્સના સાગરમાંથી જરૂરી એવી વસ્તુઓ આ વિલ હસતા હસતા શોધી આપે છે.

દોસ્તો, આપણામાંથી પણ એવાં કેટલાંક હસમુખભાઈઓ હશે જેઓ શારીરિક રીતે ભલે ‘રીટાયર્ડ’ થયા હોય પણ માનસિક રીતે હજુયે ‘ટાયર્ડ’ ન થયા હોય એમને આપણી દુકાન/ સ્ટોર કે ઇવન કંપનીમાં પણ ‘ગ્રીટર’ ની જોબ આપી આ રીતે સેલ્સ વધારી શકાય છે, યા પછી…આપણા માંથી જે ‘બધી રીતે જુવાન’ છે તેઓ આ રીતે હસી-હસાવીને કમાણી કરી શકે છે. ખરું ને?

જો એવી કોઈ સરફરોશી દિલમાં આવે તો એવા સ્ટોર્સમાં પહોંચી જઈ આવી હસમુખી પોઝિશનની માંગણી સામેથી કરી એક નવા જ પ્રોફેશનલ કેરિયરનું ડેવેલોપ કરતા તમને કોણ રોકી શકે ભલા?!?

સર‘પંચ’:

“કામ કોઈ નાનું કે મોટું નથી હોતું. એ તો આપણે તેની પાછળ રહેલી નિયતને અલગ-અલગ સાઈઝ આપી દેતા હોઈએ છીએ.”

.

વિલીભાઈને જોવો હોય તો આ રહી એની વિડીયો લિંક: 

 

વેપાર વ્યક્તિત્વ: માર્કેટમાં અલમસ્ત બનેલા ‘મસ્ક’ની મજાની બાબતો !

Elon Musk

Elon Musk (C) Wired.com

આ…એલન મસ્ક નામનો આ આફ્રિકી-અમેરિકન વેપારી મને અત્યારે બહુ જ અલ-મસ્ત લાગી રહ્યો છે.

એનાં ૩ સુંદર કારણો છે….

૧.=> એલને ‘ટેસ્લા’ બ્રાન્ડનો સર્વેસર્વા બની ઇલેક્ટ્રિક કારનો બહોળા પાયે વિકાસ કર્યો છે. જેને કારણે અમેરિકન કાર ઇન્ડસ્ટ્રીઝમાં ત્સુનામી ફેલાયું છે. પણ પેલા (એલન બોર્ડર)ની જેમ તે એના હરીફોને હંફાવતો રહી આગેકૂચ કરતો જ રહ્યો છે.

૨.=> સ્પેસ-એક્સ મિશન સાથે તેણે ‘ઘરેલું રોકેટ’ ઇન્ડસ્ટ્રીનું પણ પ્રોડક્શન શરુ કરવાનો પ્લાન બનાવ્યો છે. જેનું કન્ઝયુમર માર્કેટ બરોબર લોન્ચિંગ થાય તે માટે તેનું સફળતાપૂર્વક રોકેટ-લોન્ચ પણ કરી કાઢ્યું છે.

આ મિશનથી આવનારા દિવસોમાં ઘણી કંપનીઓ પોતાનો નાનકડો ઉપગ્રહ આકાશમાં તેમજ (મંગળ અને બીજા ગ્રહો પર) તરતો કરી શકશે. જ્યાં અત્યાર સુધી નાસા જેવી સંસ્થાઓનું એકહથ્થુ શાશન રહ્યું છે તેવા બીજા અન્ય અવકાશી રિસર્ચ-ડેવેલોપમેંટ માટે પણ સીધો ઉપયોગ કરી શકાશે.

(એક ‘મોતી’ વાત: એલને ૨ દિવસ પહેલા ઈચ્છા જાહેર કરી છે કે તેનું મોત ‘મંગળ’મય થાય.)

૩.=> થોડાં દિવસો પહેલા અમેરિકાની વિમાન કંપની બોઇંગના ડ્રિમલાઇનર મોડેલ્સમાં ઈલેક્ટ્રોનિક બેટરીનું ટોઈંન્ન્ન્ન્ન્ન્ગ કરતુ સૂરસૂરિયું થયું. જો કે રાતોરાત બોઇંગ કંપનીએ બધી બેટરીઓનો પાવર પાછો તો ખેંચી લીધો અને તેના સંશોધકોને રાત દિવસ ધંધે લગાડી દીધાં. (પણ એ સૌના મગજની પણ બેટરી ડાઉન થઇ ચુકી છે.)

હવે આવી હવા જ્યારે આ એલનભાઈના કાને અથડાઈ ત્યારે તેના સોશિયલ મીડિયા પર બેધડક જાહેર કર્યું કે…

“બોઇંગ બાપલ્યા! તમારા પ્લેનની બેટરીના ચાર્જ બાબતે મને સારું એવું પ્રેક્ટિકલ જ્ઞાન છે. કેમ કે ‘ટેસ્લા’ની ગાડીનો ટેસ્ટ આપડે એમાં કરી ચુઈકા છે ! તમે લોકાં એને ચાર્જ કરવાનો ચાર્જ કેટલો ચૂકવશો એની વાત કરો એટલે માર્કેટમાં આપણી પણ ‘મસ્ક’ની જેમ સુગંધ ફેલાતી રહે. માહરેય ઘરે બૈરા-છોકરાં હાચવવાના છે, હોં!”

તો દોસ્તો, હવે તમે જ કહો કે એલન ન ગમે એના કોઈ મસ્ક (સોરી મસ્ત) કારણો છે?

(બાય ધ વે, તમારામાંથી કોઈની પાસે બેટરીનું ગણતર હોય તો (ભણતર નહિ હોય તોય ચાલશે) બોઇંગમાં તમને ધંધો મળી શકે છે. હા! શરત એ છે કે તમને એલન પહેલા પહોંચી જવું પડશે નહિતર લાઈફમાં ખાલી ‘પ્લેઈન’ રહેવું પડશે…લાલા!)

હવે ઉપરોક્ત બાબતે અગાઉ લખેલા બોનસ સોર્સ પર પણ એક નજર રાખશો તો સારું…

•  http://netvepaar.wordpress.com/2012/10/29/creative-positioning-of-tesla/

•  http://nilenekinarethi.wordpress.com/2013/02/03/spacex-on-mars/ 

હાથીની જેમ સર્ચ-એન્જીનની યાદશક્તિ લાંબી અને કાયમી હોય છે.

Elephant-Search Engine

સર્ચ-એન્જીન ટેકનોલોજીને લગતા એક રસીલા સમાચાર વાંચ્યા.

“હાથીની જેમ સર્ચ-એન્જીનની પણ મેમરી(યાદશક્તિ) લાંબી (અને કાયમી) હોય છે.”

આ બહુ મજેદાર વાત છે. જો કે હજુ સુધી આપણે હાથીમાં ઝાંકીને જોયું નથી પણ વર્ષોના રિસર્ચ પરથી સિદ્ધ થયેલી માહિતીઓ સામે જ છે.

સર્ચ ટેકનોલોજીને હું દુનિયાની સૌથી મહત્વની શોધ ગણું છે. એટલા માટે કે તેમાં જે શક્તિઓ છે તે હવે બીજી શોધખોળોની શક્તિઓને પણ સંભાળી લેવા માટે સમર્થ છે.

તમને ખબર છે? આપણે ઓનલાઈન જે કાંઈ પણ લખીએ છીએ તેની છાપ એકવાર તેના જાળામાં પડી જાય છે અને જો એ જાળું એક સેકંડ પૂરતું તેના ઇન્ડેક્સિંગ પ્રોસેસમાં આવી ગયું, પછી સમજી લેવું કે તે બાબતનો ‘પાળીયો’ બની ગયો. (પછી ભલેને એ વીર-પુરુષ કાઠીયાવાડથી ન હોય.)

ખાસ કરીને ટ્વિટરની શોધ અને ફેસબૂકના ન્યુઝફીડ (સ્ટેટસ અપડેટ)ની શોધ પછી ગૂગલજીએ એમની અલગોરિધમને વધુને વધુ પાવરફૂલ બનાવી દીધી છે. કારણકે એ એવી માહિતીઓ છે જે પળમાં વાઈરલ ઇન્ફેક્શન જેવું કામ આપીને આખી દુનિયામાં લાખો કરોડો લોકો પાસે પળવારમાં પહોંચી જાય છે.

હવે રખેને તમે ભૂલથી એમ લખી નાખ્યું હોય કે…

‘ચાચા…આજ મર ગયે.’ અને થોડી જ સેકન્ડ્સમાં સુધારીને ‘ચાચા અજમેર ગયે’ સુધારી લ્યો. પણ એના માટે તો First Impression is the Top Impression બની જાય છે.

એટલા માટે તો કહેવાય છે ને કે… “બોલો તો એવું બોલો કે સાંભળનારને યાદ રાખવું ગમે.” શક્ય છે કે આ બધાં સોશિયલ પ્લેટફોર્મ પર બનાવેલાં આપણા ટ્રેક્સ (પાટા) મજબૂત હશે તો જીવન, કેરિયર કે વેપારની ગાડી મજ્જાની દોડતી રહેશે.

હવે મેમરીની બાબતે આવો મજાનો મમરો (કે ભમરો) મૂકવો જરૂરી લાગે છે ને?

મોરલો:

” હાથી માટે ભમરો પણ કાનમાં ઘૂસી ભમગરાનું કામ કરી શકે છે. માટે ચલો…હમ સબ ચિંતા છોડે, સુખસે જીયે ઔર કુછ અચ્છાસા પ્રદાન કરે ! “

વેપાર વીરતા –| હીટ થઇ બહાર આવેલા ‘હોટ’ સમાચાર |–

ઈ.સ. ૧૯૯૭માં એ વખતે આપણા માટે સૌથી ‘હોટ’ ન્યુઝ હતા.

જ્યારે મેં પણ સાંભળ્યું કે પંજાબી પુત્તર સબીર ભાટિયાએ માત્ર ૧૮ મહિનામાં તેની નવી કંપની ‘હોટમેઇલ’ને કેટલાંક કરોડોમાં માઈક્રોસોફ્ટને વેચી નાખી હતી. ત્યારે સબીરના એ સમાચારની સરખામણી સચિનની કમાણી સાથે પણ કરવામાં આવી હતી.

ત્યાર પછી સબીરતો ક્યાંક કમાણી લઇ બીજાં પ્રોજેક્ટ્સમાં ડૂબી ગયો અને માઈક્રોસોફ્ટનો બિલ ગેટ્સ તેના હોટમેઇલના દરિયામાં તરી ગયો. સમજો કે મફત હોટમેઇલ થકી ઈમેઈલની દુનિયામાં સુપર કોમ્યુનિકેશન રેવોલ્યુશન આવ્યું.

યાહૂ, જીમેઇલ, એ.ઓ.એલ. સાથે હાઈપર હોટ હરીફાઈ કરી હોટમેઇલે ઘણી લીલી-સૂકી જોઈ લીધી. વખતો-વખત બિલ ગેટ્સ તેની આ સિસ્ટમમાં નવા નવા અપડેટ્સ મૂકી ને વીર-યોધ્ધાની જેમ ક્યારેય હાર ન માની આજે તેને એક એવા મુકામ પર લઇ આવ્યો કે…

૧૬ વર્ષ પછી…હોટમેઇલને શહાદત વહોરવી પડી છે.

યેસ દોસ્તો ! આજે હોટમેઇલને સર્વિસ-મોડમાં સુઈ જવાનો વારો આવ્યો છે. માઈક્રોસોફ્ટે તેનું નામ: outlook.com કરીને ફરીથી તેના હરીફોને જડબાતોડ જવાબ આપ્યો છે.

એ તો મર્યું છે પણ સાથે સાથે હોટમેઇલને મેસેન્જર સર્વિસને પણ પોતાની સાથે લઇ ગયું છે. આજે એ બધું એક થઇ આઉટલૂકમાં વિલીન ગયું છે. નીતનવાં લૂક અને ફેસીલીટી સાથે આ ઈમેઈલ સર્વિસ સજ્જ થઇ છે.

જે સૌની પાસે હોટમેઇલ.કોમનું એકાઉન્ટ હોય એ સૌને પણ તેમનું જુનું હોટમેઇલ આઉટલૂકમાં પરિવર્તન કરવાની તક આપવામાં આવી છે. મેં પણ કર્યું છે અને તેના ફંકશન્સને અનુભવ્યા છે.

જો ગૂગલ સાથે કમ્પેર કરીએ તો… આઉટલૂક સાચે જ કૂલ છે…સેક્સી છે !

તમને પણ અનુભવવું હોય તો આવી જાજો: outlook.com પર.  પણ તે પહેલા તેની સેમ્પલ વિડીયોઝ પણ જોઈ લ્યો. 

.

આઈડિયાઝ પેદા કરતુ આઈડિયલ પ્રાર્થનાઘર…

SolveForX

આઈડિયાઝ‘ ભેગા કરનારા ધૂરંધરો જ્યારે કોઈ એક જગ્યાએ ભેગાં થાય ત્યારે ખરૂ ‘આઇડીયલ’ પ્રાર્થનાઘર બને છે. પછી એમાં કોઈ પણ ‘આઈડોલ’ની જરૂર નથી હોતી.

આવી ઘટનાઓ કરવા માટે કોઈ ફિઝીકલ જગ્યા રચાય કે ન રચાય તો પણ કોઈ ખાસ ફરક પડતો નથી. એટલા માટે કે એવા ‘અડિયલ’ વ્યક્તિઓને માત્ર પરિણામ લાવવામાં રસ હોય છે. જે સાચે જ વિકાસની વાતોમાં રસ ધરાવે છે, વિચારના બીજો વાવતા રહે છે.

ગૂગલ… ટેકનોલોજીની લગભગ દરેક બાબતોમાં આગેકૂચ એટલા માટે કરતુ રહે છે કે તે એવા ‘આઇડિયલિસ્ટિક’ બીજ ‘શેર અને સેલ’ કરે છે.

આ એનું લેટેસ્ટ સોજ્જું કારસ્તાન જ જોઈ લ્યો. જેમને લાગતું હોય કે ‘સમાજકો બદલ ડાલુંગા’ એમને પહેલા https://www.solveforx.com/ સાઈટ પર આવી જવું. પછી એમાં રહેલા એક પ્રોજેક્ટ પર પણ ‘મિશન’ શરુ કરી શકાય તો ભયો ભયો…

જેમની પાસે આઈડિયાઝની કમી ના હોય, મારી નજરે એ લોકો ખરા ક્રિયેટિવ ‘કમીના’ છે. દુનિયામાં પ્રગતિ કરાવનારા કમીના! | સલામી એ સૌને!

વેપાર વનિતા: આવી ‘સાઈટ’ તો ખુલી અને ખીલી રહે….

Scented_jewellery

Made-in-the-Dark- (C) Jon Fraser

થોડાં વર્ષ પહેલા ‘જોન ફ્રેઝર’ NID માં ડિઝાઈનિંગના માસ્ટર કોર્સ માટે લંડનથી અમદાવાદ આવી.

ફરતા-ફરતા તે એકવાર અંધજન મંડળની મુલાકાત લઇ આવી ને બસ….તે દિવસે તેને એક આઈડિયા સૂઝ્યો.

તેના બે કેમ્પસ સાથી દોસ્તોની મદદથી તેણે શાળાના એક વિભાગ ‘અંધ કન્યા પ્રકાશ ગૃહ’ની બહેનો અને દિકરીઓને મદદરૂપ થાય એ નિયતથી તથા બીજી બિન-સરકારી ઓર્ગેનાઈઝેશન્સ મદદથી એક મજાનો પ્રોજેક્ટ શરુ કર્યો.

સુગંધિત દાગીના (સેન્ટેડ જ્વેલરી) બનાવવાનો.

પ્રકાશ-ગૃહની એ બહેનોની બિડ્સ ઓળખવાની, તેને બરોબર વર્ગીકૃત કરવાની, એ મોતીડાંને પછી અત્તરમાં પલાળવાની, દોરીમાં પરોવવાની અને તેમાંથી નાનકડી બ્રેસલેટ કે નેકલેસ બનાવવાની આ આખી મોટી પ્રોસેસ જાણવા જેવી છે.

જોન આ સેન્ટેડ દાગીનાઓને પરદેશમાં પણ નિકાસ કરે છે, અને તેનાથી મળતી કમાણીનો વધુ હિસ્સો એ બહેનોને જ પરત કરે છે.

આ વેબસાઈટની (અથવા તો પ્રત્યક્ષ સાઈટ પર જઈને) મુલાકાત લ્યો ત્યારે આપણી આંખોની ‘સાઈટ’ આવા મજજેના દ્રશ્યો જોઈ શકવા સમર્થ છે, એમ જાણી ખુદમાં રહેલા ખુદાનો શુક્ર કરજો બોસ!

કેમ કે…લગભગ ૧૧ વર્ષ અગાઉ અંધજન મંડળમાં આવા કૂલ દ્રશ્યો જોયા પછી મને પણ આંસૂ આવ્યા છે…ખુશીના જ સ્તો!

અંધ ને દ્રષ્ટિ-
હિન વચ્ચે ફર્ક છે,
માત્ર નજરનો.

Source: http://jonfraser.co.uk/Made-in-the-Dark

વેપાર વ્યક્તિત્વ: ઈંટનો જવાબ ‘કાગળ’ માંથી

૩ ઈડિયટ્સ ફિલ્મ જોયા પછી મારી નજર વારંવાર એવા સમાચાર પર સતત રહેતી હોય છે, જેમાં કોઈક ભારતીય ભડવીર કોઈક નોખા ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ હાંસિલ કરે, ત્યારે મને ઘણી ખુશી થાય..

આજે એવા જ સમાચાર મને જાણવા મળ્યા.

પંડિત વિશ્વેસ્વરૈયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (નાગપુર)ના બે વિદ્યાર્થી-છાપ પ્રોફેસર્સ શ્રી રાહુલ રાલેગાઉંકર અને સચિન માંડવગણે ૯૦% પેપર-વેસ્ટ અને ૧૦%થી ઓછું સિમેન્ટ તેમજ બીજાં અન્ય ગમિંગ કેમિકલ્સનું સંયોજન કરી ઇકો-બ્રિક્સ (સુલભ ઈંટ) બનાવી છે.

કાચા સામાન-સામગ્રી અને ખુબ ઓછા ખર્ચ-વાળી મોલ્ડ-મશીનરીનો ઉપયોગ કરી બંનેએ સામાન્ય ઈંટો સામે આ ઇકો-બ્રિક્સ બનાવી તેની કિંમત અને વજન બંને સાવ અડધી કરી પર્યાવરણ ક્ષેત્રે મજાનું કામ કર્યું છે. વળી આ બેઉ પ્રોફેસર્સ પાછા ઈંટનો જવાબ ‘કાગળ’માંથી આપતા હોવાથી એમનું આગામી સંશોધન પણ વોટરપ્રૂફ-ઈંટ પર થઇ રહ્યું છે.

હવે જે વિદ્યાર્થી મિત્રો કે ઈંટ-મેકર્સ વેપારીઓ આ પ્રોફેસર્સની મદદ લઇ તેમના પ્રોજેક્ટ્સને આગળ વધારી શકવા સક્ષમ છે, તેઓએ બીજા ‘મદારીઓ’ની વગાડાતી ખોટી બિનને સાંભળ્યા વગર ‘નાગ’પુર પહોંચી જવું એવી મારી ભલામણ છે.

બાકી……(કબ્બડી આપણો શાસ્ત્રીય ખેલ છે.)

પ્રતિષ્ઠા, પૈસો, પ્રસિદ્ધિ, પીઠબળ પૂરું પાડવા માંગતા હોવ તો…

તમારા પોતાના (કે પછી પડોશીના, સગા-વ્હાલાંના,  દોસ્તોના) પૂત્ર-પૂત્રી, કે પૌત્ર-પૌત્રીમાં રહેલાં પેશનને… જો નાની વયમાં જ પ્રતિષ્ઠા, પૈસો, પ્રસિદ્ધિ, પીઠબળ પૂરું પાડવા માંગતા હોવ તો ગૂગલ તરફથી જાહેર થયેલો વર્ષ ૨૦૧૩ના વિજ્ઞાન-મેળા (સાયન્સ-ફેર) માટે આજથી જ તૈયાર કરવાની તક આપી દયો.

લિંક: www.googlesciencefair.com. જ્યાં વિડીયો સાથે બધી જ માહિતીઓ મળી રહેશે.

એક ગૂગલી વાત: ગૂગલને ભારતીય બાળકો પર વધારે વિશ્વાસ છે. એટલા માટે કે પાછલાં મેળામાં આપણા વિદ્યાર્થીઓ વધારે સફળ રહ્યા છે. બોલો હવે ટ્રેડિશન આગળ ચાલુ રાખવું છે ને?- જો ‘હા’ હોય તો શાયેરીઓ બાજુ પર મૂકી આ બાબત ‘શેર’ કરશો.

લાઈફટાઈમની ગેરેંટી નથી પણ એટલીસ્ટ ૨૦૧૩-૨૦૧૪ સુધી તો તમે એમને અને ખુદ તમારી જાતને પણ સુપર્બ ગિફ્ટ આપી શકશો.

પેશનનો પેશન્ટ: મુર્તઝા પટેલ.