=[વેપાર વિચાર]= જો ગુમાવીને પણ કાંઈક મેળવવું હોય તો…

જસ્ટ ઈમેજીન.

તમે તમારા બોસની બબાલ…બૈરાની બકબક….અને વધું પડતા કામનો કકળાટ, જેવી બાબતોથી થાકી ગયા છો. ટેન્શનનો પહાડ માથે ભમી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. 

ત્યારે તમને આ બઅઅઅઅધ્ધું થોડા સમય માટે ક્યાંક છોડીને એવી જગ્યાએ ‘ચાઈલા જવું’ છે, જ્યાં તમે…ખુદ ‘સ્વ’ બન્યા વિના થોડા જ સમયમાં ‘સ્વ’સ્થ થઇ શકો…તો કેવું?

તેના રસ્તાઓ તો ઘણાં છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ ઓટો કંપની જીપ તેની એક અનોખી GPS ટેકનોલોજીમાં એ બાબતે ડિજીટલી રસ્તો બતાવી મદદે આવી છે. (GPS એટલે ગાડીને નાનકડા સ્ક્રિન પર રસ્તો ગાઈડ કરતો ઈલેક્ટ્રોનિક ભોમિયો

જીપે તેના નવા મોડેલમાં ગોઠવેલી GPS સિસ્ટમની અંદર એક નવો ઓપ્શન મુક્યો છે. ‘GET LOST’. ખાસ એવા લોકો માટે જેઓ ઉપર મુજબના હાલથી બેહાલ થયા છે. અને ક્યાંક એવી અજાણી જગ્યાએ પહોંચી જવા માંગે છે કે જ્યાં થોડો સમય તણાવ મુક્ત રહી શકે.

ત્યારે આ Get Lost સિસ્ટમનો બટન દબાવતાં જ આપણને કાર/ગાડી એવા ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં લઇ જાય છે કે આપણને થાય છે કે… ‘લે! હાળું આવું દ્રશ્ય તો ક્યારેય જોયું જ નો’તું લ્યા !

નીચેની વિડીયો ક્લિપ જોયા પછી તમને પણ થશે કે…. “માણસને અજાણ્યા રસ્તા ઉપર લઇ જઈ તેનો ખુદનો સાચો ‘રસ્તો બતાવે’ એવી ટેકનોલોજી તે આનું નામ…

=] સર‘પંચ’ પોઈન્ટ:[=

મોબાઈલના App Developes, તમને આમાંથી ‘ઝબૂક’ કરતો કોઈક આઈડિયા મળ્યો? - મને તો મળ્યો છે...જ.દ !

(મને યકીન છે કે...આ ટેકનોલોજીને ભારતમાં ઘણું મોટું માર્કેટ મળી આવશે.) 

<= મોરલો=>

“જીવનમાં ક્યારેક ખુદની જાતને મળવું હોય તો... ‘Get Lost’ પણ થતા રહેવું.”
.

HP કંપનીની એક IMP. વાત…

Online Customer Service

Online Customer Service Opportunity

આમ તો પ્રિન્ટરથી વધારે જાણીતી પણ કોમ્પ્યુટરમાં પાયોનિઅર ગણાતી એવી HP કંપનીએ પોતાના કસ્ટમર્સને બીજી કંપનીઓની સરખામણીએ વધુ બહેતર અને અકસીર ઓનલાઈન કસ્ટમર-સેવા શરુ કરી છે.

વાત આમ તો સાવ સામાન્ય લાગે – પણ સીધી, સરળ અને સાચી છે. 

બીજી અનેકાનેક ઓનલાઈન ફોરમનો અભ્યાસ કર્યા બાદ HPના કસ્ટમર્સ રીલેશનશીપ ઓફિસરોએ ઘણાં વાંધા અને વચકાઓ ખોળી કાઢ્યા. પછી નક્કી કર્યું કે જેમ લોખંડને કાપવું હોય તો વધુ બહેતર લોખંડની જરૂર પડે છે (યા પછી ઝેરનું મારણ ઝેરથી થાય છે?) તેમ ગ્રાહકની લાગણીઓ ગ્રાહક બનીને જ સમજી શકાય છે. 

એટલે ‘ HP સપોર્ટ ફોરમ’ના નામ હેઠળ આ ઓનલાઈન સર્વિસ ફોરમમાં તેની પ્રોડક્ટ્સ/સર્વિસ વિશેની માહિતી અને મદદ તેના એક્સપર્ટ ગણાતા કસ્ટમર્સ જ આપે છે.

જેમ જેમ કોઈ એક ગ્રાહક-(સર્વિસ એક્ઝિક્યુટિવ) બીજાં ગ્રાહકોને HP ની પ્રોડક્ટ્સ માટે સંતોષકારક જવાબો આપે છે, તેમને રેન્કિંગ પોઈન્ટસ તેમજ ‘બેજ’ સાથે નવાજવામાં આવે છે. આ પોઇન્ટ્સ દ્વારા તેઓ HP ની જ પ્રોડક્ટ્સ કાં તો પ્યોર ડિસ્કાઉન્ટ પર અથવા તો તદ્દન મફતમાં મેળવે છે.

હવે જો તમારી પાસે તેની પ્રોડક્ટ્સ વિશે સારું એવું એક્સપર્ટ જ્ઞાન હોય અને બીજાં જરૂરતમંદ ગ્રાહકોને મદદરૂપ થવાની ખેવના હોય થોડાંક કેશ કમાવવાની સાથે કૂલ કારકિર્દી ઘડી શકો છો. 

http://h30434.www3.hp.com/

વેપાર-વાઈરસ:: હસતા- હસાવતા કમાણી કરી શકાય છે….આ રીતે પણ !

દોસ્તો,

તમને થોડું હસતા અને……થોડું વધારે હસાવતા આવડે છે?-

જો હા! તો આજની આ પોસ્ટને દિલમાં વસાવી લેજો. કામ લાગી શકે છે. એટલા માટે કે તેમાંથી એક તકને પકડવાની છે. તો પેશ છે તેની શરૂઆત એક ઉદાહરણ સાથે…

એમનુ નામ છે: મી. વિલી. ઉંમર વર્ષ હશે લગભગ ૫૦+. પણ કામ અનોખું છે. જોવામાં આમ તો સાવ સહેલું લાગે પણ કરવામાં એટલું ય સહેલુંય નથી…બોસ!

વિશ્વ પ્રસિદ્ધ વોલમાર્ટના હાઈપર સ્ટોર્સમાં વિલીભાઈની પોઝીશનનું નામ છે. ‘ગ્રીટર’. એટલે કે આવકારનાર. જેઓ વોલમાર્ટમાં માત્ર ખરીદી કરવા જ નહિ પણ ક્યારેક જોવા (વિન્ડો શોપિંગ કરવા) પણ આવે છે, એવા દરેકને તેઓ હસતા ચહેરે આવકારે છે.

આવનાર ગ્રાહકનું શોપિંગ એન્ટરટેઈનિંગ કેમ બની શકે એની જવાબદારી આ વિલભાઈ વીલું મોઢું કર્યા વિના સંભાળે છે. થાકેલો મૂડ હોય કે પછી સ્ટોર્સની હજારો પ્રોડક્સના સાગરમાંથી જરૂરી એવી વસ્તુઓ આ વિલ હસતા હસતા શોધી આપે છે.

દોસ્તો, આપણામાંથી પણ એવાં કેટલાંક હસમુખભાઈઓ હશે જેઓ શારીરિક રીતે ભલે ‘રીટાયર્ડ’ થયા હોય પણ માનસિક રીતે હજુયે ‘ટાયર્ડ’ ન થયા હોય એમને આપણી દુકાન/ સ્ટોર કે ઇવન કંપનીમાં પણ ‘ગ્રીટર’ ની જોબ આપી આ રીતે સેલ્સ વધારી શકાય છે, યા પછી…આપણા માંથી જે ‘બધી રીતે જુવાન’ છે તેઓ આ રીતે હસી-હસાવીને કમાણી કરી શકે છે. ખરું ને?

જો એવી કોઈ સરફરોશી દિલમાં આવે તો એવા સ્ટોર્સમાં પહોંચી જઈ આવી હસમુખી પોઝિશનની માંગણી સામેથી કરી એક નવા જ પ્રોફેશનલ કેરિયરનું ડેવેલોપ કરતા તમને કોણ રોકી શકે ભલા?!?

સર‘પંચ’:

“કામ કોઈ નાનું કે મોટું નથી હોતું. એ તો આપણે તેની પાછળ રહેલી નિયતને અલગ-અલગ સાઈઝ આપી દેતા હોઈએ છીએ.”

.

વિલીભાઈને જોવો હોય તો આ રહી એની વિડીયો લિંક: 

 

હાથીની જેમ સર્ચ-એન્જીનની યાદશક્તિ લાંબી અને કાયમી હોય છે.

Elephant-Search Engine

સર્ચ-એન્જીન ટેકનોલોજીને લગતા એક રસીલા સમાચાર વાંચ્યા.

“હાથીની જેમ સર્ચ-એન્જીનની પણ મેમરી(યાદશક્તિ) લાંબી (અને કાયમી) હોય છે.”

આ બહુ મજેદાર વાત છે. જો કે હજુ સુધી આપણે હાથીમાં ઝાંકીને જોયું નથી પણ વર્ષોના રિસર્ચ પરથી સિદ્ધ થયેલી માહિતીઓ સામે જ છે.

સર્ચ ટેકનોલોજીને હું દુનિયાની સૌથી મહત્વની શોધ ગણું છે. એટલા માટે કે તેમાં જે શક્તિઓ છે તે હવે બીજી શોધખોળોની શક્તિઓને પણ સંભાળી લેવા માટે સમર્થ છે.

તમને ખબર છે? આપણે ઓનલાઈન જે કાંઈ પણ લખીએ છીએ તેની છાપ એકવાર તેના જાળામાં પડી જાય છે અને જો એ જાળું એક સેકંડ પૂરતું તેના ઇન્ડેક્સિંગ પ્રોસેસમાં આવી ગયું, પછી સમજી લેવું કે તે બાબતનો ‘પાળીયો’ બની ગયો. (પછી ભલેને એ વીર-પુરુષ કાઠીયાવાડથી ન હોય.)

ખાસ કરીને ટ્વિટરની શોધ અને ફેસબૂકના ન્યુઝફીડ (સ્ટેટસ અપડેટ)ની શોધ પછી ગૂગલજીએ એમની અલગોરિધમને વધુને વધુ પાવરફૂલ બનાવી દીધી છે. કારણકે એ એવી માહિતીઓ છે જે પળમાં વાઈરલ ઇન્ફેક્શન જેવું કામ આપીને આખી દુનિયામાં લાખો કરોડો લોકો પાસે પળવારમાં પહોંચી જાય છે.

હવે રખેને તમે ભૂલથી એમ લખી નાખ્યું હોય કે…

‘ચાચા…આજ મર ગયે.’ અને થોડી જ સેકન્ડ્સમાં સુધારીને ‘ચાચા અજમેર ગયે’ સુધારી લ્યો. પણ એના માટે તો First Impression is the Top Impression બની જાય છે.

એટલા માટે તો કહેવાય છે ને કે… “બોલો તો એવું બોલો કે સાંભળનારને યાદ રાખવું ગમે.” શક્ય છે કે આ બધાં સોશિયલ પ્લેટફોર્મ પર બનાવેલાં આપણા ટ્રેક્સ (પાટા) મજબૂત હશે તો જીવન, કેરિયર કે વેપારની ગાડી મજ્જાની દોડતી રહેશે.

હવે મેમરીની બાબતે આવો મજાનો મમરો (કે ભમરો) મૂકવો જરૂરી લાગે છે ને?

મોરલો:

” હાથી માટે ભમરો પણ કાનમાં ઘૂસી ભમગરાનું કામ કરી શકે છે. માટે ચલો…હમ સબ ચિંતા છોડે, સુખસે જીયે ઔર કુછ અચ્છાસા પ્રદાન કરે ! “

વેપાર વીરતા –| હીટ થઇ બહાર આવેલા ‘હોટ’ સમાચાર |–

ઈ.સ. ૧૯૯૭માં એ વખતે આપણા માટે સૌથી ‘હોટ’ ન્યુઝ હતા.

જ્યારે મેં પણ સાંભળ્યું કે પંજાબી પુત્તર સબીર ભાટિયાએ માત્ર ૧૮ મહિનામાં તેની નવી કંપની ‘હોટમેઇલ’ને કેટલાંક કરોડોમાં માઈક્રોસોફ્ટને વેચી નાખી હતી. ત્યારે સબીરના એ સમાચારની સરખામણી સચિનની કમાણી સાથે પણ કરવામાં આવી હતી.

ત્યાર પછી સબીરતો ક્યાંક કમાણી લઇ બીજાં પ્રોજેક્ટ્સમાં ડૂબી ગયો અને માઈક્રોસોફ્ટનો બિલ ગેટ્સ તેના હોટમેઇલના દરિયામાં તરી ગયો. સમજો કે મફત હોટમેઇલ થકી ઈમેઈલની દુનિયામાં સુપર કોમ્યુનિકેશન રેવોલ્યુશન આવ્યું.

યાહૂ, જીમેઇલ, એ.ઓ.એલ. સાથે હાઈપર હોટ હરીફાઈ કરી હોટમેઇલે ઘણી લીલી-સૂકી જોઈ લીધી. વખતો-વખત બિલ ગેટ્સ તેની આ સિસ્ટમમાં નવા નવા અપડેટ્સ મૂકી ને વીર-યોધ્ધાની જેમ ક્યારેય હાર ન માની આજે તેને એક એવા મુકામ પર લઇ આવ્યો કે…

૧૬ વર્ષ પછી…હોટમેઇલને શહાદત વહોરવી પડી છે.

યેસ દોસ્તો ! આજે હોટમેઇલને સર્વિસ-મોડમાં સુઈ જવાનો વારો આવ્યો છે. માઈક્રોસોફ્ટે તેનું નામ: outlook.com કરીને ફરીથી તેના હરીફોને જડબાતોડ જવાબ આપ્યો છે.

એ તો મર્યું છે પણ સાથે સાથે હોટમેઇલને મેસેન્જર સર્વિસને પણ પોતાની સાથે લઇ ગયું છે. આજે એ બધું એક થઇ આઉટલૂકમાં વિલીન ગયું છે. નીતનવાં લૂક અને ફેસીલીટી સાથે આ ઈમેઈલ સર્વિસ સજ્જ થઇ છે.

જે સૌની પાસે હોટમેઇલ.કોમનું એકાઉન્ટ હોય એ સૌને પણ તેમનું જુનું હોટમેઇલ આઉટલૂકમાં પરિવર્તન કરવાની તક આપવામાં આવી છે. મેં પણ કર્યું છે અને તેના ફંકશન્સને અનુભવ્યા છે.

જો ગૂગલ સાથે કમ્પેર કરીએ તો… આઉટલૂક સાચે જ કૂલ છે…સેક્સી છે !

તમને પણ અનુભવવું હોય તો આવી જાજો: outlook.com પર.  પણ તે પહેલા તેની સેમ્પલ વિડીયોઝ પણ જોઈ લ્યો. 

.

આઈડિયાઝ પેદા કરતુ આઈડિયલ પ્રાર્થનાઘર…

SolveForX

આઈડિયાઝ‘ ભેગા કરનારા ધૂરંધરો જ્યારે કોઈ એક જગ્યાએ ભેગાં થાય ત્યારે ખરૂ ‘આઇડીયલ’ પ્રાર્થનાઘર બને છે. પછી એમાં કોઈ પણ ‘આઈડોલ’ની જરૂર નથી હોતી.

આવી ઘટનાઓ કરવા માટે કોઈ ફિઝીકલ જગ્યા રચાય કે ન રચાય તો પણ કોઈ ખાસ ફરક પડતો નથી. એટલા માટે કે એવા ‘અડિયલ’ વ્યક્તિઓને માત્ર પરિણામ લાવવામાં રસ હોય છે. જે સાચે જ વિકાસની વાતોમાં રસ ધરાવે છે, વિચારના બીજો વાવતા રહે છે.

ગૂગલ… ટેકનોલોજીની લગભગ દરેક બાબતોમાં આગેકૂચ એટલા માટે કરતુ રહે છે કે તે એવા ‘આઇડિયલિસ્ટિક’ બીજ ‘શેર અને સેલ’ કરે છે.

આ એનું લેટેસ્ટ સોજ્જું કારસ્તાન જ જોઈ લ્યો. જેમને લાગતું હોય કે ‘સમાજકો બદલ ડાલુંગા’ એમને પહેલા https://www.solveforx.com/ સાઈટ પર આવી જવું. પછી એમાં રહેલા એક પ્રોજેક્ટ પર પણ ‘મિશન’ શરુ કરી શકાય તો ભયો ભયો…

જેમની પાસે આઈડિયાઝની કમી ના હોય, મારી નજરે એ લોકો ખરા ક્રિયેટિવ ‘કમીના’ છે. દુનિયામાં પ્રગતિ કરાવનારા કમીના! | સલામી એ સૌને!

વેપાર વ્યક્તિત્વ: ઈંટનો જવાબ ‘કાગળ’ માંથી

૩ ઈડિયટ્સ ફિલ્મ જોયા પછી મારી નજર વારંવાર એવા સમાચાર પર સતત રહેતી હોય છે, જેમાં કોઈક ભારતીય ભડવીર કોઈક નોખા ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ હાંસિલ કરે, ત્યારે મને ઘણી ખુશી થાય..

આજે એવા જ સમાચાર મને જાણવા મળ્યા.

પંડિત વિશ્વેસ્વરૈયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (નાગપુર)ના બે વિદ્યાર્થી-છાપ પ્રોફેસર્સ શ્રી રાહુલ રાલેગાઉંકર અને સચિન માંડવગણે ૯૦% પેપર-વેસ્ટ અને ૧૦%થી ઓછું સિમેન્ટ તેમજ બીજાં અન્ય ગમિંગ કેમિકલ્સનું સંયોજન કરી ઇકો-બ્રિક્સ (સુલભ ઈંટ) બનાવી છે.

કાચા સામાન-સામગ્રી અને ખુબ ઓછા ખર્ચ-વાળી મોલ્ડ-મશીનરીનો ઉપયોગ કરી બંનેએ સામાન્ય ઈંટો સામે આ ઇકો-બ્રિક્સ બનાવી તેની કિંમત અને વજન બંને સાવ અડધી કરી પર્યાવરણ ક્ષેત્રે મજાનું કામ કર્યું છે. વળી આ બેઉ પ્રોફેસર્સ પાછા ઈંટનો જવાબ ‘કાગળ’માંથી આપતા હોવાથી એમનું આગામી સંશોધન પણ વોટરપ્રૂફ-ઈંટ પર થઇ રહ્યું છે.

હવે જે વિદ્યાર્થી મિત્રો કે ઈંટ-મેકર્સ વેપારીઓ આ પ્રોફેસર્સની મદદ લઇ તેમના પ્રોજેક્ટ્સને આગળ વધારી શકવા સક્ષમ છે, તેઓએ બીજા ‘મદારીઓ’ની વગાડાતી ખોટી બિનને સાંભળ્યા વગર ‘નાગ’પુર પહોંચી જવું એવી મારી ભલામણ છે.

બાકી……(કબ્બડી આપણો શાસ્ત્રીય ખેલ છે.)

સર્ચ-એન્જીનનું નવું બાળક:|) ફેસબૂક ગ્રાફ-સર્ચ (|:

Facebook_Graph_Search-Intro


૧૫મી જાન્યુઆરી ૨૦૧૩ની તારીખ:
ઈન્ટરનેટ સર્ચ-ટેકનોલોજીમાં થયેલી વધુ ગંજાવર, વધુ મહાકાય ઇનોવેશન માટે ઇતિહાસ લખી ગઈ છે.

અત્યાર સુધી આપણે સર્ચમહાધિરાજ ગૂગલાચાર્યને વંદન કરતા આવ્યા છે. પણ એનાથીયે વધુ મજબૂત ડગલો પહેરી કાંઈક વધારે ડગલાં ભરી ફેસબૂકે એમાં દોડ આરંભી દીધી છે. 

લગભગ અઠવાડિયા અગાઉ તેના સર્જક માર્ક ઝુકરબર્ગે મીડિયાના કાનમાં હળી કરી કે…

“ગાંવ વાલો, દિલ ઠામ કર બૈઠો. ૧૫ જાન્યુઆરીકો હમારે યહાં કુચ ઐસા પકને વાલા હૈ જો દેખકર આપ ઉંગલીયાં દબાયે જાઓગે. જો અભી તક નેટ ઇતિહાસમેં ઐસા નહિ હુવા હૈ વહ હોનેવાલા હૈ.” – 

અને બંધુઓ, સાચે જ એણે સર્ચ ટેકનોલોજીમાં એવું કરી બતાવ્યું છે. – તદ્દન નવી અને ક્રિસ્પી ગ્રાફ-સર્ચ ટેકનોલોજી જન્માવીને….

જરા સરળ ભાષામાં માંડીને વાત કરું…

સામન્ય રીતે આપણે વિવિધ સર્ચ એન્જીન પર પીનથી લઇ પિયાનોથી થઇ પ્લેનેટ સુધી અગણિત શબ્દો, વિષયો અને ટૂંકા સવાલો પર સર્ચ કરતા રહીએ છીએ, ખરુને?

જ્યારે ફેસબૂકની આ ગ્રાફ-સર્ચ ટેકનોલોજી સ્પેસિફિક સવાલ દ્વારા પેદા થઈ છે…જેમ કે:

•()• “મારા એવા કયા દોસ્તો જે હજુયે માત્ર ૧૯૮૦નું ફટફટીયુ ચલાવે રાખે છે?”…

•()• “એવા કયા માણસો જે એક સપ્તાહ અગાઉ જોબ છોડી આવ્યા છે, ને હાલમાં સાવ નવરાં ધૂપ છે?”…

•()• “મારા ફ્રેન્ડઝ ગ્રુપમાં એવી કઈ છોકરીયુઓ…(આહ ! મસ્ત ક્વેરી છે!) જેમને ભેલપૂરી ને ચણા મમરા બૌ ભાવે છે?”… 

•()• “એવા સગાં-વ્હાલાઓ કોણ છે જેમણે થોડાં અરસા પહેલા કોઈ પ્રોપર્ટી ખરીદી છે?…. (અને હાળું અમને જણાવ્યુંએ નથી યાર!)”

•()• “કયા દેશમાં એવા મહાપુરુષો છે જેઓ (પાણી બચાવવા) ‘હાડા તૈણ’ મહિના સુધી તેમની શુદ્ધ ‘જીન્સ’ પણ ધોતા નથી?”….

•()• “મારી કઈ કઈ ‘ગર્લફ્રેન્ડઝો’ હાલમાં ઈંગ્લીસના ક્લાસો ભરે છે?…(યેસ! મારેય ‘ત્યાં જઈ ભરવા’ છે એટલે પૂછ્યું) 

•()• “કયા ટાબરીયાંવ ૧૫માં વર્ષેય હજુ બરેલીનું તેલ મમ્મી પાસે લગાડાવી કોલેજમાં (‘તેલ લેવા’) જાય છે?…

•()• “મારા શહેરમાં હાલમાં કઈ બ્લડ-બેંકમાં ‘ઓ-નેગેટીવ’ લોહી પીવાઈ રહ્યું છે?…” (આઈ મીન લેવાઈ રહ્યું સમજવાનું હોં)

વગેરે….વગેરે….જેવા અસંખ્ય નસ-ખેંચું પ્રશ્નો ઉદ્ભવતા હોય તો આ ગ્રાફસર્ચ ચિત્રો અને માહિતીઓના આલેખ સાથે સેકન્ડ્સમાં તમારી સમક્ષ પીરસી દેશે. 

જો કે ફેસબૂકનું આ બાળક હજુ ધાવણું છે. પણ ‘ગૂગળનું દૂધ’ પીતા નેટ-બાળકોને પરીઓની જેમ મોટા થતા વાર લાગી છે?

ઇન શોર્ટ, | સવાલ તમારો…જવાબ અમારો. બસ ત્યારે તમતમારે…કરો મારો! |

આ લિંક પર જોઈ લ્યો એ ડીલીવર્ડ થયેલા મીની-મહાકાય બાળકની વિશેષ વિગતો.

https://www.facebook.com/about/graphsearch

.

કોર્પોરેટ કંપનીમાં કામ કરતા એ સર્વે પાલતું સામજિક પ્રાણીઓને….

Careerless_Bicycle

વિતેલા વર્ષના બોનસ રૂપે ક્રિસમસના દિવસે એક કોર્પોરેટ કંપનીમાં તેના એક પાલતું એસોસિએટને (વિતાવવામાં આવેલી પળોને સહન કરવા માટે?!) ‘મેન ઓફ ધ ઈયર’ નો ખિતાબ મળ્યો.

સર્ટીફિકેટ સાથે સુપર-ગિયર વાળી સાયકલ ભેંટ આપવામાં આવી. (હજુ વધારે વાપરી શકાય એવી ‘હેલ્થ’ અને સાથે જલ્દી વપરાઈ જતી ‘વેલ્થ’ બનાવવા જ સ્તો)

સાયકલ સ્વીકારાઈ તો ગઈ પણ થોડા ખચકાટ સાથે. કેમ કે તેની પાછળ (ઇન્ડિયન ઈસ્ટાઈલનું) કેરિયર નહોતું (હેલ્થ બનાવવામાં કેરિયર?).

ખૈર, બીજે દિવસે ભ’ઈએ બોસને ‘કેરિયર એડ-ઓન રિક્વેસ્ટ’ મોકલી. ને ત્રીજે દિવસે સાયકલ નવા કેરિયર સાથે પાછી આવી ગઈ.

પણ આ શું?- કેરિયર તો આવી ગયું પણ… સાયકલનું સ્ટેન્ડ ગાયબ?!?!?!? એમ કેમ બને?

ભઈલાએ રિ-રિક્વેસ્ટ મોકલી. “આવું કેમ? શું કામ? શાં માટે?”

જવાબ આવ્યો:

“ઓ ભાઈ ! આ કોર્પોરેટ ગિફ્ટવાળી સાયકલ છે. તમારી ખરીદેલી નહિ. એટલે કોઈક એક ઓપ્શન પસંદ કરો. કાં તો કેરિયર અથવા સ્ટેન્ડ. બેઉ એક સાથે ન મળે. કોર્પોરેટમાં કેરિયર બનાવવું હોય તો સ્ટેન્ડ ના લેજો. અને સ્ટેન્ડ લેશો તો કેરિયર ખત્તઅઅમ. આગળ મરજી તમારી.”

(કોર્પોરેટ કંપનીમાં કામ કરતા એ સર્વે પાલતું સામજિક પ્રાણીઓને અર્પણ…)

 

TMG (થોરાંમાં ઘન્નું) 

જસ્ટ થોડાં જ કલાકો પહેલાં ‘એપલ’ની બેકરીમાંથી નીકળેલા ફ્રેશ બેક સમાચાર.

કાંચને સિફતપૂર્વક વાળી શકાય એવી ટેકનોલોજીકલ શોધ કરવા બદલ ‘એપલ’ અંકલને આજે પેટન્ટ મળી ગયા છે. આ સમાચાર મને એટલા માટે ગમ્યા છે કે…હવે સ્વ. સ્ટિવદાદાની દરેક આઈ-ડિવાઈસમાં રહેલા ‘કાંચ’ નામના તત્વને બીજા હરીફો સાથે ‘આંચ’ નહિ આવવા દે.

એમની આવનારી અગત્યની સાવ હટકે શોધોમાં…. આઈ-પેડ્સનું ઇમ્પ્રુવમેન્ટ તો ખરું પણ સાથે આઈ-ટેલીવિઝન, આઈ-કાર અને બીજી અનેક સંતાયેલી ‘આઈ’ વસ્તુઓ આવનારા દિવસોમાં ‘આઈ’ જવાની છે. જેમાં એ લોકો આવા ફ્લેક્સિબલ કાંચનો ઉપયોગ……….નહિ કરે તો બીજે કરશે ક્યાં?

જેમનું મગજ હાલમાં આવી બાબતો તરફ ‘વળી’ રહ્યું હોય (તેવા ખાસ એન્જિનીયર્સ ભ’ઈલાઓને) નેટવર્ક-ઓટોમોબાઈલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાં અખૂટ તકો મળવાની છે…..લીખ લો કુછ નયા! આજ હી અપની નોટમેં ભીડું!

વેપાર વિકાસ: આપનું ‘ઓફિસ’નું જ્ઞાન કેટલું છે?

Amit Singh, Enterprise Software Division, Google.

(C) Amit Singh, Google.

.“તમને કોમ્પ્યુટરમાં શું આવડે?”

“ઓફીસ.”

“આઈ મીન…માઈક્રોસોફ્ટ ઓફિસ?- વર્ડ એક્સેલ, પાવરપોઇન્ટ?”

“જી સર!”

“પણ મને તો ફકત MS. Word જ આવડે.”

“ઓકે. વર્ડમાં મેઈલ-મર્જ, ઇન્ટરેક્ટિવ ફોર્મ ક્રિયેશન, ઓટો-ઈન્ડેક્સની સહૂલિયાતો છે, એ વાપરતા આવડે?”

“એ વળી શું સર?- વર્ડમાં એવા ફંક્શન હોય છે?” 

“એવાં તો ઘણાં ઘણાં જરૂરી ફંક્શન્સ હોય છે, પણ આપણે વાપરીએ તો ને?”

“તો પછી સર એ વાપરવા માટેની તક પણ મળવી જોઈએ ને?- એવી તક મને પાછલી જોબમાં ક્યારેય મળી નથી.”
—————————————————–
ઉપર જેવો ઇન્ટરવ્યું ડાયલોગ્સ શક્ય છે કોઈકને તો ફેસ કરવો પડ્યો હશે, ખરું ને?- 

આ વાતની મને પણ પ્રતીતિ વધારે થઇ જ્યારે ગઈકાલે એક ભારતીય-NRI ભાયડાએ દુનિયાની સુપર-સર્ચ કંપનીમાંથી આ ચેલેન્જિંગ બાબત હજુ ગઈકાલે જ વહેતી કરી છે. 

“અમારું મુખ્ય ટાર્ગેટ હવે એ ‘ઓફિસ’ વાપરનારા ૯૦% લોકોના માર્કેટને કબજે કરવાનું છે. અને એ અમે થોડાં જ વખતની અંદર કબજે કરી લઈશું. કેમ કે માઈક્રોસોફ્ટે તેના ‘ઓફિસ’ પેકેજમાં ઠાંસીઠાંસીને અજબ સહુલીયાતો ભરી છે. જેમાંનો હાર્ડલી ૧૦% ઉપયોગ સામન્ય લોક કરતા હોય છે.” 

– અમિત સિંઘ, ગૂગલ એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર ડિવિઝન. 

તેણે સીધા શબ્દોમાં કહ્યું કે…

“મહત્તમ લોકોને એવા ‘એડવાન્સ્ડ’ ફંક્શન્સની જરૂર જ નથી હોતી પછી હાર્ડ-ડિસ્કની ભરી રાખવાનો ફાયદો શું? હવે ઓફિસ પેકેજમાં જે બાબતો ખુબ સરળતાથી અને સૌથી વધુ વપરાશમાં આવે છે તેણે ધ્યાનમાં રાખી સીધેસીધું ઓનલાઈન જ વાપરી શકાય એવી સગવડ અમે ગૂગલ તરફથી આપી રહ્યા છે.”

દોસ્તો, હવે તમે જ કહો કે…ગૂગલમહારાજ તરફથી આવી ચોટદાર-વાણી (કે સોફ્ટ ચેતવણીની) માઈક્રોસોફ્ટ મહારાજા પર કેવી અસર થાય?- 

જે થશે તે. એ તો જે પોતાના પ્રોજેક્ટ્સમાં વધારે બારમું કરશે એની વર્ષ ’૧૩મામાં ખબર પડશે.. 

પણ મારો આજનો સવાલ: આપનું ‘ઓફિસ’નું જ્ઞાન કેટલું છે?- ૫%, ૧૦%, ૧૫% કે ૨૫%. યા પછી ડેવેલોપર જેટલું?

દોસ્તો, સવાલનો ઉદેશ્ય એટલો છે આવનાર વર્ષોમાં તેની વધારે જરૂરિયાત પડવાની છે. શાં માટે અને શું કામ? એ જાણવું હોય તો આ દિવાલ પર સમયાંતરે નજર ફેરવજો કાંઇક અવનવું મળે તો નવાઈ………હોં!

સરપંચ:

ડિસ્કોથેકમાં…

છોકરો: “તું એકલી છે?”

છોકરી: “ના ! હવે નથી. તું આવ્યો ને.”

છોકરો: “વાઉ ! તો તો પછી ફ્રિ હશે, ખરું ને?”

છોકરી: “ના ! મોંઘી છું.”