વેપાર વ્યક્તિત્વ: માર્કેટમાં અલમસ્ત બનેલા ‘મસ્ક’ની મજાની બાબતો !

Elon Musk

Elon Musk (C) Wired.com

આ…એલન મસ્ક નામનો આ આફ્રિકી-અમેરિકન વેપારી મને અત્યારે બહુ જ અલ-મસ્ત લાગી રહ્યો છે.

એનાં ૩ સુંદર કારણો છે….

૧.=> એલને ‘ટેસ્લા’ બ્રાન્ડનો સર્વેસર્વા બની ઇલેક્ટ્રિક કારનો બહોળા પાયે વિકાસ કર્યો છે. જેને કારણે અમેરિકન કાર ઇન્ડસ્ટ્રીઝમાં ત્સુનામી ફેલાયું છે. પણ પેલા (એલન બોર્ડર)ની જેમ તે એના હરીફોને હંફાવતો રહી આગેકૂચ કરતો જ રહ્યો છે.

૨.=> સ્પેસ-એક્સ મિશન સાથે તેણે ‘ઘરેલું રોકેટ’ ઇન્ડસ્ટ્રીનું પણ પ્રોડક્શન શરુ કરવાનો પ્લાન બનાવ્યો છે. જેનું કન્ઝયુમર માર્કેટ બરોબર લોન્ચિંગ થાય તે માટે તેનું સફળતાપૂર્વક રોકેટ-લોન્ચ પણ કરી કાઢ્યું છે.

આ મિશનથી આવનારા દિવસોમાં ઘણી કંપનીઓ પોતાનો નાનકડો ઉપગ્રહ આકાશમાં તેમજ (મંગળ અને બીજા ગ્રહો પર) તરતો કરી શકશે. જ્યાં અત્યાર સુધી નાસા જેવી સંસ્થાઓનું એકહથ્થુ શાશન રહ્યું છે તેવા બીજા અન્ય અવકાશી રિસર્ચ-ડેવેલોપમેંટ માટે પણ સીધો ઉપયોગ કરી શકાશે.

(એક ‘મોતી’ વાત: એલને ૨ દિવસ પહેલા ઈચ્છા જાહેર કરી છે કે તેનું મોત ‘મંગળ’મય થાય.)

૩.=> થોડાં દિવસો પહેલા અમેરિકાની વિમાન કંપની બોઇંગના ડ્રિમલાઇનર મોડેલ્સમાં ઈલેક્ટ્રોનિક બેટરીનું ટોઈંન્ન્ન્ન્ન્ન્ગ કરતુ સૂરસૂરિયું થયું. જો કે રાતોરાત બોઇંગ કંપનીએ બધી બેટરીઓનો પાવર પાછો તો ખેંચી લીધો અને તેના સંશોધકોને રાત દિવસ ધંધે લગાડી દીધાં. (પણ એ સૌના મગજની પણ બેટરી ડાઉન થઇ ચુકી છે.)

હવે આવી હવા જ્યારે આ એલનભાઈના કાને અથડાઈ ત્યારે તેના સોશિયલ મીડિયા પર બેધડક જાહેર કર્યું કે…

“બોઇંગ બાપલ્યા! તમારા પ્લેનની બેટરીના ચાર્જ બાબતે મને સારું એવું પ્રેક્ટિકલ જ્ઞાન છે. કેમ કે ‘ટેસ્લા’ની ગાડીનો ટેસ્ટ આપડે એમાં કરી ચુઈકા છે ! તમે લોકાં એને ચાર્જ કરવાનો ચાર્જ કેટલો ચૂકવશો એની વાત કરો એટલે માર્કેટમાં આપણી પણ ‘મસ્ક’ની જેમ સુગંધ ફેલાતી રહે. માહરેય ઘરે બૈરા-છોકરાં હાચવવાના છે, હોં!”

તો દોસ્તો, હવે તમે જ કહો કે એલન ન ગમે એના કોઈ મસ્ક (સોરી મસ્ત) કારણો છે?

(બાય ધ વે, તમારામાંથી કોઈની પાસે બેટરીનું ગણતર હોય તો (ભણતર નહિ હોય તોય ચાલશે) બોઇંગમાં તમને ધંધો મળી શકે છે. હા! શરત એ છે કે તમને એલન પહેલા પહોંચી જવું પડશે નહિતર લાઈફમાં ખાલી ‘પ્લેઈન’ રહેવું પડશે…લાલા!)

હવે ઉપરોક્ત બાબતે અગાઉ લખેલા બોનસ સોર્સ પર પણ એક નજર રાખશો તો સારું…

•  http://netvepaar.wordpress.com/2012/10/29/creative-positioning-of-tesla/

•  http://nilenekinarethi.wordpress.com/2013/02/03/spacex-on-mars/ 

હાથીની જેમ સર્ચ-એન્જીનની યાદશક્તિ લાંબી અને કાયમી હોય છે.

Elephant-Search Engine

સર્ચ-એન્જીન ટેકનોલોજીને લગતા એક રસીલા સમાચાર વાંચ્યા.

“હાથીની જેમ સર્ચ-એન્જીનની પણ મેમરી(યાદશક્તિ) લાંબી (અને કાયમી) હોય છે.”

આ બહુ મજેદાર વાત છે. જો કે હજુ સુધી આપણે હાથીમાં ઝાંકીને જોયું નથી પણ વર્ષોના રિસર્ચ પરથી સિદ્ધ થયેલી માહિતીઓ સામે જ છે.

સર્ચ ટેકનોલોજીને હું દુનિયાની સૌથી મહત્વની શોધ ગણું છે. એટલા માટે કે તેમાં જે શક્તિઓ છે તે હવે બીજી શોધખોળોની શક્તિઓને પણ સંભાળી લેવા માટે સમર્થ છે.

તમને ખબર છે? આપણે ઓનલાઈન જે કાંઈ પણ લખીએ છીએ તેની છાપ એકવાર તેના જાળામાં પડી જાય છે અને જો એ જાળું એક સેકંડ પૂરતું તેના ઇન્ડેક્સિંગ પ્રોસેસમાં આવી ગયું, પછી સમજી લેવું કે તે બાબતનો ‘પાળીયો’ બની ગયો. (પછી ભલેને એ વીર-પુરુષ કાઠીયાવાડથી ન હોય.)

ખાસ કરીને ટ્વિટરની શોધ અને ફેસબૂકના ન્યુઝફીડ (સ્ટેટસ અપડેટ)ની શોધ પછી ગૂગલજીએ એમની અલગોરિધમને વધુને વધુ પાવરફૂલ બનાવી દીધી છે. કારણકે એ એવી માહિતીઓ છે જે પળમાં વાઈરલ ઇન્ફેક્શન જેવું કામ આપીને આખી દુનિયામાં લાખો કરોડો લોકો પાસે પળવારમાં પહોંચી જાય છે.

હવે રખેને તમે ભૂલથી એમ લખી નાખ્યું હોય કે…

‘ચાચા…આજ મર ગયે.’ અને થોડી જ સેકન્ડ્સમાં સુધારીને ‘ચાચા અજમેર ગયે’ સુધારી લ્યો. પણ એના માટે તો First Impression is the Top Impression બની જાય છે.

એટલા માટે તો કહેવાય છે ને કે… “બોલો તો એવું બોલો કે સાંભળનારને યાદ રાખવું ગમે.” શક્ય છે કે આ બધાં સોશિયલ પ્લેટફોર્મ પર બનાવેલાં આપણા ટ્રેક્સ (પાટા) મજબૂત હશે તો જીવન, કેરિયર કે વેપારની ગાડી મજ્જાની દોડતી રહેશે.

હવે મેમરીની બાબતે આવો મજાનો મમરો (કે ભમરો) મૂકવો જરૂરી લાગે છે ને?

મોરલો:

” હાથી માટે ભમરો પણ કાનમાં ઘૂસી ભમગરાનું કામ કરી શકે છે. માટે ચલો…હમ સબ ચિંતા છોડે, સુખસે જીયે ઔર કુછ અચ્છાસા પ્રદાન કરે ! “

વેપાર વનિતા: આવી ‘સાઈટ’ તો ખુલી અને ખીલી રહે….

Scented_jewellery

Made-in-the-Dark- (C) Jon Fraser

થોડાં વર્ષ પહેલા ‘જોન ફ્રેઝર’ NID માં ડિઝાઈનિંગના માસ્ટર કોર્સ માટે લંડનથી અમદાવાદ આવી.

ફરતા-ફરતા તે એકવાર અંધજન મંડળની મુલાકાત લઇ આવી ને બસ….તે દિવસે તેને એક આઈડિયા સૂઝ્યો.

તેના બે કેમ્પસ સાથી દોસ્તોની મદદથી તેણે શાળાના એક વિભાગ ‘અંધ કન્યા પ્રકાશ ગૃહ’ની બહેનો અને દિકરીઓને મદદરૂપ થાય એ નિયતથી તથા બીજી બિન-સરકારી ઓર્ગેનાઈઝેશન્સ મદદથી એક મજાનો પ્રોજેક્ટ શરુ કર્યો.

સુગંધિત દાગીના (સેન્ટેડ જ્વેલરી) બનાવવાનો.

પ્રકાશ-ગૃહની એ બહેનોની બિડ્સ ઓળખવાની, તેને બરોબર વર્ગીકૃત કરવાની, એ મોતીડાંને પછી અત્તરમાં પલાળવાની, દોરીમાં પરોવવાની અને તેમાંથી નાનકડી બ્રેસલેટ કે નેકલેસ બનાવવાની આ આખી મોટી પ્રોસેસ જાણવા જેવી છે.

જોન આ સેન્ટેડ દાગીનાઓને પરદેશમાં પણ નિકાસ કરે છે, અને તેનાથી મળતી કમાણીનો વધુ હિસ્સો એ બહેનોને જ પરત કરે છે.

આ વેબસાઈટની (અથવા તો પ્રત્યક્ષ સાઈટ પર જઈને) મુલાકાત લ્યો ત્યારે આપણી આંખોની ‘સાઈટ’ આવા મજજેના દ્રશ્યો જોઈ શકવા સમર્થ છે, એમ જાણી ખુદમાં રહેલા ખુદાનો શુક્ર કરજો બોસ!

કેમ કે…લગભગ ૧૧ વર્ષ અગાઉ અંધજન મંડળમાં આવા કૂલ દ્રશ્યો જોયા પછી મને પણ આંસૂ આવ્યા છે…ખુશીના જ સ્તો!

અંધ ને દ્રષ્ટિ-
હિન વચ્ચે ફર્ક છે,
માત્ર નજરનો.

Source: http://jonfraser.co.uk/Made-in-the-Dark

વેપાર વ્યક્તિત્વ: ઈંટનો જવાબ ‘કાગળ’ માંથી

૩ ઈડિયટ્સ ફિલ્મ જોયા પછી મારી નજર વારંવાર એવા સમાચાર પર સતત રહેતી હોય છે, જેમાં કોઈક ભારતીય ભડવીર કોઈક નોખા ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ હાંસિલ કરે, ત્યારે મને ઘણી ખુશી થાય..

આજે એવા જ સમાચાર મને જાણવા મળ્યા.

પંડિત વિશ્વેસ્વરૈયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (નાગપુર)ના બે વિદ્યાર્થી-છાપ પ્રોફેસર્સ શ્રી રાહુલ રાલેગાઉંકર અને સચિન માંડવગણે ૯૦% પેપર-વેસ્ટ અને ૧૦%થી ઓછું સિમેન્ટ તેમજ બીજાં અન્ય ગમિંગ કેમિકલ્સનું સંયોજન કરી ઇકો-બ્રિક્સ (સુલભ ઈંટ) બનાવી છે.

કાચા સામાન-સામગ્રી અને ખુબ ઓછા ખર્ચ-વાળી મોલ્ડ-મશીનરીનો ઉપયોગ કરી બંનેએ સામાન્ય ઈંટો સામે આ ઇકો-બ્રિક્સ બનાવી તેની કિંમત અને વજન બંને સાવ અડધી કરી પર્યાવરણ ક્ષેત્રે મજાનું કામ કર્યું છે. વળી આ બેઉ પ્રોફેસર્સ પાછા ઈંટનો જવાબ ‘કાગળ’માંથી આપતા હોવાથી એમનું આગામી સંશોધન પણ વોટરપ્રૂફ-ઈંટ પર થઇ રહ્યું છે.

હવે જે વિદ્યાર્થી મિત્રો કે ઈંટ-મેકર્સ વેપારીઓ આ પ્રોફેસર્સની મદદ લઇ તેમના પ્રોજેક્ટ્સને આગળ વધારી શકવા સક્ષમ છે, તેઓએ બીજા ‘મદારીઓ’ની વગાડાતી ખોટી બિનને સાંભળ્યા વગર ‘નાગ’પુર પહોંચી જવું એવી મારી ભલામણ છે.

બાકી……(કબ્બડી આપણો શાસ્ત્રીય ખેલ છે.)

પ્રતિષ્ઠા, પૈસો, પ્રસિદ્ધિ, પીઠબળ પૂરું પાડવા માંગતા હોવ તો…

તમારા પોતાના (કે પછી પડોશીના, સગા-વ્હાલાંના,  દોસ્તોના) પૂત્ર-પૂત્રી, કે પૌત્ર-પૌત્રીમાં રહેલાં પેશનને… જો નાની વયમાં જ પ્રતિષ્ઠા, પૈસો, પ્રસિદ્ધિ, પીઠબળ પૂરું પાડવા માંગતા હોવ તો ગૂગલ તરફથી જાહેર થયેલો વર્ષ ૨૦૧૩ના વિજ્ઞાન-મેળા (સાયન્સ-ફેર) માટે આજથી જ તૈયાર કરવાની તક આપી દયો.

લિંક: www.googlesciencefair.com. જ્યાં વિડીયો સાથે બધી જ માહિતીઓ મળી રહેશે.

એક ગૂગલી વાત: ગૂગલને ભારતીય બાળકો પર વધારે વિશ્વાસ છે. એટલા માટે કે પાછલાં મેળામાં આપણા વિદ્યાર્થીઓ વધારે સફળ રહ્યા છે. બોલો હવે ટ્રેડિશન આગળ ચાલુ રાખવું છે ને?- જો ‘હા’ હોય તો શાયેરીઓ બાજુ પર મૂકી આ બાબત ‘શેર’ કરશો.

લાઈફટાઈમની ગેરેંટી નથી પણ એટલીસ્ટ ૨૦૧૩-૨૦૧૪ સુધી તો તમે એમને અને ખુદ તમારી જાતને પણ સુપર્બ ગિફ્ટ આપી શકશો.

પેશનનો પેશન્ટ: મુર્તઝા પટેલ. 

કેટલીક હેડલાઈન્સ ‘બ્રેકિંગ’ ન્યુઝ નથી આપતી, ‘બિલ્ડીંગ’ પણ આપે છે…

Tata Nano

“પહેલા એ લોકો તમારી પર હસશે,

પછી તમને પછાડશે,

ત્યાર બાદ તમને હરાવવાની બનતી કોશિશ કરશે…

ને પછી તમે જીતી જશો.” –

દુનિયારત્ન ગાંધીબાપાનું આ ચોટદાર વાક્ય મને મરદ-બચ્ચા રતન તાતા માટે ઘણું યોગ્ય અને બંધ બેસતું લાગે છે. ઘણીયે બંગાળી ઠોકરો ધક્કા-મુક્કી-મુક્કા ખાધા પછી, એક ‘સોજ્જા માનસ’ની જેમ ભલાઈ રાખીને પણ આ પારસી પોરિયો એની લગની સાથે લગ્ન કરી નેનો કારને મોટી બનાવી ને જ જંપ્યો છે.

એક ગુજરાતી તરીકે તો આપણે સૌને ગર્વ થાય જ. પણ વેપારી માણસ તરીકે પણ થોડો વધારે ગર્વ થાય જ્યારે આજના ન્યુઝમાં સાચે જ હેડલાઈન વાંચવા મળે…

“તાતાની નેનો કાર હવે માત્ર $૩૫૦૦/- ની પ્રાઈસટેગ સાથે અમેરિકના કાર બજારમાં પણ જોવા મળશે.”

૩૭ એચપી, ૬૨૪ સી.સી.વાળા બે સિલિન્ડર એન્જીન સાથે (તેમજ કેટલીંક નાનકડી અમેરિકન જરૂરીયાતોને પણ મુદ્દે નજર રાખી) નેનો જ્યારે અમેરિકાના શહેરોમાં આવી રહી છે ત્યારે ‘સાલ્લુ માહરુ ડીલ અને દિલ બંનેચ ખુસીથી નાચી ઉઠેચ..’

શું કામ?- થોરાંમાં ઘન્નું જ કેવ ટો : “ બસ સમજોને કે આવો મોટ્ટો વેપારી માનસ આવી નહ્લ્લી નેનોને પણ મોટ્ટી બ્રાન્ડ બનાવી એના માર્કેટિંગ દ્વારા મહાસત્તાને બી ‘સટ્ટાક’ કરતી મિડીયમ કિક આપી શકે ચ ને એવન લોકાં ખુસી ખુસી લઇ બી લે છ.”

ત્યારે આવા રતન જ આપણને શીખ આપી જાય છે કે….

‘અવરોધ તો ખાલી આપણા મનમાં હોય છે…પછી બંગાળ-બિહાર જેવા ફેક્ટર્સ તો પ્રગતિ કરાવવા માટે કિક મારતા હોય છે.

હવે કહી શકાય છે ને કેટલીક હેડલાઈન્સ ‘બ્રેકિંગ’ ન્યુઝ નથી આપતી, ‘બિલ્ડીંગ’ પણ આપે છે.

 Source Link: http://bit.ly/PAxHpE

તમે આ ૧૭ રીતે ફેંકાફેંક કરી શકો છો… બોલને!

ફેંકવામાં આપણે દેશીઓ માસ્ટર છીએ. વર્ષો પછી ભારત આવેલા ન્યુયોર્કમાં વસતા કોઈક દોસ્તદારને આપણા કોઈક સગાં-સંબંધીનું એડ્રેસ આપીએ લોસ-એન્જેલસના ટાઉનનું. જ્યાં એ ભાઈ વર્ષોમાંય ન ગયા હોય. એમ કહીને કે “ભ’ઈ આપડી પહોંચ ત્યાં સુધી છે હોં! કાંઈ કામ-બામ હોય તો બોલજે.…”

ખૈર, સૌથી વધારે મશહૂર બની ગયેલી ટોય બ્રાન્ડ ‘લેગો’ (LEGO) દર બીજા દિવસે એના બ્લોક્સ દ્વારા કાંઈક નવા પરાક્રમો કરતી રહે છે. પહેલા નાનકડા ટુકડાંઓને માત્ર ગોઠવવાની શીખ આપી ને હવે બાળ-બચ્ચાંલોકને એન્જિનીયરીંગના પણ પદાર્થપાઠ સોફ્ટ રીતે શીખવતી આવી છે.

એનું એક લેટેસ્ટ ઉદાહરણ મને ગઈ કાલે જ મળી આવ્યું,  એટલે આજે જ શેર કરવાનું મન થયું છે. જેમાં અદભૂત રીતે નાનકડાં બોલ્સને લેગોના પ્લાસ્ટિક બ્લોક્સ દ્વારા જ બનાવવામાં આવેલા મશીનમાંથી ૧૭ રીતે પસાર કરવાની ટેકનિક્સ બતાવવામાં આવી છે. એ પણ ૭ મિનિટમાં…

શક્ય છે એન્જિનીયરીંગ ભણતા કેટલાંક દોસ્તો પેલા ૩ ઈડિયટ્સના ચતુરલિંગમની જેમ મશીનની વ્યાખ્યા ગોખવામાં પડ્યા હોય ત્યારે….એમને માટે આ ‘લેગો’ સુપર મશીન મદદ કરી શીખવી શકે એમ છે. (હવે બોલો આ બાબતે FDI ફેક્ટર કેટલો કામ લાગે છે!) આજે ભલે ૭ કલાક પુસ્તકિયું વાંચન ન થાય. પણ આ સાત મિનિટ તેમને નવો વિચાર બક્ષી શકે એમ છે. તેમને દિમાગનું ચક્કર ખવડાવી નવી હિંમત આપી શકે એમ છે.

જો એમાંથી કોઈક એકાદ ‘ચતુર’ પણ… રેંચો બની આગામી પ્રોજેક્ટમાં લેગોની મદદથી કોઈક મશીન બનાવશે તો ખુદ લેગો કંપની પણ તેને પ્રમોટ કરવા એના ઉભા લેગ્સથી દોડી આવશે…એની ગેરેંટી.

નેક્સ્ટ ‘એન્જિનિયરીગ ડે’ ઉજવવા માટે હેપ્પીના સાવ બોરિંગ મેસેજ ઠોક્વાને બદલે ‘HappY’ આમ પણ બની શકાય છે. – જરૂર છે માત્ર એક લેગો સ્ટેપ (કદમ)ની શરૂઆત કરવાની.

છે કોઈ જે મને અપડેટ કરી શકે? –

સર‘પંચ’

દોસ્તો, હું રહ્યો (લેગો કરતા) ‘લોગો’નો માણસ. એમાંય બ્રાન્ડિંગ મારા નસમાં ફરતું રહે. એટલે એવી ફટકતી માહિતીઓથી અપડેટ રહેવા-મેળવવામાં મને મારા ‘લેગ્સો’ અને ‘હાથ્સો’ દોડાવતા રહેવું પડે છે.

થોડાં જ દિવસો પહેલા ‘લેગો’ બ્લોક્સની અનોખી કહાની બતાવતી નાનકી ફિલ્મ મૂકી હતી. કથા જાણવી હોય તો આ લિંક જોઈ લેજો. પણ પછી. અત્યારે તો આ પેઈજ પર જ ટકી ને એનું લેટેસ્ટ પરાક્રમ જોઈ લેગો. (આઈ મીન લેજો).

ને પછી તમારા કે સગાં-વ્હાલાંના કોઈ વિદ્યાર્થી (ભલે ને અમેરિકામાં હોય) એને આ ઉપરની લિંક ફોરવર્ડ કરવાનું પૂણ્ય મેળવી લેજો. પછી ભલે ને તમને કોઈ કોમેન્ટ ન કરવી હોય…બોલો મને જરાય ખરાબ નહિ લાગે હોં !!!

ત્યાં સુધી…જય બોલ ‘લેગો’ બોલ !

માર્કેટમાં ‘લેસ’ હવે ‘મોર’ બની થનગાટ કરે છે ત્યારે…

Permission

એક વાર અચાનક ગૂગલ-ટોકમાંથી ચેટ મેસેજ ઝળક્યો.

“કેમ છો?”

“જી ! મજામાં.” –કોણ?

“ગોલ્ડ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટમાં આપનું સ્વાગત છે.”

“આભાર. આપની ઓળખ આપશો?”

“પહેલા આપનું શુભ નામ શું છે એ જણાવશો?”

“દોસ્ત, હું માની શકું કે ગૂગલ ટોકમાં તમે આ રીતે મેસેજ મુકતા પહેલા મારી પ્રોફાઈલ દ્વારા નામ જાણી લીધું હોવું જોઈએ.”

“હો હો..સોરી સોરી સાહેબ. આપને પૂછવું છે કે આપ ગોલ્ડના ઇન્વેસ્ટમેન્ટમાં રસ ધરાવો છો?”

“જરા પણ નહિ દોસ્ત.”

“ઓહ એમ!…તો પછી…જ્યારે આપને લાગે કે આપને રસ છે તો મને આ ……..નંબર પર કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો. અમે આપને ટ્રાય કરવા તેમજ તે બાબતે ફ્રિ ટિપ્સ પણ આપીશું.”

>

  • સામેની વ્યક્તિના સમય, સંજોગો જાણ્યા સમજ્યા વિના શાં માટે કોન્ટેક્ટ કરવો?- માન ન માન…મૈ તેરા મહેમાન!?!?
  • શાં માટે કોઈને પણ વગર જાણ્યે-પુછ્યે આપણી પ્રોડક્ટ કે સેવા ઠપકારી દેવી જોઈએ?- (યેસ!….ખુદના મમ્મી-પપ્પાનો પણ સમાવેશ થઇ શકે કેમ કે તેઓ જ સૌથી મોટા પ્રોસ્પેકટીવ –કસ્ટમર છે.)
  • સોનું હોય કે સગડી…માહિતી-એજમાં એ બાબત જાણવી ઘણી જરૂરી છે કે આપણું ખરું ગ્રાહકી-ધન ક્યાં છે, કેવું છે.
  • તે બાદ એમનો સંપર્ક કઈ રીતે કરવો એ હવે એક (આર્ટ) કળા બની ચુકી છે. નહિતર બજારુ જંગલમાં ‘મોર’ નાચે…તો પણ કોણ જુએ?
  • વેલ્યુ-મોર બનાવવી હોય તો કમ‘લેશ’ બનવું પડે ભાઈ!   

દોસ્તો, જમાનો ‘પરમિશન’(આજ્ઞા)નો છે. માર્કેટિંગ મહાગુરુ સેઠ ગોડીનેપરમિશન માર્કેટિંગ વિષય પર આખી એક બૂક આપી દીધી છે.

કહેવાની જરૂર ખરી કે હવે એ (એટ લિસ્ટ) મારા કોન્ટેક્ટ લિસ્ટમાં પણ રહ્યો હોવો જોઈએ?

પેટ પર‘પંચ’

તમારી પ્રોડક્ટ વેચવા તમે કેટલી હદ સુધી જઈ શકો?

જેમણે કાંઈક કરવું છે…તેવા ખોપડી છાપ લોકોએ આ દુનિયામાં પોતાની વસ્તુ કે સેવાને આગળ લાવવા ઘણું અવનવું કર્યા કર્યું છે. અહીં જોઈ લ્યો… આ ભાઈનું કામ બુલેટ-પ્રૂફ જેકેટ વેચવાનું છે.

પણ તેની મજબૂતીની સાબિતી શું? એટલે બુલેટ (બંદૂકની ગોળીઓ) પહેરીને આ બિન્દાસ્ત બંધુ ‘પ્રદર્શન’ કરે છે. ને સંદેશો એમ આપે છે કે…“એક બાર આપકી નસ ફટ જાયેગી..પર મેરા બુલેટ-પ્રૂફ જેકેટ સલામત રહેગા પ્યારો!

દોસ્તો, જૂન મહિનાના અંત સુધીમાં આ બ્લોગ બંધ થઇ જશે. એટલે હવે માત્ર એક જ જગ્યા પર :www.vepaar.net પર જ પોસ્ટિંગ કરવામાં આવશે. શક્ય હોય તો ત્યાં રહેલા ‘સબસ્ક્રાઈબ’ બટન પર આપનું ઈ-મેઈલ નોંધાવી દેશો તો પબ્લિશ થયે આપને મેસેજ મળતો રહેશે.

વેપાર વ્યવસાય: ગુજરાતી ગૃહિણીઓ ઘેરબેઠાં કેવી કેવી ચીજો વેચી શકે છે?

દોસ્તો,

પાછલાં આ બ્લોગ લેખના સંદર્ભમાં ‘ગૃહિણીઓ ઘર બેઠાં કઈ રીતે કમાણી કરી શકે છે’ તે વિશેનો એક નવો આર્ટિકલ તૈયાર કરી રહ્યો છું ત્યારે…વર્ષો પહેલા લખાયેલો મુ. કાંતિ ભટ્ટ સાહેબનો એક આર્ટિકલ પણ માણી અને માની લેવા જેવો છે. ઘણી બાબતો જો કે અપડેટ્સ થઇ ચુકી છે. પણ વાતનો મૂળ તત્વ હજુયે તરોતાઝા છે.

http://www.gujaratsamachar.com/gsa/20031215/guj/supplement/b1.html

દોસ્તો, જેમને ફોન્ટ બરોબર વાંચી ન શકતા હોય તેમને માટે આ  લિંક પર ક્લિક કરવાથી ઈમેજ દ્વારા પણ વાંચી શકાશે.

ફરી પાછા મળશું…પૂરા ‘ગલ’ થવાને..હમણાં તો ડહાપણ સતાવી રહ્યું છે.

Where-Opportunities

વેપાર વ્યક્તિત્વ: ઉજડી ગયેલી રેસ્ટોરેન્ટ્સને ઉજાળતો એક અનોખો રસોઈયો..

Chef-From-Ground-To-Green

  • જે શોમાં ખોટેખોટું ડરાવી-ધમકાવી, ચાકુ-છુરીથી કાપાકાપી કરી લોહી રેડવામાં આવતું હોય એવા શો ને શું કહેશો?- હોરર શો, ખરુને?
  • જે વ્યક્તિ નકલી માસ્ક-મેકઅપ કરાવી કરી ફિલ્મો દ્વારા બીજાને બીવડાવવાનું કામ કરે એને શું કહેશો?- રામસે બ્રધર્સ, રાઈટ?
  • જે દેશની હોરર ફિલ્મો આલમમાં મશહૂર હોય તે દેશનું શું નામ? – બ્રિટન, બરોબરને?

આજે એવી જ એક વ્યક્તિની વાત કરવી છે….

  • જે ચાકુ-છુરી તો ચલાવે છે, કાપાકાપી કરે છે પણ જાન લેવાને બદલે પોતાના વ્યવસાયમાં જાન રેડી દે છે….
  • જે નકલી માસ્ક તો નથી પહેરતો કે ખોટો મેક-અપ નથી કરતો પણ જે સાચું છે તે મોં-ફાટ જણાવી દે છે કે દાળમાં ક્યાં કાળું છે…
  • જે ખરેખર બ્રિટીશ છે અને જેણે ‘રામસે’ બની ડરાવ્યા કે ધમકાવ્યા વિના ફિલ્મો પણ બનાવી છે. તોયે તેની ફિલ્મો હોરર નથી પણ હોટ હોય છે…. 

યેસ!..એનું નું નામ છે….ગોર્ડન રામસે. જે બ્રિટનનો એક મશહૂર રસોઈયો છે. શક્ય છે વર્ષોથી લંડનમાં રહેતા આપણા કોઈક વાંચક-બંધુઓને તેના વિશે થોડી વધું જાણકારી હોય.    

આમ જોવા જઈએ તો બ્રિટનની ખાસ અને નામાંકિત વ્યક્તિઓ માટે ગોર્ડનભાઈ આંગળી-ચાટું રેસિપી બનાવવામાં અગ્રેસર છે. પણ તેમ જોવા જઈએ તો ટી.વી-ઇન્ટરનેટ મીડિયાનો ઉપયોગ કરીને વન-મેન રામસે બ્રધરે વ્યાવસાયિક ધોરણે શો કરી સામાજિક કાર્ય કર્યું છે.

હવે સવાલ એ થાય કે સામાજિક-કાર્ય અને તે પણ વ્યાવસાયિક રીતે ???-

બિલકુલ સાચું! દોસ્તો. વાંચ્યા પછી તમને પણ થશે કે બરોબર વાત થઇ છે.

થયું એવું કે….૨૦૦૪ની સાલમાં એક ન્યુઝપેપરમાં તેણે પોતાના ‘શેફ’ વેપારને લગતો એક સર્વે વાંચ્યો કે…

બ્રિટનના ખાઉં-પીઉં શોખીન લોકોને ઘણી મશહૂર રેસ્ટોરેન્ટની સર્વિસ માફક નથી આવતી. ઘણું સારુ નામ ધરાવતી હોય એવી ખાણીપીણીમાં આજકાલ ‘ટેસ્ટ’ જેવું નથી રહ્યું….વગેરે…વગેરે….

વાંધાવચકાથી ભરેલા એ લેખમાં ચાલો એક રેસ્ટોરેન્ટની વાત હોય તો સમજ્યા. પણ આ તો ઘણી બધી ‘રામભરોસે’ થતી હોય ત્યારે??? હાયલા!…આવા સમાચાર દેશની બહાર બહુ જ ફેલાઈ જાય તો….કેટલી ઈજ્જત જાય !!!…ખાણીપીણીનો ધંધો ખુદ પાણીમાં બેસી જાય ને!!!

ત્યારે ‘શાક’મગ્ન થઇ ચિકન સમારતા ગોર્ડનદાસ શેફને કાંઈક થવું જોઈએ…કરવું જોઈએ….’ એવો વિચાર મનમાં તો ઉગી નીકળ્યો. પણ તેને ‘શેફ’-ડિપોઝીટમાં મુકવાને બદલે લોકોની વચ્ચે મુકીને આ વિચારને જ કાપી નાંખવાનો નિર્ણય કર્યો. આઈડિયા દોડાવ્યો કે….

લાવ જોવા તો દે…આ બધાં રેસ્ટોરંટીયાઓ એવી શું ભૂલો કરે છે જેના થકી આપણા નાગરિકોના મન પર કબજીયાત થયો છે.

સેલિબ્રિટીઝના સેવક એવા ગોર્ડનસાબને લંડનની ચેનલ-૪ની ઓફિસે (નિયમિત રીતે રામરામ કરનારા) ડાઈરેક્ટર પણ મળી ગયા. ને શરુ કર્યો સાચો જ રિયાલિટી શો!...‘રામસે’ઝ કિચન નાઇટમેર’.

દર અઠવાડિયે એક એપિસોડમાં કોઈક એવી રેસ્ટોરન્ટને પકડી મુલાકાત લેવામાં આવી જેમના વિરુદ્ધ ગ્રાહકો તરફથી ખાટી વાતો સંભળાતી. બ્રધર રામસે કેમેરા લઇ આવી જાતે ઉભા રહી તેમના ખોરાકમાં રહેલી ખાટી બાબતોને જાણી. સર્વિસમાં આવેલી ખોટી બાબતોને પકડી ઉપાય સૂચવ્યો. ને હવેથી એવું ના થાય તે માટે તકેદારી પગલાં પણ કેવા લેવા તેની ટીપ્સ મૂકી.

એટલું જ નહિ… રામસે સાહેબે શરૂઆતમાં જ્યાં જ્યાં જઈ નમક ખાધું હતું ત્યાં ત્યાં થોડાં મહિનાઓ બાદ ફરીવાર તેની મુલાકાત લીધી. અને જે સૂચનો આપવામાં આવ્યા તેના પર અમલ થયુ કે નહીં તેનું મોનિટરિંગ પણ કર્યું.

બસ પછી શું?- ઉજડી જવા ગયેલી ઘણી રેસ્ટોરન્ટસ ઉજળી જવા લાગી. ટેસ્ટ્સ, સર્વિસ અને પરિણામ સુધારાજનક મળે પછી ખાનારને-પીનારને અને પીરસનારને પ્રોફિટ દેખાય એવું આપણે સૌ ધંધાધારીઓને થોરામાં જ ઘન્નું બધ્ધું સમજાઈ ચ જાયે ને!

૨૦૦૯માં રામસે બાપુ એ વર્લ્ડ ઇકોનોમી ક્રાયસિસ દરમિયાન થાળે બેસેલી જણાતી ફૂડ ઇન્ડસ્ટ્રીઝને ખાસ પ્રાધાન્ય આપી ચેનલ-૪ પર પોતાના શોમાં વખતોવખત દર્શકોને અપીલ પણ કરી કે “દોસ્તો, તમને સારું જીવવું હોય તો એવી રેસ્ટોરન્ટ ને મરવા ન દેશો જે હજુયે તમને ભાવતું ભોજન આપે છે.”

ચિકન–શાક પકવવાના સામાજીક ધંધામાં ગોર્ડન બાપુના માથે તો ઘણાં માછલાંઓ ધોવાયાની ઘટનાઓ પણ બની છે. પણ તેઓ એ બધીયે ફિશને ‘ટાયટાય -ફિશ’ કરી ફિનિશ કરતા રહ્યા છે.

આ તો થોડાં જ ફકરાઓમાં ગોર્ડન રામસેના આ ઉદાહરણને કાચું-પાકું બનાવી ગરમ કરી આપ લોકોની સમક્ષ થોડું જ પીરસવું પડ્યું છે. તોયે એટલું જરૂરથી કહીશ કે કોઈ પણ (પ્ર)સિદ્ધિને પસીના વાળી વ્યક્તિ બહુ ગમે છે.       

બોલો હવે આ બાબા રામસે એ પણ ….આવું સામાજિક કાર્ય…પ્રોફેશનલી! કર્યું ને?

“આપણને ઘણીવાર સાચી વાતો કડવી લાગે છે પણ તેની પાછળ રહેલુ મીઠું પરિણામ સુખાકારી હોય છે.” – આવા વાક્યો જાતે જ પચાવવા ‘જીગર’ જોઈએ….જીગરી દોસ્ત જોઈએ!” ને ‘શેફ’આચાર્ય જેવો મિત્ર પણ…

બાર‘પંચ’

આ ‘બાર’વાળીને આમ અંદર જોયા પછી થાય ખરું કે….લોકોને બનાવીને…ગ્લાસમાં નશો કદાચ આ રીતે પણ નાખવામાં આવતો હશે… ;-)