HP કંપનીની એક IMP. વાત…

Online Customer Service

Online Customer Service Opportunity

આમ તો પ્રિન્ટરથી વધારે જાણીતી પણ કોમ્પ્યુટરમાં પાયોનિઅર ગણાતી એવી HP કંપનીએ પોતાના કસ્ટમર્સને બીજી કંપનીઓની સરખામણીએ વધુ બહેતર અને અકસીર ઓનલાઈન કસ્ટમર-સેવા શરુ કરી છે.

વાત આમ તો સાવ સામાન્ય લાગે – પણ સીધી, સરળ અને સાચી છે. 

બીજી અનેકાનેક ઓનલાઈન ફોરમનો અભ્યાસ કર્યા બાદ HPના કસ્ટમર્સ રીલેશનશીપ ઓફિસરોએ ઘણાં વાંધા અને વચકાઓ ખોળી કાઢ્યા. પછી નક્કી કર્યું કે જેમ લોખંડને કાપવું હોય તો વધુ બહેતર લોખંડની જરૂર પડે છે (યા પછી ઝેરનું મારણ ઝેરથી થાય છે?) તેમ ગ્રાહકની લાગણીઓ ગ્રાહક બનીને જ સમજી શકાય છે. 

એટલે ‘ HP સપોર્ટ ફોરમ’ના નામ હેઠળ આ ઓનલાઈન સર્વિસ ફોરમમાં તેની પ્રોડક્ટ્સ/સર્વિસ વિશેની માહિતી અને મદદ તેના એક્સપર્ટ ગણાતા કસ્ટમર્સ જ આપે છે.

જેમ જેમ કોઈ એક ગ્રાહક-(સર્વિસ એક્ઝિક્યુટિવ) બીજાં ગ્રાહકોને HP ની પ્રોડક્ટ્સ માટે સંતોષકારક જવાબો આપે છે, તેમને રેન્કિંગ પોઈન્ટસ તેમજ ‘બેજ’ સાથે નવાજવામાં આવે છે. આ પોઇન્ટ્સ દ્વારા તેઓ HP ની જ પ્રોડક્ટ્સ કાં તો પ્યોર ડિસ્કાઉન્ટ પર અથવા તો તદ્દન મફતમાં મેળવે છે.

હવે જો તમારી પાસે તેની પ્રોડક્ટ્સ વિશે સારું એવું એક્સપર્ટ જ્ઞાન હોય અને બીજાં જરૂરતમંદ ગ્રાહકોને મદદરૂપ થવાની ખેવના હોય થોડાંક કેશ કમાવવાની સાથે કૂલ કારકિર્દી ઘડી શકો છો. 

http://h30434.www3.hp.com/

વેપાર વીરતા –| હીટ થઇ બહાર આવેલા ‘હોટ’ સમાચાર |–

ઈ.સ. ૧૯૯૭માં એ વખતે આપણા માટે સૌથી ‘હોટ’ ન્યુઝ હતા.

જ્યારે મેં પણ સાંભળ્યું કે પંજાબી પુત્તર સબીર ભાટિયાએ માત્ર ૧૮ મહિનામાં તેની નવી કંપની ‘હોટમેઇલ’ને કેટલાંક કરોડોમાં માઈક્રોસોફ્ટને વેચી નાખી હતી. ત્યારે સબીરના એ સમાચારની સરખામણી સચિનની કમાણી સાથે પણ કરવામાં આવી હતી.

ત્યાર પછી સબીરતો ક્યાંક કમાણી લઇ બીજાં પ્રોજેક્ટ્સમાં ડૂબી ગયો અને માઈક્રોસોફ્ટનો બિલ ગેટ્સ તેના હોટમેઇલના દરિયામાં તરી ગયો. સમજો કે મફત હોટમેઇલ થકી ઈમેઈલની દુનિયામાં સુપર કોમ્યુનિકેશન રેવોલ્યુશન આવ્યું.

યાહૂ, જીમેઇલ, એ.ઓ.એલ. સાથે હાઈપર હોટ હરીફાઈ કરી હોટમેઇલે ઘણી લીલી-સૂકી જોઈ લીધી. વખતો-વખત બિલ ગેટ્સ તેની આ સિસ્ટમમાં નવા નવા અપડેટ્સ મૂકી ને વીર-યોધ્ધાની જેમ ક્યારેય હાર ન માની આજે તેને એક એવા મુકામ પર લઇ આવ્યો કે…

૧૬ વર્ષ પછી…હોટમેઇલને શહાદત વહોરવી પડી છે.

યેસ દોસ્તો ! આજે હોટમેઇલને સર્વિસ-મોડમાં સુઈ જવાનો વારો આવ્યો છે. માઈક્રોસોફ્ટે તેનું નામ: outlook.com કરીને ફરીથી તેના હરીફોને જડબાતોડ જવાબ આપ્યો છે.

એ તો મર્યું છે પણ સાથે સાથે હોટમેઇલને મેસેન્જર સર્વિસને પણ પોતાની સાથે લઇ ગયું છે. આજે એ બધું એક થઇ આઉટલૂકમાં વિલીન ગયું છે. નીતનવાં લૂક અને ફેસીલીટી સાથે આ ઈમેઈલ સર્વિસ સજ્જ થઇ છે.

જે સૌની પાસે હોટમેઇલ.કોમનું એકાઉન્ટ હોય એ સૌને પણ તેમનું જુનું હોટમેઇલ આઉટલૂકમાં પરિવર્તન કરવાની તક આપવામાં આવી છે. મેં પણ કર્યું છે અને તેના ફંકશન્સને અનુભવ્યા છે.

જો ગૂગલ સાથે કમ્પેર કરીએ તો… આઉટલૂક સાચે જ કૂલ છે…સેક્સી છે !

તમને પણ અનુભવવું હોય તો આવી જાજો: outlook.com પર.  પણ તે પહેલા તેની સેમ્પલ વિડીયોઝ પણ જોઈ લ્યો. 

.

જબ જબ યું યું હોતા હૈ, તબ-તબ કહાં-કહાં ક્યા-ક્યા હોતા હૈ?

આપડા બાપડા દેશમાં કોઈ પણ રાજકીય કે સામાજિક ઘટના થાય ત્યારે…હો હા! પો હા બહુ થાય હોં! આપણે ભલેને અંદર મળેલા હોઈએ, પણ બહારના જ નેશનને ‘યુનાઈટેડ’ કરાવવા આજીજીઓ થાય. વખોડીવેડાઓ થાય. સખ્ખત નિંદા થાય. સમિતિઓ રચાય, ‘તારીખ પે તારીખ’ ગોઠવાય, ને આખરે ડોકાં સાથે ફાંસીના માંચડા પણ ગાયબ થઈ જાય.

ખૈર, હમણાં તો ‘હમ સબ મિલકે’ આપણા રાજ્યોની અનેકતા પર થતી એકતા વિષયે જાણીએ. જેમ કે…  

  • મહારાષ્ટ્રમાં: પહેલા ઉગ્ર મોરચો નીકળશે, જેમાં બીજાં રાજ્યો (ખાસ કરીને બિહારને) એ ઘટના માટે જવાબદાર ગણવામાં આવશે, ત્યાર બાદ મીણબત્તીનું સરઘસ અને પછી?…..એક ફિલ્મ-ડાયરેક્ટર એની પર ‘ફિલ્મ ઉતારવાની તૈયારી કરશે.
  • દિલ્હીમાં: પહેલા તોડફોડ થશે, મારામારીઓ થશે ને પછી…બધું ‘ઠીક’ થઇ જશે.
  • પંજાબમાં: આવા આંતરિક આતંકવાદ વિરદ્ધ ‘કડી સે કડી ભર્થ્સના’ થશે.
  • ઉત્તરપ્રદેશમાં: પહેલા અંદરોઅંદર મારામારી થશે ને પછી એની સીધી વાઈરલ અસર મહારાષ્ટ્રમાં થશે.  
  • જમ્મુ-કાશ્મીરમાં: પહેલા “અમે સૌ સુરક્ષિત નથી.” નો પોકાર આવશે ને પછી લાલ-ચોકમાં લીલો ઝંડો લેહરાશે.
  • પશ્ચિમ બંગાળમાં: પહેલા ચક્કાજામ થશે, હડતાલો પડશે. ને પછી હારીને લોકો નજીકના જ કોઈ પર્યટનસ્થળ પર થાક ખાવા જશે. (કેમ? ‘દીદી’ગીરી નામની બી તો કોઈ ચીજ હોવી જોઈએ ને?!?!)
  • રાજસ્થાનમાં: એમના કોઈક સ્વજનના સ્વજનના સ્વજનનું મૃત્યુ થયું છે કે નહિ એ જાણી એનો ઊંડો શોક-વિલાપ થશે.
  • મધ્યપ્રદેશમાં: લોકોની પૂછપરછ થશે કે ‘યહ ઘટના કહા ઔર કૈસે હુઈ? અને પછી…કશુંયે નહિ થાય.
  • બિહારમાં: પાંચ-પચ્ચીસના ડોકાં ઉડી ગયા હશે, ૨૦-૨૫ ઘરો (આઈમીન ઝૂપડાં) બળી ગયા હશે. સૌ કોઈને લાગશે કે ઓહો કેટલી અસર થઇ ! પણ….એનું મૂળ કારણ બનેલી ઘટના સાથે તંતુથી પણ જોડાયેલું નહીં હોય.
  • જ્યારે ગુજરાતમાં...આઅહા!!! કેટકેટલાં કામો થશે. જુઓ…
  • પહેલા ઘરમાં રહી (મોંમાંથી) ને પછી જાહેરમાં આવી (મનમાં) ગાળાગાળીઓ થશે…એની સીધી અસર ફેસબૂક પર થશે.
  • જેની દિવાલો પર ઉપર મહા-મૃત્યુકાવ્યો રચાશે, દુઃખદ જોક્સ બનશે, આવા આર્ટિકલ્સ લખાશે. ‘ફેક’ ફોટોગ્રાફ્સનું કોપી-પેસ્ટ કરી ફેંકાફેંક થશે.
  • લેંઘાનું નાડુંયે બાંધતા નહિ આવડતું હોય કે ‘ગોમની બારેય નૈ ગ્યા’ હોય એવા બચુભ’ઈઓ પાકી બોર્ડર પર જઈ સામૂહિક ‘મૂત્રવિસર્જન કરાવવાની’ હોંશિયારીઓ ઠોકશે. જેની પર સેંકડો ‘લાઈક્સ’ આવશે.
  • કોઈકનું વહેલે મોડે…‘સાહેબ’ને આડકતરી રીતે પીએમ બનાવવાનું પ્રમોશન થઇ જશે.
  • જ્યાં દિમાગ ‘લગાવવાનું’ હોય ત્યાં હાથ-પગ ચોંટાડાશે.
  • રાજકીય બાબતને કોમવાદમાં વટલાવી દેવાશે.
  • ….પછી?…કોઈક નવી ઘટના બને તેની રાહ જોવાશે. અને રાત્રે તો એ જ પાછુ Unwanted72 યા પછી કામસૂત્રનું પેકેટ તો છે જ ને!…(હવે તમે જ કો’ કે ગુજરાત આટલું બધું પ્રગતિ’શીલ’ કેમ થયું?)
  • …ને બાકીના રાજ્યો: આ બધો તમાશો હરખાતા જોઈ શાંતિ-સ્થાપનના યજ્ઞો કરશે.

આ અસરો દરમિયાન અસલ વેપારી બચ્ચાંવ આ બધીયે ઘટનામાં મીણબત્તીઓ કે ‘ચહ’ વેચી આવ્યો હશે. જેવી જેની ઈચ્છા.

દેશ હમારી માતા હૈ, અબ આપકો ક્યા ક્યા આતા હૈ? 

ખૂબ ઊંચા નામ અને દામ કમાયા બાદ થોડી ‘બદ’નામ થયેલી…ઇન્સ્ટાગ્રામ !

Instagram_Logo

(C) Instagram.com

આ રેપની ઘટના તો શું બની છે કે..યોગાનુયોગ એવાં જ સંલગ્ન સમાચારો બનતા-મળતા રહે છે. ને આપણે રેપ-અપ કરતા રહીએ છીએ. એવી જ એક રેપીડ વાત સોશિયલ મીડિયાના વેપારી આલમમાં વાઈરસની જેમ આ પાછલાં બે દિવસમાં આવીને વહી ગઈ.

=•= ઇન્સ્ટાગ્રામ.કૉમ- : ૧ બિલિયન ડોલર્સ (અત્યારના ભાવે રૂપિયા ૫૪૬ અબજ ૬૦ કરોડ માત્ર)માં ફેસબૂકે ખરીદેલી કંપની. (પેપર પર) ઓફિસીયલી દેખાવમાં માત્ર ૭૦૦ મિલિયનનું કેશ વ્યવહાર.

=•= કામ: સ્માર્ટ-મોબાઈલ/પેડબૂક થી ફોટો લઇ એનું વિવિધ રંગોમાં ફિલ્ટરિંગ કરી દુનિયા સાથે શેર કરવાનો સોફ્ટવેર ચલાવવાનું.

=•= ઘણાં સમય પહેલાનું સ્ટેટસ?: અલબત્ત દુનિયાની સૌથી મોંઘી ખરીદાયેલી બાળક કંપની હતી.

=•= ગઈકાલનું સ્ટેટસ?: સોશિયલ મીડિયા થકી તેના પર તેના કહેવાતા ‘ફેન્સ/યુઝર્સ’ દ્વારા થયલો ‘ગેંગ બળાત્કાર’.

=•= કારણ?: એની પોલીસી, ટર્મ્સ અને કન્ડિશનમાં માત્ર એક વાક્યમાં ચેડાં કરવામાં આવ્યા.

=•= ચેડાંની ચોખવટ: “જુઓ, તમે સૌએ બહુ મોટી સંખ્યામાં અમારી ઇન્સ્ટન્ટ સાઈટ થકી ફોટો પાડ્યા છે. એટલે અમે એ પડેલા ફોટોઝને ચાહિયે એને વેચી શકીએ છીએ. કોઈ અમને એમ કરવાથી રોકી શકે નહી. ઉપરાંત અમારા સર્વર પર સેવ થયેલા ફોટોઝને અમે તમને પૂછ્યા વિના એડવર્ટાઈઝીંગ એજન્સીઓને વેચી કે વહેંચી શકીએ છીએ. વગેરે…વગેરે…વગેરે.”

=•= ફેન્સ લોકોનો ડિફેન્સ: ઇન્સ્ટાગ્રામના ધડાધડ એકાઉન્ટ્સ બંધ, સર્વિસ પર સોશિયલ મીડિયા દ્વારા થું થું, અને ‘સે નો ટુ ઇન્સ્ટાગ્રામ’ બળવા સાથે પ્રતિ ડીજીટલ બળાત્કાર.

=•= અત્યારનું, હાલનું, સ્ટેટસ: પોતાના સૌ ફેન્સ, યુઝર્સના ઘૂંટણિયે પડી માફી માંગી તેના ફાઉન્ડરે ચોખવટ કરી છે કે…

“માઈ-બાપ, અમને માફ કરો. ભલેને ફેસબૂક અમારો પિતાશ્રી હોય. છતાં હવેથી અમે આવી ભૂલ ક્યારેય નહિ કરીએ. અમે જાણીએ છીએ કે તમે સૌની ફિલ્મ સાથે અમારી પણ ‘ફિલ્લમ અને ઈજ્જત ઉતારી’ શકો છો.

મોરલો:

કેટલીક કંપનીઓને આ રીતે પણ પોતાની ‘ઔકાત જોવા માટે’ આવા (અ)ખતરા લે છે. શું કરીએ? નગ્ન અને સત્ય બંને સમયે બહાર તો આવે જ છે.

સરપંચ:

પોટાના કપરામાં સૌ નાગા….બાવા! આ જોઈ લ્યો એનું સોજ્જું ‘ઉદાર’હરણ

વેપારમાં જે ‘દિ’ વાળે…એમની થાય દિવાળી <~|)

Sunrise-Twilight

વ્યવસાયની, કેરિયરની કે લાઈફની ચકમક પર ચમકતાં, ચમકી રહેલા અને ચમકવા મથતા સર્વે સાહેબો, દોસ્તો, મિત્રો, ભાઈઓ, બહેનો, સખીઓ,        

એક રિક્વેસ્ટ આવી હતી. “મુર્તઝાભાઈ, હોળી પર તો વેપારના રંગોવાળી બ્લોગ-પોસ્ટ લખી તમે અમને રંગી નાખ્યા હવે દિવાળી પર પણ વેપારના પહેલુંને લઇ એની પર પ્રકાશ પાડો તો ખરા

ચેલેન્જ તો આવી. ને મને વિચાર કરતો મૂકી ગઈ. તહેવારોના આ રાજાની ભવ્યતાને વેપાર સાથે શી રીતે સાંકળી લઉં? એટલે હાથમાં ખાલી કોડિયુ લઈને શબ્દો શોધવાની શરૂઆત કરી. પણ ચિનગારી કોઈ ભડકે તો ને?

એટલા માટે કે…દિવાળી, દીપાવલી, દીપોત્સવી કે બીજા કોઈ પણ સર્વનામથી તેને બોલાવો તો પણ આ ‘લાઈટ’ના તહેવારનું મહત્વ હંમેશા ‘ભારે’ જ રહેવાનું છે. 

બોસની બૂમાબૂમ, સપ્લાયર્સની સતામણી સાથે અસંતુષ્ટ ગ્રાહકોની ગરમાગરમી વચ્ચે મગજ સલામત અને ક્રિયેટિવ રાખવું એ ફટાકડાંના બોક્સને આગથી કે ચિનગારીથી પણ સલામત રાખવા બરોબર છે. ઘણી બાબતો આપણા હાથમાં નથી હોતી…સરકતી જાયે રુખ સે નકાબ..આહિસ્તા આહિસ્તા !

જેમ ટેન્શન દૂર કરવા માટે એન્ટી-ટેન્શન્સની ગોળીઓનું પેકેટ પણ હાજર જ હોય છે તેમ હાથમાં કાયમ રાખી શકાય એવી તાકાતનું નાડું આપણને જન્મતાની સાથે જ મળી ચુકયુ છે.. પણ હાય રે કિસ્મત…ઉતાવળે એ જ ઢીલું રહેતું હોય છે. એવું મને પણ થયું. નજીકમાં જ નાનકડો દિવો સળગી રહ્યો હતો ને મને ‘લાઈટ’ થોડીવાર પછી દેખાણી !

આ નાનકડો દીવડો એટલે મને ગમતો એક એવો માણસ જેમને હું એમને સંત પુરુષ તો નહિ કહું. કેમકે એમણે એવું કહેવા મનાઈ હુકમ ફરમાવ્યો છે. આવું એટલા માટે કે એ ન તો એ કોઈ કથા કરે છે યા પ્રોફેસરી. કવિતા એમને ગમે ખરી પણ હાથમાં થેલો ક્યારેય ન ભરાવેલો.

લાખો-લાખોની કમાણી કરી હોય અને થોડાં વધારે લાખો દાન-ધરમમાં ખર્ચી નાખ્યા હોય તે પછી પણ એ વ્યક્તિ રહી છે જ સાવ સીધી સાદી. તમે કાં તો ૨૦૦-૩૦૦ પાનાંની કોઈક મોટિવેશનલ બૂક વાંચી લ્યો યા પછી ૨૦-૩૦ મિનિટ્સ એમની પાસે જઇ બેસી આવો…..બંને એક સરખું કામ થઇ જાશે. ચોઈસ ઇઝ અવર્સ.

સવાલના જવાબ આપવામાં મોં કરતા એમનો હાથ વધારે ચાલે. એનો અર્થ એમ કે… દા.ત. પૂછીએ કે “બાબજી ! ફોર્ચ્યુન મેગેઝિનનો લેટેસ્ટ અંક આવ્યો છે?” ત્યારે જવાબ કહેવાને ‘હા’ બોલવાને બદલે સીધો હાથમાં થમાવી દે.

યા પછી “સાહેબ ! સંસ્થાની મિટિંગના ગેસ્ટ તરીકે આપ આવી શકશો?” તો જવાબમાં માત્ર “પ્રોગ્રામ બોલો’ સાંભળવાની ટેવ રાખવી પડે. (એક તો એ યાદ નથી આવતું કે તેઓ ગુસ્સે કઈ સાલમાં થયા ‘તા?)

એટલે હવે એમને એક સત્પુરુષ કહેવામાં મને ન તો એમની પરવાનગીની જરૂર છે ન મનાઈની….

થોડાં અરસા અગાઉ એમને પૂછી આવ્યો “અંકલ ! દિવાળી નિમિત્તે વેપારને લગતા એવા કેટલાંક પોઈન્ટસ જોઈએ છે. જે સીધાં હોય અને સાદા હોય. આપી શકો?” –

કોફી કપ પીવાના ૧૫ મિનિટ પછી એમની જૂની ડાયરીમાં ગાંધી-છાપ અક્ષરો મને ઉકેલવા પડ્યા ત્યારે ધમાકેદાર ‘ક્રેકર્સ’ બહાર આવ્યા છે. વાંચ્યા બાદ લાગશે કે એનો અમલ કર્યા પછી કેવો દિ’વળે છે. જોબ મુક્યા પછી મારા દિ’ એમાંના કેટલાંક તારલાંઓને લીધે ઘણાં ફરી ગયા છે.

ચલો હવે જરા જોઈ તો લઈએ કે એમની સચવાયેલી નોંધના તારલાઓઓ હવે અહીં કેવા ચમકી રહ્યાં છે…. 

  • આજથી વેપાર સાથે જોડાયેલા કોઈક એકને ફક્ત એક કામ માટે પણ ઉપયોગી થઈશ. ભલે પછી એમની પાસે કાંઈ પણ ના હોય.
  • આજથી મારા ગ્રાહકોને ‘થેન્ક્યુ’ અને ‘માફ કરશો’ શબ્દોનો ઉપયોગ (ગઈકાલ કરતા) વધુ કરીશ.
  • આજથી મારી જાતને મારી પ્રોડક્ટ/ સેવા માટે થોડી વધુ કિંમતી બનાવીશ. જો એમ કરીશ તો જ મારી કસ્ટમર-સર્વિસ કિંમતી બનશે. (કોઈ શક?)
  • આજથી વેપારમાં કોઈ મુશ્કેલી આવશે તો એને મારી તાકાત કરતા નાની બનાવી દઈશ. (સરફરોશીકી તમન્ના જાગી હૈ)
  • આજથી કમસેકમ ૩ ગ્રાહકોને (દિલથી) કોમ્પ્લીમેન્ટ્સ આપીશ. (મોબાઈલ કે ઈ-મેઈલના પૈસા ચાર ગણા વસૂલ થયા સમજો)
  • આજથી મારા માર્કેટમાં બનતા એવા ચમત્કારો પર નજર રાખીશ જેનાથી અત્યાર સુધી હું અજાણ રહ્યો હોઉં.
  • આજથી વેપારની સાથે સાથે મને ખૂબ ગમતા ક્ષેત્રની આવડતને બની શકે એટલી વધારે ઈમ્પ્રુવમેન્ટ કરવા મહેનત કરીશ. (પિયાનો વગાડવાનો બવ સોખ હતો?….પણ બાપા એ પીપૂડી અપાવી ને ચુપ કરી દીધેલો?- (જાવ શોધી લો કોણ એનો માસ્તર છે?)
  • આજથી પેલી જે કુટેવોએ મને જકડી રાખ્યો છે એમાંની એકને હરાવવાની વધુ કોશિશ કરીશ. (આમાં પાન-તમાકુ-બીડી-ટી.વી ના જેટલાં બંધુઓ અને બંધાણી હોય એ બધાં આવી ગયા એમ સમજી લેવાનું)
  • આજથી એવા ૨ કામો જરૂરથી કરીશ કે જે મારી આરામદાયકવૃતિને તોડી મને બહાર લઇ જાય.
  • આજથી મને આવતી કાલે બેહતર શું કરવું છે એ વિચારવા માટે કમસેકમ ૧૦-૧૫ મીનીટનો સમય એકાંતમાં ગાળીશ.
  • આજથી પેલા ઉંઘના શેતાનને વહેલી સવારમાં જ હરાવી દઈશ જે મને મોડા ઉઠાડવા માટે દબાવી દેતો હોય છે.
  • આજથી જમવામાં જે પણ બ્રેડ, રોટલી કે શાક મળ્યું છે એને ગનીમત સમજી જમતા-જમતા આભાર માનીશ. (પત્નીને કાંઈ પણ નહિ કહેવાની શરતે હોં)
  • આજથી જેણે મને આ દુનિયામાં રેહવાની સગવડ કરી આપી છે એવા મારા ‘ખુદના ખુદા’ સાથે એકાંતમાં થોડી પળો વીતાવીશ. (એક વાર ડેટિંગ તો કરી જોવા જેવી છે, યાર!)
  • આજથી દિવસ દરમ્યાન મેં કેટલું લણ્યું એના કરતાં કેટલું વાવ્યું એનું મૂલ્યાંકન કરીને ટેન્શન-ફ્રિ થઇ સુઇશ.

હવે તમે જ કહો ‘થોરામાં ઘન્નું’ કે’નારો આ મજ્જાનો માનસ એના એક્સપીરીયન્સ પરથી આવું સ્ટારિંગ કરે તો કોઈની મજાલ છે કે આપરો દિ’ બગાડી શકે? – ત્યારે આટલું બી ન્હ થઇ શકે તો ‘કોલાવરી ડી’ ગાયા કરવું જોઈએ, શું કો’ છ્ચ?

લ્યો ત્યારે…તમતમારે દેશી ભાવે ‘સાલ મુબારક’ કે’જો ને હું અરેબિકમાં ‘કુલ્લુ આ’મ વ ઇન્તા બા ખૈર વ તય્યેબિન’ કહીને ફકત વિદા થાઉં છું.  

કેટલીક હેડલાઈન્સ ‘બ્રેકિંગ’ ન્યુઝ નથી આપતી, ‘બિલ્ડીંગ’ પણ આપે છે…

Tata Nano

“પહેલા એ લોકો તમારી પર હસશે,

પછી તમને પછાડશે,

ત્યાર બાદ તમને હરાવવાની બનતી કોશિશ કરશે…

ને પછી તમે જીતી જશો.” –

દુનિયારત્ન ગાંધીબાપાનું આ ચોટદાર વાક્ય મને મરદ-બચ્ચા રતન તાતા માટે ઘણું યોગ્ય અને બંધ બેસતું લાગે છે. ઘણીયે બંગાળી ઠોકરો ધક્કા-મુક્કી-મુક્કા ખાધા પછી, એક ‘સોજ્જા માનસ’ની જેમ ભલાઈ રાખીને પણ આ પારસી પોરિયો એની લગની સાથે લગ્ન કરી નેનો કારને મોટી બનાવી ને જ જંપ્યો છે.

એક ગુજરાતી તરીકે તો આપણે સૌને ગર્વ થાય જ. પણ વેપારી માણસ તરીકે પણ થોડો વધારે ગર્વ થાય જ્યારે આજના ન્યુઝમાં સાચે જ હેડલાઈન વાંચવા મળે…

“તાતાની નેનો કાર હવે માત્ર $૩૫૦૦/- ની પ્રાઈસટેગ સાથે અમેરિકના કાર બજારમાં પણ જોવા મળશે.”

૩૭ એચપી, ૬૨૪ સી.સી.વાળા બે સિલિન્ડર એન્જીન સાથે (તેમજ કેટલીંક નાનકડી અમેરિકન જરૂરીયાતોને પણ મુદ્દે નજર રાખી) નેનો જ્યારે અમેરિકાના શહેરોમાં આવી રહી છે ત્યારે ‘સાલ્લુ માહરુ ડીલ અને દિલ બંનેચ ખુસીથી નાચી ઉઠેચ..’

શું કામ?- થોરાંમાં ઘન્નું જ કેવ ટો : “ બસ સમજોને કે આવો મોટ્ટો વેપારી માનસ આવી નહ્લ્લી નેનોને પણ મોટ્ટી બ્રાન્ડ બનાવી એના માર્કેટિંગ દ્વારા મહાસત્તાને બી ‘સટ્ટાક’ કરતી મિડીયમ કિક આપી શકે ચ ને એવન લોકાં ખુસી ખુસી લઇ બી લે છ.”

ત્યારે આવા રતન જ આપણને શીખ આપી જાય છે કે….

‘અવરોધ તો ખાલી આપણા મનમાં હોય છે…પછી બંગાળ-બિહાર જેવા ફેક્ટર્સ તો પ્રગતિ કરાવવા માટે કિક મારતા હોય છે.

હવે કહી શકાય છે ને કેટલીક હેડલાઈન્સ ‘બ્રેકિંગ’ ન્યુઝ નથી આપતી, ‘બિલ્ડીંગ’ પણ આપે છે.

 Source Link: http://bit.ly/PAxHpE

પુસ્તક પ્રિસ્ક્રિપ્શન : ૧૦૦ ડોલરમાં વેપાર…અપરંપાર ?!?!?!- $100 Startup

ધારો કે..

  • તમે સાચેસાચ એવી જગ્યાએ આરામ ફરમાવી રહ્યા છો જેનું તમે માત્ર સ્વપ્ન જ જોયું હતું.
  • તમે ચાહો એવું કામ કરી રહ્યા છો જેને જોવા માટે તમારી પાછળ કોઈ બોસ નથી. તમે ખુદના જ એક બોસ છો.
  • તમારી ઓફિસમાં કામ કરવાનો તમારો છેલ્લો દિવસ છે. તમે “હવે બહુ કર્યું” એમ માનીને પોતાની આવનારી પળોને માણવા બીજી પળોજણને ફેંકી હાથમાં લેપટોપ રાખી દબાયેલું સ્વપ્ન સાકાર કરવાની શરૂઆત કરો છો. ને પછી…
  • તમે તમારા બોસને પાણીચું આપતી ચિઠ્ઠી આપી રહ્યા છો જેમાં લખ્યું છે કે: “વ્હાલા થઈને હવે ગયેલા બોસ! તમારા માટે મેં બહુ વૈતરું કર્યું. હવે મને તમારી જરૂર નથી. હું આ ચાલ્યો, મારું મનગમતું કામ કરવા ને ખુદ માટે વધારે કમાવવા.
  • તમે ઘરે આવી મગજમાં ભરાયેલા આઈડિયાને ખોલી રહ્યા છો. ને સાથે સાથે ખુદના વેપારના નવા નિયમો પણ સર્જી રહ્યા છો.

 શું તમને હવે કોઈ બોસિંગનો ડર નથી?… આવનાર મુશ્કેલીઓની ફિકર નથી?

ના ના ના  બંધુ પ્યારે! એ કરતા પણ તમને હવે ખુદને સમજી જવાનો આત્મવિશ્વાસ જાગી ગયો છે. બીજાની ‘બોન પૈનાવવા જાય’ એવી બેફિકરી નિયત રાખી તમારા ખુદની ઝિંદગી સાથે સંલગ્ન થઇ રહ્યા છો. તમને એક બાબત ઘર કરી ગઈ તે છે: આઝાદી…સ્વતંત્રતા…ફ્રિડમ !

આ બાબતને મુખ્ય બનાવી થોડાં કલાકો અગાઉ જ એક પુસ્તક જન્મ્યું છે.

જેનું શાબ્દિક નામ:                   ડોલર ૧૦૦ સ્ટાર્ટ-અપ

અને શારીરિક નામ (લેખક):          ક્રિસ ગલેબો

.

$100Startup-Book

.

યેસ દોસ્તો, ધુરંધરો, આ ક્રિસ ગલેબો એક એવી નવજુવાન વ્યક્તિ છે જેણે ૩૫ વર્ષની અંદર લગભગ ૧૫૦થી પણ વધું દેશોની ધૂળ ખાઈને પાણી પીધાં છે. સમજો કે હાલતું-ચાલતું પુસ્તક છે. એટલેજ મારી નજરે બહુ અલગારી માણસ છે. જેના વિશે બીજી વખતે વિગતવાર જણાવીશ. (હાલમાં તો કાનમાં કહી દઉં કે આપણા માનીતા લેખક સેઠ ગોડીનનો આ ઘણો માનીતો શિષ્ય છે.)

ક્રિસે બનાવેલા ખુદના સદનસીબને લીધે તેની પાછળ પ્રોફેશનલી કોઈ બોસ કે મેનેજર નથી. પણ તેની સાથે છે તેનું બે પેશન: કુદરતનો ખોળો ખુંદવાનું અને ખુદને ગમતો વેપાર કરવાનું. ઝિંદગીના તેના આ મકસદમાં તેને સર્વથા સાથ આપ્યો છે તેની પત્ની જુલીએ.

ઇન્ટરનેટની પુખ્તતાથી આવી સ્વ-આઝાદીનો એવો વાઈરલ પવન ફૂંકાયો છે જેમાં અનિલ હોય કે અનિલા, યા સમીર હોય કે સમીરા જેવા ઘણાં લોકો તેની અસર હેઠળ (ઇન્ફેકશનમાં) આવી ગયા છે… ને હજુયે આવી રહ્યા છે.

 ડોલર ૧૦૦ સ્ટાર્ટ આવી જ ફ્રિડમની વાત કરતુ ખુલ્લું પુસ્તક છે.

ફ્રિડમમાં: ભલેને ‘ફ્રિ’ શબ્દ મફતમાં મળ્યો હોય પણ તે ખૂબ કિંમતી છે. કાંઈ એમને એમ નથી મળતો. એ તો એ લોકોને વધારે ખબર છે જેમણે ખરેખર આઝાદી લેવા માટે જાન આપ્યા છે. એટલે જ આપણા મતે એમનું મૂલ્ય ઊંચું છે.

ડોલર ૧૦૦ સ્ટાર્ટઅપ પુસ્તક આવા જ Freedom Freedom + Value નું કોમ્બોપેક લઈને આવ્યું છે.

મૂલ્ય ભલે બીજા દ્વારા થાય પરંતુ કિંમત આપણે ખુદ જાતે કરવી પડે છે. ઘણું બધું આપીને…થોડું કાંઈક લઈને.

ડોલર ૧૦૦ સ્ટાર્ટઅપમાં એવી ૨૫ કેસ-સ્ટડીઝ (ઘટના)ઓ લઈ ક્રિસ ગલેબો એ એવા લોકોના ‘બોલ’ સાથે જોરદાર બેટિંગ કરી છે જેમણે પોતાની વ્યાવસાયિક દુનિયામાં ખૂબ ઓછા ખર્ચે ‘ક્રિસ’મત અજમાવી છે.

જેમ શરૂઆતમાં જાણ્યું તેમ એવા બીજા ઘણાં બિઝનેસ બનાવોને તેણે માઈકલ જેવી સાચી વાર્તા દ્વારા બહુ સરળ અંગ્રેજીમાં લખ્યું છે, સમજાવ્યું છે.

જો કે એમાંની ઘણી કથાઓ આમતો અમેરિકામાં જ બનેલી છે. પણ છતાંય એવા દેશોના લોકોની વાત પણ વર્ણવવામાં આવી છે જેમાં વેપારની તકો કાટ ખાઈ ચુકી હોય. $૧૦૦ સ્ટાર્ટઅપ એટલે નાના રોકાણ દ્વારા મોટી મહેચ્છા પાર પાડવાની શરૂઆત.

જેમ કે,

  • લંડનની સુસાનાની ફોટોગ્રાફી ટ્રેઇનિંગ પાછળ રહેલી ફ્લેશબેક કથા
  • કોસ્ટારિકાના બ્રાન્ડેન પિયર્સના સંગીત-ક્લાસની બેક-ટ્યુનસની કહાની
  • મને ખુબ ગમતો ઓસ્ટ્રેલિયન બ્લોગી ડેરેન રોઝ પણ તેની ધૂણી સાથે મળી આવશે અને …
  • માઈક્રોસોફ્ટ એક્સેલ સોફ્ટવેરના ડેટાબેઝ મેનેજમેન્ટમાં એક્સેલંટ થયેલો આપણો દેશી પૂર્ણા દોગ્રીલ્લા ‘ચંદુ’ તરીકે પણ દેખાઈ આવશે.

આ બધાં સૌએ નાનકડી પ્રોફાઈલના જોરે અને પેશનના પરીક્ષણ થકી આઝાદ રહી સમાજમાં કાંઈક કરી બતાવ્યુ છે. ને આજે નીચી મૂડીથી ઉંચી મેડીના મોલમાં બિરાજે છે.

આ બધું જાણ્યા અને જણાવ્યા પછી પણ લેખક ક્રિસ ગલેબોએ ક્યારેય એવું નથી કહ્યું: “હું ક્રિસ….હું ક્રિસ”

એ તો કહી રહ્યો છે: “એ પણ હું કરીશ. તે પણ હું કરીશ.”

તો દોસ્તો, હવે ‘કરવુ’ કે ‘ના કરવું’ એ આપણા હાથમાં છે. તો પછી આ પુસ્તકને પણ હાથમાં લઇ વાંચવામાં ક્યાં વાંધો આવે છે? ભાંગી પડો એ પહેલા તૂટી પડો ને ખરીદી લ્યો આ તાજું જન્મેલું પુસ્તક એમેઝોન પરથી. આ રહી લિંક. $100 Start-up

દેશ કોઈ પણ હોય. સીમા ભલે અલગ પડતી પણ સંવેદનાસરખી જોડાયેલી હોય છે. -મુર્તઝાચાર્ય

માઈકલપંચ’

ખૈર, ગઈકાલની પોસ્ટમાં જવાબ અદ્રશ્ય રાખ્યો તો એક સામાન્ય સવાલ ઘણાં વાંચકોને થયો છે.

પેલા માઈકલનું થયું શું?

તો એ જાણી લ્યો કે…એક દરવાજો બંધ થયા તો બીજા ચાર ખુલે છે એમ નવરા પડેલા માઈકલભાઈને પણ થોડાં જ સમયમાં તેના એક પડોશી-વેપારી મિત્ર દ્વારા ઓવર-સ્ટોકમાં પડેલી મેટ્રેસીઝ (ફોમવાળા ગાદલાં) વેચવાની ઓફર મળી.

જેમાં તેણે પોતાની ‘ગૂડવિલ’ રોકીને પોતાના એક બીજા દોસ્તની મદદથી ખાસ પ્રકારની સાયકલ બનાવી, જાતે ચલાવી ‘ફ્રિ હોમ ડિલીવરી મેટ્રેસ’ની સેવા દ્વારા ઘણું પ્રોફિટ હાંસિલ કર્યું. આજે આ માઇકલની સાયકલ ‘ધી મેટ્રેસ લોટ’ના નામે પૂરપાટ દોડે છે.

બે વર્ષ પછી તેને પેલો છેલ્લા દિવસે પહેરેલો નોર્ડસ્ટ્રોમનો કોટ પણ મળી આવેલો. કારણકે તે દિવસ બાદ ક્યારેય તેને એવા પ્રોફેશનલ ડ્રેસ પહેરવાની જરૂર જણાઈ નહિ.

સામે કોઈ બોસ હોય તો પહેરે ને? એના ગ્રાહકો તો એના દોસ્તો છે.

બોલો, હવે મારી વાતનો વિશ્વાસ કરવો છે?- આ રહ્યો એનો બોલતો દેખાતો પૂરાવો:

જો આ માઈકલમામા સાચે જ કોઈ ફિલ્મ બનાવે તો તેનું નામ “જબ વી ‘મેટ્રેસ’ આપે કે નહીં? જુઓ તો ખરા એને માર્કેટ કરવાની જવાબદારી મેં કેવી લઇ લીધી?

વેપાર વિમાસણ: કેરિયરમાં આવું બને ત્યારે શું બનવું?

તે દિવસે પણ માઈકલ દરરોજની જેમ જોબ કરવા માટે ઓફિસે જવા તૈયાર થઇ ગયો. પોતાના ખાસ ક્લાયન્ટ(ગ્રાહક) સાથે લંચ-મિટિંગ નક્કી કરી હોવાથી ઈમ્પ્રેસન જમાવવા તેણે નોર્ડસ્ટોર્મનો કોટ પણ ચઢાવ્યો.

ઓફિસે આવી મિટિંગની ખાસ તૈયારી કરી. ફાઈલ્સ બરોબર ચેક કરી. જરૂરી એવા ઈ-મેઈલ્સ પણ વાંચી જવાબ આપી દીધાં અને થોડી જ મિનીટો પહેલા બનેલા સમાચારોની હેડલાઈન્સ પર ઉડતી નજર નાખી પછી પેન્ડીંગ લાગતા બીજા અન્ય કામો પણ આટોપી લીધા.

તે દરમિયાન બોસનો માત્ર એક લાઈનનો મેસેજ પણ વાંચી લીધો. “માઈકલ, બપોરે મિટિંગ બાદ જસ્ટ થોડી વાર માટે મળજે.”

ને પછી બપોરે નિયત સમયે ગ્રાહક સાથે નજીકની રેસ્ટોરન્ટમાં જમવા-મળવા માટે આવી ગયો. દિલ દઈને પોતાના રેગ્યુલર ગ્રાહક સાથે નવી ‘ડીલ’ ફિક્સ પણ કરી લીધી. ‘બોસને બીજું જોઈએ પણ શું? એમને ખુશી મળે અને મને મારું કમિશન….બસ.’

આવો વિચાર કરી ખુશ થતો પોતાના જોબ-બ્લોકમાં પાછો વળી ગયો. ને થોડી જ મિનીટોમાં પેલી એક-લાઈનના મેસેજને માન આપવા બોસ-બહેનની સામે પણ આવી ગયો.

માઈકલ! આવું કેમ થાય છે?…આ બિઝનેસની હવામાં આવી વાઈરલ અસર કેમ વધતી જાય છે?…આપણા પાછલાં ૨-૩ મહિનાનો સેલ્સ આંક પણ જરા શરમજનક આવ્યો છે, નહિ?… સાલું કાંઈ સમજણ નથી પડતી, ખરુને? – બોસ ઉવાચ.

પોતાના બોસને આર્થિક પ્રશ્નોની ચર્ચા કોઈ પણ સમયે ઉપડે એ કોઈ નવી વાત ન હતી. પણ જ્યારે જ્યારે આવી ચર્ચા થતી ત્યારે આખો સ્ટાફ સામે બેસતો પણ આજે પોતે એકલો? એવી શું ગંભીર વાત થઇ છે કે…

- માઈકલ પોતાની રીતે બોસના થોડાં આર્થિક પ્રશ્નોને હવામાં નાખી વિચારે ચઢી ગયો. ત્યાં અચાનક તેના HR Manager ના કેબિનમાં પ્રવેશથી સેકન્ડ્સમાં ધ્યાનભંગ પણ થઇ ગયું. હાથમાં બ્રાઉન બોક્સ હોવાથી ડીલ ફિક્સ કરવાની ખુશીમાં કોઈક ગિફ્ટ મળશે એવી આશાથી માઈકલ મનોમન ચુપ રહ્યો.  

બોસે હવે આર્થિક સાથે થોડી સામાજિક સમસ્યાઓ પણ ઉમેરીને વાતનો મૂળ ખોલ્યો… “માઈકલ! કંપનીના થોડાં વધુ સારા ભવિષ્ય માટે અમે પૂરદર્દ નિર્ણય લીધો છે કે…….હમણાં જ તમને કંપનીમાંથી છુટ્ટા કરવામાં આવે છે. આ બ્રાઉન-બોક્સમાં તમે તમારી દરેક વસ્તુઓ બાંધી લઇ જઈ શકો છો.”

ડેડીકેશનની હોંશ, કમિશનનો જોશ, પ્રમોશનનાં પોઝ પર કાચી સેકન્ડ્સમાં જાણે કોશ ફરી વળ્યો…..બધુંયે ટાંય-ટાંય ફીશ. તે ઘડીએ તો હજુ બપોરના ૨:૩૦ થયા હશે. પણ આ માઈકલભાઈના ત્યારે સાચેસાચ બાર વાગી ગયા હતા.

આટલા વહેલા ઘરે પહોંચી પોતાની બૈરીને શું મોં બતાવવું? બચ્ચે લોગને શું જવાબ આપવો? એ જ કે પોતાની માનસિક કાબેલિયત પર વિશ્વાસ રાખતો શખ્શ હાથમાં પાણીચું લઈને આવ્યો છે?

માઈકલના મનમાં શું થયું હશે? તે સાંજે તેની પત્ની મેરી રૂથ પર શું વીતી હશે? એ બંને એ શું છોડ્યું હશે? શું તરછોડ્યું હશેને પછી તેમના હાથે શું આવ્યું હશે? ને આખરે એમણે શું મેળવ્યું હશે?….

આ શું કામ?…શાં માટે?…કેમ આમ? જેવી સેંકડો ઘટનાઓને જાણીને, માનીને, સમજીને એક ૩૫ વર્ષિય અલગારી અમેરિકન વેપારી-મુસાફર ૨૫ ચુનિંદા વેપારીઓની વાર્તાઓ લઇ એક પુસ્તક રૂપે લઈને ‘જસ્ટ’ આવ્યો છે.

જેની વાત પુસ્તક પ્રિસ્ક્રિપ્શન સ્વરૂપે હવે પછીની પોસ્ટમાં જાણવા મળશે.  

વેપાર વ્યવસાય: ‘ઠોરામાં ઘન્નું જ બધું સમાવે’ એવા આઈડિયાનું નામ એટલે…

પહેલા સૌથી અગત્યની વાત:

પાછલા પોસ્ટની અસર આટલી ગરમાગરમ થશે તેનો ખરેખર મને અંદાજ ન હતો. જે દોસ્તોએ ‘મને પુસ્તક જોઈએ છીએ’ એમ કહી પોતાનો સમય અને ઈ-મેઈલ પોસ્ટમાં આપ્યો છે તે સર્વેને મને આ વખતે થોડું વધારે દબાણ વાળું “આભાર… થેંક્યુ… શુક્રિયા..” કહેવું જ છે. વખતો વખત એ વેતાલિક વાતનું અપડેટ પણ આપીશ ઇન્શાલ્લાહ!

તો હવે શરુ કરું આજની બીજી અગત્યની વાત.

કોઈ પણ સફળ કંપનીની મિસ્ટ્રી જાણવી હોય તો આપણને ખબર છે કે તેની હિસ્ટ્રીમાં ડોકિયું કરવું પડે. તે કંપનીની સફરમાં કેટલાં રોટલા શેકાયા ને કેટલાં પાપડ ભંગાયા તેનો હિસાબ તેના મજબૂત રસોઈયાઓ આપી શકે છે.

૧૯૪૩માં સ્વિડનમાં આવેલા એક નાનકડા પરગણામાં ૧૭ વર્ષના એક મિસ્ત્રી છોકરા ઇન્ગ્વાર કામ્પ્રાદે પોતાના નાનકડા લક્કડ હાઉસમાં બનાવવાનું શરુ કરેલી લાકડાની સામાન્ય વસ્તુઓની કંપની ‘આઈકિયા’ એ આજે આખી દુનિયામાં અસામાન્ય બનીને ફર્નિચર ઉદ્યોગનું આસમાન સર કરી લીધું છે.

દોસ્તો, ૨૦૦૧ થી ૨૦૧૨ દરમિયાન માઈક્રોસોફ્ટના અરબપતિ બિલ ગેટ્સને પોતાની ખુદની અસ્ક્યામતોમાં કેટલીયે વાર પાછળ પાડી દેનારા આ લાકડાપતિ ઇન્ગ્વાર કામ્પ્રાદ નું વિગતવાર કામકાજ જાણવું હોય તો નેટ પર જ તેના ફર્નિચરના લાકડા જેવી જ મજબૂત માહિતીઓ ભરીને પડી છે.

ભૂલ-ચુકથી…કોઈ બેબલી કે તેના દાદાથી આઈકિયાના ફર્નિચર પર કાપો પાડી જાય તો તેની અસર સીધી દિલમાં થાય તેવા તરેહ તરેહના સુપર-કૂલ ફર્નિચરની રેન્જ માત્ર જોયા કરીએ તોય આંખો ઠંડી થાય.

આંગળીના ઠપકારે અલમારી ખસેડવી હોય કે આંગળીને ઇશારે આખું ડાઈનિંગ ટેબલ… તેના મટીરીયલ્સની સ્થાપકતા આજે તેના બીજા હરીફો માટે પણ બેન્ચમાર્ક ગણાય છે. સાચું કહું તો મારા ઘણાં દોસ્તો-સગાંઓને ત્યાં ‘આઈકિયા’ બ્રાન્ડના જ ફર્નિચર પ્રિફર કરવામાં આવે છે. થોડી ઝલક આ લિંક પર પણ જોઈ લેવાય તો…

આઈકિયા’ નામનો આ સુપર સફળ મિસ્ત્રી ઓનલાઈનની દુનિયામાં પણ વેપાર કરી ઘણો વધારે ખીલી ગયો…ખુલી ગયો…ટકી ગયો છે. એનું એક કારણ. ‘જો નહિ સોચા હૈ વહ બનાકર દિખાના’.

એટલેકે મોટી વસ્તુને નાના કોન્સેપ્ટમાં સમાવી દેવાની આવડત?

ના..ના એનો અર્થ એવો નથી કે…તેનું ૨૫ x ૨૫ ફૂટનું આખું રસોડું ૩૦ x ૩૦ ફૂટમાં સમાવી દેવું. એ તો સાવ સામન્ય મિસ્ત્રી પણ કરી શકે. પણ આઈકિયાઅંકલે તેનો આઈડિયા ૫ x ૫ ફૂટની જગ્યામાં પણ તે જગ્યાને છાજે એવા ફોલ્ડિંગ ફર્નિચર્સ મેનેજ કરવાની આખી સિસ્ટમ ઘડી છે. જેને ‘સ્પેસ મેનેજમેન્ટ’ જેવું રૂપાળુ નામ અપાયું છે.

આઈકિયા અને તેની પ્રોડક્ટ્સ પર ખૂબ લખી શકાય એવી બાબતો છે. પણ સવાલ એ થાય કે…એ વાંચ્યા પછી ક્યા ‘કિયા’ જાય?!?!? એવા વિચારમાં જ સવાર પડી જાય છે. ને…આપણું સપનું….છાનું છપનું થઇ સુઈ જાય છે. આ તો તાજેતરમાં જ તેના કેટલાંક હટકેલા સમાચારોએ મને આ લેખ લખવા મજબૂર કર્યો.

મારા બ્લોગ વાંચનાર એવા ઘણાં દોસ્તો હશે…જેમનું બેકગ્રાઉન્ડ ‘મિસ્ત્રી’યસ હોઈ શકે. જેમનામાં એવી સુંદર કાષ્ઠ-કળા હોઈ શકે પણ ધક્કો મારનાર કોઈ આવે તેની રાહ જોતા હશે. તો એવા દોસ્તોને આ લેખ થકી ઇઝન છે. નેટ એવા દોસ્ત લોકોનું પણ છે…જેમની પાસે વિઝન છે. ઇન્ડિયા….આઈડિયા…ને આઈકિયા…બોલો છે કોઈ લાયકિયા ?

સમાચાર-૧: દુનિયાનો સૌથી મોટો ફર્નિચર શો રૂમ…હવે ઇન્ટરનેટની દુનિયામાં

સૌથી નાના સ્ટોર રૂપે…

smallest-ikea-store-in-the

શક્ય છે કે પેલા દસ લાખ પિકસેલ્સનો ધણી એલેક્સ ટ્યુનો આઈડિયા અહીં ખેંચવામાં આવ્યો હોય. જે હોય તે..પણ આઈકિયાના આ ઓનલાઈન સ્ટોરની અધધ પ્રોડક્ટ્સ ને  300 x 250 pixelના web banner માં જ એવી રીતે સમાવી દેવામાં આવ્યો છે કે…ગમતી પ્રોડક્ટને સેકન્ડ્સમાં શોધી ઓર્ડર આપી શકાય.

 

 .

સમાચાર- ૨ ફર્નિચર સાથે મનોરંજન વ્યવસ્થા?…..

‘આઈકિયા’ બાત હૈ !

આ સિસ્ટમને આવવાને હજુ થોડાં કલાકો જ થયા છે… એન્ટરટેઇનમેન્ટ…એડજેસ્ટમેન્ટ…એરેન્જજમેન્ટ વાળા વિદ્યાત્મક વાક્યને..ફર્નિચરમાં અપનાવી રોકડા કરના તો કોઈ શીખે ઇનસે !  

 

.

‘ઠોરામાં ઘન્નું જ બધું સમાવે’ એવા આઈડિયાનું નામ એટલે…આઇકિયા !

વેપાર પચ્ચીસી: ‘બોઝ’ભાઈની બોજ ભરેલી બંગ કહાની …

ટેન્શનના બોજથી લદાયેલા બંગાળી બાબુ વીર વિક્રમજીત બોઝે દરરોજની જેમ ઓફિસેથી નીકળતી વખતે જોબના નામના વેતાળને ખભે ઉચકી આજે ટ્રામને બદલે કોલકાતા-મેટ્રોથી ઘરની તરફ જવા રસ્તો પકડ્યો.

કારણકે ‘મમતા’થી ભરેલી રેલીના કારણે શહેરની બસ અને ટ્રામ સેવાઓ સાંજ પડતા પહેલા જ ઠપ્પ થઇ ચુકી હતી. રસ્તો સહેલાઈથી નીકળી જાય એ માટે વેતાળે વિક્રમજીતને આજે પણ ફરીથી નવી કહાની સંભળાવવાનું નક્કી કર્યું.

આ ‘કહાની’ પેલી વિદ્યા(બાલન)ની ન હતી. પણ…કહેવાતા વીરને જોબથી વેપારની તરફ વાળવાની એક નાનકડી વિદ્યા મળે એ માટેની કોશિશ માત્ર. કેમકે વેતાળ પણ હવે આ વિરલા સાથે દરરોજ સવારની સાડા સાતથી મોડી સાંજના સાડા સાત વાગ્યા સુધીની સાડાબારીથી કંટાળી ગયો હતો. તેને પણ હવે કોઈ સારો ટેકો જોઈતો હતો.

લિસન વિકી! તારી આ વધુ પડતી વિદ્યાને કારણે મને તારા સાચા જવાબોથી બહુ જ તકલીફ પડતી રહે છે. માટે ખાસ વિનંતી કરું છું કે… આજે તને જે વાર્તા કહેવાનો છું એમાં મારી ખરી કસોટી છે. તેનો ખોટો જવાબ આપી મને હવે મુક્ત કર. –વેતાળે પરસેવો લૂછતાં-લૂછતાં કહ્યું..   

હે દોસ્ત વેતાળ! ને જો આ બાબુમોશાય તને સાચો જવાબ જ આપી શક્યો તો?!?!?”- વિક્રમજીતે તેના બંગ અંદાઝમાં બણગો ફૂંક્યો.

તો પછી સમજી જાજે કે હું કાયમ માટે તારી પીઠ પર ચીટકી રહીશ. ને આખી ઝિંદગી તને મારો બોજ લઈને ફરવું પડશે.” – વેતાળે ચિંતાતૂર થઇ મુક્તિની (અવ)દશા વર્ણવી વાર્તા શરુ કરી દીધી….

|| આપણા બંગાળના જ એક નાનકડાં ગામમાં વર્ષો પહેલા એક હુસ્ન પરી રહેતી. એનું નામ જ હુસ્ના. મને તેના રૂપ રૂપના અંબારની કોઈ ચર્ચા કરવી નથી માટે સીધો મુદ્દા પર આવું છું.

બાળપણથી જ શક્તિ અને ભક્તિનું અનોખું સમન્વય એટલે જવાનીની પાંખ ફૂટે એની રાહ જોવામાં કેટલાંય મા-બાપો એ પોતાના દિકરાઓ માટે તેને મનોમન વહુ તરીકે સ્વીકારી લીધી હતી.

પણ તેના મુખી બાબા (પિતા) પાસે માંગણું નાખવાની કોઈની હિંમત થાય નહિ. કારણ એટલું જ કે…બાપ જાણે સુંદરવનનો ટાઈગર. ગુસ્સામાં ક્યારે કોઈના પર કેવો એટેક કરશે તે વિશે કોઈ કહી શકતું નહિ. એટલે તેમની એ લીલી દિકરી કરતા એ લોકોને પોતાનો લાલ વધારે વ્હાલો લાગતો.

અઢારમાં વર્ષની શરૂઆત પહેલા જ હુસ્નાના રસને પીવામાં મરીઝ જેવો બનેલો ઝફર તેની કોલેજના અંતિમ વર્ષની છેલ્લી પરીક્ષા આપી શહેરથી ગામમાં પાછો આવી ગયો હતો.

“નોકરી જાય તેલ લેવા…પહેલા હુસ્નાને મારી બીબી બનાવું તો ખરો!”- જોર અને જુનુન સાથે સાંજે ઝફર હુસ્નાની ડેલીએ હાથ રાખી ઉભો રહ્યો.      

“બાબા!…તમારી હુસ્ના મને જોઈએ જ છે.” – ઝફરે બહાદુરશાહ બની એક મરદને પણ પોતાનો મર્દાના પરિચય આપી દીધો.

“એક શરત છે બેટા. તારી કોલેજ પછીની કદાચ આ પહેલી કસોટી થશે. જો એમાંથી પાર ઉતરીશ તો હુસ્ના તારી. નહીંતર શહેરમાં બીજી ઘણી મળી રહેશે.”

“બાબા! તમારી હર શરત મને મંજૂર. પણ મારો જાન માંગવાની વાત ન કરશો, કેમ કે એ તો ખુદ તમારી દિકરી જ છે.” ઝફરની દીવાનગીનો એક ઓર નમૂનો દેખાઈ ગયો.

“કાલે સવારે મારા ફાર્મમાં આવી જાજે. શું કરવું એ તને ત્યાં કહીશ.” ભાવી સસરા તરફથી આશાનું એક કિરણ મળેલું દેખાઈ જવાથી ઝફરની જાનમાં જાન આવ્યો. પણ રાત આખી જાણે કરવટો બદલવામાં પસાર કરી.

“ઝફર બેટા!…મને ખબર છે કે તારી કોલેજનું ભણતર હજુ હમણાં જ પૂરું થયું છે. કોઈની દિકરી પાછળ સમય વેડફવાને બદલે દોકડા કમાવવામાં ધ્યાન અપાય તો સારું. પણ ખૈર, આ વાત હમણાં તારા મજનૂ દિમાગમાં નહિ ઉતરે. એટલા માટે મને તને શરતથી બાંધવો પડ્યો છે. તને હુસ્ના મળી શકે છે. પણ તે પહેલા તને મારી એક નાનકડી કસોટીમાંથી પાર ઉતારવું પડશે.

પેલી દૂર સામે મારા ખેતરની જે વાડ દેખાય છે ત્યાં જઈ તને ઉભા રહેવાનું છે. થોડી વાર પછી હું ૩ બળદોને તારી તરફ મોકલીશ. આ ત્રણમાંથી માત્ર કોઈ એક બળદની પૂંછડી પકડી તને પાછો મારા હવાલે કરવો પડશે. બોલ મંજૂર છે?”

ઝફરને તો હુસ્નાને પામવાનાના અચિવમેન્ટમાં વધારે રસ હતો. એટલે મુખીબાબાના આ ફેરી-ટેલને બાજુ પર મૂકી તેની ફેરી (હુસ્ન પરી)ને હામમાં અને ટેઈલને હાથમાં પકડવાની ચેલેન્જ કબૂલ કરી લીધી.   

થોડાં સમય બાદ….વાડની પાસે ઉભેલા ઝફરને એક મસમોટો…ધસમસતો આખલો આવતો દેખાયો. એવો આખલો તેણે આજદિન સુધી જોયો ન હતો. એટલે બેશક ઝફરબાબુના તો હાંજા ગગડી જવા લાગ્યા. હાયલા! પકડવાની વાત તો બાજુ પર, તેને જોતા જ ત્યાંથી ભાગી જવાનું મન થાય એવા ભારેખમ શરીર સાથે આખલા એ દાવ દઈ દીધો.

પણ થાય શું?…એટલે સમયસૂચકતા વાપરી લાઈફ-લાઈનને જતી કરવાનો ત્વરિત નિર્ણય લઇ લીધો. કદાચ હવે પછી આવનાર બળદિયો પકડી શકાશે એવી પોઝીટિવ ઈચ્છા રાખી ઝફર “આખલો જાય ખાડામાં”…કહી તે પોતાની પૂંછડી પકડી બાજુ પર ખસી ગયો. કારણકે તેની ‘બુદ્ધિ હજુયે બળદી’ થઇ ન હતી.

ત્યાં તો બીજી મિનિટે તેને પેલા ગયેલા આખલા કરતાય ડબલ મોટો એક બીજો આખલો દેખાયો. જાણે ધૂળનું મીની ત્સુનામી સર્જાયું. અચ્છા રૂસ્તમને પર સુસ્ત કરવાની તાકાત ધરાવતા ‘આ આખલાને પકડવો છે’ એવું વિચારવું પણ જાણે મોતને નોતરવું એવું ઝફરને સેકંડમાં સમજાઈ ગયું. ‘સર સલામત તો પઘડિયા બહોત’ સમજી બીજી લાઈફ-લાઈનને પણ એમને એમ વાપરી દેવી પડી.

આખલો તો નજીક આવી વાડ પાસેથી પાછો વળી ગયો પણ તેની પાછળ ‘હુસ્ના’ને પામવાના કોડ પણ દૂર લઇ જઈ રહ્યો હોય એવું ભાન ઝફરમિંયાને થઇ ગયું. ખૈર, ‘સરફરોશીકી તમન્ના અબ હમારે દિલમેં હૈ!’ વાળો શેર હવે આ બાકી રહેલા ત્રીજા બળદ માટે વાપરવો તેને મુનાસીબ લાગ્યો.

થોડી વારમાં તેને દૂરથી ત્રીજો એક બળદ દેખાયો. સાવ ઠુંચૂક-ઠુંચૂક…માંદલો જાણે મહિનાઓથી કોઈ ખોરાક ન ખાધેલો એવો આ બળદ જોતા જ ઝફરભાઈને ‘હુસ્ના મળી જ ગઈ સમજો’ એવો કોન્ફિડન્સ પણ સાથે આવતો દેખાયો. સમજી લ્યોને કે…બે તોફાન પછીની શાંતિ હતી.

પણ આ શું?

આ મડીયલ બળદની તો પૂંછડી જ ન હતી….એટલે પકડવાનો સવાલ જ ક્યાં આવ્યો?

…ને તે દિવસે સવારે ઝફરને ડેલીએથી હાથ લીધા વગર પાછું આવવું પડ્યું. ||

આટલું કહી વેતાળબાબુ એ પણ પોતાની વાર્તા સમાપ્ત કરી ને કહ્યું: “બોલ વિક્રમ!…મને ખોટો જવાબ આપ કે આ વાર્તા માંથી શું શીખવા મળે છે?..એટલે મારી જાન પણ છૂટે!

“બૂ..લ….શી..ટ!…અલ્યા આમાં શીખવાનું શું?- આપણી ઝિંદગીમાં તકોની ભરમાર છે…ડગલે ને પગલે અવનવી તકો આવતી અને જતી જાય છે…કઈ મોટી છે ને કઈ ખોટી છે, એવું વિશ્લેષણ કર્યા વિના વહેલી તકે જે હાથમાં આવે તે લઇ લેવી જોઈએ. નહીંતર બળદ તો શું? ‘કોડ’ પણ નહિ મળે…પછી હુસ્ના ય મામો બનાવીને જતી રહેશે….બરોબરને?”

“ઓઓઓઓઓઊઊઊહ્હ્હ્ફ્ફ્ફ્ફ્ફ્ફ્ફ્….

અલ્યા બુદ્ધિના મોટા બળદ!… સાચો જવાબ આપવાની શી જરૂર હતી…? તને જ્યારે આ જવાબની ખબર જ હતી તો છેલ્લાં પાંચ વર્ષથી તારા દિલમાં દબાયેલી બિઝનેસ કરવાની તકોને પકડવી’તી ને?

બોલો…એ બાબુમોશાયને હવે…શું પોષાય?

(થોડાં અરસો દરાઝ પછી આવનાર મારા પુસ્તક: ‘વેપાર પચ્ચીસી’ માંથી લેવાયેલી એક કથા)

હવે જો બાકીની અવનવી ૨૪ કથાઓનું આ પુસ્તક તમને પબ્લિશ થાય એ પહેલાથી ડિસ્કાઉન્ટેડ રેટમાં ઝડપી લેવું હોય તો આજે જ ‘મને પણ જોઈએ છે’ એવી કોમેન્ટ આ નીચેના સ્પેશિયલ-બોક્સમાં ઈમેઈલ સાથે લખી મોકલશો. એટલે પહેલી તક તમને મળશે….સરપ્રાઈઝ સાથે.

આ સરપ્રાઈઝ શું છે? – એ જાણવા માટે બસ આવનાર બ્લોગ પોસ્ટ્સને ફોલો કરતા રહેશો તો થોડાં જ સમયમાં તેનું અપડેટ મળી જશે.