વેપાર-વાઈરસ:: હસતા- હસાવતા કમાણી કરી શકાય છે….આ રીતે પણ !

દોસ્તો,

તમને થોડું હસતા અને……થોડું વધારે હસાવતા આવડે છે?-

જો હા! તો આજની આ પોસ્ટને દિલમાં વસાવી લેજો. કામ લાગી શકે છે. એટલા માટે કે તેમાંથી એક તકને પકડવાની છે. તો પેશ છે તેની શરૂઆત એક ઉદાહરણ સાથે…

એમનુ નામ છે: મી. વિલી. ઉંમર વર્ષ હશે લગભગ ૫૦+. પણ કામ અનોખું છે. જોવામાં આમ તો સાવ સહેલું લાગે પણ કરવામાં એટલું ય સહેલુંય નથી…બોસ!

વિશ્વ પ્રસિદ્ધ વોલમાર્ટના હાઈપર સ્ટોર્સમાં વિલીભાઈની પોઝીશનનું નામ છે. ‘ગ્રીટર’. એટલે કે આવકારનાર. જેઓ વોલમાર્ટમાં માત્ર ખરીદી કરવા જ નહિ પણ ક્યારેક જોવા (વિન્ડો શોપિંગ કરવા) પણ આવે છે, એવા દરેકને તેઓ હસતા ચહેરે આવકારે છે.

આવનાર ગ્રાહકનું શોપિંગ એન્ટરટેઈનિંગ કેમ બની શકે એની જવાબદારી આ વિલભાઈ વીલું મોઢું કર્યા વિના સંભાળે છે. થાકેલો મૂડ હોય કે પછી સ્ટોર્સની હજારો પ્રોડક્સના સાગરમાંથી જરૂરી એવી વસ્તુઓ આ વિલ હસતા હસતા શોધી આપે છે.

દોસ્તો, આપણામાંથી પણ એવાં કેટલાંક હસમુખભાઈઓ હશે જેઓ શારીરિક રીતે ભલે ‘રીટાયર્ડ’ થયા હોય પણ માનસિક રીતે હજુયે ‘ટાયર્ડ’ ન થયા હોય એમને આપણી દુકાન/ સ્ટોર કે ઇવન કંપનીમાં પણ ‘ગ્રીટર’ ની જોબ આપી આ રીતે સેલ્સ વધારી શકાય છે, યા પછી…આપણા માંથી જે ‘બધી રીતે જુવાન’ છે તેઓ આ રીતે હસી-હસાવીને કમાણી કરી શકે છે. ખરું ને?

જો એવી કોઈ સરફરોશી દિલમાં આવે તો એવા સ્ટોર્સમાં પહોંચી જઈ આવી હસમુખી પોઝિશનની માંગણી સામેથી કરી એક નવા જ પ્રોફેશનલ કેરિયરનું ડેવેલોપ કરતા તમને કોણ રોકી શકે ભલા?!?

સર‘પંચ’:

“કામ કોઈ નાનું કે મોટું નથી હોતું. એ તો આપણે તેની પાછળ રહેલી નિયતને અલગ-અલગ સાઈઝ આપી દેતા હોઈએ છીએ.”

.

વિલીભાઈને જોવો હોય તો આ રહી એની વિડીયો લિંક: 

 

પ્રતિષ્ઠા, પૈસો, પ્રસિદ્ધિ, પીઠબળ પૂરું પાડવા માંગતા હોવ તો…

તમારા પોતાના (કે પછી પડોશીના, સગા-વ્હાલાંના,  દોસ્તોના) પૂત્ર-પૂત્રી, કે પૌત્ર-પૌત્રીમાં રહેલાં પેશનને… જો નાની વયમાં જ પ્રતિષ્ઠા, પૈસો, પ્રસિદ્ધિ, પીઠબળ પૂરું પાડવા માંગતા હોવ તો ગૂગલ તરફથી જાહેર થયેલો વર્ષ ૨૦૧૩ના વિજ્ઞાન-મેળા (સાયન્સ-ફેર) માટે આજથી જ તૈયાર કરવાની તક આપી દયો.

લિંક: www.googlesciencefair.com. જ્યાં વિડીયો સાથે બધી જ માહિતીઓ મળી રહેશે.

એક ગૂગલી વાત: ગૂગલને ભારતીય બાળકો પર વધારે વિશ્વાસ છે. એટલા માટે કે પાછલાં મેળામાં આપણા વિદ્યાર્થીઓ વધારે સફળ રહ્યા છે. બોલો હવે ટ્રેડિશન આગળ ચાલુ રાખવું છે ને?- જો ‘હા’ હોય તો શાયેરીઓ બાજુ પર મૂકી આ બાબત ‘શેર’ કરશો.

લાઈફટાઈમની ગેરેંટી નથી પણ એટલીસ્ટ ૨૦૧૩-૨૦૧૪ સુધી તો તમે એમને અને ખુદ તમારી જાતને પણ સુપર્બ ગિફ્ટ આપી શકશો.

પેશનનો પેશન્ટ: મુર્તઝા પટેલ. 

મુસાફિર હૈ હમ યારો!..બસ યુંહી ચલતે રહેના હૈ!…

A Champion is Who....

તમારી સામે ૩૨ તો નહિ, પણ ૧૨ જેટલાં પકવાનોનો થાળ પણ મુકવામાં આવે તો શું હાલત થાય? – દેખીતું છે કે…ઘડીભર તો કન્ફ્યુઝન થાય કે શું પહેલા જમવું ને શું પછી.

એવું જ કાંઈક ગયા મહિનાથી થયું. જોબના બોજથી અલગ થયા બાદ..તકોની મળતી, દેખાતી ભરમારને કઈ રીતે મહત્વ આપવું? ક્યાંથી શરૂઆત કરવી? કઈ રીતે વિકાસ કરતા જવું? ને ખુબ જરૂરી એ કે ‘એમાંથી રેગ્યુલર પૈસા કઈ રીતે પેદા કરતા રહેવું…વગેરે…વગેરે. આ બધી ભમગરી સમજો કે પાછલાં ૩૦ દિવસોમાં થઇ ગઈ. શક્ય છે કે આવા હૂમલાઓ પાછા વારંવાર આવી શકે છે. એટલા માટે કે…

સવારથી સાંજ સુધી દોડતા રહી, જોડતા રહીને રાતે પાકે પાયે મનુષ્ય હોવાની ખાતરી લઇ સુઈ જવું પડે છે. ને પછી બ્લોગ્સnના લેખો, આવનારી બૂકસ લખવાની કામગીરીની, સતત ઠલવાતી માહિતીઓના મોજાંમાં ભીંજાઈને વચ્ચે ઓનલાઈન દોસ્તોના મેસેજ, ને ‘ફેસ’ભુખી કોમેન્ટ્સથી પાનો ચડાવતા રહેવું પડે છે.

હોતા હૈ ભીડું હોતા હૈ. જમાના સાથે, ખુદ જમાનો બની મોજીલા થઇ જીવવું એનું જ નામ તો ઝિંદગી!

 અપડેટ્સ: આ દિવસો દરમિયાન…

  • થોડાં વર્ષોથી ખોવાયેલા ને હવે પાછા મળી આવેલા એક સ્વજનની નજીકમાં જ લોન્ચિંગ થઇ રહેલી કેટલીક મસ્ત-મજાની હોમ-એપ્લાયન્સ (પ્રોડકટ્સ) રેન્જ વિશે સેલ્સ-લેટર અને મેટર્સનું લચકાતું લખાણ લખવાનીની હટકે કામગીરી કરવાની તક મળી…
  • પહેલા માનવંતા ક્લાયન્ટ ને પછી અઝીઝી દોસ્ત બની ગયેલા એવા (એચ-એલ)ભાઈની મહિનાઓની મહેનત પછી લોંચ થયેલી મોબાઈલ એપ્લિકેશનની પ્રેરણા બનવાનું…
  • આપણા આ દેશી વેપારી આર્ટિકલ્સને વિદેશી વાયરામાં ફેલાવવા માટેની તૈયારી કરવાનું…
  • ફેસ-ટુ-ફેસ મુલાકાત ન થઇ હોવા છતાં કેટલીક નવી આવી રહેલી કંપનીઓના યુનિક બ્રાન્ડના નામકરણમાં મદદ કરવાનું…
  • ને એ સિવાય એવા કેટલાંક અપરિચિતો સાથે ઓનલાઈન ચેટિંગ બાદ દોસ્તો બનાવવાની ઘટના જોવાનું…

જેવા ઘણાં લાભદાયક કામો થઈ રહ્યા છે. એ ઉપરાંત નવા બ્લોગ પોસ્ટ્સ, બુક્સ, મેગેઝિન્સની ચર્ચા આજેને આજે જ કેવી રીતે કરી શકું બંધુઓ?

વેપાર બ્લોગની અસર હેઠળ આવેલા કેટલાંક નવયુવાનો એ એમના પણ અપડેટ્સ મોકલાવેલા છે. જેમ કે..વ્હાલો સુરતી લાલો જીતેશ દાળવાળા તેના એન્જીનિયરીંગના અભ્યાસ સાથે સાથે લાઈફમાં કાંઈક હટકે કરી છૂટવાના જૂનૂન સાથે મેદાનમાં નાનકડી સિદ્ધિઓ હાંસિલ કરી રહ્યો છે. એના જ શબ્દોમાં એ આમ ઘણું બધું કહી રહ્યો છે:

“કેમ છો ?- વેકેશન નું પ્લાનીગ  કરું એ  પહેલાજ વેકેસન ચાલુ થઇ ગયું. And past 20 days were the most productive days in my life uptill now. I am sorry to write you late. બાય ધ ગ્રેસ ઓફ ગોડ. વડોદરા ની એક નાની પણ મોટા કામો કરતી કંપનીમાં ચાન્સ મળ્યો. તક નો લાભ મેં અને  મારા દોસ્તે એટલો બધો લીધો કે છેલ્લે છેલ્લે તો એ લોકો ગભરાઈ ગયેલા.

મજા ની વાત હવે. વર્ષો થી ગુચ્વતો એક ક્વેશ્યન સોલ્વ થઇ ગયો. એટલીસ્ટ હવે મારે કરિયર સ્ટાર્ટ ક્યાંથી કરવું તે ખબર પડી ગઈ. Now finally to be a design enginner is my starting. Where it will end I don’t know.

ટ્રેનીંગ માં મોટા ભાગ ની ” ન કહેવાતી વાતો ” પણ તક જડપી ને જાની લીધી. કંપની ફર્સ્ટ ટાઇમ ટ્રેનીંગ આપતી હતી એટલે આમને વધારે પડતી પરમીસન મળી ગઈ. કોર્પોરેટ વલ્ડ માં એથીક્સ નો અર્થ કેટલો મોટો છે અને ખોટું કામ કેટલી હદ સુધી થઇ સકે છે e apan jane kasu khotu kaam karta j nathi e rite એ બધ્ધું અલગ અલગ ફિલ્ડ ના વર્કર પાસે થી સાંભર્યું.

માત્ર વર્કર ને સાથે રાખી ને કામ કરવાથી કેટલો ફાયદો ” થઇ સકે છે ” રૂપિયા માં અને ટાઇમ માં તેના પ્રેક્ટીકલ એકઝામ્પલ જોયા. Everyone has an idea about how can we work fast and save money as well material and improve quality but no one wants to come with their Idea only problem is that “I am not paid for that “.

In future if I would have my own organization, mangement strategies would be based on those 20 days training. Now I have just 20 days and I am staring for interview preparetion and English. I like to have some wonderful suggestions for this from you.

I am also planning to visit nearest GIDC for more manufacturing knowledge. What can I do more for value addition in me???- Please let me know if any machine designs enginner in your sight to guide me in such stream. I dont get final destination yet but I got a path at least.

The biggest matter I have learnt now is: No one care for money but everyone need just an attention and appreciation for his work.

——————————————————————————-

જ્યારે, લગભગ ૩-૪ વર્ષથી હાઈપર-ડિપ્રેશનમાં રહેલો ફેસબૂકી દોસ્ત દુર્ગેશ મહેતા ક્યાંકથી અચાનક ઓનલાઈન આવી તેના દર્દની વાત શરુ કરે છે ત્યારે ઘડીભર તેને શું આપવું એ દુષ્કર થઇ જાય છે. છતાં, વાતચીત બાદ તેને મળેલા શબ્દોના મલમથી આજે તેના સંગીતના પેશનને પાછુ લઇ આવ્યો છે. જો એ કોમ્પ્યુટર અને પિયાનોના કિ-બોર્ડના કોમ્બિનેશનમાં બસ ખૂપી જશે તો માની શકું કે ગુજરાતને એક સૂરીલો સંગીતકાર મળી શકશે.

દુર્ગેશ!…લોહા ગરમ હૈ…માર દે હથોડા!

દોસ્તો, વેપાર શું જગત સાથે જ થઇ શકે?- ના ના ના ના રે ના…એ તો દરરોજ જાત સાથે વધારે કરવાની પ્રોસેસ છે.   

કેટલાંક બીજા નવા સમાચારોના માહિતી-ગુચ્છ સાથે જલ્દી પાછો આવું છું. તમેય આવતા રહેજો પાછા.

ડોર‘પંચ’

જહાંપનાહ! હમ સબ એક અદ્રશ્ય ડોર સે બંધે હુવે હૈ. યેહ કૌન, કબ, કૈસે ઉઠેગા ઉસે કોઈ બતા નહિ શકતા…હા..હા…હા…હા…હા..હા  આ રીતે જોઈ લો. સુપર છતાં સિમ્પલ ટેલેન્ટ.

પુસ્તક પ્રિસ્ક્રિપ્શન : ૧૦૦ ડોલરમાં વેપાર…અપરંપાર ?!?!?!- $100 Startup

ધારો કે..

  • તમે સાચેસાચ એવી જગ્યાએ આરામ ફરમાવી રહ્યા છો જેનું તમે માત્ર સ્વપ્ન જ જોયું હતું.
  • તમે ચાહો એવું કામ કરી રહ્યા છો જેને જોવા માટે તમારી પાછળ કોઈ બોસ નથી. તમે ખુદના જ એક બોસ છો.
  • તમારી ઓફિસમાં કામ કરવાનો તમારો છેલ્લો દિવસ છે. તમે “હવે બહુ કર્યું” એમ માનીને પોતાની આવનારી પળોને માણવા બીજી પળોજણને ફેંકી હાથમાં લેપટોપ રાખી દબાયેલું સ્વપ્ન સાકાર કરવાની શરૂઆત કરો છો. ને પછી…
  • તમે તમારા બોસને પાણીચું આપતી ચિઠ્ઠી આપી રહ્યા છો જેમાં લખ્યું છે કે: “વ્હાલા થઈને હવે ગયેલા બોસ! તમારા માટે મેં બહુ વૈતરું કર્યું. હવે મને તમારી જરૂર નથી. હું આ ચાલ્યો, મારું મનગમતું કામ કરવા ને ખુદ માટે વધારે કમાવવા.
  • તમે ઘરે આવી મગજમાં ભરાયેલા આઈડિયાને ખોલી રહ્યા છો. ને સાથે સાથે ખુદના વેપારના નવા નિયમો પણ સર્જી રહ્યા છો.

 શું તમને હવે કોઈ બોસિંગનો ડર નથી?… આવનાર મુશ્કેલીઓની ફિકર નથી?

ના ના ના  બંધુ પ્યારે! એ કરતા પણ તમને હવે ખુદને સમજી જવાનો આત્મવિશ્વાસ જાગી ગયો છે. બીજાની ‘બોન પૈનાવવા જાય’ એવી બેફિકરી નિયત રાખી તમારા ખુદની ઝિંદગી સાથે સંલગ્ન થઇ રહ્યા છો. તમને એક બાબત ઘર કરી ગઈ તે છે: આઝાદી…સ્વતંત્રતા…ફ્રિડમ !

આ બાબતને મુખ્ય બનાવી થોડાં કલાકો અગાઉ જ એક પુસ્તક જન્મ્યું છે.

જેનું શાબ્દિક નામ:                   ડોલર ૧૦૦ સ્ટાર્ટ-અપ

અને શારીરિક નામ (લેખક):          ક્રિસ ગલેબો

.

$100Startup-Book

.

યેસ દોસ્તો, ધુરંધરો, આ ક્રિસ ગલેબો એક એવી નવજુવાન વ્યક્તિ છે જેણે ૩૫ વર્ષની અંદર લગભગ ૧૫૦થી પણ વધું દેશોની ધૂળ ખાઈને પાણી પીધાં છે. સમજો કે હાલતું-ચાલતું પુસ્તક છે. એટલેજ મારી નજરે બહુ અલગારી માણસ છે. જેના વિશે બીજી વખતે વિગતવાર જણાવીશ. (હાલમાં તો કાનમાં કહી દઉં કે આપણા માનીતા લેખક સેઠ ગોડીનનો આ ઘણો માનીતો શિષ્ય છે.)

ક્રિસે બનાવેલા ખુદના સદનસીબને લીધે તેની પાછળ પ્રોફેશનલી કોઈ બોસ કે મેનેજર નથી. પણ તેની સાથે છે તેનું બે પેશન: કુદરતનો ખોળો ખુંદવાનું અને ખુદને ગમતો વેપાર કરવાનું. ઝિંદગીના તેના આ મકસદમાં તેને સર્વથા સાથ આપ્યો છે તેની પત્ની જુલીએ.

ઇન્ટરનેટની પુખ્તતાથી આવી સ્વ-આઝાદીનો એવો વાઈરલ પવન ફૂંકાયો છે જેમાં અનિલ હોય કે અનિલા, યા સમીર હોય કે સમીરા જેવા ઘણાં લોકો તેની અસર હેઠળ (ઇન્ફેકશનમાં) આવી ગયા છે… ને હજુયે આવી રહ્યા છે.

 ડોલર ૧૦૦ સ્ટાર્ટ આવી જ ફ્રિડમની વાત કરતુ ખુલ્લું પુસ્તક છે.

ફ્રિડમમાં: ભલેને ‘ફ્રિ’ શબ્દ મફતમાં મળ્યો હોય પણ તે ખૂબ કિંમતી છે. કાંઈ એમને એમ નથી મળતો. એ તો એ લોકોને વધારે ખબર છે જેમણે ખરેખર આઝાદી લેવા માટે જાન આપ્યા છે. એટલે જ આપણા મતે એમનું મૂલ્ય ઊંચું છે.

ડોલર ૧૦૦ સ્ટાર્ટઅપ પુસ્તક આવા જ Freedom Freedom + Value નું કોમ્બોપેક લઈને આવ્યું છે.

મૂલ્ય ભલે બીજા દ્વારા થાય પરંતુ કિંમત આપણે ખુદ જાતે કરવી પડે છે. ઘણું બધું આપીને…થોડું કાંઈક લઈને.

ડોલર ૧૦૦ સ્ટાર્ટઅપમાં એવી ૨૫ કેસ-સ્ટડીઝ (ઘટના)ઓ લઈ ક્રિસ ગલેબો એ એવા લોકોના ‘બોલ’ સાથે જોરદાર બેટિંગ કરી છે જેમણે પોતાની વ્યાવસાયિક દુનિયામાં ખૂબ ઓછા ખર્ચે ‘ક્રિસ’મત અજમાવી છે.

જેમ શરૂઆતમાં જાણ્યું તેમ એવા બીજા ઘણાં બિઝનેસ બનાવોને તેણે માઈકલ જેવી સાચી વાર્તા દ્વારા બહુ સરળ અંગ્રેજીમાં લખ્યું છે, સમજાવ્યું છે.

જો કે એમાંની ઘણી કથાઓ આમતો અમેરિકામાં જ બનેલી છે. પણ છતાંય એવા દેશોના લોકોની વાત પણ વર્ણવવામાં આવી છે જેમાં વેપારની તકો કાટ ખાઈ ચુકી હોય. $૧૦૦ સ્ટાર્ટઅપ એટલે નાના રોકાણ દ્વારા મોટી મહેચ્છા પાર પાડવાની શરૂઆત.

જેમ કે,

  • લંડનની સુસાનાની ફોટોગ્રાફી ટ્રેઇનિંગ પાછળ રહેલી ફ્લેશબેક કથા
  • કોસ્ટારિકાના બ્રાન્ડેન પિયર્સના સંગીત-ક્લાસની બેક-ટ્યુનસની કહાની
  • મને ખુબ ગમતો ઓસ્ટ્રેલિયન બ્લોગી ડેરેન રોઝ પણ તેની ધૂણી સાથે મળી આવશે અને …
  • માઈક્રોસોફ્ટ એક્સેલ સોફ્ટવેરના ડેટાબેઝ મેનેજમેન્ટમાં એક્સેલંટ થયેલો આપણો દેશી પૂર્ણા દોગ્રીલ્લા ‘ચંદુ’ તરીકે પણ દેખાઈ આવશે.

આ બધાં સૌએ નાનકડી પ્રોફાઈલના જોરે અને પેશનના પરીક્ષણ થકી આઝાદ રહી સમાજમાં કાંઈક કરી બતાવ્યુ છે. ને આજે નીચી મૂડીથી ઉંચી મેડીના મોલમાં બિરાજે છે.

આ બધું જાણ્યા અને જણાવ્યા પછી પણ લેખક ક્રિસ ગલેબોએ ક્યારેય એવું નથી કહ્યું: “હું ક્રિસ….હું ક્રિસ”

એ તો કહી રહ્યો છે: “એ પણ હું કરીશ. તે પણ હું કરીશ.”

તો દોસ્તો, હવે ‘કરવુ’ કે ‘ના કરવું’ એ આપણા હાથમાં છે. તો પછી આ પુસ્તકને પણ હાથમાં લઇ વાંચવામાં ક્યાં વાંધો આવે છે? ભાંગી પડો એ પહેલા તૂટી પડો ને ખરીદી લ્યો આ તાજું જન્મેલું પુસ્તક એમેઝોન પરથી. આ રહી લિંક. $100 Start-up

દેશ કોઈ પણ હોય. સીમા ભલે અલગ પડતી પણ સંવેદનાસરખી જોડાયેલી હોય છે. -મુર્તઝાચાર્ય

માઈકલપંચ’

ખૈર, ગઈકાલની પોસ્ટમાં જવાબ અદ્રશ્ય રાખ્યો તો એક સામાન્ય સવાલ ઘણાં વાંચકોને થયો છે.

પેલા માઈકલનું થયું શું?

તો એ જાણી લ્યો કે…એક દરવાજો બંધ થયા તો બીજા ચાર ખુલે છે એમ નવરા પડેલા માઈકલભાઈને પણ થોડાં જ સમયમાં તેના એક પડોશી-વેપારી મિત્ર દ્વારા ઓવર-સ્ટોકમાં પડેલી મેટ્રેસીઝ (ફોમવાળા ગાદલાં) વેચવાની ઓફર મળી.

જેમાં તેણે પોતાની ‘ગૂડવિલ’ રોકીને પોતાના એક બીજા દોસ્તની મદદથી ખાસ પ્રકારની સાયકલ બનાવી, જાતે ચલાવી ‘ફ્રિ હોમ ડિલીવરી મેટ્રેસ’ની સેવા દ્વારા ઘણું પ્રોફિટ હાંસિલ કર્યું. આજે આ માઇકલની સાયકલ ‘ધી મેટ્રેસ લોટ’ના નામે પૂરપાટ દોડે છે.

બે વર્ષ પછી તેને પેલો છેલ્લા દિવસે પહેરેલો નોર્ડસ્ટ્રોમનો કોટ પણ મળી આવેલો. કારણકે તે દિવસ બાદ ક્યારેય તેને એવા પ્રોફેશનલ ડ્રેસ પહેરવાની જરૂર જણાઈ નહિ.

સામે કોઈ બોસ હોય તો પહેરે ને? એના ગ્રાહકો તો એના દોસ્તો છે.

બોલો, હવે મારી વાતનો વિશ્વાસ કરવો છે?- આ રહ્યો એનો બોલતો દેખાતો પૂરાવો:

જો આ માઈકલમામા સાચે જ કોઈ ફિલ્મ બનાવે તો તેનું નામ “જબ વી ‘મેટ્રેસ’ આપે કે નહીં? જુઓ તો ખરા એને માર્કેટ કરવાની જવાબદારી મેં કેવી લઇ લીધી?

વેપાર વિમાસણ: કેરિયરમાં આવું બને ત્યારે શું બનવું?

તે દિવસે પણ માઈકલ દરરોજની જેમ જોબ કરવા માટે ઓફિસે જવા તૈયાર થઇ ગયો. પોતાના ખાસ ક્લાયન્ટ(ગ્રાહક) સાથે લંચ-મિટિંગ નક્કી કરી હોવાથી ઈમ્પ્રેસન જમાવવા તેણે નોર્ડસ્ટોર્મનો કોટ પણ ચઢાવ્યો.

ઓફિસે આવી મિટિંગની ખાસ તૈયારી કરી. ફાઈલ્સ બરોબર ચેક કરી. જરૂરી એવા ઈ-મેઈલ્સ પણ વાંચી જવાબ આપી દીધાં અને થોડી જ મિનીટો પહેલા બનેલા સમાચારોની હેડલાઈન્સ પર ઉડતી નજર નાખી પછી પેન્ડીંગ લાગતા બીજા અન્ય કામો પણ આટોપી લીધા.

તે દરમિયાન બોસનો માત્ર એક લાઈનનો મેસેજ પણ વાંચી લીધો. “માઈકલ, બપોરે મિટિંગ બાદ જસ્ટ થોડી વાર માટે મળજે.”

ને પછી બપોરે નિયત સમયે ગ્રાહક સાથે નજીકની રેસ્ટોરન્ટમાં જમવા-મળવા માટે આવી ગયો. દિલ દઈને પોતાના રેગ્યુલર ગ્રાહક સાથે નવી ‘ડીલ’ ફિક્સ પણ કરી લીધી. ‘બોસને બીજું જોઈએ પણ શું? એમને ખુશી મળે અને મને મારું કમિશન….બસ.’

આવો વિચાર કરી ખુશ થતો પોતાના જોબ-બ્લોકમાં પાછો વળી ગયો. ને થોડી જ મિનીટોમાં પેલી એક-લાઈનના મેસેજને માન આપવા બોસ-બહેનની સામે પણ આવી ગયો.

માઈકલ! આવું કેમ થાય છે?…આ બિઝનેસની હવામાં આવી વાઈરલ અસર કેમ વધતી જાય છે?…આપણા પાછલાં ૨-૩ મહિનાનો સેલ્સ આંક પણ જરા શરમજનક આવ્યો છે, નહિ?… સાલું કાંઈ સમજણ નથી પડતી, ખરુને? – બોસ ઉવાચ.

પોતાના બોસને આર્થિક પ્રશ્નોની ચર્ચા કોઈ પણ સમયે ઉપડે એ કોઈ નવી વાત ન હતી. પણ જ્યારે જ્યારે આવી ચર્ચા થતી ત્યારે આખો સ્ટાફ સામે બેસતો પણ આજે પોતે એકલો? એવી શું ગંભીર વાત થઇ છે કે…

- માઈકલ પોતાની રીતે બોસના થોડાં આર્થિક પ્રશ્નોને હવામાં નાખી વિચારે ચઢી ગયો. ત્યાં અચાનક તેના HR Manager ના કેબિનમાં પ્રવેશથી સેકન્ડ્સમાં ધ્યાનભંગ પણ થઇ ગયું. હાથમાં બ્રાઉન બોક્સ હોવાથી ડીલ ફિક્સ કરવાની ખુશીમાં કોઈક ગિફ્ટ મળશે એવી આશાથી માઈકલ મનોમન ચુપ રહ્યો.  

બોસે હવે આર્થિક સાથે થોડી સામાજિક સમસ્યાઓ પણ ઉમેરીને વાતનો મૂળ ખોલ્યો… “માઈકલ! કંપનીના થોડાં વધુ સારા ભવિષ્ય માટે અમે પૂરદર્દ નિર્ણય લીધો છે કે…….હમણાં જ તમને કંપનીમાંથી છુટ્ટા કરવામાં આવે છે. આ બ્રાઉન-બોક્સમાં તમે તમારી દરેક વસ્તુઓ બાંધી લઇ જઈ શકો છો.”

ડેડીકેશનની હોંશ, કમિશનનો જોશ, પ્રમોશનનાં પોઝ પર કાચી સેકન્ડ્સમાં જાણે કોશ ફરી વળ્યો…..બધુંયે ટાંય-ટાંય ફીશ. તે ઘડીએ તો હજુ બપોરના ૨:૩૦ થયા હશે. પણ આ માઈકલભાઈના ત્યારે સાચેસાચ બાર વાગી ગયા હતા.

આટલા વહેલા ઘરે પહોંચી પોતાની બૈરીને શું મોં બતાવવું? બચ્ચે લોગને શું જવાબ આપવો? એ જ કે પોતાની માનસિક કાબેલિયત પર વિશ્વાસ રાખતો શખ્શ હાથમાં પાણીચું લઈને આવ્યો છે?

માઈકલના મનમાં શું થયું હશે? તે સાંજે તેની પત્ની મેરી રૂથ પર શું વીતી હશે? એ બંને એ શું છોડ્યું હશે? શું તરછોડ્યું હશેને પછી તેમના હાથે શું આવ્યું હશે? ને આખરે એમણે શું મેળવ્યું હશે?….

આ શું કામ?…શાં માટે?…કેમ આમ? જેવી સેંકડો ઘટનાઓને જાણીને, માનીને, સમજીને એક ૩૫ વર્ષિય અલગારી અમેરિકન વેપારી-મુસાફર ૨૫ ચુનિંદા વેપારીઓની વાર્તાઓ લઇ એક પુસ્તક રૂપે લઈને ‘જસ્ટ’ આવ્યો છે.

જેની વાત પુસ્તક પ્રિસ્ક્રિપ્શન સ્વરૂપે હવે પછીની પોસ્ટમાં જાણવા મળશે.  

અપસેટ…અપ-સેટ…આઉટડેટ્સ અને અપડેટ્સ

Wall-of-Opportunities

દોસ્તો, પહેલા હસવામાં ઉડાવાયેલી ને પછી..હસીખુશીથી ખુદની સાથે કરેલા એક વેપારી સાહસની વાત કરવી છે.

૨૦૧૨ વર્ષની શરૂઆત થઇ’તી ત્યારે જાન્યુઆરીના ઓવારે ઉભા રહી સેલ્ફ-એનાલિસિસ કર્યું.

કારણકે અંદર એક એવું તોફાન સર્જાયું કે જેની અસર બહાર શું થવાની છે તેના વિશે મને ખબર ન હતી. બસ…’લાઈફમાં કાંઈક જબરદસ્ત ખૂટે છે.’ એવું સમયનું કેલેન્ડર બેહજારમી વાર ‘બાર’ આવ્યું ત્યારે તેની સાથે સાથે એ સૂઝ પણ બહાર આવી.

બ્લોગની અવિરત સફર મને ક્યાંથી ક્યાં લઇ આવી તેની સમજણ ન પડી. અલબત્ત આપ લોકોના જ સહીયારે વેપારના આ બ્લોગને સારો પ્રતિસાદ મળ્યો છે જે મારા માટે બહુ મોટો પ્રસાદ છે. પણ..તોયે અંદરતો ‘જગ સૂના સૂના લાગે…રે!’

આગળ શું કરવું?…કેમ કરવું?…કેવી રીતે વધવુ? જેવા પ્રશ્નોની એક દિવાલ ઉભી હતી. જેનો એક હિસ્સો જોબના બોજથી બનેલો અને ડરના સિમેન્ટથી ચણાયેલો. જ્યારે બીજા હિસ્સા વિશે ખબર તો હતી કે સાચા જવાબો એ દિવાલની પાર હતા. પણ પ્રશ્ન તેને કુદીને મેળવવાનો હતો. સમજોને કે…થોડો ‘અપસેટ’ હતો.

ફેબ્રુઆરીની માર્ચ-પાસ્ટ પણ થઇ ગઈ ને એપ્રિલની શરૂઆતમાં મનોમંથન કરેલા વિષયો સાથે પ્રિલિમિનરી પરીક્ષાનો રાઉન્ડ શરુ થયો. એ માટે કેટલાંક બંધુઓ સાથે બ્રેઈન-સ્ટોર્મિંગ, સ્વજનો સાથે સલાહ-સૂચન…અને પત્ની-પરિવાર સાથે પૂર્વાવલોકન કરી એક જોખમી નિર્ણય પણ લઇ લીધો. ‘જોબ નહિ કરવાનો…નોકરી નહિ કરવાનો. કેમ કે મને દિવાલ કૂદવી હતી.

ને પછી..આ દસમી તારીખે યા હોમ! કરીને દિવાલ કુદી આવ્યો છું. અહીંની વર્ષો જૂની…અલ-હુસૈન ઇન્ટરનેશનલ પેપર કંપનીમાં ‘રાજીખુશી’ ભરેલું ‘નામું’ આપી આવ્યો છું. મારા એક્સેલ-ડાયનામિક બોસને દુઃખ ભરેલું સુખ તો મળ્યું છે. પણ…થાય શું?…એમને પેપરના બ્લોક્સની દુનિયા વધુ વ્હાલી છે ને મને માર્કેટિંગના બ્લોગની.

“જીત કોની થઇ કહેવાય?!?!?!”

એ સવાલ હજુયે ઓફિસની બહાર ઉભો છે. જંગલમે મોર નાચા…કિસને દેખા? પણ એક વાત જરૂર કહીશ કે પાછળ લખેલા પેલા ‘ગોલ’ સેટિંગના આર્ટિકલ વખતે લાંબા જવાબમાં લખાયેલો પોઈન્ટ નંબર પાંચ મારો ખરો જ સર‘પંચ’ હતો.

લાખનો ગણો કે..સવાનો…એક સવાલ: હવે પછી શું મળ્યું?

તો ફ્રેન્ડઝ! એ દિવાલની પાર રહેલા કામોની એક લાંબી લાઈનવાળી વાત કહી દઉં.

ફૂલ-ટાઈમ ઓનલાઈન માર્કેટિંગ સાથે સાથે અધૂરા રહેલાં પેલા નેટવર્કી પુસ્તકો લખવાની આઝાદી, લાઈનમાં ઉભા રહેલા વધું પુસ્તકોના રિવ્યુઝ લખવાની ઓફર્સ, અવનવા બીજાં બ્લોગ્સની તૈયારીનું લક્ષ્ય, કેટલાંક પ્રોફેશનલ દોસ્તો સાથે તેમના અંગત ઇનોવેટિવ પ્રોજેક્ટ્સના ડ્રિમ્સ (સ્વપ્નાઓ) સાકાર કરવાની ડ્રિલ……ઓહ્ફ…. ને બીજું ઘણું બધું એ હજુયે લાઈનમાં છે. સમજોને કે…હવે થોડો ‘અપ…સેટ’ છું.

“ઓકે. પણ એ બધું બીજું કરશે કોણ?”

કેમ? હવે શાની ચિંતા?…બોસ તો છુટા થઇ ગયા છે ને પિતાશ્રી પણ ગોલ આપી ક્યારના ગૂલ થઇ ચુક્યા છે. એવું દિલથી કહી શકું છું કેમ કે મેં તેઓનું ‘બારમું’ કર્યું છે. સમજોને કે ઘટના હવે મારા માટે ‘આઉટડેટ્સ’ છે.

થોડાં શબ્દોમાં આવા સમાચારો લખતા તો લખાઈ જાય છે. પણ…પ્યારા વાંચકગણ! “મેરી આંખોસે નિકલે હુવે ઇસ છોટેસે આંસુકે કતરે કો ખુદા જાને ઉસે તૂફાન કૌન સમજેગા?”

હવે સમજી જ લ્યોને કે…આ મારા અપડેટ્સ છે!

મિત્રોઓઓ, દોસ્તોઓઓ, બહેનોઓઓઓ, ભાઈઓઓઓ,...“ભય!…આ નાનો શબ્દ વજનમાં બહુ મોટો દેખાય છે. પણ ખરેખર ઘણો તકલાદી છે. તકને લાધીને જે એને તોડે છે…તે જ સાચો તકવાદી છે.”

કેરોનો તકવાદી…પણ સાથે અમદાવાદી દોસ્ત!
મુર્તઝા પટેલના જુહાર!

આ સ્થિતિ એ આજે…ખાસ ડર‘પંચ’

આ ખન્નાને નાચતો જોવા કરતા કિશોરના શબ્દોને પકડવા માટે..

વેપાર વક્તવ્ય: તોલ મોલ કે ગોલ…ગોલ મોલ કે તોલ!

goal-setting-possible

Dare to live the life you have dreamed for yourself.
Go forward and make your dreams come true.
– Ralph Waldo Emerson (1803-1882)

ઈમર્સનભાઈનું આ ક્વોટ વાંચવું કેટલું સહેલું છે ને?!?!-

હાથમાં ચાયની ચુસકી કે ઘરમાં-ગરમ ભજીયા મમળાવતા આવા હજારો ક્વોટસ લાખો વાર લખાયા છે ને કરોડો વાર વંચાઈ રહ્યાં છે. પણ ડ્રીમ્સને સફળ કરવાનું ડ્રમ ઘણાં ઓછા લોકો વગાડી શક્યા છે. નહિ તો….

  • આઈ-પોડ, આઈ-પેડ, આઈ-ફોન જેવી કેટલીયે ‘આઈ’સ આપણે બ્રેક કરી શક્યા હોત…
  • એ.આર રહેમાન જેવું ફ્યુઝન તો ઠીક, પણ કોલાવરી-ડી જેવું કન્ફ્યુઝન મ્યુઝિક આપણે પણ બનાવી શક્યા હોત…
  • અંગ્રેજી ‘અવતાર‘ જેવી ફિલ્મ તો આપણે પણ ઘર બેઠે અવતરી શક્યા હોત…
  • કહીએ એ પહેલાં સર્ચ કરી બતાવે એવું ગૂગલ જેવું સર્ચ-એન્જીન આપણે પણ ‘રિસર્ચ’ કરી શક્યા હોત…
  • ઘર ઘરમાં કોમ્પ્યુટર‘ તો આપણે પણ બિલ ગેટ્સ જેવું તો નહીં પણ છબીલદાસ બનીને ઘુસાડી શક્યા હોત…
  • ટોમ ક્રુઝ જેવા સ્ટંટસ આપણે બુર્જ-અલ-ખલીફા પર તો નહિ પણ હીરાભાઈ કલોક ટાવરે પણ ચડી કરી શક્યા હોત…
  • નીલ રહીને હાથમાં કેશ મુકી લાખો શેર હોલ્ડર્સ પર ધીરુ ધીરુ રાજ આપણે પણ કરી શક્યા હોત….
  • ઐશ્વર્યા રાયો, વિદ્યા બાલનો કે દીપિકાઓ જેવી બાપડીને મુકો બાજુ પર આપણી પડોશની સોનાડી અને રૂપાડી ‘આપડી‘ પણ હોત!…
  • સચિન તો શતક ચાહે એટલા કરે હવે…એવા ચોક્કા-છક્કાતો આપણી ગલીના નાકેય કેટલા મારી આવ્યા હોત..હુહહ!
  • અરે સાહેબ!….સાવ ગરીબ ઘરમાં પેદા થઇને આખા અમેરિકા અને અમેરિકન્સના ઘરોમાં લિંક આપણે પણ મેળવી શક્યા હોત…

ઓફ્ફ્ફ્ફ!…..થાકી ન જવાય એવા કેટકેટલાં કામો આપણે કરી શક્યા હોત…યાર એ લોકો આપણા સ્વપ્નાઓને સાકાર કરી નામ ખાટી ગયા બોલો! બાકી આપણે જઈએ એવા નહીં હોં!…..

પણ આપણે હજુ ઘણું નથી કરી શક્યા….

…કેમ?…શું કામ?…શા માટે?…

એટલા માટે કે આપણે હજુ સુધી એવા જ સવાલ કરતા રહ્યાં છે. ને કોઈ આવીને જવાબ આપે એની રાહમાં કોઈ મોરલો આવીને ‘આપણા મનની વાત જાણી’ કળા કરી ગયો છે.

આપણે હોત…હોત..હોત…નું ઠંડું માચીસ પકડી રાખી સગડી આગળ બેસી જ રહ્યાં છે.

કેટલાંક દોસ્તોએ પૂછ્યું કે

‘ધંધો કરવાની હામ તો અમારા બ્લડમાંય છે.
વખત આવે શાકની લારી કે પાનનો ગલ્લો કે કપડાંના તાકા ઉપાડી ચાલવામાં કે
ચલાવી લેવામાં નાનમ નથી કે  પત્ની ખીજાવાની નથી.
પણ હિંમત થતી નથી. તો આ શરૂઆતની શરૂઆતમાં જ
લોચા ના થાય એ માટે શું કરવુ??!?!?!?!

નાનકડો જવાબ: કાંઈ પણ થાય આવનારી પાંચ મિનીટમાં….માત્ર એક જ પગલું…જસ્ટ વન સ્ટેપ! ભલે પછી ખૂબ નાનકડું હોય. મુખ્ય ગોલ માટે કરી દેવું.

જેમ કે…

  • મહિનાઓથી વાર્તા કે કવિતા લખવાનું મન જ છે પણ કાંઈ સૂઝતું નથી ને? કાંય વાંધો નહિ રે… તો આવી ’પ્રેરણા’ લેવા ‘બજાજ’ની કિક માર્યા વિના માત્ર પેન-પેપર લઇ બેસી જઈ ને માત્ર એક લાઈન…એક લીટી જેવી આવે તેવી લખી જ દેવી.
  • બ્લોગ શરુ કરવો જ છે?- તો વર્ડપ્રેસ- કે બ્લોગર.કૉમના ફક્તરજીસ્ટ્રેશન ફોર્મ પર આવી ઉભા જ રહેવું. બસ. ભરવાની વાત પછી.
  • નવી પ્રોડક્ટ માર્કેટમાં લાવવી જ છે?- તો જેની પર સૌથી વધુ પ્રેમ છે તે વ્યક્તિને જઈ માત્ર વાત કરી જ દેવી. પછી જન્મતારીખ આપી શકાય તો બોનસ સમજવું. બસ.
  • ગમતી કંપનીમાંથી ઓર્ડર લેવો છે, પણ આવડત જ નથી?- નો પ્રોબ્લેમ!….તો માત્ર એ કંપનીની રિસેપ્સનીસ્ટને માત્ર હાય કે હેલો કહી જ આવવું…(એને હેલ ઉતારવાનું નથી કીધું.. બંધુ!) બસ.
  • અરે!….નોકરીમાંથી ખૂબ કંટાળીને હવે ‘બોસને ફાયર’ કરી પોતાનો ધંધો શરુ કરવો જ છે?- તો કોરા પેપર પર માત્ર એક લાઈનમાં “સર! નોકરી છોડી રહ્યો છું.”નું કવર ટેબલ પર મૂકી છું થઇ જ જવું. પછી એમનું હોવું ન હોવું અગત્યનું ખરું?
  • ઈન્ટરનેટ પર દરરોજ કાંઈક નવું શીખવું છે પણ શું શીખવું છે, જાણવું છે એની કોઈ ગતાગમ નથી. ઊંડો શ્વાસ લઇ લ્યો ને વારેઘડીએ આ લિંક દબાવ્યા કરજો: દર ક્લિકે કાંઈક નવું જ સામે આવશે એની પૂરી ગેરેંટી…





જેટલી બુલેટ્સ ધારવી હોય એટલી…

પિતાશ્રી‘પંચ’

“ટીમમાં ગોલ કરવા માટે જેમ રમતો ફૂટ‘બોલ’ જરૂરી છે તેમ લાઈફમાં ગમતો ગોલ કરવા માટે પણ માત્ર એક ‘બોલ’ જરૂરી છે….શબ્દ-બોલ!…હવે એટલુંયે ન થઈ શકે તો પ…છી…કોઈ ક્યા કરે!?!?!?!

 આમેય…‘શબ’ ક્યારેય બોલતું નથી. એવું મારા મર્હુમ પપ્પા કહી ગયા છે.” – કાચી ઉંમરે પાકે પાયે મુર્તઝાચાર્ય.

આપના કયા સ્વજન કે દોસ્તને આ પોસ્ટ પસંદ આવી શકે?

 

વેપાર-વ્યવસાઇટ: | બનો ‘માસ્તર’થી ‘માસ્ટર’….સ્કિલશેર પર!

SkillShare.com: Learn anything from anyone, anywhere.

  • તમે શિક્ષક છો કે પછી એ થવું ગમે?
  • તમે ટ્યુશન આપી શકો છો કે પછી લેવું ગમે?
  • તમારામાં સામેની વ્યક્તિને ને સમજાવવાની આવડત અસરકારક છે કે સમજવાની?
  • તમે સારા વક્તા છો કે પછી સારા શ્રોતા?
  • તમને કોઈ એક વિષય પર સારી એવી હથોટી છે કે પછી બે વિષયમાં ‘એક્સપર્ટ’ કહી શકાય એવા ગુણ?

ઉપરના સવાલોમાંથી એક વાર જવાબ ‘હા’ હોય તો આજની લેખ-પોસ્ટ નેટ પર તમારા ભાવિના આલેખને વધુ મજબૂત કરી શકે છે.

સ્કિલશેર.કોમ. www.skillshare.com

આ નામ આમ તો આપણને ગમી શકે એટલા માટે કે એમાં ‘શેર’ કરવાની વાત છે…શાયરી કરવાની નહીં . પણ આ સાઈટ તમારી સ્કિલને શેર કરાવી તમારા જ્ઞાન થાકી ‘શાસન’ (કે સાસણ?!) કરાવી શકે છે.

તમને જે કામમાં સૌથી વધુ પેશન છે, જે કામ પ્રત્યે સૌથી વધુ લાગણી છે, લગાવ છે, પ્રેમ છે. તે વહેચવું છે અને સાથે સાથે વેચવું પણ છે. તો સ્કિલશેર.કોમ તમારા માટે છે. પછી ભલેને તમે સત્તરના હોવ કે સિત્તેરના !

પાછલી પોસ્ટમાં જણાવ્યું ને કે..શરૂઆત એકથી કરો. તો સ્કિલશેર.કોમ તમારામાં રહેલા છુપા એક્સપર્ટને એકડે એકથી શરુ કરી શકાય એ માટેના રસ્તા ખોલી આપે છે. પછી ભલેને તમે ફાંકડું ફ્રેંચ બોલી શકો કે જબ્બરદસ્ત જર્મન !

કોઈ પણ વ્યવસાયની શરૂઆત થાય છે ત્યારે સૌ પ્રથમ આપણે ‘આમાંથી પૈસા કેમ કમાવા?’ તેની ફિકરમાં રહીએ છીએ. સ્કિલશેર “પહેલા પાળ બાંધો ને પછી પૈસા મેળવો” સૂત્ર સાબિત કરે છે. આ પાળ એટલે જ તમારા વિદ્યાર્થીઓ યા માસ્ટર્સ. પછી ભલેને તમે ચિટર બનો કે ટિચર !

શિક્ષણ બંને બાજુએ થી લાંબા ગાળાનું રોકાણ છે. જેટલું શીખતા જશો એટલું વધું શીખવી પણ શકશો. (એમ કો’ને કે “જ્ઞાન વહેંચવાથી વધે છે. સાહેબ!” ..એવું પાછળની પાટલીએથી કોણ બોલ્યું ભ’ઈ?)

સ્કિલશેરની…તક-વાળી બાબતો:

  • તમે કોઈ પણ બાબતે નિષ્ણાત હોવ…તમારા માટે તકો પડેલી છે.
  • “સારા શિક્ષક બનતા પહેલા વધું સારા વિદ્યાર્થી બનવું જરૂરી છે.” એવું કોઈ આચાર્ય એ નહિ પણ સ્કિલશેર સજેસ્ટ કરે છે.
  • તેની પર તમે ‘સાવ માસ્તર’થી ‘વાઉ માસ્ટર!’ નું બિરુદ મેળવી શકો છો પછી ભલે ને ઘરકી મુર્ગી દાલ બરોબર કેમ ન હોય !
  • દરરોજ અવનવા વિષયો શીખીને જ્ઞાનની ગંગા વહેવડાવી શકો છો. જાતે અપડેટ થઇ શકો છો, ને બીજાને કરી શકો છો.
  • તમારી આસપાસ જિજ્ઞાસુ લોકોનું વર્તુળ રચી શકો છો.
  • તમને કેટલુ કમાવું છે?- તે તમે જાતે નક્કી કરી શકો છો.
  • જો કે…સ્કિલશેર હજુ અમેરિકન માર્કેટ માટે જ ખુલ્યું છે. દેશાવર માટે તૈયારીઓ ચાલુ છે. પરંતુ…જો હામ વધુ ને અને દામ ભલે ઓછાં હોય તો પણ તેની છત્ર-છાયામાં તમારા શહેરમાં પણ એક નવી જ શૈક્ષણિક શાખા ખોલી શકો છો.

એ સિવાય બીજું ઘણું બધું થઇ શકે છે. બોલો…હવે તમને શું જોઈએ છે?- જાવ પુસ્તક વગર પણ આખી સાઈટ ફેંદી વળો: www.skillshare.com પર.

“જે ઘડીએ કોઈ વ્યક્તિ શીખવા તત્પર થાય છે, આતુર થાય છે…ત્યારે તેના માટે શિક્ષક પણ પેદા થાય છે.”- અરેબિક કહેવત.

આવનારા વખતમાં આવી ઘણી અવનવી બાબતો વિશે તમને અને તમારા કોઈકને જાણવું વધુ ગમશે, ખરુને?- તો પછી આજે જ એમનું નામ નીચે જણાવી ‘શેર’ કરવાની આદત ચાલુ રાખી શકો છો.

 

પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: ‘The Art of the Start’- શું ‘એ’ માટે તમે શરૂઆત કરી?

Guy Kawasaki

“સર! તમારી હું જબરદસ્ત ફેન છું. તમારી ઓલમોસ્ટ બધી ફિલ્મો મેં જોઈ છે.”

ઓહ એમ! પણ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી મેં આજ-દિન સુધી કોઈ પણ ફિલ્મમાં કામ કર્યું નથી.”

“અરે એમ કેમ હોય, ચોક્કસ તમે તમારી ઓળખ છુપાવવા આમ કરો છો, પણ આખી દુનિયા તમને ‘જેકી ચેન’ તરીકે ઓળખે છે.”

હ્હાહાહાહાહા…ઓહ એમ છે ત્યારે. પણ મારું નામ જેકી ચેન નથી…ગાય છે. ગાય કાવાસાકી!”

એવર-ફ્રેશ રહેતી વર્જિન એરલાઈન્સમાં મુસાફરી કરી રહેલા આ ‘ગાય’ ભાયડાને ઉપર મુજબનો ફૂલ-ફટાકડી એર-હોસ્ટેસ જેવો અનુભવ ઘણી વાર થઇ ચુક્યો છે. એ આખરે કરે પણ શું? જ્યારે એનો ચહેરો પેલા તોફાની ટારઝન જેકી ચેનને મળતો આવતો હોય ત્યારે આવા મસ્તીભર અનુભવોનો લાભ તો ઉઠાવતા જ રહેવું પડે ને!

ગાય કાવાસાકી જાપાનીઝ ઓલાદનું અમેરિકન વર્ઝન. ચિંતામાં પણ તેનો ચહેરો હંમેશા હસતો દેખાય એવા આ હસમુખલાલના હાસ્યનું સિક્રેટ એટલું જ છે કે તે હંમેશા ચિયરફૂલ મિજાજ રાખે છે. એની પાછળનું બીજુ કારણ એ કે તેની કેરિયરની શરૂઆતના અમૂક વર્ષો બીજી એવર-ફ્રેશ એપલ કંપનીમાં કામ શીખી-કરીને આવ્યો છે.

કહેવાય છે કે ‘મેકિન્ટોશ’ કોમ્પ્યુટર વિકસાવવામાં ગાયનો બહુમુલ્ય ફાળો છે. એટલે ટેનશ્ન્સના પહાડોની વચ્ચે પણ પોતાના દિમાગને ‘હટકે’ રાખી શકે છે. ઈન્ટરનેટની દુનિયામાં તેણે પોતાની ઓળખ એક ‘ઇવેન્જલીસ્ટ‘ તરીકે કાયમ કરી છે. ઇવેન્જલીસ્ટ એટલે હાલના જમાનામાં ઈન્ટરનેટ માર્કેટમાં લોન્ચ થતી કોઈ પણ ઈનોવેટિવ પ્રોડક્ટ કે સર્વિસના સારા-નરસાં પાસાઓ અને તેના પર થનારી અસર પર પ્રતિભાવ આપનાર એક્સપર્ટ.

આમ જોવા જઈએ તો આપણી દેશી ભાષામાં ગાયને આપણે માતા ગણીએ છીએ. પણ આ ગાયભ’ઈ ટેકનોલોજી વિકાસ માટે ‘બાપ’ સાબિત થયો છે. કેમ કે તેનો હાલમાં મુખ્ય વ્યવસાય જ ઉભરી આવતા ઉદ્યોગ-સાહસિકોને ‘કેપિટલ’ (રોકાણ)પૂરું પાડવાનું છે. એટલે તેની કંપનીનું નામ ‘ગેરેજ ટેકનોલોજી વેન્ચર્સ’ રાખ્યું છે. તેના મત પ્રમાણે દુનિયામાં રાજ કરતી ટેકનો-કંપનીઓ (જેવી કે એપલ, ગૂગલ, માઈક્રોસોફ્ટ, ઓરેકલ, ઇન્ટેલની શરૂઆત નાનકડા ગેરેજમાંથી થઇ છે.)

ખેર, ગાય કાવાસાકીનાં લખાણનો મને બે વર્ષ પહેલાં જ પરિચય થયો છે. અને એ લખાણ પણ તેના પ્રેઝનટેશન દ્વારા મળ્યું. લગભગ એક કલાક ચાલનારા આ લેક્ચરમાં મને કોઈક નવો કોન્સેપ્ટ, આઈડિયા કે વિચારને પ્રદર્શિત કરવા માટેની ગાઈડલાઈન્સ મળી આવી. લખાણની શૈલી ને વિકસાવવા લગતી કેટલીક નવી ટેકનિક્સની જાણકારી હાંસિલ થઇ. અને એ જ લેકચર પરથી તેમનું પુસ્તક તૈયાર થયું છે:

આર્ટ ઓફ ધ સ્ટાર્ટ. એટલે શરૂઆત કરવાની કળા‘.

Art-of-the-Start-Book

આ શરૂઆત એટલે શેની શરૂઆત?….

ખાવાની- પીવાની..?

ઉઠવાની- ચાલવાની- ચલાવવાની…??

દોડવાની- પકડવાની- બેસવાની- આરામની…???

હરાવવાની- જીતવાની- સામેવાળાનું કરી નાખવાની‘….????

કે પછી પોતાના ગુના ધોવાની કે કોઈકને ધોઈ નાખવાની….?????

…..અરે ના ભાઈ ના…એવી કોઈ ફિઝીકલ બાબતને ધક્કો મારવાની વાત નથી. પણ માહિતીઓના મહાસાગરમાંથી નાનકડાં પણ અસરકારક સારામાં સારા વિચારો, આઈડિયાઝ, કોઈ મજબૂત સ્કિલ, કોઈક પ્રયોગ યા પ્રોજેક્ટને થોડાં વધુ અસરકારક રીતે બહાર કાઢવાની વાત છે. જેમાં કોઈક નવી દુકાન, કંપની, સામાજિક મિશન યા પછી જોબ-સ્થાપન પણ હોઈ શકે.

પણ અહીં એવા પરિબળોને બહાર કાઢીને બસ પછી ‘હાશ!’ કરવાની વાત નથી કરવામાં આવી…એમાં જે માધ્યમ થકી તમારા શ્રોતાજનો, સહકાર્યકરો અને ગ્રાહકોને પાચક અદામાં સમજાવી-શામેલ કરાવવાની વાત છે. અબ યેહ બાત આપકી સમજ મેં તો આ ગઈ ના સાહબ?”

કેટલાંક કહેશે જો દિખતા હૈ, વહી બિકતા હૈ. એમાં બહુ નાટક કરવાની જરૂર ક્યાં આવી?” બરોબર છે. પણ આ ‘દિખતા હૈ’ અસરકારક ત્યારેજ બને છે જ્યારે તેમાં એવા કેટલાંક સુપાચ્ય મસાલાનો તડકો મારવામાં આવે. જેનાથી જોનાર-સાંભળનારને આ તડકાની ‘ઠંડક’ મહેસૂસ થાય. આવા નાનકડાં ચુટકી નમકવાળા વાક્યો (કે પોઈન્ટ્સ)નું સંયોજન એટલે આર્ટ ઓફ ધ સ્ટાર્ટ.

તમને (યા પુરુષ હોવ તો તમારી પત્નીને) ગર્ભ રહે (પ્રેગ્નન્ટ થાવ) ત્યારે શું કરો?- અલબત્ત એવી વ્યક્તિઓ પાસેથી માહિતીઓ એકઠી કરો જેની પર તમને વિશ્વાસ હોય. અથવા આ જ વિષયની કોઈક એવી બૂક લઇ આવશો…બરોબર?

તમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે ત્યારે કેમ આગળ વધશો?- એવી તકો શોધતા રહેશો જેમાં તમે જેમ બને તેમ તમારી જાતને સંભાળી શકો. અથવા એવાજ ટાઈટલની એક બૂક લઇ આવશો જે તમને પ્રેરણાત્મક બળ પૂરું પાડી શકે….ખરુને?  

તમને એક કરોડ રૂપિયા (કે એક મિલિયન ડોલરનો) ભડભડતો આઈડિયા આવ્યો છે. પછી શું?- ત્યારે આ આઈડિયાની આગને લાગમાં ફેરવવા શું પગલાં ભરશો?- એવા જ કોઈક ઉદ્યોગ સાહસિકની કે સાચા સલાહકારની મદદે દોડી જશો ‘જો આપકી ઝીંદગી બદલ દે’. અથવા ‘આઈડિયામાંથી કરો કમાણી’ નામની કોઈ એક મશહૂર પોથી લઇ આવશો….કેમ સાચું કીધું ને?  

આર્ટ ઓફ ધ સ્ટાર્ટ બૂકને આવા ઘણાં વિચારોનું, આઈડિયા વિકાસનું કે મુશ્કેલીમાં મદદનું પ્રેરક-બળ કહી શકાય.

ગાયભાઈના કહેવા પ્રમાણે કોઈ પણ વિષય-વસ્તુની વ્યવસ્થિત શરૂઆત કરો ત્યારે…

  • કોઈ પણ બાબતની પાછળ રહેલી (સંતાયેલી) બાબત પર નજર રાખો.
  • મિશન સ્ટેટમેન્ટને બદલે નાનકડો પણ અસરકારક મંત્ર રચો.  ‘ગ્રાહકનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. જે માટે એમના ઓર્ડર પર પૂરતું ધ્યાન આપવામાં અમે તન-મન-ધન એક કરીશું.’ જેવા લાંબા-લચક વાક્યોને બદલે ‘સ્વસ્થ ઝડપી સેવા’માં બધું કહી શકાય.
  • એવરેસ્ટ પર ચઢવાની શરૂઆત ઘરમાંથી બહાર નીકળીને કરો.- એટલે મોટા પ્રોજેક્ટની આશા(નિયત) રાખી નાનકડા પગલાથી શરૂઆત…
  • બાપુજીએ વર્ષો સુધી પતરાં ટીપ્યા…તમે ટીપવાનું ઓટોમેટિક મશીન લઇ આવો.- એટલે જુનવાણી વિચારને દફન કરી નવા-નવા અમલ પર કાર્ય કરતા જાવ.
  • આગળ વધતા રહો. થોડો વિકાસશીલ અસંતોષી નર થોડો વધારે સુખી બનતો અને બનાવતો રહે છે.
  • શરૂઆતથી જ….તમારી એક હટકે ઓળખ સ્થાપો. – ગાંધીદાદા, ધીરુદાદા, કરસનકાકા તમે તો હજુયે વર્ષો સુધી યાદ રહેવાના…હોં!
  • ગ્રાહક કોઈ પણ બાજુથી આવી શકે તે માટે ચારે બાજુથી દરવાજા ખુલ્લા રાખો.- સાથે સિક્યુરિટી માટે પણ સજાગ રહો.

આવા તો કાંઈક-એવા ચબરખાઓ દ્વારા ગાયભાઈ આર્ટ ઓફ ધ સ્ટાર્ટ માં ડાઈરેક્ટ કે ઇન-ડાઈરેક્ટ રીતે ગાંગરે છે. તેના આવા સૂર માણવા બુકના તબેલામાં જઈ આવવું જોઈએ દોસ્ત!

          વધુમાં…એમાંથી આપણને….

  • કોઈ વાતને ગાગરમાં સાગરની જેમ સમજાવવી હોય તે માટે ૧૦-૨૦-૩૦ની ફોર્મ્યુલા કેવી રીતે વાપરવી?
  • ધંધાની શરૂઆતમાં આપણા જેવું જ ચંચળ માનસ ધરાવતો ‘વેપારીક આત્મન’ (દિલદાર બિઝનેસ પાર્ટનર) કેવી રીતે શોધવો?
  • કોઈ પણ મોટા પ્રોજેક્ટ શરુ કરતી વખતે કોની કોની સલાહ લેવી યા કોની ન લેવી?
  • આપણા થકી ગ્રાહક સુધી કોઈ પણ સેવા કે વસ્તુ ખુબ સરળતાથી કઈ રીતે પહોંચાડી શકાય?
  • પ્રગતિને પંથે આડે આવતા કેટલાંક ‘નસ ખેંચું’ બળો (તેની ભાષામાં ‘બોઝો’)ને કઈ રીતે દબાવવા…

          જેવી ઘણી ચબરાકી ટીપ્સ પણ આપવામાં આવી છે. આવી ટીપ્સ લેવા માટે માથા ટીપ્યા વગર બૂક ખરીદી લેવી સારી.

‘ગાય’ તેના નામની જેમ નાનકડી પણ સીધી વાત કરવા માટે જાણીતો છે. એટલે ટાઈટલમાં પણ તેણે એવી સમજણવાળી વાત કરી છે. ‘શરૂઆત કરવાની કળા’….એટલા માટે કે તેની પર ‘ઝેન’ વિચારધારાની ઘણી અસર છે. જ્યારે અટક ‘કાવાસાકી’ છે એટલે બજાજ મોટર સાયકલ સાથે જોડાયેલી ન હોવા છતાં ‘બુલંદ અમેરિકામે બુલંદ વિચાર’ કરી શકે છે. વતન ભલે જાપાન હોય પણ વર્તનતો અમેરિકન જ ને…

અમેરિકન પ્યાલામાં જાપાનીઝ ‘કાહવા’ પીવડાવતા સાકીની લિજ્જત એટલે!…આર્ટ ઓફ ધ સ્ટાર્ટ!

ચાલો…..એટલીસ્ટ બૂક લેવાની પણ શરૂઆત તો કરો!

દોસ્તો, તમારા કોઈ એવા સ્વજન છે જેમને આ બ્લોગ-પોસ્ટ મદદરૂપ થઇ શકે?- તો એમનું નામ અને ઈ-મેઈલ જણાવી આજના દિવસે એટ-લિસ્ટ શુભકાર્ય કરવાની પણ શરૂઆત થઇ શકે એમ છે :-)

વેપારાંજલિ- ઇન્ટરનેશનલ આઈડોલ- સ્ટિવ જોબ્સને આઈ-વિદા

steve_jobs (1955-2011)

Apple.com: Steve Jobs (1955-2011)

વ્હાલા સ્ટિવ,

ગુરુને….આમ તો ‘ઈશ્વરને ઓળખાવનાર’ તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે પૂર્ણિમાના ચંદ્ર સમાન તેને માનપૂર્વક બોલાવી અમારા ભારતીયોમાં તેનો ખાસ દિવસ ઉજવાતો હોય છે. જેની તને પણ ખબર હતી. બીજા કોઈએ કીધું હશે કે નહીં એની મને ખબર નથી…પણ આજે હું એ માન-મર્યાદા તોડી બાજુ પર મૂકી તને ‘તુ’ કહી બોલાવી રહ્યો છું.

બસ…એટલા માટે કે ‘તુ’…‘.તમે’ કહેવાને લાયક નથી. જેને પોતાનું…..ખૂબ નજીકનું ગણવા લાગીએ ત્યારે સંબંધોમાં ‘આપ’ સે ‘તુમ’ અને ‘તુમ’ સે ‘તુ’ થઇ જતું હોય છે. એ રીતે તે તારા માનને તે જાતે ‘અપ’ કર્યું છે. બીજા હજારો-લાખો બિઝનેસ-ગુરુઓમાં ફકત તે આ માન હાંસિલ કર્યું છે. તને બધી ખબર છે?…શું કામ, શા માટે, કેમ?….

એ તો આજે સવારે તારા અચાનક ગમનના સમાચાર સાંભળ્યા છે ત્યારે મન ગમગીનીમાં ફેરવાઈ ગયુ છે. એપલની દુનિયાથી તુ આવ્યો…..ગયો…પાછો આવ્યો ને પછી કાયમ માટે હવે ચાલ્યો ગયો એવી રમતબાજીથી તને શું ફેર પડવાનો છે? પણ તારા ગયાની પળ પછી તુ કેટલીયે બાબતો ભરી-ભરીને આવનારી પળો ખાલી કરી ગયો છે એનું તને ભાન છે?….તારી હર અદા પર ફિદા થઇ જવાય એવા કામો કરીને તે દુનિયાને કરજદાર કરી મૂકી દીધી છે. તુ જો તો ખરા…અમારા એ કરજનું લીસ્ટ…

  • એક હિપ્પી જેવી ઝીંદગીથી શરૂઆત કરી આખરે એપલી લાઈફમાં હેપ્પીનેસનો ભંડાર ખડકી દીધો છે…એના જેવી ખુશી અમે અમારા કામોમાં, કંપનીમાં, પરિવારમાં કેવી રીતે પેદા કરી શકીશું?….
  • તારા અસલ મા-બાપ વિશે તને ભલે ખબર હોય કે ન હોય તે છતાં તારી ‘બાયોલોજીકલ’ મા પ્રત્યે સદભાવ રાખી એક હટકેલ છોકરા તરીકે પણ તે તારી પ્રગતિ ચાલુ રાખી…તેવો કયો ‘ભાઉ’ અમને શીખવી શકશે?
  • બીજા શું કરે છે..એની પંચાતમાં પડ્યા વગર ‘મને શું કરવું છે?’ એવો સુપર સ્વાર્થ રાખી પછી બીજા માટે તે પેશનની પંચાયતો સ્થાપી દીધી છે એવું અમે કેમ કરી શકીશું?
  • ઉછીના પૈસા લઇ આવી, તારા હમનામી સ્ટિવ વોઝનીયાકને ભાઈ કરતા પણ વધારે દરજ્જો આપી તારા એપલના ઝાડને ગેરેજમાંથી કઈ રીતે બહાર ફેલાવી લવાય એ માટેનું અમુલ્ય સિક્રેટ તો તે હજુયે સુધી કોઈને ક્યાં કીધું છે…આવું કેમ કરી ગયો રે તુ?
  • ઝેરોક્સ વાળો તો ન વાપરી શક્યો એટલે ૧૯૮૧માં તેની પાસેથી એ ઈલેક્ટ્રોનિક ‘ઉંદરડા’ ને ખરીદી તારી દીકરી લિસાને ભેંટ આપ્યુ. ને પછી તેને તારા જ ડીઝાઈન કરેલા સાવ અલગ ‘મેકેન્ટોશ-કોમ્પ્યુટર’ સાથે જોડી આખરે ‘માઈટી માઉસ’ નામ આપી તેને જીવતદાન આપી ગયો. તને આવું કઈ રીતે સુઝ્યું લ્યા!!?!
  • અરે! બાપ…તારી હઠ તો જો…તને આ માઉસની માયા તો એવી લાગી ગઈ કે તારી જ ફિલ્મ કંપની ‘પિક્સાર’ને તે ૧૯૮૬માં ડિઝની સાથે લગ્ન કરાવી દીધા?…. જેથી કરી એના મિકીને પણ તુ તારો માની શકે!!!…..યાર…આવું માંગણું તને મળ્યુ કઈ રીતે એ તો સમજાવી ગયો હોત!….
  • ચલ એ દુશ્મનોની ચાલ તો સમજ્યા…જ્યારે માઈક્રોસોફ્ટે તારો આખે-આખો સોફ્ટવેર ચોર્યો, આઈ.બી.એમે તારી ટેકનોલોજી ચોરી, અલ્યા ભાઈ…તારા જ ચેરમેને તને તારી જ કંપનીમાંથી તગેડી મુક્યો ને તુ ચુપચાપ સાંભળતો રહ્યો?- આવી પાયમાલી આવ્યા પછી પણ આ બધાની સાથે સુપર-સોફેસ્ટિકેટેડ વર્તી આઈ-બૂક, આઈ-મેક, આઈ-પોડ, આઈ-ટ્યુન, આઈ-ફોન, આઈ-પેડ- જેવી જૂની જ વસ્તુઓ ને સાવ જ નવું સ્વરૂપ આપી છેલ્લે આઈ-ક્લાઉડમાં નાખી બધાંને છોડી આવ્યો?…પ્લિઝ સ્ટિવ….આવા આઈ-ડિયાઝ તને આવ્યા કઈ રીતે?- આઈ-મીન અમને જણાવ્યું તો હોત…

અલ્યા એય વ્હાલા સ્ટિવડા….દુનિયાભરના છોકરાંવ- છોડીયુંને…

‘સપના જુવો’, ‘કાંઈક ગાંડા કરો’, ખોટી હડીયાપાટી બાજુ પર મૂકી સાચી મજૂરી કરો, ઉંધુ ઘાલી કામ કરવાને બદલે ઉંધુ વિચારી સીધો જવાબ લાવો’ જેવા આઈ-ડિયાલિસ્ટીક ક્વોટ્સ બધાંને આપી દે એમ ના ચાલે….
અમને એ હાટુ એવું કરવાની તાકત વારુ ‘ઇન્જીસન’ આલી ગ્યો હોત તો તારા ફાધરનું શું જાત?!?!?!-

તારી આખી સફળતામાં તુ “ભારતીય ધ્યાન-યોગાસન, કેલિગ્રાફી-કળા, એન્જિનીયરીંગનું પ્રેક્ટિકલ જ્ઞાન જેવા ફેક્ટર્સનું અમૂલ્ય યોગદાન”  કહી છૂટી જાય તો શું અમે એનાથી અંજાઈ જઈશું?-

ના…ના..ના…તારી અવિરત દોડના પ્રભાવથી અમે તો હજુયે સંતોષાયા નોહતા ને દશેરા ને દહાડે તારો જ ઘોડો પાણીમાં….

સ્ટિવ, અમને તારા જેવા માસ્તરની જરૂર નથી….પણ ‘તારા’માં રહેલી ‘માસ્ટર-ચમક’ની વધારે જરૂર છે.

બોલ હવે….‘જોબ્સ’ની તકોથી ભરપૂર આ દુનિયામાં તારું કરજ અમને ક્યાં સુધી ચૂકવવાનું છે?

કેટલાંય નામી-અનામી દોસ્તો અને દોસ્તાનીઓ સાથે જ્ઞાન માટે રોજેરોજ…ચમકવા મથતો તારો…..

મુર્તઝા પટેલ.

સર‘પંચ’

તમારી ‘ચાહત’ની ફરિયાદ કે ફરી ફરી યાદ? – સ્વિટ શ્રધાંજલી તે આનું નામ…