=[વેપાર વિચાર]= જો ગુમાવીને પણ કાંઈક મેળવવું હોય તો…

જસ્ટ ઈમેજીન.

તમે તમારા બોસની બબાલ…બૈરાની બકબક….અને વધું પડતા કામનો કકળાટ, જેવી બાબતોથી થાકી ગયા છો. ટેન્શનનો પહાડ માથે ભમી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. 

ત્યારે તમને આ બઅઅઅઅધ્ધું થોડા સમય માટે ક્યાંક છોડીને એવી જગ્યાએ ‘ચાઈલા જવું’ છે, જ્યાં તમે…ખુદ ‘સ્વ’ બન્યા વિના થોડા જ સમયમાં ‘સ્વ’સ્થ થઇ શકો…તો કેવું?

તેના રસ્તાઓ તો ઘણાં છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ ઓટો કંપની જીપ તેની એક અનોખી GPS ટેકનોલોજીમાં એ બાબતે ડિજીટલી રસ્તો બતાવી મદદે આવી છે. (GPS એટલે ગાડીને નાનકડા સ્ક્રિન પર રસ્તો ગાઈડ કરતો ઈલેક્ટ્રોનિક ભોમિયો

જીપે તેના નવા મોડેલમાં ગોઠવેલી GPS સિસ્ટમની અંદર એક નવો ઓપ્શન મુક્યો છે. ‘GET LOST’. ખાસ એવા લોકો માટે જેઓ ઉપર મુજબના હાલથી બેહાલ થયા છે. અને ક્યાંક એવી અજાણી જગ્યાએ પહોંચી જવા માંગે છે કે જ્યાં થોડો સમય તણાવ મુક્ત રહી શકે.

ત્યારે આ Get Lost સિસ્ટમનો બટન દબાવતાં જ આપણને કાર/ગાડી એવા ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં લઇ જાય છે કે આપણને થાય છે કે… ‘લે! હાળું આવું દ્રશ્ય તો ક્યારેય જોયું જ નો’તું લ્યા !

નીચેની વિડીયો ક્લિપ જોયા પછી તમને પણ થશે કે…. “માણસને અજાણ્યા રસ્તા ઉપર લઇ જઈ તેનો ખુદનો સાચો ‘રસ્તો બતાવે’ એવી ટેકનોલોજી તે આનું નામ…

=] સર‘પંચ’ પોઈન્ટ:[=

મોબાઈલના App Developes, તમને આમાંથી ‘ઝબૂક’ કરતો કોઈક આઈડિયા મળ્યો? - મને તો મળ્યો છે...જ.દ !

(મને યકીન છે કે...આ ટેકનોલોજીને ભારતમાં ઘણું મોટું માર્કેટ મળી આવશે.) 

<= મોરલો=>

“જીવનમાં ક્યારેક ખુદની જાતને મળવું હોય તો... ‘Get Lost’ પણ થતા રહેવું.”
.

વેપાર વાઈરસ:: ક્રિયેટિવ કોમ્યુનિકેશનનો એક કૉફી-કપ

આજે….એક ઔર ‘જસ્ટ ઈમેજીન’… 
-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.

|| તમારા શહેરની એક ઘણી પ્રચલિત કૉફી-હાઉસમાં તમે વારંવાર એકલા કાં તો કોઈક વ્હાલા-વ્હાલી સાથે કૉફીની ચુસકી માણવા જાઓ છો. તમને ત્યાંની કૉફીના ટેસ્ટ સાથે તેની સર્વિસ, સ્ટાફ, સ્વભાવ અને ઓફકોર્સ… ભાવ પણ ગમે છે. 

ને એક દિવસ સવારે અચાનક…

તમે આદત મુજબ ત્યાં પહોંચી જાઓ છો. પણ અંદરનું દ્રશ્ય સાવ બદલાઈ ગયું છે. એક નવું જ રિફ્રેશિંગ ઈન્ટીરીયર દેખાય છે. સવિતાને બદલે ‘સ્વિટી’ અને જયકિશનને બદલે ‘જેક્સન’ દેખાય છે. 

સાવ નાનકડા કૉફી-પ્યાલાને બદલે બંને હાથે પકડી શકાય એવો અલમસ્ત, કૉફીની સોડમ યુક્ત મોટ્ટો પેપર કપ દેખાય છે. અને ૨ વર્ષથી એકના એક વપરાયેલા ક્લાસિક ‘પ્રાઈઝ-કાર્ડ’ને બદલે…વાઉ ! ગ્લોસી પેપર વાળું ‘મેનુ’ દેખાય છે. 

‘હોં સાહેબ!, હા બેન!’ બોલવાને બદલે એ લોકો સેક્સી વોઇસમાં “હેલોઓઓ, હાય ! વોટ કેન આઈ ડૂ ફોર યુ, સર?” સંભળાય છે. તમે ભલે ટેન્શનમાં આવી જાઓ છો પણ એ સૌ તમારા હાવભાવને વાંચી રોજીંદી આદત મુજબ જ કૉફીનો ઓર્ડર લે છે. પણ બધું જ અંગ્રેજીમાં બોલે છે અને તમને પણ બોલવાની આદત પાડે એવો માહોલ રચે છે. 

ટૂંકમાં, તમને થાય છે કે…હાઈલા ! મરી જ્યા આજ તો ! આ હવાર-હવારનું આપડું દેશી શપનું જ છ ક પ્હછી હાચે જ બાપાએ રાતોરાત વિહ્ઝા કરી આલીને ઈંગ્લીસ દેશમોં ક્યાંક ટ્રાન્ષપોર્ટ કરી કાઈઢો છ ?!??!?!?!?

પણ એ લોકો ભલા છે તમને કૉફી આપવાની સાથે એક મસ્ત રંગીન બ્રોશર પણ આપે છે (યારો ! પ્લિઝ હવે અહીં ‘બ્રોચર’ ન બોલશો હોં !).

અંગ્રેજીમાં પ્રોફેશનલ વાતચીતની કળા શીખો. 

થોડાં દિવસો માટે ‘તદ્દન મફતમાં’ અંગ્રેજી શીખવાના ક્લાસ એટેન્ડ કરવા માટે સમજાવવામાં આવે છે. તમે દેશી સ્ટાઈલમાં વિદેશી ભાષા શીખવા તૈયાર થઇ જાઓ છો. અને એ લોકો કૉફી-કપ દ્વારા તમને બાટલીમાં ઉતારી દે છે. બધાં જ જીતે છે. એક નવું પરિવર્તન સર્જાય છે. ||
-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.

યેસ દોસ્તો! કૉફીના બહાને રશિયાનોને બ્રિટીશ-અંગ્રેજી શીખવવાની આ હટકે સ્ટાઈલ રશિયાના જ એક નાનકડા ટાઉન એક્ખાતરીનબર્ગમાં શરુ થઈ છે. અને ત્યાંની પ્રજાએ આ મિશનને સારો એવો રિસ્પોન્સ આપ્યો છે.

તમે તમારી પ્રોડક્ટ કે સેવા સાથે એવું કોઈ ગતકડું કરી શકો છો? કે પછી એવો કોઈક આઈડિયા દોડ્યો હોય તો (કૉફી વગર) શેર કરી શકો છો.

[ હવે આજે આટલું પૂરતું છે. ખરુને? એટલે ‘સરપંચ’ જાણવા માટે ફેસબૂક પર આવતી રહેલી નેક્સ્ટ #PatelPothi ના પોઈન્ટ પર નજર રાખવી. ] 

– ચાલો, અત્યારે હું તો આ ઉપડ્યો ‘ટી’ પીવા! તમતમારે ત્યાં સુધી  વિડીયો જોઈ લ્યો….

હાથીની જેમ સર્ચ-એન્જીનની યાદશક્તિ લાંબી અને કાયમી હોય છે.

Elephant-Search Engine

સર્ચ-એન્જીન ટેકનોલોજીને લગતા એક રસીલા સમાચાર વાંચ્યા.

“હાથીની જેમ સર્ચ-એન્જીનની પણ મેમરી(યાદશક્તિ) લાંબી (અને કાયમી) હોય છે.”

આ બહુ મજેદાર વાત છે. જો કે હજુ સુધી આપણે હાથીમાં ઝાંકીને જોયું નથી પણ વર્ષોના રિસર્ચ પરથી સિદ્ધ થયેલી માહિતીઓ સામે જ છે.

સર્ચ ટેકનોલોજીને હું દુનિયાની સૌથી મહત્વની શોધ ગણું છે. એટલા માટે કે તેમાં જે શક્તિઓ છે તે હવે બીજી શોધખોળોની શક્તિઓને પણ સંભાળી લેવા માટે સમર્થ છે.

તમને ખબર છે? આપણે ઓનલાઈન જે કાંઈ પણ લખીએ છીએ તેની છાપ એકવાર તેના જાળામાં પડી જાય છે અને જો એ જાળું એક સેકંડ પૂરતું તેના ઇન્ડેક્સિંગ પ્રોસેસમાં આવી ગયું, પછી સમજી લેવું કે તે બાબતનો ‘પાળીયો’ બની ગયો. (પછી ભલેને એ વીર-પુરુષ કાઠીયાવાડથી ન હોય.)

ખાસ કરીને ટ્વિટરની શોધ અને ફેસબૂકના ન્યુઝફીડ (સ્ટેટસ અપડેટ)ની શોધ પછી ગૂગલજીએ એમની અલગોરિધમને વધુને વધુ પાવરફૂલ બનાવી દીધી છે. કારણકે એ એવી માહિતીઓ છે જે પળમાં વાઈરલ ઇન્ફેક્શન જેવું કામ આપીને આખી દુનિયામાં લાખો કરોડો લોકો પાસે પળવારમાં પહોંચી જાય છે.

હવે રખેને તમે ભૂલથી એમ લખી નાખ્યું હોય કે…

‘ચાચા…આજ મર ગયે.’ અને થોડી જ સેકન્ડ્સમાં સુધારીને ‘ચાચા અજમેર ગયે’ સુધારી લ્યો. પણ એના માટે તો First Impression is the Top Impression બની જાય છે.

એટલા માટે તો કહેવાય છે ને કે… “બોલો તો એવું બોલો કે સાંભળનારને યાદ રાખવું ગમે.” શક્ય છે કે આ બધાં સોશિયલ પ્લેટફોર્મ પર બનાવેલાં આપણા ટ્રેક્સ (પાટા) મજબૂત હશે તો જીવન, કેરિયર કે વેપારની ગાડી મજ્જાની દોડતી રહેશે.

હવે મેમરીની બાબતે આવો મજાનો મમરો (કે ભમરો) મૂકવો જરૂરી લાગે છે ને?

મોરલો:

” હાથી માટે ભમરો પણ કાનમાં ઘૂસી ભમગરાનું કામ કરી શકે છે. માટે ચલો…હમ સબ ચિંતા છોડે, સુખસે જીયે ઔર કુછ અચ્છાસા પ્રદાન કરે ! “

વેપાર વ્યક્તિત્વ: ઈંટનો જવાબ ‘કાગળ’ માંથી

૩ ઈડિયટ્સ ફિલ્મ જોયા પછી મારી નજર વારંવાર એવા સમાચાર પર સતત રહેતી હોય છે, જેમાં કોઈક ભારતીય ભડવીર કોઈક નોખા ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ હાંસિલ કરે, ત્યારે મને ઘણી ખુશી થાય..

આજે એવા જ સમાચાર મને જાણવા મળ્યા.

પંડિત વિશ્વેસ્વરૈયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (નાગપુર)ના બે વિદ્યાર્થી-છાપ પ્રોફેસર્સ શ્રી રાહુલ રાલેગાઉંકર અને સચિન માંડવગણે ૯૦% પેપર-વેસ્ટ અને ૧૦%થી ઓછું સિમેન્ટ તેમજ બીજાં અન્ય ગમિંગ કેમિકલ્સનું સંયોજન કરી ઇકો-બ્રિક્સ (સુલભ ઈંટ) બનાવી છે.

કાચા સામાન-સામગ્રી અને ખુબ ઓછા ખર્ચ-વાળી મોલ્ડ-મશીનરીનો ઉપયોગ કરી બંનેએ સામાન્ય ઈંટો સામે આ ઇકો-બ્રિક્સ બનાવી તેની કિંમત અને વજન બંને સાવ અડધી કરી પર્યાવરણ ક્ષેત્રે મજાનું કામ કર્યું છે. વળી આ બેઉ પ્રોફેસર્સ પાછા ઈંટનો જવાબ ‘કાગળ’માંથી આપતા હોવાથી એમનું આગામી સંશોધન પણ વોટરપ્રૂફ-ઈંટ પર થઇ રહ્યું છે.

હવે જે વિદ્યાર્થી મિત્રો કે ઈંટ-મેકર્સ વેપારીઓ આ પ્રોફેસર્સની મદદ લઇ તેમના પ્રોજેક્ટ્સને આગળ વધારી શકવા સક્ષમ છે, તેઓએ બીજા ‘મદારીઓ’ની વગાડાતી ખોટી બિનને સાંભળ્યા વગર ‘નાગ’પુર પહોંચી જવું એવી મારી ભલામણ છે.

બાકી……(કબ્બડી આપણો શાસ્ત્રીય ખેલ છે.)

પ્રતિષ્ઠા, પૈસો, પ્રસિદ્ધિ, પીઠબળ પૂરું પાડવા માંગતા હોવ તો…

તમારા પોતાના (કે પછી પડોશીના, સગા-વ્હાલાંના,  દોસ્તોના) પૂત્ર-પૂત્રી, કે પૌત્ર-પૌત્રીમાં રહેલાં પેશનને… જો નાની વયમાં જ પ્રતિષ્ઠા, પૈસો, પ્રસિદ્ધિ, પીઠબળ પૂરું પાડવા માંગતા હોવ તો ગૂગલ તરફથી જાહેર થયેલો વર્ષ ૨૦૧૩ના વિજ્ઞાન-મેળા (સાયન્સ-ફેર) માટે આજથી જ તૈયાર કરવાની તક આપી દયો.

લિંક: www.googlesciencefair.com. જ્યાં વિડીયો સાથે બધી જ માહિતીઓ મળી રહેશે.

એક ગૂગલી વાત: ગૂગલને ભારતીય બાળકો પર વધારે વિશ્વાસ છે. એટલા માટે કે પાછલાં મેળામાં આપણા વિદ્યાર્થીઓ વધારે સફળ રહ્યા છે. બોલો હવે ટ્રેડિશન આગળ ચાલુ રાખવું છે ને?- જો ‘હા’ હોય તો શાયેરીઓ બાજુ પર મૂકી આ બાબત ‘શેર’ કરશો.

લાઈફટાઈમની ગેરેંટી નથી પણ એટલીસ્ટ ૨૦૧૩-૨૦૧૪ સુધી તો તમે એમને અને ખુદ તમારી જાતને પણ સુપર્બ ગિફ્ટ આપી શકશો.

પેશનનો પેશન્ટ: મુર્તઝા પટેલ. 

વેપાર-વાવડ:…ને આખરે ગૂગલાચાર્યે એમનું મૌનવ્રત આ રીતે તોડ્યું…

દોસ્તો, આમ તો આ સમાચાર થોડા વાસી થઇ ચુક્યા છે. કેમ કે ઇન્ડિયાની વિઝીટ સમયે તેને વખતે મુકવાનું ચુકી ગયો હતો. તો પણ દેર આયે દુરુસ્ત આયે સમજી એન-’જોઈ’ લેવું.

  • “૯૯૯૯ ક્વિન્ટલ ખાંડની ગૂણમાં ખાંડના જ ટોટલ કેટલાં દાણા હોય?”
  • “હવે બધાં જ દાણાને લઇ બનતી ચાહને પેલા (ચકલીની ચાંચ ડૂબે એવા) પ્લાસ્ટિકિયા કપમાં ભરીયે તો કેટલાં લોકો ‘પી’ શકે?
  • “નર્મદા નદીમાં સૌથી પહેલો પથ્થર કોણે નાખ્યો તો?”  
  • “૨૦૧૧માં ‘સાહેબે’ પગપાળા ટોટલ કેટલો પ્રવાસ ખેડ્યો?”
  •  “‘લેંઘો’ પુલ્લિંગ કેમ અને ‘ચડ્ડી’ સ્ત્રીલિંગમાં કેમ બોલાય છે?”
  • “આપણે ગુજરાતી ભ્રાતાઓ અને ભગિનીઓ…અતિ શુદ્ધ ગુજરાતી ભાષા-પ્રયોગ કરવાનો આગ્રહ કે અનુગ્રહ શાં માટે કરી શકતા નથી?”

વગેરે…વગેરે…વગેરે…

માફ કરજો દોસ્તો! આ કોઈ પરીક્ષા નથી કે કોઈ નસ ખેંચું ક્વિઝ-કોન્ટેસ્ટ પણ નથી. હું પણ તદ્દન ભાનમાં છું અને ખુશહાલ મિજાજમાં છું. આ તો મારા માહિતી ગુરુ મહારાજ 1/n! શ્રી ગૂગલાચાર્યએ અચાનક પોતાના વિશે અપડેટ થયેલા સમાચાર આપીને મને (છં)છેડ્યો એટલે મારાથી આવું લખાઈ ગયું.

ને વાત પણ એવી જ મજાની છે. અત્યાર સુધી ગૂગલમાં કોઈ બાબત સર્ચ કરવી હોય તો લખીને કે મોબાઈલમાં ફેઝમાં બોલીને સર્ચ કરી શકતા હતા. પણ જ્યારથી એમના જ ધર્મબંધુ શ્રી એપલાચાર્યના આઈફોનમાં પેલું ‘સીરી’ આવ્યું હતું ત્યારથી મહારાજના ભક્તજનોમાં થોડી ગ્લાનીનું વાતાવરણ સર્જાયું હતું.

આ ધર્મલાભનો ફાયદો પોતાના ભક્તજનોને પણ મળે એ હેતુથી ગૂગલાદેશ બહાર પડ્યો. એટલે સર્વે કાર્યકરોની આકરી મહેનત આખરે રંગમાં આવી અને આજે એનું શુભ ફળલાભ બહાર આવ્યું છે.

એમના જ એક વપરાશકર્તા(ડીજીટલ મજૂર) તરીકે મને થયું કે પ્રજાને હાવ જ સાદી ભાસામાં સમજાઈ દઉં. એટલ્હ તમે જ્યાર જ્યાર હવ એન્ડરઓઈડ કે આયપ્ફોન મોબાય્લ વાપરો ત્યારે જે બાબત હોધવી હોય (ચેટલા લોકો ‘શર્ચ’ બોયલા?) ત્યારે એક ચોંપ દબાઈને ચુપ થઇ જવાનું હોવ.

પછી જે જોગ જોણવો હોય ઈ માં’રાજને પુશી લેવાનું. બસ! પછી બીજી જ શેકંડે શોન્તીથી હામ્ભરવાનું ક મહારાજ હું જોશ ભાખે છ. પછી જોવ ચમત્કાર !

હવ આપડે લોકો રહ્યા દેશીઓ, બરોબરને?- તો ઉપર મુજબના પૂછેલાં (લોહી પીતા) પ્રશ્નોય હશે તોયે માં’રાજ એમના અંતરયામી સ્વભાવને લીધે મૌનવ્રત તોડી, એક પણ દક્ષિણા લીધા વગર આપડા શૌનો બેડો ગરક કરશે….(એટલે કે..પાર કરશે) એની હો ટકા ગેરંટી પાકી હોં)     

પણ..ઉભારો…એક મિલીટ…એક મિલીટ…

ગૂગલ મા’રાજ ભલે બાવા બન્યા હૈ, પર તમેરેકું ઈસ્ટાર્ટમેં થોડું ઈંગ્લીસ બોલ્યા વિના નહિ ચાલ્યા હૈ. મીન્સ કે…બોલતા બીફોર સંભાળીયો! 

સફળતાના શિખરે પહોંચી શ્વાસ લેવાનું ઓછું કરનાર તાજું અને…થોડું માંદુ ‘એપલ’

Spoiled Apple

જે સફળતાના શિખરની ટોચ ઉપર પહોંચે છે, વધુ ભાગે દુનિયા એની ભૂલ સૌથી વધારે ધ્યાનમાં રાખે છે. લિંકન સાહેબ, બિલ ગેટ્સ બાપા, ક્લિન્ટન કાકા, અંબાણી અંકલ, સિંઘ સાહેબ કે મોદી મહારાજ…યા પછી અમે, તમે અને રતનિયો. કોઈ પણ હોય.

સાત મહિના પહેલા હજુ નવું જ લોન્ચ થયેલું આઈ-પેડ ફરીથી તેના નવા વાઘા પહેરી રી-લોન્ચ થયું છે. માર્કેટમાં તેના ફેન્સ નારાજ થયા છે એટલા માટે કે નવું વાપરીને સેટિસ્ફેક્શન મળ્યું નથી ત્યાં એને ફરીથી ઇનોવેટ કરવાની જરૂર શી હતી?

હું ‘એપલ’થી થોડો ખિન્ન થયેલો છું, પરેશાન છું. એટલા માટે કે તેની પાછલી કેટલીક ભૂલોથી તેની પ્રોડક્ટ્સ અને માર્કેટ બંનેમાં લોચાં વાગી રહ્યા છે. આ મારા એકલાનું માનવું નથી. તેનો એક આખો મોટો કબીલો પણ કણસી રહ્યો છે.

જે પ્રોડક્ટ નીકળી છે એને બરોબર વાપરવાનો સમય તો એના ગ્રાહકોને મળવો જ જોઈએ. “નહીંતર હજુ કશુક નવું આવશે ત્યારે લઈશું.” વાળો વિચાર એમને એ પ્રોડક્ટ ખરીદવા પર મજબૂર કરી દે છે. એવો વિચાર મને પણ આવે છે.

પ્રોડક્ટનું Segmentation માત્ર માર્કેટમાં જગ્યા પૂરવા માટે સીમિત નથી. એપલ જેના માટે જાણીતું છે, એવા ઇનોવેશનનું ઘણું મહત્વનું છે. જે મને જોવા મળ્યું નથી

નવા આઈપેડની કળ વાળી નથી ત્યાં ‘આઈપેડ મીની’ ઉતારી દેવામાં આવ્યું છે. વ્હાલો સ્ટિવડો હોત તો આવું કરત જ નહિ. કેમ કે તે આ મીની-બીનીના વિરુદ્ધમાં હતો. આવું એપલના ચીફ ટિમ કૂકે પણ જાહેરમાં સ્વીકાર્યું છે. એટલા માટે કે ગૂગલ, સેમસંગ અને માઈક્રોસોફ્ટ પણ આવી ગયા છે એટલે એમની સાથે ધંધાકીય ઝગડો તો ચાલુ રહેવો જ જોઈએ ને?- ધંધો કેમ ચાલશે?

સ્ટિવ જોબ્સ જીવતો ‘હોત તો’ આવું ન જ કરત એવું હું યકીન સાથે કહી શકું. એવું પણ નથી કે એની સાથે બેસીને મેં ચાહ-પાણી કર્યા છે. પણ સ્ટિવના દિમાગની ‘ચાહત’ છેલ્લાં ૮ વર્ષથી માણતો અને માનતો આવ્યો છું. (એ બધુંયે એની બાયોગ્રાફી કે ઓટો-બાયોગ્રાફી ખુલ્લે આમ લખાયું છે.).

સાલું આવું મેં પહેલી વાર જોયું કે ગામ આખું એપલને ફોલો કરતુ હોય ત્યારે એપલે આ મીની મુકીને ગામને ફોલો કર્યું છે. એપલ તેના હટકે ઇનોવેશન માટે જ જાણીતું છે. પણ આઈપેડ-મીની મૂકી તેણે કોઈ ઇનોવેશન કર્યું નથી.    

નો ચાલે એપલ…આડી ઉતરી રહેલી તારી ચાલ બદલ લ્યા. નહીંતર શિખર પર સફળતા જેટલી સુપર-સ્પિડથી મળી છે, નિષ્ફળતાની ખાઈમાં એટલો જ ઊંડી ઉતરી જઈશ…બંધુ!

અલ્યા ભ’ઈ ટિમ કૂક(ડા), અમારો વ્હાલો સ્ટિવડો જોબ્સ તેના એપલને સિઝનેબલ ઉગાડવા માટે જન્મ્યો હતો…નહિ કે રિઝનેબલ ઉજાડવા. જા ભાઈ..જા તારી રસોઈને થોડો નવેસરથી ‘ટેસ્ટ’ આપ.

અમને નવા ફ્રેશ એપલની આશા છે જ. એની પર ‘સેન્ડી’ના ફેરવતો…બાપલ્યા!   

.

એપલ સાથે જોડાયેલાં પાછલાં લેખ:

કેટલીક હેડલાઈન્સ ‘બ્રેકિંગ’ ન્યુઝ નથી આપતી, ‘બિલ્ડીંગ’ પણ આપે છે…

Tata Nano

“પહેલા એ લોકો તમારી પર હસશે,

પછી તમને પછાડશે,

ત્યાર બાદ તમને હરાવવાની બનતી કોશિશ કરશે…

ને પછી તમે જીતી જશો.” –

દુનિયારત્ન ગાંધીબાપાનું આ ચોટદાર વાક્ય મને મરદ-બચ્ચા રતન તાતા માટે ઘણું યોગ્ય અને બંધ બેસતું લાગે છે. ઘણીયે બંગાળી ઠોકરો ધક્કા-મુક્કી-મુક્કા ખાધા પછી, એક ‘સોજ્જા માનસ’ની જેમ ભલાઈ રાખીને પણ આ પારસી પોરિયો એની લગની સાથે લગ્ન કરી નેનો કારને મોટી બનાવી ને જ જંપ્યો છે.

એક ગુજરાતી તરીકે તો આપણે સૌને ગર્વ થાય જ. પણ વેપારી માણસ તરીકે પણ થોડો વધારે ગર્વ થાય જ્યારે આજના ન્યુઝમાં સાચે જ હેડલાઈન વાંચવા મળે…

“તાતાની નેનો કાર હવે માત્ર $૩૫૦૦/- ની પ્રાઈસટેગ સાથે અમેરિકના કાર બજારમાં પણ જોવા મળશે.”

૩૭ એચપી, ૬૨૪ સી.સી.વાળા બે સિલિન્ડર એન્જીન સાથે (તેમજ કેટલીંક નાનકડી અમેરિકન જરૂરીયાતોને પણ મુદ્દે નજર રાખી) નેનો જ્યારે અમેરિકાના શહેરોમાં આવી રહી છે ત્યારે ‘સાલ્લુ માહરુ ડીલ અને દિલ બંનેચ ખુસીથી નાચી ઉઠેચ..’

શું કામ?- થોરાંમાં ઘન્નું જ કેવ ટો : “ બસ સમજોને કે આવો મોટ્ટો વેપારી માનસ આવી નહ્લ્લી નેનોને પણ મોટ્ટી બ્રાન્ડ બનાવી એના માર્કેટિંગ દ્વારા મહાસત્તાને બી ‘સટ્ટાક’ કરતી મિડીયમ કિક આપી શકે ચ ને એવન લોકાં ખુસી ખુસી લઇ બી લે છ.”

ત્યારે આવા રતન જ આપણને શીખ આપી જાય છે કે….

‘અવરોધ તો ખાલી આપણા મનમાં હોય છે…પછી બંગાળ-બિહાર જેવા ફેક્ટર્સ તો પ્રગતિ કરાવવા માટે કિક મારતા હોય છે.

હવે કહી શકાય છે ને કેટલીક હેડલાઈન્સ ‘બ્રેકિંગ’ ન્યુઝ નથી આપતી, ‘બિલ્ડીંગ’ પણ આપે છે.

 Source Link: http://bit.ly/PAxHpE

વેપાર વિસ્મય : “મને ત્યાં એક રાત ગાળવી છે…”

ગાંડા થવું સેકન્ડ્સનું કામ છે. પણ ગાંડા બનાવવું……બહુ ડહાપણ ભરેલી વાત છે દોસ્તો.

આ બ્લોગના ટાઈટલને જ જુઓ ને. વાંચ્યા બાદ કેવી કુતૂહલતા જાગે છે…નહિ? પણ આમાં મારો વાંક નહિ બંધુઓ. આ તો પેલી ફર્નિચરની મહારાજા કંપની આઈકિયા એ આ રીતે કહી લોકોને સુવડાવી તેના ગ્રાહકોમાં ફરીથી કુતૂહલતા જગાવી છે.

‘આઈકિયાના સુંવાળા ફર્નિચર (ખાસ કરી પલંગ)નો ઘરે લાવ્યા બાદ કેવો અનુભવ થાય એનો પ્રયોગ જો પહેલા જ કરાવવામાં આવે તો?’-

બસ આવો હટકે વિચાર તેના માર્કેટિંગ વિભાગને આવ્યો ને શરુ થયુ એક મિશન : “મને આઈકિયામાં એક રાત ગાળવી છે…” (I Wanna Have A Sleepover In Ikea).

લંડનના એસ્સેક્સ ટાઉનમાં આવેલા આઈકિયા-સ્ટોરમાં આ ઘટનાની જાહેરાત કરવામાં આવી. કેટલાંક ગમતાં-ભમતાં યુગલોને આમંત્રિત કરવામાં આવ્યા. એસ્સેક્સની જ એક સેક્સી મોડેલને ઉદ્ઘાટન કરવા બોલાવવામાં આવી અને તેને પણ એક રાત ત્યાંજ ગાળવાનું ‘માનભર્યું’ ઇજન મળ્યું. – બસ! પછી શું જોઈએ?

હવે એમને શું જોઈએ એની તો મને ખબર નથી. પણ ચાલોને આપણે જ આ વિડીયોમાં એની નાનકડી ઝલક જોઈએ!

રાત પછી બીજી સવારે વેચાયેલા હજારો પાઉન્ડ્સના આઈકિયાના ફર્નિચરના સાચા સેલ્સ-આંકડાઓને બાજુ પર મૂકીએ. કેમ કે આવા રાતા-પ્રયોગની સાચી ગુલાબી અસર તેના ફેસબુક ફેન-પેજ પર મળી આવે છે.

લગભગ પોણો લાખ લોકો ‘રાતો રાત’ આ રાતી ઘટનાના સાક્ષી બન્યા છે. મસ્તીભરી વાત તો એ છે કે આવી રાતનો અનુભવ શેર કરવામાં આ યુગલો હજુયે હોંશેહોંશે આ પેઈજ પર આવતા રહે છે. હવે આવા ‘સુતેલા’ વાયરસો હજુ બીજાં કેટલાંયને ‘સુવડાવશે’ એની કોઈ ગેરેંટી ખરી?

મારી નજરે…સિમ્પલ છતાં સુપર આઈડિયા લડાવી આઈકિયાએ અસરકારક બ્રાન્ડિંગ કરી બતાવ્યું છે. લાકડાં લડાવતી કાતિલ હરિફાઈમાં Try Before You Buy’ કોન્સેપ્ટ આજે આખા આલમમાં વધુને વધુ ક્રિયેટીવલી મશહૂર થતો જાય છે. હવે જેના હાથમાં લાઠી આવે તે લાઠી-દરબાર બની જાય છે ને….બાકીનાની ભેંસ પાણીમાં બેસી જાય છે.  

વેપારિક દોસ્તો, આપણે કાંઈ પણ વેચીએ. બસ! માત્ર વેચવાની જ વૃતિથી વેચશું તો બહુ જલ્દી વેચાઈ જવાની સંભાવના રહે છે. પણ..કોઈક ચાતુરી ઘટના કે ઉપાય દ્વારા માલનો નિકાલ આજના જમાનાની માંગ ભરે છે.

શું કહો છો? : ગ્રાહકને આ રીતે ‘સુવડાવીને’ પણ કમાણી કરવું આઈકિયા પાસેથી શીખવું જોઈએ?

‘સર’પંચ:

બેકગ્રાઉન્ડ રિપોર્ટ :

આપણા એક બાપુ આ રીતે ત્યાં જઈ સુઈ સુંવાળો અનુભવ કરી આવ્યા. તો અમે ફોનથી પૂછ્યું:

“કાં બાપુ! રાત કેવી રહી?”

“એ પટેલ!..આપડે તો ત્યાં જઈ ચોરી કરી આઇવા! બોલ કેવા મરદ માણસુ કે’વાયે કે નં’ઈ?”

“શું વાઆઆઆત કરો છો…બાપુ?!?!? એવું તો શું ચોરી લાવ્યા તમે?”- મારાથી સામો સવાલ થયો.

“કાંઈ એવું બેવું નહિ ચોર્યું લ્યા!….આ તો એમણે ધાંધા કરેલો આઈડિયા ચોરી લાઈવો છું. તને તો ખબર જ છે ને કે..આંયા ધોળિયાઓ હાટુ આપડી તો બાપદાદાની વર્ષો જૂની દારુની દુકાન….બસ! એક રાત એમને ય આ રીતે ‘નવડાવી’ નાખવા છે!” :-)

.

.

થોડો વધારે જોર ‘પંચ’

દોસ્તો, જૂન મહિનાના અંત સુધીમાં આ બ્લોગ બંધ થઇ જશે. એટલે હવે માત્ર એક જ જગ્યા પર :www.vepaar.net પર જ પોસ્ટિંગ કરવામાં આવશે. શક્ય હોય તો ત્યાં જ રહેલા ‘સબસ્ક્રાઈબ’ બટન પર આપનું ઈ-મેઈલ નોંધાવી દેશો તો પબ્લિશ થયે આપને મેસેજ મળતો રહેશે.

પુસ્તક પ્રિસ્ક્રિપ્શન : ૧૦૦ ડોલરમાં વેપાર…અપરંપાર ?!?!?!- $100 Startup

ધારો કે..

  • તમે સાચેસાચ એવી જગ્યાએ આરામ ફરમાવી રહ્યા છો જેનું તમે માત્ર સ્વપ્ન જ જોયું હતું.
  • તમે ચાહો એવું કામ કરી રહ્યા છો જેને જોવા માટે તમારી પાછળ કોઈ બોસ નથી. તમે ખુદના જ એક બોસ છો.
  • તમારી ઓફિસમાં કામ કરવાનો તમારો છેલ્લો દિવસ છે. તમે “હવે બહુ કર્યું” એમ માનીને પોતાની આવનારી પળોને માણવા બીજી પળોજણને ફેંકી હાથમાં લેપટોપ રાખી દબાયેલું સ્વપ્ન સાકાર કરવાની શરૂઆત કરો છો. ને પછી…
  • તમે તમારા બોસને પાણીચું આપતી ચિઠ્ઠી આપી રહ્યા છો જેમાં લખ્યું છે કે: “વ્હાલા થઈને હવે ગયેલા બોસ! તમારા માટે મેં બહુ વૈતરું કર્યું. હવે મને તમારી જરૂર નથી. હું આ ચાલ્યો, મારું મનગમતું કામ કરવા ને ખુદ માટે વધારે કમાવવા.
  • તમે ઘરે આવી મગજમાં ભરાયેલા આઈડિયાને ખોલી રહ્યા છો. ને સાથે સાથે ખુદના વેપારના નવા નિયમો પણ સર્જી રહ્યા છો.

 શું તમને હવે કોઈ બોસિંગનો ડર નથી?… આવનાર મુશ્કેલીઓની ફિકર નથી?

ના ના ના  બંધુ પ્યારે! એ કરતા પણ તમને હવે ખુદને સમજી જવાનો આત્મવિશ્વાસ જાગી ગયો છે. બીજાની ‘બોન પૈનાવવા જાય’ એવી બેફિકરી નિયત રાખી તમારા ખુદની ઝિંદગી સાથે સંલગ્ન થઇ રહ્યા છો. તમને એક બાબત ઘર કરી ગઈ તે છે: આઝાદી…સ્વતંત્રતા…ફ્રિડમ !

આ બાબતને મુખ્ય બનાવી થોડાં કલાકો અગાઉ જ એક પુસ્તક જન્મ્યું છે.

જેનું શાબ્દિક નામ:                   ડોલર ૧૦૦ સ્ટાર્ટ-અપ

અને શારીરિક નામ (લેખક):          ક્રિસ ગલેબો

.

$100Startup-Book

.

યેસ દોસ્તો, ધુરંધરો, આ ક્રિસ ગલેબો એક એવી નવજુવાન વ્યક્તિ છે જેણે ૩૫ વર્ષની અંદર લગભગ ૧૫૦થી પણ વધું દેશોની ધૂળ ખાઈને પાણી પીધાં છે. સમજો કે હાલતું-ચાલતું પુસ્તક છે. એટલેજ મારી નજરે બહુ અલગારી માણસ છે. જેના વિશે બીજી વખતે વિગતવાર જણાવીશ. (હાલમાં તો કાનમાં કહી દઉં કે આપણા માનીતા લેખક સેઠ ગોડીનનો આ ઘણો માનીતો શિષ્ય છે.)

ક્રિસે બનાવેલા ખુદના સદનસીબને લીધે તેની પાછળ પ્રોફેશનલી કોઈ બોસ કે મેનેજર નથી. પણ તેની સાથે છે તેનું બે પેશન: કુદરતનો ખોળો ખુંદવાનું અને ખુદને ગમતો વેપાર કરવાનું. ઝિંદગીના તેના આ મકસદમાં તેને સર્વથા સાથ આપ્યો છે તેની પત્ની જુલીએ.

ઇન્ટરનેટની પુખ્તતાથી આવી સ્વ-આઝાદીનો એવો વાઈરલ પવન ફૂંકાયો છે જેમાં અનિલ હોય કે અનિલા, યા સમીર હોય કે સમીરા જેવા ઘણાં લોકો તેની અસર હેઠળ (ઇન્ફેકશનમાં) આવી ગયા છે… ને હજુયે આવી રહ્યા છે.

 ડોલર ૧૦૦ સ્ટાર્ટ આવી જ ફ્રિડમની વાત કરતુ ખુલ્લું પુસ્તક છે.

ફ્રિડમમાં: ભલેને ‘ફ્રિ’ શબ્દ મફતમાં મળ્યો હોય પણ તે ખૂબ કિંમતી છે. કાંઈ એમને એમ નથી મળતો. એ તો એ લોકોને વધારે ખબર છે જેમણે ખરેખર આઝાદી લેવા માટે જાન આપ્યા છે. એટલે જ આપણા મતે એમનું મૂલ્ય ઊંચું છે.

ડોલર ૧૦૦ સ્ટાર્ટઅપ પુસ્તક આવા જ Freedom Freedom + Value નું કોમ્બોપેક લઈને આવ્યું છે.

મૂલ્ય ભલે બીજા દ્વારા થાય પરંતુ કિંમત આપણે ખુદ જાતે કરવી પડે છે. ઘણું બધું આપીને…થોડું કાંઈક લઈને.

ડોલર ૧૦૦ સ્ટાર્ટઅપમાં એવી ૨૫ કેસ-સ્ટડીઝ (ઘટના)ઓ લઈ ક્રિસ ગલેબો એ એવા લોકોના ‘બોલ’ સાથે જોરદાર બેટિંગ કરી છે જેમણે પોતાની વ્યાવસાયિક દુનિયામાં ખૂબ ઓછા ખર્ચે ‘ક્રિસ’મત અજમાવી છે.

જેમ શરૂઆતમાં જાણ્યું તેમ એવા બીજા ઘણાં બિઝનેસ બનાવોને તેણે માઈકલ જેવી સાચી વાર્તા દ્વારા બહુ સરળ અંગ્રેજીમાં લખ્યું છે, સમજાવ્યું છે.

જો કે એમાંની ઘણી કથાઓ આમતો અમેરિકામાં જ બનેલી છે. પણ છતાંય એવા દેશોના લોકોની વાત પણ વર્ણવવામાં આવી છે જેમાં વેપારની તકો કાટ ખાઈ ચુકી હોય. $૧૦૦ સ્ટાર્ટઅપ એટલે નાના રોકાણ દ્વારા મોટી મહેચ્છા પાર પાડવાની શરૂઆત.

જેમ કે,

  • લંડનની સુસાનાની ફોટોગ્રાફી ટ્રેઇનિંગ પાછળ રહેલી ફ્લેશબેક કથા
  • કોસ્ટારિકાના બ્રાન્ડેન પિયર્સના સંગીત-ક્લાસની બેક-ટ્યુનસની કહાની
  • મને ખુબ ગમતો ઓસ્ટ્રેલિયન બ્લોગી ડેરેન રોઝ પણ તેની ધૂણી સાથે મળી આવશે અને …
  • માઈક્રોસોફ્ટ એક્સેલ સોફ્ટવેરના ડેટાબેઝ મેનેજમેન્ટમાં એક્સેલંટ થયેલો આપણો દેશી પૂર્ણા દોગ્રીલ્લા ‘ચંદુ’ તરીકે પણ દેખાઈ આવશે.

આ બધાં સૌએ નાનકડી પ્રોફાઈલના જોરે અને પેશનના પરીક્ષણ થકી આઝાદ રહી સમાજમાં કાંઈક કરી બતાવ્યુ છે. ને આજે નીચી મૂડીથી ઉંચી મેડીના મોલમાં બિરાજે છે.

આ બધું જાણ્યા અને જણાવ્યા પછી પણ લેખક ક્રિસ ગલેબોએ ક્યારેય એવું નથી કહ્યું: “હું ક્રિસ….હું ક્રિસ”

એ તો કહી રહ્યો છે: “એ પણ હું કરીશ. તે પણ હું કરીશ.”

તો દોસ્તો, હવે ‘કરવુ’ કે ‘ના કરવું’ એ આપણા હાથમાં છે. તો પછી આ પુસ્તકને પણ હાથમાં લઇ વાંચવામાં ક્યાં વાંધો આવે છે? ભાંગી પડો એ પહેલા તૂટી પડો ને ખરીદી લ્યો આ તાજું જન્મેલું પુસ્તક એમેઝોન પરથી. આ રહી લિંક. $100 Start-up

દેશ કોઈ પણ હોય. સીમા ભલે અલગ પડતી પણ સંવેદનાસરખી જોડાયેલી હોય છે. -મુર્તઝાચાર્ય

માઈકલપંચ’

ખૈર, ગઈકાલની પોસ્ટમાં જવાબ અદ્રશ્ય રાખ્યો તો એક સામાન્ય સવાલ ઘણાં વાંચકોને થયો છે.

પેલા માઈકલનું થયું શું?

તો એ જાણી લ્યો કે…એક દરવાજો બંધ થયા તો બીજા ચાર ખુલે છે એમ નવરા પડેલા માઈકલભાઈને પણ થોડાં જ સમયમાં તેના એક પડોશી-વેપારી મિત્ર દ્વારા ઓવર-સ્ટોકમાં પડેલી મેટ્રેસીઝ (ફોમવાળા ગાદલાં) વેચવાની ઓફર મળી.

જેમાં તેણે પોતાની ‘ગૂડવિલ’ રોકીને પોતાના એક બીજા દોસ્તની મદદથી ખાસ પ્રકારની સાયકલ બનાવી, જાતે ચલાવી ‘ફ્રિ હોમ ડિલીવરી મેટ્રેસ’ની સેવા દ્વારા ઘણું પ્રોફિટ હાંસિલ કર્યું. આજે આ માઇકલની સાયકલ ‘ધી મેટ્રેસ લોટ’ના નામે પૂરપાટ દોડે છે.

બે વર્ષ પછી તેને પેલો છેલ્લા દિવસે પહેરેલો નોર્ડસ્ટ્રોમનો કોટ પણ મળી આવેલો. કારણકે તે દિવસ બાદ ક્યારેય તેને એવા પ્રોફેશનલ ડ્રેસ પહેરવાની જરૂર જણાઈ નહિ.

સામે કોઈ બોસ હોય તો પહેરે ને? એના ગ્રાહકો તો એના દોસ્તો છે.

બોલો, હવે મારી વાતનો વિશ્વાસ કરવો છે?- આ રહ્યો એનો બોલતો દેખાતો પૂરાવો:

જો આ માઈકલમામા સાચે જ કોઈ ફિલ્મ બનાવે તો તેનું નામ “જબ વી ‘મેટ્રેસ’ આપે કે નહીં? જુઓ તો ખરા એને માર્કેટ કરવાની જવાબદારી મેં કેવી લઇ લીધી?