વેપાર-વાઈરસ:: હસતા- હસાવતા કમાણી કરી શકાય છે….આ રીતે પણ !

દોસ્તો,

તમને થોડું હસતા અને……થોડું વધારે હસાવતા આવડે છે?-

જો હા! તો આજની આ પોસ્ટને દિલમાં વસાવી લેજો. કામ લાગી શકે છે. એટલા માટે કે તેમાંથી એક તકને પકડવાની છે. તો પેશ છે તેની શરૂઆત એક ઉદાહરણ સાથે…

એમનુ નામ છે: મી. વિલી. ઉંમર વર્ષ હશે લગભગ ૫૦+. પણ કામ અનોખું છે. જોવામાં આમ તો સાવ સહેલું લાગે પણ કરવામાં એટલું ય સહેલુંય નથી…બોસ!

વિશ્વ પ્રસિદ્ધ વોલમાર્ટના હાઈપર સ્ટોર્સમાં વિલીભાઈની પોઝીશનનું નામ છે. ‘ગ્રીટર’. એટલે કે આવકારનાર. જેઓ વોલમાર્ટમાં માત્ર ખરીદી કરવા જ નહિ પણ ક્યારેક જોવા (વિન્ડો શોપિંગ કરવા) પણ આવે છે, એવા દરેકને તેઓ હસતા ચહેરે આવકારે છે.

આવનાર ગ્રાહકનું શોપિંગ એન્ટરટેઈનિંગ કેમ બની શકે એની જવાબદારી આ વિલભાઈ વીલું મોઢું કર્યા વિના સંભાળે છે. થાકેલો મૂડ હોય કે પછી સ્ટોર્સની હજારો પ્રોડક્સના સાગરમાંથી જરૂરી એવી વસ્તુઓ આ વિલ હસતા હસતા શોધી આપે છે.

દોસ્તો, આપણામાંથી પણ એવાં કેટલાંક હસમુખભાઈઓ હશે જેઓ શારીરિક રીતે ભલે ‘રીટાયર્ડ’ થયા હોય પણ માનસિક રીતે હજુયે ‘ટાયર્ડ’ ન થયા હોય એમને આપણી દુકાન/ સ્ટોર કે ઇવન કંપનીમાં પણ ‘ગ્રીટર’ ની જોબ આપી આ રીતે સેલ્સ વધારી શકાય છે, યા પછી…આપણા માંથી જે ‘બધી રીતે જુવાન’ છે તેઓ આ રીતે હસી-હસાવીને કમાણી કરી શકે છે. ખરું ને?

જો એવી કોઈ સરફરોશી દિલમાં આવે તો એવા સ્ટોર્સમાં પહોંચી જઈ આવી હસમુખી પોઝિશનની માંગણી સામેથી કરી એક નવા જ પ્રોફેશનલ કેરિયરનું ડેવેલોપ કરતા તમને કોણ રોકી શકે ભલા?!?

સર‘પંચ’:

“કામ કોઈ નાનું કે મોટું નથી હોતું. એ તો આપણે તેની પાછળ રહેલી નિયતને અલગ-અલગ સાઈઝ આપી દેતા હોઈએ છીએ.”

.

વિલીભાઈને જોવો હોય તો આ રહી એની વિડીયો લિંક: 

 

વેપાર વ્યક્તિત્વ: માર્કેટમાં અલમસ્ત બનેલા ‘મસ્ક’ની મજાની બાબતો !

Elon Musk

Elon Musk (C) Wired.com

આ…એલન મસ્ક નામનો આ આફ્રિકી-અમેરિકન વેપારી મને અત્યારે બહુ જ અલ-મસ્ત લાગી રહ્યો છે.

એનાં ૩ સુંદર કારણો છે….

૧.=> એલને ‘ટેસ્લા’ બ્રાન્ડનો સર્વેસર્વા બની ઇલેક્ટ્રિક કારનો બહોળા પાયે વિકાસ કર્યો છે. જેને કારણે અમેરિકન કાર ઇન્ડસ્ટ્રીઝમાં ત્સુનામી ફેલાયું છે. પણ પેલા (એલન બોર્ડર)ની જેમ તે એના હરીફોને હંફાવતો રહી આગેકૂચ કરતો જ રહ્યો છે.

૨.=> સ્પેસ-એક્સ મિશન સાથે તેણે ‘ઘરેલું રોકેટ’ ઇન્ડસ્ટ્રીનું પણ પ્રોડક્શન શરુ કરવાનો પ્લાન બનાવ્યો છે. જેનું કન્ઝયુમર માર્કેટ બરોબર લોન્ચિંગ થાય તે માટે તેનું સફળતાપૂર્વક રોકેટ-લોન્ચ પણ કરી કાઢ્યું છે.

આ મિશનથી આવનારા દિવસોમાં ઘણી કંપનીઓ પોતાનો નાનકડો ઉપગ્રહ આકાશમાં તેમજ (મંગળ અને બીજા ગ્રહો પર) તરતો કરી શકશે. જ્યાં અત્યાર સુધી નાસા જેવી સંસ્થાઓનું એકહથ્થુ શાશન રહ્યું છે તેવા બીજા અન્ય અવકાશી રિસર્ચ-ડેવેલોપમેંટ માટે પણ સીધો ઉપયોગ કરી શકાશે.

(એક ‘મોતી’ વાત: એલને ૨ દિવસ પહેલા ઈચ્છા જાહેર કરી છે કે તેનું મોત ‘મંગળ’મય થાય.)

૩.=> થોડાં દિવસો પહેલા અમેરિકાની વિમાન કંપની બોઇંગના ડ્રિમલાઇનર મોડેલ્સમાં ઈલેક્ટ્રોનિક બેટરીનું ટોઈંન્ન્ન્ન્ન્ન્ગ કરતુ સૂરસૂરિયું થયું. જો કે રાતોરાત બોઇંગ કંપનીએ બધી બેટરીઓનો પાવર પાછો તો ખેંચી લીધો અને તેના સંશોધકોને રાત દિવસ ધંધે લગાડી દીધાં. (પણ એ સૌના મગજની પણ બેટરી ડાઉન થઇ ચુકી છે.)

હવે આવી હવા જ્યારે આ એલનભાઈના કાને અથડાઈ ત્યારે તેના સોશિયલ મીડિયા પર બેધડક જાહેર કર્યું કે…

“બોઇંગ બાપલ્યા! તમારા પ્લેનની બેટરીના ચાર્જ બાબતે મને સારું એવું પ્રેક્ટિકલ જ્ઞાન છે. કેમ કે ‘ટેસ્લા’ની ગાડીનો ટેસ્ટ આપડે એમાં કરી ચુઈકા છે ! તમે લોકાં એને ચાર્જ કરવાનો ચાર્જ કેટલો ચૂકવશો એની વાત કરો એટલે માર્કેટમાં આપણી પણ ‘મસ્ક’ની જેમ સુગંધ ફેલાતી રહે. માહરેય ઘરે બૈરા-છોકરાં હાચવવાના છે, હોં!”

તો દોસ્તો, હવે તમે જ કહો કે એલન ન ગમે એના કોઈ મસ્ક (સોરી મસ્ત) કારણો છે?

(બાય ધ વે, તમારામાંથી કોઈની પાસે બેટરીનું ગણતર હોય તો (ભણતર નહિ હોય તોય ચાલશે) બોઇંગમાં તમને ધંધો મળી શકે છે. હા! શરત એ છે કે તમને એલન પહેલા પહોંચી જવું પડશે નહિતર લાઈફમાં ખાલી ‘પ્લેઈન’ રહેવું પડશે…લાલા!)

હવે ઉપરોક્ત બાબતે અગાઉ લખેલા બોનસ સોર્સ પર પણ એક નજર રાખશો તો સારું…

•  http://netvepaar.wordpress.com/2012/10/29/creative-positioning-of-tesla/

•  http://nilenekinarethi.wordpress.com/2013/02/03/spacex-on-mars/ 

હાથીની જેમ સર્ચ-એન્જીનની યાદશક્તિ લાંબી અને કાયમી હોય છે.

Elephant-Search Engine

સર્ચ-એન્જીન ટેકનોલોજીને લગતા એક રસીલા સમાચાર વાંચ્યા.

“હાથીની જેમ સર્ચ-એન્જીનની પણ મેમરી(યાદશક્તિ) લાંબી (અને કાયમી) હોય છે.”

આ બહુ મજેદાર વાત છે. જો કે હજુ સુધી આપણે હાથીમાં ઝાંકીને જોયું નથી પણ વર્ષોના રિસર્ચ પરથી સિદ્ધ થયેલી માહિતીઓ સામે જ છે.

સર્ચ ટેકનોલોજીને હું દુનિયાની સૌથી મહત્વની શોધ ગણું છે. એટલા માટે કે તેમાં જે શક્તિઓ છે તે હવે બીજી શોધખોળોની શક્તિઓને પણ સંભાળી લેવા માટે સમર્થ છે.

તમને ખબર છે? આપણે ઓનલાઈન જે કાંઈ પણ લખીએ છીએ તેની છાપ એકવાર તેના જાળામાં પડી જાય છે અને જો એ જાળું એક સેકંડ પૂરતું તેના ઇન્ડેક્સિંગ પ્રોસેસમાં આવી ગયું, પછી સમજી લેવું કે તે બાબતનો ‘પાળીયો’ બની ગયો. (પછી ભલેને એ વીર-પુરુષ કાઠીયાવાડથી ન હોય.)

ખાસ કરીને ટ્વિટરની શોધ અને ફેસબૂકના ન્યુઝફીડ (સ્ટેટસ અપડેટ)ની શોધ પછી ગૂગલજીએ એમની અલગોરિધમને વધુને વધુ પાવરફૂલ બનાવી દીધી છે. કારણકે એ એવી માહિતીઓ છે જે પળમાં વાઈરલ ઇન્ફેક્શન જેવું કામ આપીને આખી દુનિયામાં લાખો કરોડો લોકો પાસે પળવારમાં પહોંચી જાય છે.

હવે રખેને તમે ભૂલથી એમ લખી નાખ્યું હોય કે…

‘ચાચા…આજ મર ગયે.’ અને થોડી જ સેકન્ડ્સમાં સુધારીને ‘ચાચા અજમેર ગયે’ સુધારી લ્યો. પણ એના માટે તો First Impression is the Top Impression બની જાય છે.

એટલા માટે તો કહેવાય છે ને કે… “બોલો તો એવું બોલો કે સાંભળનારને યાદ રાખવું ગમે.” શક્ય છે કે આ બધાં સોશિયલ પ્લેટફોર્મ પર બનાવેલાં આપણા ટ્રેક્સ (પાટા) મજબૂત હશે તો જીવન, કેરિયર કે વેપારની ગાડી મજ્જાની દોડતી રહેશે.

હવે મેમરીની બાબતે આવો મજાનો મમરો (કે ભમરો) મૂકવો જરૂરી લાગે છે ને?

મોરલો:

” હાથી માટે ભમરો પણ કાનમાં ઘૂસી ભમગરાનું કામ કરી શકે છે. માટે ચલો…હમ સબ ચિંતા છોડે, સુખસે જીયે ઔર કુછ અચ્છાસા પ્રદાન કરે ! “

વેપાર વીરતા –| હીટ થઇ બહાર આવેલા ‘હોટ’ સમાચાર |–

ઈ.સ. ૧૯૯૭માં એ વખતે આપણા માટે સૌથી ‘હોટ’ ન્યુઝ હતા.

જ્યારે મેં પણ સાંભળ્યું કે પંજાબી પુત્તર સબીર ભાટિયાએ માત્ર ૧૮ મહિનામાં તેની નવી કંપની ‘હોટમેઇલ’ને કેટલાંક કરોડોમાં માઈક્રોસોફ્ટને વેચી નાખી હતી. ત્યારે સબીરના એ સમાચારની સરખામણી સચિનની કમાણી સાથે પણ કરવામાં આવી હતી.

ત્યાર પછી સબીરતો ક્યાંક કમાણી લઇ બીજાં પ્રોજેક્ટ્સમાં ડૂબી ગયો અને માઈક્રોસોફ્ટનો બિલ ગેટ્સ તેના હોટમેઇલના દરિયામાં તરી ગયો. સમજો કે મફત હોટમેઇલ થકી ઈમેઈલની દુનિયામાં સુપર કોમ્યુનિકેશન રેવોલ્યુશન આવ્યું.

યાહૂ, જીમેઇલ, એ.ઓ.એલ. સાથે હાઈપર હોટ હરીફાઈ કરી હોટમેઇલે ઘણી લીલી-સૂકી જોઈ લીધી. વખતો-વખત બિલ ગેટ્સ તેની આ સિસ્ટમમાં નવા નવા અપડેટ્સ મૂકી ને વીર-યોધ્ધાની જેમ ક્યારેય હાર ન માની આજે તેને એક એવા મુકામ પર લઇ આવ્યો કે…

૧૬ વર્ષ પછી…હોટમેઇલને શહાદત વહોરવી પડી છે.

યેસ દોસ્તો ! આજે હોટમેઇલને સર્વિસ-મોડમાં સુઈ જવાનો વારો આવ્યો છે. માઈક્રોસોફ્ટે તેનું નામ: outlook.com કરીને ફરીથી તેના હરીફોને જડબાતોડ જવાબ આપ્યો છે.

એ તો મર્યું છે પણ સાથે સાથે હોટમેઇલને મેસેન્જર સર્વિસને પણ પોતાની સાથે લઇ ગયું છે. આજે એ બધું એક થઇ આઉટલૂકમાં વિલીન ગયું છે. નીતનવાં લૂક અને ફેસીલીટી સાથે આ ઈમેઈલ સર્વિસ સજ્જ થઇ છે.

જે સૌની પાસે હોટમેઇલ.કોમનું એકાઉન્ટ હોય એ સૌને પણ તેમનું જુનું હોટમેઇલ આઉટલૂકમાં પરિવર્તન કરવાની તક આપવામાં આવી છે. મેં પણ કર્યું છે અને તેના ફંકશન્સને અનુભવ્યા છે.

જો ગૂગલ સાથે કમ્પેર કરીએ તો… આઉટલૂક સાચે જ કૂલ છે…સેક્સી છે !

તમને પણ અનુભવવું હોય તો આવી જાજો: outlook.com પર.  પણ તે પહેલા તેની સેમ્પલ વિડીયોઝ પણ જોઈ લ્યો. 

.

આઈડિયાઝ પેદા કરતુ આઈડિયલ પ્રાર્થનાઘર…

SolveForX

આઈડિયાઝ‘ ભેગા કરનારા ધૂરંધરો જ્યારે કોઈ એક જગ્યાએ ભેગાં થાય ત્યારે ખરૂ ‘આઇડીયલ’ પ્રાર્થનાઘર બને છે. પછી એમાં કોઈ પણ ‘આઈડોલ’ની જરૂર નથી હોતી.

આવી ઘટનાઓ કરવા માટે કોઈ ફિઝીકલ જગ્યા રચાય કે ન રચાય તો પણ કોઈ ખાસ ફરક પડતો નથી. એટલા માટે કે એવા ‘અડિયલ’ વ્યક્તિઓને માત્ર પરિણામ લાવવામાં રસ હોય છે. જે સાચે જ વિકાસની વાતોમાં રસ ધરાવે છે, વિચારના બીજો વાવતા રહે છે.

ગૂગલ… ટેકનોલોજીની લગભગ દરેક બાબતોમાં આગેકૂચ એટલા માટે કરતુ રહે છે કે તે એવા ‘આઇડિયલિસ્ટિક’ બીજ ‘શેર અને સેલ’ કરે છે.

આ એનું લેટેસ્ટ સોજ્જું કારસ્તાન જ જોઈ લ્યો. જેમને લાગતું હોય કે ‘સમાજકો બદલ ડાલુંગા’ એમને પહેલા https://www.solveforx.com/ સાઈટ પર આવી જવું. પછી એમાં રહેલા એક પ્રોજેક્ટ પર પણ ‘મિશન’ શરુ કરી શકાય તો ભયો ભયો…

જેમની પાસે આઈડિયાઝની કમી ના હોય, મારી નજરે એ લોકો ખરા ક્રિયેટિવ ‘કમીના’ છે. દુનિયામાં પ્રગતિ કરાવનારા કમીના! | સલામી એ સૌને!

વેપાર વનિતા: આવી ‘સાઈટ’ તો ખુલી અને ખીલી રહે….

Scented_jewellery

Made-in-the-Dark- (C) Jon Fraser

થોડાં વર્ષ પહેલા ‘જોન ફ્રેઝર’ NID માં ડિઝાઈનિંગના માસ્ટર કોર્સ માટે લંડનથી અમદાવાદ આવી.

ફરતા-ફરતા તે એકવાર અંધજન મંડળની મુલાકાત લઇ આવી ને બસ….તે દિવસે તેને એક આઈડિયા સૂઝ્યો.

તેના બે કેમ્પસ સાથી દોસ્તોની મદદથી તેણે શાળાના એક વિભાગ ‘અંધ કન્યા પ્રકાશ ગૃહ’ની બહેનો અને દિકરીઓને મદદરૂપ થાય એ નિયતથી તથા બીજી બિન-સરકારી ઓર્ગેનાઈઝેશન્સ મદદથી એક મજાનો પ્રોજેક્ટ શરુ કર્યો.

સુગંધિત દાગીના (સેન્ટેડ જ્વેલરી) બનાવવાનો.

પ્રકાશ-ગૃહની એ બહેનોની બિડ્સ ઓળખવાની, તેને બરોબર વર્ગીકૃત કરવાની, એ મોતીડાંને પછી અત્તરમાં પલાળવાની, દોરીમાં પરોવવાની અને તેમાંથી નાનકડી બ્રેસલેટ કે નેકલેસ બનાવવાની આ આખી મોટી પ્રોસેસ જાણવા જેવી છે.

જોન આ સેન્ટેડ દાગીનાઓને પરદેશમાં પણ નિકાસ કરે છે, અને તેનાથી મળતી કમાણીનો વધુ હિસ્સો એ બહેનોને જ પરત કરે છે.

આ વેબસાઈટની (અથવા તો પ્રત્યક્ષ સાઈટ પર જઈને) મુલાકાત લ્યો ત્યારે આપણી આંખોની ‘સાઈટ’ આવા મજજેના દ્રશ્યો જોઈ શકવા સમર્થ છે, એમ જાણી ખુદમાં રહેલા ખુદાનો શુક્ર કરજો બોસ!

કેમ કે…લગભગ ૧૧ વર્ષ અગાઉ અંધજન મંડળમાં આવા કૂલ દ્રશ્યો જોયા પછી મને પણ આંસૂ આવ્યા છે…ખુશીના જ સ્તો!

અંધ ને દ્રષ્ટિ-
હિન વચ્ચે ફર્ક છે,
માત્ર નજરનો.

Source: http://jonfraser.co.uk/Made-in-the-Dark

વેપાર વ્યક્તિત્વ: ઈંટનો જવાબ ‘કાગળ’ માંથી

૩ ઈડિયટ્સ ફિલ્મ જોયા પછી મારી નજર વારંવાર એવા સમાચાર પર સતત રહેતી હોય છે, જેમાં કોઈક ભારતીય ભડવીર કોઈક નોખા ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ હાંસિલ કરે, ત્યારે મને ઘણી ખુશી થાય..

આજે એવા જ સમાચાર મને જાણવા મળ્યા.

પંડિત વિશ્વેસ્વરૈયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (નાગપુર)ના બે વિદ્યાર્થી-છાપ પ્રોફેસર્સ શ્રી રાહુલ રાલેગાઉંકર અને સચિન માંડવગણે ૯૦% પેપર-વેસ્ટ અને ૧૦%થી ઓછું સિમેન્ટ તેમજ બીજાં અન્ય ગમિંગ કેમિકલ્સનું સંયોજન કરી ઇકો-બ્રિક્સ (સુલભ ઈંટ) બનાવી છે.

કાચા સામાન-સામગ્રી અને ખુબ ઓછા ખર્ચ-વાળી મોલ્ડ-મશીનરીનો ઉપયોગ કરી બંનેએ સામાન્ય ઈંટો સામે આ ઇકો-બ્રિક્સ બનાવી તેની કિંમત અને વજન બંને સાવ અડધી કરી પર્યાવરણ ક્ષેત્રે મજાનું કામ કર્યું છે. વળી આ બેઉ પ્રોફેસર્સ પાછા ઈંટનો જવાબ ‘કાગળ’માંથી આપતા હોવાથી એમનું આગામી સંશોધન પણ વોટરપ્રૂફ-ઈંટ પર થઇ રહ્યું છે.

હવે જે વિદ્યાર્થી મિત્રો કે ઈંટ-મેકર્સ વેપારીઓ આ પ્રોફેસર્સની મદદ લઇ તેમના પ્રોજેક્ટ્સને આગળ વધારી શકવા સક્ષમ છે, તેઓએ બીજા ‘મદારીઓ’ની વગાડાતી ખોટી બિનને સાંભળ્યા વગર ‘નાગ’પુર પહોંચી જવું એવી મારી ભલામણ છે.

બાકી……(કબ્બડી આપણો શાસ્ત્રીય ખેલ છે.)

પ્રતિષ્ઠા, પૈસો, પ્રસિદ્ધિ, પીઠબળ પૂરું પાડવા માંગતા હોવ તો…

તમારા પોતાના (કે પછી પડોશીના, સગા-વ્હાલાંના,  દોસ્તોના) પૂત્ર-પૂત્રી, કે પૌત્ર-પૌત્રીમાં રહેલાં પેશનને… જો નાની વયમાં જ પ્રતિષ્ઠા, પૈસો, પ્રસિદ્ધિ, પીઠબળ પૂરું પાડવા માંગતા હોવ તો ગૂગલ તરફથી જાહેર થયેલો વર્ષ ૨૦૧૩ના વિજ્ઞાન-મેળા (સાયન્સ-ફેર) માટે આજથી જ તૈયાર કરવાની તક આપી દયો.

લિંક: www.googlesciencefair.com. જ્યાં વિડીયો સાથે બધી જ માહિતીઓ મળી રહેશે.

એક ગૂગલી વાત: ગૂગલને ભારતીય બાળકો પર વધારે વિશ્વાસ છે. એટલા માટે કે પાછલાં મેળામાં આપણા વિદ્યાર્થીઓ વધારે સફળ રહ્યા છે. બોલો હવે ટ્રેડિશન આગળ ચાલુ રાખવું છે ને?- જો ‘હા’ હોય તો શાયેરીઓ બાજુ પર મૂકી આ બાબત ‘શેર’ કરશો.

લાઈફટાઈમની ગેરેંટી નથી પણ એટલીસ્ટ ૨૦૧૩-૨૦૧૪ સુધી તો તમે એમને અને ખુદ તમારી જાતને પણ સુપર્બ ગિફ્ટ આપી શકશો.

પેશનનો પેશન્ટ: મુર્તઝા પટેલ. 

સર્ચ-એન્જીનનું નવું બાળક:|) ફેસબૂક ગ્રાફ-સર્ચ (|:

Facebook_Graph_Search-Intro


૧૫મી જાન્યુઆરી ૨૦૧૩ની તારીખ:
ઈન્ટરનેટ સર્ચ-ટેકનોલોજીમાં થયેલી વધુ ગંજાવર, વધુ મહાકાય ઇનોવેશન માટે ઇતિહાસ લખી ગઈ છે.

અત્યાર સુધી આપણે સર્ચમહાધિરાજ ગૂગલાચાર્યને વંદન કરતા આવ્યા છે. પણ એનાથીયે વધુ મજબૂત ડગલો પહેરી કાંઈક વધારે ડગલાં ભરી ફેસબૂકે એમાં દોડ આરંભી દીધી છે. 

લગભગ અઠવાડિયા અગાઉ તેના સર્જક માર્ક ઝુકરબર્ગે મીડિયાના કાનમાં હળી કરી કે…

“ગાંવ વાલો, દિલ ઠામ કર બૈઠો. ૧૫ જાન્યુઆરીકો હમારે યહાં કુચ ઐસા પકને વાલા હૈ જો દેખકર આપ ઉંગલીયાં દબાયે જાઓગે. જો અભી તક નેટ ઇતિહાસમેં ઐસા નહિ હુવા હૈ વહ હોનેવાલા હૈ.” – 

અને બંધુઓ, સાચે જ એણે સર્ચ ટેકનોલોજીમાં એવું કરી બતાવ્યું છે. – તદ્દન નવી અને ક્રિસ્પી ગ્રાફ-સર્ચ ટેકનોલોજી જન્માવીને….

જરા સરળ ભાષામાં માંડીને વાત કરું…

સામન્ય રીતે આપણે વિવિધ સર્ચ એન્જીન પર પીનથી લઇ પિયાનોથી થઇ પ્લેનેટ સુધી અગણિત શબ્દો, વિષયો અને ટૂંકા સવાલો પર સર્ચ કરતા રહીએ છીએ, ખરુને?

જ્યારે ફેસબૂકની આ ગ્રાફ-સર્ચ ટેકનોલોજી સ્પેસિફિક સવાલ દ્વારા પેદા થઈ છે…જેમ કે:

•()• “મારા એવા કયા દોસ્તો જે હજુયે માત્ર ૧૯૮૦નું ફટફટીયુ ચલાવે રાખે છે?”…

•()• “એવા કયા માણસો જે એક સપ્તાહ અગાઉ જોબ છોડી આવ્યા છે, ને હાલમાં સાવ નવરાં ધૂપ છે?”…

•()• “મારા ફ્રેન્ડઝ ગ્રુપમાં એવી કઈ છોકરીયુઓ…(આહ ! મસ્ત ક્વેરી છે!) જેમને ભેલપૂરી ને ચણા મમરા બૌ ભાવે છે?”… 

•()• “એવા સગાં-વ્હાલાઓ કોણ છે જેમણે થોડાં અરસા પહેલા કોઈ પ્રોપર્ટી ખરીદી છે?…. (અને હાળું અમને જણાવ્યુંએ નથી યાર!)”

•()• “કયા દેશમાં એવા મહાપુરુષો છે જેઓ (પાણી બચાવવા) ‘હાડા તૈણ’ મહિના સુધી તેમની શુદ્ધ ‘જીન્સ’ પણ ધોતા નથી?”….

•()• “મારી કઈ કઈ ‘ગર્લફ્રેન્ડઝો’ હાલમાં ઈંગ્લીસના ક્લાસો ભરે છે?…(યેસ! મારેય ‘ત્યાં જઈ ભરવા’ છે એટલે પૂછ્યું) 

•()• “કયા ટાબરીયાંવ ૧૫માં વર્ષેય હજુ બરેલીનું તેલ મમ્મી પાસે લગાડાવી કોલેજમાં (‘તેલ લેવા’) જાય છે?…

•()• “મારા શહેરમાં હાલમાં કઈ બ્લડ-બેંકમાં ‘ઓ-નેગેટીવ’ લોહી પીવાઈ રહ્યું છે?…” (આઈ મીન લેવાઈ રહ્યું સમજવાનું હોં)

વગેરે….વગેરે….જેવા અસંખ્ય નસ-ખેંચું પ્રશ્નો ઉદ્ભવતા હોય તો આ ગ્રાફસર્ચ ચિત્રો અને માહિતીઓના આલેખ સાથે સેકન્ડ્સમાં તમારી સમક્ષ પીરસી દેશે. 

જો કે ફેસબૂકનું આ બાળક હજુ ધાવણું છે. પણ ‘ગૂગળનું દૂધ’ પીતા નેટ-બાળકોને પરીઓની જેમ મોટા થતા વાર લાગી છે?

ઇન શોર્ટ, | સવાલ તમારો…જવાબ અમારો. બસ ત્યારે તમતમારે…કરો મારો! |

આ લિંક પર જોઈ લ્યો એ ડીલીવર્ડ થયેલા મીની-મહાકાય બાળકની વિશેષ વિગતો.

https://www.facebook.com/about/graphsearch

.

જબ જબ યું યું હોતા હૈ, તબ-તબ કહાં-કહાં ક્યા-ક્યા હોતા હૈ?

આપડા બાપડા દેશમાં કોઈ પણ રાજકીય કે સામાજિક ઘટના થાય ત્યારે…હો હા! પો હા બહુ થાય હોં! આપણે ભલેને અંદર મળેલા હોઈએ, પણ બહારના જ નેશનને ‘યુનાઈટેડ’ કરાવવા આજીજીઓ થાય. વખોડીવેડાઓ થાય. સખ્ખત નિંદા થાય. સમિતિઓ રચાય, ‘તારીખ પે તારીખ’ ગોઠવાય, ને આખરે ડોકાં સાથે ફાંસીના માંચડા પણ ગાયબ થઈ જાય.

ખૈર, હમણાં તો ‘હમ સબ મિલકે’ આપણા રાજ્યોની અનેકતા પર થતી એકતા વિષયે જાણીએ. જેમ કે…  

  • મહારાષ્ટ્રમાં: પહેલા ઉગ્ર મોરચો નીકળશે, જેમાં બીજાં રાજ્યો (ખાસ કરીને બિહારને) એ ઘટના માટે જવાબદાર ગણવામાં આવશે, ત્યાર બાદ મીણબત્તીનું સરઘસ અને પછી?…..એક ફિલ્મ-ડાયરેક્ટર એની પર ‘ફિલ્મ ઉતારવાની તૈયારી કરશે.
  • દિલ્હીમાં: પહેલા તોડફોડ થશે, મારામારીઓ થશે ને પછી…બધું ‘ઠીક’ થઇ જશે.
  • પંજાબમાં: આવા આંતરિક આતંકવાદ વિરદ્ધ ‘કડી સે કડી ભર્થ્સના’ થશે.
  • ઉત્તરપ્રદેશમાં: પહેલા અંદરોઅંદર મારામારી થશે ને પછી એની સીધી વાઈરલ અસર મહારાષ્ટ્રમાં થશે.  
  • જમ્મુ-કાશ્મીરમાં: પહેલા “અમે સૌ સુરક્ષિત નથી.” નો પોકાર આવશે ને પછી લાલ-ચોકમાં લીલો ઝંડો લેહરાશે.
  • પશ્ચિમ બંગાળમાં: પહેલા ચક્કાજામ થશે, હડતાલો પડશે. ને પછી હારીને લોકો નજીકના જ કોઈ પર્યટનસ્થળ પર થાક ખાવા જશે. (કેમ? ‘દીદી’ગીરી નામની બી તો કોઈ ચીજ હોવી જોઈએ ને?!?!)
  • રાજસ્થાનમાં: એમના કોઈક સ્વજનના સ્વજનના સ્વજનનું મૃત્યુ થયું છે કે નહિ એ જાણી એનો ઊંડો શોક-વિલાપ થશે.
  • મધ્યપ્રદેશમાં: લોકોની પૂછપરછ થશે કે ‘યહ ઘટના કહા ઔર કૈસે હુઈ? અને પછી…કશુંયે નહિ થાય.
  • બિહારમાં: પાંચ-પચ્ચીસના ડોકાં ઉડી ગયા હશે, ૨૦-૨૫ ઘરો (આઈમીન ઝૂપડાં) બળી ગયા હશે. સૌ કોઈને લાગશે કે ઓહો કેટલી અસર થઇ ! પણ….એનું મૂળ કારણ બનેલી ઘટના સાથે તંતુથી પણ જોડાયેલું નહીં હોય.
  • જ્યારે ગુજરાતમાં...આઅહા!!! કેટકેટલાં કામો થશે. જુઓ…
  • પહેલા ઘરમાં રહી (મોંમાંથી) ને પછી જાહેરમાં આવી (મનમાં) ગાળાગાળીઓ થશે…એની સીધી અસર ફેસબૂક પર થશે.
  • જેની દિવાલો પર ઉપર મહા-મૃત્યુકાવ્યો રચાશે, દુઃખદ જોક્સ બનશે, આવા આર્ટિકલ્સ લખાશે. ‘ફેક’ ફોટોગ્રાફ્સનું કોપી-પેસ્ટ કરી ફેંકાફેંક થશે.
  • લેંઘાનું નાડુંયે બાંધતા નહિ આવડતું હોય કે ‘ગોમની બારેય નૈ ગ્યા’ હોય એવા બચુભ’ઈઓ પાકી બોર્ડર પર જઈ સામૂહિક ‘મૂત્રવિસર્જન કરાવવાની’ હોંશિયારીઓ ઠોકશે. જેની પર સેંકડો ‘લાઈક્સ’ આવશે.
  • કોઈકનું વહેલે મોડે…‘સાહેબ’ને આડકતરી રીતે પીએમ બનાવવાનું પ્રમોશન થઇ જશે.
  • જ્યાં દિમાગ ‘લગાવવાનું’ હોય ત્યાં હાથ-પગ ચોંટાડાશે.
  • રાજકીય બાબતને કોમવાદમાં વટલાવી દેવાશે.
  • ….પછી?…કોઈક નવી ઘટના બને તેની રાહ જોવાશે. અને રાત્રે તો એ જ પાછુ Unwanted72 યા પછી કામસૂત્રનું પેકેટ તો છે જ ને!…(હવે તમે જ કો’ કે ગુજરાત આટલું બધું પ્રગતિ’શીલ’ કેમ થયું?)
  • …ને બાકીના રાજ્યો: આ બધો તમાશો હરખાતા જોઈ શાંતિ-સ્થાપનના યજ્ઞો કરશે.

આ અસરો દરમિયાન અસલ વેપારી બચ્ચાંવ આ બધીયે ઘટનામાં મીણબત્તીઓ કે ‘ચહ’ વેચી આવ્યો હશે. જેવી જેની ઈચ્છા.

દેશ હમારી માતા હૈ, અબ આપકો ક્યા ક્યા આતા હૈ?