સફેદ રંગની ભેંસ…ભૂરા રંગની ગાય! –ઇન્ટરનેટ પર વેપારમાં રંગો કેવી રીતે બદલાય?

થોડાં મહિનાઓ પહેલા ઇન્ડિયાની સફર દરમિયાન અમદાવાદથી સૂરત બાય રોડ જવાનું થયું. વર્ષો પહેલા રોડની સફર બોરીંગ લાગતી એટલે વધુ ભાગે ટ્રેઇનની મુસાફરી પસંદ કરતો. પણ આ વખતે ગામડાની ધૂળને શ્વાસમાં ભરી લેવાનું મન થઇ આવ્યું. કેટલાક દોસ્તોએ પણ કહ્યું હતું કે ગુજરાતની ઘણી બધી વસ્તુ સાથે હવે એના રોડ પણ મશહૂર થઇ ગયા છે. અને સાચે જ એમ મેં પણ અનુભવ્યુ. પહોળા અને આરામદાયક રોડ પરથી પસાર થતા માહોલને માણવાનો પણ એક અનોખો અનુભવ રહ્યો. કેમ કે હવે તો નઝારો જોવાની નજર પણ બદલાઈ ગઈ હતી. દુધના કેન્સ ભરેલી સાયકલ પર સવાર થયેલો રબારી, ઠાંસીને ભરેલાં છકડા, કપાયેલા મોલમાંથી હમણાંજ અનાજ નીકાળીને પરવારેલું થ્રેસર, ‘ગામઠી મોડર્ન લાગતી ફેમિલીને લઇ જતું ટ્રેકટર,….. ઓહ! આવું તો ઘણું બધુ વારંવાર પસાર થતું.

Blue Cow- ભૂરી ગાયતમને હવે થતું હશે કે ઇન્ટરનેટ પરની વેપારની વાતોમાં આજે ‘ગોમડાની આવી વાતો ચ્યોં થી આઈ’? પણ જસ્ટ વેઈટ. વાત હવે શરુ થાય છે.

વડોદરા પછી પસાર થતા એક ગામડા આગળ અચાનક એક ‘હટકે’ સીન જોવા મળ્યો જેણે મારા આ નેટ પરના માર્કેટિંગના વિષયને મસ્ત મસાલો પૂરો પાડી દીધો. એટલેજ એ બનેલા (વિ) ચિત્ર બનાવને આજે લખવાનું મન થઇ ગયું છે.

થયુ એમ કે…પાછલાં કલાકોમાં રબારીઓ તો ઘણાં પસાર થયા. જેઓ થોડાં થોડાં અંતરે ગાયોના ધણને કે બકરીઓના ટોળાંને હાકોટા પાડીને ચરાવવા લઇ જતા હોય. સફેદ ગાય, કાળી ભેંસ અને બ્લેક એન્ડ વ્હાઈટ બકરીઓ….શરૂઆતમાં આ સીન થોડો વ્હાલો લાગતો. જોયા કરવો ગમે એવો. પણ કેહવાય છે ને કે દરેક સારી વસ્તુઓ થોડાં વખત સુધી જોવી કે વાપરવી સારી લાગે પણ પછી એય પોતાનો ચાર્મ ધીમે ધીમે ગુમાવતી જાય છે. એમ મને પણ થોડાં કલાકમાં આ બધું દ્રશ્ય સામાન્ય લાગવા માંડ્યું. પણ કારની બહાર અચાનક બે ગાયો અને બે ભેંસ પસાર થઈ. મારી આંખો ચળકી. અમેઝિંગ એમ લાગ્યું કે ગાય ભૂરા રંગથી રંગાયેલી અને ભેંસ સફેદ રંગથી. આખા ટોળામાં આ બે જણીઓ પોતાનું એક અનોખું સ્થાન બતાવી રહ્યાં હતાં. કયારેય મેં આવા રંગમાં રંગાયેલી ભેંસ કે ગાયને જોઈ ન હતી. શું કામ આવા રંગમાં? કોઈ ખાસ કારણ હશે? યા હોળીના દિવસોમાં કરેલી કોઈની મજાક હશે જેનો પાકો રંગ હજુયે ઉતર્યો નહિ હોય !!!! ચાલતી આ ગાય-ભેંસને જોઈને મારા દિમાગમાં આવા સવાલો દોડી ઉઠ્યા.

એટલે ગાડીને અચાનક બાજુ પર ઉભી રાખીને હું સવાલોના પોટલાને લઇ દોડ્યો એના માલિક પાસે. અસલ નામ લલિત પણ લોકોમાં ઓળખાય લાલીયો. મેં પૂછ્યું: “દોસ્ત! આ બધીમાં માત્ર આ બે જ ને રંગી નાખવાનું કોઈ ખાસ કારણ ખરું?”

“સાયેબ! તમે શે’રથી આયા તોયે નો હમજી શક્યા?” – લાલીયાની આગળ મારી બુદ્ધિ જાણે લઠ્ઠ લાગવા લાગી હોય એવો એનો સવાલ સામેથી પુછાયો. પોતાના વસ્તારના આ લીડરના જ્ઞાનને સમજવા મેં મારા ઇગોને બાજુ પર મૂકીને મારું માથું ૧૮૦ ડીગ્રી ફરવી દીધું.

“સાયેબ! આ મારી એક ભૂરી છે એનું નોંમ અવની..ને બીજી ભુરીનું નોંમ… શવિતા. આ…શફેદ ભેંસને બબલી કઈને બોલાવાની ને એની જોડે મેર જામે ઈ બીજી ને મેઘલી કે’વાની.”

“એ તો બરોબર. પણ મારા ભઈ, એને આ રંગોથી અલગ કરવાનું કોઈ કારણ શું છે એ તો કેહ?”

“હોવે સાયેબ! ખાસ કારણ ઈ છ કે આ ચારે જણીઓ આ બાકી બધીઓ કરતા ચાર ગણું દૂધ વધારે આલે છ. હવે મારી પાશે હાલમાં નઈ નઈ તો ૭૦-૮૦ જેટલી ગાયો-ભેંસો ભરાઈ હશે. બધાનું એક સરખું ધ્યાન કેમ રાખી શકું? એટલે આ ચારે ને ખાસ રંગથી અલગ પાડી દીધી છે. એમના ખાવા પીવાનું ઇસ્પેસીયલ ધ્યાન રાખવાનું…ત્યારે. ચારેને આ ટોરામાંથી દૂરથીય ઓરખી લેવાય. આયા આખા મલકમાં ક્યાંય ખોવાઈ બી જાય તો લોકો ઓરખી કાઢે કે આ તો લાલીયાની એટલે એનો કોઈ સવાલ જ નહિ. આમેય એ હારીઓના જન્મેથી લખ્ખણ જ બઉ હારા છ એટલે આપ્રો પ્રેમ બી એમની પર થોડો વધારે ખરો.”

“અરે વાહ! તું તો લ્યા ‘બ્રાન્ડ મેનેજર’ જેવું બોલે છે.” શહેરમાં અમારી ભાષામાં તો આને ‘બ્રાન્ડિંગ’ કે’વાય. અમેય બજારમાં વેચવા સારું કોઈ નવી વસ્તુ મુકીએ તો એનું નામકરણ કરીને મુકીએ.” પછી લોકોને ખબર પડે એટલે એની જાહેરાત અલગ-અલગ બાજુ એ કરવા મુકીએ.

“ઓહ એમ શાયેબ? પણ હું એમ કવ છું કે ઈમાં જાહેરાત કરવાની બવ જરૂર ચ્યાંથી આઈ? શરૂઆતથી જ એવું કોમ કેમ ના હોય કે નાતમાં આપરી ઓરખ અલગ તારી આવે? પછી લોકોતો એમને એમ ઓરખી જવાના ને!”

“તો પછી લાલિયા તે આ બંને ગાયો અને ભેંસોને અલગ-અલગ ચાર રંગોથી કેમ ના રંગી નાખી? તારા બ્રાન્ડિંગમાં કચાશ ખરી ત્યારે!

“એવું હોય શાયેબ? આ અવની અને શવીતા ભલેને ગાયો રઈ…પણ એમાય બંને ને અલગ અલગ ઘંટડીઓ બાંધી છ. રાતેય ઈ અવાજમાં ઓરખાય જાય. જ્યારે આ બબલી અને મેઘલીના પગમાં અલગ-અલગ કલ્લીઓ બાંધી છ. તમે સોમ્ભરી નઈ ત્યારે!”

“ઓહ! કમાલ કરે છે લાલિયાભાઈ તું પણ. હવે… એક છેલ્લો સવાલ: રખેને કાલે કોઈ નવી ભેંસ કે ગાય આ બંનેથી આગળ વધી જાય તો નાતમાં શું કરશો?”

“એ વખતે નવું નામ, નવો રંગ…નવી ઓરખ…એને આલી દઈશું! આપણને ભગવાને બુદ્ધિ શેની આલી છ!??!!!!”

મારા માટે ખરેખર ચક્કરબત્તી થાય એવી વાત હતી. ઇન્ટરનેટ પર, સમાજમાં, બિઝનેસમાં, જોબમાં..અંદર હોય કે બહાર, કોઈ એવી વિશેષ ઓળખ, વિશેષ બ્રાન્ડિંગ આપણે કરીએ છીએ?

તમારો ‘ઇસ્પેસીયલ’ જવાબ હોય તો કહો ને?


‘સર’પંચ:

અમેરિકાના એક શહેરમાં ન્યુઝપેપરમાં નવા ખુલનારા હાયપર-માર્કેટમાં ‘સેલ્સ ઓફિસર’ ના ઇન્ટરવ્યુ માટે ની જાહેરાત આપવામાં આવી. ૧૭૦૦ જેટલી રિઝ્યુમ/બાયોડેટાનો ખડકલો ૩ દિવસમાં થઇ ગયો. લખાણની ઓલમોસ્ટ એક જ સ્ટાઈલ. પેપર અલગ-અલગ, નોકરી માટે હમ્બલ રીક્વેસ્ટ, ભલામણોનું સ્પામીંગ, વગેરે… વગેરે… વગેરે…

રીક્રુટમેન્ટ ઓફિસરની વાંચીને થાકી ગયેલી આંખોમાં ચમક ત્યારે આવી જ્યારે એના હાથમાં અમેરિકન ધ્વજની ડીઝાઈનનું એક કવર આવ્યુ. એક ‘હટકે’ લેટર હતો…જેમાં આ રીતે લખ્યું હતું:

“મી.સેમસન, મને દેખાઈ રહ્યું છે કે તમે બીજા લેટર્સ-બાયોડેટા વાંચીને ઘણાં થાકી ગયા હશો. પણ મારો આ નાનકડો લેટર જ્યારે પણ વાંચો ત્યારે પૂરેપુરો વાંચજો. પછી તમને લાગે તો જ મને જોબ ઓફર કરજો. કોઈ ઉતાવળ ના કરશો.

આપ જે કંપનીને કુરીયરનો કોન્ટ્રાક્ટ આપવાના છો એ જ કંપનીની આ શહેરની ઝોનલ ઓફીસમાં હાલમાં હું આસીસ્ટન્ટ વેર-હાઉસ મેનેજર તરીકે જોબ કરું છું. મારા વાળ બ્લ્યુ રંગના છે. પગમાં જાંબલી રંગના મોજા અને બૂટની આજુ-બાજુ નાનકડી પાંખો ભરાવેલી રાખું છું. જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે તમે અમારી કંપનીના મેઈન ગેટ પાસેથી પસાર થાવ ત્યારે થોડેક જ દૂર લાલ રંગની પેન્ટ અને યલો ટી-શર્ટ પહેરેલો ફક્ત એક જ વ્યક્તિ તમને હાથમાં વોકી-ટોકી લઈને કામ કરતો દેખાય તો સમજી જશો કે એ હું જ હોઈશ. તમે મને રૂબરૂ મળવા બહાર બોલાવશો તો ૧૦ મીનીટ માટે મળવા આવી શકીશ. એ વખતે એટ લીસ્ટ તમને જ્યુસ પીવડાવવાની ઓફર પણ કરી શકું છું. મારો મોબાઈલ છે…………………….”

દોસ્તો, કહેવાની જરૂર ખરી કે ત્રીજે દિવસે આ ‘યંગમેન’ નવા જ જન્મેલા હાયપર માર્કેટના ‘ચીફ સેલ્સ મેનેજર’ તરીકે ડબલ પગારે જોડાઈ ચુક્યો હતો.

3 comments on “સફેદ રંગની ભેંસ…ભૂરા રંગની ગાય! –ઇન્ટરનેટ પર વેપારમાં રંગો કેવી રીતે બદલાય?

 1. કનકવો (Jay's Blog) કહે છે:

  મૂર્તઝાભાઈ, અઠવાડિયું થઇ ગયું..નવી પોસ્ટ માટે કેટલી રાહ જોવી પડશે..? કઈક નવું મસ્ત material લાવો બાપુ.

  • netvepaar કહે છે:

   જયભાઈ! સાચું કહું નવાજ બ્લોગની તય્યારી કરી રહ્યો છું …સાથે બીજા અમૂક આવનારા આર્ટીકલ્સની પાળ પણ બંધાઈ ચુકી છે. પણ હાય રે! ‘યુરેકા પોઈન્ટ’ જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી લખાણ ફક્ત ‘માથે મારવું’ તો સારું ન લાગે ને ભઈલા? જસ્ટ વેઈટ ફોર ફ્યુ મોર ટાઈમ્સ.

 2. rahul કહે છે:

  સુ સોલીડ અને પારખી નજર છે ભાઈ તમારી……બહુ જ સરસ …અદ્ભુત…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.