રંગ કોઈ પણ તહેવારનો હોય. એ પછી રંગોળીનો હોય કે રંગ‘હોળી’નો. એમાંથી નીકળતા ઉમંગો અને તરંગોની ખુશીની કોઈ સીમા હોતી નથી.
સ્કુલમાં હતો ત્યારે આખા વર્ષમાં માત્ર આ એક તહેવારથી હું ડરતો. ડર…રંગોનો નહિ પણ કપડાં ખરાબ થશે ને મા વઢશે, ગુસ્સે થશે અને પછી ઘસી ઘસીને ધોવાની તકલીફ એને પડશે એનો લાગતો. એટલે વધુ ભાગે હોળી-ધુળેટીના એક દિવસ પહેલા નાનીમા કે દાદીમા પાસે રહેવા ચાલ્યો જતો. એમની પાસે ઝેડ સિક્યોરીટી રહેતી. એમને પણ ખબર કે…આ છોટે ઉસ્તાદને આવા રંગ-કામમાં કોઈ રસ નથી. ક્યારેક આખો દહાડો ઘરમાં પૂરાયેલો રહેતો ને બારી કે ગેલેરીમાંથી બહારના રંગ-ઢંગ જોઈ લેતો.
પણ પ્રાઈમરી-સેકન્ડરી પાસ કરી કોલેજ કાળમાં આવ્યો ત્યારે…થોડો રંજ થયો. ઓહફઓ!…જવાનીમાં આટલાં બધાં રંગો ખીલ્યા હોય છે?!?!?! ત્યારે પસાર થયેલા દિવસો પર પાણી ફરી ગયું હોય એમ લાગ્યું. તોયે..તદ્દન કોરો-કટ પણ રહ્યો નથી હોકે! રંગોને પારખવાની ને પરખાવવાની અક્કલ ક્યારની આવી ગઈ હતી. કોલેજ કેમ્પસમાં હોળીના એક દિવસ પહેલા ગ્રુપમાં દોસ્તો-દોસ્તાનીઓ અચાનક ગુલાલનું પડીકું ખોલી એક-બીજાના ગાલો પર ‘ગમતાનો સરપ્રાઈઝ ગુલાલ કરી લેતા’. ઉનકો ભી કુછ ન હોતા ઔર હમારા કામ ભી બન જાતા.
દોસ્તો, તમે નસીબદાર છો ત્યારે…..
- જ્યારે કોઈ અચાનક આવીને તમને ગાલ પર વિવિધ રંગોની નિશાની લગાવી જાય છે.
- જ્યારે આખા વર્ષ દરમિયાન ‘એ’ તમને જરાયે ભાવ ના આપે ને આ દિવસે તમારી ભાવનાને અહોભાવથી ગળે લગાડી દે.
- જ્યારે ૫-૨૫નુ ટોળું તમને ઊંચકીને પાણીના કે કીચડ-રંગ-હોજમાં નાખી છબછબીયા કરાવે.
- જ્યારે બચ્ચાં-લોગ તમને પરાણે ખેંચીને-ઘેરીને નાનકડી પિચકારીઓથી રમવા બોલાવે. (આવા ટાણે તો કોમ્યુટર-ઈન્ટરનેટનેય હોજમાં નાખી દેવું જોઈએ ને?)
- જ્યારે ક્યાંક દૂર કોઈક એક જન (કે જાન) તમને ‘હોલી’ ગણી તમારા રંગમાં રંગાઈ જવા માટે આતુર હોય. પછી ભલેને એની દુનિયા બેરંગ હોય. તમારો તો ત્યાં પહોચવાનો એક માત્ર કોફી રંગ જ કાફી હોય છે.
- ને ત્યારે તો નસીબદારીનું નોબેલ પ્રાઈઝ જાતે જ લઇ લેજો જ્યારે તમારા માત-પિતા હાથમાંથી લાકડી બાજુ પર મૂકી પિચકારી લઇ એકબીજાને પકડવા-રંગવા-રંગાવામાં ખોવાઈ જાય….એમાં તો માની જ લેવાનું કે ખરો ‘હોલી-ડે’ તમારી પાસે પડ્યો છે.
રંગો ઉડાડવા માટે જાતની સાથે મીનીમમ એક વ્યક્તિના વ્યવહારની પણ જરૂર પડતી જ હોય છે. એકલા એકલા હવામાં શું ખાક ઉડાડશો?
રંગીન-વ્યવહારની વાત આવે ત્યારે હોળીના આ તહેવારને પણ ઈન્ટરનેટ પર થતાં વિવિધ-રંગી વેપારના સંદર્ભે જોડી દેવાનું મન થાય છે. કેમ કે અગણિત ડીજીટલ રંગોની ભરમાર બીજે ક્યાં જોવા મળે?
- નેટના વેપારમાં આપણને કોનો, કોને, કેવો, કેટલો રંગ-સંગ અસર કરે છે એ બધાંનો દારોમદાર આપણા ખુદ પર છે. બીજાને તકલીફ ન પડે તેમ લગાવેલા શબ્દો, વિચારો, આઇડિયા, મદદ, ખુશી, કુનેહ, સમજદારી, જ્ઞાન, અનુભવ…..નો રંગ લાંબા સમય સુધી ટકી રહે એની તકેદારી રાખી ‘નેટવર્કિંગ’-વ્યવહાર થાય તો ચઢેલાં રંગોની મજબૂતીનું મૂલ્ય વધે છે.
- કોઈને જબરદસ્તીથી પિચકારી મારવી કે કમને સામેની પાર્ટીને જાણ્યા વગર રંગ લગાડવા માટે મજબૂર કરવુ એ તો સંબંધોનો રંગ ઉતારવા જેવું થાય છે. પોતાના ટાર્ગેટ ગ્રાહકોને જાણ્યા વગર દરેકને મેસેજ માથે મારવો એ તો ‘સ્પામરો’ નું કામ! (એ માટે મારા પેલાં સેઠ સાહેબ “permission’ પર બહુ મોટી વાત કરી ગયા છે. ક્યારેક એ વિશે પણ જરૂરથી જણાવીશ.)
- શરૂઆતથી જ માલ વેચવોનું વલણ રાખી ધંધાની ઈમારતનો પાયો ઢીલો રાખવા કરતાં સમજણપૂર્વક ઈન્ટરનેટ માર્કેટિંગથી શરૂઆત કરી પાયો મજબૂત કરવામાં આવે તો બજારને પણ મેસેજ મળી જાય છે કે તમે કેટલા પાણીમાં છો. કેમકે નેટની આ દુનિયામાં ડીજીટલ રંગો એટલાં બધાં છે કે…માત્ર એકથી જ બોર કરતાં રહેવું મૂર્ખામી છે. વખતો-વખત રં(ગોળી) નાખતા રહેવું ચતુરાઈ છે.
- પ્રોડક્ટ કે સર્વિસના પાકા રંગની અસર લગાવવા કાંઈ એક જ વારમાં રંગ લગાવવો લાભદાયક ખરો?- જરાયે નહિ સાહેબ! એ માટે તો ઓપ્શન્સ, વેરાઈટીઝ, રંગોની હાર કરાવવી પડે તો જ માર્કેટમાં જીતી જવાય છે. કેમ કે એકનો એક રંગ પણ કોને જોવો કે વાપરવો ગમે છે? વેપારીક રંગ કેટલો નાખ્યો એ કરતાં ‘રંગ રાખ્યો’ એની નોંધ વધારે લેવાય તો સારું.
- ગ્રુપમાં શામેલ થઇ, લાકડાં ભેગા કરી સામુહિક હોળી પ્રગટાવવી ‘ટીમ-વર્ક’ ગણાય છે. જેમાં બિન જરૂરી બાબતોનો કચરો, નારિયેલ-ઘી સાથે હોમી દેવામાં સ્માર્ટનેસ છે….વ્યવ્હારુતા છે…પ્રોડક્ટીવિટી છે. તમને શું ગમે?: વાસ કે ફ્લાવર-વાઝ?
વખત આવ્યે હોળીના રંગો પણ ધોવાતા જશે. ધુમાડો પણ ચાલ્યો જશે. બીજે વર્ષે ‘નવી હોળી નવો દાવ’ શરુ થશે. નવા રંગો ચઢશે, જુના ઉતરશે. તો રંગોને માણવાને બદલે બચી ગયેલી રાખને શરીરે ચોળીને કે મનમાં રાખીને શું ફાયદો થશે દોસ્તો?
“હર ફિક્ર કો ધુએં મેં ઉડાતા ચલા ગયા” જેવું વલણ જ વેપારીની રંગ’હોળી’ને લાંબો સમય ટકાવી ‘રાખ’વામાં મદદ કરે છે.
‘સર’પંચ:
રંગ એવો ન લગાડજો કે ‘એની’ આંખોમાંથી દુઃખનું પાણી ટપકી પડે…. રંગ તો એવો લગાવજો કે… એની આંખોમાંથી આંસુ ટપકી પડે…ખુશીના!
ચાલો…ચાલો…લેખને મુકો બાજુ પર..ને માણી લ્યો ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ હોવા છતાં ય સદા રંગીન લાગતું મને ગમતું ફિલ્મ દુર્ગેશ-નંદીનીનું ‘હોલી’ સોંગ.
મુશ્કેલી જ એ છે..બધા ઈચ્છે છે કે પોતાના રંગોમાં આખી દુનિયા રંગાય, પણ પોતાને ભીના નથી થવું. હોળી તો “ટોળી”નો તહેવાર છે. રંગ આપો અને સ્વિકારો પણ. એકલા નફાલક્ષી વલણના કાદવ ઉડાડવાથી હોળી ના રંગ નહિ માણી શકાય. તમે થોડો વખત લોકોને મૂર્ખ બનાવી શકો. કાયમ માટે નહિ. (અશોક “માડી” યાદ છે?) કમાણી ચોક્કસ કરો પણ યોગ્ય સેવા-પ્રોડક્ટ આપીને.
બહુ સરસ વાતો ગુરૂ. Keep the good things up! 🙂
આદરણીય શ્રી મુર્તુઝાભાઈ,
રંગોના તહેવારને વાત વિચારમાં મૂકી પછી વેપારની દિશામાં લઇ જવાની આપની આ રીત
આબેહુબ એક કળા છે. રંગોનો તહેવાર જીવનમાં ખુશીના રંગો ભરી દે છે.. વાહ..માન ગયે આપકો
થેંક યું વેરી મચ!…..યું ન હોતાં તો ક્યાં હોતા! એટલે જ શબ્દોને પણ હટકે મુકીને એમાંથી રંગો નીકાળવાની કોશિશ કરતો રહું છું.
વાહ! બહુત ખુબ! આપે મૂકેલ ‘હોલી’ ગીત સાંભળી ઘણો આનંદ આવ્યો. આપની પસંદગીને સાચે જ દાદ આપું છું.
કેપ્ટન!…આપણો ખૂબ ખૂબ આભાર. હોળીના સોંગ્સ આમ તો ઘણાં મશહૂર છે. પણ કેટલાંક આવા મધુરા સોંગ આમ આદમી સુધી પહોંચતા ભૂલાઈ ચુક્યા હોય છે. પણ એ જ ‘હાર્ટ ડિસ્ક’ કાયમ સેવ્ડ થયા હોય છે જે એમની કદર કરી જાણે છે.
નેટના વેપારમાં આપણને કોનો, કોને, કેવો, કેટલો રંગ-સંગ અસર કરે છે એ બધાંનો દારોમદાર આપણા ખુદ પર છે. બીજાને તકલીફ ન પડે તેમ લગાવેલા શબ્દો, વિચારો, આઇડિયા, મદદ, ખુશી, કુનેહ, સમજદારી, જ્ઞાન, અનુભવ…..નો રંગ લાંબા સમય સુધી ટકી રહે એની તકેદારી રાખી ‘નેટવર્કિંગ’-વ્યવહાર થાય તો ચઢેલાં રંગોની મજબૂતીનું મૂલ્ય વધે છે.
—————-
gamee gayu.
અરે આ બાબતમાં તો સુરેશભાઈ જેવા જુવાનીયાઓ રંગ લગાડે તો મજા જ મજા!. આભાર પ્રભુ!
રંગોને વેપાર સાથે મૂલવી અને સાથે જીવનના મૂલ્યોને પણ જાણવાની કોશીશ કરાવી, વેચાણ કળાનો સારો અનુભવ થયો.
મુર્તઝાભાઈ આપને હોળીની રંગીન શુભેચ્છાઓ .
મુર્તઝાભાઈ હોળી એટલે આસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય તેવીજ રીતે વેપારમાં નિષ્ફળતા પર સફળતાએટલે વિજય મેળવવાનો ઉત્સવ બનાવી દઈએ .
જેમ હોળી પર પ્રહલાદે હોલિકાના ખોળામાં બેસી ઈશ્વરીય શક્તિથી અગ્નિપરીક્ષા પર વિજય મેળવ્યો તેમ આપણે વેપારમાં મંદીના ખોળામાંથી ઇનોવેટિવ આઈડિયાથી અગ્નિપરિક્ષા પર વિજય મેળવવો જોઈએ .
હોળીમાં લીલા લાકડાં કરતા સુકા લાકડાં વધુ સારી રીતે પ્રગટે છે તેમ વેપારમાં પૂર્ણતા કરતા શ્રેષ્ઠતા રાખવાથી નફો વધુ છલકે છે .
દોસ્ત, તમારા જેવા સુવાચકના ‘એડ-ઓન’ વિચારો આ રીતે આવે છે ત્યારે લાગે છે કે લખવાનાની મહેનત પાણીમાં નથી જ જતી. એની ગતિ પ્યારી રહે છે.
રંગ તો આંખમાં જ હોય છે તોયે ઇશ્વરે આંસુ રંગ વગરનાં બનાવ્યાં છે… સુખના કે દુખના એ તો વહાવનાર જ જાણે…
લતા જ. હિરાણી
આપણી વાત બરોબર છે લતાબેન. ભાર આંસુના ટીપાનો નથી હોતો…એમાં રહેલાં સુખ કે દુઃખની પીડાનો છે.
શ્રી મુર્તઝાભાઈ ,
તમારું અને મારું બાળપણ લગભગ સરખું જ છે !!
એકદમ સરસ વાત કરી “કોનો, કોને, કેવો, કેટલો રંગ-સંગ અસર કરે છે એ બધાંનો દારોમદાર આપણા ખુદ પર છે.”
રંગ ઉડાડવા ની સાથે સાથે રંગ ” રાખવા ” માં જ મજા છે .
હોળી માં કેટલા લોકો પર રંગ નાખ્યો તેના કરતા પણ વધારે મહત્વનું એ છે કે કેટલા ના જીવન માં રંગ પૂર્યો .
હોળી અને ધુરેટી ની શુભકામનાઓ સહ
જીતેશ દાળવાળા
સરપંચ માં મેઘધનુષ્ય ના સાત રંગો – વાહ મુર્તઝાભાઈ
Reblogged this on ઇન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં and commented:
શબ્દોની રંગત…હોળીની સંગત!
યાદ આવ્યા મીરાબાઈ
ઐસી રંગ દે રંગ ના હી છૂટે,
શ્યામ પીયા મૌરી રંગ દે ચૂનરીયા
ખરેખર જો કોઈ રંગાયું હોય તો તે મીરાબાઈ છે.
ધુળેટીના રંગો તો એક દિવસ રંગીન બનાવશે જ્યારે મીરાને શ્યામ સીવાય બીજો કોઈ રંગ કદી લાગ્યો નહીં.
સદાય વ્યવસાયના ગંભીર વિષય પર રૂચિ અને રસનો રંગ ભરતા રહેનારે આજે તો ઔર રંગત લાવી દીધી. દુર્ગેશ નંદીનીની ક્લિપની પીચકારી માણવા જેવી અને જેટલી જ મજા ઇન્ટરનૅટની ‘રંગ’હોળીની ભરેલ માર માણવામાં આવી.
videsh ma rahine potana vatan [india] na rango thi rangayela rahine badhane rangta raho tevi shubhkamana aane kamana
ગૂગલ ટ્રાન્સલીટરેશન:
“વિદેશમાં રહીને પોતાના વતન (ભારત)ના રંગોથી રંગાયેલા રહીને બધાંને રંગતા રહો તેવી શુભકામના અને કામના!”
મહેશભાઈ, આપને પણ વેપારના પાકા રંગો ચઢતા રહે તેવી રંગભરી શુભેચ્છાઓ!
[…] આવી હતી. “મુર્તઝાભાઈ, હોળી પર તો વેપારના રંગોવાળી બ્લોગ-પોસ્ટ લખી તમે અમને રંગી નાખ્યા હવે દિવાળી […]