ગાંડા થવું સેકન્ડ્સનું કામ છે. પણ ગાંડા બનાવવું……બહુ ડહાપણ ભરેલી વાત છે દોસ્તો.
આ બ્લોગના ટાઈટલને જ જુઓ ને. વાંચ્યા બાદ કેવી કુતૂહલતા જાગે છે…નહિ? પણ આમાં મારો વાંક નહિ બંધુઓ. આ તો પેલી ફર્નિચરની મહારાજા કંપની આઈકિયા એ આ રીતે કહી લોકોને સુવડાવી તેના ગ્રાહકોમાં ફરીથી કુતૂહલતા જગાવી છે.
‘આઈકિયાના સુંવાળા ફર્નિચર (ખાસ કરી પલંગ)નો ઘરે લાવ્યા બાદ કેવો અનુભવ થાય એનો પ્રયોગ જો પહેલા જ કરાવવામાં આવે તો?’–
બસ આવો હટકે વિચાર તેના માર્કેટિંગ વિભાગને આવ્યો ને શરુ થયુ એક મિશન : “મને આઈકિયામાં એક રાત ગાળવી છે…” (I Wanna Have A Sleepover In Ikea).
લંડનના એસ્સેક્સ ટાઉનમાં આવેલા આઈકિયા-સ્ટોરમાં આ ઘટનાની જાહેરાત કરવામાં આવી. કેટલાંક ગમતાં-ભમતાં યુગલોને આમંત્રિત કરવામાં આવ્યા. એસ્સેક્સની જ એક સેક્સી મોડેલને ઉદ્ઘાટન કરવા બોલાવવામાં આવી અને તેને પણ એક રાત ત્યાંજ ગાળવાનું ‘માનભર્યું’ ઇજન મળ્યું. – બસ! પછી શું જોઈએ?
હવે એમને શું જોઈએ એની તો મને ખબર નથી. પણ ચાલોને આપણે જ આ વિડીયોમાં એની નાનકડી ઝલક જોઈએ!
રાત પછી બીજી સવારે વેચાયેલા હજારો પાઉન્ડ્સના આઈકિયાના ફર્નિચરના સાચા સેલ્સ-આંકડાઓને બાજુ પર મૂકીએ. કેમ કે આવા રાતા-પ્રયોગની સાચી ગુલાબી અસર તેના ફેસબુક ફેન-પેજ પર મળી આવે છે.
લગભગ પોણો લાખ લોકો ‘રાતો રાત’ આ રાતી ઘટનાના સાક્ષી બન્યા છે. મસ્તીભરી વાત તો એ છે કે આવી રાતનો અનુભવ શેર કરવામાં આ યુગલો હજુયે હોંશેહોંશે આ પેઈજ પર આવતા રહે છે. હવે આવા ‘સુતેલા’ વાયરસો હજુ બીજાં કેટલાંયને ‘સુવડાવશે’ એની કોઈ ગેરેંટી ખરી?
મારી નજરે…સિમ્પલ છતાં સુપર આઈડિયા લડાવી આઈકિયાએ અસરકારક બ્રાન્ડિંગ કરી બતાવ્યું છે. લાકડાં લડાવતી કાતિલ હરિફાઈમાં ‘Try Before You Buy’ કોન્સેપ્ટ આજે આખા આલમમાં વધુને વધુ ક્રિયેટીવલી મશહૂર થતો જાય છે. હવે જેના હાથમાં લાઠી આવે તે લાઠી-દરબાર બની જાય છે ને….બાકીનાની ભેંસ પાણીમાં બેસી જાય છે.
વેપારિક દોસ્તો, આપણે કાંઈ પણ વેચીએ. બસ! માત્ર વેચવાની જ વૃતિથી વેચશું તો બહુ જલ્દી વેચાઈ જવાની સંભાવના રહે છે. પણ..કોઈક ચાતુરી ઘટના કે ઉપાય દ્વારા માલનો નિકાલ આજના જમાનાની માંગ ભરે છે.
શું કહો છો? : ગ્રાહકને આ રીતે ‘સુવડાવીને’ પણ કમાણી કરવું આઈકિયા પાસેથી શીખવું જોઈએ?
‘સર’પંચ:
બેકગ્રાઉન્ડ રિપોર્ટ :
આપણા એક બાપુ આ રીતે ત્યાં જઈ સુઈ સુંવાળો અનુભવ કરી આવ્યા. તો અમે ફોનથી પૂછ્યું:
“કાં બાપુ! રાત કેવી રહી?”
“એ પટેલ!..આપડે તો ત્યાં જઈ ચોરી કરી આઇવા! બોલ કેવા મરદ માણસુ કે’વાયે કે નં’ઈ?”
“શું વાઆઆઆત કરો છો…બાપુ?!?!? એવું તો શું ચોરી લાવ્યા તમે?”- મારાથી સામો સવાલ થયો.
“કાંઈ એવું બેવું નહિ ચોર્યું લ્યા!….આ તો એમણે ધાંધા કરેલો આઈડિયા ચોરી લાઈવો છું. તને તો ખબર જ છે ને કે..આંયા ધોળિયાઓ હાટુ આપડી તો બાપદાદાની વર્ષો જૂની દારુની દુકાન….બસ! એક રાત એમને ય આ રીતે ‘નવડાવી’ નાખવા છે!”
.
.
થોડો વધારે જોર ‘પંચ’
દોસ્તો, જૂન મહિનાના અંત સુધીમાં આ બ્લોગ બંધ થઇ જશે. એટલે હવે માત્ર એક જ જગ્યા પર :www.vepaar.net પર જ પોસ્ટિંગ કરવામાં આવશે. શક્ય હોય તો ત્યાં જ રહેલા ‘સબસ્ક્રાઈબ’ બટન પર આપનું ઈ-મેઈલ નોંધાવી દેશો તો પબ્લિશ થયે આપને મેસેજ મળતો રહેશે.
આઈકિયાએ કરેલ મજાનો આઇડિયા…