ઈ.સ. ૧૯૭૧ની શરૂઆતનો સમય. સ્ટિવ જોબ્સ અને તેનો સાથી સ્ટિવ વોઝનિયાક કોલેજના પગથીયાં ચડવાની શરૂઆત કરી રહ્યા હતા. એકનું મગજ માર્કેટિંગના મકાન તરફ દોડતું ને બીજાનું કોઈક ટેકનિકલ ટાવર’ તરફ.
કેમકે પાછલા બારણે ઓફીશીયલી તો નહિ પણ બ્રાન્ડ વિનાના ‘એપલ ૧’ નામના એક તોસ્તિક કોમ્પ્યુટર બનાવવાની શરૂઆત તો થઇ ચુકી હતી. છતાંય બંનેના નસખેંચું મગજો સતત ક્યાંક ચકરાવો લીધાં કરતા હતા.
ત્યારે એક દિવસે વોઝનિયાકે જોબ્સને ‘એસ્ક્વાયર મેગેઝિન’નો લેટેસ્ટ અંક બતાવ્યો. જેમાં કોઈક ‘બ્લ્યુ-બોક્સ’ વિશે માહિતી મુકવામાં આવી હતી. ( દેશી ભાષામાં કહીએ તો આ બ્લ્યુ-બોક્સ એટલે તે સમયના લેન્ડલાઇન ટેલિફોનની (બાય ડીફોલ્ટ) ટોનને બદલી ‘પાછલે-બારણેથી મફતમાં થઇ શકતા ઇન્ટરનેશનલ ફોન કોલ્સનો ડબ્બો.)
જોયા પછી જોબ્સે કહ્યું: “વોઝ, તું ભાવ કાઢ. બનાવીએ તો કેટલાંમાં પડશે? પછી વેચવાનું કામ મારું.”
“જોબ્સ, મેં માત્ર પાર્ટસ સાથે અડસટ્ટે ભાવ લગભગ કાઢ્યો છે, લગભગ ૪૦ ડોલર્સ. મહેનત-મજૂરીના અલગ ગણવા પડે. હવે કેટલામાં વેચી શકીએ એ તું બોલ.”
“હું માનું છું કે આપડી કૉલેજના એવા છોકરાંવથી જ શરૂઆત કરીએ જેઓને તેમના દેશમાં ફોન કરવા પડતા હોય તો ૧૫૦ ડોલર્સમાં તો આરામથી વેચાઈ શકે.”
પછી તો વોઝ પિંક મૂડમાં આવી મંડી પડ્યો બ્લ્યુ-બોક્સ બનાવવાના ધંધે. શ્રી ગણેશ તો થયા પણ હજુ વેચાણની શરૂઆતમાં જ એક જગ્યાએ અચાનક આ બંને સ્ટિવડાઓને પોઈન્ટ-બ્લેન્ક લેવલે ગન મૂકી લૂંટવામાં આવ્યા.
બેઉ જણા સમજ્યા કે ‘પાર્ટી’ને બ્લ્યુ-બોક્સનો દલ્લો જોઈએ છે. પણ પેલા બંદૂકધારીએ માત્ર એટલી બુલેટ-પોઈન્ટ વાત આપી છોડી દીધા કે… “બચ્ચું! ખબરદાર આ ધંધામાં કાંઈ પણ કર્યું છે તો…ચુપચાપ તમારો ઇલેક્ટ્રોનિક બિસ્તરો ઉપાડો અને ખોવાઈ જાવ ક્યાંક બીજી જગ્યાએ…”
ને બસ…બ્લ્યુ-બોક્સ બન્યું બ્લેક-બોક્સ. અને તેમની પાછળ (ધૂળમાં) પડેલા ‘એપલ -૧’ની સુવાવડ કરાવવાની તૈયારી શરુ થઇ. પણ આ બનાવમાંથી બંનેને એક ‘ગ્રીન લેશન’ મળ્યું: ‘અબ કુછ ભી હો જાયે પ્યારે, યેહ દોસ્તી હમ નહિ તોડેંગે… તોડેંગે દમ મગર તેરા સાથ ન છોડેંગે.”
“અલ્યા એય સ્ટિવડા, સાંભલે ચ કે તું? જો એ બ્લ્યુબોક્સ ‘હોટ’ થયા પછી ‘શોટ’ ન થયું હોત તો………તારા એપલની શરૂઆત થઇ શકી હોત!?!?? – શું કેછ પોરિયા તુ?
મૈત્રી મોરલો: “સાચો દોસ્ત ક્યારેય પણ દૂર નથી હોતો.”