
રાતોરાત લાખો કમાઈ લેવાની ઘેલછા, મહિનામાં જ મિલિયોનેર બની જવાની તીવ્ર ઈચ્છા, કોઈકની વાત ને સાંભળી ન સાંભળી કરીને તુરંત જ પોતાનું રૂઢિચુસ્ત રિએક્શન્સ આપી (કે ચોપડાઈ) દેવાની આદત, દિવસોનું કામ કલાકમાં જ ‘પતાવી નાખવા’ના ગાંડપણમાં આપણે ઘણાં ‘નવજુવાનો’ ઝડપ નામના રોગમાં સપડાતા વાઇરલ બનતા જઇ રહયાં છે. એટલિસ્ટ પાછલાં કેટલાંય મહિનાઓથી મને એનો ઘણો અનુભવ થયો છે.
કોઈ કહે છે કે ‘એક જ જિંદગી’ મળી છે. તો કોઈક કહે છે કે ‘મોત એક જ વાર મળે છે. કાલ (કે કાળ) કોણે જોઈ છે? જેટલું જીવાય એટલું જીવી લ્યો. પણ ખરેખર એવી દોડધામી અને ફિકરી ઝીંદગીમાં આપણે કેટલું જીવી શકીયે છીએ?
માત્ર ‘પૈસાની જ ફૂટપટ્ટી’ દ્વારા બીજાંવને આખેઆખો માપી લેવાની ભૂલમાં આપણે મસ્તમૌલા જેવાં માણસોને ઓળખવાની તસ્દી લેવાનું પણ ભૂલતા જઇ રહ્યાં છે.
સાવ ક્ષુલ્લક બાબતોમાં બીજાં (અરે! બલ્કે આપણા જ સ્વજનો સાથે પણ) જોડે ઝગડો કરી સંબંધોનો રગડો કરતા જઇ રહ્યાં છે. કશુંયે વિચાર્યા વિના માત્ર એકનો ગુસ્સો કે આક્રોશ બીજાંને ટ્રાન્સફોર્મ (અરે હા! એને ‘ફોરવર્ડ’ કહેવાય છે હવે) કરી દઈએ છીએ. લાગણીઓ જાય તેલ લેવા. મને તો દેવું કરીને પણ ઘી તો જોઈશે જ.
પાછલાં ૧૫ દિવસમાં મારા બે પડોશી દોસ્તો (‘અચાનક!’ શબ્દ મારા માટે જ) આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં. તેમના મોતના બે દિવસ પહેલા જ એકની સાથે ફેસ-ટુ-ફેસ અને બીજાની સાથે વોટ્સએપી વાત થઇ.
તેમની આંતરિક બીમારીને લીધે તેઓએ તેમનો ‘ડેડ વોઇસ’ પહેલેથી જ સાંભળી લીધો હશે. એટલે જ તેમની વિદાય વાતોમાં ‘ધીરી ધીરી બાપુડિયાં’ નો સૂર મને હવે સંભળાય છે.
બેશક ! મોત એક ઉત્સવ છે. પણ ધ્યાન રહે કે તેના જન્મનો ઉત્સવ ઘોંઘાટિયો કે વસવસો ન બને…અલમસ્ત બને, મજેદાર બને. હસમુખો બને.
નવ મહિનાનો અંત અને દસમા મહિનાની શરૂઆત… હો જાયે કુછ સૈરાટ!?!?!
મનસુખી મોરલો:
“દુવા મેં યાદ રખના !” – મંત્ર માત્ર મજાક ખાતર નથી બોલાતો. તેમાં મેજીક છે. તેની અસર સાચે જ માનું છું અને માણું છું.”
જીંદગી મોજથી જીવી લેવી, પછી જે થવું હોય તે થાય 😊