આઈડિયા કે જોશ સે બચ કર તુમ કહાં જાઓગે?

IDEA PETI Printed Book

💡 સમયસર ગાડી ન મળે અને ખીજ ચડે પછી મોબાઈલ દ્વારા મિનિટ્સમાં જ ઉંબરે-આંગણે પણ ટેક્સી આવી ઉભી થઇ જાય તેવું આઇડિયલ સૉલ્યુશન લઇ આવવામાં આવે ત્યારે ઉબરનું સર્જન થાય.

💡 હોટેલથી કંટાળી તે સિવાયના મનગમતા-ખુશનુમા સ્થાને કે સ્થળે રહેવા મળે તો કેવું?- એવું વિચારનાર વ્યક્તિ ઍર-બી-એન-બીનું સર્જન કરી શકે છે.

💡 ખુદને ગમતાં ડાયલોગ્સ, સોન્ગ્સ કે ડાન્સને સેકન્ડમાં બતાવવાની ચળ ઉપડે ત્યારે ટિક્ટોક (મ્યુઝીકલી) એપ સર્જાય.

💡 સમય કરતા થોડું મોડા અને એ પણ ‘સાવ બેક્કાર ટેસ્ટ’ વાળું ખાવાનું મળ્યું હોય તેના બળવા રૂપે નજીકથી પણ ઘર જેવું ખાવાનું મિનિટ્સમાં મેળવી આપતું સૉલ્યુશન ઝોમાટો કે સ્વિગી રૂપે બહાર આવે ત્યારે…

બહુ લાંબુ વિચાર્યા વિના સમજી શકાય કે પ્રૉબ્લેમ એ જ સોલ્યુશનનો દરવાજો છે. અને આઈડિયા તેનું મૂળ છે.

આપણે સૌ અત્યારે ડગલે-પગલે આઈડિયા ઈકોનોમીમાં જીવી રહ્યાં છે અને હજુ લાંબો સમય તેમાં જીવીને ચાલવાનું છે. જે જીવનને જુગાર કરતા પણ જુગાડ તરીકે જુએ છે તે એટ-લિસ્ટ ગુમાવવાને બદલે બેશક! બિંદાસ્ત કમાણી કરી જ શકે છે.

‘આઈડિયા’ નામના શબ્દ સાથે મારી ઓફિશિયલ શાદી તો હું કુંવારો હતો ત્યારે જ થયેલી. 😛 પણ લખાણના લખ્ખણને લીધે બૂક રૂપે બાળક જન્માવવાની શરૂઆત હજુ 2-3 વર્ષ અગાઉ જ કરી છે. અને હવે આદત મુજબ ‘વસ્તાર વધારવાનું બહુવ્વચ્ચ મન’ છે. 😉

આ તો સારું થાજો કે ઍમૅઝૉન કિન્ડલે મારા બંને લેબર પેઈન ‘આઈડિયા પેટી’ તરીકે ખમી લીધાં. પણ પછી થયું કે આપણી પ્રજા હજુયે પ્રિન્ટેડ ખુશ્બોદાર પાનાંઓને વધારે પ્રાધાન્ય આપે છે. એટલે તે બે ભાગવાળી કિન્ડલ બૂક્સને 14 ચેપટર્સ સાથે કંબાઇન્ડ કરી પ્રિન્ટેડ ફોર્મેટમાં બૂકી રૂપે હવે રી-લોન્ચ કરી રહ્યો છું. જેમાં તમને મળી શકે:

💡 કૉફીના કૂચામાંથી પણ ખાઈ શકાય એવી કપ-રકાબી કેમ બનાવવી?- (કૉફી તો માત્ર એક બહાનું છે. તેની અંદર કાંઈક બીજું જાણવા ચેપ્ટર-6 જોઈ લેવું.)

💡 તમારી ટ્રાવેલિંગ એજન્સી હોય તો તમે એવું શું અનોખું કરી શકો કે જેથી લોકો ગમ્મત સાથે જ્ઞાન પણ મેળવી શકે? ( ચેપ્ટર-7 માં સિમ્પલ સોલ્યુશન છે.)

💡 બહુ મોટા ભારને ઉંચકી શકતી એક સાવ હલકી વસ્તુ તમારી નવી કરિયર પણ ઊંચી લાવી શકે છે. (કઈ રીતે? તો ચેપ્ટર-9 કહી શકે.)

💡 તમને નવી જૉબમાં સાવ નોખા બનવું છે? (તો પછી ચેપ્ટર-12ને બહાર કાઢવું જ પડશે. કારણકે આ બાબતે બોલે તો બંદા પણ ગાઈડ કરવામાં માસ્ટર છે.)

શક્ય છે કદાચ તમે પણ 60 મિનિટ્સની અંદર જ 60 પેઇજની આખી બૂકી ‘પતાવી’ દેશો. પણ મારું માનવું છે કે અંદરથી બહાર આવેલાં કોઈ એક આઈડિયાને એક્ટિવ કરવા તમારું પાણી ઉતરી શકે છે. પણ ટીપે-ટીપે સરોવર ભરાય વાળી વાતને બાજુ પર મૂકી ફકત ‘ડોલ’ પર ફોકસશો તો નવી દિશા અને દશા મળશે. અને એ માટે આ ‘તમાર મુર્તજા ભ’ઈ હાજર છે જ ને બાપલ્યા !”

તો હવે માત્ર બૂક નહિ, પણ તેમાં રહેલાં આઈડિયાઝ ઘરે બેઠાં જ મેળવવા હોય તો (For 97/- Only) બેંક ટ્રાન્સફર અથવા PAYtm કરી શકો તો દરેકનું ભલું થવાની પુરી ગેરેન્ટી છે.

PayTm કરવા માટે: 6352365536

આઈડિયા કે જોશ સે બચ કર તુમ કહાં જાઓગે?

“બુઢ્ઢા હોગા તેરે બાપ કા બાપ !”

દસેક વર્ષ પહેલા ૧૨૫ કિલોના કોથળા જેટલું વજન લઈને હરિયાણાનો ૫૦+ વર્ષનો એ પ્રૌઢ તેના બગડેલાં શારીરિક, માનસિક અને સામાજિક પ્રૉબ્લેમ્સને કારણે ઈમોશનલ થઈને ફિઝીકલી તેના ફર્નિષ્ડ ફ્લેટની પથારીમાં પડી રહેલો.

હાથમાં ઊંચા હોદ્દાની જોબ અને કેશ તો હતી પણ તેમાંથી તેને કોઈ એવી ખુશીઓ મળતી ન હતી, જેની તેને ‘અંદરથી’ તલાશ હતી.

ઘણી બાબતોમાં એક ઘા ને બે કટકા કરવામાં માનતા એ બની ગયેલા ડોસાએ એવી પરિસ્થિતમાં બહુ લાંબુ વિચાર્યા વગર પત્નીને છૂટાછેડા આપી દીધા. પણ ખુદ્દારી, સેલ્ફ-રિસ્પેક્ટ્સ, ઈગો જેવાં વર્ચ્યૂલ ફેક્ટર્સ તેને વધારે માંદા બનાવી રહ્યા હતા.

‘દર્દ જબ હદ સે ગુઝરતા હૈ તો દવા હોતી હૈ.’ એવું જ આ બાપુની સાથે પણ થયું. નોકરી સિવાય પડ્યા પાથર્યા રહેલા આ અંદરથી ‘અર્જુન’ જેવાં દિનેશ મોહન પાસે બહારથી તેના બનેવી ખુદ ‘મોહન’ બનીને આવ્યા:

“ઓયે સાલે(સાબ) ચલો ખડે હો! ક્યા તુમ અપની ઝિંદગી કો ઐસે હી બરબાદ કરના ચાહતે હો યા ફિર કુછ ઐસા કામ કરના હૈ જો તુમ ચાહતે હો?”

જાણે જીવનની રણભૂમિમાં કૃષ્ણનું આહવાન મળ્યું હોય એમ એ ઘડીથી દિનેશબાબુએ ધાબળા સાથે પથારી, આળસ, માંદગી, પાછલી યાદો અને તેનું માનસિક બુઢ્ઢાપણું પણ ત્યાગી દીધું. શરુ થઇ નવી ઝિંદગી નવો દાવ.

બચેલા પૈસામાંથી જાતનું Rejuvenate, મનનું Management અને મગજનું Refreshment શરુ થયું. દરેક પ્રકારની કસરત શરુ કરી ૬૦માં વર્ષે શરીમાં ઘુસેલા એ સફેદ વૃદ્ધત્વને ૮૦ કિલો જેવી યુવાનીમાં ટ્રાન્સફોર્મ કરી. એટલે બોડી બન્યું સાંઠા જેવું સેક્સી અને ગાલ ઉપર પડેલી સફેદી એ પણ બતાવ્યો ચમકાર.

પડોશમાં જ રહેતા એક પત્રકાર દોસ્તે આવાં ટ્રાન્સ્ફોર્મડ થયેલા દિનેશઅંકલના Before & After ફોટોગ્રાફ્સ એક મેગેઝીનના લેખ માટે લીધા. જે આડકતરે પહોંચ્યા કોઈક એડ-એજન્સીમાં. ફિર ક્યા હુવા?

જેમ બચ્ચન સાહેબ ફૅશનશોમાં રેમ્પવૉક કરી એન્ટરટેઇન્મેન્ટની પણ કડક પથારી નરમ કરી શકે, તેમ આ મોહન સાહેબે પણ મોડેલિંગમાં ખુદની પથારી સાચે જ ‘ફેરવી’ દીધી છે. જોબમાંથી રિટાયર્ડ થઇ સિનિયર સિટિઝન મોડેલિંગમાં તેઓ તકને ટ્રાન્સફોર્મ કરી માન, મની અને મોભો મેળવી રહ્યા છે.

હવે ભૂલેચૂકે કોઈ એમને બુઢ્ઢો કહે તો એમની તરફથી “બુઢ્ઢા હોગા તેરે બાપ કા બાપ !” સાંભળવાની પણ તૈયારી રાખજો ભઇ’શાબ! એટલે જ એમના યંગમાઈન્ડની જેવી મનમોહક કહાનીની વિડીયો લિંક કોમેન્ટ બોક્સમાં મૂકી છે. જે ઘણું બધું જણાવી શકશે.

મનમોહક મોરલો:

सफ़ेद दाढ़ी, सफ़ेद मूँछ,
मैं क्या हूँ यह मत पूछ |”

– मुर्तज़ा ‘अलफ़न’

(Photo Credit JoshTalks )

દંગલે આપેલી દિશા અને દશા જોયા બાદ ‘સૂઝી આવેલાં’ 10 પોઈન્ટ્સ !

man silhouette with her hand raised in the sunset

1. “કરોડો કમાવવા માટે ‘કરોડ’ને દરરોજ કસરત આપી કેળવવી પડે છે. (આમિર હોય, ગીતા હોય કે કપિલ દરેકને.)”

2. “ચાર દિકરીઓ (એટ લિસ્ટ) આંઠ દિકરાની ગરજ સારે છે.”

3. “કાંઈક મેળવવા માટે ‘કાંઈક’ નહિ, ઘણું બધું ગુમાવીને પાછુ મેળવી શકાય છે.”

4. “દોઢસો બદામનો અર્ક ખાવાથી ‘બુદ્ધિશાળી’ બનવાની કોઈ ગેરેંટી નથી. પણ એ બેન્ચમાર્ક બની દિલદાર બનવાના દરવાજા જરૂર ખોલી શકે છે.”

5. “આપણું ‘પાસ્ટ’ નહિ, પણ લાસ્ટ પરફોર્મન્સ સુપર બને એ માટે ‘બેસ્ટ’ કરવાની અને બનવાની આદત રાખવી પડે છે.”

6. “જે પોતાને, પ્રિયજનોને અને સંતાનોને સંતાપ અને તાપ સહન કરતા શીખવી શકે છે એ સાચે જ ‘મહાવીર’ હોય છે.”

7. “કોઈની પણ પરવા કર્યા વિના અચિવમેન્ટની પરવાઝ (ઉડ્ડયન) પર રહે એવાં પરિવારની ઝિંદગી એળે નથી જતી. પણ ‘ફોગટ’ જરૂર બને છે.”

8. “એક ‘ઓલ્ડ’ વ્યક્તિ જ્યારે ‘ગોલ્ડ’ મેળવવાની જીત પર મુશ્તાક રહે છે ત્યારે તે દેશ અને દેશવાસીઓ માટે સોનેરીકાળ આવ્યો જ સમજવું.”

9. “દિમાગનું પણ દિલથી કામ લઇ દંગલમાં મંગલ કરાવી શકે એનું નામ ‘આમિર’. અને એટલે જ તે મુવિઝની દુનિયાનો માર્કેટિંગ મેજીશિયન છે. કોઈ શક?!!! – જરાય નહિ.”

10. પહેલવાની પંચ:

ઓલિમ્પિકમાં વર્લ્ડ-ચેમ્પિયન બનેલા ઈરાનના એક વેઇટ-લિફટરને પૂછવામાં આવ્યું: “તને કઈ વસ્તુ સૌથી વધારે ભારવાળી લાગે?

ત્યારે એ બંદાએ કહ્યું: “વ્હેલી સવારમાં બંદગી કરવા માટે નમાઝ પઢવા ઊઠવાનું હોય ત્યારે શરીર પરના પેલા બ્લેન્કેટને હટાવવાનો ભાર સૌથી વધારે લાગે છે. પણ આજે એ જ બાબતે મને ગોલ્ડ-મેડલ અપાવ્યો છે.”

(Photo Credit: dove.rw)

એક ‘ચાયવાલી’એ પણ કરી છે કમાલ !!!

chaaywaali

એક તરફ એક ‘ચા’વાળાએ તેમની સિરિયસ ‘ટિ’ખળ વૃત્તિથી ગ્લોબલ-ઈકોનોમિમાં રીપલ્સ રચી દીધાં છે. તો બીજી તરફ… છેએએએક સિડની (ઓસ્ટ્રેલિયા)માં એક બીજી દેશી ચાયવાલીએ ત્યાંના માર્કેટમાં રીપલ્સ રચ્યાં છે.

ફોટોમાં રહેલી ૨૮ વર્ષની ઉપમા વિરડીએ ગયા અઠવાડિયે Indian Australian Business and Community Awards (IABCA) જીત્યો છે. કારણ?-

સિમ્પલી! જેમ કૉફીનું માર્કેટ ગ્લોબલાઇઝ્ડ થઇ ગયું છે, ત્યારે ઉપમાએ ‘ચાયવાલી’ બ્રાંડ સાથે આપણી દેશી દૂધવાળી-બ્રાઉન (અને હર્બલના મિશ્રણવાળી) ચાહને ઓસ્ટ્રેલિયામાં ફેલાવી દીધી છે.

ઉપમાને બાળપણમાં દાદીએ હર્બલ-આયુર્વેદિક ચાય-કળા શીખવી. મોટી થઇને વકિલ બનતી વખતે ‘દાદીમાંકી બાંતે’ને ધંધામાં ફેરવી દેવામાં આ છોરીને તકલીફ તો ઘણી પડી. પણ…પેલી ઘટનામાં ‘અહીં કોઈ જૂતા પહેરતું નથી’ વાળા રિપોર્ટના દાખલાને પોઝિટીવ લઇ સિડનીમાં પણ ચાહના નાના દાણાને (સિડસને) વેચી વાતને મોટી બનાવી છે.

વગર કીટલીએ ચાહ વેચવાની શરૂઆત કરતી વખતે ઉપમાને મમી-પપ્પાનો વિરોધ તો આવ્યો.પણ ‘ચાહવાળી’યે કાંઈક કરી શકે છે એવું બતાવવા માટે જ કદાચ તેણે આ અચિવમેન્ટ કર્યું હશે એવું માણી લેવું.

ખૈર, એક વકિલ જ્યારે બીજાં કેસને બાજુ પર મૂકી ‘ચાહ’ની ચાહતને પકડે ત્યારે વગર મુદ્દતે પણ વિદેશીઓને ચાહની લત પડાવી શકે તો તેની ઉપમા અનુપમ બને ને?- કોઈ સવાલ જ નથી.

મમતાસ્ટિક મોરલો:

મારી (પહેલી) ગર્લફ્રેન્ડ: “એય, તને પહેલી કિસ (આહ !) ક્યારે મળેલી? બોલને.”

હું: “યાર! મારા જન્મવાના બસ…૪૦ મિનીટ્સ બાદ. મારી મા હતી એ.

(મુર્તઝાચાર્યની જૂની ડાયરીના એક ખૂલેલા પાનામાંથી)

#Business #Success #Story

[વેપાર વિકાસ]- પાંચ વર્ષનું ‘પંચ’રત્ન !

Hands of Like

“એક નાનકડો આઈડિયા લાઈફ બદલે છે. એ બરોબર પણ ત્યારે જ, જ્યારે તેને દિમાગમાંથી હાથમાં ઉતારવામાં આવે તો.”

આજથી બરોબર પાંચ વર્ષ પહેલા આ બંદાને (પહેલા ઘરમાં ને પછી) દિમાગમાં આવેલો નાનકડો લેખકી આઈડિયા સીધો કિબોર્ડ પર ઉતરી આવ્યો અને (ને પછી ઘરવાળીની ટકોરથી) વર્ડપ્રેસ પર સર્જન થયો પહેલો બ્લોગ: નેટવેપાર.

યેસ! દોસ્તો, ડિજિટલ દુનિયામાં મને આજે પાંચ વર્ષ તમામ થયા છે. વાંચ-વાંચ કરવાની આદતે જ્યારે લખવાની સુતેલી આદતને ઠમકારી ત્યારે સાચે જ ખબર ન હતી કે “મંઝીલે ઐસેહી આતી જાયેગી, ઔર કારવાં બસ યુંહીં બનતા જાયેગા.”

જે વંચાયું-લખાયું તે શેડ્યુલ વિના. એવી કોઈ ખાસ કેરિયર બનાવવાની ઝંખના નહિ, પણ જાણીને જે લખાયેલું તે પહેલા દિલને ગમે ને પછી દિલદારોને ગમે અને ઉપયોગી થાય એવી સીધી સટ્ટાક નિયત.

એ દરમિયાન નિયતિએ મને આપ લોકો જેવાં મસ્ત મજાના લોકો સાથે ઓળખાણ કરાવી છે. જેમની પાસેથી મને ઘણું જાણવા મળ્યું છે, શીખવા મળ્યું. ઉપરાંત એવી વ્યક્તિઓ સાથે મુલાકાત થઇ, જેઓએ મારામાં વિશ્વાસ રાખી તેમના દિલની પર્સનલ વાતોને મારી પાસે ‘અમાનત’ તરીકે મુકી છે.

એવાં મસ્ત (અને મસ્ટ-રિડ) પુસ્તકો પણ વંચાયા જેણે ઝિંદગીને ૩૬૦ ડિગ્રીનો ટર્ન આપ્યો. એવું રોકડું લખાણ લખાયું જેમાંથી રોકડાં પણ નીકળ્યા અને એવી ઘટનાઓ બની જેણે જોબની અપસેટમાંથી ધંધામાં અપ-સેટ કર્યો.

સાચે જ પાંચ વર્ષમાં ધ્યેય ધરાવનાર માણસ સાવ જ બદલાય છે. અરે બલકે એમ કહો કે સસલામાંથી સાવજ બને છે.
So, What’s NEXT?

આવી જ પંચ-વર્ષિય મિક્સ ઝિંદગીની લાઈફ-લાઈન પર એક વધું નવું જંકશન ગોઠવાઈ રહ્યું છે. એ પણ મને ગમતાં બે સૌથી વધુ પ્રિય સબ્જેક્ટ્સનાં કોમ્બો સાથે:

| આઈડિયા અને માર્કેટિંગ.|

Stay Tuned…એક નવી પ્લેટ અને પ્લેટફોર્મ સાથે જલ્દી મળીયે!

મધમધતી આઈડિયા પેટીમાંથી શેર થયેલાં કેટલાંક મજેદાર આઈડિયાઝ…

Trends of Ideas

દોસ્તો, તો આ છે….મારી મધમધતી આઈડિયા પેટીમાંથી શેર થયેલાં કેટલાંક મજેદાર આઈડિયાઝ…

•=> ન્યુયોર્કમાં આવેલી એક સિક્યોર્ડ લોકર બનાવતી કંપની, જે મેલા કપડાં ધોઈને પાછા આપે છે…

• => ફ્રેન્કફર્ટ (જર્મની)માં બનતું એક સ્માર્ટ સ્ટિકર, જે તમારી કારની ઉઠાંતરી થતા બચાવે છે…

• => બ્રિટનમાં આવેલુ એક સુપર-માર્કેટ, જે તેમાંથી નીકળતા ‘વેસ્ટ’ (કચરા)થી વીજળી પેદા કરે છે…

• => ભારતમાં આવેલી એક ગ્રામીણ સંસ્થા, જે પૂંઠામાંથી મસ્ત મજાની સ્કૂલબેગ બનાવે છે જેને નાનકડાં ટેબલમાં ફેરવી શકાય છે…

• => સિંગાપોરની એક ટ્રાવેલ કંપની જે સતત ફરતાં મુસાફરોને સામાન વગર મુસાફરી કરી આપવાની સહુલિયત આપે છે…

“આહ !…ઉહ !..વાહ !…વાઉ..! સુપર્બ ! ક્યા બાત હૈ !..” બોલી જવાય એવાં અધધધધધધ આઈડિયાઝ અને ટેરિફિક ટ્રેન્ડઝ દુનિયામાં ક્યાંકને ક્યાંક સતત બનતા જ જાય છે, પેદા થતાં જ જાય છે. પાછલી પોસ્ટમાં મુકેલા ‘આઈડિયા’ ઉપરની પેલી પોસ્ટના સંદર્ભમાં લખ્યું ‘તું કે મને આવાં આઈડિયાઝ ખોળવાનો, જાણવાનો, જોવાનો હાઈપર શોખ છે. સમજોને કે પાવરફૂલ પેશન.

સાત વર્ષ અગાઉ મારી સાથે બનેલી એક સાવ નાનકડી ઘટનામાંથી પેદા થયેલું આ પેશન ક્યારે મારુ પ્રોફેશન બની ગયું એની મને હજુયે ખબર પડી નથી. (અને સાચું કહું તો એવા એનાલિસીસમાં પડવા કરતા આઈડિયાનાં મારા સમંદરમાં મોતીઓ શોધવું મને વધારે પસંદ છે.)

એ સાચું જ છે: ‘જ્યારે તમે પુરા દિલથી, સાચી લગનથી કોઈ વસ્તુ (કે બાબત)ને કુદરત પાસે માંગો છો ત્યારે તમારા માટે આખું આલમ એ વસ્તુ તમારા સુધી પહોંચાડવાની મદદે લાગી જાય છે.” આવું જ મારી સાથે બન્યું.

એક વર્ષ અગાઉ જ્યારે આ શોખ વિશે મારા એક ક્લાયન્ટ (અને હવે પાર્ટનર)ને મારા આ પ્રો-પેશન વિશે ખબર પડી ત્યારે કેટલીક હિન્ટ મેળવી મારા માટે તેમણે મને પોતાના ખર્ચે iPhone/ iPad પર ચાલે એવી Free મોબાઈલ એપ બનાવી ગિફ્ટ આપી જેની હું શોધમાં હતો.
આ એપ એટલે: ટ્રેન્ડલી (Trndly).

વિવિધ ક્ષેત્રે ટ્રેન્ડઝ બનાવતા કે રચતા આવાં ફ્રેન્ડલી સમાચારો અપડેટ કરતી આ કૂલ એપ્લિકેશન આમ જોવા જઈએ તો અન્ય સાઈટ્સની જેમ જ ન્યુઝ-એપ છે. પણ.. માત્ર ન્યુઝ અને ‘આઈડિયા’લિસ્ટીક ન્યુઝમાં અહીં જ ફરક પડે છે. અહીંથી નીકળતાં ટ્રેન્ડી આઈડિયા કોઈકની ઝિંદગી ઉજાળી શકે છ, કેરિયર ખીલવી શકે છે. આઈડિયાનો શું ભરોસો, ખરું ને?

[ જે આઈડિયાઝની ખોદ-ખાણી હું કમાણી કરું છું તેને બીજાં સાથે શેર કરી આપવાની ભલામણ અને ભલાઈ કરનાર મારા એ ક્લાયન્ટ (અને ગુરુ) એ પોતાનું નામ પબ્લિશ કરવાની સંમતિ આપી નથી. એટલે તેમના ગુરુગાન પણ વધુ નહિ કરું.]

માત્ર એટલું કહીશ કે…જેઓની પાસે એપલનાં i-devices હોય તેઓ આ સાવ મફતમાં મળતી Trndly Appને ડાઉનલોડ કરી સમયાન્તરે તેમાંથી નીકળતાં i-ડિયાઝનું રસપાન કરી શકે છે. અને જેટલું બની શકે તેટલી વધુને વધું બીજાંવ જણાવી શકે છે.

http://bit.ly/trndly

તો હવે…
• => અમેરિકાનું એક એવું ઓનલાઈન રેડિયો-સ્ટેશન, જેની જાહેરાત સાથે વાત કરી શકાય છે…

• => ઇટાલીની એક કંપની, જે બાળકો માટે ખાસ એવાં ફર્નિચર્સ બનાવે છે, જે તેમની સાથે વખતોવખત મોટા થાય છે…

• => ઓસ્ટ્રેલીયામાં આવેલી એક રેસ્ટોરેન્ટ, જ્યાં વેસ્ટેજ લાગતાં શાકભાજી અને ફળોની છાલમાંથી સૂપ પીરસાય છે…

• => ચાઈનામાં બનતા એવાં બાંકડા, જે બેસનારને તેમાંથી પીવાનું પાણી પૂરું પાડે છે…

• => જાપાનની એક કંપની, જે ખાસ અંધજનો માટે 3D પ્રિન્ટેડ નકશા બનાવે છે…

જેવાં અઢળક આઈડિયાઝમાંથી શું મેળવવું, કેમ કમાણી કરવી?- એ જવાબદારી હું આપ લોકો પર છોડી દઉં છું. (એટલાં માટે કે એવું સમજાવવા અને સજાવવાની હું પ્રોફેશનલ ફિ લઉં છું. 😉

સબકુછ મુફ્ત કહાં મિલતા હૈ…..બાપલ્યાજી ?!?!?!

આઈડિયાઝની સફેદીનો બ્લેક-બોક્સ આવો પણ હોય છે….!!!

Samuel Profeta's Creative Resume

Samuel Profeta’s Creative Resume

.

આજે બ્રાઝિલના એક ગ્રાફિક-ડિઝાઈનર ‘સેમ પ્રોફેટા’ના ઉદાહરણ દ્વારા મજાની આઇડીયલ વાત કરવી છે. આ સેમભાઈએ તેમની બાયોડેટા/રિઝયુમને (ફોટોમાં દેખાતા) દૂધના કાર્ટન પર ડિઝાઈન અને પ્રિન્ટ કરી છે.

પહેલી નજરે દુધની કોઈક નવી જ બ્રાંડ લાગતા પેકને રસપૂર્વક વાંચીએ તો તેના પર સેમભાઈએ ખુદના ફોટો-લોગો સાથે પ્રોફેશનલ અનુભવો, પર્સનલ અચિવમેંટસ, (ન્યુટ્રીશનલ) ફેક્ટસ, તેમજ બારકોડ યુક્ત કોન્ટેકટ ડીટેઇલ્સને સોશિયલ-મીડિયાને અનુરૂપ એવી થિમ પર અસરકારક રીતે તૈયાર કરી અસમાન્ય ક્રિયેટીવીટી બતાવી છે.

હવે તમે જ કહો કે…આ ‘સેમ પ્રોફેટા’ ને જો દુનિયાની કોઈક સુપર એડ-એજન્સીએ જોઈ લીધો હશે તો તેનાં કામની પ્રોફિટ સેમ ટુ સેમ રહી હશે?- …………. ક્યાંથી રહે બાપલ્યા! સેમભ’ઈ એ તો પેલી કહેવત “થિંક આઉટસાઈડ ધ બોક્સ”નેય ખંખેરીને નવી બનાવી છે: “થિંક ઓન ધ બોક્સ.”

તો દોસ્તો, આપણને પણ ખબર જ છે, કે આવાં કામોને ધક્કો મારતું પરિબળ છે…. આઈડિયા!….

યેસ ! દુનિયામાં શ્વાસોચ્હ્વાસની જેમ દર સેકન્ડે ક્યાંક ને ક્યાંક ક્રેઝી આઈડિયા પેદા થતાં જ જાય છે. આ તો ઇન્ટરનેટનાં વિકસાવનારાઓનું પણ ભલું થાજો કે જેના થકી જરૂરી એવા હટકે આઈડિયાઝ આપણને વિવિધ મીડિયા દ્વારા જોવા મળે છે. જેનાથી સાવ સામન્ય લાગતી બાબત પણ અસામાન્ય બનીને વાઇરસની જેમ ફેલાઈ જાય છે.
આવાં અનોખા આઈડિયાઝનો પિટારો મેં પણ બહુ મહેનત કરીને બનાવ્યો છે. જેનું નામ છે. ટ્રેન્ડલી.

તો નેક્સ્ટ પોસ્ટમાં એ ટ્રેન્ડલીની વાત ફ્રેન્ડલી લેવલે જાણવા અહીં આવી જાવ.. “જય આઈ-દિયા!”

માર્કેટિંગ મોરલો:

“આઈડિયાનો જો સાચો ઉપયોગ થાય તો તેની સાથે વાપરનારને તે આઈડિયલ કે આઈડોલ બનાવી દે છે. નહીંતર આઈડલ કે અડિયલ બની ક્યાંક દફનાઈ જાય છે.”

(વેપાર વ્યક્તિત્વ): મહાસત્તાનું ‘મોદી’ફાઈડ માર્કેટિંગ એટલે…

PM Mr. Narendra Modi

.

એક મહાસત્તાની જમીન…’મેડિસન’ સ્ક્વેર પર મોટિવેશનલ સ્પિચ અને મેગા-મેદનીના સર્કલ દ્વારા પોતાના દેશ અને દેશવાસીઓનું માર્કેટિંગ કરી બતાવનાર મોદી નામના આ મહાનાયકે સાબિત કરી બતાવ્યું છે કે ભારત પણ એક (દબાવાયેલી) મહાસત્તા હતી અને હવે જનસત્તાની મદદથી પાછી મેદાનમાં લાવવામાં આવી રહી છે.

જેનો ‘સરકારી (અને સહકારી) શુક્ર’ જયારે પ્રબળ હોય ત્યારે ‘મંગળ’ પણ નડ્યા વિના સાથ આપતો રહે છે તેનું આ એક તાજું ઉદાહરણ છે. વિવિધ મીડિયા દ્વારા સાચું જ કહેવાયું છે કે ગઈકાલે એ જગ્યા ખુદ ‘મોદી’સન બની ગઈ હતી. અને કેમ ન બને?

જે દેશનું સોશિયલ મીડિયા આટલું બધું ક્રિયેટીવ હોય અને જેનો સામાજિક ક્ષેત્રે અક્સીર ઉપયોગ કરી શકાતો હોય ત્યારે ‘શેમલેસ’ પ્રમોશન કરવું પણ જરૂરી થાય છે. મોદી સાહેબે આ જ તક ઝડપી છે અને એક કાંકરે ઘણાં ફળો તોડી બતાવ્યા છે.

વર્ષો પહેલા ઈ.સ. ૧૮૯૩માં શિકાગો ખાતે અમેરિકનોને ઘેલું લગાડનાર એક યુવા નરેન્દ્ર જ હતો. અને આજે વર્ષો પછી આ યુવાદિલ નરેન્દ્રએ રિપીટેશન કર્યું છે. ત્યારે આપણે સૌ જુવાનોને (પંદર-વીસ દિવસ સુધી ન ધોવાયેલી જીન્સની પેન્ટમાં પ્રોફાઈલ ફોટો પડાવ્યે રાખી) ‘માત્ર ફક્ર મહેસૂસ’ કરવાને બદલે એ મહાનાયકની ‘કેટલીક ન કહેવાયેલી’ વાતોને સમજી મિશન આગળ વધારતાં જવું પડશે.

મોદી સાહેબની સુઘડ બોડી લેન્ગવેજ એ જ બતાવે છે કે તેઓ એક સુપર સોફટવેરની જેમ ખૂબ ‘રિસોર્સ હંગ્રી’ છે. તેઓ એમ ઈચ્છે છે કે તેમની જેમ તેમના દેશનાં જુવાનો પણ એવાં જ એંગ્રીયંગ વિચારો ધરાવે અને તેમને સાથ આપે.

બીજાંવની સાવ ક્ષુલ્લક લાગતી બાબતોનો વિરોધ કરવામાં ટાઈમ-પાસ કરવાને બદલે ખુદના ‘આઈડિયા’લિસ્ટીકને બહાર કાઢવા જ પડશે. ‘પંજાની આંગળી’ઓને બંધ રાખવાને બદલે ખોલવી પડશે. માત્ર મનીમાઈન્ડેડ બની રહેવા કરતા મેચ્યોર અને મદદ કરનાર માઈન્ડ બનવું જ પડશે.

અને જો નહિ કર્યું હોય તો….એક દિવસ એવો આવી શકે જ્યારે ખોબેખોબા રડતી વખતે આંસુઓ પણ સાથ નહી આપે. (આવું વાંચીને હસવું આવે, પણ સાચું કહું છું દોસ્તો. વાત હસી કાઢવા જેવી નથી.)

“ન થી હાલ કી જબ હંમે અપની ખબર,
રહે દેખતે લોગોકે ઐબ-ઓ-હુનર,
પડી અપની બુરાઈઓ પે જો નઝર,
તો નિગાહમેં કોઈ બુરા ન રહા.” – બહાદુરશાહ ઝફર.

(ઐબ-ઓ-હુનર= બીજાંને ઉતારી પાડતી વાતો)

‘મોદી’ફાઈડ મોરલો:

“જો તમારું દરેક કામ, વર્તણુંક, સામેની વ્યક્તિને અભિભૂત કરે, પ્રેરણા આપે, નવું સ્વપ્ન જોવાની તાકાત બક્ષે, નવું કરી બતાવવાનો વિચાર આપે યા શીખવે તો દોસ્ત!…સમજો કે તમે લીડર છો જ.” –પીટર ડ્રકર

#ModiatMadision

(Photo Credit: deccanchronicle.com)

મફત રમત રમાડે…મોબાઈલ !

Grand Mansion Escape

(તો ચાલો લગાવીએ….ગઈકાલે મુકેલા ‘એપ’ની પોસ્ટનો મોતીડો કૂદકો…)

જસ્ટ ઈમેજીન! તમને મહેલ જેવી બિલ્ડીંગના એક મસ્ત મજાના રૂમમાં લઇ જવામાં આવે છે. જ્યાં…

• વાંચવા માટેના ટેબલ-ખુરશી છે..

• જેના પર લેમ્પ મુકેલો છે…

• દિવાલ પર પિક્ચર ફ્રેમ ભરાવેલી છે…

• તેની પાસે પુસ્તકોની એક છાજલી છે..

• છત પર ઝુમ્મર છે..

• રૂમની વચમાં સોફો છે અને તેની પાસે આર્મ-ચેર છે…વગેરે…વગેરે..

હવે સમજો કે તમને રૂમમાં પૂરી દેવાયા છે. પણ તેમાંથી નીકળવા માટે અલગ-અલગ જગ્યાએ ક્લુઝ (સગડ) મુક્યા છે. જે હિન્ટ દ્વારા શોધી અંતે તેની ચાવી મેળવી ‘બારે’ નીકળવાનું છે.

….તો આ છે આઈફોન-આઈપેડની એ ગેમ જે (ઓફકોર્સ) અમારા દિમાગના દહીં દ્વારા તૈયાર થઇ છે. નામ છે: ગ્રાન્ડ મેન્શન એસ્કેપ! (Grand Mansion Escape)

જેમાં આવા બીજાં અભિન્ન આંઠ રૂમ્સ છે….જેને અર્જુનના કોઠાની જેમ પસાર કરી મહેલની બહાર આવવાનું છે.

સર્ચ, સિક્રેટ, એન્ટરટેઇન્મેન્ટ, ઇન્વોલ્વમેન્ટ, એન્ગેજમેન્ટ જેવાં પહેલુઓ દ્વારા આપણા દિમાગને વલોવવાની પ્રક્રિયાને આવી ગેમ દ્વારા માર્કેટમાં મુકવાનો અમારો મુખ્ય હેતુ હાલ પુરતો કહું તો: “તકને ઝડપી ટેકનોલોજી સાથે હાથ મિલાવવાની છે.”

પણ આ બધું શક્ય બનતું જશે એક અને માત્ર એક કારણે: યુઝર્સ…કે પ્લેયર્સ. યેસ! જેટલાં વધું લોકો તેને વાપરતા-રમતા જશે એટલી તે વધારે જાનદાર બનતી જશે. અને એ જ કારણે જ..ઇસલિયે હી તો….આ ગેમ સાવ મફતમાં આપી દેવાઈ છે. જાવ ખેલો મુફ્તમેં !

સમયાંતરે એમાં નવી થિમ્સ, નવી ચેલેન્જીઝ અને નવા વિષયો ઉમેરવામાં આવશે. જો કે તેમાં વધું શું અને કેવું કેવું અંદર આવતું જશે???!?!? તે બાબતને પણ હાલ પુરતી (ગેમના બેઝની જેમ સ્તો) સંતાવી રાખવામાં આવી છે.

પણ આ ગેમ-એપને અમોએ એક ખુબ અકસીર એવી ઓનલાઈન માર્કેટિંગની હોટ સિસ્ટમ પર લોન્ચ કરી છે. નામ છે, ‘ક્રાઉડ-ફંડિંગ’ (જે વિશે થોડાં વખતમાં આપ સૌને વધુ જાણકારી મળશે. પણ અત્યારે કહું તો…

|| “જેઓને માર્કેટમાં રહેલી કોઇપણ ગમતી પ્રોડક્ટ કે સર્વિસને વધારે વિકસાવવામાં રસ હોય તે વ્યક્તિ કે સંસ્થા તેના મૂળ માલિકને યથાયોગ્ય ફાઈનાન્સિયલ ફાળો (કન્ટ્રીબ્યુશન) આપે છે. જેની સામે મૂળ માલિક તે કન્ટ્રીબ્યુટરને આવનાર પ્રોડકટ અથવા તેની સાથે સંકળાયેલ બાબતનું ઇનામ આપે છે.” ||

દોસ્તો, વધારે સમજવું છે? – તો એક કામ કરો. આ લિંક http://igg.me/at/grandmansion પર આવી જ જાઓ.

જેમાં ગેમની ડાઉનલોડ કરવાની લિંક સાથે આ તેને વિકસાવવાની તક-લિંક પણ મુકવામાં આવી છે. તમને લાગે કે ગ્રાન્ડ-મેન્શનને ગ્રાન્ડ સક્સેસ આપવી છે, તો તેમાં માઈક્રો-ઇન્વેસ્ટમેન્ટ કરી અમને સાથ આપી શકો છો. (જો કે તેના ઇનામો પણ ભારે છે હોં!)

તો હવે તમને એક ‘એપી’ક સવાલ થાય: “માર્કેટિંગના માણસ થઇ…મુર્તઝાભાઈ, તમે મોબાઈલની આવી માથાકૂટમાં કઈ રીતે આવ્યા?

જવાબ: “દોસ્તો, લર્નિંગ એન્ડ અર્નિંગ બંને એકસાથ જે કરે તે માહિતીના મહાસાગરે મોતીડાં મેળવે. ટૂંકમાં.. ઝમાને કે સાથ ચલના ભી તો માર્કેટિંગકા હી કામ હૈ ના?!?”

વેપાર વ્યક્તિત્વ: કિચડમાં ખીલી રહેલું એક ‘અરવિંદ’

Arvind Kejrival

શુદ્ધ સૂચના:
કોઈ પણ પોલિટીકલ પાર્ટીને નહિ, પણ માત્ર એક વ્યક્તિના વ્યક્તિત્વને ધ્યાનમાં રાખી આજે આ પોસ્ટમાં કેટલીક નોખી વાત કરી છે.

“આ કેજરીવાલ…કોણ છે? શું છે? કેવો છે?” ચારેબાજુ તેની પોકાર છે. જાણે કોઈ જબરદસ્ત ગુનો કર્યો હોય, કોઈક ગંભીર કાવતરું કરીને (અત્યારે તો માત્ર) આ માણસ દિલ્હીને જનતાને સતાવવા આવ્યો હોય એ રીતે…સોશિયલ અને મીડિયામાં તેના પર માછલાં ધોવાઈ રહ્યાં છે.

અને કેમ ન ધોવાય? આપણે ભારતીયો છીએ જ એવા સ્વભાવ વાળા. કોઈક કાંઈક નવું કરે, યુનિક કરે કે હટકે કામ કરે ત્યારે માછલાં તો શું, કિચડ ઉછાળવામાં અને ટાંગ ખેંચવામાં પણ ‘હઇશો હઈસો’ કરતા આગળ ધસીયે છીએ. નસીબજોગે (કે કમનસીબે?!?!) આ પણ ‘અરવિંદ’ જ થઇને આવ્યો છે.

પણ માફ કરશો દોસ્તો, દુનિયાની સમક્ષ આપણે આપણી શૂરવીરતા નહિ…બાયલાપણું સાબિત કરી રહ્યા છે.

એક અલગ કેજરી અટક સાથે, નાનકડી બ્રાન્ડબિલ્ડીંગ ટિમ સાથે, અલગ લોગો વાળા ઝાડૂની ઓળખ સાથે, અલગ બ્રાન્ડ- ડ્રીવન સિમ્બોલિક ટોપીની વિચારધારા સાથે આ યુનિક બ્રાન્ડેડ અરવિંદ કેજરીવાલનો સાચે જ એક ગંભીર ગુનો છે કે તે ભારતમાં ‘ક્રિયેટિવિટી’ નામના કિચડમાં ખીલી રહ્યો છે.

જે દેશવાસીઓ દુનિયાભરના મીડિયામાં માર્કેટિંગ અને એડવર્ટાઈઝીંગના ક્ષેત્રે ક્રિયેટિવ સંદેશા આપવામાં મોખરે રહેતા હોય તે જ લોકો તેના દેશવાસીને હલકો પાડવામાં, ખાઈમાં પાડવા કોઈ કસર છોડતા નથી. આ અદેખાઈ નથી તો બીજું શું છે?

દોસ્તો, આ દેશની સાચે જ ખાજો દયા…કેમ કે આપણે આઝાદી માટે નહિ…ગુલામીમાં જ જીવવા જન્મ્યા છે. જે એવા વલણમાંથી બહાર કાઢવાની વાત કે અમલ કરે છે તેને આપણે લાતો-લાઠીઓ ઠોકીએ છીએ. અને હજુયે ના ધરાઈએ તો કાં તો ગોળી મારીએ કે બોમ્બથી ઉડાવી દઈએ છીએ.

હું ‘આપ’ની પાર્ટી માટે નહિ…પણ આ યુનિક પરફોર્મન્સ કરવા માંગતા અરવિંદાની સામે જોઈ વેપારિક વલણો ધરાવી કહી શકું કે…તેને સાવ નફ્ફટ શબ્દો, નકારાત્મક ભાવનાઓ, વંઠેલ વિચારોની નહિ….માત્ર આપણા ભરપૂર બ્લેસિંગ્સ (આશીર્વાદ)ની વધારે જરૂર છે. એક સિનર્જી સર્જાઈ શકે છે. એક નવી ‘રિફ્રેશિંગ હવા’ મળી શકે છે. જેની આપણે સૌને ખૂબ જરૂર છે. કેમ કે આશીર્વાદ કે દોઆં ક્યારેય….એળે જતા નથી. ટોટલ ગેરેન્ટેડ!

મહાવૈચારિક મોરલો:

“ધ્યાન રહે કે જેઓએ આ દુનિયામાં બદલાવ આપ્યો છે, વિકાસ કર્યો છે તે સૌ ‘ગાંડા’ જ રહ્યા છે. ડાહ્યાંઓએ માત્ર દોઢ-ડાહ્યું ડહાપણ બતાવી હસે રાખ્યું છે. પ્રૂફ જોઈએ તો વૈજ્ઞાનિકોનો ઇતિહાસ ચકાસી લેજો.”