વેપાર વાઈરસ:: ક્રિયેટિવ કોમ્યુનિકેશનનો એક કૉફી-કપ

આજે….એક ઔર ‘જસ્ટ ઈમેજીન’… 
-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.

|| તમારા શહેરની એક ઘણી પ્રચલિત કૉફી-હાઉસમાં તમે વારંવાર એકલા કાં તો કોઈક વ્હાલા-વ્હાલી સાથે કૉફીની ચુસકી માણવા જાઓ છો. તમને ત્યાંની કૉફીના ટેસ્ટ સાથે તેની સર્વિસ, સ્ટાફ, સ્વભાવ અને ઓફકોર્સ… ભાવ પણ ગમે છે. 

ને એક દિવસ સવારે અચાનક…

તમે આદત મુજબ ત્યાં પહોંચી જાઓ છો. પણ અંદરનું દ્રશ્ય સાવ બદલાઈ ગયું છે. એક નવું જ રિફ્રેશિંગ ઈન્ટીરીયર દેખાય છે. સવિતાને બદલે ‘સ્વિટી’ અને જયકિશનને બદલે ‘જેક્સન’ દેખાય છે. 

સાવ નાનકડા કૉફી-પ્યાલાને બદલે બંને હાથે પકડી શકાય એવો અલમસ્ત, કૉફીની સોડમ યુક્ત મોટ્ટો પેપર કપ દેખાય છે. અને ૨ વર્ષથી એકના એક વપરાયેલા ક્લાસિક ‘પ્રાઈઝ-કાર્ડ’ને બદલે…વાઉ ! ગ્લોસી પેપર વાળું ‘મેનુ’ દેખાય છે. 

‘હોં સાહેબ!, હા બેન!’ બોલવાને બદલે એ લોકો સેક્સી વોઇસમાં “હેલોઓઓ, હાય ! વોટ કેન આઈ ડૂ ફોર યુ, સર?” સંભળાય છે. તમે ભલે ટેન્શનમાં આવી જાઓ છો પણ એ સૌ તમારા હાવભાવને વાંચી રોજીંદી આદત મુજબ જ કૉફીનો ઓર્ડર લે છે. પણ બધું જ અંગ્રેજીમાં બોલે છે અને તમને પણ બોલવાની આદત પાડે એવો માહોલ રચે છે. 

ટૂંકમાં, તમને થાય છે કે…હાઈલા ! મરી જ્યા આજ તો ! આ હવાર-હવારનું આપડું દેશી શપનું જ છ ક પ્હછી હાચે જ બાપાએ રાતોરાત વિહ્ઝા કરી આલીને ઈંગ્લીસ દેશમોં ક્યાંક ટ્રાન્ષપોર્ટ કરી કાઈઢો છ ?!??!?!?!?

પણ એ લોકો ભલા છે તમને કૉફી આપવાની સાથે એક મસ્ત રંગીન બ્રોશર પણ આપે છે (યારો ! પ્લિઝ હવે અહીં ‘બ્રોચર’ ન બોલશો હોં !).

અંગ્રેજીમાં પ્રોફેશનલ વાતચીતની કળા શીખો. 

થોડાં દિવસો માટે ‘તદ્દન મફતમાં’ અંગ્રેજી શીખવાના ક્લાસ એટેન્ડ કરવા માટે સમજાવવામાં આવે છે. તમે દેશી સ્ટાઈલમાં વિદેશી ભાષા શીખવા તૈયાર થઇ જાઓ છો. અને એ લોકો કૉફી-કપ દ્વારા તમને બાટલીમાં ઉતારી દે છે. બધાં જ જીતે છે. એક નવું પરિવર્તન સર્જાય છે. ||
-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.-.

યેસ દોસ્તો! કૉફીના બહાને રશિયાનોને બ્રિટીશ-અંગ્રેજી શીખવવાની આ હટકે સ્ટાઈલ રશિયાના જ એક નાનકડા ટાઉન એક્ખાતરીનબર્ગમાં શરુ થઈ છે. અને ત્યાંની પ્રજાએ આ મિશનને સારો એવો રિસ્પોન્સ આપ્યો છે.

તમે તમારી પ્રોડક્ટ કે સેવા સાથે એવું કોઈ ગતકડું કરી શકો છો? કે પછી એવો કોઈક આઈડિયા દોડ્યો હોય તો (કૉફી વગર) શેર કરી શકો છો.

[ હવે આજે આટલું પૂરતું છે. ખરુને? એટલે ‘સરપંચ’ જાણવા માટે ફેસબૂક પર આવતી રહેલી નેક્સ્ટ #PatelPothi ના પોઈન્ટ પર નજર રાખવી. ] 

– ચાલો, અત્યારે હું તો આ ઉપડ્યો ‘ટી’ પીવા! તમતમારે ત્યાં સુધી  વિડીયો જોઈ લ્યો….

વેપાર-વાઈરસ:: હસતા- હસાવતા કમાણી કરી શકાય છે….આ રીતે પણ !

દોસ્તો,

તમને થોડું હસતા અને……થોડું વધારે હસાવતા આવડે છે?-

જો હા! તો આજની આ પોસ્ટને દિલમાં વસાવી લેજો. કામ લાગી શકે છે. એટલા માટે કે તેમાંથી એક તકને પકડવાની છે. તો પેશ છે તેની શરૂઆત એક ઉદાહરણ સાથે…

એમનુ નામ છે: મી. વિલી. ઉંમર વર્ષ હશે લગભગ ૫૦+. પણ કામ અનોખું છે. જોવામાં આમ તો સાવ સહેલું લાગે પણ કરવામાં એટલું ય સહેલુંય નથી…બોસ!

વિશ્વ પ્રસિદ્ધ વોલમાર્ટના હાઈપર સ્ટોર્સમાં વિલીભાઈની પોઝીશનનું નામ છે. ‘ગ્રીટર’. એટલે કે આવકારનાર. જેઓ વોલમાર્ટમાં માત્ર ખરીદી કરવા જ નહિ પણ ક્યારેક જોવા (વિન્ડો શોપિંગ કરવા) પણ આવે છે, એવા દરેકને તેઓ હસતા ચહેરે આવકારે છે.

આવનાર ગ્રાહકનું શોપિંગ એન્ટરટેઈનિંગ કેમ બની શકે એની જવાબદારી આ વિલભાઈ વીલું મોઢું કર્યા વિના સંભાળે છે. થાકેલો મૂડ હોય કે પછી સ્ટોર્સની હજારો પ્રોડક્સના સાગરમાંથી જરૂરી એવી વસ્તુઓ આ વિલ હસતા હસતા શોધી આપે છે.

દોસ્તો, આપણામાંથી પણ એવાં કેટલાંક હસમુખભાઈઓ હશે જેઓ શારીરિક રીતે ભલે ‘રીટાયર્ડ’ થયા હોય પણ માનસિક રીતે હજુયે ‘ટાયર્ડ’ ન થયા હોય એમને આપણી દુકાન/ સ્ટોર કે ઇવન કંપનીમાં પણ ‘ગ્રીટર’ ની જોબ આપી આ રીતે સેલ્સ વધારી શકાય છે, યા પછી…આપણા માંથી જે ‘બધી રીતે જુવાન’ છે તેઓ આ રીતે હસી-હસાવીને કમાણી કરી શકે છે. ખરું ને?

જો એવી કોઈ સરફરોશી દિલમાં આવે તો એવા સ્ટોર્સમાં પહોંચી જઈ આવી હસમુખી પોઝિશનની માંગણી સામેથી કરી એક નવા જ પ્રોફેશનલ કેરિયરનું ડેવેલોપ કરતા તમને કોણ રોકી શકે ભલા?!?

સર‘પંચ’:

“કામ કોઈ નાનું કે મોટું નથી હોતું. એ તો આપણે તેની પાછળ રહેલી નિયતને અલગ-અલગ સાઈઝ આપી દેતા હોઈએ છીએ.”

.

વિલીભાઈને જોવો હોય તો આ રહી એની વિડીયો લિંક: 

 

વેપાર વાઇરસ: ગીતનો લોટ…..ને સંગીતના રોટલાં

“ઇન્ટરનેટ કે પ્રાપ્ત સૂત્રો કે અનુસાર…અમેરિકાના અલાબામા રાજ્યમાં આવેલા કોઈ ટાઉનમાં થોડાં જ દિવસો અગાઉ એક મકાનમાં આગ લાગી. કોઈ જાનહાની થઇ નથી. –  સમાચાર સમાપ્ત હુએ.”

એ લ્લા…..દોસ્તો, એ તો સમજ્યા કે આવી ઘટના તો દુનિયામાં ક્યાંકને ક્યાંક બનતી જ રહે છે. જેની ચર્ચા પણ થતી નથી કે પછી આપણને એવા ‘બ્રેકિંગ’ સમાચારો  હવે રસ નથી રહેતો. પણ હવે આપણે એમ કહીએ કે…આ આગને ‘બેકિંગ ન્યુઝ’ ગણી તેમાં શેકાયેલા કેટલાંક નવા જ રોટલાંની વાત જાણવા મળે તો?….કોઈક રસ જાગે પણ ખરો. ખરું ને?

થયું એમ કે… બનેલી આગની આ નાનકડી ઘટનામાં ત્યાં જ રહેતી બાઈ મિસિસ સ્વિટ બ્રાઉને તેની પાસે આવી પહોંચેલા એક ટી.વી. ન્યુઝ રિપોર્ટરને તેના કાળા અંદાઝમાં સફેદ પ્રતિભાવ આપ્યો. ને બસ…પછી તેને અવનવા રંગો લાગી ગયા.

ઇન્ટરનેટના કેટલાંક શબ્દ-રસોઈયાઓને તેના બોલાયેલા આ ઘટનાત્મક શબ્દોમાં સંગીત સંભળાયું ને તેમણે શેકી નાખી આગની તાપ પર વાઈરલ રોટલી.

એક વિરલાએ શબ્દોને ‘રેપ’ મ્યુઝિકના ગીતની કડીઓ ગણી રિધમ બનાવી. તો બીજાએ ‘રેગે’ સ્વરૂપ આપ્યું. હવે આમાં કુલ્લે કેટલી વણાઈ ને કેટલી શેકાઈ રહી છે તેના સમાચાર તો આ યુ-ટ્યુબવાળાઓ જ આપી શકે ભ’ઈ શાબ!

પણ આ ઘટનામાં એક વેપારી વાત પણ બની છે. કેટલાયની કેરિયર બની ગઈ. સંગીતનું આવુ વાઈરલ ઇન્ફેક્શન જોયા પછી થોડાં દિવસો બાદ ખુદ મિસિસ ‘સ્વિટ બ્રાઉન’ રિપોર્ટર્સને કહે છે કે “હાયલા! હું આવું ય ગાઈ શકું છું?…. ખરેખર કોલસો પણ આગમાં ચમકી જ શકે છે?”!!!!!?!!?!?!!?!?”

…The Quick ‘Sweet Brown’ Fox Jumps Over Crazy Dogs! તે આનું નામ!

લ્યો ત્યારે આપ લોકો પણ જોઈ લો કે આગની કથા-વ્યથા અહીંથી શરુ થઇ…..

The Original One: 

.

…ને પછી સંગીતના આવા વાયરા ફૂંકાયા…

 .

.

 

આઃહ ! અને ઓહ! આ બનાવ જોયા બાદ કૈલાશભાઈની પેલી પંક્તિને પલટાવી હવે કહેવું પડશે કે…

“દર્દને રોયા વિના ગાયા કરો”.

વેપાર વાઇરસ:: મેઇડ ‘આઉટ’ ચાઈના ટાઉન !

એનું નામ આદમ હન્ફ્રી. વેકેશનમાં તેને ફરવા માટે ચાઈના જવું હતું. એટલે ફોર્મમાં આવીને તે ઇન્ટરનેટ પર ચાઈનીઝ કોન્સ્યુલેટની વેબસાઈટ પર લાંઆઆઆઆમ્બુ-લચક વિઝા-ફોર્મ ભરવા લાગી ગયો. હિસ્ટ્રી-જ્યોગ્રાફિ અને સિવિક્સના મરી-મસાલાથી ભરપુર એવા આ ફોર્મ ભરવામાં જ તેને ખાસ્સો એવો સમય કાઢવો પડ્યો. કહેવાય છે કે ભણવા માટે ચીન પણ જવું પડે તો જાઓ. પણ અહીંયા તો ભણી-ગણીને જવું પડે એવી હાલત થઇ ગઈ.

ખૈર, ઓનલાઈન ફોર્મ ભરી પ્રિન્ટ-આઉટ લઇ બીજા જરૂરી એવા ડોક્યુમેન્ટ્સ લઇ આદમ હમ્ફ્રી ન્યુયોર્કની ચાઈનીઝ કોન્સ્યુલેટમાં વિઝા એપ્લાય કરવા માટે આવી ગયો. પણ ત્યાં પહોંચ્યા એને બાદ ખબર પડી કે વિઝા-એપ્લીકેશનનું ફોર્મ તો સાવ બદલાઈ જ ગયું છે. જે ફોર્મ ઓનલાઈન ભરવાનું હતું તે બીજું જ હતું……ભેંસ ગઈ હડસન નદીમાં !

શાંત ચિત્ વાળા આદમભાઈને ગાંધીગીરી કરવાનો પહેલો મોકો મળ્યો.

“સર ! આપ મને નવા ફોર્મ માટે મદદ કરી શકશો?

“ના, નહિ કરી શકીએ.”

“સર ! આપની પાસે બીજું પ્રિન્ટેડ ફોર્મ મળશે?”

“ના, નહીં મળે.”

“સર ! નજીકમાં કોઈ સાયબર કેફે છે?”

“હા ! છે. બર્ગર-કિંગમાં”

ખોરા આદમી જેવા એમ્બેસીના ઓફિસરોને તો અસહકારનું આંદોલન કરવું હતું એટલે આદમભાઈને મોકલી આપ્યો નજીકમાં આવેલા બર્ગર-કિંગ ફાસ્ટ-ફૂડની અંદર રહેલા સાયબર કેફેમાં. જ્યાં જઈ તેને બીજું એક નવું ફોર્મ ભરવાની નવેસરથી શરૂઆત કરવાની હતી.

આદમભાઈ આવી પહોંચ્યા એ કેફેમાં જ્યાં તેના જેવા બીજા ઘણાં ફસાઈ ગયેલા ‘આદમી’ ઓ દેખાયા. એ સૌ ત્યાંના કોમ્પ્યુટર પર ફોર્મ ભરવામાં મશગૂલ હતા. હજુયે શાંત ચિત્તની અસર હેઠળ રહેલા આદમને ત્યાં મગજમાં એક ચમકારો થયો. માથા પર ચમકેલા એ બલ્બમાંથી તેના દોસ્ત સ્ટિવન નેલ્સનનો નંબર દેખાયો.

“સ્ટિવ, એક જોરદાર આઈડિયા આવ્યો છે. તારી મદદની સખ્ત જરૂર છે. બસ અમલ કરવો છે માટે એક મોટી પેન્સકી-વાન ભાડે જોઈએ છે. આ ચીનાઓની કોન્સ્યુલેટ બહાર લઈને આવી જા.” –

સમજો કે ગાંધીગીરીનો હવે આ બીજો એક મોકો હતો.

સ્ટિવે તો આદમની આ વાત પર બીજી ઘડીએ સહકાર નોધાવી દીધો. ને પછી કોઈ સર્ચ- રિસર્ચ- બિઝનેસ મોડેલ પર બહુ લાંબી ચર્ચા કર્યા વગર…કોઈ પણ પ્રકારની બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી લીધા વિના કે પછી કોઈ પણ માસ-મોટું રોકાણ કર્યા વગર…બે દિવસ બાદ શરુ થઇ ગયો મોબાઈલ વિસા કન્સલ્ટન્સી બિઝનેસ.

એક લેપટોપ, એક પ્રિન્ટર, બે-ત્રણ ખુરશીઓ, એક અલગ તરી આવે એવો બ્લ્યુ ગણવેશ ધારણ કરી અને ૧૦ ડોલરની ફીમાં આદમે ઓનલાઈન ફોર્મ ભરી આપવાનો આ નાનકડો ‘બિઝનેસ’ હજુ સાડા ૩ મહિના પહેલા જ શરુ કર્યો છે. ઓફ કોર્સ કમાણીની મધ્યમ શરૂઆત તો થઇ જ ચુકી છે અને સર્વિસની સુવાસ ફેલાવા પણ ફેલાવા લાગી છે. ગ્રાહકો વધવા લાગ્યા છે એટલે ફી પણ ૨૦ ડોલર વધારી દીધી છે. પછી તો તેના દોસ્ત નેલ્સનની મદદ સાથે-સાથે એક ચીની-મીની દોસ્ત પણ જોડાઈ ગઈ છે. જે ચાઈનીઝ ભાષાની અનુવાદક છે.

Adam's-Visa-Consultancy-Service

આ ત્રણેઉ ભેગા મળી દિવસના આશરે ૫૦૦ ડોલર્સની કમાણી વાનમાં બેઠાં બેઠાં કરી લ્યે છે. વેપારના તેમના આ ધર્મમાં જો કોઈ બૌદ્ધ સાધુ ગ્રાહક તરીકે આવે છે તો તેને ૫ ડોલરનું ડિસ્કાઉન્ટ પણ આપી દે છે… એમ માનીને કે તેમના થકી થોડું હજુ વધુ સારુ ‘સદ્કર્મ’ થઇ શકે!…!

દોસ્તો, એ તો શક્ય છે જ કે દુનિયામાં આવા તો દરરોજ અગણિત કેટલાંય આદમો જન્મતા હશે ! એવી ઘણી કથાઓ છે…વ્યથાઓ છે. જેમાં કેટલાંક પોતાની જાતે ઉઠતાં હશે ને બાકીના પર‘પોટા’ની જેમ ફૂટતાં હશે. આ તો જેનું ‘ફોર્મ’ લાંબુ હોય છે તેની ચર્ચા થાય છે.

તમારી કે તમારી જાણમાં હોય એવી વ્યથા છે જેની કથા થઇ શકે?       

“તકલીફમાંથી તકને જે લીફ્ટ કરી જાણે એ ખરો ‘આદમી’.”

– મુર્તઝાચાર્ય 🙂

સર‘પંચ’

બિના મચાયે શોર…ચોરી કર જાયે ચોર…

ડાયલોગ્સ વગરની CCTV માં ઝડપાયેલી (કે બનાવાયેલી) એક હટકે એડવર્ટાઈઝમેન્ટ જોવી હોય તો જોઈ લ્યો….પછી કશુંયે બોલવું ‘ની’ પડે ને પાછી જોવા મજબૂર કરી દેશે એની ગેરેંટી….જી!

દોસ્તો, તમારા કોઈ એવા સ્વજન છે જેમને આ બ્લોગ-પોસ્ટ મદદરૂપ થઇ શકે?-

વેપાર વિસ્મય: ૬૦ સેકન્ડ્સમાં ઈન્ટરનેટની વેપારિક દુનિયામાં શું શું બને છે?

60_Seconds

પ્રોગ્રામિંગ-કોડિંગની ખૂબ ઝડપથી વિકસતી ટેકનોલોજી વડે બનતી ઘટનાઓનું એનાલિસીસ કરવું દિવસે દિવસે આસાન બનતું જાય છે. પહેલા વાર્ષિક…પછી માસિક…તે બાદ દૈનિક… ત્યાર પછી કલાકિક અને હવે રિયલ-ટાઈમ આંકડા મળે છે. આજે ઈન્ટરનેટ એવી સ્થિતિમાં છે કે…લેવાતા શ્વાસને પળવારમાં (સેકન્ડ્સમાં) નેટ પર વાઈરસની જેમ ફેલાવી શકાય છે. એનું સચોટ ઉદાહરણ એટલે ટ્વિટર-ફેસબુક અને ગૂગલ પ્લસની વોલ (ડીજીટલ દિવાલ). પણ આ સાથે સાથે બીજા કેટલાંક માધ્યમો વિકસીત થઇ રહ્યાં છે. જે નાનકડા ખૂણે કે મોટકડા મેદાને કોઈક રીતે અલગ અલગ સેવા કે વસ્તુને વિકસાવવામાં મદદરૂપ થાય તેવા છે.

દોસ્તો, આજે થોડી એવી માહિતીઓ શેર કરવી છે. જેમાં શબ્દોની પાછળ રહેલી સંખ્યાઓ કાંઈક એવા સિક્રેટ્સ કહી જાય છે. જેની મદદથી આપણને કોઈક એવા પ્રોજેક્ટ, વિચાર-આઈડિયાને વિકસાવવા મદદરૂપ થઇ શકે. જેમ કે…આ ૬૦ સેકન્ડ્સમાં….

  • ૧૬૮,૦૦૦૦,૦૦ જેટલાં ઈ-મેઈલ્સની આપ-લે થઇ જાય છે…એટલે ‘ઈ-મેઈલજોલ’ રાખવા માટે આ બાબત ઘણી કામની છે. (જોકે આમાં મેલ-ફિમેલની માહિતી પર વધારે અભ્યાસ ચાલુ છે.)
  • ગૂગલદાસના સર્ચએન્જીનમાં લગભગ..૬૯૪,૪૪૫ સમસ્યા-ક્વેરીઝ-સવાલો પૂછવામાં આવે છે…જેનો જવાબ મળે છે ત્યારે પહાડમાંથી સોય શોધી કાઢી હોય એમ લાગે છે. (એક નવા નવા પહોંચેલા પટેલ સાહેબે લખ્યું કે Free Food  Hotels in USA. ત્યારે પરિણામ મળ્યુ કે ‘ગુજરાતી છો?’)
  • વાઈકીપેડીયા (ઈન્ટરનેટ વિશ્વકોષ) પર એક નવો આર્ટિકલ સર્જાય જાય છે અને દોઢેક આર્ટિકલ્સ અપડેટ થઈ જાય છે. (તમારી પાસે કોઈક ખાસ માહિતી હોય તો મોકળું મેદાન આજે જ બનાવી લ્યો…)
  • ફેસબુક પર ૬૯૫,૦૦૦ જેટલાં તો સ્ટેટ્સ અપડેટ્સ થઈ જાય છે.. જેમાં ૭૯, ૩૬૪ જેટલી વોલ-પોસ્ટ્સ લખાઈ જાય છે…અને ૫૧૦,૦૪૦ જેટલી કોમેન્ટ્સ મારવામાં આવે છે….(આમાં ‘લે હું તો લખી લખીને આ નવરી પડી…એવો મેસેજ પણ લખવામાં આવે છે…)
  • ટ્વિટરસાહેબ ૩૨૦થી વધારે નવા એકાઉન્ટ્સ બનાવે છે ને તેના દ્વારા લગભગ ૧ લાખ જેટલાં ટ્વિટર સંદેશાઓ મોકલવામાં આવે છે….(આમાં ‘ઓહ! આ પાંચમી વાર ‘જવું પડ્યુ’ છે.’ એ પણ ગણી લેવાનું હોં!)
  • લિન્ક્ડઇન નામની સુપર કારકિર્દી-વેપાર વિકાસ માટેના પ્લેટફોર્મ પર ૧૦૦થી પણ વધું નવા લોકો પોતાની પ્રોફાઈલ નોધાવે છે. (ઓહો…ઓહો પ્રોફેશનલ તકોની ભરમાર છે એમાં ભગિની-બંધુઓ, તમે ત્યાં છો ને?)
  • ૫૦થી વધારે નવા પ્રશ્નો ‘યાહૂ આન્સર’ પર પૂછવામાં આવે છે. (“તમારો શું સવાલ છે?– આ પણ એક સવાલ છે…)
  • ફ્લિકર નામની ફોટોગ્રાફ્સ સંગ્રહ કરતી Cool સાઈટ પર ૬,૬૦૦ નવા નરમ-ગરમ ફોટોઝ ઉમેરવામાં આવે છે.
  • ગૂડ-લૂકિંગ ટમ્બલર’ પર ૨૦,૦૦૦થીયે વધું નવા બ્લોગાલ્બમ સર્જાય છે.
  • ૧૫૦૦થી પણ વધુ બ્લોગ-પોસ્ટ્સ પ્રકાશિત થાય છે. જેમાં ૬૨ જેટલાં નવા બ્લોગ્સનું સર્જન પણ આવી જાય છે…(કેટલાંક જબરદસ્ત માહિતીઓથી ને કેટલાંક જબરદસ્તીથી મારવામાં આવેલી માહિતીઓથી)
  • ૭૦થી વધુ ડોમેઈન નામ રજિસ્ટર્ડ થાય છે…(યાર..હવે તો દાળભાત.કોમ પણ રજીસ્ટર્ડ છે રે!)
  • યુટ્યુબ પર ૬૦૦થી વધારે નવા વિડીયો ઉમેરવામાં આવે છે….જે એવરેજ ૨૫ કલાક સુધી જોઈ શકાય. (હવે તમેજ કહો કે…આપણા એકલાની ફિલ્મ થોડી ઉતરતી હોય છે..આતો ગામ આખાની વાત થઇ!!)
  • આઈ-ફોનમાં ૧૩,૦૦૦થી વધુ એપ્સ’ ડાઉનલોડ થઇ જાય છે. જેમાં ‘ગેમ્સ’ સૌથી વધુ ભાગ ભજવે છે.
  • હાયલા…૩ લાખ સિતેર હજાર જેટલી મિનીટોની વાતચીત એકલા સ્કાય્પ પરથી થાય છે. (આમાં સ્ત્રીઓ કેટલી હશે એ વિશે વધારે રિસર્ચ ચાલુ છે)….

આ સિવાય બીજી ઘણી એવી અગણિત માહિતીઓનો ‘પહાડ’ આ ૬૦ સેકન્ડ્સમાં ભ‘રાઈ’ રહ્યો છે. જે વિશે થોડાં નવા અંદાઝમાં આવનારા પોસ્ટ્સ પર જાણવા મળવાનું છે.

હવે તમને આ બધાં રિસોર્સનો ઉપયોગ કરવાની જરાયે જરૂર નથી…આ તો એ લોકો માટે લખવામાં આવ્યું છે જેમને કાંઈક વેપાર કરવો છે…જેને પોતાની કારકિર્દી બનાવવી છે. ને જે લોકો ભારતની બહાર ‘કાંઈક’ હટકે કરવા નીકળ્યા છે….બાકી પાનનો ગલ્લો, ચાહની કીટલી, દિલ્હીનું ઈટાલી, રામલીલા મેદાન કે અકબર રોડ….ક્યાં દૂર છે?

પહેલા સરપાવ: લખાયેલી આ આખી દેશી પોસ્ટ્સનું અંગ્રેજીકરણ આ રહ્યું. ને હવે…

સર‘પંચ’

મહેનતનું મધ ખૂબ મીઠ્ઠુ તે આનું નામ….આફ્રિકાના જંગલમાં ૪૦ મીટર ઉંચા ‘ટેટે’ ઝાડ પરથી મધ પકડતો આદિવાસી. સાચે જ… ‘આમ’ માનવા જઈએ તો તેની મીઠાશ નો ‘કતરો’ પણ મળતો નથી. પણ ‘તેમ’ માણવા જઈએ તો ઉંચે ચઢ્યા પછીની મીઠાશનો ‘ઇસ્કોતરો’ મળી આવે છે. હવે કહો જોઈએ….લાઈફમાં બહુ ‘ટેટે’ કરવી સારી કે નહિ ?

મહેનત…મનોરથ…મધ…મદદ, મિઠાશની માહિતીઓ…આ મુર્તઝા પાસેથી…વખતો વખત મેળવવી હોય તો આજે જે આ બ્લોગ સબસ્ક્રાઈબ કરાવી લ્યો.

વેપાર વિચાર | જે બાબતે ચોળીને ચીકણું ના કરવું પડે એનું નામ….?

એક બહુપ્રસિદ્ધ કોસ્મેટીક્સ કંપનીમાં આ નાનકડી (પણ મોટી વાત કહી જતી) ઘટના બની. થયું એવું કે….તેના કસ્ટમર-કેર વિભાગમાં એક ગ્રાહક તરફથી ફરિયાદ આવી.

“તમારી બ્રાંડના સાબુનું ખરીદેલું પેકેટ મને ઘરે ખોલતા ખાલી મળી આવ્યું છે….આવું કેમ થયું?”

ચારેબાજુ ચક્રો ગતિમાન થઇ ગયા. આવું થાય જ કેમ?!?!?!…આધુનિક ટેકનોલોજીવાળા મશીનથી દરેક બોક્સનું ક્વોલિટી ચેક કરવામાં આવે છતાં?!?!?!- ના પોસાય! એસેમ્બ્લી-લાઈનથી લઇ શિપિંગ વાન સુધી પ્રોબ્લેમની ચકાસણી થઇ. ને ખરેખર એ દરમિયાન અમૂક લાખે બીજા ૨-૩ બોક્સ ખાલી મળી આવ્યા અને સાથે થયેલા આ પ્રોબ્લેમની કડી પણ મળી આવી.

ટોપ મેનેજમેન્ટમાં ગઈ ફરિયાદ. માર્યા ઠાર!…પ્રોડક્શન વિભાગનું આવી બન્યું. પણ પ્રોબ્લેમ ને બદલે નિવારણ (સોલ્યુશન) પર ફોકસ કરવામાં આવ્યું. આવું કેમ બને?- એન્જીનિયર્સ, ટેક્નીશીય્ન્સની તાબડતોબ મીટીંગ બોલવામાં આવી…એક્સરે-મશીનમાં, એલીવેટરમાં, ફીલરમાં કોઈ ખોટ ન જણાઈ…બધું સલામત…બધું બરોબર. તો પણ ખાલી બોક્સ હાથતાળી આપી સરકી જાય. (ને જોડે ઈજ્જતનો નાનકડો ધજાગરો કરતુ જાય) …

સરકતા સાબુના લાખો બોક્સમાંથી ખાલી બોક્સ પકડવો કઈ રીતે? આઈડીયાઝ મેળવવાનું બ્રેઈન-સ્ટોર્મીંગ થયું. પણ એ બધાંનું ભરેલું મગજ સાબુના ખાલી બોક્સ પાછળ પાણીમાં બેસી ગયું….

પ્રોડક્શન વિભાગના એક (અ)સામાન્ય વર્કરને કાને વાત પહોંચી. તેણે આ નાનકડા બોક્સ માટે પોતાની અનુભવી સા.બુ. વાપરી. ‘ટોપ’ મેનેજમેન્ટના એ સૌ ‘ખાંટુઓ’ને આ ‘વર્કરે’ થોડી જ વારમાં પ્રોડક્શનની પેલી ‘બોટમ’ વાળી જગ્યાએ ભેગા કર્યા જ્યાંથી સાબુના બધાં જ બોક્સ સીધા કાર્ટનમાં જમા હતાં. ત્યાં તેણે એક નાનકડો પંખો ચાલુ કરી ફૂલ સ્પિડ પર મૂકી દીધો.

“સાહેબો! જે ખાલી બોક્સ હશે તે આપમેળે આ પંખાની હવાના જોશથી બાજુમાં ખસી જશે ને ભરેલુ બોક્સ આગળ વધી જશે….પ્રોબ્લેમ સોલ્વ્ડ. જાવ કામ કરો અને કરવા દો.”

“જે બાબતે ચોળીને ચીકણું ના કરવું પડે એનું નામ સા.બુ.!

વેપાર વાઇરસ: “ભૂખ્યાં નથી રહેતાં એ નારી કે નર, ઉપયોગ કરે છે નેટ-કળથી જે પોતાનો હુન્નર”

Creative-Apple-Marketing

સાહેબ! નથી કરવી તમારી નોકરી….જેટલાં રોકડાં હું તમારી કંપનીમાંથી કમાઈ શકું છું તેના જેટલાજ…અરે બલકે થોડાં ઓછા પણ કમાઈ લઈશ તો ય મને વાંધો નહિ આવે. પણ તમારા માટે કમાવવા કરતા મારા ખુદના માટે કમાવવું મને વધારે લાભદાયક લાગે છે.

જો જો પાછા….આ ઉપર મુજબનો ઘસાયેલો ડાયલોગ કોઈ ટેલીફિલ્મ, સિરીયલ કે નાટકનો ન સમજતા દોસ્તો!…

આ સવાંદ તો સાચેસાચ થોડાં વર્ષો અગાઉ બે સ્ટીવો નામના જીવો વચ્ચે બની ગયેલો. અને તેય તેમની પાકા એપલ જેવી ઈંગ્લીશ ભાષામાં…તેમાં બોલનાર હતો સ્ટિવ શાઝીન અને સાંભળનાર સ્ટિવ જોબ્સ.

યેસ!…એનું નામ સ્ટિવ શાઝિન. એ ખરું કે તેના કેરિયરની શરૂઆત એપલ કંપનીમાં તેના હમનામી અને ક્રિયેટિવ કિંગ ‘સ્ટિવ જોબ્સ’ સાથે સોફ્ટવેર પ્રોગ્રામર તરીકે ડાઈરેક્ટ કામ કરીને થઇ. પણ વખતે ગુરૂજ્ઞાન થતા બીજાની ‘જોબ્સ’થી છુટ્ટા પડી પોતાની જોબ મેળવવાની એની અનોખી અદા અને કળા દ્વારા તેણે ‘હજારોમાં (લાખો કરતા થોડાં જ ઓછા સમજવું) હટકે’ ઓળખ પ્રસ્થાપિત કરી છે.

આજે એ સ્ટિવબાબાની એ વેપારીક ભક્તિ થી મુક્તિની જ નાનકડી કથા કરવી છે. વાત ધાર્મિક નથી…માર્મિક છે. ખુદને ગમતા કામનો ધર્મ શું છે તે થોડી સમજવાની છે….ને વધારે ‘એપ્લાય’ કરવાની છે.

તો…સ્ટિવ જ્યારે એપલમાંથી હજારો..હજારો ડોલર્સની નોકરીને મૂકી રહ્યો હતો ત્યારે તેણે વિચાર્યું ન હતું કે આહ્ય્લા!  મારુ પેટ કેમ ભરીશ? મા-બાપને, બૈરી-સાસરાને….અરે દોસ્ત-લોકોને શું મોં બતાવીશ…?!?!?

બસ એ તો દિલમાં હામ, ‘હોમ’માં દિલદારી દાખવી આવી ગયો બહાર જેમ એપલમાંથી અળસિયું.

આ વાત બની છે બસ હજુ થોડાં જ વર્ષ પહેલા…૨૦૦૭ના અરસામાં. ત્યારે ઈન્ટરનેટ પર બ્લોગ નામનું બાળક હજુ પા પા પગલી ભરી રહ્યું હતું. તે વખતે આ બ્લોગબેબીની અસાધારણ પ્રતિભા સમજી લઇને સ્ટિવભાઈએ તેને અપનાવી લઇ નેટાળો બ્લોગી બની ધૂણી ધખાવી દીધી. જેમાં તેણે જુનવાણી લાગતા તેના રિઝ્યુમ/બાયોડેટાને હોમી દીધા. કેમ કે તેના બદલે તેને એક અનોખી ભલામણનો ઉપયોગ કરવાનો હતો.

જો કે એકાદ વર્ષ ખુદના બિઝનેસને જમાવવામાં આરામથી પોતાના કુટુંબ સાથે સર્વાઈવ કરી શકે એટલું રોકડું તો તેણે પહેલાથી ખિસામાં પારખી લીધું હતું. એટલે ટેન્શન એ ન હતું. એ તો હતું કે…આ બ્લોગ પર શું લખવું, કેવું લખવું, ક્યાંથી લખવું, કોને માટે લખવું…

એ તો સારું થયું કે આવા બધાં પ્રશ્નો માટે સ્ટિવઅન્નાને કોઈ પણ પ્રકારનું લોકપાલ બિલ બહાર પાડવું ન પડ્યું. અરે બાપા!…ક્યાંથી જરૂર પડે? એ તો ક્રિયેટિવિટીનું ‘એપલ પાઈ’ ખાઈને ઉપરવાસમાંથી આવ્યો હતો.

એવા અરસામાં આઈપોડ, આઈફોન, આઈમેક, આઈટ્યુન્સ જેવા ઈલેક્ટ્રોનિક શસ્ત્રોથી સજ્જ એપલ કંપની આગે કુચ કરી રહી હતી ત્યારે આ કુચકદમમાંથી ભલેને પોતે નીકળી ગયો હોય પણ હઇશો…. હઇશો…નો ઘોંઘાટ હજુયે ચાલુ હતો. ને તેવા જ ઘોંઘાટમાં તેને એક સુરીલો સ્વર સંભળાયો સ્ટિવભાઈને એક ઉપાય પણ સૂઝી આવ્યો. જેને માટે નોબલ પ્રાઈઝ તો નહિ પણ મજાનું અલગ પ્રાઈઝ મળવાનું હતું જેની તેને ખુદને ખબર ન હતી. એ તો બેસી ગયો માર્કેટિંગનાં મંત્રો ફૂંકવા.  

“એપલના માર્કેટિંગ સિક્રેટ્સ અને મારા અનુભવો દ્વારા તેમાંથી હું શું શીખ્યો?”

બસ! સ્ટિવબાપુને મળી આવ્યો વિષય ને ઠપકારી દીધી ઈ બાપુ એ હાવ નાનકડી ઈ-બૂક….સાવ મફતમાં. કરોડો વાંચકોની વચ્ચે શરૂઆતમાં આ નાનકડી પુસ્તિકા…કોને મળે?…કોણ વાંચે?…પણ સ્ટિવભાઈ એમનું નામ. ગુરુ પાસેથી શીખેલો પદાર્થ પાઠ કાંઈ એમને એમ થોડો એળે જાય? વધુમાં બ્લોગમાં રહેલી પેલી ટેકનોલોજીની રજ  વાળી હવાએ જોર પકડ્યુ. ને જેમને જરૂરી લાગે એવા લોકો પાસે ઈ-બૂક પહોંચવા લાગી. થોડાં જ દિવસોમાં, પછી મહિનાઓમાં, ને આજે તે પાછલાં વર્ષોથી ઈ-બૂક હજુને હજુ વખતો વખત ડાઉનલોડ થતી રહે છે.

તમારો મનમાં જાગેલો સવાલ: મુર્તઝાભાઈ, પછી શું? આમાં સ્ટિવભાઈના કેટલાં ટકા? એમના હાથમાં શું આવ્યું?..કાંકરી કે ખાખરી?

તમારા મગજમાં મુકાતો જવાબ: સ્ટીવ સાહેબની જે તીવ્ર ઈચ્છા હતી તે. તેમને મળ્યું ઉપયોગી થઇ શકે તેવા સમજુ લોકોનું એક ગ્રુપ. અને એ ગ્રુપનો પ્રોફેશનલ સહારો. છે ને…‘સર’પ્રાઈઝ’?!!?!!?

આજે સ્ટિવ શાઝિન ઈન્ટરનેટના પ્લેટફોર્મ પર પોતાની માર્કેટિંગ-કળાનું જ્ઞાન અને સલાહ-સૂચનો દ્વારા કેટલીયે કંપનીઓ અને વ્યક્તિગત લોકોને મદદ કરીને કમાણી કરે છે. સેમિનાર્સ ઓર્ગેનાઇઝ કરી આજની જરૂરી એવા ઇનોવેટીવ માર્કેટિંગના સિધ્ધાંતોને શીખવે છે. એ સિવાય હજુયે ઇનડાયરેકટ એપલનું માર્કેટિંગ તો ખરું જ. કેમ કે તેનું માનવું છે જે ડાળ પર બેઠા હોઈએ તેના પર પથ્થર કેવી રીતે મારી શકાય?

મિત્રો, (અને ખાસ કરીને કોલેજ જતાં દોસ્તો)….. ઈન્ટરનેટ તમને તમારા ભાંગ્યા-તૂટ્યા અંગ્રેજી માટે નહિ પણ દિમાગની નસોમાં છુટાં થઈને ફરતા પેલા આઈડિયાઝને બહાર કાઢવા માટે…

તરસ્યું થઇ બોલાવી રહ્યું છે……

હવે તમે ક્યારે વરસો છો?….

હવે તમને લાગે છે આવું ‘સર’પ્રાઈઝ મળ્યા પછી આજે કોઈ સર ‘પંચ’ની જરૂર છે? – એ માટે સ્પેશિયલ પોસ્ટ ભરી લાવીશ..જલ્દી થી. ત્યાં સુધી…

દોસ્તો, તમારા…દોસ્તોમાં, ગ્રુપમાં, સગાંઓમાં, કોન્ટેક્ટલીસ્ટમાં એવી વ્યક્તિ(ઓ) હોય જેમને આ બ્લોગ ઘણો ઉપયોગી થઇ શકે? તો એમના નામ અને ઈ-મેઈલ નીચેના આ સ્પેશિયલ બોક્સમાં જણાવી શકશો?