તહેવારો આપણને ભીનાં રાખવાનું કામ કરે છે. અને એમાં થતી મસ્તી અને મોજ આપણને ભિન્ન રાખવાનું પણ કામ કરે છે.
એટલે તહેવારોની મોજણી વચ્ચે બંદાએ પણ એક મોજીલું કામ એ કર્યું કે ‘કોરા રહીને પણ ‘ક્વોરા’ને લગતો એક મીની-પ્રોજેક્ટ કમ્પ્લિટ કર્યો.
ક્વોરા.કોમ ! એટલે કે કવેશ્ચન્સ અને આન્સર્સ દ્વારા માહિતી અને જ્ઞાન પીરસતી બીજી એક સોશિયલ-મીડિયા સાઈટ. તમારાંમાંથી ઘણાં એવાં હશે જ, જેઓ સવાલોની મઝા માણવા કે મનમાં ઉદ્ધભવતાં સવાલોનું નિરાકરણ કરવા એ સાઈટ પર (ફેસબૂકની જેમ મુકાલાત નહિ, પણ) મુલાકાત લેતા હશે. 😛
હાં ! તો મારી મીઠડી પર્સનલ આદત મુજબ ત્યાં અપાયેલાં મજેદાર સવાલ-જવાબોનું એક કોમ્બિનેશન-પૅક બનાવી તેને ‘કોરા-કટ’ પુસ્તક રૂપે પ્રોફેશનલ આદત મુજબ એમેઝોન કિન્ડલ પર પબ્લિશ કર્યું છે. અને એ પણ સાવ મફત !
યસ ! આપણા સૌનો પ્રિય શબ્દ ‘મફત’ મેં ઘણાં દિવસો બાદ આ પુસ્તકમાં એપ્લાય કર્યો છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે ક્વોરા પર વારંવાર ગયા વિના એક જ શોટમાં તમારી ફુરસદે આ સવાલ-જવાબોના ફોરાંથી તમેય ભીંજાઈ શકો.
(આડી વાત: બહુ બોરિંગ ના થવાય એટલા માટે ફક્ત ૧૫૦ સવાલો લઈને ટ્રાયલ લીધેલી છે. જો તમે વાંચ્યા બાદ એટ લિસ્ટ એવો મેસેજ મોકલશો કે “નેક્સ્ટ ભાગ પણ આવવા દ્યો.” -તો હું તુરંત તેની સિરીઝ/ ભાગો બનાવવા માટે ભાગી નીકળીશ.)
‘કોરા કટ’ પુસ્તક તમને ગમશે તો ખરું જ. (કેમ કે એમાં મેં દિલથી દિમાગી જવાબો આપ્યાં છે.) પણ કેટલું ગમશે તેનો આધાર તમારી મારી પ્રત્યેની લાગણી અને મુહબ્બત પર છે. બસ ! ધ્યાન રહે કે કાંઈક અવનવું જાણવા મળે, મોજ મળે અને ખુશી મળે. કારણકે ખુશ રહેવું, મોજીલા રહેવું એ આપણી સ્વ તેમજ સામાજિક જવાબદારી છે. એટલે જ ‘કોરા-કટ’ ઈબૂક તમને સવાલ-જવાબો દ્વારા ભીના કરવાનો એક ઇન્ટરેક્ટિવ પ્રયાસ છે.
દસ વર્ષ અગાઉ જ્યારે ભરપૂર વાંચ્યા બાદ લખવાની શરૂઆત કરી ‘તી (યકીનન ! તમે ફેસબૂકની ટાઈમલાઈન ચેક કરી શકો છો) ત્યારે મારી પર ઘણાં લેખકોનો પ્રભાવ હતો.
ખાસ કરીને માર્કેટિંગની ધજા ફરકાતો આવ્યો ‘તો ત્યારે બ્રાયન ટ્રેસી, સેઠ ગોડિન, જેફ વૉકર (સોરી ! એ આપણા જોહ્ની વૉકરનો ભાઈ નથી હોં ને), જેય અબ્રાહમ, ટોની રોબિન્સ, ઇબેન પેગન જેવાં ઘણાં ધૂરંધરોની બૂક્સ, ઓડિયો-વિડિયોઝથી હું નહાયેલો હતો.
પછી આ દશકમાં તેમના ગાઈડન્સ, ઇન્ફ્લ્યુઇન્સથી બીજાં ઘણાં માર્કેટિંગ ક્રિયેટિવ્સ સાથે પણ પનારો પડ્યો છે. જેમાં જેમ્સ અલટૂચર, બ્રાન્ડન બરશાર્ડ, ગેરી વેઈનરચૂક, ગ્રાન્ટ કાર્ડન જેવાં સુપર દિમાગવાળાં માર્કેટિંગ માસ્ટર્સ શામેલ છે.
જેઓએ મને વિચારતા, વાંચતા, લખતા અને પ્રેઝેન્ટ કરતા શીખવ્યું છે. તેમની ગુલાબો-સીતાબો-કિતાબોએ મારી પણ લાઈફ ‘આઈડિયાઝ’થી ભરી દીધી છે. એવાં ‘ગુરુ’ઓનો હું ‘શુક્ર’ગુઝાર છું.
પણ આ સૌમાં મને તેમની કેટલીક વાતો (અ)સામાન્ય લાગી હોય તો તે એ છે કે:
🗣 “ગમે તેવાં સંજોગો હોય, પરિસ્થિતિ હોય, છતાં હંમેશા તમારી જેટલી તાકાત હોય એટલું ઊંચું અને અસીમ વિચારવાની ટેવ રાખવી.”
🗣 “તમારી પાસે જો યુનિક વિચાર હોય, આઈડિયા હોય, પ્રોડક્ટ હોય, સર્વિસ હોય કે સ્કિલ હોય. તેને જરૂરી એવાં દરેક પ્લેટફોર્મ્સ પર બિંદાસ્ત માર્કેટિંગ કરી વહેંચતા રહો, વેચતા રહો.”
🗣 “જે કાંઈ સમાજોપયોગી સેવા, વસ્તુ કે સ્કિલ હોય તેને યુનિક રીતે, ક્રિયેટિવ રીતે, સાવ અલગ લાગે એ રીતે પેશ કરો, કેશ કરો અને પછી એશ કરો.”
🗣 “આઈડિયાનો જમાનો છે. એટલે અત્યારે જે રીતે ટુલ્સ અને પ્લેટફોર્મ્સ મળ્યાં છે તે સૌથી શ્રેષ્ઠ અને આઇડિયલ છે. તો પછી તેનો ઉપયોગ પણ સુપર-શ્રેષ્ઠ થાય તે માટે સતત નવું વિચારતા રહેવુ. અમલ કરતા રહેવુ. ભલેને પછી વય કોઈપણ હોય. બસ તે વ્યય ન જાય તેનું ધ્યાન રાખવું. નહીંતર..
🗣 “મોતના બિછાને હોવ ત્યારે ‘બધું હતું છતાં કર્યું નહિ.’ એવો કોઈ જ એ વસવસો ન રહી જાય. કારણકે એ વસવસો બહુ જલ્દી માનસિક મોત આપી દેતું હોય છે.”
તો હવે સ્કિલ્સને, સોલ્યુશન્સને કોરેકોરા કબરમાં દફનાવી દેવા કે બાળી નાખવા એ દરેકની અંગત ચોઈસ છે. પણ ધ્યાન રહે એ ચોઈસનું પરિણામ આપણા જીવનની ‘વ્યાખ્યા’ આપવા માટે પૂરતી છે. (ચૂઝ યોરસેલ્ફ વેરી ઇફેક્ટીવલી.)
અરે હાં ! ઉભા રહો. જતા-જતા એક બીજી વાત પણ કહી દઉં.
આઈડિયા?! મેગેઝિનના આવનારાં અંકોમાં ઉપર જણાવેલાં માર્કેટિંગ મહારાજોના મેજીક-મંત્રો વિશે જણાવવાનો છું. એટલે એમેઝોન કિન્ડલ એપ કે ગમરોડ પર રહેવાની આદત રાખજો બાપલ્યા.
“મને લાસ-વેગાસ શહેરના ડાઉનટાઉનને એક નવો જ ઓપ આપી ડેવેલોપ કરવો છે. હું માનુ છું કે એમ કરવાથી તેની ભવ્યતા અનેકગણી વધી જશે .”
ઉપરનું વાક્ય જો ડોનાલ્ડ ટ્રમ્પ બોલે તો લોકો કદાચ માની લે કે ‘હશે ભઇ, તારી પાસે પૈસો છે તો તું આખી દુનિયાનેય બદલી શકે.’ પણ ઈ.સ. ૨૦૦૯માં એ વાક્ય ૩૯ વર્ષના અમેરિકન ઉદ્યોગ સાહસિક ટોની શેહ (Tony Hsieh) એ કોઇનીયે શેહશરમ રાખ્યા વિના સુપર-વિશ્વાસ ધરાવી જાહેર કર્યું ત્યારે કેટલાંક લોકોએ શરૂઆતમાં મજાક સમજી અવગણી હતી. પણ આજે ૧૦ વર્ષ બાદ લાસ-વેગાસના ડાઉનટાઉનની બદલાયેલી સિકલ જોઈ હવે ખુશ તો થયાં છે, પણ સાથેસાથે રડી પડ્યાં છે.
હવે તમને સવાલ થશે થશે કે ‘શહેરનો વિકાસ જોઈ લોકો શાં માટે રડી પડ્યાં છે?‘ – તો તેનો જવાબ આપવા સૌને ટોનીના ૨૦ વર્ષ અગાઉના ફ્લેશબેકમાં લઇ જાઉં છું. જ્યારે ટોની હાર્વડ યુનિવર્સીટીમાં કોમ્યુટર સાયન્સનું ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો ત્યારે…
ત્યાંના છાત્રાલયમાં ૨૦ વર્ષની ઉંમરથી જ વિદ્યાર્થીઓ માટે જાતે જ પિત્ઝા બનાવી, વેચી તેના ધંધાદારી ધગશનો વિકાસ કરી સેલ્ફ-ફાઇનાન્સ કરી રહ્યો હતો. તેની સર્વિસ અને પિત્ઝાએ લોકોને એવાં મસ્ત લાગ્યાં કે તેના કસ્ટમર્સ પણ દોસ્ત બની ગયા.
ને બસ એ વિશ્વાસના વહાણે ટોની બાપુએ કોમ્પ્યુટર સાયન્સના ભણવાનો સાગર તરી પ્રોફેશનલ ઝિન્દગીનાં ભવસાગરમાં ડૂબકી લગાવી લિંકએક્સચેન્જ.કોમ નામની વેબસાઇટની સ્થાપના કરી. જેમાં તેણે છાત્રાલયમાં બનેલાં દોસ્તોની મદદથી તે સાઈટ પર લોકોની સર્વિસને નજીવી રકમ લઇ એડવર્ટાઇઝિંગ બેનર્સ બનાવી આપવાનું શરુ કર્યું.
નવું-નવું ઇન્ટરનેટ અને એમાંય ફરતું રહેતું એનિમેશન બેનર જોઈ અઢળક લોકોએ ટોની સાથે તેનો વેપારીક ફાયદો ઉઠાવ્યો. આ પ્રસિદ્ધિ જોતા જ માઈક્રોસોફ્ટે તેની આ કંપનીને ૨૬૫ મિલિયન ડોલર્સમાં ખરીદી લીઘી. (વર્ષ હતું: ૧૯૯૮).
પછી શું થયું?
ટોનીભાઈ તો અઢળક કમાયેલા પૈસાના ડુંગર પર ઇન્વેસ્ટર બની પગ લંબાવી બેઠા. જયાં તેમની સાથે તેની કોલેજનો દોસ્ત-કસ્ટમર આલ્ફ્રેડ લિન પણ તલ્લીન થઇ બેઠો હતો. તે દરમિયાન એક શૂઝની એક કંપનીના માલિક નિક વ્યક્તિ તરફથી એક ઈમેલ મળ્યો:
“અત્યારે ઓનલાઇન જૂતાંનો ધંધો કરવા જેવો છે. અઢળક કમાણી છે અને ઓનલાઇન સેલિંગનું માર્કેટ આવનાર વર્ષોમાં અનેકગણું વધવાનું છે. મારી કંપની ‘ઝૅપોઝ.કોમ‘ તમને ઈન્વેસ્ટ કરવાની ઓફર કરે છે.” (વર્ષ હતું: ૨૦૦૦).
ફિર યહ હુવા કિ…
૨૦૦૯માં ઝૅપોઝની અદભૂત, હટકે, પાવરફૂલ, સુપર, વાહ !, અફલાતૂન, જબરદસ્ત જેવાં પાવરફૂલ શબ્દોથી રંગાયેલી પ્રૉડ્કટ્સ-રેન્જ, કલ્ચર, અને કસ્ટમર સર્વિસમાં ખૂંપેલી વિશ્વસનીયતા જોઈને ઝૅપોઝ.કોમને પણ એમેઝોન.કોમ ૧.૨ બિલિયનમાં ખરીદી જ લે એમાં નવાઈ થોડી લાગે?
ચંદ ડોલર્સથી શરુ કરી, કરોડોમાંથી પસાર થઇ અબજોમાં આળોટી નાખનાર ટોનીએ એ બસ વર્ષે જ જાહેર કર્યું કે લાસ-વેગાસને હવે અમે ડેવેલોપ કરીશું. અને થયું પણ એવું જ. તેની હાઇપર વિશ્વસનીયતાના જોરે આજે લાસવેગાસના ડાઉનટાઉનને અનોખો ઓપ મળી રહ્યો છે. પણ…
હાય રે ! ટોની શેહ ૨૭મી નવેમ્બરે ૪૭માં વર્ષે આ (તો)ફાની દુનિયામાંથી વિદાય લઇ લીધી છે. એટલે જ તો તેના અઢળક ચાહકો અનહદ ખુશી લઇ રડી રહ્યાં છે.
તેથી જ સ્તો આજે હું ટોનીને એટલા માટે શ્રધ્ધાંજલી આપું છું કે…
તેણે મને તેના પુસ્તક ‘ડિલિવરિંગ હેપ્પીનેસ‘ દ્વારા ગમે તેવાં કપરાં સંજોગોમાં પણ ‘શાંત’ રહી, હેપી રહી સોલ્યુશન મેળવવાની તાકાત આપી છે.
તેણે ‘સાહસ કરવાની કોઈ સીમા હોતી નથી‘ એવી જણાવી જીવી બતાવ્યું છે.
તેણે સર્વ-શ્રેષ્ઠ કસ્ટમર સર્વિસમાં ‘શ્રેષ્ઠતા’ને પણ ઘણી ઊંચી આંબી બતાવી છે. (કઈ રીતે એ જાણવા તેનું પુસ્તક વાંચવું જ રહ્યું.)
વયને વ્યય કરવાને બદલે ‘જે કામ ખૂબ જ કરવું ગમે તેમાં બધાં જ અવયવ વાપરવા’.
દોસ્ત અને દોસ્તી એ જ દરેક સંબંધોની ‘ટકાઉ’ વ્યાખ્યા છે.
એવું ઘણું બધું શીખવી ગયો છે. આહ ! બહુ ભગ્ન હૃદયે આજે હું ‘અમેરિકામાં મને મળવા ગમે એવાં ૧૦ લોકો‘ માંથી તેનું નામ કમી કરી રહ્યો છું. પણ તેની યાદ દિલમાં તો કાયમ રહેવાની જ. શરૂઆતથી જ વસમું રહેલું ૨૦૨૦ નું વર્ષ ખબર નથી હજુ કેટલાં શૂરવીરોને એ તેની સાથે લેતું જશે?!
તમને પણ ટોનીની સુખ વહેંચવાની માસ્ટર ચાવી જોઈએ છે? આ લિંક પરથી મેળવી લ્યો:
‘શ્રદ્ધા’નો ઘોડો અને ‘સબૂરી’ની લગામ કોઈપણ વ્યક્તિને એવી સિક્યોર્ડ સવારી આપે છે કે માઇલોબંધ મુસાફરી કરવા છતાં પણ સવાર તેના પરથી પડી શકતો નથી.”
સારું છે કે આવો ક્વોટ એક સંત દ્વારા બોલાયેલો છે જેણે તેમની ઝીંદગીમાં હજારો માઈલની મુસાફરી કરી છે અને જ્ઞાન લાધ્યું છે. જે ખરેખર એપ્રુવ્ડ છે, એપ્લાઇડ છે.
યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ, બ્લોગ કે ક્વોરા, એલેક્સા કે ગૂગલ વોઇસ, Apps ડેવલપમેન્ટ હોય કે ફક્ત પ્રોગ્રામિંગ-કોડિંગ, Spotify પોડકાસ્ટિંગ કે shopify સેલિંગ, Linkedin હોય કે પછી facebook, TikTok… આહ !
જેવાં અસંખ્ય ટેલેન્ટસની દર સેકન્ડે રાહ જોવાતી હોય તેવાં સેંકડો પર પ્લેટફોર્મ્સ કોઈ વય કે અવયવ વગર કોઈપણ વ્યક્તિ કોઈનાય બાપ કે બેટાની સેહ-શરમ વિના તેની પ્રતિભા નિખારી શકે છે. એ પણ બિન્દાસ્ત અને ખુશી ખુશી….મોજના દરિયે ન્હાતા-ધોતા કામની મોજણી અને કમાણીની ઉજવણી કરી શકે છે.
ત્યારે
“તારી હાક સૂણી કોઈ ના આવે ત્યારે એકલો જાને રે” કે પછી “ચલ અકેલા તેરા મેલા પીછે છુટા રાહી ચલ અકેલા”, જેવાં સેંકડો ધક્કા-માર ગીતોની વણઝાર હોવા છતાં ટેંશન શું કામ? દર શેનો? ગુસ્સો કેમનો? દ્વેષ-જલન શાં માટે? શેનો બળાપો?
તકોની ભરમાર, લગાર, વણઝાર જે ગણો તે અત્યારની ‘આઈડિયા’લિસ્ટિક દુનિયામાં જો મળતી રહે અથવા કેળવી લેતા આવડી જાય તો આત્મહત્યાને બદલે આત્મખોજ વાળી સુપર ઝિંદગી જીવવાનો મજો મજો પડી જાય મોટા!!!
જયભાઈ એ મસ્ત કહ્યું છે: “તમારું પાસ્ટ નહિ, પણ લાસ્ટ પરફોર્મન્સ બેસ્ટ ગણાય છે.”
દસેક વર્ષ પહેલા ૧૨૫ કિલોના કોથળા જેટલું વજન લઈને હરિયાણાનો ૫૦+ વર્ષનો એ પ્રૌઢ તેના બગડેલાં શારીરિક, માનસિક અને સામાજિક પ્રૉબ્લેમ્સને કારણે ઈમોશનલ થઈને ફિઝીકલી તેના ફર્નિષ્ડ ફ્લેટની પથારીમાં પડી રહેલો.
હાથમાં ઊંચા હોદ્દાની જોબ અને કેશ તો હતી પણ તેમાંથી તેને કોઈ એવી ખુશીઓ મળતી ન હતી, જેની તેને ‘અંદરથી’ તલાશ હતી.
ઘણી બાબતોમાં એક ઘા ને બે કટકા કરવામાં માનતા એ બની ગયેલા ડોસાએ એવી પરિસ્થિતમાં બહુ લાંબુ વિચાર્યા વગર પત્નીને છૂટાછેડા આપી દીધા. પણ ખુદ્દારી, સેલ્ફ-રિસ્પેક્ટ્સ, ઈગો જેવાં વર્ચ્યૂલ ફેક્ટર્સ તેને વધારે માંદા બનાવી રહ્યા હતા.
‘દર્દ જબ હદ સે ગુઝરતા હૈ તો દવા હોતી હૈ.’ એવું જ આ બાપુની સાથે પણ થયું. નોકરી સિવાય પડ્યા પાથર્યા રહેલા આ અંદરથી ‘અર્જુન’ જેવાં દિનેશ મોહન પાસે બહારથી તેના બનેવી ખુદ ‘મોહન’ બનીને આવ્યા:
જાણે જીવનની રણભૂમિમાં કૃષ્ણનું આહવાન મળ્યું હોય એમ એ ઘડીથી દિનેશબાબુએ ધાબળા સાથે પથારી, આળસ, માંદગી, પાછલી યાદો અને તેનું માનસિક બુઢ્ઢાપણું પણ ત્યાગી દીધું. શરુ થઇ નવી ઝિંદગી નવો દાવ.
બચેલા પૈસામાંથી જાતનું Rejuvenate, મનનું Management અને મગજનું Refreshment શરુ થયું. દરેક પ્રકારની કસરત શરુ કરી ૬૦માં વર્ષે શરીમાં ઘુસેલા એ સફેદ વૃદ્ધત્વને ૮૦ કિલો જેવી યુવાનીમાં ટ્રાન્સફોર્મ કરી. એટલે બોડી બન્યું સાંઠા જેવું સેક્સી અને ગાલ ઉપર પડેલી સફેદી એ પણ બતાવ્યો ચમકાર.
પડોશમાં જ રહેતા એક પત્રકાર દોસ્તે આવાં ટ્રાન્સ્ફોર્મડ થયેલા દિનેશઅંકલના Before & After ફોટોગ્રાફ્સ એક મેગેઝીનના લેખ માટે લીધા. જે આડકતરે પહોંચ્યા કોઈક એડ-એજન્સીમાં. ફિર ક્યા હુવા?
જેમ બચ્ચન સાહેબ ફૅશનશોમાં રેમ્પવૉક કરી એન્ટરટેઇન્મેન્ટની પણ કડક પથારી નરમ કરી શકે, તેમ આ મોહન સાહેબે પણ મોડેલિંગમાં ખુદની પથારી સાચે જ ‘ફેરવી’ દીધી છે. જોબમાંથી રિટાયર્ડ થઇ સિનિયર સિટિઝન મોડેલિંગમાં તેઓ તકને ટ્રાન્સફોર્મ કરી માન, મની અને મોભો મેળવી રહ્યા છે.
હવે ભૂલેચૂકે કોઈ એમને બુઢ્ઢો કહે તો એમની તરફથી “બુઢ્ઢા હોગા તેરે બાપ કા બાપ !” સાંભળવાની પણ તૈયારી રાખજો ભઇ’શાબ! એટલે જ એમના યંગમાઈન્ડની જેવી મનમોહક કહાનીની વિડીયો લિંક કોમેન્ટ બોક્સમાં મૂકી છે. જે ઘણું બધું જણાવી શકશે.
મનમોહક મોરલો:
सफ़ेद दाढ़ी, सफ़ेद मूँछ, मैं क्या हूँ यह मत पूछ |”
Elizabeth McLellan, founder of Partners for World Health. (Photo Credit: pressherald.com)
બીજાઓ માટે જીવતી વ્યક્તિઓનું જીવન સાર્થક સાબિત થતું હોય છે.
અમેરિકાની એક નર્સ રિટાયર થઈ એ પછી તેને વિચાર આવ્યો કે હવે શું કરવું જોઈએ ત્યારે…
(ઈજિપ્તમાં રહેતા મિત્ર મુર્તઝા પટેલના સૌજન્ય સાથે એક અનોખી અમેરિકન મહિલાની વાત વાચકો સાથે શૅર કરવી છે. જીવનને એક ઉત્સવ સમાન ગણતા સાહિત્યપ્રેમી મુર્તઝા પટેલ આ કોલમ માટે અગાઉ પણ કેટલીક અનોખી અને અલગારી વ્યક્તિઓની જિન્દગીની વાતો લઈ આવ્યા છે.)
વાત છે પાર્ટનર્સ ફોર વર્લ્ડ હેલ્થ સંસ્થાની સ્થાપક એલિઝાબેથ મેકલેલનની.
એલિઝાબેથ ભણતી હતી એ દરમિયાન બોસ્ટનના એક સ્ટૉરમાં સેલ્સગર્લ તરીકે કોસ્ચ્યુમ જ્વેલરી વેચતી હતી, પણ તેની માતાએ તેને કહ્યું કે તું નર્સિંગનો અભ્યાસ કર.
માતાની વાત માનીને એલિઝાબેથે નર્સિંગનો અભ્યાસ કર્યો અને પછી તેણે પોર્ટલૅન્ડના મેઈન મેડિકલ સેન્ટરમાં નર્સ તરીકે નોકરી મેળવી. એ હોસ્પિટલમાં છ હજાર કર્મચારીઓ ફરજ બજાવતા હતા. એલિઝાબેથને નર્સ તરીકે ફરજ બજાવવામાં રસ પડવા લાગ્યો. વર્ષો પછી તે એ હોસ્પિટલમાં નર્સિંગ એડનિસ્ટ્રેટર બની. હસતા ચહેરા અને ઋજુ હ્રદયવાળી આ અનોખી સ્ત્રીએ તેની મોટા ભાગની જિંદગી અમેરિકાના પોર્ટલેન્ડની હોસ્પિટલમાં નર્સ અને નર્સિંગ એડમિનિસ્ટ્રેટર તરીકે વિતાવી.
67 વર્ષીય એલિઝાબેથ ચાલીસ વર્ષની તેની નર્સિંગ કરીઅર દરમિયાન ઘણાં દેશો ફરી આવી અને વિવિધ મેડિકલ કેમ્પ્સનુ સંચાલન કરી આવી. મેડિકલ ક્ષેત્રે કોને ક્યાં, શું શું અને કેટલી વસ્તુઓ જરૂરી છે તેની તેને ચાર દાયકાની કરીઅરમાં બરાબર સમજ પડી ગઈ હતી.
2007ના વર્ષ દરમિયાન જ્યારે અમેરિકન મેડિકલ એસોસિએશનના નિયમ પ્રમાણે એલિઝાબેથે રિટાયર થવાનો સમય આવ્યો ત્યારે તેને વિચાર આવ્યો કે રિટાયર થયા પછી પણ પોતે એવું શું કરવું જોઈએ કે જેનાથી દર્દીઓને મદદરૂપ બની શકાય?
એ વિચારો દરમિયાન તેના મનમાં વર્ષોથી દબાયેલો એક સેવાભાવી આઈડિયા બહાર આવ્યો. એ આઈડિયા અમલમાં મૂકવાનો સમય આવ્યો છે એવું તેને લાગ્યું.
નર્સિંગના કામ દરમ્યાન તેણે જોયું હતું કે તેની હોસ્પિટલ અને બીજા મેડિકલ કેમ્પસમાં ઓપરેશન પછી ઘણી એવી વણવપરાયેલી મેડિકલ સપ્લાય (જેમ કે સોય, ટ્યુબ્સ, ગ્લોવ્ઝ, રૂ, ટિશ્યુઝ તેમજ જરૂરી ત્વરિત દવાઓ)ને સરકારી મેડિકલના નિયમ અનુસાર કાં તો ડિસ્પોઝ કરવામાં આવતી અથવા સપ્લાય કરતી કંપનીને પાછી મોકલી દેવામાં આવતી.
જેનું લગભગ રિસાયક્લિંગ જ કરવામાં આવતું. વિશાળ મેઈન હોસ્પિટલમાંથી જ એ રીતે કેટલી બધી વણવપરાયેલી વસ્તુઓ ક્યાં તો ડિસ્પોઝ કરાતી અથવા તો સપ્લાય કરતી કંપનીને પાછી મોકલી દેવાતી.
એલિઝાબેથ આ બધી જ વધેલી વસ્તુઓ (મેડિકલ અને ર્સજિકલ સપ્લાય)નો બેસ્ટ ઉપયોગ કરવામાં માનતી પણ વળાવેલી દીકરીની જેમ તે હંમેશા આ વસ્તુઓને જોઈ રહેતી. નિવૃત્ત થતી વખતે હોસ્પિટલમાંથી નીકળતા અગાઉ તેણે જાણી લીધું કે કઈ કઈ કંપનીઓ આ બધી વસ્તુઓ ફેંકવામાં અથવા પાછી લઇ લેવામાં માને છે.
એલિઝાબેથ મેકલેલને પૂરી તૈયારીઓ કર્યા પછી એક અનોખી સંસ્થા શરૂ કરી અને એનું નામ રાખ્યું: પાર્ટનર્સ ફોર વર્લ્ડ હેલ્થ. તેણે એક નાનકડા રૂમમાંથી આ સંસ્થા શરૂ કરી. તેણે જુદીજુદી મેડિકલ ઈન્સ્તિત્યુટ્સ પાસેથી અન્યુઝ્ડ મેડિકલ સપ્લાય મેળવીને ગરીબ દેશોમાં મોકલવાનું શરૂ કર્યું. ધીમેધીમે તેની સંસ્થાની પ્રવ્રુત્તિ વિસ્તરતી ગઈ.
તેની આ સંસ્થા થકી આજે એલિઝાબેથ એવાં દેશોમાં રહેલી મેડિકલ સેવા સંસ્થાઓને ખૂબ જ નજીવા દરે અથવા તો મફત દરેક પ્રકારની મેડિકલ સપ્લાયઝ પુરી પાડે છે. તેની સંસ્થા દર મહિને પન્દર હજાર પાઉન્ડથી વધુ મેડિકલ સપ્લાય મફતમાં આફ્રિકન દેશોમાં, દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં અને મિડલ ઈસ્ટ કંટ્રીઝમાં મોકલાવે છે. એના શિપમેન્ટનો ખર્ચ એ દેશોની જે-તે મેડિકલ સંસ્થાઓ ચૂકવે છે.
ઘણા અતિ ગરીબ દેશોની મેડિકલ સંસ્થાઓ એ મેડિકલ સપ્લાય મગાવવાનો ખર્ચ પણ ના કરી શકે તો એલિઝાબેથની સંસ્થા પાર્ટનર્સ ફોર વર્લ્ડ હેલ્થ દાન માગીને મળેલી રકમમાંથી એ મેડિકલ સપ્લાય જે-તે દેશમાં પહોંચાડવાનો ખર્ચ પણ ભોગવે છે. એક તરફ જુદી-જુદી હોસ્પિટલ્સમાંથી નીકળતો વધેલો ચોખ્ખો સામાન કન્ટેનર્સમાં ફિટ થાય અને બીજી તરફ કોઈક જરૂરિયાતમંદ સંસ્થામાં શિફ્ટ થાય. ઘણા કોલેજિયન યુવક-યુવતીઓ પણ આ પ્રવ્રુત્તિમાં એલિઝાબેથને મદદરૂપ થવા લાગ્યા.
એલિઝાબેથે નાનકડા રૂમમાંથી શરુ કરેલી આ સેવા હવે એક દાયકામાં મસમોટ્ટાં વેરહાઉસમાં ફેરવાઈ ચૂકી છે. પન્દર હજાર ફૂટના તેના વેરહાઉસની જગ્યા પણ તેને હવે નાની પડે છે. તેની સંસ્થાને મેડિકલ સપ્લાય પૂરો પાડનારી સંસ્થાઓની સંખ્યા વધતી જાય છે અને એની સામે તેની સંસ્થા વધુ ને વધુ મેડિકલ સેવા સંસ્થાઓને મેડિકલ સપ્લાય પૂરો પાડતી જાય છે. 68 વર્ષની ઉંમરે પણ એલિઝાબેથ થાક્યા વિના સતત તેની સંસ્થાની પર્વ્રુત્તિમાં વ્યસ્ત રહે છે.
એલિઝાબેથની સંસ્થા ગરીબ દેશોમાં માત્ર મેડિકલ સપ્લાય પહોંચાડીને જ સંતોષ નથી માનતી. તે દર વર્ષે અનેક ગરીબ દેશોમાં મોટા-મોટા મેડિકલ કેમ્પ કરે છે અને એમાં તે તેની સંસ્થા સાથે સંકળાયેલા ડૉક્ટર્સ અને નર્સીસ સાથે પહોંચી જાય છે અને ગરીબ દર્દીઓની મફત સારવાર કરે છે. રિટાયર થતા અગાઉ એલિઝાબેથ મેકલેલન જેટલા લોકોને મદદરૂપ બની હતી એના કરતા સેંકડો ગણા વધુ લોકોને મદદરૂપ બની રહી છે.
મૂળ આર્ટિકલ: આશુભાઈ પટેલ દ્વારા મુંબઈ સમાચારમાં પબ્લિશ થયેલો ‘સુખનો પાસવર્ડ‘ માંથી।
Binitaben: The First Woman Driver of Uber in Ahmedabad.
ખાસ કરીને ઘરેલુ સ્ત્રીઓના દિમાગને તરરર કરતી મસ્તમ મુવી આવીને ચાલી ગઈ: ‘તુમ્હારી સુલુ.’
ફિલ્મ જોયા પછી કેટલી સ્ત્રીઓને તેમનામાં રહેલા ‘એમ્પાવરમેન્ટ’ને બહાર લાવવાની અને કાંઈક કરી બતાવવાની ચળ ઉપડી હશે? એ પ્રશ્ન બાજુ પર રાખીયે. અને ‘સુલુ’ને સાચે જ પકડીને સશક્તિકરણનું મજબૂતી ઉદાહરણ બતાવનાર (ફોટોમાં રહેલા) ગઈકાલે મને મળી ગયેલા બિનિતાબેનને જાણીયે.
અમદાવાદના સૌ પ્રથમ સ્ત્રી ઉબર કાર ડ્રાઇવરી સર્વિસ (આઈ મીન કેબ ઓપરેટર) તરીકે બિનીતાબેને ‘સમાજ અને દુનિયા જાય તેલ લેવા’ના ધોરણે અપનાવી છે.
ખાધે-પીધે સુખી પરિવાર પર અચાનક મુશેક્લીઓનો હોલસેલમાં માર પડે ત્યારે બેશક! કોઈપણ થોડો સમય માટે હલી જાય. પણ બિનીતાબેને દર્દનું કળ વળતા જ સાચે જ ‘હાલી નીકળ્યા’.
તેમના પતિદેવને બ્રેઈન-સ્ટ્રોક્સને લીધે ઊંચા હોદ્દાની કોર્પોરેટ જોબમાંથી મળેલા પાણીચા અને બંને સ્કોલર દીકરીઓના કેરિયરની ગાડીને પાટે ચડાવવા થોડાં અરસા માટે સાસુ સાથે હળીમળી ઇન્સ્ટન્ટ ફૂડ પાર્લર શરુ તો કર્યું. પણ ઇન્સ્ટન્ટ કેશ ન દેખાઈ.
છતાંય પ્રોબ્લેમ પર નહિ, પરંતુ સોલ્યુશન પર રિયર-મિરરને ફોકર કરી ઓપશન્સ શોધ્યા તો ઉબર નું ઓપશન ઉંબરે દેખાયું. લગભગ વર્ષ પહેલા એપ્લાય કર્યું તો ઉબરવાળાઓ પણ તેમના પેશનને પોંન્ખવા સામેથી આવ્યા. એટલે બિનીતાબેને બંગલાના ઝાંપે રેંઢી રહેલી તેમની ખુદની હોન્ડા સીટી પરથી ધૂળ ખસાવી જાતે ડ્રાઇવિંગ શરુ કર્યું.
(બે પૈસા નંય ભૈશાબ પણ) વીસ પૈસા દેખાયા એટલે બિછાને પડેલા પતિદેવે પણ ખુદને ધક્કો (કિક ઓન ફૂલા યુ સી 😉 ) માર્યો અને બીજી ગાડી લઇ આવી ઉબરની સાથે ઓલાને પણ રાખી નોકરી શબ્દને તેલ લેવા મોકલી દીધો. આજે બંને દંપતી ખુદના દમ પર “હેય ઝહલસા છે હોં!” કહી રહ્યા છે.
ગઈકાલે મેં એમને પૂછ્યું: “કોઈક સગાવહાલાંનો કોલ આવે તો કેવી લાગણી થાય?” “જરાયે શરમાયા વિના ગાડીમાં લઇ જાઉં. આખરે તો એમની પાસેથી પણ કમાણી કરવાની જ હોય ને!” – કહી સ્માઈલ સાથે તેમના ઘરે ચાહ પીવા ઉપડી ગયા.
તમારામાંથી કોઈને જ્યારે આ બિનીતાબેન મળે ત્યારે તેમનો હસતો-ખીલતો ચહેરો જોઈ આપોઆપ જવાબ મળી જશે કે તેમની સાથે કેટલાંયની ‘ગાડી હાઇવે પર’ દોડી શકે છે.
ઈન્ટરનેટના વિકાસ પહેલા જ્યારે માહિતી મેળવવાની સીમિત અવસ્થાને લીધે ‘કાંઈક કરી છૂટવા’ વાળી વ્યક્તિઓ લાઈફને ખૂબ નજીકથી માણવા ઘરબાર છોડી વિચરવા નીકળી પડતા. ને પછી એક અવસ્થા એવી આવતી કે લોકો જ તેમને યોગી અથવા સાધુ તરીકે ઓળખી લેતા.
ત્યારે તેઓ તેમના જેવાં જ બીજાંવને સાધુ અને યોગી બનાવવાનું મિશન રાખી આશ્રમની સ્થાપના કરતા. ને પછી એ આશ્રમ જ ગુરુકૂળની ગરજ સારતું. જેમ કે સ્વામી વિવેકાનંદ, સ્વામી સચ્ચિદાનંદ, મોરારી બાપુ વગેરે.
આજે જ્યારે સેકન્ડ્સમાં મળતી માહિતીઓના ભંડારાને લીધે ઘણી એવી વ્યક્તિઓ તેમનામાં રહેલી પ્રોફેશનલ-ધૂનને માણવા એક નાનકડા આઈડિયાનો સહારો લઇ બહાર આવે છે, ત્યારે વખત જતે તેમાંથી સર્જાતું તેમનું તોતિંગ એમ્પાયર એવા જ ‘આશ્રમ’ની ગરજ સારે છે. જેમાં જોડાયેલી પ્રોડક્ટ-સેવા, પીપલ, પ્લેસ અને પાવરથી જ તેઓ ઉદ્યોગી સાધુ બને છે.
બાબા રામદેવ, સદગુરુ જગ્ગી વાસુદેવ,ગૌર ગોપાલદાસ, એવાં જ ‘ઉદ્યોગી’સાધુઓ છે. જેઓએ સમયાનુસાર બીજાને નડ્યા કે અડ્યા વિના અત્યારના સંજોગોમાં પ્રોબ્લેમનું સોલ્યુશન આપી તેમના સ્ટાર્ટઅપને આધુનિક આશ્રમ રૂપે વિકસાવ્યું છે.
આવી હરતી-ફરતી યુનિવર્સીટીનો લાભ લેવા તકસાધુ બનવું યોગ્ય છે.
મેડિટેટિવ મોરલો:
“માત્ર યોગી બનવાને બદલે ઉદ્યોગી બનીયે છીએ ત્યારે દરેક માટે ઉપયોગી પણ બનીયે છીએ.” – મુર્તઝાચાર્ય (ઇ.સ.પૂ ૨૦૧૮)
મની, માર્કેટિંગ, મેનેજમેન્ટ, મેડનેસ, મલ્ટિપ્લિકેશન, મેનિપ્યુલેશન, મોડિફીકેશન, મેજિક-ટચ, જેવાં કેટલાંક ‘મજ્જા’દાર ગુણોની ગૂણ લઈને આવેલા મહામંત્રીશ્રી એટલે ડોનાલ્ડ ટ્રમ્પ.
આ માણસને હું (એક દશકથી પણ વધારે) તેમના રિયાલિટી-શો ‘એપ્રેન્ટિસ’થી ફોલો કરતો આવ્યો છું. “You are Fired!” ના તકિયાકલામ દ્વારા આ ડોનાલ્ડબાબાએ કેટલાંય લોકોની કેરિયરને ત્યારે ‘ડક’ કરી કાં તો ઉજાડી નાખેલી અથવા ઉજાળી દીધેલી.
શો ની શરૂઆતમાં થતું કે આ તેમના નિર્ણયમાં ઉતાવળ તો નથી કરી ને? પણ પછી તેમનો સમજાવટ રાઉન્ડ આવે ત્યારે રહસ્ય ખુલે કે ‘ઐસા મૈને ક્યોં કિયા, માલૂમ?’ અને ત્યારે ખ્યાલ આવે કે ‘બંદેને બાત તો પતે કી બતાઈ હૈ.’
(બાય ધ વે! જેઓ ધંધાધારી દિમાગ ધરાવે છે, તે સૌએ ‘ધ એપ્રેન્ટિસ’ સિરીઝ ન જોઈ હોય એમના માટે ૧૦ સિઝન્સનો મસાલો ઓનલાઈન ખઝાનામાં હાજર છે. ખોળીને ખોલી નાખજો. ખબર પડશે કે ધંધાધૂન કેરિયર કઈ રીતે વિકસાવી શકાય છે.)
ગઈકાલની તેમની પ્રમુખ તરીકેની ટૂંકી સ્પિચ અને બોડી લેન્ગવેજ જોયા પછી લાગ્યું છે કે ‘બોસ, આ ‘કામનો માણસ’ જ છે.
એક બિઝનેસમેન તરીકે જે ત્વરિત નિર્ણય લઇ શકે, જે દરેક બાબતને તોલીને નિવેડો લાવી શકે છે, એ વ્યક્તિ અમેરિકાની સૂકાયેલી સિકલ અને સૂરત પર નવું ક્રિમ અને લોશન લગાવી શકશે.
(એટલે જ અત્યાર સુધી તેમણે જનતાને જાહેરમાં આપેલાં વાયદાઓની શું પરિસ્થિતિ છે, તે જાણવા માટે તેમના (વિરોધીઓએ?!?) ૧૦૦ દિવસની ‘ટ્રેક-ટ્રમ્પ’ સાઈટ વિકસાવી છે. (કામ જો તુમ કરો, કિંમત જો હમે કરેંગે)
ઓબામાઅંકલની ‘દિલ’મુક સરકારથી ટ્રમ્પકાકાની ‘ડિલ’મેકિંગ સરકાર તરફના ટ્રાન્સફોર્મેશનની આખી પ્રોસેસ માર્કેટિંગના મહાગુરુઓ માટે નવું આઈડિયા મેનેજમેન્ટનું મેન્યુઅલ આવ્યું છે. જે શીખશે, જેટલું શીખશે એમના માટે પ્રગતિનો ‘ટ્રમ્પકાર્ડ’ મળ્યો સમજી લેવું!
(દિમાગને મસ્તમ કરનારાં આઈડિયાઝ તમને ડાયરેક્ટ ઈનબોક્સમાં મળે તો આ લિંક પર રિક્વેસ્ટ મુકવી:http://bit.ly/IdeasMarket )
3. “કાંઈક મેળવવા માટે ‘કાંઈક’ નહિ, ઘણું બધું ગુમાવીને પાછુ મેળવી શકાય છે.”
4. “દોઢસો બદામનો અર્ક ખાવાથી ‘બુદ્ધિશાળી’ બનવાની કોઈ ગેરેંટી નથી. પણ એ બેન્ચમાર્ક બની દિલદાર બનવાના દરવાજા જરૂર ખોલી શકે છે.”
5. “આપણું ‘પાસ્ટ’ નહિ, પણ લાસ્ટ પરફોર્મન્સ સુપર બને એ માટે ‘બેસ્ટ’ કરવાની અને બનવાની આદત રાખવી પડે છે.”
6. “જે પોતાને, પ્રિયજનોને અને સંતાનોને સંતાપ અને તાપ સહન કરતા શીખવી શકે છે એ સાચે જ ‘મહાવીર’ હોય છે.”
7. “કોઈની પણ પરવા કર્યા વિના અચિવમેન્ટની પરવાઝ (ઉડ્ડયન) પર રહે એવાં પરિવારની ઝિંદગી એળે નથી જતી. પણ ‘ફોગટ’ જરૂર બને છે.”
8. “એક ‘ઓલ્ડ’ વ્યક્તિ જ્યારે ‘ગોલ્ડ’ મેળવવાની જીત પર મુશ્તાક રહે છે ત્યારે તે દેશ અને દેશવાસીઓ માટે સોનેરીકાળ આવ્યો જ સમજવું.”
9. “દિમાગનું પણ દિલથી કામ લઇ દંગલમાં મંગલ કરાવી શકે એનું નામ ‘આમિર’. અને એટલે જ તે મુવિઝની દુનિયાનો માર્કેટિંગ મેજીશિયન છે. કોઈ શક?!!! – જરાય નહિ.”
10. પહેલવાની પંચ:
ઓલિમ્પિકમાં વર્લ્ડ-ચેમ્પિયન બનેલા ઈરાનના એક વેઇટ-લિફટરને પૂછવામાં આવ્યું: “તને કઈ વસ્તુ સૌથી વધારે ભારવાળી લાગે?”
ત્યારે એ બંદાએ કહ્યું: “વ્હેલી સવારમાં બંદગી કરવા માટે નમાઝ પઢવા ઊઠવાનું હોય ત્યારે શરીર પરના પેલા બ્લેન્કેટને હટાવવાનો ભાર સૌથી વધારે લાગે છે. પણ આજે એ જ બાબતે મને ગોલ્ડ-મેડલ અપાવ્યો છે.”