તો આવી રહ્યો છે એ અસલ બિગબોસ !

આપણા મૂળભૂત હક્કોમાં નો એક… ‘બોલવાની સ્વતંત્રતા’નો ઈંટરનેટના આગમન પછી તુમ, મૈ, આપ, વોહ…સૌ ખુલ્લેઆમ ગાળોથી માંડી, (વિ)ભદ્ર કાર્ટુન્સ, બિન-આકાશવાણી પ્રવચન કે વિડીયોઝ દ્વારા ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં છીએ, બરોબર?

પણ સાવધાન! ભારતીય ગૃહ મંત્રાલય નામના બીગ બોસે ‘નેત્ર’ નામની સર્વેલિયન (ચાંપતી નજર) ઓનલાઈન સિસ્ટમ તૈયાર કરી દીધી છે. અને ટૂંક સમયમાં જ લગભગ બધી જ પ્રાઇવેટ અને (પબ્લિક) જાસૂસી સંસ્થાઓ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે.

જેમનું મુખ્ય કામ વિવિધ મલ્ટીમીડિયામાં થતી (સાયબર બુલિંગ) એક્ટીવીટીઝ પર સતત નજર રાખવાનું છે. જેઓ ‘અટેક!’, ‘બોમ્બ’ ‘કાપો- મારો’ ‘બરબાદ કરી નાખો સાલાઓને !’ જેવા (વ્યવહારુ) શબ્દોના મૂળને પકડી તેમની પર કાર્યવાહી કરશે.
(આમાં ‘તોડી નાખો તબલાં ને ફોડી નાખો પેટી’ નો સમાવેશ થયો છે કે નહિ એની જાણકારી નથી.)

એટલે હવે….લેન્ડ-ટેલીફોનીંગ, સેલ-ફોન, વોઈપ સાથે ઈ-મેઈલીંગ, વોટ્સએપ-સ્કાય્પ-ગૂગલ ચેટિંગ, સોશિયલ-મીડિયા અપડેટ્સ, ટ્વિટર-મેસેજ, બ્લોગ્સ પોસ્ટ્સ જેવાં દરેક પ્લેટફોર્મ્સ જ્યાં ડેટાનો પ્રવાહ સતત ઠલવાય છે તેની પર નજર રાખવામાં આવશે.

એક તરફ અમેરિકાની આવી જ એક સંસ્થા (એન.એસ.એ.) ને ત્યાંની ફેડરલ કોર્ટ તરફથી નાગરિકોની પ્રાઇવેટ ઝિંદગીમાં સતત ડોકિયું રાખવાની (ઓફિસિયલ?!?!) પરવાનગી મળ્યા પછી તેની અસર હેઠળ બીજાં કેટલાંક દેશોની સરકારો તેમના કેમેરાની જેમ ‘ઝૂમ’વા લાગી રહી છે.

પણ બીજી તરફ તેની સામે વિશ્વની મોટી મોટી કંપનીઓ વિરોધ કરી રહ્યાં છે. એટલા માટે કે…તેના દ્વારા તેમની મૂત્ર-વિસર્જનથી લઇ વિચાર-વિસર્જનની દરેકેદરેક હિલચાલ ખુલ્લી પડી શકે છે. સબકુછ દિખતા હૈ!

(હવે રહસ્ય સમજાય છે ને કે આપણા બોલચાલની સામે જડ-મૂળ ‘મૌન’ કેમ છે?)

“ભૂલેસે મોહબ્બત કર બેઠા, નાદાં થા બેચારા ‘દિલ’હી તો હૈ,
હર દિલસે ખતા હો જાતી હૈ, બિગડો ના ખુદારા ‘દિલ્હી’ તો હૈ!”

તો કદાચ તમને આ આર્ટિકલ પણ વાંચવો ગમશે…

પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: World Wide Rave- દેખતી હૈ દુનિયા…‘બઝ’ દિખાનેવાલા ચાહિયે…

કેટલાંક દોસ્તો એ જવાબ શોધવાની (સમજોને ઉંદર જેવી દોડાદોડી :-)) કોશિશ તો સારી એવી કરી. અશોકભાઈ, દીપમભાઈ, પ્રયાગભાઈનો પ્રયાસ સારો રહ્યો. શકીલભાઈ તો પાછલે બારણે આવી ‘વાઈરલ માર્કેટિંગ’ જવાબ પણ આપી ગયા.  

પણ..પણ..પણ…દોસ્તો, સાહેબો તમને તો ખબર છે કે…મને આડા ઉ(તરવું) બહુ ગમે છે. એનું મુખ્ય કારણ છે કે ‘હટકે’ એવા માર્કેટર્સ-ગુરુઓની સોબત તેવી અસર. આ ડેવિડ મિરમેન સ્કોટ પણ એમાંના જ. તમે એની એક ઝલક સ્ટિવ શાઝિનની આ વાર્તામાં જોઈ લીધી હશે. તેના વ્યક્તિત્વ વિશે પણ ખાસ અલગ પોસ્ટ લખી શકાય.

ખૈર, આ ‘વર્ડ ઓફ માઉસના’ વર્લ્ડની આબાદી અને બરબાદીની ઇન્ટરનેશનલ કથાઓ તો ઘણી આવી ગઈ છે…ને આવતી રહી છે. એ બધાંમાં ‘સફળતા’ અને ‘સુપર-ડુપર સફળતા’ વચ્ચે તફાવત માત્ર એક શબ્દનો છે. ‘બઝ’. જેમ મધમાખી ઉડતી વેળા જે ગણગણાટ કરે છે તેવું બઝીંગ તમારી ખુદની પ્રોડક્ટ કે સર્વિસમાં આપ મેળે થાય તો તમને કેવું લાગે?

સેઠ ગોડીને આ ‘બઝ’ શબ્દને ૧૦ વર્ષ અગાઉ માર્કેટિંગમાં ફેરવ્યોને એ શબ્દની બસમાં બેસી ડેવિડભાઈ સ્કોટે નાનકડી ફ્રિ બુકલેટ લખી…‘વાઈરલ માર્કેટિંગ’. પણ એટલાથી એમને બસ ના થયું. ને ૨૦૦૭માં એમણે આ બુકને રબરબેન્ડની જેમ થોડી ખેંચી નામ આપ્યું: The New Rules of Marketing & PR. જેની ગણના એમેઝોન અને ન્યુયોર્ક ‘બેસ્ટ સેલિંગ’માં થઇ. જે પછી આ ભાઈ તો માર્કેટિંગના ‘ડેવિડ’ બની ગયા. ને એ દ્વારા મળેલા સેંકડો ઉદાહરણોને એકઠાં કરી ૨૦૦૯માં એક ખાસ મસાલેદાર અને મસ્તીખોર બૂક બહાર પાડી……

 World Wide RAVE

World_Wide_Rave_Bookયેસ ! દોસ્તો…સાચો જવાબ આ છે.

હવે તમે જ વિચારો જે માણસ પોતાની દ્રષ્ટીએ લખેલા માર્કેટિંગના નિયમોની સિદ્ધિ મેળવી શકે તે પોતાની ‘બૂક’ને પણ આ રીતે બંધ ‘રેવા’ દે?- એટલે ડેવિડ સાહેબે પોતાની બૂકને જ ‘રેવ’ના નિયમો લાગૂ પાડી સુપર-સફળ બુકમાં ફેરવી દીધી છે.

WWR ( ટૂંકમાં World Wide Rave)  આવા જ ‘બઝ’ની ઘણી બધી કથાઓ અને ઉદાહરણોની સફર કરાવતી એક લક્ઝરી બસ છે.

RAVE એટલે એક એવી રચનાની ગોઠવણી જેમાં તમારી પ્રોડક્ટ્સ કે સેવાને લેવા માટે, મેળવવવા માટે લોકો ગાંડા બને…ને બીજાને ગાંડા બનાવે. પછી ભલે ને તમે રાંચીમાં હોવ કે કરાંચીમાં, નાગપુરમાં હોવ કે નાગાલેન્ડમાં, અથવા ધોળકામાં હોવ કે ડેલાવેરમાં. લેટેસ્ટ ઉ.હ. એપલ કંપનીની બહાર પડતી દરેક પ્રોડક્સ. અને ગૂગલની બહાર આવતી દરેક સેવાઓ. WWR આ પ્રક્રિયાની એકડે મીંડે દસથી શરૂઆત કરે છે.

જેમ પાછલી પોસ્ટમાં જણાવ્યુંને કે….તમારી એક વેબસાઈટ હવે ‘મીની મલ્ટીનેશનલ’ દુકાન બની ગઈ છે. જો એમાં કોઈક એવી બાબત બીજાને ‘હટકે’ લાગે તો સમજી લ્યો કે તમને લોટરી લાગે. પણ માત્ર ‘વેપ્શાઈટ’ બનાવીને રાખો તો પછી નોટરીયે કામમાં નહિ આવે. WWR તમારી પ્રોડકટ કે સેવામાં આ ‘લોટરી લગાઉં’ ફેક્ટરને મેળવવામાં મદદ કરે છે.

આપણે ઘણી વાર જોઈએ છીએ કે…ક્રિકેટ કે અન્ય મેચ જોતી વખતે પ્રેક્ષકોમાં ઉભા થઇ હાથોં ઉંચા કરતી એક યુનિક ‘વેવ’ આખા સ્ટેડિયમમાં ફરી વળે છે. આ પણ એક પ્રકારની ‘રેવ’ છે. કોઈક એવો ‘માઈ કા લાલ’ છગન-મગન શરૂઆત કરે છે ને બઝ…પછી શરુ થાય છે છટકેલોની હારમાળા…- આવું આપણે પણ પ્રોડક્ટ-સેવામાં કરી શકીએ છીએ. જરૂર છે. માત્ર ‘ઉભા થવાની’. ત્યારે બીજાને આ રીતે ઉભા કરવાની કળા ડેવિડ ચાચા WWR માં બહુ અશાંતિથી બતાવે છે. કોલા સાથેનો હલ ત્યારે જ થાય જ્યારે ખરેખર ‘કોલાહલ’ થાય. (ઉ. હ: અય્યો યેમ્મા ! કોલાવેરી ડી…કોણ બોલ્યું?)   

ઘણી એવી પ્રોડકટ્સ હોય છે જેને આપણા ગામમાં કોઈ ભાવ પણ ન આપતું હોય પણ કોઈક બીજી જ જગ્યા એનો ભાવ ખૂબ ઉંચે જઈ શકે છે. ત્યારે નેટ પર આવો ‘ભાવ’ મેળવવવા માટે શું કરું જોઈએ? અલબત્ત…. ‘Charity Begins at Home‘ જેમ આખી દુનિયામાં ‘રેવ’ ફેલાવવા શરૂઆત ઘરમાંથી કરવી પડે”. આવું સાચું મનાતું વાક્ય ખોટું પડતું જોવું હોય તો WWR નામનો અરીસો લઇ આવવો જોઈએ.

સવાલ: વસ્તુ કે આઈડિયાને સાચી રીતે બતાવવા માટે આપણા શબ્દો, આપણી પેશકશ, આપણી છંછેડવૃતિ કેટલી અગત્યની છે?

જવાબ: તમે ખરા દિલથી કહી શકો એટલી. દિમાગ એની રીતે ફોડી લેશે.   

સવાલ: શું લોકો ખરેખર તમારી પ્રોડક્ટ કે સેવાને દિલથી પ્રેમ કરે છે?-

જવાબ: ના. લોકો માત્ર પોતાનો ‘સ્વાર્થ’ જ જુવે છે.

સવાલ: શું મફતમાં આપણે ધંધો કરી શકીએ છીએ?

જવાબ: હા ! કરી શકીએ. પણ ‘કિંમત’ ચુકી ના જવાય એની તૈયારી સાથે.

ઉપર મુજબના ઘણાં પા‘રેવ’ડાં પ્રશ્નો આપણા મનમાં ઉડાઉડ કરતા હશે.- ખરુને? આવા સવાલોના પદ્ધતિસર જવાબ મેળવવા માટે WWR ની ઉડતી મુલાકત લઇ લો તો માનસિક સ્વાસ્થ્ય સારું રહે એવી ગેરેંટી (ડેવિડભ’ઈ તો નહિ પણ) આ મુર્તઝાભાઈ આપે છે.

એ સાથે સાથે….

  • નાનકડા ‘આઈડિયા’નું બીજારોપણથી લઇ પ્રોડક્ટ કે સર્વિસનો રોકડીયો પાક લણવાનું શીખવા….
  • ધંધાના ધર્મની કથા કઈ રીતે કરવાનું એ શીખવા…
  • ગ્રાહકો ‘હક કે સાથ’ તમારી વસ્તુના ‘વાસ્તુ’ માટે લાઈન કઈ રીતે લગાવી શકે એ શીખવા…
  • માર્કેટિંગનો મોરલો કળા તો કરી જાય ને પછી એનું ટેહૂંક.. ટેહૂંક આખા નેટ-જંગલમાં સંભળાય એવું રેકોર્ડિંગ કરવા માટેના જરૂરી સાધનો વસાવવાનું જ્ઞાન લેવું હોય તો…

 એ માટે WWR (વાઈલ્ડ વેસ્ટર્ન રેલ્વે)ની ટીકીટ બૂક કરવી જ પડે.  

ત્યારે બાપલ્યા !….હવે જેને હાચે હાચ નેટ પર ધંધો કરવો જ હોયે તો બીજું બધું બાજુએ ‘રેવા’ દ્યો ને લઇ આવો વાઇડી ચોપડી….

યાર !…‘રેવ’ડી કાંઈ કોઈ એમને એમ થોડી આપી દેશે !?!?!?!

સર‘પંચ’

દુબઈના એરપોર્ટ પર જાહેરાતની એક નવી કળા.. ‘ફ્લેશ મોબિંગ’

લોકોનું ટોળું જ્યાં વધુ રહે છે. ત્યાં ત્યાં…એક ક્રિયેટિવ ‘રેવ’ સર્જાય છે. ફ્લેશ-મોબ્સ તરીકે ઓળખાતા આ લોકો અચાનક ક્યાંકથી પેદા થઇ ગાઈને, બજાવીને કે નાચીને આડકતરી રીતે કોઈક સેવા-પ્રોડક્ટનું પ્રમોશન કે જાહેરાત કરી જાય છે.

આવી જ ઘટના દુબઈ એરપોર્ટ પર થાય ત્યારે…..


વેપાર વર્તમાન : માર્કેટિંગના ઉંદરની દોડાદોડી…

World Of Mouse

ઇન્ટરનેટના વિકાસ દરમિયાન કેટલાંય વિષયોના વૈજ્ઞાનિક કારણો, સિદ્ધાંતોમાં ફેરબદલ કરવામાં આવી છે. ન ધારેલું, ન વિચારેલું, ન બનેલું, બની રહ્યું છે. એકબીજાના ચેહરા ન જોઈ શકનારા આજે બીજા બંધનો વિના અજાણ્યાની પેન્ટમાં દબાયેલા પીળા રૂમાલની ગાંઠને પણ ઓળખી શકે છે.

હર ઘડી હર પળમાં નેટ પર કાંઈક નવું સર્જાતું રહે..ને જાતું રહે છે. માર્કેટિંગના મામુ ફિલીપ કોટલરના 4Ps, પેરીટો સાહેબના ૮૦:૨૦નો નિયમ, પીટર ડ્રકર ગુરુનું રી-એન્જિનીયરીંગ, ગોર્ડન મૂર મહારાજનો નવિનીકરણ મંત્ર…વખતો વખત નવા પોશાકો ધારણ કરતુ રહે છે. નવી વ્યાખ્યાઓ સર્જતું રહે છે.

ઇન્ટરનેટ પર વેપાર હવે કોઈ મોટી વાત નથી રહી. નાનકડી ઘટનાને મોટી બનાવી તેના જરૂરતમંદ ગ્રાહક સુધી જરૂરી સંદેશો પહોંચાડવું અગત્યનું બની રહ્યું છે. આપણું જ્ઞાન, આપણી આવડત, આપણો આઈડિયા, આપણી પ્રોડક્ટ, આપણી સેવાનો ઈજારો હવે ફકત નાનકડી જગ્યા પુરતો સીમિત નથી….ગ્લોબલાઈઝડ થઇ ગયું છે.

આ બધાં ફેક્ટર્સને જીયોગ્રાફી કે ડેમોગ્રાફીના સીમાડાઓ તોડીને આખી દુનિયામાં ફેલાવું છે. તમારી જશુભાઈ એન્ડ કંપનીના સૂઝ હોય કે મનુભાઈ પાન સેન્ટર, સારિકા સાડી હોય કે એલિઝ વન્ડરલેન્ડ નર્સરી પોતાની રીતે ગ્લોબલ ઓળખ મેળવી શકે છે. નેટ પર તે ‘મીની-મલ્ટીનેશનલ’ કંપનીનો ટેગ લગાવવા સક્ષમ છે.

અમેરિકાના નાનકડાં ટાઉનમાં રાજુભાઈને તમારા પાનનો ચસ્કો લાગ્યો હોય તો ત્યાંથી બેઠાં પણ પાનનો ઓર્ડર આપી શકે છે….બલ્કે બીજા સેંકડોને તમારા પાન ખવડાવતા કરી શકે છે. યુરોપના પરગણામાંથી (તમે નાનકડી માનતા હોવ એવી) નર્સરીની સાઈટ પર મુકાયેલા કન્ટેન્ટમાંથી તમને ત્યાં પ્રેઝેન્ટેશન આપવા નિમંત્રણ આપી શકે છે. સારિક સાડી જે હજુ સુધી સિંધી કે મનીષ માર્કેટમાં જ દબાયેલી હોય તે પોતાનો પાલવ સિંગાપુરમાં રહેલી મલેશિયન માનુનીને પણ પહેરાવડાવી શકે છે. 

પણ સવાલ એ થાય છે કે…..

  • એવું શું કરવામાં આવે છે કે જેનાથી કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ કે સર્વિસ..માર્કેટમાં પોતાની એક આગવી ઓળખ મેળવે છે?
  • લોકો ખરીદવા, ખાવા કે પહેરવા પડાપડી કરે છે…મેઈલ કરે છે…SMS કરે છે….ટ્વિટ કરે છે…રેકમેન્ડ કરે છે??
  • અરે! વાપરતી વખતે ગર્વ અનુભવે છે???

આ બધું થાય છે. માર્કેટિંગ નામના એક ઉંદર દ્વારા. – કેમ ના સમજાયું?

અરે ભાઈ!….જુનો શબ્દ: વર્ડ ઓફ માઉથ હવે ક્યારનોય નવો બની ગયો છે… વર્ડ ઓફ માઉસ.

આ એક એવા ઉંદરની કમાલ છે જેમાં હજારો કંપનીઓ, લાખો લોકો..કરોડોની ઉથલપાથલ કરે છે. જેમાં વધુ ભાગે લોકો બરબાદ થાય છે ને બાકીના આબાદ (રેફ. ૮૦ : ૨૦ નિયમ). એટલે જ તો કહેવાય છે કે વેપાર ‘રેટ રેસ’ બની ગયો છે.

‘વર્લ્ડ ઓફ માઉસ’ની આ કથાનકનો આખા બેઝ પર એક પુસ્તક તૈયાર થયું છે. મારા પ્રિય લેખક ‘સેઠ ગોડીન’ના જ મિત્ર અને મને ઘણાં ગમતાં બીજા માર્કેટિંગ ગુરુ ‘ડેવિડ સ્કોટ’નું એક પુસ્તક….

જેનું પ્રિસ્ક્રિપ્શન મને શનિવારે સાંજે આપવું છે.

ત્યાં સુધી….જવાબ આપ લોકોની પર છોડી દઉં તો કેમ?  

હવે કહો જોઈએ: એ પુસ્તકનું નામ શું હોઈ શકે?

હિન્ટ: લેખકનું નામ તો કહી જ દીધું છે….પણ ગૂગલિંગ કરવાની જવાબદારી આપ લોકોની. ને તમને તો ખબર જ છે આ બ્લોગ પર સાચું બોલવાથી ફાયદો જ થાય છે. એટલે ‘સરપ્રાઈઝ’ ગિફ્ટ પણ મળશે જ એની ગેરેંટી. હવે કોમેન્ટ બોક્સ તમારું…બોલો!

સર‘પંચ’

‘જગ’મશહૂર તો ખરી પણ બોટલમાં પણ હવે મશહૂર થઇ રહી હોય એવી ‘નેસ્લે’ કંપનીની સબ-બ્રાન્ડ ‘કોન્ત્રેક્સ પાણીનું પણ કઈ રીતે માર્કેટિંગ કરી શકે છે…જોઈ લ્યો એનું એક અફલાતુન ઉદાહરણ…

હવે…. ‘બહેસ જાય પાણીમાં’ એવું બોલવાની કાંઈ જરૂર ખરી?

તમને એવું કોણ યાદ આવી ગયું જેમને આ લેખ પસંદ આવી શકે?

વિકાસ વાવડ: નેટ જંગલના મંગલકારી સમાચારો…

ગૂગલના ‘ફેર’ ગૂગલી સમાચાર…

પાછલા બ્લોગ પોસ્ટમાં પેલી ગૂગલના સાયંસ ફેરમાં જીતીને આવેલી ભારતીય કૂડ્ડીઓની વાત થઇ હતી. તો દોસ્તો, એ જ ગૂગલનો સાયંસ-ફેર ફરી પાછો પોતાનો દરવાજો ખોલી રહ્યો છે. કેરિયરને સાયકલ કે બાઈક પર ગોઠવવા કરતા લાઈફ-બોટમાં સમાવવામાં શાણપણ છે.  હવે તમને, અથવા તમારા ભાઈ-બહેન કે બાળકમાં કોઈક હટકેપણું લાગતું હોય તો આજે જ આ ફેરની સાઈટ પર જરા હવા-ફેર કરી આવવા જેવું છે.

http://www.google.com/events/sciencefair/

ક્યાંક એવું પણ થઇ શકે ને કે આ વર્ષે તમારામાંથી ક્યાંક કોઈકનો નંબર….ગૂગલી મારી શકે!

——————————————————————————————

જંગલીના મંગલી સમાચાર…

દુનિયાની સૌથી મોટ્ટામાં મોટ્ટી, હજારો પ્રકારની પ્રોડક્સમાં અપરંપાર, કસ્ટમર સર્વિસમાં અગ્રેસર એવી એમેઝોન.કોમ ઇન્ડિયામાં લોન્ચ થઇ ચુકી છે. વાત કરવી છે. ‘જંગલી.કોમ’ની.

નામ ભલેને વાઈલ્ડ હોય પણ તેની ડણાક ઇન્ડિયાના ઈ-કોમર્સ માર્કેટમાં ગુંજી ચુકી છે. દોસ્તો, ખિસ્સામાં દામ ભલે ના હોય પણ હૈયામાં હામ હોય તો પેસિફિક સમુદ્રમાંથી હિન્દ મહાસાગરમાં આવી ગયેલા તકોના મોજાંઓને પકડી લેવા જેવા છે. તમારી પાસે નેટવર્ક-પ્રોગ્રામિંગની સ્કિલ્સ હોય કે સોફ્ટવેર ડેવેલોપમેંટની…યા પછી લોહીમાં ખરા ઉતરે એવા ઇન્ટેન્સિવ માર્કેટિંગનું જ્ઞાન કે કસ્ટમરને દોસ્તમાં ફેરવવાની સ્કિલ્સ….સાવ અલગ અને સાચે જ ‘હટકે’ વર્તન કરવાની ત્રેવડ હોય તો જંગલી.કોમ પર એપ્લાય કરવા જેવું છે.

ઈન્ટરનેટ પર એમેઝોન.કોમની છત્રી હેઠળ ઘણાં ભારતીયોએ અમેરિકામાં નામ અને દામ કમાઈ રહ્યા છે. શું વેચવું અને કઈ રીતે વેચવું એની સોફીસ્તીકેટેડ ટ્રેઇનિંગ એમ.બી.એ.ની ડિગ્રી પણ આપી શકતી નથી. એ માટે તો સરિતામાંથી મહાસાગર બનેલી એમેઝોન.કોમના જંગલમાં ઘૂસ મારવી પડે.

http://www.junglee.com/f/1000604193/ref=footer_hiring

બોલો કોણ છે જે મને સૌથી પહેલા ખબર આપી શકે છે કે “મુર્તઝાભાઈ, જંગલી.કોમના જંગલમાં મને તક મળી છે- આભાર.”

સવાલ: વેપારની વાતો કરતા આ બ્લોગ પર આમ ‘જોબ’ ઓફરની વાત શા માટે?-

જવાબ: સિમ્પલી!….કુનેહ શીખવા માટે.

આજે ઘણાં કેરિયર-ઓરિએન્ટેડ દોસ્તો સર્વિસની સીડી ચઢીને બિઝનેસના બંગલા સુધી પહોંચતા થયા છે.  ‘જોબ’ માર્કેટમાં જેટલો અસરકારક અનુભવ એટલી ધંધામાં સફળતા વધુ અકસીર. અને એ માટેની તૈયારી કરવા માટે તમારામાંથી ઘણા ને હવે ખબર તો હશે જ કે…આ પ્રકારના પુસ્તકો વાંચવા જ રહ્યા.

“માત્ર ચમકતા ચાઈલ્ડ બની રહેવા કરતા વિફરતા વાઈલ્ડની વેલ્યુ વધારે છે.”–  મુર્તઝાચાર્ય.

ખૈર, તમને એવું કોણ યાદ આવી ગયું જેમને આ લેખ પસંદ આવી શકે?- તો હમણાં જ લખી નાખો એમનું નામ અને ઈ-મેઈલ. પછી મોકલવાની જવાબદારી મારી…

સર-ચોરસ ‘પંચ’:

ચોરસ કાણું કરી (અક્કલને ‘હોલ’) કરતુ ડ્રિલ-મશીન: એ તો જગ જાહેર છે કે અવનવી કરામતો, શોધખોળો કરવામાં જાપાનીઓ લાજવાબ છે જ….હવે આ ગોળ કાણાને બદલે ચોરસ કાણું કરી આપતા ડ્રિલ મશીનને જ જોઈ લ્યોને…જોયા પછી એમ જરૂર લાગશે કે અક્કલમાંય થોડું થયું ખરું!

 


વેપાર વિસ્મય: ફિલ્મની ઉતરી ગયેલી ફિલ્મ…કોડાક !

Kodak_Collections

ત્યારે હું સાત વર્ષનો હતો. તોયે એ પહેલા ઘણી વાર ફોટો તો પડાવી ચુક્યો હતો. પણ ત્યારે સ્ટુડિયોમાં પ્રથમ વાર પડેલા ફોટાને ટગરટગર જોવાનો મારો પહેલો અનુભવ એ વર્ષમાં થયો. ફોટાને ૧૮૦. ડીગ્રી એ ફેરવાયા બાદ પહેલીવાર નામ પાછળ વંચાયુ: મોટા K ના લોગો વાળો શબ્દ કોડાક પેપર.

કેટકેટલીયે કથાઓ, કથનીઓ, કંપનીઝ, કપલ્સ, કાળજાના કટકાઓ, કે પછી ટૂંકમાં કહું તો ‘ક્રેડલથી લઇ કબર’ સુધીની કરોડો ક્ષણોને કચકડે કંડારીને (કોણ જાણે..થોડાં સમય માટે?!?!?!!) કરમાઈ ગયેલું નામ એટલે: કોડાક

બસ હજુ થોડાં જ દિવસો પહેલા નાદારી નોંધાવીને એટલીસ્ટ આ રીતે મીડિયામાં ‘ફ્લેશ’ આપી ગયેલી કોડાક કંપનીના સમાચાર વિશે થોડું વસમું તો લાગ્યું છે. પણ બહુ નહીં. કેમ કે તેના માટે ‘ન કર્યા એવા ભોગવે’ એવા વેપારી આલમના હટકે સૂત્રને સાર્થક કરવું જરૂરી જ હતું. આજે નહિ તો કાલે નાદારીની નાદાની નિશ્ચિત હતી. પણ આ વ્યાપારી દુનિયા છે. જેમાં રૂદનના કારણો પણ દુનિયા ખુલાસાવાર માંગતી હોય છે. એટલે મારી સાથે બીજા સેંકડો લોકોને વિસ્મયકારક સવાલ થયો કે

એવું તો શું થયું કે ફોટોગ્રાફિક માર્કેટમાં કોડાક જેવી કંપની ટકી ન શકી?”

માત્ર એક કારણ આપવું હોય તો કહી શકાય: ‘ડિજીટલ ટેકનોલોજીને સાચી રીતે સ્વિકારવામાં ઠેલં-ઠેલાપણું.’

તોયે થોડું સર્ચ-રિસર્ચ કર્યા પછી પ્રાપ્ત-સૂત્રોકે અનુસાર આ કંપનીને બરબાદી મળવાના કેટલાંક વધું કારણો આ રહ્યાં…

  • ૧૯૮૧માં સોની કંપનીએ પોતાનો પહેલો ડિજીટલ કેમેરા માર્કેટમાં મુક્યો…ત્યારે કોડાકે સોનીના આ પગલાને થોડું પાગલપણું ગણાવ્યું…એમ કહીને કે.. “એમની ટેકનોલોજી સમય કરતા થોડી વહેલાં આવી ગઈ છે…અમે તો માર્કેટના સરતાજ છીએ. ડિજીટલ દુનિયામાં આવવાની હજુ અમને વાર છે.”
  • બીજા ૧૦ વર્ષમાં આવુ માનીને ભૂલ સુધારવાનો મોકો નસીબે તેમને ઘણી વાર આપ્યો, પણ…આડે આવ્યો ઈસ્ટમેન ‘ઈગો’. ડિજીટલ કેમેરા ભલે નાના ધોરણે બનતા..પણ કોડાકની મૂળ પેપર-પ્રિન્ટીંગ પધ્ધતિ આડે પાટે ના ચઢી જાય એ માટે તેના બોર્ડ-મેનેજમેન્ટે પેપર-ફિલ્મ પર અજમાવવામાં આવતા કેમિકલના ધંધામાં ધ્યાન રાખ્યું. એમ માનીને કે.. “ડિજીટલ દુનિયામાં આપણું દિલ્હી હજુ દૂર છે.” 
  • અલબત્ત ‘૯૦ના દાયકામાં કોડાકના પેપર અને પ્રિન્ટીંગ બંને આગળ આવ્યા. એમનો ડિજીટલ યુગ પણ જોર-શોરથી શરુ પણ થયો…પણ માર્કેટિંગમાં ફૂજી, કોનીકા, નિકોન, કેનન જેવા ખેલાડીઓની કાતિલ ધમધમી શરુ થઇ ગઈ હતી. એમ ધારીને કે.. “આપણે તો ફિલ્મ ઉતારવાના ધંધામાં પાયોનિયર છીએ. આગળ જતાં રેસ તો આપણા નામે જ ને!
  • ૨૦૦૦ની સાલ પછી ઈન્ટરનેટના સેન્સને સમજી નાની-મોટી ઘણી કંપનીઓએ વેબ-ઇમેજિંગ પર વધું ધ્યાન પરોવ્યું. એ દરમિયાન કોડાકના ડિજીટલ કેમેરાઓ પોતાની રીતે માર્કેટ સર અને શેર કરવાની કરામત કરતા રહ્યા. પણ ત્યાંજ…૨૦૦૭માં એપલ કંપનીના ‘આઈ-ફોન’ અને ‘આઈ-પોડ ટચ’ દ્વારા જાણે ઇમેજિંગ-ટેકનોલોજીનું ત્સુનામી આવ્યું. બીજા મહારથીઓ સાથે કોડાકને પણ જબરદસ્ત ‘આઈ-તમાચા’નો અનુભવ થઇ ગયો. પણ હવે ઘણું મોડું થઇ ગયું હતું. કોડાકે મનને એમ મનાવીને સાંત્વના મેળવી છે કે “ભલે એપલ નામનો મોરલો સોળે કળાએ માર્કેટમાં ખીલી જાય…. ફિલ્મ-ટેકનિકમાં હજુયે અમે ‘સ્ટમે ’થી અડીખમ છે. ફરી બેઠા થઇ જાશું.”-

સાચું જ છે. ઈમેજ-સોફ્ટવેરમાં ભલે બીજા લાભ ખાટી ગયા હોય. પણ જન્મથી લઇ જનાજા સુધીની ઇમોશન્સને કંડારવામાં કોડાકની હાર્ડવેર ટેકનિકનો જોટો અલગ જ છે. આમેય એનું પણ અમેરિકન લોહી ખરુને! હાર એમ કાંઈ જલ્દી માની લે એવી આ કંપની થોડી છે?- મામામિયાં ની ટંગડી ઉંચી તે આનું નામ !

સમયના સાચા ફિલ્મીકરણ પર ભરોસો રાખી ફિલ્મ ચાલુ રહે એવી કોડેકી અભ્યર્થના….સ્માઈલ પ્લિઝ!

“મુજકો બરબાદી કા કોઈ ગમ નહીં,

ગમ તો હૈ બરબાદી ક્યોં ચર્ચા હુવા.

કલ ચમન થા, આજ એક સેહરા હુવા,

દેખતે હી દેખતે યે ક્યા હુવા?!”

સર‘પંચ’

(અ)કર્મનું ફળ…આ રીતે પણ મળે છે…

વેપાર વાઇરસ:: મેઇડ ‘આઉટ’ ચાઈના ટાઉન !

એનું નામ આદમ હન્ફ્રી. વેકેશનમાં તેને ફરવા માટે ચાઈના જવું હતું. એટલે ફોર્મમાં આવીને તે ઇન્ટરનેટ પર ચાઈનીઝ કોન્સ્યુલેટની વેબસાઈટ પર લાંઆઆઆઆમ્બુ-લચક વિઝા-ફોર્મ ભરવા લાગી ગયો. હિસ્ટ્રી-જ્યોગ્રાફિ અને સિવિક્સના મરી-મસાલાથી ભરપુર એવા આ ફોર્મ ભરવામાં જ તેને ખાસ્સો એવો સમય કાઢવો પડ્યો. કહેવાય છે કે ભણવા માટે ચીન પણ જવું પડે તો જાઓ. પણ અહીંયા તો ભણી-ગણીને જવું પડે એવી હાલત થઇ ગઈ.

ખૈર, ઓનલાઈન ફોર્મ ભરી પ્રિન્ટ-આઉટ લઇ બીજા જરૂરી એવા ડોક્યુમેન્ટ્સ લઇ આદમ હમ્ફ્રી ન્યુયોર્કની ચાઈનીઝ કોન્સ્યુલેટમાં વિઝા એપ્લાય કરવા માટે આવી ગયો. પણ ત્યાં પહોંચ્યા એને બાદ ખબર પડી કે વિઝા-એપ્લીકેશનનું ફોર્મ તો સાવ બદલાઈ જ ગયું છે. જે ફોર્મ ઓનલાઈન ભરવાનું હતું તે બીજું જ હતું……ભેંસ ગઈ હડસન નદીમાં !

શાંત ચિત્ વાળા આદમભાઈને ગાંધીગીરી કરવાનો પહેલો મોકો મળ્યો.

“સર ! આપ મને નવા ફોર્મ માટે મદદ કરી શકશો?

“ના, નહિ કરી શકીએ.”

“સર ! આપની પાસે બીજું પ્રિન્ટેડ ફોર્મ મળશે?”

“ના, નહીં મળે.”

“સર ! નજીકમાં કોઈ સાયબર કેફે છે?”

“હા ! છે. બર્ગર-કિંગમાં”

ખોરા આદમી જેવા એમ્બેસીના ઓફિસરોને તો અસહકારનું આંદોલન કરવું હતું એટલે આદમભાઈને મોકલી આપ્યો નજીકમાં આવેલા બર્ગર-કિંગ ફાસ્ટ-ફૂડની અંદર રહેલા સાયબર કેફેમાં. જ્યાં જઈ તેને બીજું એક નવું ફોર્મ ભરવાની નવેસરથી શરૂઆત કરવાની હતી.

આદમભાઈ આવી પહોંચ્યા એ કેફેમાં જ્યાં તેના જેવા બીજા ઘણાં ફસાઈ ગયેલા ‘આદમી’ ઓ દેખાયા. એ સૌ ત્યાંના કોમ્પ્યુટર પર ફોર્મ ભરવામાં મશગૂલ હતા. હજુયે શાંત ચિત્તની અસર હેઠળ રહેલા આદમને ત્યાં મગજમાં એક ચમકારો થયો. માથા પર ચમકેલા એ બલ્બમાંથી તેના દોસ્ત સ્ટિવન નેલ્સનનો નંબર દેખાયો.

“સ્ટિવ, એક જોરદાર આઈડિયા આવ્યો છે. તારી મદદની સખ્ત જરૂર છે. બસ અમલ કરવો છે માટે એક મોટી પેન્સકી-વાન ભાડે જોઈએ છે. આ ચીનાઓની કોન્સ્યુલેટ બહાર લઈને આવી જા.” –

સમજો કે ગાંધીગીરીનો હવે આ બીજો એક મોકો હતો.

સ્ટિવે તો આદમની આ વાત પર બીજી ઘડીએ સહકાર નોધાવી દીધો. ને પછી કોઈ સર્ચ- રિસર્ચ- બિઝનેસ મોડેલ પર બહુ લાંબી ચર્ચા કર્યા વગર…કોઈ પણ પ્રકારની બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી લીધા વિના કે પછી કોઈ પણ માસ-મોટું રોકાણ કર્યા વગર…બે દિવસ બાદ શરુ થઇ ગયો મોબાઈલ વિસા કન્સલ્ટન્સી બિઝનેસ.

એક લેપટોપ, એક પ્રિન્ટર, બે-ત્રણ ખુરશીઓ, એક અલગ તરી આવે એવો બ્લ્યુ ગણવેશ ધારણ કરી અને ૧૦ ડોલરની ફીમાં આદમે ઓનલાઈન ફોર્મ ભરી આપવાનો આ નાનકડો ‘બિઝનેસ’ હજુ સાડા ૩ મહિના પહેલા જ શરુ કર્યો છે. ઓફ કોર્સ કમાણીની મધ્યમ શરૂઆત તો થઇ જ ચુકી છે અને સર્વિસની સુવાસ ફેલાવા પણ ફેલાવા લાગી છે. ગ્રાહકો વધવા લાગ્યા છે એટલે ફી પણ ૨૦ ડોલર વધારી દીધી છે. પછી તો તેના દોસ્ત નેલ્સનની મદદ સાથે-સાથે એક ચીની-મીની દોસ્ત પણ જોડાઈ ગઈ છે. જે ચાઈનીઝ ભાષાની અનુવાદક છે.

Adam's-Visa-Consultancy-Service

આ ત્રણેઉ ભેગા મળી દિવસના આશરે ૫૦૦ ડોલર્સની કમાણી વાનમાં બેઠાં બેઠાં કરી લ્યે છે. વેપારના તેમના આ ધર્મમાં જો કોઈ બૌદ્ધ સાધુ ગ્રાહક તરીકે આવે છે તો તેને ૫ ડોલરનું ડિસ્કાઉન્ટ પણ આપી દે છે… એમ માનીને કે તેમના થકી થોડું હજુ વધુ સારુ ‘સદ્કર્મ’ થઇ શકે!…!

દોસ્તો, એ તો શક્ય છે જ કે દુનિયામાં આવા તો દરરોજ અગણિત કેટલાંય આદમો જન્મતા હશે ! એવી ઘણી કથાઓ છે…વ્યથાઓ છે. જેમાં કેટલાંક પોતાની જાતે ઉઠતાં હશે ને બાકીના પર‘પોટા’ની જેમ ફૂટતાં હશે. આ તો જેનું ‘ફોર્મ’ લાંબુ હોય છે તેની ચર્ચા થાય છે.

તમારી કે તમારી જાણમાં હોય એવી વ્યથા છે જેની કથા થઇ શકે?       

“તકલીફમાંથી તકને જે લીફ્ટ કરી જાણે એ ખરો ‘આદમી’.”

– મુર્તઝાચાર્ય 🙂

સર‘પંચ’

બિના મચાયે શોર…ચોરી કર જાયે ચોર…

ડાયલોગ્સ વગરની CCTV માં ઝડપાયેલી (કે બનાવાયેલી) એક હટકે એડવર્ટાઈઝમેન્ટ જોવી હોય તો જોઈ લ્યો….પછી કશુંયે બોલવું ‘ની’ પડે ને પાછી જોવા મજબૂર કરી દેશે એની ગેરેંટી….જી!

દોસ્તો, તમારા કોઈ એવા સ્વજન છે જેમને આ બ્લોગ-પોસ્ટ મદદરૂપ થઇ શકે?-

પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: ‘The Art of the Start’- શું ‘એ’ માટે તમે શરૂઆત કરી?

Guy Kawasaki

“સર! તમારી હું જબરદસ્ત ફેન છું. તમારી ઓલમોસ્ટ બધી ફિલ્મો મેં જોઈ છે.”

ઓહ એમ! પણ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી મેં આજ-દિન સુધી કોઈ પણ ફિલ્મમાં કામ કર્યું નથી.”

“અરે એમ કેમ હોય, ચોક્કસ તમે તમારી ઓળખ છુપાવવા આમ કરો છો, પણ આખી દુનિયા તમને ‘જેકી ચેન’ તરીકે ઓળખે છે.”

હ્હાહાહાહાહા…ઓહ એમ છે ત્યારે. પણ મારું નામ જેકી ચેન નથી…ગાય છે. ગાય કાવાસાકી!”

એવર-ફ્રેશ રહેતી વર્જિન એરલાઈન્સમાં મુસાફરી કરી રહેલા આ ‘ગાય’ ભાયડાને ઉપર મુજબનો ફૂલ-ફટાકડી એર-હોસ્ટેસ જેવો અનુભવ ઘણી વાર થઇ ચુક્યો છે. એ આખરે કરે પણ શું? જ્યારે એનો ચહેરો પેલા તોફાની ટારઝન જેકી ચેનને મળતો આવતો હોય ત્યારે આવા મસ્તીભર અનુભવોનો લાભ તો ઉઠાવતા જ રહેવું પડે ને!

ગાય કાવાસાકી જાપાનીઝ ઓલાદનું અમેરિકન વર્ઝન. ચિંતામાં પણ તેનો ચહેરો હંમેશા હસતો દેખાય એવા આ હસમુખલાલના હાસ્યનું સિક્રેટ એટલું જ છે કે તે હંમેશા ચિયરફૂલ મિજાજ રાખે છે. એની પાછળનું બીજુ કારણ એ કે તેની કેરિયરની શરૂઆતના અમૂક વર્ષો બીજી એવર-ફ્રેશ એપલ કંપનીમાં કામ શીખી-કરીને આવ્યો છે.

કહેવાય છે કે ‘મેકિન્ટોશ’ કોમ્પ્યુટર વિકસાવવામાં ગાયનો બહુમુલ્ય ફાળો છે. એટલે ટેનશ્ન્સના પહાડોની વચ્ચે પણ પોતાના દિમાગને ‘હટકે’ રાખી શકે છે. ઈન્ટરનેટની દુનિયામાં તેણે પોતાની ઓળખ એક ‘ઇવેન્જલીસ્ટ‘ તરીકે કાયમ કરી છે. ઇવેન્જલીસ્ટ એટલે હાલના જમાનામાં ઈન્ટરનેટ માર્કેટમાં લોન્ચ થતી કોઈ પણ ઈનોવેટિવ પ્રોડક્ટ કે સર્વિસના સારા-નરસાં પાસાઓ અને તેના પર થનારી અસર પર પ્રતિભાવ આપનાર એક્સપર્ટ.

આમ જોવા જઈએ તો આપણી દેશી ભાષામાં ગાયને આપણે માતા ગણીએ છીએ. પણ આ ગાયભ’ઈ ટેકનોલોજી વિકાસ માટે ‘બાપ’ સાબિત થયો છે. કેમ કે તેનો હાલમાં મુખ્ય વ્યવસાય જ ઉભરી આવતા ઉદ્યોગ-સાહસિકોને ‘કેપિટલ’ (રોકાણ)પૂરું પાડવાનું છે. એટલે તેની કંપનીનું નામ ‘ગેરેજ ટેકનોલોજી વેન્ચર્સ’ રાખ્યું છે. તેના મત પ્રમાણે દુનિયામાં રાજ કરતી ટેકનો-કંપનીઓ (જેવી કે એપલ, ગૂગલ, માઈક્રોસોફ્ટ, ઓરેકલ, ઇન્ટેલની શરૂઆત નાનકડા ગેરેજમાંથી થઇ છે.)

ખેર, ગાય કાવાસાકીનાં લખાણનો મને બે વર્ષ પહેલાં જ પરિચય થયો છે. અને એ લખાણ પણ તેના પ્રેઝનટેશન દ્વારા મળ્યું. લગભગ એક કલાક ચાલનારા આ લેક્ચરમાં મને કોઈક નવો કોન્સેપ્ટ, આઈડિયા કે વિચારને પ્રદર્શિત કરવા માટેની ગાઈડલાઈન્સ મળી આવી. લખાણની શૈલી ને વિકસાવવા લગતી કેટલીક નવી ટેકનિક્સની જાણકારી હાંસિલ થઇ. અને એ જ લેકચર પરથી તેમનું પુસ્તક તૈયાર થયું છે:

આર્ટ ઓફ ધ સ્ટાર્ટ. એટલે શરૂઆત કરવાની કળા‘.

Art-of-the-Start-Book

આ શરૂઆત એટલે શેની શરૂઆત?….

ખાવાની- પીવાની..?

ઉઠવાની- ચાલવાની- ચલાવવાની…??

દોડવાની- પકડવાની- બેસવાની- આરામની…???

હરાવવાની- જીતવાની- સામેવાળાનું કરી નાખવાની‘….????

કે પછી પોતાના ગુના ધોવાની કે કોઈકને ધોઈ નાખવાની….?????

…..અરે ના ભાઈ ના…એવી કોઈ ફિઝીકલ બાબતને ધક્કો મારવાની વાત નથી. પણ માહિતીઓના મહાસાગરમાંથી નાનકડાં પણ અસરકારક સારામાં સારા વિચારો, આઈડિયાઝ, કોઈ મજબૂત સ્કિલ, કોઈક પ્રયોગ યા પ્રોજેક્ટને થોડાં વધુ અસરકારક રીતે બહાર કાઢવાની વાત છે. જેમાં કોઈક નવી દુકાન, કંપની, સામાજિક મિશન યા પછી જોબ-સ્થાપન પણ હોઈ શકે.

પણ અહીં એવા પરિબળોને બહાર કાઢીને બસ પછી ‘હાશ!’ કરવાની વાત નથી કરવામાં આવી…એમાં જે માધ્યમ થકી તમારા શ્રોતાજનો, સહકાર્યકરો અને ગ્રાહકોને પાચક અદામાં સમજાવી-શામેલ કરાવવાની વાત છે. અબ યેહ બાત આપકી સમજ મેં તો આ ગઈ ના સાહબ?”

કેટલાંક કહેશે જો દિખતા હૈ, વહી બિકતા હૈ. એમાં બહુ નાટક કરવાની જરૂર ક્યાં આવી?” બરોબર છે. પણ આ ‘દિખતા હૈ’ અસરકારક ત્યારેજ બને છે જ્યારે તેમાં એવા કેટલાંક સુપાચ્ય મસાલાનો તડકો મારવામાં આવે. જેનાથી જોનાર-સાંભળનારને આ તડકાની ‘ઠંડક’ મહેસૂસ થાય. આવા નાનકડાં ચુટકી નમકવાળા વાક્યો (કે પોઈન્ટ્સ)નું સંયોજન એટલે આર્ટ ઓફ ધ સ્ટાર્ટ.

તમને (યા પુરુષ હોવ તો તમારી પત્નીને) ગર્ભ રહે (પ્રેગ્નન્ટ થાવ) ત્યારે શું કરો?– અલબત્ત એવી વ્યક્તિઓ પાસેથી માહિતીઓ એકઠી કરો જેની પર તમને વિશ્વાસ હોય. અથવા આ જ વિષયની કોઈક એવી બૂક લઇ આવશો…બરોબર?

તમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે ત્યારે કેમ આગળ વધશો? એવી તકો શોધતા રહેશો જેમાં તમે જેમ બને તેમ તમારી જાતને સંભાળી શકો. અથવા એવાજ ટાઈટલની એક બૂક લઇ આવશો જે તમને પ્રેરણાત્મક બળ પૂરું પાડી શકે….ખરુને?  

તમને એક કરોડ રૂપિયા (કે એક મિલિયન ડોલરનો) ભડભડતો આઈડિયા આવ્યો છે. પછી શું?– ત્યારે આ આઈડિયાની આગને લાગમાં ફેરવવા શું પગલાં ભરશો?- એવા જ કોઈક ઉદ્યોગ સાહસિકની કે સાચા સલાહકારની મદદે દોડી જશો ‘જો આપકી ઝીંદગી બદલ દે’. અથવા ‘આઈડિયામાંથી કરો કમાણી’ નામની કોઈ એક મશહૂર પોથી લઇ આવશો….કેમ સાચું કીધું ને?  

આર્ટ ઓફ ધ સ્ટાર્ટ બૂકને આવા ઘણાં વિચારોનું, આઈડિયા વિકાસનું કે મુશ્કેલીમાં મદદનું પ્રેરક-બળ કહી શકાય.

ગાયભાઈના કહેવા પ્રમાણે કોઈ પણ વિષય-વસ્તુની વ્યવસ્થિત શરૂઆત કરો ત્યારે…

  • કોઈ પણ બાબતની પાછળ રહેલી (સંતાયેલી) બાબત પર નજર રાખો.
  • મિશન સ્ટેટમેન્ટને બદલે નાનકડો પણ અસરકારક મંત્ર રચો.  ‘ગ્રાહકનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. જે માટે એમના ઓર્ડર પર પૂરતું ધ્યાન આપવામાં અમે તન-મન-ધન એક કરીશું.’ જેવા લાંબા-લચક વાક્યોને બદલે ‘સ્વસ્થ ઝડપી સેવા’માં બધું કહી શકાય.
  • એવરેસ્ટ પર ચઢવાની શરૂઆત ઘરમાંથી બહાર નીકળીને કરો. એટલે મોટા પ્રોજેક્ટની આશા(નિયત) રાખી નાનકડા પગલાથી શરૂઆત…
  • બાપુજીએ વર્ષો સુધી પતરાં ટીપ્યા…તમે ટીપવાનું ઓટોમેટિક મશીન લઇ આવો.– એટલે જુનવાણી વિચારને દફન કરી નવા-નવા અમલ પર કાર્ય કરતા જાવ.
  • આગળ વધતા રહો. થોડો વિકાસશીલ અસંતોષી નર થોડો વધારે સુખી બનતો અને બનાવતો રહે છે.
  • શરૂઆતથી જ….તમારી એક હટકે ઓળખ સ્થાપો. – ગાંધીદાદા, ધીરુદાદા, કરસનકાકા તમે તો હજુયે વર્ષો સુધી યાદ રહેવાના…હોં!
  • ગ્રાહક કોઈ પણ બાજુથી આવી શકે તે માટે ચારે બાજુથી દરવાજા ખુલ્લા રાખો. સાથે સિક્યુરિટી માટે પણ સજાગ રહો.

આવા તો કાંઈક-એવા ચબરખાઓ દ્વારા ગાયભાઈ આર્ટ ઓફ ધ સ્ટાર્ટ માં ડાઈરેક્ટ કે ઇન-ડાઈરેક્ટ રીતે ગાંગરે છે. તેના આવા સૂર માણવા બુકના તબેલામાં જઈ આવવું જોઈએ દોસ્ત!

          વધુમાં…એમાંથી આપણને….

  • કોઈ વાતને ગાગરમાં સાગરની જેમ સમજાવવી હોય તે માટે ૧૦-૨૦-૩૦ની ફોર્મ્યુલા કેવી રીતે વાપરવી?
  • ધંધાની શરૂઆતમાં આપણા જેવું જ ચંચળ માનસ ધરાવતો ‘વેપારીક આત્મન’ (દિલદાર બિઝનેસ પાર્ટનર) કેવી રીતે શોધવો?
  • કોઈ પણ મોટા પ્રોજેક્ટ શરુ કરતી વખતે કોની કોની સલાહ લેવી યા કોની ન લેવી?
  • આપણા થકી ગ્રાહક સુધી કોઈ પણ સેવા કે વસ્તુ ખુબ સરળતાથી કઈ રીતે પહોંચાડી શકાય?
  • પ્રગતિને પંથે આડે આવતા કેટલાંક ‘નસ ખેંચું’ બળો (તેની ભાષામાં ‘બોઝો’)ને કઈ રીતે દબાવવા…

          જેવી ઘણી ચબરાકી ટીપ્સ પણ આપવામાં આવી છે. આવી ટીપ્સ લેવા માટે માથા ટીપ્યા વગર બૂક ખરીદી લેવી સારી.

‘ગાય’ તેના નામની જેમ નાનકડી પણ સીધી વાત કરવા માટે જાણીતો છે. એટલે ટાઈટલમાં પણ તેણે એવી સમજણવાળી વાત કરી છે. ‘શરૂઆત કરવાની કળા’….એટલા માટે કે તેની પર ‘ઝેન’ વિચારધારાની ઘણી અસર છે. જ્યારે અટક ‘કાવાસાકી’ છે એટલે બજાજ મોટર સાયકલ સાથે જોડાયેલી ન હોવા છતાં ‘બુલંદ અમેરિકામે બુલંદ વિચાર’ કરી શકે છે. વતન ભલે જાપાન હોય પણ વર્તનતો અમેરિકન જ ને…

અમેરિકન પ્યાલામાં જાપાનીઝ ‘કાહવા’ પીવડાવતા સાકીની લિજ્જત એટલે!…આર્ટ ઓફ ધ સ્ટાર્ટ!

ચાલો…..એટલીસ્ટ બૂક લેવાની પણ શરૂઆત તો કરો!

દોસ્તો, તમારા કોઈ એવા સ્વજન છે જેમને આ બ્લોગ-પોસ્ટ મદદરૂપ થઇ શકે?- તો એમનું નામ અને ઈ-મેઈલ જણાવી આજના દિવસે એટ-લિસ્ટ શુભકાર્ય કરવાની પણ શરૂઆત થઇ શકે એમ છે 🙂

વેપાર મય-વિસ્મય: !!! ઓગ્મેન્ટેડ રિયાલિટી !!!…સબ-કુછ હૈ આસપાસ…પર હાથમેં ન હો કુછ ભી સાથ…

ઓગ્મેન્ટેડ રિયાલિટી’ એટલે વધારેલી વાસ્તવિકતા‘. દેશી ભાષામાં કહીએ તો ‘કોમ્પ્યુટર ગ્રાફિક્સ દ્વારા “જે ન હોય તેમાં વર્ચ્યુઅલ અસર ઉપજાવી સર્જેલી (અ)વાસ્તવિકતા. હમણાં હમણાંથી મને ખૂબ ગમતો વિષય. ઝડપથી વિકસતી ટેકનોલોજીમાં ‘ઓગ્મેન્ટેડ રિયાલિટી’નું નામ મુખ્ય છે. જે વધુ ભાગે આપણને ટી.વી. પર આવતી જાહેરાતોમાં અને હવે ઘણી ફિલ્મોમાં જોવા મળે છે.

ધ્યાનમાં આવે તો ફિલ્મ ‘તારે ઝમીન પર’માં બાળક ઇશાનના માથાની આસપાસ ફરતી ટ્રેઈન, પ્રાણીઓ અને વસ્તુઓ…. એવી જ રીતે રજનીકાંતની ‘રોબોટ’ ફિલ્મમાં અને ખાનની રા-વન જેવી સેંકડો ફિલ્મોમાં તો ડગલે ને પગલે વપરાયેલી છે.

આજે આ જ ટેકનોલોજી પર ત્રણ મજાના ઉદાહરણો બતાવવા છે…ને પછી એક ખુબ ઉપયોગી તક વિશે વાત પણ કરવી છે.

  1. અમેરિકાના એક રિટેઈલ ચેઈન આઉટલેટ ‘ટેસ્કો’એ પોતાની વસ્તુઓને આવી અસરમાં ઉપજાવી ગ્રાહકોને ગાંડા કર્યા  છે. સ્પર્શ્યા વગર પણ વસ્તુઓ ને નજીકથી બતાવી ખરીદવા તલપાપડ કરતા ડેમો ને તમે જ જોઈ લ્યોને આ વિડીયો-ક્લિપમાં…

 

………………………………………………………………………………………………………………………..

Continue reading

પુસ્તક પ્રિસ્ક્રિપ્શન ભાગ-૩: અકબરી સવાલોના બિરબલી જવાબો | How to Move Mount Fuji?

How-to-Move-Mount-Fuji

માઈક્રોસોફ્ટનું આઈ.ટી.દુનિયામાં રાજ થયું હોય તો બે બાબતોથી:

૧.  એમાં રહેલાં એકદમ ખડ્ડુસ લોકોથી અને

૨.  એ ખડ્ડુસ લોકોમાં રહેલાં સુપર-ખડ્ડુસ દિમાગમાં ઉભા કરાયેલા ‘કલ્ટ કલ્ચર’થી..

‘હાઉ ટુ મૂવ માઉન્ટ ફૂજી’  આ આખી પ્રોસેસ ક્રિયેટીવ રીતે કઈ રીતે ડેવેલોપ થાય છે, તેની સમજણ આપતી ડાયરી છે. હવે જ્યારે…

  • મુર્ગી વહેલી કે ઈંડું?
  • પ્રશાંત મહાસાગરમાં રહેલાં પાણીની ટોટલ ઘનતા?
  • ખુરશી પર ઉભા થયા વિના આડા થઈને બતાવવાનું ડેમોન્સ્ટ્રેશન…
  • ગાંધી સાહેબના દસમાં પરદાદાના ઝબ્બાની લંબાઈ કે પછી…
  • સૂર્યના વિકિરણોની ૨૫માં વર્ષે  એસ્કીમોના નખ પર થતી અસર
  • કે પછી મૂળ પ્રશ્ન ‘માઉન્ટ ફૂજીને કઈ રીતે ખસેડી શકાય?’

જેવાં સાવ જ અજબ સવાલો વખતે ઈમોશનલ ઈન્ટેલીજન્સ સ્કિલ ટકાવવી કાંઈ ખાવાનો ખેલ નથી-

ત્યારે સવાલ: ટકવું કેમ?

જવાબ: ‘આગે કી સોચ’ રાખવી.

આ ‘આગે કી સોચકો પીછેસે લા કર’ અકબરી ‘ઈમોશનલ ઇન્ટેલીજન્ટ સવાલોના અચાનક હૂમલા સામે બિરબલી જવાબો આપવાનું કામ કેટલીક માનસિક ટેકનિક્સ દ્વારા આ વિલિયમભાઈએ ‘હાઉ ટુ મૂવ માઉન્ટ ફૂજીમાં સરળ રીતે બતાવ્યું છે.

વાત ભલેને માઈક્રોસોફ્ટના મેગા વખતની હોય…પણ કંપનીનું કે કેરિયરનું ‘ટેગ’ વખતોવખત બદલાતું રહે છે. એટલે તેની શરૂઆતથી જ મન એવું મજબૂત કરી શકાય છે જ્યારે માથે માછલાં ધોવાય ત્યારે પણ ‘ડાબર આંવલાં’ સલામત રહે. આવી ટેલી (કે તૈલી) વાત પાઉન્ડસ્ટોને ‘હાઉ ટુ મૂવ માઉન્ટ ફૂજીનામની બાટલીમાં ભરી છે.

પઝલમાં પણ ગઝલ છે….જો એને સારી રીતે સમજી ગાઈ નાખવામાં આવે તો. ‘હાઉ ટુ મૂવ માઉન્ટ ફૂજીમાં પણ ઇન્ટરવ્યુ વખતે આવી અનેકાવિધ પઝલ્સને ઉકેલવાની સમજૂતી આપવામાં આવી છે. વિલિયમભાઈએ બહુ લાંબી કથા નથી કરી. પણ કથાનક દ્વારા સમજાવવાનો પ્રયત્ન સારો કર્યો છે. હવે તમે….

  • એમ સમજતા હોવ કે આ દુનિયા પર ‘રાજ’ કરવું છે!…
  • એમ માનતા હોવ કે લોકોને ‘ગાંડા’ કરી નાખવા છે!…
  • એમ ચાહતા હોવ તમારું ધારેલું જ કરવું છે..તો પ્લિઝ….પ્લિઝ…

આ બૂક ન વાંચતા. કેમ કે એમાં એ બધી બાબતોની ‘એન્ટી’ વાતો કરવામાં આવી છે. વિલિયમભાઈને એટલિસ્ટ એ ખબર છે કે…રાજ લોકોના દિલ પર, ‘ગાંડાપણું’ પણ સમજીને અને ધારેલું પણ ‘પ્રોપર પ્લાનિંગ’ થી થાય છે.

હવે લાઈફમાં ‘કાંઈક’ ખસેડવું હોય યા ‘હલનચલન’ કરાવવું હોય તો આજે જ આ બૂક લઇ આવો છાનામાના!

એટલે મારી વાત પણ ‘પૂરી’ કરી ‘શાક’ જમવા હું આ ચાલ્યો!

‘સર’ફટ સવાલ

આવનારી ‘નેનોસોફ્ટ’કંપનીના નસખેંચુંનો જસ્ટ ફ્રેશ થયેલા ગ્રેજ્યુએટને પ્રિક્વોલિફાઇડ નાગો પ્રશ્ન:

દોસ્ત!…તું અચાનક તારા રૂમમાં પ્રવેશે છે, ને પલંગ પર એક છોકરીને નગ્ન હાલમાં જુએ છે…તું શું કરીશ?

પેલાનો રિફ્રેશિંગ જવાબ સાંભળ્યા પછી પ્રશ્નકર્તા આજે એનો સાળો બની ગયો છે…ને સાલા બેઉ સુખી છે!

બોલો ભાઈઓ- બહેનો! તમે આપો છો પેલાનો લા-જવાબ?- (ભલે સાળો ના મળે) પણ સારું ઇનામ તો મળશે જ. બસ!…નેક્સ્ટ પોસ્ટમાં.

પુસ્તક પ્રિસ્ક્રિપ્શન ભાગ-૨: અકબરી સવાલોના બિરબલી જવાબો | How to Move Mount Fuji?

                                                                                                                                                                         પહેલા તો આ લેખ મોડો મુક્યો એ માટે ‘સામાજિક સોરી’ (કે શોરી હોં!) ને પછી નેટ-વેપાર બ્લોગને આપ સૌ ટોપ-ટેનમાં લઇ આવ્યા એ માટે ‘ઠાવકું ઠેન્કયું’!

શબ્દો જ્યારે મગજમાંથી ડીલિંક થાય ત્યારે તેનું ‘દિલ-લિંક’ કામ શક્ય છે થોડું ડીલે થાય. અનકહી ઘટનાઓને દોષ દેવા કરતા તેની સાથે દોસ્તી કરી લેવી વધારે સારું છે. પાછલાં દિવસોમાં અહીં થયેલા (થતા રહેલાં) કેટલાંક મેગા મહાનગરી તોફાનો, કેટલાંક મીની માનસિક તોફાનો, ને કેટલીક માઈક્રો મુશ્કેલીઓના મોજાંઓ વચ્ચે પસાર થયેલા ૪૦ દિવસ બાદ ફરીથી ‘વેપારિક-બ્લોગ પર લ્યો સાહેબો, કદરદાનો!….પાછો આવી ગયો છું..

ગયેલી ફિકરને ધુંવામાં ઉડાડી અધૂરી મુકાયેલી પેલી પોસ્ટ અકબરી સવાલોના બિરબલી જવાબો વાળા લેખને રીફર કરી થોડાં આગળ વધીએ…..તેમાં અંતે એક સવાલ હતો કે એ બુકનું નામ શું હોઈ શકે?જવાબમાં આપણો એમેઝોની દોસ્ત કૃતાર્થભાઈ વસાવડા જ સાચો પડ્યો છે. (એમના જવાબની કોમેન્ટને હવે એક્ટીવેટ પણ કરી દીધી છે.)

દોસ્તો, જેમને આગળ આવવું છે, તેમના માટે આવી પઝલ સોલ્વ્ડ તૈયારીવાળું દિમાગ ઘણું જરૂરી બને છે. ઓફકોર્સ! ઈન્ટરનેટ પર સોશિયલ મીડિયાના વાઈરલ ઇન્ફેક્શનથી ‘કોણ કેટલાં પાણીમાં છે તે હવે આસાનીથી જાણી શકાય છે.

આપણે “શું જાણીએ છીએ” તે સાથે સાથે થોડાં વધુ “કોને જાણીએ છીએ?” એ વધુ મહત્વનું બની રહ્યું છે.

આજની Gen-NeXt  ૧૦૦ વર્ષ જૂની (ઇજ્જતદાર) ‘કાલિદાસ બહેચરદાસની આંગડિયા પેઢી’ માં કામ કરવા કરતા લિજ્જતદાર માઈક્રોસોફ્ટ, ગૂગલ(દાસ), ઇન્ટેલ (એજન્ટ), એપલ (પાઈ), સ્પોટીફાય, પેપ્સી અને ટ્વિટર, ફેસબુક, જેવી ‘યંગ જનરેશન’ કંપનીમાં કામ કરવું મુનાસીબ માને છે. આમાં સાયન્ટિફીક રિસર્ચ કરવાની જરૂર નથી. કેમ કે જો “દીખતા હૈ વહી બિકતા હૈ”.

જે કામ આવતી કાલે કરવાનું હતું તે આ બધીઓ ભેગી મળી ગઈકાલે કરી નાખ્યું છે. આખી દુનિયાને સાચે જ મુઠ્ઠીમાં કરી નાખી છે. સવારના સમાચાર ચંદ મિનીટોમાં જ આઉટડેટેડ થઇ ગયા હોય છે. પરપોટા બનતા…અને ફૂટતા જાય છે. જે ‘પોટામાં’ લાંબુ ખમવાની તાકાત છે તેની પર દુનિયાની મીટ મંડાયેલી રહે છે…

જેઓ દિલ અને દિમાગમાં દમ રાખે છે તેમને માટે કંપનીઓ પણ પોતાના કદમ રાખે છે. તેવા અડીયલ ક્રિયેટીવની સતત ખોજમાં રહે છે. યેનકેનપ્રકારેણ તેમના ‘જાસૂસો ચારો ઓર ફૈલાકર’ સવાલોની ગૂગલી મારતા રહે છે. ઇન્ડિયામાં જો કે આવો ટ્રેન્ડ મેં તો જોયો નથી…તમે ‘ટ્રાય’ કરી શકો?

૧૯૯૭ના અરસામાં માઈક્રોસોફ્ટ જ્યારે પોતાના વેપારી-હનીમૂન મૂડની ચરમસીમાએ હતી ત્યારે પોતાની કંપનીમાં કોમ્પ્યુટર ફિલ્ડના બેસ્ટ ઓફ ધ બેસ્ટ લોકોને ‘ચુન ચુનકે’ પકડી લાવતી. માનવામાં ન આવે…વિચારવામાં પણ ન આવે એવા સવાલો અચાનક એમનો એજન્ટ આવીને કોઈક એવા નટખટ ગીકને પટ પ્રશ્ન પૂછી જાય ત્યારે થોડીકવાર માટે એ વોશિંગ મશીનમાં નાખેલી ચાલીસ દિવસથી ન ધોવાયેલી ચડ્ડી તો શું?…ગર્લ-ફ્રેન્ડ ગઈકાલે રાતે કોઈક બીજા સાથે ચાલી ગઈ હોય એય ભૂલી જતા…

શું કામ?- એટલા માટે કે સાચો જવાબ ખોટી રીતે પણ આપી દીધો હોય ત્યારે પેલો ‘માઈક્રોસોફટીયો’ એમના સિયેટલ ખાતેના હેડ-ક્વાર્ટરમાં ઇન્ટરવ્યુ ભાગ-૨નુ આમંત્રણ-કાર્ડ અને હાથમાં પ્લેનની ટિકિટ થમાવી દે. ને ત્યાર પછી શરુ થાય એમનો ‘પ્રોફેશનલ પ્રવાસ’.

આ બધી વિગતોનું માનસિક મેન્યુઅલ એટલે વિલિયમ પાઉન્ડસ્ટોનની કિતાબ ‘હાઉ ટુ મૂવ માઉન્ટ ફૂજી

એની વિગતવાર જાણકારી આ નીચેની વિડીયો ક્લિપ પછી…આફ્ટર ધ બ્રેક!…આ તો ‘બોરિંગ ન થઇ જવાય…એટલા માટે હોં!..

ક્રિયેટિવ ‘સર’પંચ:

ક્રિયેટિવિટી થવા સમય તો જોઈએ…ભાઈ…કેટલો સમય જોઈએ? જાણવું હોય તો આ ક્લિપ જોઈ લ્યો ત્યારે…

ને હવે ત્રીજા ભાગ માટે આવી જાવ આ પોસ્ટ પર ….ફૂજીને ખસેડવાની મહેનત વગરની જાણકારી માટે!