બિનિતાબેન: ઉબરની એક ઉભરતી વનિતા!

Binitaben: The First Woman Driver of Uber in Ahmedabad.
Binitaben: The First Woman Driver of Uber in Ahmedabad.

ખાસ કરીને ઘરેલુ સ્ત્રીઓના દિમાગને તરરર કરતી મસ્તમ મુવી આવીને ચાલી ગઈ: ‘તુમ્હારી સુલુ.’

ફિલ્મ જોયા પછી કેટલી સ્ત્રીઓને તેમનામાં રહેલા ‘એમ્પાવરમેન્ટ’ને બહાર લાવવાની અને કાંઈક કરી બતાવવાની ચળ ઉપડી હશે? એ પ્રશ્ન બાજુ પર રાખીયે. અને ‘સુલુ’ને સાચે જ પકડીને સશક્તિકરણનું મજબૂતી ઉદાહરણ બતાવનાર (ફોટોમાં રહેલા) ગઈકાલે મને મળી ગયેલા બિનિતાબેનને જાણીયે.

અમદાવાદના સૌ પ્રથમ સ્ત્રી ઉબર કાર ડ્રાઇવરી સર્વિસ (આઈ મીન કેબ ઓપરેટર) તરીકે બિનીતાબેને ‘સમાજ અને દુનિયા જાય તેલ લેવા’ના ધોરણે અપનાવી છે.

ખાધે-પીધે સુખી પરિવાર પર અચાનક મુશેક્લીઓનો હોલસેલમાં માર પડે ત્યારે બેશક! કોઈપણ થોડો સમય માટે હલી જાય. પણ બિનીતાબેને દર્દનું કળ વળતા જ સાચે જ ‘હાલી નીકળ્યા’.

તેમના પતિદેવને બ્રેઈન-સ્ટ્રોક્સને લીધે ઊંચા હોદ્દાની કોર્પોરેટ જોબમાંથી મળેલા પાણીચા અને બંને સ્કોલર દીકરીઓના કેરિયરની ગાડીને પાટે ચડાવવા થોડાં અરસા માટે સાસુ સાથે હળીમળી ઇન્સ્ટન્ટ ફૂડ પાર્લર શરુ તો કર્યું. પણ ઇન્સ્ટન્ટ કેશ ન દેખાઈ.

છતાંય પ્રોબ્લેમ પર નહિ, પરંતુ સોલ્યુશન પર રિયર-મિરરને ફોકર કરી ઓપશન્સ શોધ્યા તો ઉબર નું ઓપશન ઉંબરે દેખાયું. લગભગ વર્ષ પહેલા એપ્લાય કર્યું તો ઉબરવાળાઓ પણ તેમના પેશનને પોંન્ખવા સામેથી આવ્યા. એટલે બિનીતાબેને બંગલાના ઝાંપે રેંઢી રહેલી તેમની ખુદની હોન્ડા સીટી પરથી ધૂળ ખસાવી જાતે ડ્રાઇવિંગ શરુ કર્યું.

(બે પૈસા નંય ભૈશાબ પણ) વીસ પૈસા દેખાયા એટલે બિછાને પડેલા પતિદેવે પણ ખુદને ધક્કો (કિક ઓન ફૂલા યુ સી 😉 ) માર્યો અને બીજી ગાડી લઇ આવી ઉબરની સાથે ઓલાને પણ રાખી નોકરી શબ્દને તેલ લેવા મોકલી દીધો. આજે બંને દંપતી ખુદના દમ પર “હેય ઝહલસા છે હોં!” કહી રહ્યા છે.

ગઈકાલે મેં એમને પૂછ્યું: “કોઈક સગાવહાલાંનો કોલ આવે તો કેવી લાગણી થાય?”
“જરાયે શરમાયા વિના ગાડીમાં લઇ જાઉં. આખરે તો એમની પાસેથી પણ કમાણી કરવાની જ હોય ને!” – કહી સ્માઈલ સાથે તેમના ઘરે ચાહ પીવા ઉપડી ગયા.

તમારામાંથી કોઈને જ્યારે આ બિનીતાબેન મળે ત્યારે તેમનો હસતો-ખીલતો ચહેરો જોઈ આપોઆપ જવાબ મળી જશે કે તેમની સાથે કેટલાંયની ‘ગાડી હાઇવે પર’ દોડી શકે છે.