હો જાયે કુછ સૈરાટ!?!?!

નવો જોશ! નવી શરૂઆત !

રાતોરાત લાખો કમાઈ લેવાની ઘેલછા, મહિનામાં જ મિલિયોનેર બની જવાની તીવ્ર ઈચ્છા, કોઈકની વાત ને સાંભળી ન સાંભળી કરીને તુરંત જ પોતાનું રૂઢિચુસ્ત રિએક્શન્સ આપી (કે ચોપડાઈ) દેવાની આદત, દિવસોનું કામ કલાકમાં જ ‘પતાવી નાખવા’ના ગાંડપણમાં આપણે ઘણાં ‘નવજુવાનો’ ઝડપ નામના રોગમાં સપડાતા વાઇરલ બનતા જઇ રહયાં છે. એટલિસ્ટ પાછલાં કેટલાંય મહિનાઓથી મને એનો ઘણો અનુભવ થયો છે.

કોઈ કહે છે કે ‘એક જ જિંદગી’ મળી છે. તો કોઈક કહે છે કે ‘મોત એક જ વાર મળે છે. કાલ (કે કાળ) કોણે જોઈ છે? જેટલું જીવાય એટલું જીવી લ્યો. પણ ખરેખર એવી દોડધામી અને ફિકરી ઝીંદગીમાં આપણે કેટલું જીવી શકીયે છીએ?

માત્ર ‘પૈસાની જ ફૂટપટ્ટી’ દ્વારા બીજાંવને આખેઆખો માપી લેવાની ભૂલમાં આપણે મસ્તમૌલા જેવાં માણસોને ઓળખવાની તસ્દી લેવાનું પણ ભૂલતા જઇ રહ્યાં છે.

સાવ ક્ષુલ્લક બાબતોમાં બીજાં (અરે! બલ્કે આપણા જ સ્વજનો સાથે પણ) જોડે ઝગડો કરી સંબંધોનો રગડો કરતા જઇ રહ્યાં છે. કશુંયે વિચાર્યા વિના માત્ર એકનો ગુસ્સો કે આક્રોશ બીજાંને ટ્રાન્સફોર્મ (અરે હા! એને ‘ફોરવર્ડ’ કહેવાય છે હવે) કરી દઈએ છીએ. લાગણીઓ જાય તેલ લેવા. મને તો દેવું કરીને પણ ઘી તો જોઈશે જ.

પાછલાં ૧૫ દિવસમાં મારા બે પડોશી દોસ્તો (‘અચાનક!’ શબ્દ મારા માટે જ) આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં. તેમના મોતના બે દિવસ પહેલા જ એકની સાથે ફેસ-ટુ-ફેસ અને બીજાની સાથે વોટ્સએપી વાત થઇ.

તેમની આંતરિક બીમારીને લીધે તેઓએ તેમનો ‘ડેડ વોઇસ’ પહેલેથી જ સાંભળી લીધો હશે. એટલે જ તેમની વિદાય વાતોમાં ‘ધીરી ધીરી બાપુડિયાં’ નો સૂર મને હવે સંભળાય છે.

બેશક ! મોત એક ઉત્સવ છે. પણ ધ્યાન રહે કે તેના જન્મનો ઉત્સવ ઘોંઘાટિયો કે વસવસો ન બને…અલમસ્ત બને, મજેદાર બને. હસમુખો બને.

નવ મહિનાનો અંત અને દસમા મહિનાની શરૂઆત… હો જાયે કુછ સૈરાટ!?!?!

મનસુખી મોરલો:

“દુવા મેં યાદ રખના !” – મંત્ર માત્ર મજાક ખાતર નથી બોલાતો. તેમાં મેજીક છે. તેની અસર સાચે જ માનું છું અને માણું છું.”

‘દિલ’મુક સરકારથી ‘ડિલ’મેકિંગ સરકારની સફર!!!

Heart-Brain

.

મની, માર્કેટિંગ, મેનેજમેન્ટ, મેડનેસ, મલ્ટિપ્લિકેશન, મેનિપ્યુલેશન, મોડિફીકેશન, મેજિક-ટચ, જેવાં કેટલાંક ‘મજ્જા’દાર ગુણોની ગૂણ લઈને આવેલા મહામંત્રીશ્રી એટલે ડોનાલ્ડ ટ્રમ્પ.

આ માણસને હું (એક દશકથી પણ વધારે) તેમના રિયાલિટી-શો ‘એપ્રેન્ટિસ’થી ફોલો કરતો આવ્યો છું. “You are Fired!” ના તકિયાકલામ દ્વારા આ ડોનાલ્ડબાબાએ કેટલાંય લોકોની કેરિયરને ત્યારે ‘ડક’ કરી કાં તો ઉજાડી નાખેલી અથવા ઉજાળી દીધેલી.

શો ની શરૂઆતમાં થતું કે આ તેમના નિર્ણયમાં ઉતાવળ તો નથી કરી ને? પણ પછી તેમનો સમજાવટ રાઉન્ડ આવે ત્યારે રહસ્ય ખુલે કે ‘ઐસા મૈને ક્યોં કિયા, માલૂમ?’ અને ત્યારે ખ્યાલ આવે કે ‘બંદેને બાત તો પતે કી બતાઈ હૈ.’

(બાય ધ વે! જેઓ ધંધાધારી દિમાગ ધરાવે છે, તે સૌએ ‘ધ એપ્રેન્ટિસ’ સિરીઝ ન જોઈ હોય એમના માટે ૧૦ સિઝન્સનો મસાલો ઓનલાઈન ખઝાનામાં હાજર છે. ખોળીને ખોલી નાખજો. ખબર પડશે કે ધંધાધૂન કેરિયર કઈ રીતે વિકસાવી શકાય છે.)

ગઈકાલની તેમની પ્રમુખ તરીકેની ટૂંકી સ્પિચ અને બોડી લેન્ગવેજ જોયા પછી લાગ્યું છે કે ‘બોસ, આ ‘કામનો માણસ’ જ છે.

એક બિઝનેસમેન તરીકે જે ત્વરિત નિર્ણય લઇ શકે, જે દરેક બાબતને તોલીને નિવેડો લાવી શકે છે, એ વ્યક્તિ અમેરિકાની સૂકાયેલી સિકલ અને સૂરત પર નવું ક્રિમ અને લોશન લગાવી શકશે.

(એટલે જ અત્યાર સુધી તેમણે જનતાને જાહેરમાં આપેલાં વાયદાઓની શું પરિસ્થિતિ છે, તે જાણવા માટે તેમના (વિરોધીઓએ?!?) ૧૦૦ દિવસની ‘ટ્રેક-ટ્રમ્પ’ સાઈટ વિકસાવી છે. (કામ જો તુમ કરો, કિંમત જો હમે કરેંગે)

ઓબામાઅંકલની ‘દિલ’મુક સરકારથી ટ્રમ્પકાકાની ‘ડિલ’મેકિંગ સરકાર તરફના ટ્રાન્સફોર્મેશનની આખી પ્રોસેસ માર્કેટિંગના મહાગુરુઓ માટે નવું આઈડિયા મેનેજમેન્ટનું મેન્યુઅલ આવ્યું છે. જે શીખશે, જેટલું શીખશે એમના માટે પ્રગતિનો ‘ટ્રમ્પકાર્ડ’ મળ્યો સમજી લેવું!

(દિમાગને મસ્તમ કરનારાં આઈડિયાઝ તમને ડાયરેક્ટ ઈનબોક્સમાં મળે તો આ લિંક પર રિક્વેસ્ટ મુકવી: http://bit.ly/IdeasMarket )

દિમાગથી કોઈને હર્ટ કરવા કરતા હાર્ટથી હિલીંગ….થઇ શકે છે !!!

trisha_prabhu-For-Re-Think-App

  • “તું કેટલી બદસૂરત લાગે છે!”
  • “તારા ડાચાના ઠેકાણા તો જો, બરોબર હસતા પણ નથી આવડતું?!?!”
  • “અહીંથી તારો ફોટો હટાવ, સાવ ડબ્બુ લાગે છે!”
  • “ઓનલાઈન થઇ આવું કરાય જ કેમ? તને કાંઈ ભાન-બાન પડે છે?”
  • “આવાં સેન્સલેસ કામો કરવાને બદલે તારે તો મરી જવું જોઈએ!!!
  • “તને શરમ ના આવી આવું કરતા પહેલા. ડૂબી મર ! ઢાંકણીમાં પાણી લઇને.”

ફોટોમાં રહેલી ત્રિશા પ્રભુ…ચાર વર્ષ અગાઉ ૧૨ વર્ષની હતી અને શિકાગોમાં ભણતી ત્યારે તેણે પેપરમાં સમાચાર વાંચ્યા.. જેમાં તેની જ હમ-ઉમ્ર છોકરી રેબેકાએ આપઘાત કર્યાની વિગતો હતી. ત્રિશાને રેબેકાએ કરેલા આત્મહત્યાની વિગતો અને એમાં રહેલાં કારણોએ હલાવી નાખી.

કેમ કે તે લેખમાં રેબેકાની એક નિકટ દોસ્તે (ઉપર મુજબના) બોલેલાં અલગ-અલગ ડાયલોગ્સની રેબેકા પર શું અસર પડેલી તેની ચર્ચા હતી. નાની વયમાં એવાં ડાયલોગ્સથી કંટાળી ચુકેલી, ડરેલી રેબેકાએ આખરે પોતાને આ દુનિયામાંથી બાદ કરી દીધી. પણ આ લેખની અસરે ત્રિશાને એક નવી દિશા આપી. Stop Cyberbullying on Social Media નું મિશન શરુ કરવાની.

૧૩માં વર્ષમાં પ્રવેશતી વખતે એક ટીન-એજ છોકરી શું શું અનુભવી શકે છે, વિચારી શકે છે એનો તેણે લાઈબ્રેરીમાં જઈ અભ્યાસ કર્યો. લોકોના મોં પર તાળાં દેવાને બદલે શબ્દો જ તેમને હાથતાળી આપીએ એવો આઈડિયા શોધી લાવી. અને પછી બે વર્ષની અથાગ મહેનત બાદ મોબાઈલની એપ બનાવી. :RE-THINK

આ એપ એવાં બુલિશ લોકો માટે બનાવી જેઓ શબ્દોથી ‘બીજાંની હળી કરવામાં પાશવી આનંદ મેળવતા હોય, જેમને બીજાંને હંમેશા ક્ષુલ્લક કારણોમાં પણ કોમેન્ટ દ્વારા પજવવાની મજા આવતી હોય, જેઓ બીજાંને નીચે પાડવામાં મોજ આવતી હોય…(જેવું રેબેકાની એક સહપાઠી એ કર્યું ‘તુ.)

ખસ કરીને મોબાઇલ પર રહી સોશિયલ મીડિયામાં તમે ક્યારેક આવેશમાં આવી કોઈને પણ ‘બફાટ કરવાની શરૂઆત કરો ત્યારે આ એપ ટાઈપીંગ વખતે તમને ઘડીકભર માટે એમ કહી રોકી લે છે….

“સબૂર ! મને લાગી રહ્યું છે કે તારા આ શબ્દોથી વાંચનારની લાગણી ઘવાઈ રહી છે. તારાથી અપશબ્દો લખાઈ રહ્યાં છે. મારુ સજેશન છે કે…તું આવું ન કર અને થોડી વાર રોકાઈ જા !”

ત્રિશાની આ એપથી (ખાસ કરીને ઘણાં એવાં ટીન-એજ છોરાં-છોરીઓ Cyberbullying કરતા અટકી ગયા છે. અને થોડાં સમય બાદ તેમને હાશકારો અનુભવાયો છે.

હવે એક નાનકડી વયમાં, એક નાનકડાં વિચાર દ્વારા ત્રિશા આવું એક મોટું સામજિક કાર્ય કરે ત્યારે ગૂગલ પણ તેને સાયન્સ-ફેરમાં ૧૦૦,૦૦૦ ડોલર્સનો મોટો (સોશિયલ-અચિવમેન્ટ) એપ એવોર્ડ આપવા આગળ આવે છે ને!

સોળ વર્ષની થયેલી ત્રિશા પ્રભુને મારા સોળ-સોલ સલામ !!!

મૂક મોરલો: “દિમાગથી કોઈને હર્ટ કરવા કરતા હાર્ટથી હિલીંગ કરીએ તો કેવું?!!!!”

(Image Credit:dailyherald.com)

#StopCyberbullying #Spread #HappinessMore

વેપાર વયસ્ક: સુપર સર્ચ-એન્જિનથી સુપર પાવર સોલર એનર્જીના એ ૧૫ વર્ષની ગૂગલી સફર….

Google-Garage

Google-Garage | Photosource- mashable.com

“મને એવા લોકોથી સતત ડર રહે છે. જેઓ કાંઈક અનોખું કરવાની શરૂઆત ગેરેજમાંથી કરે છે.” –

ગૂગલથી વાગેલી લપડાકો પછી થોડાં વર્ષ અગાઉ માઈક્રોસોફ્ટના બિલ ગેટ્સનું આ ક્વોટ ચર્ચાસ્પદ બન્યું હતું. તેને એ બાબતનો આજે પણ સતત ભય રહ્યો છે કે ગૂગલ ક્યારેક તો તેને ગળી જ જશે.

એટલે બિલે તેને પછાડવાના બધાં જ પેંતરાઓ અજમાવી જોયા છે. પણ…શરૂઆતથી જ આ જાયન્ટ પેલી પરીની જેમ ખૂબ ઝડપથી જમી (કે જામી) ગયો હતો. અને બિલના હાથે આવ્યું માત્ર ન જમ્યાનું ‘બીલ’…

ખૈર, આજે ગૂગલ ૧૫ વર્ષનું થઇ ચૂક્યું છે. તેની પાછળ તેની ખૂબ રસિક ઘટનાઓ, કથાઓ, પ્રસંગો, ક્ષણો તેના અલ્ગોરીધમની જેમ ‘ઇન્ડેક્સ’ થઇ ચુક્યા છે. નેટ પર માત્ર ‘સર્ચ’ બહેતર કરવાની સિસ્ટમ લઇ આવનાર તેના બે સ્થાપકો લેરી પેઈજ અને સર્ગેય બ્રિનના દિમાગ અસામાન્ય કરતા પણ થોડાં વધારે હાઈપર છે.

તેઓએ દુનિયામાં માર્કેટિંગ-ટેકનોલોજીનું અત્યાર સુધી સૌથી ‘ઉત્ક્રેસ્ટ’ ઉદાહરણ મુક્યુ છે. સુપર સર્ચ-એન્જીનથી લઇ સુપર-પાવર સોલર એનર્જી સુધી વિકસતું રહેનાર ગૂગલ મહારાજનું સ્તોત્ર લેખને અંતે મુકેલી લિંક પરથી જાણી શકાય છે.

આ ફોટો ગૂગલના ‘લેબર રૂમ’નો છે જ્યાં એ છોકરાંઓ એ કોઈપણ પ્રકારનો ‘ગે’રલાભ લીધા વિના માત્ર તેમના ગોલ પ્રત્યે ધ્યાનસ્થ થઇ બાળ-ગૂગલને જન્મ આપ્યો. પણ ત્યારે ઓફિસીયલી તેનું નામકરણ થયું ન હતું.

તે બેઉને જ્યારે સ્ટાફની સંખ્યા વધારવાની જરૂર પડી ત્યારે એક દિવસે આ ગેરેજને ગંજમાં કન્વર્ટ કરવા તેમની મદદે સૌ પ્રથમ એક ભારતીય ભડવીર (વેન્ચર કેપિટલિસ્ટ) કેટલાંક કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ લઇ આવ્યા.

નામ : ‘રામ શ્રીરામ.”

બસ્સ્સ્સ્સ્સ…પછી તે બાદ…ગૂગલની ગૂગલીઓ આઈ.ટી ઇન્ડસ્ટ્રીઝને સતત આંટા આપતી જ રહી છે. આજે પણ રામભ’ઈ તેના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સિરમોર છે અને ગૂગલની સાથે તેની અન્ય કંપનીઓને “રામ બોલો ભાઈ રામ” બોલવા દેતા નથી.

“દોસ્તો, ઈન્ટરનેટની અવનવી કથાઓ વિશે અઢળક માહિતીઓ વરસી રહી છે. કેમ, કઈ રીતે, કેટલું ઉલેચવું એ આપણી ઉપર જ નિર્ભર છે. બસ આંખો ખુલ્લી રહે એ જરૂરી.” – એ વિશે વિગતે વાત કરી તેમાંથી કાંઈક લાભ મેળવવા માટેની ટેકનિક્સ આગામી સેમિનારમાં પણ બતાવવી છે. બસ થોડાં ઇન્તેઝાર !

ગૂગલ સ્તોત્ર: https://netvepaar.wordpress.com/2011/04/03/i_am_the_google/

વેપાર વણાંક: ‘બોસ’ને પણ આ રીતે પાણીચું આપી શકાય.

Fire_Your_Boss_with_Resignation

.

“માનનીય બાર્ટન સાહેબ,

તમારી કંપનીમાં એક સાવ ફાલતું માણસ છે. હું માનું છું કે તમારે તેને ઘણાં વખત પહેલા પાણીચું આપી દેવું જોઈતું હતું. સાહેબ! હું આપને શેરવૂડ એન્ડરસન નામના એ માણસની આજે વાત કરવા માંગુ છું.

હું જોઈ રહ્યો છું કે કેટલાંક અરસાથી તેને ઓફિસના કામોમાં કોઈ રસ કે દિલચસ્પી રહી નથી. તેને એમ પણ લાગી રહ્યું છે કે પાછલાં કેટલાંક મહિનાથી એ જાણે આપની કંપનીમાં શોભાનું એક ગાંઠીયુ જ બની રહ્યુ છે.

તેનાં લાંબા વાળ તો જુઓ! ઓફીસમાં તેને પોતાના દેખાવનું પણ ભાન નથી. જાણે કોઈ લઘરવઘર કલાકાર અહીં આંટા મારી રહ્યો હોય. આવા માણસો કદાચ બીજાં પ્રસિદ્ધ કલાકારોને ઈમ્પ્રેસ કરી શકે પણ ઓફીસના રૂટિન કામ માટે……ચાલી જ કેમ શકે?

હા ! તો હું આપને એમ કહું છું કે તેની આવી હાલત જોઈને આપે આવા નકામા માણસને વહેલામાં વહેલી તકે નોકરીમાંથી કાઢી જ નાખવો જોઈએ. જેથી આપની ઓફિસનું કામ અને તેના સમયનો બગાડ થતા અટકી શકે. અને જો આપ એમ નહિ કરો તો હું ખુદ પોતે જ તેને ઓફિસમાંથી કાઢી નાખવા તત્પર થઇ ચુક્યો છું.

આમ તો તેનામાં કામ કરવાની ઘણી સારી એવી સ્કિલ્સ અને આવડત છે. એટલે શક્ય છે, તેનો સાલસ સ્વભાવ અને તેનામાં રહેલી કેટલીક સારી બાબતો તેને બીજે ક્યાંક તેના મનગમતા કામ સાથે આગળ વિકસાવી શકશે.

તો આવતા અઠવાડિયા પહેલા તેની બરતરફી ઓર્ડર પાકો ને?

આપનો સદા આભારી,
ખુદ….શેરવૂડ એન્ડરસન.”

=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=

તો આ હતુ ઈ.સ. ૧૯૧૮માં લખાયેલું અમેરિકાના સુપ્રસિધ્ધ નવલકથાકાર શેરવૂડ એન્ડરસનનું એક નવલા પ્રકારનું રાજીનામુ.

જોબના હોજમાં ફીટ ન બેસી શકનાર આ શેરવૂડ સાહેબે વર્ષો પહેલાં નોકરીથી તંગ આવી જાતને જ બોસ પાસે ‘ફાયર’ કરાવી. પછી તેમના લખવાના પેશનને બહાર કાઢી લખાણની નવીન શૈલીથી ખુદનું ‘લેખન-માર્કેટ’ વિકસાવ્યું.

દોસ્તો, આજથી ફરી એક નવું ‘વિક’ શરુ થઇ રહ્યું છે. તમારા માંથી કોઈકને લાગતું હોય કે તમારી સ્કિલ્સ, ટેલેન્ટ શેરવૂડની જેમ ક્યાંક ‘વીક’ ગયા છે, અને તમે એમાંથી બહાર નીકળવાનો ઉપાય શોધી રહ્યા છો તો…. પહેલા ખુદ થઇ જાઓ ‘રાજી’…. પછી ઉઠાઓ કલમ અને લખો તમારી અસલી કારકિર્દીનું ‘નામું’!

મોનેટરી મોરલો:

‘ખુદમાં રહેલા ‘શેર’ને બહાર લાવવો હોય આ રીતે ‘કાગળનો ટાઈગર’ બનીને પણ…….શરૂઆત તો કરવી જ પડે છે.’

IPhone 5C: colorful Or cheap ? યા કુછભી નયા નહિ મિલા રે….?!?!

iPhone 5C

શહેરના કોઈ સોફિસ્ટિકેટેડ જુવાનને ગામડાનો ભાતીગળ પોશાક પહેરાવી (સમજો કે તરણેતર)ના મેળામાં છુટ્ટો મુકવામાં આવે તો કેવો લાગે?- એવો જ ગઈકાલે લોન્ચ થયેલો એપલનો નવો ફોન iPhone 5C બન્યો છે.

“મારા ગ્રાહકોને શું જોઈએ છે, હું તેની પરવા કરતો નથી. પણ એમને કેવી બેસ્ટ અને યાદગાર પ્રોડકટ/સર્વિસ આપી શકું એ બાબત મારા માટે વધારે અગત્યનું છે.”

એવું કહેનાર અને માનનાર સ્ટિવ જોબ્સે વર્ષો સુધી ખુદના આઈડિયા પરથી સુપર સક્સેસીવ માર્કેટ ચલાવ્યું. પણ હવે તેના ગયા પછી ઘેંટાના ટોળાની જેમ ડિમાંડ પૂરી કરતુ એપલે ‘ઇનોવેશન’ના જીનને સ્ટિવની કબરમાં પુરી દીધું હોય એવું લાગી રહ્યું છે. જે થઇ રહ્યું છે તે માત્ર ઇમ્પ્રુવમેન્ટ. નો ઇનોવેશન!- વાત પૂરી.

મોબાઈલ-ટેકનોક્રેટ્સ અને તેના સર્વે હરીફોએ ગઈકાલના લોન્ચ બાદ “કુછભી નયા નહિ મિલા રે….” કહી ખંધુ હસીને પાર્ટી મનાવી છે. તેની સામે એન્ડ્રોઇડ અને સેમસંગને કેટલાંક બોનસ પોઈન્ટ પણ મળ્યા છે.

ખૈર, -.-.-.-.-.-.-.- ધારો કે એ જ સ્ટિવ ફરીથી ક્યાંકથી પેદા થઇને પાછો આવી જાય તો સૌથી પહેલું કામ થોડી વાર માટે જ રડવાનું તો કરશે. પણ સાથે સાથે ‘માતૃ-ભગિની’યુક્ત વિદેશી શબ્દ-પ્રયોગો કરશે.

પછી તેના હાલના CEO ટિમ કૂકને ક્યાંક મોકલી દેશે. પછી તડીપાર કરાયેલા તેના એન્જિનિયર સ્કોટ ફ્રોસ્ટેલને પાછો લઇ આવશે અને સોફ્ટવેરની અનોખી નવી સિસ્ટમ લઇ આવશે.

પછી તેના જીનિયસ ડિઝાઈનર જોનાથન ઇવ પાસે કોઈક મરી પરવારેલા હાર્ડવેરમાં નવો જાન ફૂંકી હાર્ડવેર માર્કેટમાં રેવોલ્યુશન લાવશે. અને આ જોઈ મારા જેવાં વર્લ્ડ-વાઈડ ચાહકો ૭૨૦ અંશના ખૂણે નાચવા લાગશે.

આ હું યકીન સાથે એટલા માટે કહી શકું કે પાછલાં દસકાથી એ સ્ટિવડાના દિમાગી દીવડાને સળગતો જોયો છે. મેં તેને સમયાંતરે ‘અશક્ય’ નામના શબ્દ માંથી ‘અ’ કાઢતા જોયો છે. – (પૂછના હૈ તો મેરે દિલસે પૂછો કે મૈ હોર્લિક્સ ક્યોં પીતા હૂ?).

પણ હાય રેએએએએ! વોહ દિન કહાં સે લાયેએએએએ?

બટ ફિકર નોટ! અત્યારે સ્ટિવ જેવો જ એક ડાયનામિક અને મસ્ત માણસ માર્કેટમાં આવી ગયો છે.: ટેસ્લા કંપનીનો માલિક મી. એલન મસ્ક. એની પર નજર રાખવા જેવી છે. લીખ લો ઠાકુર કુછ નયા આ રહા હૈ!

=[વેપાર વિચાર]= જો ગુમાવીને પણ કાંઈક મેળવવું હોય તો…

જસ્ટ ઈમેજીન.

તમે તમારા બોસની બબાલ…બૈરાની બકબક….અને વધું પડતા કામનો કકળાટ, જેવી બાબતોથી થાકી ગયા છો. ટેન્શનનો પહાડ માથે ભમી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. 

ત્યારે તમને આ બઅઅઅઅધ્ધું થોડા સમય માટે ક્યાંક છોડીને એવી જગ્યાએ ‘ચાઈલા જવું’ છે, જ્યાં તમે…ખુદ ‘સ્વ’ બન્યા વિના થોડા જ સમયમાં ‘સ્વ’સ્થ થઇ શકો…તો કેવું?

તેના રસ્તાઓ તો ઘણાં છે. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ ઓટો કંપની જીપ તેની એક અનોખી GPS ટેકનોલોજીમાં એ બાબતે ડિજીટલી રસ્તો બતાવી મદદે આવી છે. (GPS એટલે ગાડીને નાનકડા સ્ક્રિન પર રસ્તો ગાઈડ કરતો ઈલેક્ટ્રોનિક ભોમિયો

જીપે તેના નવા મોડેલમાં ગોઠવેલી GPS સિસ્ટમની અંદર એક નવો ઓપ્શન મુક્યો છે. ‘GET LOST’. ખાસ એવા લોકો માટે જેઓ ઉપર મુજબના હાલથી બેહાલ થયા છે. અને ક્યાંક એવી અજાણી જગ્યાએ પહોંચી જવા માંગે છે કે જ્યાં થોડો સમય તણાવ મુક્ત રહી શકે.

ત્યારે આ Get Lost સિસ્ટમનો બટન દબાવતાં જ આપણને કાર/ગાડી એવા ખુશનુમા અને કુદરતી વાતાવરણમાં લઇ જાય છે કે આપણને થાય છે કે… ‘લે! હાળું આવું દ્રશ્ય તો ક્યારેય જોયું જ નો’તું લ્યા !

નીચેની વિડીયો ક્લિપ જોયા પછી તમને પણ થશે કે…. “માણસને અજાણ્યા રસ્તા ઉપર લઇ જઈ તેનો ખુદનો સાચો ‘રસ્તો બતાવે’ એવી ટેકનોલોજી તે આનું નામ…

=] સર‘પંચ’ પોઈન્ટ:[=

મોબાઈલના App Developes, તમને આમાંથી ‘ઝબૂક’ કરતો કોઈક આઈડિયા મળ્યો? – મને તો મળ્યો છે…જ.દ !

(મને યકીન છે કે…આ ટેકનોલોજીને ભારતમાં ઘણું મોટું માર્કેટ મળી આવશે.) 

<= મોરલો=>

“જીવનમાં ક્યારેક ખુદની જાતને મળવું હોય તો… ‘Get Lost’ પણ થતા રહેવું.”
.

વેપાર વિસ્મય : “મને ત્યાં એક રાત ગાળવી છે…”

ગાંડા થવું સેકન્ડ્સનું કામ છે. પણ ગાંડા બનાવવું……બહુ ડહાપણ ભરેલી વાત છે દોસ્તો.

આ બ્લોગના ટાઈટલને જ જુઓ ને. વાંચ્યા બાદ કેવી કુતૂહલતા જાગે છે…નહિ? પણ આમાં મારો વાંક નહિ બંધુઓ. આ તો પેલી ફર્નિચરની મહારાજા કંપની આઈકિયા એ આ રીતે કહી લોકોને સુવડાવી તેના ગ્રાહકોમાં ફરીથી કુતૂહલતા જગાવી છે.

‘આઈકિયાના સુંવાળા ફર્નિચર (ખાસ કરી પલંગ)નો ઘરે લાવ્યા બાદ કેવો અનુભવ થાય એનો પ્રયોગ જો પહેલા જ કરાવવામાં આવે તો?’

બસ આવો હટકે વિચાર તેના માર્કેટિંગ વિભાગને આવ્યો ને શરુ થયુ એક મિશન : “મને આઈકિયામાં એક રાત ગાળવી છે…” (I Wanna Have A Sleepover In Ikea).

લંડનના એસ્સેક્સ ટાઉનમાં આવેલા આઈકિયા-સ્ટોરમાં આ ઘટનાની જાહેરાત કરવામાં આવી. કેટલાંક ગમતાં-ભમતાં યુગલોને આમંત્રિત કરવામાં આવ્યા. એસ્સેક્સની જ એક સેક્સી મોડેલને ઉદ્ઘાટન કરવા બોલાવવામાં આવી અને તેને પણ એક રાત ત્યાંજ ગાળવાનું ‘માનભર્યું’ ઇજન મળ્યું. – બસ! પછી શું જોઈએ?

હવે એમને શું જોઈએ એની તો મને ખબર નથી. પણ ચાલોને આપણે જ આ વિડીયોમાં એની નાનકડી ઝલક જોઈએ!

રાત પછી બીજી સવારે વેચાયેલા હજારો પાઉન્ડ્સના આઈકિયાના ફર્નિચરના સાચા સેલ્સ-આંકડાઓને બાજુ પર મૂકીએ. કેમ કે આવા રાતા-પ્રયોગની સાચી ગુલાબી અસર તેના ફેસબુક ફેન-પેજ પર મળી આવે છે.

લગભગ પોણો લાખ લોકો ‘રાતો રાત’ આ રાતી ઘટનાના સાક્ષી બન્યા છે. મસ્તીભરી વાત તો એ છે કે આવી રાતનો અનુભવ શેર કરવામાં આ યુગલો હજુયે હોંશેહોંશે આ પેઈજ પર આવતા રહે છે. હવે આવા ‘સુતેલા’ વાયરસો હજુ બીજાં કેટલાંયને ‘સુવડાવશે’ એની કોઈ ગેરેંટી ખરી?

મારી નજરે…સિમ્પલ છતાં સુપર આઈડિયા લડાવી આઈકિયાએ અસરકારક બ્રાન્ડિંગ કરી બતાવ્યું છે. લાકડાં લડાવતી કાતિલ હરિફાઈમાં Try Before You Buy’ કોન્સેપ્ટ આજે આખા આલમમાં વધુને વધુ ક્રિયેટીવલી મશહૂર થતો જાય છે. હવે જેના હાથમાં લાઠી આવે તે લાઠી-દરબાર બની જાય છે ને….બાકીનાની ભેંસ પાણીમાં બેસી જાય છે.  

વેપારિક દોસ્તો, આપણે કાંઈ પણ વેચીએ. બસ! માત્ર વેચવાની જ વૃતિથી વેચશું તો બહુ જલ્દી વેચાઈ જવાની સંભાવના રહે છે. પણ..કોઈક ચાતુરી ઘટના કે ઉપાય દ્વારા માલનો નિકાલ આજના જમાનાની માંગ ભરે છે.

શું કહો છો? : ગ્રાહકને આ રીતે ‘સુવડાવીને’ પણ કમાણી કરવું આઈકિયા પાસેથી શીખવું જોઈએ?

‘સર’પંચ:

બેકગ્રાઉન્ડ રિપોર્ટ :

આપણા એક બાપુ આ રીતે ત્યાં જઈ સુઈ સુંવાળો અનુભવ કરી આવ્યા. તો અમે ફોનથી પૂછ્યું:

“કાં બાપુ! રાત કેવી રહી?”

“એ પટેલ!..આપડે તો ત્યાં જઈ ચોરી કરી આઇવા! બોલ કેવા મરદ માણસુ કે’વાયે કે નં’ઈ?”

“શું વાઆઆઆત કરો છો…બાપુ?!?!? એવું તો શું ચોરી લાવ્યા તમે?”- મારાથી સામો સવાલ થયો.

“કાંઈ એવું બેવું નહિ ચોર્યું લ્યા!….આ તો એમણે ધાંધા કરેલો આઈડિયા ચોરી લાઈવો છું. તને તો ખબર જ છે ને કે..આંયા ધોળિયાઓ હાટુ આપડી તો બાપદાદાની વર્ષો જૂની દારુની દુકાન….બસ! એક રાત એમને ય આ રીતે ‘નવડાવી’ નાખવા છે!” :-)

.

.

થોડો વધારે જોર ‘પંચ’

દોસ્તો, જૂન મહિનાના અંત સુધીમાં આ બ્લોગ બંધ થઇ જશે. એટલે હવે માત્ર એક જ જગ્યા પર :www.vepaar.net પર જ પોસ્ટિંગ કરવામાં આવશે. શક્ય હોય તો ત્યાં જ રહેલા ‘સબસ્ક્રાઈબ’ બટન પર આપનું ઈ-મેઈલ નોંધાવી દેશો તો પબ્લિશ થયે આપને મેસેજ મળતો રહેશે.

પુસ્તક પ્રિસ્ક્રિપ્શન : ૧૦૦ ડોલરમાં વેપાર…અપરંપાર ?!?!?!- $100 Startup

ધારો કે..

  • તમે સાચેસાચ એવી જગ્યાએ આરામ ફરમાવી રહ્યા છો જેનું તમે માત્ર સ્વપ્ન જ જોયું હતું.
  • તમે ચાહો એવું કામ કરી રહ્યા છો જેને જોવા માટે તમારી પાછળ કોઈ બોસ નથી. તમે ખુદના જ એક બોસ છો.
  • તમારી ઓફિસમાં કામ કરવાનો તમારો છેલ્લો દિવસ છે. તમે “હવે બહુ કર્યું” એમ માનીને પોતાની આવનારી પળોને માણવા બીજી પળોજણને ફેંકી હાથમાં લેપટોપ રાખી દબાયેલું સ્વપ્ન સાકાર કરવાની શરૂઆત કરો છો. ને પછી…
  • તમે તમારા બોસને પાણીચું આપતી ચિઠ્ઠી આપી રહ્યા છો જેમાં લખ્યું છે કે: “વ્હાલા થઈને હવે ગયેલા બોસ! તમારા માટે મેં બહુ વૈતરું કર્યું. હવે મને તમારી જરૂર નથી. હું આ ચાલ્યો, મારું મનગમતું કામ કરવા ને ખુદ માટે વધારે કમાવવા.
  • તમે ઘરે આવી મગજમાં ભરાયેલા આઈડિયાને ખોલી રહ્યા છો. ને સાથે સાથે ખુદના વેપારના નવા નિયમો પણ સર્જી રહ્યા છો.

 શું તમને હવે કોઈ બોસિંગનો ડર નથી?… આવનાર મુશ્કેલીઓની ફિકર નથી?

ના ના ના  બંધુ પ્યારે! એ કરતા પણ તમને હવે ખુદને સમજી જવાનો આત્મવિશ્વાસ જાગી ગયો છે. બીજાની ‘બોન પૈનાવવા જાય’ એવી બેફિકરી નિયત રાખી તમારા ખુદની ઝિંદગી સાથે સંલગ્ન થઇ રહ્યા છો. તમને એક બાબત ઘર કરી ગઈ તે છે: આઝાદી…સ્વતંત્રતા…ફ્રિડમ !

આ બાબતને મુખ્ય બનાવી થોડાં કલાકો અગાઉ જ એક પુસ્તક જન્મ્યું છે.

જેનું શાબ્દિક નામ:                   ડોલર ૧૦૦ સ્ટાર્ટ-અપ

અને શારીરિક નામ (લેખક):          ક્રિસ ગલેબો

.

$100Startup-Book

.

યેસ દોસ્તો, ધુરંધરો, આ ક્રિસ ગલેબો એક એવી નવજુવાન વ્યક્તિ છે જેણે ૩૫ વર્ષની અંદર લગભગ ૧૫૦થી પણ વધું દેશોની ધૂળ ખાઈને પાણી પીધાં છે. સમજો કે હાલતું-ચાલતું પુસ્તક છે. એટલેજ મારી નજરે બહુ અલગારી માણસ છે. જેના વિશે બીજી વખતે વિગતવાર જણાવીશ. (હાલમાં તો કાનમાં કહી દઉં કે આપણા માનીતા લેખક સેઠ ગોડીનનો આ ઘણો માનીતો શિષ્ય છે.)

ક્રિસે બનાવેલા ખુદના સદનસીબને લીધે તેની પાછળ પ્રોફેશનલી કોઈ બોસ કે મેનેજર નથી. પણ તેની સાથે છે તેનું બે પેશન: કુદરતનો ખોળો ખુંદવાનું અને ખુદને ગમતો વેપાર કરવાનું. ઝિંદગીના તેના આ મકસદમાં તેને સર્વથા સાથ આપ્યો છે તેની પત્ની જુલીએ.

ઇન્ટરનેટની પુખ્તતાથી આવી સ્વ-આઝાદીનો એવો વાઈરલ પવન ફૂંકાયો છે જેમાં અનિલ હોય કે અનિલા, યા સમીર હોય કે સમીરા જેવા ઘણાં લોકો તેની અસર હેઠળ (ઇન્ફેકશનમાં) આવી ગયા છે… ને હજુયે આવી રહ્યા છે.

 ડોલર ૧૦૦ સ્ટાર્ટ આવી જ ફ્રિડમની વાત કરતુ ખુલ્લું પુસ્તક છે.

ફ્રિડમમાં: ભલેને ‘ફ્રિ’ શબ્દ મફતમાં મળ્યો હોય પણ તે ખૂબ કિંમતી છે. કાંઈ એમને એમ નથી મળતો. એ તો એ લોકોને વધારે ખબર છે જેમણે ખરેખર આઝાદી લેવા માટે જાન આપ્યા છે. એટલે જ આપણા મતે એમનું મૂલ્ય ઊંચું છે.

ડોલર ૧૦૦ સ્ટાર્ટઅપ પુસ્તક આવા જ Freedom Freedom + Value નું કોમ્બોપેક લઈને આવ્યું છે.

મૂલ્ય ભલે બીજા દ્વારા થાય પરંતુ કિંમત આપણે ખુદ જાતે કરવી પડે છે. ઘણું બધું આપીને…થોડું કાંઈક લઈને.

ડોલર ૧૦૦ સ્ટાર્ટઅપમાં એવી ૨૫ કેસ-સ્ટડીઝ (ઘટના)ઓ લઈ ક્રિસ ગલેબો એ એવા લોકોના ‘બોલ’ સાથે જોરદાર બેટિંગ કરી છે જેમણે પોતાની વ્યાવસાયિક દુનિયામાં ખૂબ ઓછા ખર્ચે ‘ક્રિસ’મત અજમાવી છે.

જેમ શરૂઆતમાં જાણ્યું તેમ એવા બીજા ઘણાં બિઝનેસ બનાવોને તેણે માઈકલ જેવી સાચી વાર્તા દ્વારા બહુ સરળ અંગ્રેજીમાં લખ્યું છે, સમજાવ્યું છે.

જો કે એમાંની ઘણી કથાઓ આમતો અમેરિકામાં જ બનેલી છે. પણ છતાંય એવા દેશોના લોકોની વાત પણ વર્ણવવામાં આવી છે જેમાં વેપારની તકો કાટ ખાઈ ચુકી હોય. $૧૦૦ સ્ટાર્ટઅપ એટલે નાના રોકાણ દ્વારા મોટી મહેચ્છા પાર પાડવાની શરૂઆત.

જેમ કે,

  • લંડનની સુસાનાની ફોટોગ્રાફી ટ્રેઇનિંગ પાછળ રહેલી ફ્લેશબેક કથા
  • કોસ્ટારિકાના બ્રાન્ડેન પિયર્સના સંગીત-ક્લાસની બેક-ટ્યુનસની કહાની
  • મને ખુબ ગમતો ઓસ્ટ્રેલિયન બ્લોગી ડેરેન રોઝ પણ તેની ધૂણી સાથે મળી આવશે અને …
  • માઈક્રોસોફ્ટ એક્સેલ સોફ્ટવેરના ડેટાબેઝ મેનેજમેન્ટમાં એક્સેલંટ થયેલો આપણો દેશી પૂર્ણા દોગ્રીલ્લા ‘ચંદુ’ તરીકે પણ દેખાઈ આવશે.

આ બધાં સૌએ નાનકડી પ્રોફાઈલના જોરે અને પેશનના પરીક્ષણ થકી આઝાદ રહી સમાજમાં કાંઈક કરી બતાવ્યુ છે. ને આજે નીચી મૂડીથી ઉંચી મેડીના મોલમાં બિરાજે છે.

આ બધું જાણ્યા અને જણાવ્યા પછી પણ લેખક ક્રિસ ગલેબોએ ક્યારેય એવું નથી કહ્યું: “હું ક્રિસ….હું ક્રિસ”

એ તો કહી રહ્યો છે: “એ પણ હું કરીશ. તે પણ હું કરીશ.”

તો દોસ્તો, હવે ‘કરવુ’ કે ‘ના કરવું’ એ આપણા હાથમાં છે. તો પછી આ પુસ્તકને પણ હાથમાં લઇ વાંચવામાં ક્યાં વાંધો આવે છે? ભાંગી પડો એ પહેલા તૂટી પડો ને ખરીદી લ્યો આ તાજું જન્મેલું પુસ્તક એમેઝોન પરથી. આ રહી લિંક. $100 Start-up

દેશ કોઈ પણ હોય. સીમા ભલે અલગ પડતી પણ સંવેદનાસરખી જોડાયેલી હોય છે. -મુર્તઝાચાર્ય

માઈકલપંચ’

ખૈર, ગઈકાલની પોસ્ટમાં જવાબ અદ્રશ્ય રાખ્યો તો એક સામાન્ય સવાલ ઘણાં વાંચકોને થયો છે.

પેલા માઈકલનું થયું શું?

તો એ જાણી લ્યો કે…એક દરવાજો બંધ થયા તો બીજા ચાર ખુલે છે એમ નવરા પડેલા માઈકલભાઈને પણ થોડાં જ સમયમાં તેના એક પડોશી-વેપારી મિત્ર દ્વારા ઓવર-સ્ટોકમાં પડેલી મેટ્રેસીઝ (ફોમવાળા ગાદલાં) વેચવાની ઓફર મળી.

જેમાં તેણે પોતાની ‘ગૂડવિલ’ રોકીને પોતાના એક બીજા દોસ્તની મદદથી ખાસ પ્રકારની સાયકલ બનાવી, જાતે ચલાવી ‘ફ્રિ હોમ ડિલીવરી મેટ્રેસ’ની સેવા દ્વારા ઘણું પ્રોફિટ હાંસિલ કર્યું. આજે આ માઇકલની સાયકલ ‘ધી મેટ્રેસ લોટ’ના નામે પૂરપાટ દોડે છે.

બે વર્ષ પછી તેને પેલો છેલ્લા દિવસે પહેરેલો નોર્ડસ્ટ્રોમનો કોટ પણ મળી આવેલો. કારણકે તે દિવસ બાદ ક્યારેય તેને એવા પ્રોફેશનલ ડ્રેસ પહેરવાની જરૂર જણાઈ નહિ.

સામે કોઈ બોસ હોય તો પહેરે ને? એના ગ્રાહકો તો એના દોસ્તો છે.

બોલો, હવે મારી વાતનો વિશ્વાસ કરવો છે?- આ રહ્યો એનો બોલતો દેખાતો પૂરાવો:

જો આ માઈકલમામા સાચે જ કોઈ ફિલ્મ બનાવે તો તેનું નામ “જબ વી ‘મેટ્રેસ’ આપે કે નહીં? જુઓ તો ખરા એને માર્કેટ કરવાની જવાબદારી મેં કેવી લઇ લીધી?

વેપાર પચ્ચીસી: ‘બોઝ’ભાઈની બોજ ભરેલી બંગ કહાની …

ટેન્શનના બોજથી લદાયેલા બંગાળી બાબુ વીર વિક્રમજીત બોઝે દરરોજની જેમ ઓફિસેથી નીકળતી વખતે જોબના નામના વેતાળને ખભે ઉચકી આજે ટ્રામને બદલે કોલકાતા-મેટ્રોથી ઘરની તરફ જવા રસ્તો પકડ્યો.

કારણકે ‘મમતા’થી ભરેલી રેલીના કારણે શહેરની બસ અને ટ્રામ સેવાઓ સાંજ પડતા પહેલા જ ઠપ્પ થઇ ચુકી હતી. રસ્તો સહેલાઈથી નીકળી જાય એ માટે વેતાળે વિક્રમજીતને આજે પણ ફરીથી નવી કહાની સંભળાવવાનું નક્કી કર્યું.

આ ‘કહાની’ પેલી વિદ્યા(બાલન)ની ન હતી. પણ…કહેવાતા વીરને જોબથી વેપારની તરફ વાળવાની એક નાનકડી વિદ્યા મળે એ માટેની કોશિશ માત્ર. કેમકે વેતાળ પણ હવે આ વિરલા સાથે દરરોજ સવારની સાડા સાતથી મોડી સાંજના સાડા સાત વાગ્યા સુધીની સાડાબારીથી કંટાળી ગયો હતો. તેને પણ હવે કોઈ સારો ટેકો જોઈતો હતો.

લિસન વિકી! તારી આ વધુ પડતી વિદ્યાને કારણે મને તારા સાચા જવાબોથી બહુ જ તકલીફ પડતી રહે છે. માટે ખાસ વિનંતી કરું છું કે… આજે તને જે વાર્તા કહેવાનો છું એમાં મારી ખરી કસોટી છે. તેનો ખોટો જવાબ આપી મને હવે મુક્ત કર. –વેતાળે પરસેવો લૂછતાં-લૂછતાં કહ્યું..   

હે દોસ્ત વેતાળ! ને જો આ બાબુમોશાય તને સાચો જવાબ જ આપી શક્યો તો?!?!?”- વિક્રમજીતે તેના બંગ અંદાઝમાં બણગો ફૂંક્યો.

તો પછી સમજી જાજે કે હું કાયમ માટે તારી પીઠ પર ચીટકી રહીશ. ને આખી ઝિંદગી તને મારો બોજ લઈને ફરવું પડશે.” – વેતાળે ચિંતાતૂર થઇ મુક્તિની (અવ)દશા વર્ણવી વાર્તા શરુ કરી દીધી….

|| આપણા બંગાળના જ એક નાનકડાં ગામમાં વર્ષો પહેલા એક હુસ્ન પરી રહેતી. એનું નામ જ હુસ્ના. મને તેના રૂપ રૂપના અંબારની કોઈ ચર્ચા કરવી નથી માટે સીધો મુદ્દા પર આવું છું.

બાળપણથી જ શક્તિ અને ભક્તિનું અનોખું સમન્વય એટલે જવાનીની પાંખ ફૂટે એની રાહ જોવામાં કેટલાંય મા-બાપો એ પોતાના દિકરાઓ માટે તેને મનોમન વહુ તરીકે સ્વીકારી લીધી હતી.

પણ તેના મુખી બાબા (પિતા) પાસે માંગણું નાખવાની કોઈની હિંમત થાય નહિ. કારણ એટલું જ કે…બાપ જાણે સુંદરવનનો ટાઈગર. ગુસ્સામાં ક્યારે કોઈના પર કેવો એટેક કરશે તે વિશે કોઈ કહી શકતું નહિ. એટલે તેમની એ લીલી દિકરી કરતા એ લોકોને પોતાનો લાલ વધારે વ્હાલો લાગતો.

અઢારમાં વર્ષની શરૂઆત પહેલા જ હુસ્નાના રસને પીવામાં મરીઝ જેવો બનેલો ઝફર તેની કોલેજના અંતિમ વર્ષની છેલ્લી પરીક્ષા આપી શહેરથી ગામમાં પાછો આવી ગયો હતો.

“નોકરી જાય તેલ લેવા…પહેલા હુસ્નાને મારી બીબી બનાવું તો ખરો!”- જોર અને જુનુન સાથે સાંજે ઝફર હુસ્નાની ડેલીએ હાથ રાખી ઉભો રહ્યો.      

“બાબા!…તમારી હુસ્ના મને જોઈએ જ છે.” – ઝફરે બહાદુરશાહ બની એક મરદને પણ પોતાનો મર્દાના પરિચય આપી દીધો.

“એક શરત છે બેટા. તારી કોલેજ પછીની કદાચ આ પહેલી કસોટી થશે. જો એમાંથી પાર ઉતરીશ તો હુસ્ના તારી. નહીંતર શહેરમાં બીજી ઘણી મળી રહેશે.”

“બાબા! તમારી હર શરત મને મંજૂર. પણ મારો જાન માંગવાની વાત ન કરશો, કેમ કે એ તો ખુદ તમારી દિકરી જ છે.” ઝફરની દીવાનગીનો એક ઓર નમૂનો દેખાઈ ગયો.

“કાલે સવારે મારા ફાર્મમાં આવી જાજે. શું કરવું એ તને ત્યાં કહીશ.” ભાવી સસરા તરફથી આશાનું એક કિરણ મળેલું દેખાઈ જવાથી ઝફરની જાનમાં જાન આવ્યો. પણ રાત આખી જાણે કરવટો બદલવામાં પસાર કરી.

“ઝફર બેટા!…મને ખબર છે કે તારી કોલેજનું ભણતર હજુ હમણાં જ પૂરું થયું છે. કોઈની દિકરી પાછળ સમય વેડફવાને બદલે દોકડા કમાવવામાં ધ્યાન અપાય તો સારું. પણ ખૈર, આ વાત હમણાં તારા મજનૂ દિમાગમાં નહિ ઉતરે. એટલા માટે મને તને શરતથી બાંધવો પડ્યો છે. તને હુસ્ના મળી શકે છે. પણ તે પહેલા તને મારી એક નાનકડી કસોટીમાંથી પાર ઉતારવું પડશે.

પેલી દૂર સામે મારા ખેતરની જે વાડ દેખાય છે ત્યાં જઈ તને ઉભા રહેવાનું છે. થોડી વાર પછી હું ૩ બળદોને તારી તરફ મોકલીશ. આ ત્રણમાંથી માત્ર કોઈ એક બળદની પૂંછડી પકડી તને પાછો મારા હવાલે કરવો પડશે. બોલ મંજૂર છે?”

ઝફરને તો હુસ્નાને પામવાનાના અચિવમેન્ટમાં વધારે રસ હતો. એટલે મુખીબાબાના આ ફેરી-ટેલને બાજુ પર મૂકી તેની ફેરી (હુસ્ન પરી)ને હામમાં અને ટેઈલને હાથમાં પકડવાની ચેલેન્જ કબૂલ કરી લીધી.   

થોડાં સમય બાદ….વાડની પાસે ઉભેલા ઝફરને એક મસમોટો…ધસમસતો આખલો આવતો દેખાયો. એવો આખલો તેણે આજદિન સુધી જોયો ન હતો. એટલે બેશક ઝફરબાબુના તો હાંજા ગગડી જવા લાગ્યા. હાયલા! પકડવાની વાત તો બાજુ પર, તેને જોતા જ ત્યાંથી ભાગી જવાનું મન થાય એવા ભારેખમ શરીર સાથે આખલા એ દાવ દઈ દીધો.

પણ થાય શું?…એટલે સમયસૂચકતા વાપરી લાઈફ-લાઈનને જતી કરવાનો ત્વરિત નિર્ણય લઇ લીધો. કદાચ હવે પછી આવનાર બળદિયો પકડી શકાશે એવી પોઝીટિવ ઈચ્છા રાખી ઝફર “આખલો જાય ખાડામાં”…કહી તે પોતાની પૂંછડી પકડી બાજુ પર ખસી ગયો. કારણકે તેની ‘બુદ્ધિ હજુયે બળદી’ થઇ ન હતી.

ત્યાં તો બીજી મિનિટે તેને પેલા ગયેલા આખલા કરતાય ડબલ મોટો એક બીજો આખલો દેખાયો. જાણે ધૂળનું મીની ત્સુનામી સર્જાયું. અચ્છા રૂસ્તમને પર સુસ્ત કરવાની તાકાત ધરાવતા ‘આ આખલાને પકડવો છે’ એવું વિચારવું પણ જાણે મોતને નોતરવું એવું ઝફરને સેકંડમાં સમજાઈ ગયું. ‘સર સલામત તો પઘડિયા બહોત’ સમજી બીજી લાઈફ-લાઈનને પણ એમને એમ વાપરી દેવી પડી.

આખલો તો નજીક આવી વાડ પાસેથી પાછો વળી ગયો પણ તેની પાછળ ‘હુસ્ના’ને પામવાના કોડ પણ દૂર લઇ જઈ રહ્યો હોય એવું ભાન ઝફરમિંયાને થઇ ગયું. ખૈર, ‘સરફરોશીકી તમન્ના અબ હમારે દિલમેં હૈ!’ વાળો શેર હવે આ બાકી રહેલા ત્રીજા બળદ માટે વાપરવો તેને મુનાસીબ લાગ્યો.

થોડી વારમાં તેને દૂરથી ત્રીજો એક બળદ દેખાયો. સાવ ઠુંચૂક-ઠુંચૂક…માંદલો જાણે મહિનાઓથી કોઈ ખોરાક ન ખાધેલો એવો આ બળદ જોતા જ ઝફરભાઈને ‘હુસ્ના મળી જ ગઈ સમજો’ એવો કોન્ફિડન્સ પણ સાથે આવતો દેખાયો. સમજી લ્યોને કે…બે તોફાન પછીની શાંતિ હતી.

પણ આ શું?

આ મડીયલ બળદની તો પૂંછડી જ ન હતી….એટલે પકડવાનો સવાલ જ ક્યાં આવ્યો?

…ને તે દિવસે સવારે ઝફરને ડેલીએથી હાથ લીધા વગર પાછું આવવું પડ્યું. ||

આટલું કહી વેતાળબાબુ એ પણ પોતાની વાર્તા સમાપ્ત કરી ને કહ્યું: “બોલ વિક્રમ!…મને ખોટો જવાબ આપ કે આ વાર્તા માંથી શું શીખવા મળે છે?..એટલે મારી જાન પણ છૂટે!

“બૂ..લ….શી..ટ!…અલ્યા આમાં શીખવાનું શું?- આપણી ઝિંદગીમાં તકોની ભરમાર છે…ડગલે ને પગલે અવનવી તકો આવતી અને જતી જાય છે…કઈ મોટી છે ને કઈ ખોટી છે, એવું વિશ્લેષણ કર્યા વિના વહેલી તકે જે હાથમાં આવે તે લઇ લેવી જોઈએ. નહીંતર બળદ તો શું? ‘કોડ’ પણ નહિ મળે…પછી હુસ્ના ય મામો બનાવીને જતી રહેશે….બરોબરને?”

“ઓઓઓઓઓઊઊઊહ્હ્હ્ફ્ફ્ફ્ફ્ફ્ફ્ફ્….

અલ્યા બુદ્ધિના મોટા બળદ!… સાચો જવાબ આપવાની શી જરૂર હતી…? તને જ્યારે આ જવાબની ખબર જ હતી તો છેલ્લાં પાંચ વર્ષથી તારા દિલમાં દબાયેલી બિઝનેસ કરવાની તકોને પકડવી’તી ને?

બોલો…એ બાબુમોશાયને હવે…શું પોષાય?

(થોડાં અરસો દરાઝ પછી આવનાર મારા પુસ્તક: ‘વેપાર પચ્ચીસી’ માંથી લેવાયેલી એક કથા)

હવે જો બાકીની અવનવી ૨૪ કથાઓનું આ પુસ્તક તમને પબ્લિશ થાય એ પહેલાથી ડિસ્કાઉન્ટેડ રેટમાં ઝડપી લેવું હોય તો આજે જ ‘મને પણ જોઈએ છે’ એવી કોમેન્ટ આ નીચેના સ્પેશિયલ-બોક્સમાં ઈમેઈલ સાથે લખી મોકલશો. એટલે પહેલી તક તમને મળશે….સરપ્રાઈઝ સાથે.

આ સરપ્રાઈઝ શું છે? – એ જાણવા માટે બસ આવનાર બ્લોગ પોસ્ટ્સને ફોલો કરતા રહેશો તો થોડાં જ સમયમાં તેનું અપડેટ મળી જશે.