પુસ્તક પ્રિસ્ક્રિપ્શન : ૧૦૦ ડોલરમાં વેપાર…અપરંપાર ?!?!?!- $100 Startup

ધારો કે..

  • તમે સાચેસાચ એવી જગ્યાએ આરામ ફરમાવી રહ્યા છો જેનું તમે માત્ર સ્વપ્ન જ જોયું હતું.
  • તમે ચાહો એવું કામ કરી રહ્યા છો જેને જોવા માટે તમારી પાછળ કોઈ બોસ નથી. તમે ખુદના જ એક બોસ છો.
  • તમારી ઓફિસમાં કામ કરવાનો તમારો છેલ્લો દિવસ છે. તમે “હવે બહુ કર્યું” એમ માનીને પોતાની આવનારી પળોને માણવા બીજી પળોજણને ફેંકી હાથમાં લેપટોપ રાખી દબાયેલું સ્વપ્ન સાકાર કરવાની શરૂઆત કરો છો. ને પછી…
  • તમે તમારા બોસને પાણીચું આપતી ચિઠ્ઠી આપી રહ્યા છો જેમાં લખ્યું છે કે: “વ્હાલા થઈને હવે ગયેલા બોસ! તમારા માટે મેં બહુ વૈતરું કર્યું. હવે મને તમારી જરૂર નથી. હું આ ચાલ્યો, મારું મનગમતું કામ કરવા ને ખુદ માટે વધારે કમાવવા.
  • તમે ઘરે આવી મગજમાં ભરાયેલા આઈડિયાને ખોલી રહ્યા છો. ને સાથે સાથે ખુદના વેપારના નવા નિયમો પણ સર્જી રહ્યા છો.

 શું તમને હવે કોઈ બોસિંગનો ડર નથી?… આવનાર મુશ્કેલીઓની ફિકર નથી?

ના ના ના  બંધુ પ્યારે! એ કરતા પણ તમને હવે ખુદને સમજી જવાનો આત્મવિશ્વાસ જાગી ગયો છે. બીજાની ‘બોન પૈનાવવા જાય’ એવી બેફિકરી નિયત રાખી તમારા ખુદની ઝિંદગી સાથે સંલગ્ન થઇ રહ્યા છો. તમને એક બાબત ઘર કરી ગઈ તે છે: આઝાદી…સ્વતંત્રતા…ફ્રિડમ !

આ બાબતને મુખ્ય બનાવી થોડાં કલાકો અગાઉ જ એક પુસ્તક જન્મ્યું છે.

જેનું શાબ્દિક નામ:                   ડોલર ૧૦૦ સ્ટાર્ટ-અપ

અને શારીરિક નામ (લેખક):          ક્રિસ ગલેબો

.

$100Startup-Book

.

યેસ દોસ્તો, ધુરંધરો, આ ક્રિસ ગલેબો એક એવી નવજુવાન વ્યક્તિ છે જેણે ૩૫ વર્ષની અંદર લગભગ ૧૫૦થી પણ વધું દેશોની ધૂળ ખાઈને પાણી પીધાં છે. સમજો કે હાલતું-ચાલતું પુસ્તક છે. એટલેજ મારી નજરે બહુ અલગારી માણસ છે. જેના વિશે બીજી વખતે વિગતવાર જણાવીશ. (હાલમાં તો કાનમાં કહી દઉં કે આપણા માનીતા લેખક સેઠ ગોડીનનો આ ઘણો માનીતો શિષ્ય છે.)

ક્રિસે બનાવેલા ખુદના સદનસીબને લીધે તેની પાછળ પ્રોફેશનલી કોઈ બોસ કે મેનેજર નથી. પણ તેની સાથે છે તેનું બે પેશન: કુદરતનો ખોળો ખુંદવાનું અને ખુદને ગમતો વેપાર કરવાનું. ઝિંદગીના તેના આ મકસદમાં તેને સર્વથા સાથ આપ્યો છે તેની પત્ની જુલીએ.

ઇન્ટરનેટની પુખ્તતાથી આવી સ્વ-આઝાદીનો એવો વાઈરલ પવન ફૂંકાયો છે જેમાં અનિલ હોય કે અનિલા, યા સમીર હોય કે સમીરા જેવા ઘણાં લોકો તેની અસર હેઠળ (ઇન્ફેકશનમાં) આવી ગયા છે… ને હજુયે આવી રહ્યા છે.

 ડોલર ૧૦૦ સ્ટાર્ટ આવી જ ફ્રિડમની વાત કરતુ ખુલ્લું પુસ્તક છે.

ફ્રિડમમાં: ભલેને ‘ફ્રિ’ શબ્દ મફતમાં મળ્યો હોય પણ તે ખૂબ કિંમતી છે. કાંઈ એમને એમ નથી મળતો. એ તો એ લોકોને વધારે ખબર છે જેમણે ખરેખર આઝાદી લેવા માટે જાન આપ્યા છે. એટલે જ આપણા મતે એમનું મૂલ્ય ઊંચું છે.

ડોલર ૧૦૦ સ્ટાર્ટઅપ પુસ્તક આવા જ Freedom Freedom + Value નું કોમ્બોપેક લઈને આવ્યું છે.

મૂલ્ય ભલે બીજા દ્વારા થાય પરંતુ કિંમત આપણે ખુદ જાતે કરવી પડે છે. ઘણું બધું આપીને…થોડું કાંઈક લઈને.

ડોલર ૧૦૦ સ્ટાર્ટઅપમાં એવી ૨૫ કેસ-સ્ટડીઝ (ઘટના)ઓ લઈ ક્રિસ ગલેબો એ એવા લોકોના ‘બોલ’ સાથે જોરદાર બેટિંગ કરી છે જેમણે પોતાની વ્યાવસાયિક દુનિયામાં ખૂબ ઓછા ખર્ચે ‘ક્રિસ’મત અજમાવી છે.

જેમ શરૂઆતમાં જાણ્યું તેમ એવા બીજા ઘણાં બિઝનેસ બનાવોને તેણે માઈકલ જેવી સાચી વાર્તા દ્વારા બહુ સરળ અંગ્રેજીમાં લખ્યું છે, સમજાવ્યું છે.

જો કે એમાંની ઘણી કથાઓ આમતો અમેરિકામાં જ બનેલી છે. પણ છતાંય એવા દેશોના લોકોની વાત પણ વર્ણવવામાં આવી છે જેમાં વેપારની તકો કાટ ખાઈ ચુકી હોય. $૧૦૦ સ્ટાર્ટઅપ એટલે નાના રોકાણ દ્વારા મોટી મહેચ્છા પાર પાડવાની શરૂઆત.

જેમ કે,

  • લંડનની સુસાનાની ફોટોગ્રાફી ટ્રેઇનિંગ પાછળ રહેલી ફ્લેશબેક કથા
  • કોસ્ટારિકાના બ્રાન્ડેન પિયર્સના સંગીત-ક્લાસની બેક-ટ્યુનસની કહાની
  • મને ખુબ ગમતો ઓસ્ટ્રેલિયન બ્લોગી ડેરેન રોઝ પણ તેની ધૂણી સાથે મળી આવશે અને …
  • માઈક્રોસોફ્ટ એક્સેલ સોફ્ટવેરના ડેટાબેઝ મેનેજમેન્ટમાં એક્સેલંટ થયેલો આપણો દેશી પૂર્ણા દોગ્રીલ્લા ‘ચંદુ’ તરીકે પણ દેખાઈ આવશે.

આ બધાં સૌએ નાનકડી પ્રોફાઈલના જોરે અને પેશનના પરીક્ષણ થકી આઝાદ રહી સમાજમાં કાંઈક કરી બતાવ્યુ છે. ને આજે નીચી મૂડીથી ઉંચી મેડીના મોલમાં બિરાજે છે.

આ બધું જાણ્યા અને જણાવ્યા પછી પણ લેખક ક્રિસ ગલેબોએ ક્યારેય એવું નથી કહ્યું: “હું ક્રિસ….હું ક્રિસ”

એ તો કહી રહ્યો છે: “એ પણ હું કરીશ. તે પણ હું કરીશ.”

તો દોસ્તો, હવે ‘કરવુ’ કે ‘ના કરવું’ એ આપણા હાથમાં છે. તો પછી આ પુસ્તકને પણ હાથમાં લઇ વાંચવામાં ક્યાં વાંધો આવે છે? ભાંગી પડો એ પહેલા તૂટી પડો ને ખરીદી લ્યો આ તાજું જન્મેલું પુસ્તક એમેઝોન પરથી. આ રહી લિંક. $100 Start-up

દેશ કોઈ પણ હોય. સીમા ભલે અલગ પડતી પણ સંવેદનાસરખી જોડાયેલી હોય છે. -મુર્તઝાચાર્ય

માઈકલપંચ’

ખૈર, ગઈકાલની પોસ્ટમાં જવાબ અદ્રશ્ય રાખ્યો તો એક સામાન્ય સવાલ ઘણાં વાંચકોને થયો છે.

પેલા માઈકલનું થયું શું?

તો એ જાણી લ્યો કે…એક દરવાજો બંધ થયા તો બીજા ચાર ખુલે છે એમ નવરા પડેલા માઈકલભાઈને પણ થોડાં જ સમયમાં તેના એક પડોશી-વેપારી મિત્ર દ્વારા ઓવર-સ્ટોકમાં પડેલી મેટ્રેસીઝ (ફોમવાળા ગાદલાં) વેચવાની ઓફર મળી.

જેમાં તેણે પોતાની ‘ગૂડવિલ’ રોકીને પોતાના એક બીજા દોસ્તની મદદથી ખાસ પ્રકારની સાયકલ બનાવી, જાતે ચલાવી ‘ફ્રિ હોમ ડિલીવરી મેટ્રેસ’ની સેવા દ્વારા ઘણું પ્રોફિટ હાંસિલ કર્યું. આજે આ માઇકલની સાયકલ ‘ધી મેટ્રેસ લોટ’ના નામે પૂરપાટ દોડે છે.

બે વર્ષ પછી તેને પેલો છેલ્લા દિવસે પહેરેલો નોર્ડસ્ટ્રોમનો કોટ પણ મળી આવેલો. કારણકે તે દિવસ બાદ ક્યારેય તેને એવા પ્રોફેશનલ ડ્રેસ પહેરવાની જરૂર જણાઈ નહિ.

સામે કોઈ બોસ હોય તો પહેરે ને? એના ગ્રાહકો તો એના દોસ્તો છે.

બોલો, હવે મારી વાતનો વિશ્વાસ કરવો છે?- આ રહ્યો એનો બોલતો દેખાતો પૂરાવો:

જો આ માઈકલમામા સાચે જ કોઈ ફિલ્મ બનાવે તો તેનું નામ “જબ વી ‘મેટ્રેસ’ આપે કે નહીં? જુઓ તો ખરા એને માર્કેટ કરવાની જવાબદારી મેં કેવી લઇ લીધી?

વિકાસ વાવડ: નેટ જંગલના મંગલકારી સમાચારો…

ગૂગલના ‘ફેર’ ગૂગલી સમાચાર…

પાછલા બ્લોગ પોસ્ટમાં પેલી ગૂગલના સાયંસ ફેરમાં જીતીને આવેલી ભારતીય કૂડ્ડીઓની વાત થઇ હતી. તો દોસ્તો, એ જ ગૂગલનો સાયંસ-ફેર ફરી પાછો પોતાનો દરવાજો ખોલી રહ્યો છે. કેરિયરને સાયકલ કે બાઈક પર ગોઠવવા કરતા લાઈફ-બોટમાં સમાવવામાં શાણપણ છે.  હવે તમને, અથવા તમારા ભાઈ-બહેન કે બાળકમાં કોઈક હટકેપણું લાગતું હોય તો આજે જ આ ફેરની સાઈટ પર જરા હવા-ફેર કરી આવવા જેવું છે.

http://www.google.com/events/sciencefair/

ક્યાંક એવું પણ થઇ શકે ને કે આ વર્ષે તમારામાંથી ક્યાંક કોઈકનો નંબર….ગૂગલી મારી શકે!

——————————————————————————————

જંગલીના મંગલી સમાચાર…

દુનિયાની સૌથી મોટ્ટામાં મોટ્ટી, હજારો પ્રકારની પ્રોડક્સમાં અપરંપાર, કસ્ટમર સર્વિસમાં અગ્રેસર એવી એમેઝોન.કોમ ઇન્ડિયામાં લોન્ચ થઇ ચુકી છે. વાત કરવી છે. ‘જંગલી.કોમ’ની.

નામ ભલેને વાઈલ્ડ હોય પણ તેની ડણાક ઇન્ડિયાના ઈ-કોમર્સ માર્કેટમાં ગુંજી ચુકી છે. દોસ્તો, ખિસ્સામાં દામ ભલે ના હોય પણ હૈયામાં હામ હોય તો પેસિફિક સમુદ્રમાંથી હિન્દ મહાસાગરમાં આવી ગયેલા તકોના મોજાંઓને પકડી લેવા જેવા છે. તમારી પાસે નેટવર્ક-પ્રોગ્રામિંગની સ્કિલ્સ હોય કે સોફ્ટવેર ડેવેલોપમેંટની…યા પછી લોહીમાં ખરા ઉતરે એવા ઇન્ટેન્સિવ માર્કેટિંગનું જ્ઞાન કે કસ્ટમરને દોસ્તમાં ફેરવવાની સ્કિલ્સ….સાવ અલગ અને સાચે જ ‘હટકે’ વર્તન કરવાની ત્રેવડ હોય તો જંગલી.કોમ પર એપ્લાય કરવા જેવું છે.

ઈન્ટરનેટ પર એમેઝોન.કોમની છત્રી હેઠળ ઘણાં ભારતીયોએ અમેરિકામાં નામ અને દામ કમાઈ રહ્યા છે. શું વેચવું અને કઈ રીતે વેચવું એની સોફીસ્તીકેટેડ ટ્રેઇનિંગ એમ.બી.એ.ની ડિગ્રી પણ આપી શકતી નથી. એ માટે તો સરિતામાંથી મહાસાગર બનેલી એમેઝોન.કોમના જંગલમાં ઘૂસ મારવી પડે.

http://www.junglee.com/f/1000604193/ref=footer_hiring

બોલો કોણ છે જે મને સૌથી પહેલા ખબર આપી શકે છે કે “મુર્તઝાભાઈ, જંગલી.કોમના જંગલમાં મને તક મળી છે- આભાર.”

સવાલ: વેપારની વાતો કરતા આ બ્લોગ પર આમ ‘જોબ’ ઓફરની વાત શા માટે?-

જવાબ: સિમ્પલી!….કુનેહ શીખવા માટે.

આજે ઘણાં કેરિયર-ઓરિએન્ટેડ દોસ્તો સર્વિસની સીડી ચઢીને બિઝનેસના બંગલા સુધી પહોંચતા થયા છે.  ‘જોબ’ માર્કેટમાં જેટલો અસરકારક અનુભવ એટલી ધંધામાં સફળતા વધુ અકસીર. અને એ માટેની તૈયારી કરવા માટે તમારામાંથી ઘણા ને હવે ખબર તો હશે જ કે…આ પ્રકારના પુસ્તકો વાંચવા જ રહ્યા.

“માત્ર ચમકતા ચાઈલ્ડ બની રહેવા કરતા વિફરતા વાઈલ્ડની વેલ્યુ વધારે છે.”–  મુર્તઝાચાર્ય.

ખૈર, તમને એવું કોણ યાદ આવી ગયું જેમને આ લેખ પસંદ આવી શકે?- તો હમણાં જ લખી નાખો એમનું નામ અને ઈ-મેઈલ. પછી મોકલવાની જવાબદારી મારી…

સર-ચોરસ ‘પંચ’:

ચોરસ કાણું કરી (અક્કલને ‘હોલ’) કરતુ ડ્રિલ-મશીન: એ તો જગ જાહેર છે કે અવનવી કરામતો, શોધખોળો કરવામાં જાપાનીઓ લાજવાબ છે જ….હવે આ ગોળ કાણાને બદલે ચોરસ કાણું કરી આપતા ડ્રિલ મશીનને જ જોઈ લ્યોને…જોયા પછી એમ જરૂર લાગશે કે અક્કલમાંય થોડું થયું ખરું!

 


ઇન્ટરનેટ આલમના તાજા-માજા સમાચારો…અપડેટ્સ !

Net_Updates-ઈન્ટરનેટ આલમના તાજા-માજા સમાચારો…અપડેટ્સતા. ૬ ઓગસ્ટ- ઈન્ટરનેટ તેની ૨૦ વર્ષની મદમસ્ત જવાનીમાં પ્રવેશી ગયું છે. અમેરિકાની DARPA સંસ્થાથી જન્મેલા આ ટેકનો-બાળકની સફરને ૩ વિકાસી ફેઝમાં મુકવામાં આવી છે. વેબ.૧.૦, વેબ ૨.૦ અને ૨૦૧૦થી વેબ ૩.૦ની ચક્ર-કથા જાણવા-માણવા જેવી છે. માત્ર માહિતીઓના દરિયાની મોજથી શરુ થયેલી આ સફરમાં પીન થી પ્લેનેટ સુધી ઓલમોસ્ટ બધી બાબતોના જ્ઞાનના મોજાં હવે પળેપળ ઉછળી રહ્યા છે.  કેમ ભીંજાવું, કેટલું ભીંજાવું તે આપના પગમાં છે. ગૂગલ આપણી પાસે છે. બોલો…ભોમિયા વિના જ ખેડવા નીકળવું છે?

HTML: ઈન્ટરનેટ  ૨૦ વર્ષની જવાની સાથે તેની કરોડરજ્જુ ગણાતી ભાષા HTML (Hyper Text Mark-up Language) પણ ૨૦ વર્ષની થઇ ચુકી. શરૂઆતમાં સીતા બનેલી આ ભાષાને ૧૯ વર્ષે ગીતાવતાર મળ્યો છે. એટલે કે તેની પાંચમી આવૃત્તિ HTML-5 બનીને આવી છે. નેટ-ખાટુંઓ (ટેકનોક્રેટ્સ), પ્રોગ્રામર્સના મતે આ અવતાર બધી ભાષાઓમાં સૌથી અસરકારક છે. મોબાઈલ હોય કે ડેસ્કટોપ કોમ્પ્યુટર…વેબ-જાળને હજુયે મજબૂત રીતે ગૂંથી લેવામાં HTML-5 આ વર્ષથી ‘બહુમાન’ મેળવે છે. દોસ્તો, તમને કે તમારા બાળકોને હજુયે ‘કોમ્પ્યુટર કરવું’ હોય તો બીજું બધું લેવાની આદતને બાજુ પર મુકીને આ ભાષા શીખી લેવાની મુર્તઝાચાર્ય ખાસ ભલામણ કરે છે.

તા. ૨૭મી જુલાઈ- જેનાથી આપણે કોમ્પ્યુટરની પા પા પગલી ભરવાનું શરુ કર્યું તે ઓપરેટીંગ સિસ્ટમ MS DOS ૩૦ વર્ષની થઇ ગઈ….કરોડો કોમ્પ્યુટર્સમાં ઘુસી લાંબો સમય રાજ કરતી માઈક્રોસોફ્ટની આ બબલીએ વિન્ડોઝ-૭ ના જમાનામાં પણ પોતાની ઠુંચૂક-ઠુંચૂક ચાલ બરકરાર રાખી છે. પોસિબલ છે કે વિન્ડોઝ-૮માં તેને રીટાયર્ડ કરી દેવામાં આવનાર છે. કેટલાંક ટેકનિકલ એક્સપર્ટના મતે અને માટે આ સિસ્ટમ હજુયે વ્હાલી છે.

પેટન્ટની ટંટાબાજી: “ઓ દાદાજી! આજથી હું તમારો દાદા છું!… ચાલો હવેથી મને પગે લાગજો.” –

આ હટકે વાક્ય સાચું ઠેરવાયુ છે. તારીખ અને વારની તો ખબર નથી પણ હમણાં જ જુલાઈના છેલ્લાં દિવસોમાં બંધ બારણે બની ગયેલી આ ઘટનામાં આવું વાક્ય બોલનાર છે: Google દીકરો અને સાંભળી લેનાર છે: IBM દાદા. વર્ષો જૂની પડી રહેલી IBM કંપનીની મહામૂલી ૧૦૩૦ ટેકનો-પેટન્ટ્સને ગૂગલે કરોડોમાં ખરીદી લીધી છે. (યાર! આ લોકો પાસે આટલાં ડોલરિયા આવે છે ક્યાંથી). જેમાં કોમ્પ્યુટરને લગતી બાબતો સાથે સાથે દિલ અને દિમાગને પકડી લે તેવી મોબાઈલી ખોજનો પણ સમાવેશ થયો છે. આપણે ધંધામાં દાદા બનીએ, માહિતીઓમાં મામા બનીએ કે કેરિયરમાં કાકા….પણ ગૂગલ-બાબાને નમવું પડશે….પાપાજી!

ઈ-ભૂખ: લોકોની વાંચન ભૂખને સંતોષવા ગયા સાલથી એમેઝોન.કોમે પ્રિન્ટેડ બૂક કરતા ઈ-બૂકનું ઉત્પાદન બમણું અને વેચાણ ચાર ગણું કરી લીધું છે. આંગળીને ટેરવે સેકન્ડ્સમાં કોઈક નોવેલ-ગાથા કે નવલકથા મેળવવી હોય….બાથરૂમમાં સ્નાન કરતી વખતે ઝબકારા મારતો આઈડિયા પકડી લેવો હોય યા વેપારી સંમેલનમાં સાવ નવું જ ક્વોટ સંભળાવવા માટે ત્વરિત ઈ-માહિતી મેળવવી હોય તો તેની ઈ-બૂક રીડર ‘કિન્ડલ’ હાથવગી બની રહી છે.

અબ કિસ મુહ સે બતાઉં?: ક્રિયેટિવ માહિતીઓના ટ્રેન્ડી રિપોર્ટની સામે એક બ્રિટીશ કંપનીએ આ ઇન્ડિયન મુર્તઝાને ઈજીપ્તમાં પેલી અમેરિકન એમઝોન કિન્ડલ ‘ફ્રી’ (મફત) મોકલવાનો પોઈન્ટ મુક્યો છે. પણ હાય રે કમબખ્તી…કેરોમાં એ મફત કિન્ડલને લાવતા ઘાટ કરતા ઘડામણ મોંઘુ પડે એવી વાત થઇ રહી છે………….ગ્લોબલી ફ્યુઝનની બાબતે કન્ફ્યુઝન તે આનું નામ!

ફ્રીકીંગ સમાચાર: ગુજરાતી બ્લોગ જગતમાં એક મીની-ત્સુનામી આવી રહ્યું છે. આથી જાહેર ગુજ-જનતાને જણાવવામાં આવે છે કે એની અસરથી નીડર બની એનો સામનો કરવા દિલ-દિમાગ કસી તૈયાર થઇ જાય. ડરવાની નહિં પણ ધરવાની આ વાત વિષે બસ થોડાં જ સમયમાં વધુ વિગતો આ જ બ્લોગ પર..   તો આપના દોસ્તો, પરિચિતોને તેનો લાભ આપવાનું ન ભૂલતા બંધુઓ! આ નીચેના ટચુકડા ફોર્મમાં તેમનું નામ અને ઈ-મેઈલ પણ મોકલાવશો તો પૂણ્ય થઇ જશે. સમાચાર સમાપ્ત થયા.

સર‘પંચ’

iPod New Magic in HQ-