વેપાર વ્યકતિત્વ: || ‘એશ’ ને કિયા કેશ! ||

Ash-Bhat- WWDC Winner

દરવર્ષે જુન મહિનામાં એપલ કંપની તેના ખાંટુ સોફ્ટવેર ડેવેલોપર્સ માટે WWDC નામના ૪ દિવસના વર્કશોપનું આયોજન કરે છે. જ્યાં થાય છે, મગજની નસનું અને એપલના ડિવાઈસીઝને ધક્કો મારતા સોફ્ટવેર્સનું અપડેટ્સ અને હાર્ડવેરનું અપગ્રેડ.

આ વર્ષે તેના વર્કશોપની ફી ૧૫૦૦/- ડોલર્સ રાખવામાં આવી છે છતાં તેની ટિકિટ સેકન્ડ્સમાં વેચાઈ ગઈ છે. મહિનાઓ અગાઉથી આ વર્કશોપમાં આવનારી અને અપાનારી બાબતોને એપલ પોલીસી મુજબ ખૂબ સિક્રેટ રાખવામાં આવી છે.

તેના પ્રથમ દિવસે કી-નોટ પ્રવચન સાથે જ માહિતીના, જ્ઞાનના રહસ્યમય પડદાઓ ખુલે છે. જેમાં આવનાર સૌને લાગે છે કે….( હાળું ૧૫૦૦ ડોલર્સમાં આ લોકો ગંજાવર કન્ટેનર ભરાય એવું આપે છે અને આપડ ખાઆલી બાલ્ટી-ટમ્બલર લઈને ઉભા છઇયે.)

ખૈર, આ ૧૦મી જુને પણ આવું જ કાંઈક બનવાનું છે. પણ આ વર્ષે પહેલી વાર એપલે એક ખેલ કર્યો છે. હજુ સ્કૂલમાં જ ભણતા એવાં ૧૫૦ વિદ્યાર્થીઓને સ્પેશિયલ વર્ગ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે જેઓ સોફ્ટવેરમાં કાઠું કાઢી રહ્યા છે. એમાંથી પણ માત્ર એક જ ખાસ સ્કોલરશીપ માટે પસંદ કરવામાં આવ્યો છે.

અને મને આજે આ ખાસ વ્યક્તિની જ આજે વાત કરવી છે. એનું નામ છે:

અક્ષત ભટ્ટ (એશ ભટ)

૧૬ વર્ષનો આ બટુકિયો NRI ગુજ્જુબાબો આ વર્ષે WWDCમાં તદ્દન મફતમાં બધી જ મોજ માણશે. એપલ તેને પ્રાઈઝ અને પબ્લિસિટીથી માલામાલ કરવાનું છે.

કારણકે કે…તેણે બહુ મહેનત કરી છે. (એનો અર્થ એમ નથી કે તેણે ચા ની કીટલીએ કપ-રકાબી ધોયા છે કે ૨૦ કિલોની સ્કૂલ બેગ ઊંચકી છે.)

પણ એટલા માટે કે…અક્ષતે WWDCના વર્કશોપમાં વાપરી શકાય એવી વોઇસ-ઓપરેટેડ મોબાઈલની એપ્લિકેશન બનાવી છે. જેના દ્વારા આવનાર બીજાં બધાં વિઝીટર્સ તે વર્કશોપને લગતી દરેક બાબતોથી અપડેટ્સ મેળવતા રહેશે.

ક્યાંથી જવું? શું અને કેવી રીતે મેળવવું? જેવી બાબતો ઉપરાંત બીજી ઘણી માહિતીઓ માત્ર બોલીને હુકમ કરવાથી તેમાં સતત અપડેટ થતી રહેશે અને મદદ કરતી જશે.

એપલના એસોસિએટ્સને આ ‘એશ’ અને તેની ‘એપ’ બહુ એટ્રેક્ટિવ લાગ્યા છે. અને એટલે જ આ વર્કશોપ અને પછી વધુ અભ્યાસર્થે સ્કોલરશીપ આપવાનું ઠરાવ્યું છે.

એશની પ્રોફાઈલ પર એક નજર કરવાથી ઘણી બાબતો જાણી શકશો.

http://www.linkedin.com/in/ashbhat

જ્યારે તેના બીજાં અચિવમેન્ટસ માટે ‘ગૂગલ’જી ભટ્ટ તેની જોશપોથી ખોલીને તૈયાર બેઠાં છે. બસ માત્ર સર્ચ-લાઈટ મારવાની છે.

સકર ‘પંચ’ 

“જો કેરિયરમાં આ રીતે ફાસ્ટ ‘કેશ’ કરવી હોય તો…તો ‘એશ’ જેવા બનવું યા મોબાઈલ એપ બનાવવી.”

HP કંપનીની એક IMP. વાત…

Online Customer Service

Online Customer Service Opportunity

આમ તો પ્રિન્ટરથી વધારે જાણીતી પણ કોમ્પ્યુટરમાં પાયોનિઅર ગણાતી એવી HP કંપનીએ પોતાના કસ્ટમર્સને બીજી કંપનીઓની સરખામણીએ વધુ બહેતર અને અકસીર ઓનલાઈન કસ્ટમર-સેવા શરુ કરી છે.

વાત આમ તો સાવ સામાન્ય લાગે – પણ સીધી, સરળ અને સાચી છે. 

બીજી અનેકાનેક ઓનલાઈન ફોરમનો અભ્યાસ કર્યા બાદ HPના કસ્ટમર્સ રીલેશનશીપ ઓફિસરોએ ઘણાં વાંધા અને વચકાઓ ખોળી કાઢ્યા. પછી નક્કી કર્યું કે જેમ લોખંડને કાપવું હોય તો વધુ બહેતર લોખંડની જરૂર પડે છે (યા પછી ઝેરનું મારણ ઝેરથી થાય છે?) તેમ ગ્રાહકની લાગણીઓ ગ્રાહક બનીને જ સમજી શકાય છે. 

એટલે ‘ HP સપોર્ટ ફોરમ’ના નામ હેઠળ આ ઓનલાઈન સર્વિસ ફોરમમાં તેની પ્રોડક્ટ્સ/સર્વિસ વિશેની માહિતી અને મદદ તેના એક્સપર્ટ ગણાતા કસ્ટમર્સ જ આપે છે.

જેમ જેમ કોઈ એક ગ્રાહક-(સર્વિસ એક્ઝિક્યુટિવ) બીજાં ગ્રાહકોને HP ની પ્રોડક્ટ્સ માટે સંતોષકારક જવાબો આપે છે, તેમને રેન્કિંગ પોઈન્ટસ તેમજ ‘બેજ’ સાથે નવાજવામાં આવે છે. આ પોઇન્ટ્સ દ્વારા તેઓ HP ની જ પ્રોડક્ટ્સ કાં તો પ્યોર ડિસ્કાઉન્ટ પર અથવા તો તદ્દન મફતમાં મેળવે છે.

હવે જો તમારી પાસે તેની પ્રોડક્ટ્સ વિશે સારું એવું એક્સપર્ટ જ્ઞાન હોય અને બીજાં જરૂરતમંદ ગ્રાહકોને મદદરૂપ થવાની ખેવના હોય થોડાંક કેશ કમાવવાની સાથે કૂલ કારકિર્દી ઘડી શકો છો. 

http://h30434.www3.hp.com/

વેપાર વીરતા –| હીટ થઇ બહાર આવેલા ‘હોટ’ સમાચાર |–

ઈ.સ. ૧૯૯૭માં એ વખતે આપણા માટે સૌથી ‘હોટ’ ન્યુઝ હતા.

જ્યારે મેં પણ સાંભળ્યું કે પંજાબી પુત્તર સબીર ભાટિયાએ માત્ર ૧૮ મહિનામાં તેની નવી કંપની ‘હોટમેઇલ’ને કેટલાંક કરોડોમાં માઈક્રોસોફ્ટને વેચી નાખી હતી. ત્યારે સબીરના એ સમાચારની સરખામણી સચિનની કમાણી સાથે પણ કરવામાં આવી હતી.

ત્યાર પછી સબીરતો ક્યાંક કમાણી લઇ બીજાં પ્રોજેક્ટ્સમાં ડૂબી ગયો અને માઈક્રોસોફ્ટનો બિલ ગેટ્સ તેના હોટમેઇલના દરિયામાં તરી ગયો. સમજો કે મફત હોટમેઇલ થકી ઈમેઈલની દુનિયામાં સુપર કોમ્યુનિકેશન રેવોલ્યુશન આવ્યું.

યાહૂ, જીમેઇલ, એ.ઓ.એલ. સાથે હાઈપર હોટ હરીફાઈ કરી હોટમેઇલે ઘણી લીલી-સૂકી જોઈ લીધી. વખતો-વખત બિલ ગેટ્સ તેની આ સિસ્ટમમાં નવા નવા અપડેટ્સ મૂકી ને વીર-યોધ્ધાની જેમ ક્યારેય હાર ન માની આજે તેને એક એવા મુકામ પર લઇ આવ્યો કે…

૧૬ વર્ષ પછી…હોટમેઇલને શહાદત વહોરવી પડી છે.

યેસ દોસ્તો ! આજે હોટમેઇલને સર્વિસ-મોડમાં સુઈ જવાનો વારો આવ્યો છે. માઈક્રોસોફ્ટે તેનું નામ: outlook.com કરીને ફરીથી તેના હરીફોને જડબાતોડ જવાબ આપ્યો છે.

એ તો મર્યું છે પણ સાથે સાથે હોટમેઇલને મેસેન્જર સર્વિસને પણ પોતાની સાથે લઇ ગયું છે. આજે એ બધું એક થઇ આઉટલૂકમાં વિલીન ગયું છે. નીતનવાં લૂક અને ફેસીલીટી સાથે આ ઈમેઈલ સર્વિસ સજ્જ થઇ છે.

જે સૌની પાસે હોટમેઇલ.કોમનું એકાઉન્ટ હોય એ સૌને પણ તેમનું જુનું હોટમેઇલ આઉટલૂકમાં પરિવર્તન કરવાની તક આપવામાં આવી છે. મેં પણ કર્યું છે અને તેના ફંકશન્સને અનુભવ્યા છે.

જો ગૂગલ સાથે કમ્પેર કરીએ તો… આઉટલૂક સાચે જ કૂલ છે…સેક્સી છે !

તમને પણ અનુભવવું હોય તો આવી જાજો: outlook.com પર.  પણ તે પહેલા તેની સેમ્પલ વિડીયોઝ પણ જોઈ લ્યો. 

.

ઉલ્ટા કામો કરી કમાણી કરવાનો એક અનોખો મુકામ એટલે…

Ulta-Pulta- Upside Down

.

• “જા! પેલી લાંબા વાળ વાળી રીટાને અમારી વચ્ચે કિસ કરી આવે તો રૂ.૫૦૦/- આપણી તરફથી…”

• “બોલ એક સાથે ૨૫ વખત આ દાદરા ઉતર ચઢ કરી બતાવે તો આ રવિવારે પિઝા-પાર્ટી આપણી તરફથી…”

• “છે કોઈ જે ૧ મિનીટમાં મેક્સિમમ કોલાની બોટલ પી બતાવે?- જો હોય તો ૧૦૦૦નું ઇનામ આપણી તરફથી…”

સ્કૂલ-કોલેજમાં, પાર્ટીમાં, મેળાવડામાં કે લગ્ન જેવા પ્રસંગોમાં આવી અવનવી શરતો લાગતી રહે છે. પણ શક્ય છે એનું ઇનામ ક્યારેક જ મળતું હોય છે. અથવા અંચાઈ કરીને ગૂટકાવી દેવાય છે. અને જો મળે ત્યારે હાજર દોસ્તોમાં દિલદારીથી શેર કરી એમાંથી જ પાર્ટી અપાય જાય છે.

મસ્તી-તોફાન-મજાક જ્યાં સુધી નિર્દોષ છે ત્યાં સુધી એ ચાલતું રહે નહીંતર ક્યારેક લેવાના દેવા થઇ જાય ત્યારે પૈસા સાથે ઘણું બધું ગુમાવી પણ દેવાય છે.

પણ વેઈટ!

ઈન્ટરનેટ (ને હવે તો મોબાઈલ) પાસે એનોય તોડ મળી શકે એવા પ્રોગ્રામ આવી ચુક્યા છે. – મૂલ્ટા.કૉમ.

નામ મૂલ્ટા… ને કામ ઉલટા-પૂલટા કરી સાચે જ કેશ કમાવાનું એક મજ્જાનું પ્લેટફોર્મ.

જ્યાં એક વ્યક્તિ વિભિન્ન ચેલેન્જ સાથે કેશ-ઇનામ આપે. જેમ કે…

• “જાહેરમાં સ્ત્રીના કપડાં પહેરી મૂત્ર-વિસર્જન કરી બતાવો તો ૫૦$….”

• “પબ્લિક ફૂવારામાં ખુલ્લા નાહી બતાવો ને ૫૦$$ લઇ જાવ….”

• “ભરબજારે અજાણી વ્યક્તિને લોકોની વચ્ચે ભેંટી લો અને ઉપાડો ૧૦૦$….”

• “દુનિયાનો સૌથી તીખો સોસ ચાટી બતાવો ને પછી મોં ખોલ્યા વિના લઇ જાવ ૫૦$$…”

• “ઉંચી બિલ્ડીંગની અગાસીથી હાથ બાંધીને વાંકા વળ્યા વિના સીડીઓ ઉતરી બતાવો ને લઇ સીધેસીધા લઇ જાવ ૨૦$…”

જે ચેલેન્જ ઉપાડી હોય એની સાબિતી વિડીયો વડે આપવી પડે. પછી જે કમાણી કરી હોય એ કાં તો ખિસ્સામાં મૂકી હાલતા થાવ અથવા સખી દાતાર હોવ તો સાઈટ પર જ દાન-પેટીમાં નાખતા જાવ.

ઝૂકતી હૈ દુનિયા ઝૂકાનેવાલા ચાહિયે…..ટુના ટુના!!!!

બોલો….તમને ચુપ રહી આવા ઉલટા આવા કામો કરવા ગમતા હોય તો આજે જ જોઈ લ્યો એ મૂલ્ટા.કૉમ.

સરપંચ:

આવનારા દિવસોમાં શરુ થનારી ટ્રાન્સપેરન્ટ લાઈફસ્ટાઈલ જે મગજ અને મનનું ચક્કર ડીજીટલમાં આ રીતે ગોઠવતું જશે…

 

વેપાર વિકાસ: આપનું ‘ઓફિસ’નું જ્ઞાન કેટલું છે?

Amit Singh, Enterprise Software Division, Google.

(C) Amit Singh, Google.

.“તમને કોમ્પ્યુટરમાં શું આવડે?”

“ઓફીસ.”

“આઈ મીન…માઈક્રોસોફ્ટ ઓફિસ?- વર્ડ એક્સેલ, પાવરપોઇન્ટ?”

“જી સર!”

“પણ મને તો ફકત MS. Word જ આવડે.”

“ઓકે. વર્ડમાં મેઈલ-મર્જ, ઇન્ટરેક્ટિવ ફોર્મ ક્રિયેશન, ઓટો-ઈન્ડેક્સની સહૂલિયાતો છે, એ વાપરતા આવડે?”

“એ વળી શું સર?- વર્ડમાં એવા ફંક્શન હોય છે?” 

“એવાં તો ઘણાં ઘણાં જરૂરી ફંક્શન્સ હોય છે, પણ આપણે વાપરીએ તો ને?”

“તો પછી સર એ વાપરવા માટેની તક પણ મળવી જોઈએ ને?- એવી તક મને પાછલી જોબમાં ક્યારેય મળી નથી.”
—————————————————–
ઉપર જેવો ઇન્ટરવ્યું ડાયલોગ્સ શક્ય છે કોઈકને તો ફેસ કરવો પડ્યો હશે, ખરું ને?- 

આ વાતની મને પણ પ્રતીતિ વધારે થઇ જ્યારે ગઈકાલે એક ભારતીય-NRI ભાયડાએ દુનિયાની સુપર-સર્ચ કંપનીમાંથી આ ચેલેન્જિંગ બાબત હજુ ગઈકાલે જ વહેતી કરી છે. 

“અમારું મુખ્ય ટાર્ગેટ હવે એ ‘ઓફિસ’ વાપરનારા ૯૦% લોકોના માર્કેટને કબજે કરવાનું છે. અને એ અમે થોડાં જ વખતની અંદર કબજે કરી લઈશું. કેમ કે માઈક્રોસોફ્ટે તેના ‘ઓફિસ’ પેકેજમાં ઠાંસીઠાંસીને અજબ સહુલીયાતો ભરી છે. જેમાંનો હાર્ડલી ૧૦% ઉપયોગ સામન્ય લોક કરતા હોય છે.” 

– અમિત સિંઘ, ગૂગલ એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર ડિવિઝન. 

તેણે સીધા શબ્દોમાં કહ્યું કે…

“મહત્તમ લોકોને એવા ‘એડવાન્સ્ડ’ ફંક્શન્સની જરૂર જ નથી હોતી પછી હાર્ડ-ડિસ્કની ભરી રાખવાનો ફાયદો શું? હવે ઓફિસ પેકેજમાં જે બાબતો ખુબ સરળતાથી અને સૌથી વધુ વપરાશમાં આવે છે તેણે ધ્યાનમાં રાખી સીધેસીધું ઓનલાઈન જ વાપરી શકાય એવી સગવડ અમે ગૂગલ તરફથી આપી રહ્યા છે.”

દોસ્તો, હવે તમે જ કહો કે…ગૂગલમહારાજ તરફથી આવી ચોટદાર-વાણી (કે સોફ્ટ ચેતવણીની) માઈક્રોસોફ્ટ મહારાજા પર કેવી અસર થાય?- 

જે થશે તે. એ તો જે પોતાના પ્રોજેક્ટ્સમાં વધારે બારમું કરશે એની વર્ષ ’૧૩મામાં ખબર પડશે.. 

પણ મારો આજનો સવાલ: આપનું ‘ઓફિસ’નું જ્ઞાન કેટલું છે?- ૫%, ૧૦%, ૧૫% કે ૨૫%. યા પછી ડેવેલોપર જેટલું?

દોસ્તો, સવાલનો ઉદેશ્ય એટલો છે આવનાર વર્ષોમાં તેની વધારે જરૂરિયાત પડવાની છે. શાં માટે અને શું કામ? એ જાણવું હોય તો આ દિવાલ પર સમયાંતરે નજર ફેરવજો કાંઇક અવનવું મળે તો નવાઈ………હોં!

સરપંચ:

ડિસ્કોથેકમાં…

છોકરો: “તું એકલી છે?”

છોકરી: “ના ! હવે નથી. તું આવ્યો ને.”

છોકરો: “વાઉ ! તો તો પછી ફ્રિ હશે, ખરું ને?”

છોકરી: “ના ! મોંઘી છું.”

વેપાર વ્યવસાય: ‘ઠોરામાં ઘન્નું જ બધું સમાવે’ એવા આઈડિયાનું નામ એટલે…

પહેલા સૌથી અગત્યની વાત:

પાછલા પોસ્ટની અસર આટલી ગરમાગરમ થશે તેનો ખરેખર મને અંદાજ ન હતો. જે દોસ્તોએ ‘મને પુસ્તક જોઈએ છીએ’ એમ કહી પોતાનો સમય અને ઈ-મેઈલ પોસ્ટમાં આપ્યો છે તે સર્વેને મને આ વખતે થોડું વધારે દબાણ વાળું “આભાર… થેંક્યુ… શુક્રિયા..” કહેવું જ છે. વખતો વખત એ વેતાલિક વાતનું અપડેટ પણ આપીશ ઇન્શાલ્લાહ!

તો હવે શરુ કરું આજની બીજી અગત્યની વાત.

કોઈ પણ સફળ કંપનીની મિસ્ટ્રી જાણવી હોય તો આપણને ખબર છે કે તેની હિસ્ટ્રીમાં ડોકિયું કરવું પડે. તે કંપનીની સફરમાં કેટલાં રોટલા શેકાયા ને કેટલાં પાપડ ભંગાયા તેનો હિસાબ તેના મજબૂત રસોઈયાઓ આપી શકે છે.

૧૯૪૩માં સ્વિડનમાં આવેલા એક નાનકડા પરગણામાં ૧૭ વર્ષના એક મિસ્ત્રી છોકરા ઇન્ગ્વાર કામ્પ્રાદે પોતાના નાનકડા લક્કડ હાઉસમાં બનાવવાનું શરુ કરેલી લાકડાની સામાન્ય વસ્તુઓની કંપની ‘આઈકિયા’ એ આજે આખી દુનિયામાં અસામાન્ય બનીને ફર્નિચર ઉદ્યોગનું આસમાન સર કરી લીધું છે.

દોસ્તો, ૨૦૦૧ થી ૨૦૧૨ દરમિયાન માઈક્રોસોફ્ટના અરબપતિ બિલ ગેટ્સને પોતાની ખુદની અસ્ક્યામતોમાં કેટલીયે વાર પાછળ પાડી દેનારા આ લાકડાપતિ ઇન્ગ્વાર કામ્પ્રાદ નું વિગતવાર કામકાજ જાણવું હોય તો નેટ પર જ તેના ફર્નિચરના લાકડા જેવી જ મજબૂત માહિતીઓ ભરીને પડી છે.

ભૂલ-ચુકથી…કોઈ બેબલી કે તેના દાદાથી આઈકિયાના ફર્નિચર પર કાપો પાડી જાય તો તેની અસર સીધી દિલમાં થાય તેવા તરેહ તરેહના સુપર-કૂલ ફર્નિચરની રેન્જ માત્ર જોયા કરીએ તોય આંખો ઠંડી થાય.

આંગળીના ઠપકારે અલમારી ખસેડવી હોય કે આંગળીને ઇશારે આખું ડાઈનિંગ ટેબલ… તેના મટીરીયલ્સની સ્થાપકતા આજે તેના બીજા હરીફો માટે પણ બેન્ચમાર્ક ગણાય છે. સાચું કહું તો મારા ઘણાં દોસ્તો-સગાંઓને ત્યાં ‘આઈકિયા’ બ્રાન્ડના જ ફર્નિચર પ્રિફર કરવામાં આવે છે. થોડી ઝલક આ લિંક પર પણ જોઈ લેવાય તો…

આઈકિયા’ નામનો આ સુપર સફળ મિસ્ત્રી ઓનલાઈનની દુનિયામાં પણ વેપાર કરી ઘણો વધારે ખીલી ગયો…ખુલી ગયો…ટકી ગયો છે. એનું એક કારણ. ‘જો નહિ સોચા હૈ વહ બનાકર દિખાના’.

એટલેકે મોટી વસ્તુને નાના કોન્સેપ્ટમાં સમાવી દેવાની આવડત?

ના..ના એનો અર્થ એવો નથી કે…તેનું ૨૫ x ૨૫ ફૂટનું આખું રસોડું ૩૦ x ૩૦ ફૂટમાં સમાવી દેવું. એ તો સાવ સામન્ય મિસ્ત્રી પણ કરી શકે. પણ આઈકિયાઅંકલે તેનો આઈડિયા ૫ x ૫ ફૂટની જગ્યામાં પણ તે જગ્યાને છાજે એવા ફોલ્ડિંગ ફર્નિચર્સ મેનેજ કરવાની આખી સિસ્ટમ ઘડી છે. જેને ‘સ્પેસ મેનેજમેન્ટ’ જેવું રૂપાળુ નામ અપાયું છે.

આઈકિયા અને તેની પ્રોડક્ટ્સ પર ખૂબ લખી શકાય એવી બાબતો છે. પણ સવાલ એ થાય કે…એ વાંચ્યા પછી ક્યા ‘કિયા’ જાય?!?!? એવા વિચારમાં જ સવાર પડી જાય છે. ને…આપણું સપનું….છાનું છપનું થઇ સુઈ જાય છે. આ તો તાજેતરમાં જ તેના કેટલાંક હટકેલા સમાચારોએ મને આ લેખ લખવા મજબૂર કર્યો.

મારા બ્લોગ વાંચનાર એવા ઘણાં દોસ્તો હશે…જેમનું બેકગ્રાઉન્ડ ‘મિસ્ત્રી’યસ હોઈ શકે. જેમનામાં એવી સુંદર કાષ્ઠ-કળા હોઈ શકે પણ ધક્કો મારનાર કોઈ આવે તેની રાહ જોતા હશે. તો એવા દોસ્તોને આ લેખ થકી ઇઝન છે. નેટ એવા દોસ્ત લોકોનું પણ છે…જેમની પાસે વિઝન છે. ઇન્ડિયા….આઈડિયા…ને આઈકિયા…બોલો છે કોઈ લાયકિયા ?

સમાચાર-૧: દુનિયાનો સૌથી મોટો ફર્નિચર શો રૂમ…હવે ઇન્ટરનેટની દુનિયામાં

સૌથી નાના સ્ટોર રૂપે…

smallest-ikea-store-in-the

શક્ય છે કે પેલા દસ લાખ પિકસેલ્સનો ધણી એલેક્સ ટ્યુનો આઈડિયા અહીં ખેંચવામાં આવ્યો હોય. જે હોય તે..પણ આઈકિયાના આ ઓનલાઈન સ્ટોરની અધધ પ્રોડક્ટ્સ ને  300 x 250 pixelના web banner માં જ એવી રીતે સમાવી દેવામાં આવ્યો છે કે…ગમતી પ્રોડક્ટને સેકન્ડ્સમાં શોધી ઓર્ડર આપી શકાય.

 

 .

સમાચાર- ૨ ફર્નિચર સાથે મનોરંજન વ્યવસ્થા?…..

‘આઈકિયા’ બાત હૈ !

આ સિસ્ટમને આવવાને હજુ થોડાં કલાકો જ થયા છે… એન્ટરટેઇનમેન્ટ…એડજેસ્ટમેન્ટ…એરેન્જજમેન્ટ વાળા વિદ્યાત્મક વાક્યને..ફર્નિચરમાં અપનાવી રોકડા કરના તો કોઈ શીખે ઇનસે !  

 

.

‘ઠોરામાં ઘન્નું જ બધું સમાવે’ એવા આઈડિયાનું નામ એટલે…આઇકિયા !

વેપાર વક્તવ્ય: તોલ મોલ કે ગોલ…ગોલ મોલ કે તોલ!

goal-setting-possible

Dare to live the life you have dreamed for yourself.
Go forward and make your dreams come true.
– Ralph Waldo Emerson (1803-1882)

ઈમર્સનભાઈનું આ ક્વોટ વાંચવું કેટલું સહેલું છે ને?!?!-

હાથમાં ચાયની ચુસકી કે ઘરમાં-ગરમ ભજીયા મમળાવતા આવા હજારો ક્વોટસ લાખો વાર લખાયા છે ને કરોડો વાર વંચાઈ રહ્યાં છે. પણ ડ્રીમ્સને સફળ કરવાનું ડ્રમ ઘણાં ઓછા લોકો વગાડી શક્યા છે. નહિ તો….

  • આઈ-પોડ, આઈ-પેડ, આઈ-ફોન જેવી કેટલીયે ‘આઈ’સ આપણે બ્રેક કરી શક્યા હોત…
  • એ.આર રહેમાન જેવું ફ્યુઝન તો ઠીક, પણ કોલાવરી-ડી જેવું કન્ફ્યુઝન મ્યુઝિક આપણે પણ બનાવી શક્યા હોત…
  • અંગ્રેજી ‘અવતાર‘ જેવી ફિલ્મ તો આપણે પણ ઘર બેઠે અવતરી શક્યા હોત…
  • કહીએ એ પહેલાં સર્ચ કરી બતાવે એવું ગૂગલ જેવું સર્ચ-એન્જીન આપણે પણ ‘રિસર્ચ’ કરી શક્યા હોત…
  • ઘર ઘરમાં કોમ્પ્યુટર‘ તો આપણે પણ બિલ ગેટ્સ જેવું તો નહીં પણ છબીલદાસ બનીને ઘુસાડી શક્યા હોત…
  • ટોમ ક્રુઝ જેવા સ્ટંટસ આપણે બુર્જ-અલ-ખલીફા પર તો નહિ પણ હીરાભાઈ કલોક ટાવરે પણ ચડી કરી શક્યા હોત…
  • નીલ રહીને હાથમાં કેશ મુકી લાખો શેર હોલ્ડર્સ પર ધીરુ ધીરુ રાજ આપણે પણ કરી શક્યા હોત….
  • ઐશ્વર્યા રાયો, વિદ્યા બાલનો કે દીપિકાઓ જેવી બાપડીને મુકો બાજુ પર આપણી પડોશની સોનાડી અને રૂપાડી ‘આપડી‘ પણ હોત!…
  • સચિન તો શતક ચાહે એટલા કરે હવે…એવા ચોક્કા-છક્કાતો આપણી ગલીના નાકેય કેટલા મારી આવ્યા હોત..હુહહ!
  • અરે સાહેબ!….સાવ ગરીબ ઘરમાં પેદા થઇને આખા અમેરિકા અને અમેરિકન્સના ઘરોમાં લિંક આપણે પણ મેળવી શક્યા હોત…

ઓફ્ફ્ફ્ફ!…..થાકી ન જવાય એવા કેટકેટલાં કામો આપણે કરી શક્યા હોત…યાર એ લોકો આપણા સ્વપ્નાઓને સાકાર કરી નામ ખાટી ગયા બોલો! બાકી આપણે જઈએ એવા નહીં હોં!…..

પણ આપણે હજુ ઘણું નથી કરી શક્યા….

…કેમ?…શું કામ?…શા માટે?…

એટલા માટે કે આપણે હજુ સુધી એવા જ સવાલ કરતા રહ્યાં છે. ને કોઈ આવીને જવાબ આપે એની રાહમાં કોઈ મોરલો આવીને ‘આપણા મનની વાત જાણી’ કળા કરી ગયો છે.

આપણે હોત…હોત..હોત…નું ઠંડું માચીસ પકડી રાખી સગડી આગળ બેસી જ રહ્યાં છે.

કેટલાંક દોસ્તોએ પૂછ્યું કે

‘ધંધો કરવાની હામ તો અમારા બ્લડમાંય છે.
વખત આવે શાકની લારી કે પાનનો ગલ્લો કે કપડાંના તાકા ઉપાડી ચાલવામાં કે
ચલાવી લેવામાં નાનમ નથી કે  પત્ની ખીજાવાની નથી.
પણ હિંમત થતી નથી. તો આ શરૂઆતની શરૂઆતમાં જ
લોચા ના થાય એ માટે શું કરવુ??!?!?!?!

નાનકડો જવાબ: કાંઈ પણ થાય આવનારી પાંચ મિનીટમાં….માત્ર એક જ પગલું…જસ્ટ વન સ્ટેપ! ભલે પછી ખૂબ નાનકડું હોય. મુખ્ય ગોલ માટે કરી દેવું.

જેમ કે…

  • મહિનાઓથી વાર્તા કે કવિતા લખવાનું મન જ છે પણ કાંઈ સૂઝતું નથી ને? કાંય વાંધો નહિ રે… તો આવી ’પ્રેરણા’ લેવા ‘બજાજ’ની કિક માર્યા વિના માત્ર પેન-પેપર લઇ બેસી જઈ ને માત્ર એક લાઈન…એક લીટી જેવી આવે તેવી લખી જ દેવી.
  • બ્લોગ શરુ કરવો જ છે?- તો વર્ડપ્રેસ- કે બ્લોગર.કૉમના ફક્તરજીસ્ટ્રેશન ફોર્મ પર આવી ઉભા જ રહેવું. બસ. ભરવાની વાત પછી.
  • નવી પ્રોડક્ટ માર્કેટમાં લાવવી જ છે?- તો જેની પર સૌથી વધુ પ્રેમ છે તે વ્યક્તિને જઈ માત્ર વાત કરી જ દેવી. પછી જન્મતારીખ આપી શકાય તો બોનસ સમજવું. બસ.
  • ગમતી કંપનીમાંથી ઓર્ડર લેવો છે, પણ આવડત જ નથી?- નો પ્રોબ્લેમ!….તો માત્ર એ કંપનીની રિસેપ્સનીસ્ટને માત્ર હાય કે હેલો કહી જ આવવું…(એને હેલ ઉતારવાનું નથી કીધું.. બંધુ!) બસ.
  • અરે!….નોકરીમાંથી ખૂબ કંટાળીને હવે ‘બોસને ફાયર’ કરી પોતાનો ધંધો શરુ કરવો જ છે?- તો કોરા પેપર પર માત્ર એક લાઈનમાં “સર! નોકરી છોડી રહ્યો છું.”નું કવર ટેબલ પર મૂકી છું થઇ જ જવું. પછી એમનું હોવું ન હોવું અગત્યનું ખરું?
  • ઈન્ટરનેટ પર દરરોજ કાંઈક નવું શીખવું છે પણ શું શીખવું છે, જાણવું છે એની કોઈ ગતાગમ નથી. ઊંડો શ્વાસ લઇ લ્યો ને વારેઘડીએ આ લિંક દબાવ્યા કરજો: દર ક્લિકે કાંઈક નવું જ સામે આવશે એની પૂરી ગેરેંટી…





જેટલી બુલેટ્સ ધારવી હોય એટલી…

પિતાશ્રી‘પંચ’

“ટીમમાં ગોલ કરવા માટે જેમ રમતો ફૂટ‘બોલ’ જરૂરી છે તેમ લાઈફમાં ગમતો ગોલ કરવા માટે પણ માત્ર એક ‘બોલ’ જરૂરી છે….શબ્દ-બોલ!…હવે એટલુંયે ન થઈ શકે તો પ…છી…કોઈ ક્યા કરે!?!?!?!

 આમેય…‘શબ’ ક્યારેય બોલતું નથી. એવું મારા મર્હુમ પપ્પા કહી ગયા છે.” – કાચી ઉંમરે પાકે પાયે મુર્તઝાચાર્ય.

આપના કયા સ્વજન કે દોસ્તને આ પોસ્ટ પસંદ આવી શકે?

 

વેપાર વ્યવસાય:: ઇન્ટરનેટ કમાણી….વિદ્યાર્થીઓ માટે ક્યાં-ક્યાં છે સમાણી?

Learning-to-Earning-By_Murtaza_Patel

પાછલી પોસ્ટનો પૂછાયેલો અમિષ-પ્રશ્ન હવે જવાબ સાથે આગળ લાવતા…

સ્ટુડન્ટને ભણતરની સાથે ઈંટરનેટ પર કોઈ કમાણી કરવા લાયક કામ કરવું હોય તો કેમ થઇ શકે?”

દોસ્ત અમિષ,

સોફ્ટ જવાબ: યેસ! જરૂર થઇ શકે છે. સારી રીતે થઇ શકે છે.

હાર્ડ જવાબ: કેવી રીતે થઇ શકશે એ જાણવું થોડું કડવું લાગશે. શક્ય છે એ માટે… પાનનો ગલ્લો, કેમ્પસમાં ગપશપ જેવા (અ)મંગળ ફેરાઓ બંધ થાય તો. ફાયદો લાંબાગાળાનો થશે. કેમ કે તે પપ્પાની ચિંતા બતાવી છે. તારી હજુ આવવાને શરૂઆત છે.

ખૈર, સૌ પ્રથમ તો આ પોસ્ટ વાંચ્યા દોઢ વર્ષ અગાઉ લખેલો આ લેખ ધ્યાનથી વાંચી જાજે દોસ્ત…

સાચી નિયતથી જે કામ શરુ કરવું હોય તેમાં શરમ શેની?

કેવા કામો થઇ શકે તે માટે મારા દિમાગની પોટલી ખોલી થોડાં બેઝિક્સ આઈડિયાઝ આપું છું.

બ્લોગ- કમાણી:

જેમ પહેલા કહ્યું તેમ જે બાબતનું પેશન હોય તેને બતાવવા માટે બ્લોગ એક હાથવગું સાધન છે. દુનિયામાં ઓળખ આપવા, મેળવવા માટે માહિતીઓના મોતીઓ વેરી દોસ્તી કરવાનું એક મજાનું પ્લેટફોર્મ.

પ્રથમ સલાહ તો વર્ડપ્રેસ.કૉમની આપી શકું પણ બાબત પૈસા બનાવવાની છે એટલે બ્લોગર.કૉમને પકડવું પડશે. નવા ઇન્ટરફેસ, નવું લૂક-આઉટ સાથે બ્લોગર.કૉમ હાજર છે. પણ તે પહેલા ગૂગલની Adsense.com સેવા એક્ટીવેટ કરવી પડશે. જ્યાંથી થોડી મિનીટોમાં કેવા પ્રકારની જાહેરાતો બ્લોગની સાઈટ પર બતાવવી છે તેનું સેટિંગ અને લિંકિંગ કરવું જરૂરી થશે.

એક વાર સેટ થયા પછી બ્લોગ પર થોડા સમય બાદ બ્લોગને લગતા લખાણને અનુરૂપ જાહેરાત દેખાવા લાગે છે. હવે કોઈ વાંચક તારા લેખને રસપૂર્વક વાંચીને કોઈ એવી જાહેરાત પર માત્ર ક્લિક પણ કરશે ત્યારે તેની પાછળ રહેલી જાહેરાતના મૂલ્યનો કેટલોક નાનકડો હિસ્સો તને મળી શકશે. અપસેટ થયા વિના બ્લોગર પર અપ-થઇ સેટ કરવું લાભદાયક છે.- જરૂરી છે વિષયને લગતી રસિક માહિતીઓની ખૂબ અસરકારક રીતે સતત વહેંચણી. Sharing of Effective Information’. જાતે જ અજમાવી જો.

ફ્રિલાન્સ ગ્રાફિક ડિઝાઇનર:

એન્જિનિયરને આર્ટીસ્ટ બનવું જરૂરી છે. અસરકારક ડાયાગ્રામ્સ બનાવી શકતો હોય ત્યારે નેટ પર કોઈ કંપની કે વ્યક્તિ માટે લોગો, બિઝનેસ-કાર્ડ અને બીજા અનેકવિધ ક્રિયેટિવ કામોની ભરમાર રહે છે. દિવસ દરમિયાન અભ્યાસ સાથે બે-ત્રણ કલાક ડિઝાઇનિંગનું કામ એક મગજી કસરત કરાવી શકે છે. જરૂરી છે કોરલ-ડ્રો, અડોબનું ઈલ્યુસટ્રેટર અને ફોટોશોપનું જ્ઞાન. અને માત્ર એક જ ગ્રાહક. હાથમાં દીવો ને મગજમાં દીવાસળી લગાવી શરૂઆત કરી જોવા જેવી છે.

પોતાના શહેરમાંથી જ ગ્રાહક મળે એ પહેલી શરત પણ તે છતાં….એવી કેટલીક સાઈટ્સ છે જેમ કે.. www.guru.com , www.elance.com જ્યાં થોડી અર્થસભર રીતે ખાતું ખોલી કામ શરુ કરી શકાય છે.

અખૂટ કામો મળી રહે તેવી આ સાઈટ્સ પર બેંક-એકાઉન્ટ અને ક્રેડિટ-કાર્ડની જરૂરીયાત હોવાથી પહેલા એની પાળ બાંધવી પડે છે. પણ જો નેટ પર ‘નટવરલાલ’ બન્યા વિના કામ-નામ કરવું હશે તો….થો..ડી..ઓથેન્ટિક મ..હે..ન..ત ક..ર..વી..જ……

હવે આ બાબતે પિતાજી-પડોશીને કે કોઈક વડિલને પણ પુછતાં શરમ આવતી હોય તો બુરખો ઓઢી લેજે, ભાઈ…!

ઓનલાઈન ટેલી-એકાઉન્ટન્ટ:

ભારતમાં સૌથી વધુ લોકપ્રિય એકાઉટિંગનું સોફ્ટવેર ટેલી. જો સંખ્યાઓ સાથે રમવાનો શોખ હોય તો ઘણી કંપનીઓને જેન્યુઈન ‘ડેટા-એન્ટ્રી’ કરનારની જરૂર છે. ખુદ ટેલી.કૉમ પણ આ બાબતે જોબ આપવામાં મદદ કરે છે. હવે કોણ કહે છે કે ઓફિસે કે દુકાને બેસવું જ જોઈએ?

કરી લે તેના કોઈ કંપનીના મેનેજર સાથે નેટવર્કિંગ કરી નેટ-મહેતાજી બનતા બનતા બેંક એકાઉન્ટ પણ આપોઆપ ખુલી અને ખીલી જશે એની ગેરેંટી સાઈન આપ્યા વગર આપું છું. બીજી માથા-ફોડી કરવા કરતા આ બાબતની નારિયેળી ફોડવામાં નવ્વાણું ગૂણ મળી શકે છે.

એ વાત એ છે કે ડેટા-એન્ટ્રી એક દસ-નંબરી સ્કેમ છે. પણ બાકી રહેતા ૯૦ નંબર્સની તરફ નજર રાખવામાં માલ છે. એક-નંબરી એકાઉન્ટસનું કામ કરવા માટે માણસો તો મળે છે…પણ શોધનારને ‘વિશ્વાસુ માણસ’ની જરૂર વધારે હોય છે. ‘આપનો વિશ્વાસુ’ કહેવડાવવાની તાકાત હોય તો ‘નેટની નટ્સ’ ખાઈ જવા જેવી છે. જા થઇ જા…નવ, દો, ગ્યારહ!….

રમત રમાડે ‘વાંદરું’

ઓનલાઈન ગેમ્સ રમવાનો બેહદ શોખ છે?-

હવે આ બાબતે કોઈ કંપની રમતા રમતા પૈસા આપે તો?!?!

મોબાઈલ ‘એપ્સ’ (એપ્લિકેશન્સ) અને વિડીયો ગેમ્સ રમીને માર્કેટ કરી પૈસા કમાઈ શકે એવા નવયુવાનોની જરૂર ઘણી ખેલી કંપનીઓને હોય છે.

ગૂગલ પર સર્ચ કરી એવી નાની મોટી કંપનીઓ, ગ્રુપ્સને કોન્ટેક કરી શકાય છે જે નાનકડી ગેમ્સ બનાવતા હોય છે. માર્કેટમાં મુકતા પહેલા ટેસ્ટર્સ પાસે એ લોકો આ રીતે રમાડી રિવ્યુઝ મંગાવે છે. જેના પરથી એમનું અને બીજા સૌનું ગાડું ચાલે છે.

ગેમ્સ માર્કેટની આ ‘રમત’ બહુ મોટી છે. જ્યાં તકો ૩૬ જગ્યાઓથી મળે શકે છે. જરૂર છે ૩૬૦ ડીગ્રીથી નજર રાખવાની. આ રીતે ધમાલ કરી પૈસા બનાવવામાં પણ આપણા ગુજ્જુ વિદ્યાર્થીનું ‘લેવલ’ પાછળ કેમ રહી જાય છે??? એવા વૈજ્ઞાનિક કારણ તપાસવાનો કોઈ ફાયદો ખરો, બંધુ? એના કરતા જા કોઈક નવી આવનારી ગેમ્સના લેવલને અચિવ કરી પૈસા કમાઇ લે!

પાર્ટ-ટાઈમ ઓનલાઈન સોશિયલ નેટવર્કર

અતુલભાઈ જાનીએ કરેલી પાછલી કોમેન્ટનો ફોડ આ રીતે મળી શકે છે. સાચું છે કે…પોતાની પ્રોડક્ટ્સ કે સેવાને દુનિયામાં ફેલાવવા કંપનીઓને જાહેરાતકર્તાઓ ની ઘણી જરૂર હોય છે. કોમેન્ટ્સ કરીને, રિવ્યુઝ લખીને, ટ્વિટ કરીને પણ કમાણી કરી શકાય છે. ખુબ જરૂરી એ છે કે માર્કેટની વસ્તુઓને સમજવાની, સમજાવવાની કળા શબ્દો-ચિત્રો કે બીજા અન્ય માધ્યમો દ્વારા વરસવાની ત્રેવડ હોય તો…કંપનીઓ એવા એક્ચુઅલ વર્ચુઅલ સોશિયલ નેટવર્કર્સ માટે તરસી રહી છે.

આ બાબતે ‘એક રૂકા હુવા સવાલ: એવી કઈ વસ્તુઓ વેચવાનો તમને શોખ છે? તેનું લિસ્ટ બનાવવા માટે ઓનલાઈન સ્ટોર્સની એટ-લિસ્ટ ઝલક પણ મારી આવવા જેવી છે.  ડાઈપરથી લઇ વાઈપર વેચતા કોણ રોકે છે..બકા!?

અમિષ દોસ્ત, આ માહિતીઓ તો માત્ર એક ટીપા સમાન છે. આવી બીજી તકો ક્યાં ક્યાંથી મળતી રહેશે તે વિષે નેટ વેપાર પર પણ નજર રાખતો રહેજે. અધ્ધ્ધ્ધ્ધ્ધ્ધ્ધ્ધ્ધ કામોથી છલકાતી આ નેટ દુનિયામાં શરૂઆત કરતી વેળાએ જરૂરી એવી નોટ્સ આપુ છું જે કમાણીના દરવાજાઓ સતત ખોલતી રહે છે.

  • જે બીજાઓ ન કરે તેવું ક્રિયેટીવ કામ કરવાની લગન.“એન્જિનીયરીંગનો વિદ્યાર્થી છું?” એવું કપાળે નથી લખાતું. એવું મશીન કે નાનકડું સાધન પણ બનાવી શકાય જે જોવા કોલેજના ડીન સાથે દુનિયાના પત્રકારો પણ પૂછતાં  આવે! – જેણે રાખી શરમ એનો કોઈ ન હોય ધરમ!
  • એન્જિનીયરીંગના વિષયો પરતો સૌથી વધુ….પણ સાથે સાથે ગમતા વિષય પરત્વે સતત અપડેટ રહી તેમાંથી માત્ર ૧૦% પર પણ અમલ કરવાની શરૂઆત…
  • અંગ્રેજી બોલવાનો સતત મહાવરો(યેસ! નેટ પર નોટ મેળવવા ખુબ જરૂરી છે)- ભાંગ્યું તૂટ્યું બોલવા માટે ભરૂચથી આવવાની જરૂર નથી…
  • હું બિચારો એકલો છું.” વાક્યને મિટાવી દેવાની તાકાત.- ના મળે તો ટાગોર દાદાની ‘એકલા ચાલો રે!કવિતાનું  બંગાળી અને ગુજ્જુ વર્ઝન સાંભળી લેવું.

 આટલા ‘બોલ’ આપ્યા બાદ હવે બોલ અમિષ…તું નિયમિત નેટ-પ્રેક્ટિસ કરવા તૈયાર છે?

મારી પાસે એક સરપંચી સોનેરી સિક્કો છે. જેની બે બાજુએ લખ્યું છે. Earn…Learn..!– મુર્તઝાચાર્ય

આપના કયા સ્વજન કે દોસ્તને આ પોસ્ટ પસંદ આવી શકે?

 


વેપાર વ્યવસાય: નેટ પર કમાણી…કોના માટે?…ક્યાં-ક્યાં?

From-Confusion-to-Solution

  • “મુર્તઝાભાઈ, ઓનલાઈન કામ કરવા માટે કોઈ આઈડિયા આપો ને?”
  • “સાહેબ, ઇન્ટરનેટ પરથી ઘરે બેઠા ડેટા-એન્ટ્રીનું કોઈ જેન્યુઈન કામ મળી શકે?- રીટાયર્ડ થયા પછી કામો મેળવવાના લોભમાં છેતરાઈ આ પહેલા મેં ઘણાં રૂપિયા ખોયા છે.”
  • “ભાઈ, મારા જેવી ગ્રેજ્યુએટ ગૃહિણીને નવરાશના સમયે કોમ્પ્યુટર પરથી નેટ દ્વારા શું કામ મળી શકે?”

દોસ્તો, નેટ વેપારના બ્લોગ પર અવારનવાર આપ વાંચકો તરફથી મને આવા ઘણાં કેરિયર અને કામકાજને લગતાં પ્રશ્નો મળતા રહે છે. સંજોગો સંભાળવાને લીધે પૂછનારને ટૂંકમાં સીધો જવાબ મેઈલ દ્વારા આપી દઉં છું.

પણ પછી મને સવાલ થાય છે કે…

  • ઇન્ટરનેટ પર કામ કરવા માટે શું ‘ડેટા-એન્ટ્રી’ જ માત્ર એક વિકલ્પ છે?
  • નિવૃત્તો માટે ફકત તેને શીખવાનું જ કામ હોય છે?
  • ગૃહિણીઓ માટે નેટ માત્ર નવરાશનો સમય કાઢવા માટે જ હોય છે?

જોકે બ્લોગની શરૂઆતથી ‘છોટી-છોટી’ ભૂખને કઈ રીતે જગાડવી તેની માહિતીઓ વારંવાર આર્ટિકલ્સ દ્વારા આપી ચુક્યો છું. (કેટલાંક લેખોમાં એવી છુપી માહિતીઓ પણ દર્શાવી છે. જે શાણા છે તે લઇ ગયા છે. Catch me if you can!)

ખૈર, વાતમાં સરળતા રહે એ હેતુથી એવા બીજાં ઘણા સવાલોમાંથી મુખ્ય પ્રશ્નને લઇ એક વિદ્યાર્થી, એક ગૃહિણી અને એક નિવૃત નોકરીયાતના ૩ કેસ રજુ કરવાની શરૂઆત કરું છું. અલબત્ત સમયાંતરે એ ત્રણે વિશે જણાવીશ. ભાઈ રે! આપણા લખાણ-વાંચનનું પણ કેટલું જોર?

પોતાને ગમતો કોળિયો મેળવવા નાનકડા બચ્ચાંલોકથી લઇ (હજુયે જુવાન માનતા હોય એવા) બુઢાલોક કે કોઈ બાકાત રહી ના જાય એવા લોક માટે… નેટના પ્લેટફોર્મ પર ‘ફોર્મ’ મેળવવા અઢળક તકોની ભરમાર વર્ષોથી થતી આવી રહી છે. પ્લાઝ્માથી લઇ પિન, પિયાનો, પ્લેન અને પ્લેનેટોરિયમ પણ વેચી શકાય એવા દરવાજાંઓ ખુલ્યા છે.

લાખોના પેઈજીસ, કરોડોની ઇન્ફોર્મેશન અને અબજોનું જ્ઞાન વહેતું કરતો હોવા છતાં આ ઇન્ટરનેટ નામનો ‘નેટવર’ પોતાને હજુયે નાનકડો કહી તેની વિશાળતા સંતાડી આપણને સૌને વારંવાર એક જ સવાલ કરતો રહે છે કે “હુકમ મારા આકા!….તમે ક્યાં પાડો છો વાંકા…..બોલો તમને શેની ભૂખ છે?”

આપણને સૌને ‘અબજ’ સવાલો ઉદભવતા રહેશે અને તેના ‘ગબજ’ જવાબો પણ મળતા રહેશે. અહીં કોશિશ એ જ કરી છે કે…પાછલાં વર્ષોમાં કેટલાંક અનુભવોને આધારે જે કાંઈ થોડું મેળવ્યું છે તે વહેંચી શકું. આપ લોકોને જે મળશે તે માહિતી હશે. તેને એપ્લાય કરી આપ જે અનુભવ મેળવશો તે આપનું જ્ઞાન….એટલે લેનારે જાતે જ નક્કી કરવું પડશે કે….મામાનું ઘર કેટલે?

શરૂઆત કરીએ અમિષથી…

“સર! હાલમાં મિકેનીકલ એન્જિનીયરીંગ કરું છું. એવેરેજ રેન્કિંગ સ્ટુડન્ટ છું એટલે મારા પેરેન્ટ્સની ઉમ્મીદ છે કે ઉચ્ચ-ટકાવારીથી પાસ થઇ કોઈક સારી અને મોટી કંપનીમાં જોબ લઇ સેટ થઇ જાઉં. પણ ઘરની હાલની નાજુક પરિસ્થિતિ જોઈને ઘણી વાર થાય છે કે ભણતા ભણતા પણ કમાણી થઇ શકે તો પપ્પાને આર્થિક રીતે થોડી રાહત થાય. મુર્તઝાભાઈ, નેટ વેપારના બ્લોગ પર અમને ઘણી જરૂરી માહિતીઓ મળે છે. તો આજે સ્પેસિફિકલી મને એ જણાવશો કે…અમારા જેવા સ્ટુડન્ટને ભણતરની સાથે ઈંટરનેટ પર કોઈ કમાણી કરવા લાયક કામ કરવું હોય તો કેમ થઇ શકે? – (ઑન્ટ્રપ્રનર સ્પિરીટ ધરાવતો અમિષ )

~=~=~=~=~=~=~=~=~=~=~=~=~=~=~=~=

દોસ્તો, અમિષનો જવાબ હમણાં આપી શકું પણ મારા બ્લોગ-શબ્દોની મર્યાદાથી વધી જાય છે….થોડો લાંબો થઇ જાય છે એટલા માટે આ પોસ્ટના ‘પબ્લિશ’ બટન દબાવ્યાના બરોબર ૩૦ કલાક પછી વિગતો મળી શકશે.

ત્યાં સુધી…મને જે વિદ્યાર્થી દોસ્તો છે, તેમના મનમાં ઇન્ટરનેટના સારા ઉપયોગ કરવા માટેના કેવા તરેહના સવાલો થઇ રહ્યા છે તેની મૂંઝવણ જાણવી છે. મને તો એની ભુખ જાગી છે. બોલો, કોણ કોણ જણાવી શકે?

જેમને કોમેન્ટ બોક્સમાં લખવાની શરમ આવતી હોય તેઓ મને મારા આ ઈ-મેઈલ પર પૂછી શકે છે.

પણ જસ્ટ અ મિનીટ….આજે મને સર‘પંચ’ ને બદલે ‘સ્ટુડન્ટ’પંચ આપીને જવું છે…..અલ્યા ભ’ઈ કોરા હાથે એમ કેમ જવાય લા!

તો ખુંદી વળો આ સાઈટ પર: http://www.meracareerguide.com/

ભારતીય રંગોથી રંગાયેલી આ સાઈટ જાણે એક દોસ્ત જેવી છે….ગમી જાય એવા ગાઈડ જેવી છે…એક કૂલ કાઉન્સેલર જેવી છે. આંયા પર વઢારામાં થોરું સમજ્જો ની!….કેમકે એહમાં વઢારે કોશિશ કરસો તો પાછા માહીટી થી વઢેરાઈ જાહ્સો. આપરે હજુ ઘન્નું આગલ જવું ચ્છ!

અપડેટ્સ: ૩૦ કલાક બાદ આ લેખનું અનુસંધાન નવી પોસ્ટ તરીકે આવી ગયું છે.

વેપાર વાઇરસ:: મેઇડ ‘આઉટ’ ચાઈના ટાઉન !

એનું નામ આદમ હન્ફ્રી. વેકેશનમાં તેને ફરવા માટે ચાઈના જવું હતું. એટલે ફોર્મમાં આવીને તે ઇન્ટરનેટ પર ચાઈનીઝ કોન્સ્યુલેટની વેબસાઈટ પર લાંઆઆઆઆમ્બુ-લચક વિઝા-ફોર્મ ભરવા લાગી ગયો. હિસ્ટ્રી-જ્યોગ્રાફિ અને સિવિક્સના મરી-મસાલાથી ભરપુર એવા આ ફોર્મ ભરવામાં જ તેને ખાસ્સો એવો સમય કાઢવો પડ્યો. કહેવાય છે કે ભણવા માટે ચીન પણ જવું પડે તો જાઓ. પણ અહીંયા તો ભણી-ગણીને જવું પડે એવી હાલત થઇ ગઈ.

ખૈર, ઓનલાઈન ફોર્મ ભરી પ્રિન્ટ-આઉટ લઇ બીજા જરૂરી એવા ડોક્યુમેન્ટ્સ લઇ આદમ હમ્ફ્રી ન્યુયોર્કની ચાઈનીઝ કોન્સ્યુલેટમાં વિઝા એપ્લાય કરવા માટે આવી ગયો. પણ ત્યાં પહોંચ્યા એને બાદ ખબર પડી કે વિઝા-એપ્લીકેશનનું ફોર્મ તો સાવ બદલાઈ જ ગયું છે. જે ફોર્મ ઓનલાઈન ભરવાનું હતું તે બીજું જ હતું……ભેંસ ગઈ હડસન નદીમાં !

શાંત ચિત્ વાળા આદમભાઈને ગાંધીગીરી કરવાનો પહેલો મોકો મળ્યો.

“સર ! આપ મને નવા ફોર્મ માટે મદદ કરી શકશો?

“ના, નહિ કરી શકીએ.”

“સર ! આપની પાસે બીજું પ્રિન્ટેડ ફોર્મ મળશે?”

“ના, નહીં મળે.”

“સર ! નજીકમાં કોઈ સાયબર કેફે છે?”

“હા ! છે. બર્ગર-કિંગમાં”

ખોરા આદમી જેવા એમ્બેસીના ઓફિસરોને તો અસહકારનું આંદોલન કરવું હતું એટલે આદમભાઈને મોકલી આપ્યો નજીકમાં આવેલા બર્ગર-કિંગ ફાસ્ટ-ફૂડની અંદર રહેલા સાયબર કેફેમાં. જ્યાં જઈ તેને બીજું એક નવું ફોર્મ ભરવાની નવેસરથી શરૂઆત કરવાની હતી.

આદમભાઈ આવી પહોંચ્યા એ કેફેમાં જ્યાં તેના જેવા બીજા ઘણાં ફસાઈ ગયેલા ‘આદમી’ ઓ દેખાયા. એ સૌ ત્યાંના કોમ્પ્યુટર પર ફોર્મ ભરવામાં મશગૂલ હતા. હજુયે શાંત ચિત્તની અસર હેઠળ રહેલા આદમને ત્યાં મગજમાં એક ચમકારો થયો. માથા પર ચમકેલા એ બલ્બમાંથી તેના દોસ્ત સ્ટિવન નેલ્સનનો નંબર દેખાયો.

“સ્ટિવ, એક જોરદાર આઈડિયા આવ્યો છે. તારી મદદની સખ્ત જરૂર છે. બસ અમલ કરવો છે માટે એક મોટી પેન્સકી-વાન ભાડે જોઈએ છે. આ ચીનાઓની કોન્સ્યુલેટ બહાર લઈને આવી જા.” –

સમજો કે ગાંધીગીરીનો હવે આ બીજો એક મોકો હતો.

સ્ટિવે તો આદમની આ વાત પર બીજી ઘડીએ સહકાર નોધાવી દીધો. ને પછી કોઈ સર્ચ- રિસર્ચ- બિઝનેસ મોડેલ પર બહુ લાંબી ચર્ચા કર્યા વગર…કોઈ પણ પ્રકારની બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી લીધા વિના કે પછી કોઈ પણ માસ-મોટું રોકાણ કર્યા વગર…બે દિવસ બાદ શરુ થઇ ગયો મોબાઈલ વિસા કન્સલ્ટન્સી બિઝનેસ.

એક લેપટોપ, એક પ્રિન્ટર, બે-ત્રણ ખુરશીઓ, એક અલગ તરી આવે એવો બ્લ્યુ ગણવેશ ધારણ કરી અને ૧૦ ડોલરની ફીમાં આદમે ઓનલાઈન ફોર્મ ભરી આપવાનો આ નાનકડો ‘બિઝનેસ’ હજુ સાડા ૩ મહિના પહેલા જ શરુ કર્યો છે. ઓફ કોર્સ કમાણીની મધ્યમ શરૂઆત તો થઇ જ ચુકી છે અને સર્વિસની સુવાસ ફેલાવા પણ ફેલાવા લાગી છે. ગ્રાહકો વધવા લાગ્યા છે એટલે ફી પણ ૨૦ ડોલર વધારી દીધી છે. પછી તો તેના દોસ્ત નેલ્સનની મદદ સાથે-સાથે એક ચીની-મીની દોસ્ત પણ જોડાઈ ગઈ છે. જે ચાઈનીઝ ભાષાની અનુવાદક છે.

Adam's-Visa-Consultancy-Service

આ ત્રણેઉ ભેગા મળી દિવસના આશરે ૫૦૦ ડોલર્સની કમાણી વાનમાં બેઠાં બેઠાં કરી લ્યે છે. વેપારના તેમના આ ધર્મમાં જો કોઈ બૌદ્ધ સાધુ ગ્રાહક તરીકે આવે છે તો તેને ૫ ડોલરનું ડિસ્કાઉન્ટ પણ આપી દે છે… એમ માનીને કે તેમના થકી થોડું હજુ વધુ સારુ ‘સદ્કર્મ’ થઇ શકે!…!

દોસ્તો, એ તો શક્ય છે જ કે દુનિયામાં આવા તો દરરોજ અગણિત કેટલાંય આદમો જન્મતા હશે ! એવી ઘણી કથાઓ છે…વ્યથાઓ છે. જેમાં કેટલાંક પોતાની જાતે ઉઠતાં હશે ને બાકીના પર‘પોટા’ની જેમ ફૂટતાં હશે. આ તો જેનું ‘ફોર્મ’ લાંબુ હોય છે તેની ચર્ચા થાય છે.

તમારી કે તમારી જાણમાં હોય એવી વ્યથા છે જેની કથા થઇ શકે?       

“તકલીફમાંથી તકને જે લીફ્ટ કરી જાણે એ ખરો ‘આદમી’.”

– મુર્તઝાચાર્ય 🙂

સર‘પંચ’

બિના મચાયે શોર…ચોરી કર જાયે ચોર…

ડાયલોગ્સ વગરની CCTV માં ઝડપાયેલી (કે બનાવાયેલી) એક હટકે એડવર્ટાઈઝમેન્ટ જોવી હોય તો જોઈ લ્યો….પછી કશુંયે બોલવું ‘ની’ પડે ને પાછી જોવા મજબૂર કરી દેશે એની ગેરેંટી….જી!

દોસ્તો, તમારા કોઈ એવા સ્વજન છે જેમને આ બ્લોગ-પોસ્ટ મદદરૂપ થઇ શકે?-