- “મુર્તઝાભાઈ, ઓનલાઈન કામ કરવા માટે કોઈ આઈડિયા આપો ને?”
- “સાહેબ, ઇન્ટરનેટ પરથી ઘરે બેઠા ડેટા-એન્ટ્રીનું કોઈ જેન્યુઈન કામ મળી શકે?- રીટાયર્ડ થયા પછી કામો મેળવવાના લોભમાં છેતરાઈ આ પહેલા મેં ઘણાં રૂપિયા ખોયા છે.”
- “ભાઈ, મારા જેવી ગ્રેજ્યુએટ ગૃહિણીને નવરાશના સમયે કોમ્પ્યુટર પરથી નેટ દ્વારા શું કામ મળી શકે?”
દોસ્તો, નેટ વેપારના બ્લોગ પર અવારનવાર આપ વાંચકો તરફથી મને આવા ઘણાં કેરિયર અને કામકાજને લગતાં પ્રશ્નો મળતા રહે છે. સંજોગો સંભાળવાને લીધે પૂછનારને ટૂંકમાં સીધો જવાબ મેઈલ દ્વારા આપી દઉં છું.
પણ પછી મને સવાલ થાય છે કે…
- ઇન્ટરનેટ પર કામ કરવા માટે શું ‘ડેટા-એન્ટ્રી’ જ માત્ર એક વિકલ્પ છે?
- નિવૃત્તો માટે ફકત તેને શીખવાનું જ કામ હોય છે?
- ગૃહિણીઓ માટે નેટ માત્ર નવરાશનો સમય કાઢવા માટે જ હોય છે?
જોકે બ્લોગની શરૂઆતથી ‘છોટી-છોટી’ ભૂખને કઈ રીતે જગાડવી તેની માહિતીઓ વારંવાર આર્ટિકલ્સ દ્વારા આપી ચુક્યો છું. (કેટલાંક લેખોમાં એવી છુપી માહિતીઓ પણ દર્શાવી છે. જે શાણા છે તે લઇ ગયા છે. Catch me if you can!)
ખૈર, વાતમાં સરળતા રહે એ હેતુથી એવા બીજાં ઘણા સવાલોમાંથી મુખ્ય પ્રશ્નને લઇ એક વિદ્યાર્થી, એક ગૃહિણી અને એક નિવૃત નોકરીયાતના ૩ કેસ રજુ કરવાની શરૂઆત કરું છું. અલબત્ત સમયાંતરે એ ત્રણે વિશે જણાવીશ. ભાઈ રે! આપણા લખાણ-વાંચનનું પણ કેટલું જોર?
પોતાને ગમતો કોળિયો મેળવવા નાનકડા બચ્ચાંલોકથી લઇ (હજુયે જુવાન માનતા હોય એવા) બુઢાલોક કે કોઈ બાકાત રહી ના જાય એવા લોક માટે… નેટના પ્લેટફોર્મ પર ‘ફોર્મ’ મેળવવા અઢળક તકોની ભરમાર વર્ષોથી થતી આવી રહી છે. પ્લાઝ્માથી લઇ પિન, પિયાનો, પ્લેન અને પ્લેનેટોરિયમ પણ વેચી શકાય એવા દરવાજાંઓ ખુલ્યા છે.
લાખોના પેઈજીસ, કરોડોની ઇન્ફોર્મેશન અને અબજોનું જ્ઞાન વહેતું કરતો હોવા છતાં આ ઇન્ટરનેટ નામનો ‘નેટવર’ પોતાને હજુયે નાનકડો કહી તેની વિશાળતા સંતાડી આપણને સૌને વારંવાર એક જ સવાલ કરતો રહે છે કે “હુકમ મારા આકા!….તમે ક્યાં પાડો છો વાંકા…..બોલો તમને શેની ભૂખ છે?”
આપણને સૌને ‘અબજ’ સવાલો ઉદભવતા રહેશે અને તેના ‘ગબજ’ જવાબો પણ મળતા રહેશે. અહીં કોશિશ એ જ કરી છે કે…પાછલાં વર્ષોમાં કેટલાંક અનુભવોને આધારે જે કાંઈ થોડું મેળવ્યું છે તે વહેંચી શકું. આપ લોકોને જે મળશે તે માહિતી હશે. તેને એપ્લાય કરી આપ જે અનુભવ મેળવશો તે આપનું જ્ઞાન….એટલે લેનારે જાતે જ નક્કી કરવું પડશે કે….મામાનું ઘર કેટલે?
શરૂઆત કરીએ અમિષથી…
“સર! હાલમાં મિકેનીકલ એન્જિનીયરીંગ કરું છું. એવેરેજ રેન્કિંગ સ્ટુડન્ટ છું એટલે મારા પેરેન્ટ્સની ઉમ્મીદ છે કે ઉચ્ચ-ટકાવારીથી પાસ થઇ કોઈક સારી અને મોટી કંપનીમાં જોબ લઇ સેટ થઇ જાઉં. પણ ઘરની હાલની નાજુક પરિસ્થિતિ જોઈને ઘણી વાર થાય છે કે ભણતા ભણતા પણ કમાણી થઇ શકે તો પપ્પાને આર્થિક રીતે થોડી રાહત થાય. મુર્તઝાભાઈ, નેટ વેપારના બ્લોગ પર અમને ઘણી જરૂરી માહિતીઓ મળે છે. તો આજે સ્પેસિફિકલી મને એ જણાવશો કે…અમારા જેવા સ્ટુડન્ટને ભણતરની સાથે ઈંટરનેટ પર કોઈ કમાણી કરવા લાયક કામ કરવું હોય તો કેમ થઇ શકે?” – (ઑન્ટ્રપ્રનર સ્પિરીટ ધરાવતો અમિષ )
~=~=~=~=~=~=~=~=~=~=~=~=~=~=~=~=
દોસ્તો, અમિષનો જવાબ હમણાં આપી શકું પણ મારા બ્લોગ-શબ્દોની મર્યાદાથી વધી જાય છે….થોડો લાંબો થઇ જાય છે એટલા માટે આ પોસ્ટના ‘પબ્લિશ’ બટન દબાવ્યાના બરોબર ૩૦ કલાક પછી વિગતો મળી શકશે.
ત્યાં સુધી…મને જે વિદ્યાર્થી દોસ્તો છે, તેમના મનમાં ઇન્ટરનેટના સારા ઉપયોગ કરવા માટેના કેવા તરેહના સવાલો થઇ રહ્યા છે તેની મૂંઝવણ જાણવી છે. મને તો એની ભુખ જાગી છે. બોલો, કોણ કોણ જણાવી શકે?
જેમને કોમેન્ટ બોક્સમાં લખવાની શરમ આવતી હોય તેઓ મને મારા આ ઈ-મેઈલ પર પૂછી શકે છે.
પણ જસ્ટ અ મિનીટ….આજે મને સર‘પંચ’ ને બદલે ‘સ્ટુડન્ટ’પંચ આપીને જવું છે…..અલ્યા ભ’ઈ કોરા હાથે એમ કેમ જવાય લા!
તો ખુંદી વળો આ સાઈટ પર: http://www.meracareerguide.com/
ભારતીય રંગોથી રંગાયેલી આ સાઈટ જાણે એક દોસ્ત જેવી છે….ગમી જાય એવા ગાઈડ જેવી છે…એક કૂલ કાઉન્સેલર જેવી છે. આંયા પર વઢારામાં થોરું સમજ્જો ની!….કેમકે એહમાં વઢારે કોશિશ કરસો તો પાછા માહીટી થી વઢેરાઈ જાહ્સો. આપરે હજુ ઘન્નું આગલ જવું ચ્છ!
અપડેટ્સ: ૩૦ કલાક બાદ આ લેખનું અનુસંધાન નવી પોસ્ટ તરીકે આવી ગયું છે.