જુઓ ઈન્ટરનેટ કમાણી… જાણો ક્યાં ક્યાં છે સમાણી?

Earning_opportunities_on_the_Net

લોકો સૌ કેહ’ છેકે ઈન્ટરનેટ પર બહુ કમાણી,

જુઓ ઈન્ટરનેટ કમાણી, જાણો ક્યાં ક્યાં છે સમાણી?

જેમ અહીં ના સુકાય ડીજીટલ નેટ-દરિયાનું પાણી,
ત્યારે જોજો ના ગુમાય તકની વહેતી રે’તી લ્હાણી….

જુઓ ઈન્ટરનેટ કમાણી, જાણો ક્યાં ક્યાં છે સમાણી?

કન્ટેન્ટસની રમઝટ માટે હાજર છે ટ્વિટર-ઈ-મેઈલ,
પછી કોણ જોવા બેઠું છે તમને મેલ હોવ કે ફિમેઈલ,
ઇકડમ-તિકડમ ભાષામાં પણ ઠપકારો સંતવાણી…

જુઓ ઈન્ટરનેટ કમાણી, જાણો ક્યાં ક્યાં છે સમાણી?

પ્રોડક્ટ-સર્વિસને ફેલાવવા માટે છે ઉત્તમ બ્લોગ,
કેરિયરને પણ વિકસાવવા થઇ જાઓ એમાં લોગ,
વિચાર-વિઝનથી લોકો સાથે કરતા રહો ઉજાણી…

જુઓ ઈન્ટરનેટ કમાણી, જાણો ક્યાં ક્યાં છે સમાણી?

સમાઈ રહ્યું છે આખુ બ્રહ્માંડ સ્માર્ટ-ફોનની અંદર,
રચો તમારા બાહુથી એમાં ‘એપ્સ’બજારનું બંદર,
નેટગુરુ’ઓ કહી રહ્યાં છે આ એક વાત બહુ શાણી…

જુઓ ઈન્ટરનેટ કમાણી, જાણો ક્યાં ક્યાં છે સમાણી?

સર્ચ-એન્જિનનો સરતાજ એવો મહારાજ છે ગૂગલ,
ને સોશિયલ-મીડિયાની હુકૂમત કરે ફેસબુક મુઘલ,
સમજીને ઉપયોગ કરશું તો થતાં રહેશે ચા-પાણી…

જુઓ ઈન્ટરનેટ કમાણી, જાણો ક્યાં ક્યાં છે સમાણી?

જ્યાં માહિતીઓનો ધોધ વહે, ને આઈડિયા બને છે માતા,
જેમાં પેશન હોય તે પ્રાણ નીચોવે પિતા,બહેન કે ભ્રાતા,
જ્યાં ચોવીસો કલાક ફૂટતી રહેતી અખૂટ જ્ઞાન-સરવાણી….

જુઓ ઈન્ટરનેટ કમાણી, જાણો ક્યાં ક્યાં છે સમાણી?

વર્ચ્યુઅલ વર્લ્ડની સૌથી મોટી કોમ છે આ ‘ડોટ’કોમ,
ખુલ્લી આંખે ‘દોટ’ મુકજો ઓ’ ડીક, હેરી ને ટોમ,
સાંકળ-વિશ્વમાં પ્યાસાને પીવડાવજો પ્રેમનું પાણી…

જુઓ ઈન્ટરનેટ કમાણી, જાણો ક્યાં ક્યાં છે સમાણી?

|| મુર્તઝાચાર્ય ||

અંદરતો વર્ચ્યુંઅલી આ આચાર્ય હાજર હોવા છતાં કથાઓ મેં કરી નથી…ને કાયમી ધોરણે વિદ્યાર્થી બની રહેવું ગમતું હોવાથી બોરિંગ કાવ્યો રચ્યા નથી. પણ બ્લોગ દ્વારા વેપારની હાટડી જમાવવાના શોખમાં ને શોખમાં આજે ક્યાંથી અને કઈ રીતે આ કથા-કાવ્ય  કરવાની પ્રથા આજે આમ અચાનક બંધાઈ એનો મને ખુદને ખ્યાલ ન આવ્યો.

થયું એવું કે અત્યાર સુધી સાડા સાત વાર સાંભળી ચુકેલુ ‘સંતુ રંગીલી’નું મુંબઇ પરનું સુપ્રસિદ્ધ ગુજ્જુ ગીત “મુંબઈની કમાણી..મુંબઈમાં સમાણી” ને આજે બાકી રહેલા અડધા ગીતને આઠમી વાર પૂરું કરવા માટે સાંભળવા બેઠો. ને ત્યાં જ અચાનક એમાં આવતો ‘ધંધે’ શબ્દ કાને અથડાયો.

બસ વેપારની વાત ત્યાંથી જ શરુ થઇ ગઈ. ને મુંબઈના એ ગીતને ઈન્ટરનેટ પરના વેપારની ભાષામાં મરોડવા માટે મુકાઈ ગયો હાથ કી-બોર્ડ પર…એટલે આજે ‘આર્ટિકલ’ની આરતી ઉતારવાને બદલે વેપારીક ગીત-કથા થઇ ગઈ છે. હવે એમાં શબ્દોની બોર ખોદાઈ છે કે વાતાવરણ ‘ટદ્દન બોઓઓરર્રરીંગ’ થયું છે એ તો ખોદાયજી જાને….

પણ આજે ‘ઘન્નામાં થોરું’ કહેવા માટે આપ સૌનું શું કહેવું છે?

હવે દોસ્તો, અસલ ગીત પણ સાંભળી લેવું છે?..લ્યો ત્યારે આવી જાવ અહીં માવજીભાઈને ત્યાં..મુંબઈમાં…