તમારો ભાવ કેટલો?…તમે (વ)ધારો એટલો?!?!?…

violin

૧૨મી જાન્યુઆરી ૨૦૦૭નો એ દિવસ.

અમેરીકાના વોશિંગટન (ડી.સી.) શહેરના ઇન્ફ્ન્ત-પ્લાઝા સબ-વે મેટ્રો સ્ટેશનના મુખ્ય દરવાજાની પાસે બેઝ-બોલ ટોપી પહેરી, હાથમાં વાયોલિન લઇ એક જુવાન ત્યાં સૂરીલી અને મશહૂર ધૂન વગાડવા માટે ઉભો રહી ગયો. અલબત્ત…પીક અવર્સ હોવાથી સૌ પોતપોતાની ધૂનમાં મશગૂલ હોય એ દેખીતું હતું. ત્યારે આ આખી ઘટનાનું છુપા કેમેરા દ્વારા વિડીયો રીકોર્ડીંગ થઇ રહ્યું હતું. હવે તમે એને કોમેડી ગણો કે ટ્રેજેડી એ તો આખી વાત જાણ્યા પછી નક્કી થાય. ૪૫ મિનીટમાં થયેલા આ બનાવ દરમિયાન….

  • ૧૦૯૭ લોકો ત્યાંથી પસાર થયા.
  • ૨૭ જણા ધૂનને અવગણી ફક્ત  તેની પાસે ટીપ્સ મૂકી ચાલતા થયા. જેની આવક થઇ હતી ૩૨.૧૭ ડોલર.
  • ૭ જણા થોડીવાર માટે એની ધૂન સાંભળવા ઉભા રહ્યાં.
  • ૧ વ્યક્તિ એ જુવાનને ઓળખી ગઇ…

આ એ જ વાયોલિન-વાદક જુવાન હતો જે હજુ ૩ દિવસ પહેલાં એ જ ધૂન બોસ્ટન શહેરમાં પોતાના  ૩૦ લાખ ડોલર ની કિંમતના  વાયોલિન (Yes! 3 Million Dollars) પર વગાડી ચુક્યો હતો…. જેમાં હજારો શ્રોતાઓએ તે માટે સામાન્ય સીટના પણ ૧૦૦ ડોલર આપ્યા હોય ત્યારે તેની વી.આઈ.પી સીટ માટે શું ભાવ હોય તે વાત પૂછવાની હોય?

એ હતો (અને હજુયે હયાત છે…દોસ્તો) અમેરિકાનો વાયોલિન  માટે બ્રાન્ડેડ થયેલો મશહૂર ગ્રેમી એવોર્ડ વિજેતા  ‘જોશુઆ બેલ‘.

એક ઉભી વાત: આ આખો ખેલ વોશિંગટન પોસ્ટ નામના દૈનિક માટે લખતા જેઇન વિનગાર્ટન નામના એક પત્રકારે રચ્યો. એ જોવા માટે  કે…ખરા માણસની વેલ્યુ (કિંમત) શું છે?- એનો ભાવ ક્યા ચડે છે..ક્યાં અડે છે અને ક્યાં પડે છે?  બસ. ફકત એટલું કરવા અને પછી આ આખી ઘટનાનું વિશ્લેષણ લખવા માટે તેને પુલિત્ઝર પ્રાઈઝ મળી ગયું.

ખૈર, હમણાં આપણે એ ખરા ઉતરેલા વિશ્લેષણને બાજુ પર મૂકી સવાલ કરીએ કે આવું કેમ?!?!?!

એક જ વ્યક્તિ…એ જ વાયોલિન…એ જ ટયુન, તો પણ એક બાજુ હજારો..હજારો ડોલર્સ ને બીજી બાજુ માત્ર ૩૨ ડોલર??? આટલો બધો તફાવત?… યહ ક્યા હુવા?..કયું હુવા..કૈસે હુવા?

જાણવું છે એની પાછળનો એક ફેક્ટર? જે હવે દિવસે દિવસે ઈન્ટરનેટ પર તો ઘણો જરૂરી અને ખાસ ઉપયોગી બની રહ્યો છે.

પણ એક સીધી વાત: આ ફેક્ટર ફક્ત એવા જ લોકો માટે જ છે જેમને કાંઈક વિકાસ કરવો છે…જેમને ખુદની ‘ધૂન’થી પોતના ક્ષેત્રમાં ધૂમ મચાવવી છે…

શું તમે એવા લોકોમાંથી છો?…તો પછી એ ફેક્ટરને સમજવા ‘ધૂની ધખાવવા’ આવતી કાલે પાછા અહિયાં આવી જજો..

શું તમે એવા લોકોમાંથી નથી?….તો પછી તમારે ત્યાંજ જવું પડશે જ્યાં બીજાની ‘ધૂનો’ ચોરીને પોતાની પીપૂડી વગાડવામાં આવે છે…એટલા તો આપ સમજદાર છો જ ને..બંધુ!

સૂર‘પંચ’:

ઉપર થયેલી સૂરીલી ઘટનાનો પૂરાવો જોઈએ છે?- તો ચાલો જોઈ જ લઈએ…એ ‘બેલ’ મુજે બતા દે!