વેપાર વાર્તા-વિચાર: ભાગ-3 | રજના ગજમાંથી રોકડી કરવી એનું નામ ‘ધી’રજ

ધીરજ આપણાં કુટુંબ સાથે રાખવી તે…પ્રેમ છે.

ધીરજ આપણાં દોસ્તો અને કાર્યકરો સાથે રાખવી તે…માન છે.

ધીરજ આપણી જાત સાથે રાખવી તે…આત્મવિશ્વાસ છે.

ધીરજ આપણા ઇષ્ટદેવ સાથે રાખવી તે…શ્રધ્ધા છે.

ધીરજ બંધુ મુર્તઝાચાર્ય

ચાલો પાછા આવી જઈએ નોહા સેન્ટ જોહન્સના વાંસના વિકસી અને હજુયે વકાસી રહેલા ગઈકાલના સવાલ પર….

વર્ટિકલ સવાલ: તો શું પછી ભાગતા-ભગાવતા-ભોગવાતા હરીફાઈના આ જમાનામાં અચિવમેન્ટ મેળવવા માટે વાંસના દાંડાને ઊગવા માટે લાંબી વાટ જોઈ ધીરજ રાખવી શું જરૂરી છે?

હોરીઝોન્ટલ જવાબ: રીડરભાઈઓ-બહેનો!….નીડરભાઈઓ-બહેનો! પાંચ વર્ષે વાંસનો પાક પેદા કરવો એ તો કુદરતની પોતાની ‘પાકી’ ઘડાયેલી સિસ્ટમ (નેટવર્ક) છે. એ સિસ્ટમને સમજી જ્યાં બંધ બેસે તે જ વાતાવરણ માટે તેને અનુરૂપ રાખી વિકસવા દેવું આપણું કામ છે. શું જરૂરી છે કે પાક હંમેશા વાંસનો જ નાખવામાં આવે?- કુદરતે દુનિયામાં દરેક પાકને પોતાનું એક અલગપણું આપ્યું છે. સમયના કોડથી આ બધાંને તેની રચના મુજબ ગોઠવવામાં આવ્યા છે.

જેમને ‘પાંચ-દસ સાલ તક ઇન્તેઝાર’ કરવાનો શોખ જ છે…તેમને એવી સહનશક્તિ પણ મળેલી છે. એમને વાતાવરણ-જમીન-તન-મન પણ એવું જ આપવામાં આવ્યું હોય છે. હવે વેપારના સંદર્ભમાં વાંસના આવા સહનશીલ ‘દર્ભ’ને પકડી રાખી વિકાસ કરવાની ઈચ્છા કરવી નરી મૂર્ખામી છે. આજે જરૂરીયાત જેટલી બને તેટલી જલ્દી સમજી તેમાંથી ‘રોકડી’ કરવાનો છે. ગઈકાલે અપાયેલા સુપર-વેપારીઓના ઉદાહરણોમાં હજારપતિથી લખપતિ અને લખપતિથી કરોડોપતિનું ટ્રાન્સફોર્મેશન માત્ર અમૂક મહિનાઓના અંતરાલે થયું છે. પછી આપણને એમ જ લાગશે ને કે ‘એમનો બાવો બાર વર્ષે બોલ્યો’. પણ કક્કાવારી દિવસોમાં શીખવામાં આવી હતી તેનું શું?

ન સમજણ પડી?….બમ્પર ગયું ને?….તો ઉપરના બંને ફકરા ફરીથી વાંચી જશો.

ઉભેલો કે આવનાર ગ્રાહકને શું જોઈએ છે?– એ ડિમાંડ બને તેટલી જલ્દી પૂરી કરી રોકડાં કરી લેવાનો છે. હવે લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે પહેલાથી મોઢું ધોઈ તૈયાર રહી ‘રીફેશ’ રહેવું મહત્વનું છે. એટલેજ આપણા શાણા ખેડૂતો પણ જમીનનું મૂલ્ય સમજી રોકડીયા પાકથી વધારે લ્હાણી કરતાં હોય છે. (અખિલભાઈ, બરોબર કીધું ને?)

નોહાસાહેબની પહેલા ‘નો’ કહેવાયેલી ને પછીથી આ રીતે ‘હોહા’ થયેલી વાતનો સાબિત મુદ્દો આ જ છે. તમને કયો પાક ‘રોકડીયો’ બનાવવો છે?- ઈન્ટરનેટ પર તમને લગતી કજીયાહીન જર, જમીન અને જોરુ બધુંયે ઉપલબ્ધ છે. ત્યારે હવે તમને શરૂઆત આજે કઈ રીતે કરવી છે યા પછી હજુયે પંચ-વર્ષિય યોજનામાં જ પડ્યા રહેવું છે?  

હે પ્રભુ! મને ધીરજ ધરવાની તાકાત આપજે…પણ એમાંય જરા જલ્દી કરજે હોં!

સુપર-માર્કેટ‘પંચ’

સ્કેન કરો…શોપિંગ કરો. (હાલમાં તો) અદભૂત લાગતો પણ ઘણાં જલ્દીથી સામાન્ય હકીકત બનવા જઈ રહેલો સુપરમાર્કેટનો આ કોન્સેપ્ટ મોબાઈલ-આંગણે આવી જ ગયો સમજો. જે પસંદ હોય તેને ત્યાં ને ત્યાંજ ખરીદી કરી ઘરે ડિલીવરી લેવાનો એટ-લિસ્ટ આ આઈડિયા પાંચ વર્ષની અંદર ભારતમાં જોઈએ કોણ લઇ આવશે?

વેપાર વાર્તા-વિચાર: તાજા વાંસની [વાસી થઇ ગયેલી] વાર્તા……વેપારના સંદર્ભમાં.

Bamboo_Trees

આપણે સૌએ કોઈકને કોઈક રીતે સેલ્ફ-અથવા બિઝનેસ ડેવેલોપમેંટને લગતા પ્રોગ્રામ કે સેમિનારમાં હાજરી આપી હશે, ખરુને? મન માટે મોટિવેશન અને પ્રોડકટીવીટી માટે પ્રેરણાત્મક બનતા આવા પ્રોગ્રામ્સ મગજના વિકાસમાં વેક્યૂમ-ક્લિનર જેવું કામ કરે છે. વખતોવખત નકારાત્મક પરિબળોની ધૂળ સાફ થતી રહે છે. વિચારો અપડેટ્સ થતાં રહે છે.  

પણ સામાન્યત: આવા સેમિનારમાં દિમાગ પર બમ્બુ વાગે તેવું એક બોરિંગ ઉદાહરણ ખાસ જોવા મળે છે. વાંસનું. બામ્બુનું

 “મિત્રો, તમને ખબર છે?…વાંસને પકવતા પાંચ વર્ષ લાગે છે. બી વાવ્યા પછી પાંચ વર્ષ સુધી ધીરજ ધરી, શાંતિ રાખી વાંસને ઉગવા દેવામાં આવે ત્યારે વખત આવ્યે લાંબે ગાળે ઉંચે ઉગી આ પાક સુપર કમાણી કરાવી આપે છે. આપણા સ્વ-વિકાસનું કે વેપાર-વિકાસનું પણ કાંઇક એવુંજ છે. સમયને સમજી જરૂરી જગ્યાએ રોકાણ કરવામાં આવે ત્યારે મોટો લાભ થાય છે. માટે મનુષ્ય-માત્ર માટે જરૂરી છે કે ધીરજ ધરી સહનશીલતા રાખી રાહ જુએ. તેમાંજ તમારી કર્મશીલતા છે. ટૂંકમાં, ‘થોભો, સમજો, રાહ જુઓ અને આગળ વધો’ની નીતિ આપનાવી જીવનલક્ષી વિકાસ સાધવો જોઈએ. તમારા આત્માને પર પરમ-શાંતિનો અનુભવ કરાવવો હોય ત્યારે ધીરજ ધરી મનને, સમયને આધીન રહી કર્મ કરતા જઈ ફળ મેળવવું એ સુખી મનુષ્યનું સુંદર લક્ષણ છે ”

આઆઆઆઅહ્હ્!….ભક્ત વાંચકો! આટલું શુદ્ધ વાંચવાની પણ ધીરજ રાખી આપ બેશુદ્ધ ન થયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર!

સાવ બોર્ર્ર્રર્ર્રિંગ…ખોટી વાત…ખોટી સમજણ.

ઓહઉફફફ!…ઝટકો લાગ્યોને?- આટલાં સેમિનારમાં શીખીને આવેલી આવી સરસ મજાની વાત વર્ષો પછી જ્યારે પાછી યાદ આવે ત્યારે તે વખતે શીખેલા જ્ઞાનની ભેંસ પાણીમાં બેસી ગયેલી દેખાય એ દેખીતું છે. પણ આ વાત આ બંદાની નથી. એટલેજ આટલું ખુલ્લું કહેવાની આ પાર્ટીએ હિંમત કરી છે. આ વિરોધી વાક્ય તો ઈન્ટરનેટના જમાનામાં ઉલટું સાબિત કરી વાંસની વાતને રીફ્રેશ કરનાર મારા બીજા એક લેખ-ગુરુ શ્રીમાન નોહા સેન્ટ જોહન્સનું છે.

ઓફકોર્સ, મને આજે આ લેખ-ગુરુના પ્રબળ શુક્રની વાત નથી કરવી પણ તેના આ ‘ધીરજ’, ‘સબ્ર’ કે ‘સબર’ કે ‘સહનશીલતા’ની ચમકીલી વાત કરવી છે. ગામ આખું જ્યારે ‘પડ્યું પાનું નિભાવવાની’ એકજ વાત કરતુ હોય ત્યારે આ પડેલા ‘પાના’ને ખોલવાની હિંમત માટે આ સબરના સાબરને કેટલો કંટ્રોલમાં રાખવો ને કેટલો જોર કરી દોડાવવો એવી સમજણ આપી નોહા સેન્ટ જોહન્સે સાચે સાવ જ અલગ કામ કર્યું છે. એટલે જ મારા બ્લોગ માટે આવા સાવજની વાત કરવામાં મને પણ ઘણી ખુશી થાય છે.

તો બંધુઓ, ભગિનીઓ…..આ નોહાભાઈ વાંસની વાતને ઉલટી લટકાવી ‘વધુ પડતી ધીરજના ફળ ખાટ્ટા’ ના મુદ્દાને સીધો સાબિત કેમ કરશે એની ‘ટુ ધ પોઈન્ટ’ વાત બસ (ઓયે….પાંચ વર્ષે નહિં) આવતી કાલે જ (આ બીજા ભાગમાં)……

ત્યાં સુધી તમ તમારે આ સરપંચમાં ‘પતે કી બાત’ જોઈ જ લ્યો.

સરકાર્ડ‘પંચ’

ફેંકાફેંકી!  એય પાછી ધંધામાં કાર્ડ ફેંકીને?!?!?!?!?  દુનિયા આખી ” પૈસા ફેંક તમાશા દેખ” કહેતું હોય ત્યારે આ કોરિયન છોકરો ધમાલ કરીને બતાવી રહ્યો છે:

“કાર્ડ ફેંક ડાઇરેક્ટ, ….ઔર તમાશા દેખ ઇનડાઇરેક્ટ….સેમસંગ બ્રાન્ડકા!…….આને કહીશું કે દિલફેંક કાર્ડ-ફેંકુ

પ્રિ-વેપાર વ્યવસ્થા: કોમ્પ્યુટરથી નેટમાં કે નોટમાં ગુજરાતી લખવા માટે આ રહ્યાં કેટલાંક સરળ રસ્તાઓ…

Typing_Indic_Language

દોસ્તો, પાછલી પોસ્ટમાં મુકેલી પ્રશ્નપેટીમાં આવેલા કેટલાંક સવાલોના જવાબો તેની પ્રાયોરિટી મુજબ મળતાં જ જશે. એટલે શરૂઆત સામાન્ય પ્રશ્નથી કરું છું.

સવાલ: ઈન્ટરનેટ પર કે કોમ્પ્યુટરમાં ક્યાંક પણ ગુજરાતી લખવું હોય તો શું કરવુ?

જવાબ: ફક્ત ગુજરાતી જ નહિં પરંતુ દુનિયાની બીજી બહુપયોગી ૨3 ભાષાઓમાં પણ ફોનેટિક્સ સિસ્ટમ (જેમ બોલીએ તેમ લખવાની સુવિધા) થી મળી શકે છે. જેમાં માઈક્રોસોફ્ટ, ગૂગલ જેવાં ખાંટુઓ સાથે-સાથે આપણો ગુજ્જુ વિશાલભાઈ મોનપરાએ પણ પોતપોતાની રીતે બરોબરની ટક્કર ઝીલી લીધી છે. શક્ય છે બીજાં કેટલાંક દોસ્તોએ પણ પોતાની રીતે (ન સૂચવાયેલાં પ્રોગ્રામ્સ બનાવી) મહેનત કરી હશે. પણ આજે આ ૩ સરળ રસ્તાઓ (અને એય પાછા મફત) મુકીને ઘણાં દોસ્તોને દિલથી ગુજરાતી લખવા આમંત્રણ આપુ છું.

પ્રેક્ટીસ કર્યા બાદ આંખ બંધ કરીને પણ લખી શકાય એટલું સિમ્પલ સુવિધાજનક કોડ તૈયાર કરી તેની Transliteration Service દ્વારા ગૂગલે અને વિશાલભાઈ મોનપરાએ જલસા કરાવી દીધા છે. જો તમે ઈન્ટરનેટ ક્યાંયથી પણ વાપરતા હોવ અને ગુજરાતીમાં કાંઈ પણ લખવું હોય તો પહેલાં આ બે સાઈટ…

ખોલીને તેમાં તમારા ખુદના સંદેશાને શાબ્દિક સ્વરૂપ આપી દેજો. પછી કોઈ પણ મેઈલ-બોક્સમાં કે કોમેન્ટ-બોક્સમાં કૉપી-પેસ્ટ કરી દેજો. (આ બાબતે તો વિનયભાઈ પણ ઓબ્જેક્શન નહિ લઇ શકે ;-))

ગમતી બાબતો:

 • થોડી જ પ્રેક્ટિસ કર્યા બાદ (માખણમાં જેમ ગરમ છરી ઉતરે તેમ) ફટાફટ લખી શકાય છે.
 • ઓલ્ટરનેટ શબ્દોની પસંદગી મળી શકે છે. સીતા લખતા ગીતાની પસંદગી કરી શકાય.  
 • પળવારમાં એક ભાષાથી બીજીમાં ટ્રાન્સફર કરી શકાય.
 • રોજિંદા ગુજરાતીમાં બોલાતા-લખાતા શબ્દોની જોડણી પણ ઉપલબ્ધ. (જુઓને ‘ધ્રાંગધ્રા’ પણ સીધું લખાઈ જાય છે.)
 • લખ્યા બાદ આરામદાયક એડિટિંગ-ફોર્મેટિંગ પણ થઇ શકે.

ન ગમતી બાબત:

 • હજુ ઘણાં ગુજરાતી શબ્દો માટે થોડી લાંબી મહેનત અને માથાકૂટ કરવી પડે છે. મારી દ્રષ્ટીએ આ એક ગદ્ધા-મજૂરી છે.
 • ઓનલાઈન હોઈએ તો જ આ કામ થઇ શકે.

સવાલ: તો પછી ઓફલાઈન હોઈએ ને લખવું હોય તો હજુયે સરળ ઉપાય શું છે?

જવાબ:

 • વિશાલભાઈએ પણ જે સુવિધા ઓનલાઈન આપી છે…તેને ઓફ્લાઈનમાં પણ આપી છે. જે અહિયાંથી ડાઉનલોડ કરી શકાય છે. http://goo.gl/iSgGP

જી હા!…તેની આ યુનિકોડ સ્ક્રીપ્ટ તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી દો. (કઈ રીતે કરવુ એ પણ ખુલાસાવાર ટ્યુટોરીયલથી ત્યાં જ બતાવવામાં આવ્યું છે. તો એટલી મહેનત પણ કરશોને?….) ને પછી જુઓ તમારા ખુદના કે બાયડીના ભડાકાં. ક્યાંય પણ ગુજરાતી લખવું હોય ત્યાં માત્ર કી-બોર્ડ પરની Alt અને shift સાથે દબાવી English to Gujarati Or Gujarati to English માં ક્ષણમાં પાટલી બદલી શકાય છે.

હવે લખવામાં આપણે કેટલું પાણી પીએ છીએ કે પીવડાવીએ છીએ તેનો આધાર જોડણી પર છે. ‘જગ’ અને ‘જંગ’ લખવામાં ભંગ ન પડે એ પહેલાં સાચી જોડણીકોશનો ‘રંગ’ લગાડવા માટે આ રહ્યું… મફતિયું પણ ઘણું કિંમતી ગુજરાતી લેક્સીકોને આપી દીધેલું

બોનસ પેકhttp://www.gujaratilexicon.com/index.php?action=downloads   –> જેમાં ડિક્શનરી, સ્પેલ-ચેકર, અને ગુજરાતી ફોન્ટ્સ પણ શામેલ છે.  

બોલો હવે આ ભાવમાં બીજું શું શું જોઈએ? ત્યારે હવે કોમેન્ટ કરવામાં કંજૂસાઈ તો નહિ કરો ને?  પણ એ પહેલા માણી લ્યો…

સરઘસપંચ:

ઘણી ફિલ્મોમાં આપણે જોયું હશે કે વિલન (પ્રાણ યા કે.એન. સિંગ કે શેટ્ટી યાદ આવ્યો?) તેના કોઈ એક મળતિયાના ટકલા માથે કે પછી કોઈ પણ જગ્યાએ દીવાસળી ઠપકારી સિગરેટ ફૂંકતો જોવા મળી જાય. ત્યારે થાય કે મારું હાળું આ તે એવી કેવી દીવાસળી છે કે કોઈ પણ જગ્યાએ ઘસવાથી સળગી ઉઠે છે. તો તેનું રહસ્ય મને આજે પકડાયું…..લ્યો ત્યારે તમેય ‘સળી’ સાથે હળી-મળી કામ કરી લો….

કસ્ટમર(ગ્રાહક) આપણી પાસેથી ખરીદવાનું એટલાં માટે બંધ કરે છે….

Rejection

 • તમારી ‘કષ્ટદાયક’ (પ્રોડક્ટ કે સર્વિસ)થી મરવા કરતા બીજાને અપનાવવું તેને હિતાવહ લાગ્યું છે એટલે…
 • તમારી પ્રોડક્ટ/સર્વિસના કોઈ એક ફેક્ટર દ્વારા એમનું મન દુભાયું છે. કોઈ કીડો સળવળ્યો છે?- તપાસ કરો ભાઈ!
 • તમારી પ્રોડક્ટ/સર્વિસનો થવો જોઈએ એવો કોઈ ઉપયોગ તમારા ગ્રાહકે કર્યો નથી. પોસિબલ છે કે તમે એમને સારી અને સાચી રીતે (વધુ) વપરાય એવું જ્ઞાન આપ્યું નથી.
 • તમારી પ્રોડક્ટ/સર્વિસ વપરાય તો છે…પણ એનો સ્ટોક એમને ત્યાં હજુ લાંબા સમયથી પડ્યો છે. કેમ પડ્યો છે જેની પરવા હજુ સુધી તમે કરી નથી.
 • તમારી પ્રોડક્ટ/સર્વિસને વાપરવાનું તદ્દન બંધ કરી દીધું છે. કેમ કે જોઈએ એવું રીઝલ્ટ હવે તે આપી શકતું નથી.
 • તમારા જ કોઈક હરીફે ચાલાકીપૂર્વક તમારા ગ્રાહકને તમારી પાસેથી છીનવી લીધો છે. કેમ કે તમે એમની સાથે સારો એવો ઘરોબો કેળવ્યો નથી.
 • તમારી કંપની દ્વારા કોઈ એવું ધ્યાન (લક્ષ્ય) આપવામાં આવ્યું નથી એટલે એ પણ ધ્યાન આપવું જરૂરી માનતા નથી.
 • તમારી કંપનીએ કોઈકને કોઈ રીતે (લક્સ સાબુ વગર) એમને નવડાવી દીધા છે. જેની એમને નાહ્યા પછી ખબર પડી છે.
 • તમારી કંપનીના સેલ્સમેન દ્વારા એમની ‘વાટ’ લગાવામાં આવી છે. જેની એમને પાછળથી ખબર પડી છે.
 • તમારી કંપનીના સેલ્સમેન ઓર્ડર મેળવવામાં ઈમોશનલ અત્યાચાર’ કરે છે.
 • તમારી કંપની જ એમને કોન્ટેક્ટ કરવાનું ભૂલી ગઈ છે… એટલે ગ્રાહક-સાહેબ તમને ભૂલી ગયા છે.

સર ‘પંચ’

અજબ લાગે પણ કસ્ટમર સર્વિસનું એક અનોખું અને ક્રિયેટિવ ઉદાહરણ આ વિડીયોમાં જાણી લેજો…ના સમજણ પડે તો કોમેન્ટ દ્વારા મને કસ્ટમર (રીડર)-હેલ્પ સર્વિસનો લાભ આપવા દેજો. 🙂

વેપાર વ્યક્તિત્વ- ભાગ-૨ | જે તરસે છે એના માટે વરસે છે….

Helping_Hands

દોસ્ત,….આ શું છે?….આ માઉસ કેવી રીતે ચાલે છે?…આ કી-બોર્ડમાં આટલી બધી કિઝનો ઉપયોગ ક્યારે થઇ શકતો હશે?…. આને મોનીટર શું કામ કહેવાય છે?….આ ઈન્ટરનેટ કેવી રીતે ચાલે છે? ….કોણ ચલાવે છે?…

 ઓહ્ફ્ફ્ફ.. પછી તો સુલ્તાનચાચાના સવાલોની છડી છૂટતી ગઈ ને મારા જવાબોની ઝડી વરસતી ગઈ… 

એમના આ પ્રશ્નકાલમાં મને એક વાત દેખાઈ કે સુલ્તાનચાચાના મનમાંથી આજે કોઈ એક એવી સ્પ્રિંગ છૂટી છે જે વર્ષોથી દબાયેલી પડી રહી હોવી જોઈએ. પણ ત્યાંજ જાણે તેઓ મારા મનની વાત જાણી ગયા હોય એમ સામેથી એક જોરદાર ઝટકો આપતા કહ્યું:

દીકરા, આ બધાં સવાલો એટલાં માટે પૂછી રહ્યો છું કે…આટલાં વર્ષો મારા દીકરા-દીકરીઓ કે પૌત્રો-પૌત્રીઓએ મને ક્યારેય એમના કોમ્પ્યુટરને હાથ લગાવા નથી દીધો. અરે એમના એ ટેબલની પાસે પણ ફરકતો ત્યારે એમને ફિકર થઇ જતી…..આ બધી એની મોકાણ એક્સાથે બારે આવી રઇ છે. પણ તું તારે હાલ્યો આવ… હુંયે ક્યાં મહિના સુધી રોકવાનો…આ આવતાં અઠવાડિયે મારા ગામ કેન્યા ચાય્લો જઈશ.” 

સુલ્તાનચાચાનો આ પહેલો ધડાકો થોડી વાર માટે સૂનમૂન કરી ગયો.

ઓહોઓઓ! તો પછી આપણી ગાડીમાં સાત દિવસ ચાલે એટલું જ પેટ્રોલ ભરવું પડશે…ને એક્સિલેટર પણ હાઈ રાખવું પડશે ચાચા. So, Fasten Your Seatbelt. અને હવે હું જેમ કહું તેમ કરશો તો સાતમાં દહાડે ‘આપણને કોમ્પ્યુટર-ઈન્ટરનેટ ચલાવતા આવડી ગ્યું હોં!’ એવો ફાંકો તમને તમારા ગામમાં મારતા પણ આવડી જશે.  

પહેલા દિવસથી ચોથા દિવસ દરમિયાન કી-બોર્ડ, માઉસ પર એમની ટાઈપીંગની અને ક્લીકીંગ-મુવમેન્ટની પકડ જમાવવામાં ૮૦ વર્ષના આ બચ્ચાને બહુ ઝાઝી વાર ન લાગી કેમ કે એની પાછળ એક જ વસ્તુ કામ કરી ગઈ…એમનું પેશન!...શીખવાની ભડભડતી ધગશ. ઓફકોર્સ, શીરીનચાચી તો એમની પાસે હતા જે કાંઈ પણ ન બોલી ને એમને ઘણો ટેકો આપતા.

દીકરા, તને થતું તો હશે કે આ ડોસલો ઇ-મેઈલ લખવાની આટલી ઉતાવર કેમ કરે છે?- ચાલ તને બતાવું. પણ પહેલા મને મારું Gmail તૈયાર કરવા દે. ને પછી જો આ બુઢ્ઢો મેલ પેલી મારી વ્હાલી ફીમેલને કેવો મેઈલ કરે છે. રોમેન્ટિક ડાઈલોગની આ બુલેટ બહાર આવી છતાં શીરીનચાચી જાણે કશુંયે થયું ન થયું હોય એમ મરક-મરક હસતા જ બેસી રહ્યાં. એમને ખબર હોવી જ જોઈએ કે એ ફિમેલ કોણ હશે.

શું વાત છે, દાદાઆઆ! આજે તો તમેય મારી ભાષામાં ઉતરી આંયા ને કાંઈ?

મારી સાથે મારા જેવા શબ્દોની રમત જોઈ બે-ઘડી હું પણ મોંમાં આંગળા નાખી બેસી રહ્યો. હાર્ડવેર પર આવેલા એમના આવા સોફ્ટ કંટ્રોલને જોઈ Windows માટે એમના દરવાજા થોડાં વધું ખોલી નાખ્યા ને આખી બાજી એમના હાથમાં મૂકી દીધી.

અને પછી આવ્યો પાંચમો દિવસ…આ પાંચ દિવસમાં એમની ટાઈપીંગ સ્પિડમાં કોઈ ફર્ક ન હતો. ‘કંટ્રોલ‘માં આવે તો ને?!?!…આવી બાબતને શિફ્ટ‘ કરવા માટે બીજો કોઈ ‘ઓલ્ટર‘નેટ હોવો જોઈએ? ના જ હોવો જોઈએ.

આ રહ્યું એનું કારણ જે પાંચમાં દિવસે મળ્યું….તમને જાણવું છે?- તો બસ કલ તક થોડાંસા ઇન્તેઝાર…..

ત્યાં સુધી તમે હમણાં કહી શકો કે એ ફીમેલ કોણ હોઈ હશે?

સર‘પંચ’

ક્લાસમાં બાળકોને બતકનું ચિત્ર બનાવવાનું કહેવામાં આવે છે. ને પછી એમાં સફેદ રંગ સાથે એક છત્રીને વાદળી રંગ પૂરવામાં આવે એમ સજેસ્ટ કરવામાં આવે છે. બબ્લીનું ચિત્ર જોવામાં આવતાં એમાં બતકનો રંગ વાદળી અને છત્રીનો રંગ લાલ બતાવવામાં આવે છે. એને જ્યારે આમ કેમ કર્યું પૂછતાં જવાબ મળે છે: “મેમ!..મારો ડોનાલ્ડ ડક તો આવો જ હોય છે!

ભાગ-  ૧    |     ભાગ – ૨      |    ભાગ – ૩

વેપાર-વ્યક્તિત્વ: જે તરસે છે એના માટે વરસે છે….

Hand On Computer

Image: Flikr-sparktography

આખા ગામના જુવાન દીકરા-દીકરીઓને કોમ્પ્યુટર-ઈન્ટરનેટ શીખવાડી શકો છો તો મારા જેવા ૮૦ વર્ષના ડોસાને શીખવી શકો તો માનું.

એક વાર સ્વજનને ત્યાં કોઈ એક મોકા પર થયેલા મેળાવડા વખતે પાછળથી ક્યાંક અવાજ આવ્યો….

કેમ નહિ! શીખવા માટે માનસિક તૈયારી હોય તો કોઈ પણ ઉંમરે શીખી અને શીખવાડી શકાય સાહેબ!…તમે રેડી છો તો હું પણ રેડી છું. બોલો ક્યારથી શીખવાનું શરુ કરવુ છે?

અવાજમાં ચેલેન્જ સંભળાયેલી હોવાથી કોણ છે એની બહુ પરવા કર્યા વગર ફક્ત મોં ને ફેરવી મેં જવાબ આપી દીધો.

શિષ્ય જાણે ગુરૂ માટે તૈયાર જ હોય એમ મારી ડાઈરેક્ટ ઓફર સાંભળી સફેદ ઝબ્ભા-લેંઘા-કસબી ટોપી ને લાંબી સફેદ-સિલ્વર દાઢીના લિબાસમાં રહેલા ૮૦ વર્ષના એ નવજુવાન ડોસાએ મને એની વ્હીલચેર પરથી બંને હાથ લંબાવી પાસે બોલાવ્યો.

હજુ તો હમણાં જ થયેલા આ ‘અવ’નવા સંબંધોનો દૌર જાણે વર્ષોથી ચાલ્યો આવતો હોય એમ સુલ્તાનચાચાના ચેહરા પર કોઈક અચિવમેન્ટ સફળ થવાની આશા ફરી વળી. ૧૫-૨૦ મીનીટમાં ઓળખાણ-પિછાણ-કોણ-ક્યાંથી-શું-કેમ-કેવી રીતે-શા માટેની પર્યાપ્ત માહિતીઓની આપ-લે થઇ. અને પછીની ૫-૭ મીનીટ વપરાઈ ગઈ કોમ્પ્યુટર-ઈન્ટરનેટ શીખવા માટેના સમયને એડજસ્ટ કરવા માટે.

સુલ્તાનચાચા સાથે ૨૦૦૫માં થયેલી એ હતી મારી પહેલી મુલાકાત.

એ મુલાકાતના ૪૮ કલાક પછી હું અને સુલ્તાનચાચા કોમ્પ્યુટરની સામે ગોઠવાયેલા. ત્યાં તો વા ની તકલીફ હોવા છતાં પોતાના પતિ આ ઉમરે પણ કેવી કોમ્પ્યુટર કેવી રીતે શીખવાના છે એ જાણવાની કુતૂહલતા સાથે એમની વ્હાલી વાઈફ શીરીનચાચી પણ અમારા ‘કોમ્પ્યુટર લર્નિંગ’ના આ પહેલા ચરણમાં ગોઠવાઈ ચુક્યા.  

આટલું વાંચ્યા પછી આપ લોકોને થશે કે આ મુર્તઝાભાઈ વેપારની વાતમાંથી આજે આવી આડી વાત પર ક્યાંથી ઊતરી આવ્યા…ખરુને?

તો દોસ્તો એ માટેની સીધી વાત પણ કહી દઉં. આ આખી વાત હું મારા નવા આવનારા બ્લોગ ‘નાઇલને કિનારેથી’ પર રજુ કરવાનો હતો. પણ…આ ઘટના અમુક એવા ‘વેપારીક’ તત્વો સાથે જોડાયેલી હોવાથી એને અહિયાં કહેવું મુનાસિબ માન્યું છે. કેમ કે સુલ્તાનચાચા પણ પાકા વેપારી બુદ્ધિવાળા. ઈન્ટરનેટમાંથી…પરથી પણ પૈસા કેમ કમાવી શકાય એ એમનો કોમ્પ્યુટર શીખવા પહેલાનો પહેલો પ્રશ્ન હતો. પણ શીખીને જ્યારે બહાર આવ્યા ત્યારે એમના એ સાથે પુછાયેલા બીજા ઘણાં પ્રશ્નનો જવાબ ખુદ પોતે જ હતા. ૮૦ વર્ષના એમના દિમાગની નસોમાંથી કમ સે કમ ૮૦ જેટલાં આઈડિયાઝ  તો ક્યારનાંય ફૂટી નીકળ્યા હતા.

ચાલો પાછા ફરીએ ફ્લેશ-બેકમાં…

ભાઈઆજે ફક્ત એટલું બતાવ કે ઈ-મેઈલ લખતા મને ક્યારે આવડશે?” ખુરશી પર બેસતા પછી આ એમનો પ્રથમ પ્રશ્ન છૂટ્યો.

મેં કીધું “દાદા, આપને ડિજીટલ જમવાનું શરુ કરાવું એ પહેલા એપિટાઇઝર (ભૂખ જગાડનાર સૂપ) આપવું છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો…? તે છતાં  આપને ઈ-મેઈલથી જ શરૂઆત કરવી જ હોય તો એટ-લીસ્ટ એ ગેરેંટી આપી શકું કે એક મહિનામાં આપને એવા તો  તૈયાર કરી શકીશ કે મેલ હોય કે ફીમેલ બધાંની સાથે આપ ઈ-મેઈલથી મેલજોલ રાખી શકશો.

આ જવાબમાં બંને ડોસા-ડોસીના ખીલેલા દિલોમાંથી નીકળેલો હાસ્યનો આવો ફૂવારો મેં પહેલી વાર જોયો. ને પછી શરુ થયો અમારો એ કૂલ-ગુરૂ-શિષ્ય ક્લાસ….ને એવી દાદાકી ઘટનાઓનો સીલસીલો….

જે આવશે બીજા વેબિસોડમાં. બસ… ઓલમોસ્ટ ૨૪ કલાક.

ભાગ-  ૧    |     ભાગ – ૨      |    ભાગ – ૩

સર ‘પંચ’

એક પિતા પોતાના પુત્ર સાથે બાંકડા પર બેઠા છે. ત્યાં અચાનક એક ચકલી ઉડીને આવે છે…ને બસ…શરુ થાય છે સાડા-પાંચ મિનીટની આ મીની ક્લિપ જે પાંચ કલાકની સુપર મૂવીને પણ ધમરોળી નાખે છે…જોઈ લો..એન્જોઈ લો….કદાચ કાલે…

સફળતાનું ઇસ્ટર-ઈંડું (Easter Egg) એટલે T for Talent

EasterEggs

ટેલેન્ટ. કોલેજમાં રહેલા ઓલમોસ્ટ બધાં દોસ્તોને આ શબ્દ બહુ ગમે. વર્ષની આખરમાં યોજાતો આ ઉત્સવ કેટલાંકને નાટકના હીરો બની હિરોઈન સાથે ‘હીરોગીરી’ બતાવાનો કે કેટલાંકને ગીત દ્વારા છુપી રીતે પ્રેમ પ્રગટ કરવાનો તો કેટલાંકને પોતાની પ્રતિભાને પ્રોફેશનમાં કન્વર્ટ કરવાનો એક અનોખો મોકો મળતો હોય છે. પણ હાય રે કિસ્મત!…બધાંજ એનો ભરપૂર ઉપયોગ ક્યાં કરી શકે છે?

આમાં વધુ ભાગે (કે ભોગે?!) બચેલા સમય-રથની ટીકીટ લઇ ક્યાંક દૂર ચાલ્યા જાય છે યા તો વિલે મોડે ‘હશે..આપડા નશીબ…બીજું શું!’ કહીને નાહી નાખે છે. જે બચ્ચાઓ બચે છે તેઓ રથના સારા સારથીની મદદ લઇ આગળ આવે છે. એવા ‘ઐશ્વર્યા મજુમદાર’, ‘સુનિધિ ચૌહાણ’, ‘પરેશ રાવળ’, ‘નેહા મહેતા’, ‘દિશા વાકાણી’, ‘જોહની લીવર’ ‘જેકી શ્રોફ’……અરે ગાંધીને અપનાવી ‘બેન કિંગ્સલે’ (યેસ બેનજી ગુજ્જુ છે બોસ) વગેરે… વગેરે… વગેરે…બનીને બોલીવૂડ કે હોલીવૂડ ગજવી નાખે છે.

કેવી રીતે?- સિમ્પલી..પોતાની અંદર આવેલા ઇસ્ટર-એગના કોચલામાંથી બહાર આવીને!

 • ટેલેન્ટ એટલે એ નહિ કે:…રફીસાહેબ, કિશોરકાકા, મુકેશમામા યા લતાદીદી જેવો અવાજ કાઢી ‘વાહ! વાહ!.. વાહ! વાહ!’ બોલાવી શકો. કેમ કે એ તો એમનો અવાજ થયો. તમારો ક્યાં છે એમાં?
 • ટેલેન્ટ એટલે એ પણ નહિ કે:….આખી ક્લાસમાં પહેલા ધોરણથી કે કોલેજકાળ સુધી વટ મારીને પહેલા નંબરની પૂંછડી પકડી રાખી હોય. ને પછી ન છુટકે છેલ્લે (મમ્મી-પપ્પાના કહેવાથી) નોકરાઓ કરી-કરીને બોસની ડેલીએ દરરોજ હાથ ધોઈ આવતા હોવ.
 • ટેલેન્ટ એમાં તો જરાય નથી કે:…પચ્ચી-પચ્ચા પાનાંઓ ભરીને તમે તમારી (કે કોઈક બીજાની) પ્યારીને લવ-લેટર લખી નાખો..(પછી ભલેને પેલી વાંચીને બોર થાય.)
 • એ કાંઈ ટેલેન્ટ નથી કે:… તમે દાળ-ઢોકળી કે પાણી-પૂરી ૧૦૦ જણને એક હાથે ખવડાવી શકો.
 • ટેલેન્ટ હું એને નહિ કહું કે:…તમારી રડતી ગર્લ-ફ્રેન્ડને પળવારમાં હસતી કરી દો યાં પછી બોસે આપેલું એક અઠવાડિયાનું એંઠું કામ રાતો જાગીને એક દિવસમાં કરી આપો (એ તો પૂરી ગદ્ધામજૂરી કહેવાયને)….ના… ના.. ના.. ના.. ના..રે ના.. આ બધું તો લાખો લોકો.. હજારો વર્ષોથી કરી રહ્યાં છે.

ટેલેન્ટ એટલે….

 • ત(મારા જેવો) ને તમારો પોતાનો ૧૦૦% સૂર બીજો કોઈ કાઢી જ કેમ શકે? – હરણાં કે બતકાં તો પછીની વાત છે…પહેલા સંગીતકારો કે ગીતકારો પાછળ દોડતા આવવા જોઈએ.
 • ત(મારા જેવી) કોઈક નવાજ રાગની રચના બાંસૂરી પર બીજું કોઈ કરી કેમ શકે? – બેસૂરા સૂરને સૂરીલો બનાવી શકો તો કાંઈ વાત થાય!
 • ત(મારા જેવો) પ્રેમપત્ર બીજુ કોઈ લખીજ કેમ શકે?- ભલેને પછી એ એક-કે બે લીટીનો હોય….પેલી દોડતી આવીને તમારામાં ભરાઈ જવી જોઈએ.
 • ત(મારા જેવી) સાવ નોખા જ સ્વાદની પાણી-પૂરી કે પાપડ બીજા કોઈ બનાવી કેમ શકે?- જેને માટે કોઈ પણ મોસમમાં એનો તડપનાર બધું જ બાજુ મૂકી અમેરિકાથી અમદાવાદ કે લંડનથી લખતર આવવા પણ તૈયાર થઇ જાય.
 • ત(મારા જેવો) વાત કરવાનો અને કામ કરી આપવાનો એક અફલાતૂન અંદાઝ બીજા કોઈનો હોય જ કેમ?-  જેમાં બીવી-બચ્ચા, બોસ યા બિઝનેસ-બંધુ એની અદા પર ફિદા થઇ તમારી મુશ્કેલીઓને હરી લઇને તમને બચાવતા રહે!.
 • ત(મારા જેવી) પૈસા પેદા કરવાની સ્ટાઈલ બીજામાં હોય જ કેમ? – એવી હોય કે વર્ષો સુધી ‘સાવ ઠોઠ નિશાળીયો’ નું લેબલ લઈને પણ માર્કેટમાં લોકો તમારી સાથે પાપડનો વેપાર કરવાય તલપાપડ હોય.

તમારું પોતાનું અસલીપણું, તમારી YOUnik’ આવડત (સ્કીલ) જે સામે રહેલા કોઈ પણ બોય કે ગર્લ ને પાગલ કરી મુકે એનું નામ ટેલેન્ટ. કુદરતે દરેકેદરેક જીવને પોતાની લીલા બતાવવા અને સુવાસ ફેલાવવા છુપાયેલી સ્કિલ્સને રંગબેરંગી ઈંડાંમાં મૂકી દીધા છે. એ જ આપણું Hidden Talent. એટલે જ તો ઇસ્ટર-એગ્સ અલગ અલગ રંગોમાં સજાવાયેલા હોય છે. જેથી લેનારને દર વખતે અંદરથી કાંઈક નવીનતા મળી આવે. પણ આ નવીનતાને ઓળખવા એના કોચલાંને તોડવું જ પડે છે. દોસ્તો!

પ્રેકટીકલ ઉદાહરણો જોવા હોય તો ‘અમેરિકા’ઝ ગોટ ટેલેન્ટ’ કે ‘બ્રિટન’ઝ ગોટ ટેલેન્ટ’ જેવી ગોટ ટેલેન્ટસ સીરીઝ જોવી સ્વાસ્થ્ય માટે સારી રહેશે એની આ યોર્સ ટ્રૂલિ બાંહેધરી આપે છે.

તો ટેલેન્ટના આ અલગ ઈંડાંની બહાર કેમ આવીશું? કામ બહુ અઘરું લાગે છે? તો લઇ લ્યો એ માટેના સરળ રસ્તાઓ…

 • તમે એવું શું શું કરી શકો છો જેમાં બીજાને હાંફ ચડી જાય અથવા તમારી હોડમાં ઉતરેલો હાર માની લે.- બનાવો લાંબુ લિસ્ટ. મીનીમમ ૨૫ પોઈન્ટસની કોશિશ કરાય તો મજ્જાની લાઈફ!
 • તમારી ખૂજ નજીક હોય એવા સગા-વહાલાં કે વહાલી તમારા માટે શું વિચારે છે?… તમારી કઈ બાબતો તરફ એમને ગમો-અણગમો છે?- જાવ એમનો ઇન્ટરવ્યુ લેવા…..યા આપો એમને લિસ્ટ બનાવવાનું હોમવર્ક. (એના રિટર્નમાં કંજૂસી છોડી કોઈ એક ઉપયોગી ગીફ્ટ આપવાનું ન ચુકતા. (કેમ?…..લિંચ-પીન ભૂલી તો નથી ગયા ને?) ૨૫ને બદલે ૫૦ બાબતો એ બતાવશે.
 • છે કોઈ એવા કામો જેમાં તમારાથી બોલાઈ ગયું હોય કે: એમાં શું! આ તો આપડે ય કરી શકીએ! – તો પહોંચી જાવ એ કામની ટ્રાય કરવા ને જોઈ લો કે કઈ બાજુ ખરા ને ક્યાં ખોરા પડો છો?
 • છે કોઈ એવુ કામ જેમાં તમારાથી બોલાઈ ગયું હોય કે: ના ભ’ઈ ના!…આમાં આપડું કામ નહિ લ્યા! – તો પહોંચી જાવ એ કામની ટ્રાય કરવા ને જોઈ લો કે ક્યાં ખોટા પડાય છે ને કઈ બાજુ તમારા ફોટાં પડાય છે?

ચાલો ત્યારે… એટ-લિસ્ટ આજ સુધી

D for Dreams | P for Passion | T for Talent તો જાણી ચુક્યા…

હવે આ બાકી રહેલો A for …શું? Apple, Amdavad, Attitude, Advancement કે Achievement?…

જેના જવાબ માટે કાલ સુધી રાહ જોવી છે ને?- જોઈ લો ને દોસ્તો…કેમ કે મને થોડાં વખત પહેલાં જ એક મસ્ત-મજાના નવા મળી આવેલા ઇસ્ટર-ઈંડાંને તોડવા બહાર જવું પડે એમ છે.

‘સર’પંચ:

પેઈન્ટ્સને અડ્યા વગર અમેઝિંગ પેઇન્ટિંગ?….ચાલો એવું તો આ ટેલેન્ટેડ જુવાનીયાઓ પાસેથી શીખીએ!


શું તમે વખતો-વખત જરૂરી સાચા અને સારા પ્રશ્નો પૂછી શકો છો?

સવાલ તમને જે જાણવું છે અથવા શોધવું છે એ કઈ રીતે જાણી શકો?- અલબત્ત, પ્રશ્નો પૂછી ને જ, ખરું ને? પણ ના દોસ્તો! એવું વધુ ભાગે થતું નથી. શરમમાં ને શરમમાં જરૂરી (કે પૂરતા) પ્રશ્નો ન પૂછીને ઘણીવાર આપણા ઈગોને લીધે કામને થોડું ડીલે કરીએ છીએ.

બોસથી થોડો ડર લાગતો હોય કે કે કુલીગ (સહ-કર્મચારી)ની આગળ ઢબ્બુ દેખાવામાં શરમ આવતી હોય યા ટીમમાં અજ્ઞાની લાગવામાં ક્ષોભ લાગતો હોય ત્યારે યોગ્ય સવાલ ના પૂછી ને ક્યારેક આપણે આપણા જ પગ પર કુહાડો મારી દઈએ છીએ.

નેટ પર વેપાર કરવા માટે પણ ઘણી બધી માહિતીઓ ભલે ઉપલબ્ધ હોય. પણ સાચી અને સારી માહિતીને મેળવી લઇ પચાવવી એટલી સરળ વાત નથી હોતી. એ માટે હમેશાં બાળકની જેમ ક્યુરીઓસીટી (કુતૂહલવૃત્તિ) રાખવી પડે છે. ટૂંકમાં…. “બચ્ચા બનના પડતા હે…બાઆઆપ!”

તો લાસ્ટ બ્લોગ-પોસ્ટ ને કન્ટીન્યુ રાખતા…આ વખતે એવા સવાલો મુકવા છે જે સમયાંતર મને પૂછવામાં આવતા હોય.

હાલમાં ઈંટરનેટ પર વેપાર કરવા માટે અગત્યના કયા ટ્રેન્ડ્સ ચાલી રહ્યાં છે?- કયું બજાર ગરમ ને કયું  ગરમાગરમ છે?

ઈંટરનેટ પર વેપાર કરવામાં સૌથી અગત્યનું પરિબળ કયું અને શા માટે?

જ્કકાસ અને ચોટદાર આઈડીયાઝ કેવી રીતે શોધવા અને એમાંથી પૈસા કેમ બનાવવા?

નેટ પર એક સફળ માર્કેટર તરીકે મારી ઓળખ કઈ રીતે બનાવી શકું?

મારી પાસે નેટ પર ધંધો કરવા જરૂરી એવા પૈસાનું રોકાણ નથી. શું કરવુ?

મને અને મારા વેપારને સમજનાર માત્ર હું એકલો જ છું. કઈ રીતે શરૂઆત કરું?

શાહેબ, “આપડી પાશે દોઢશો વસ્તુઓ પડી છ. બોલો વેચવા નેટ પર આઈ જવું કે નાં આઉ?”

પ્રભુ, મારી પાસે વેચવા લાયક કોઈ વસ્તુ, સેવા કે સર્વિસ નથી- મારા જેવા માટે નેટ પર કોઈ સ્થાન ખરું?

તમારી પ્રોડક્ટ કે સર્વિસ એવા લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય કે જેને ખરીદવા ખરા હકદાર (સચોટ ગ્રાહક) હોય?

શું એ વાત સાચી છે કે માર્કેટિંગનાં મોટા ગુરુઓ નેટ પર ખરેખર લાખોની કમાણી કરે છે?

વેપારમાં ઉપયોગી એવા વેબસાઈટ માટે સારા સોફ્ટવેર જણાવશો?

ગુરૂ!, લખવાનો કે વાંચવાનો તો આપણને સખત કંટાળો આવે છે, પણ સેલિંગમાં કાંઈ પણ કરવા તય્યાર છીએ તો શું એના વગર પણ ઇન્ટરનેટ પર વેપાર કરી શકાય?

મારી ટાઈપિંગ, પ્રૂફ-રીડિંગ અને લેટર-ડ્રાફ્ટીંગ સ્કીલ્સ ઘણી સારી છે. મારા માટે નેટ પર કયા કયા અને ક્યાંથી કામો મળી શકે?

મારી દીકરીએ હાલમાંજ ટુર્સ-ટ્રાવેલિંગનો ક્રેશ કોર્સ કર્યો છે….એને નેટ પર જોબ મળી શકે?

મારા ગ્રાહકો મને ડાઇરેક્ટ ઓનલાઈન પેમેન્ટ કરી શકે એ માટે શું સુવિધાઓ છે?

ફાયદાકારક શું?- એક જ વસ્તુ હજાર લોકોને વેચવી કે હજાર વસ્તુઓ સો લોકોને?

કાતિલ હરીફાઈ અને ઇન્ટરનેટ વેપાર…કેમ સફળ થવાય ભાઈસાહેબ?

આ સોશિયલ-મીડિયા શું છે?- શા માટે, શું કામ, ક્યારે ને કેવી રીતે જરૂરી?

કયા લોકોએ નેટ પર વેપાર કરવા આવવું જોઈએ?

ઈ-કૉમર્સની સિસ્ટમ જોરદાર બનાવવા કઈ કઈ કંપનીઓ મશહૂર છે અને એમની મદદ કઈ રીતે લઇ શકાય?

હું મારા વેપારમાં સમજો ને કે માસ્ટર છું, ઍક્સ્પર્ટ છું…તો હવે મને મારા વેપારને લગતું સચોટ માહિતી આપતું દળદાર પુસ્તક લખવું છે, કેમ અને કેવી રીતે શક્ય છે?

કેટલું સાચું…કેટલું ખોટું? એની પરખ નેટ પર કઈ રીતે કરશો?

સર! મને માર્કેટિંગનાં ખાંટુઓ, ગુરુઓનું લિસ્ટ, માર્કેટિંગને લગતી બુક્સ, મેગેઝીન્સ અને સમાચારો થી અપડેટ્સ મળી શકે કે જેનો વખતો વખત અભ્યાસ કરી શકાય?

મારી પાસે માર્કેટિંગને લગતાં શ્રેષ્ઠ રિસોર્સ અને મટીરીયલ્સ પડ્યા છે..એનો ઉપયોગ કેમ ને કેવી રીતે કરું?

ઈંટરનેટ પર વેપાર કરવામાં સફળતા મેળવવા કયા કયા પગલાંઓ લેવા જરૂરી છે?

અરે બસ બસ…દોસ્તો…બહુ પ્રશ્નો થઇ ગયા નહિ?..પણ એવું છે કે આ તો માત્ર…૨૫ જ સવાલો મૂક્યા છે…આની આગળ બીજા બે-ત્રણ શૂન્ય મૂકીએ ને બૂમો-ચીસ પડતી રહે એટલાં સવાલો થતાં રહે છે ને રહેશે. પણ તમને તો ખબર છે કે બોર થવું કોને ગમે?

એટલે હવે મારો એક બોનસ પ્રશ્ન: ઊપર આપેલા સવાલો ઉપરાંત તમારો શું પ્રશ્ન છે? 😉

મને એ ગમશે કે મારી પાસે ઉભરાતા સવાલોનું લાંબુ-લચક લિસ્ટ વધતુ જાય. કેમ કે આવનારા સમયમાં  આવા સવાલોના જવાબોની ઝડી વરસાવતો રહેવાનો છું. જેથી વેપારની આ નેટ-જ્ઞાનધારા ચાલતી રહે…..વહેતી રહે. એટલેજ તો એવા મિશન સાથે આ બ્લોગમાં ઍડ્મિશન લીધું છે.

હુરર્રે! નેક્સ્ટ બ્લોગ પોસ્ટમાં હું તમને એક ‘પ્રિસ્ક્રિપ્શન’ આપવાનો છું. અરે દોસ્તો….શરીરની દવાનું નહિ. પણ દિમાગ થોડું વધારે તેજીલું બનતુ જાય એ માટે એવું જ છે કાંઈ. જસ્ટ વેઈટ ઓન્લી…ઇન ૨.૫ દિવસ!

‘સરપંચ:

હવે બધું બાજુ પર મૂકી..(મોબાઈલ પણ બંધ કરી) હાથમાં ચાહ-કોફી કે જ્યૂસનો કપ લઇ મારા શબ્દ-ગુરૂ જય (‘હટકે’શ્વર) વસાવડાનો જસ્ટ થોડાં વખત પહેલા જ આવેલો આ લેખ વાંચી જાવ. જો વંચાઈ ગયો હોય તો બીજી વાર પણ (આ વખતે આંખો ખોલીને) વાંચજો. રીફ્રેશ થવાની પુરી ગેરેંટી.

http://www.gujaratsamachar.com/20101107/purti/ravipurti/specto.html

સફેદ રંગની ભેંસ…ભૂરા રંગની ગાય! –ઇન્ટરનેટ પર વેપારમાં રંગો કેવી રીતે બદલાય?

થોડાં મહિનાઓ પહેલા ઇન્ડિયાની સફર દરમિયાન અમદાવાદથી સૂરત બાય રોડ જવાનું થયું. વર્ષો પહેલા રોડની સફર બોરીંગ લાગતી એટલે વધુ ભાગે ટ્રેઇનની મુસાફરી પસંદ કરતો. પણ આ વખતે ગામડાની ધૂળને શ્વાસમાં ભરી લેવાનું મન થઇ આવ્યું. કેટલાક દોસ્તોએ પણ કહ્યું હતું કે ગુજરાતની ઘણી બધી વસ્તુ સાથે હવે એના રોડ પણ મશહૂર થઇ ગયા છે. અને સાચે જ એમ મેં પણ અનુભવ્યુ. પહોળા અને આરામદાયક રોડ પરથી પસાર થતા માહોલને માણવાનો પણ એક અનોખો અનુભવ રહ્યો. કેમ કે હવે તો નઝારો જોવાની નજર પણ બદલાઈ ગઈ હતી. દુધના કેન્સ ભરેલી સાયકલ પર સવાર થયેલો રબારી, ઠાંસીને ભરેલાં છકડા, કપાયેલા મોલમાંથી હમણાંજ અનાજ નીકાળીને પરવારેલું થ્રેસર, ‘ગામઠી મોડર્ન લાગતી ફેમિલીને લઇ જતું ટ્રેકટર,….. ઓહ! આવું તો ઘણું બધુ વારંવાર પસાર થતું.

Blue Cow- ભૂરી ગાયતમને હવે થતું હશે કે ઇન્ટરનેટ પરની વેપારની વાતોમાં આજે ‘ગોમડાની આવી વાતો ચ્યોં થી આઈ’? પણ જસ્ટ વેઈટ. વાત હવે શરુ થાય છે.

વડોદરા પછી પસાર થતા એક ગામડા આગળ અચાનક એક ‘હટકે’ સીન જોવા મળ્યો જેણે મારા આ નેટ પરના માર્કેટિંગના વિષયને મસ્ત મસાલો પૂરો પાડી દીધો. એટલેજ એ બનેલા (વિ) ચિત્ર બનાવને આજે લખવાનું મન થઇ ગયું છે.

થયુ એમ કે…પાછલાં કલાકોમાં રબારીઓ તો ઘણાં પસાર થયા. જેઓ થોડાં થોડાં અંતરે ગાયોના ધણને કે બકરીઓના ટોળાંને હાકોટા પાડીને ચરાવવા લઇ જતા હોય. સફેદ ગાય, કાળી ભેંસ અને બ્લેક એન્ડ વ્હાઈટ બકરીઓ….શરૂઆતમાં આ સીન થોડો વ્હાલો લાગતો. જોયા કરવો ગમે એવો. પણ કેહવાય છે ને કે દરેક સારી વસ્તુઓ થોડાં વખત સુધી જોવી કે વાપરવી સારી લાગે પણ પછી એય પોતાનો ચાર્મ ધીમે ધીમે ગુમાવતી જાય છે. એમ મને પણ થોડાં કલાકમાં આ બધું દ્રશ્ય સામાન્ય લાગવા માંડ્યું. પણ કારની બહાર અચાનક બે ગાયો અને બે ભેંસ પસાર થઈ. મારી આંખો ચળકી. અમેઝિંગ એમ લાગ્યું કે ગાય ભૂરા રંગથી રંગાયેલી અને ભેંસ સફેદ રંગથી. આખા ટોળામાં આ બે જણીઓ પોતાનું એક અનોખું સ્થાન બતાવી રહ્યાં હતાં. કયારેય મેં આવા રંગમાં રંગાયેલી ભેંસ કે ગાયને જોઈ ન હતી. શું કામ આવા રંગમાં? કોઈ ખાસ કારણ હશે? યા હોળીના દિવસોમાં કરેલી કોઈની મજાક હશે જેનો પાકો રંગ હજુયે ઉતર્યો નહિ હોય !!!! ચાલતી આ ગાય-ભેંસને જોઈને મારા દિમાગમાં આવા સવાલો દોડી ઉઠ્યા.

એટલે ગાડીને અચાનક બાજુ પર ઉભી રાખીને હું સવાલોના પોટલાને લઇ દોડ્યો એના માલિક પાસે. અસલ નામ લલિત પણ લોકોમાં ઓળખાય લાલીયો. મેં પૂછ્યું: “દોસ્ત! આ બધીમાં માત્ર આ બે જ ને રંગી નાખવાનું કોઈ ખાસ કારણ ખરું?”

“સાયેબ! તમે શે’રથી આયા તોયે નો હમજી શક્યા?” – લાલીયાની આગળ મારી બુદ્ધિ જાણે લઠ્ઠ લાગવા લાગી હોય એવો એનો સવાલ સામેથી પુછાયો. પોતાના વસ્તારના આ લીડરના જ્ઞાનને સમજવા મેં મારા ઇગોને બાજુ પર મૂકીને મારું માથું ૧૮૦ ડીગ્રી ફરવી દીધું.

“સાયેબ! આ મારી એક ભૂરી છે એનું નોંમ અવની..ને બીજી ભુરીનું નોંમ… શવિતા. આ…શફેદ ભેંસને બબલી કઈને બોલાવાની ને એની જોડે મેર જામે ઈ બીજી ને મેઘલી કે’વાની.”

“એ તો બરોબર. પણ મારા ભઈ, એને આ રંગોથી અલગ કરવાનું કોઈ કારણ શું છે એ તો કેહ?”

“હોવે સાયેબ! ખાસ કારણ ઈ છ કે આ ચારે જણીઓ આ બાકી બધીઓ કરતા ચાર ગણું દૂધ વધારે આલે છ. હવે મારી પાશે હાલમાં નઈ નઈ તો ૭૦-૮૦ જેટલી ગાયો-ભેંસો ભરાઈ હશે. બધાનું એક સરખું ધ્યાન કેમ રાખી શકું? એટલે આ ચારે ને ખાસ રંગથી અલગ પાડી દીધી છે. એમના ખાવા પીવાનું ઇસ્પેસીયલ ધ્યાન રાખવાનું…ત્યારે. ચારેને આ ટોરામાંથી દૂરથીય ઓરખી લેવાય. આયા આખા મલકમાં ક્યાંય ખોવાઈ બી જાય તો લોકો ઓરખી કાઢે કે આ તો લાલીયાની એટલે એનો કોઈ સવાલ જ નહિ. આમેય એ હારીઓના જન્મેથી લખ્ખણ જ બઉ હારા છ એટલે આપ્રો પ્રેમ બી એમની પર થોડો વધારે ખરો.”

“અરે વાહ! તું તો લ્યા ‘બ્રાન્ડ મેનેજર’ જેવું બોલે છે.” શહેરમાં અમારી ભાષામાં તો આને ‘બ્રાન્ડિંગ’ કે’વાય. અમેય બજારમાં વેચવા સારું કોઈ નવી વસ્તુ મુકીએ તો એનું નામકરણ કરીને મુકીએ.” પછી લોકોને ખબર પડે એટલે એની જાહેરાત અલગ-અલગ બાજુ એ કરવા મુકીએ.

“ઓહ એમ શાયેબ? પણ હું એમ કવ છું કે ઈમાં જાહેરાત કરવાની બવ જરૂર ચ્યાંથી આઈ? શરૂઆતથી જ એવું કોમ કેમ ના હોય કે નાતમાં આપરી ઓરખ અલગ તારી આવે? પછી લોકોતો એમને એમ ઓરખી જવાના ને!”

“તો પછી લાલિયા તે આ બંને ગાયો અને ભેંસોને અલગ-અલગ ચાર રંગોથી કેમ ના રંગી નાખી? તારા બ્રાન્ડિંગમાં કચાશ ખરી ત્યારે!

“એવું હોય શાયેબ? આ અવની અને શવીતા ભલેને ગાયો રઈ…પણ એમાય બંને ને અલગ અલગ ઘંટડીઓ બાંધી છ. રાતેય ઈ અવાજમાં ઓરખાય જાય. જ્યારે આ બબલી અને મેઘલીના પગમાં અલગ-અલગ કલ્લીઓ બાંધી છ. તમે સોમ્ભરી નઈ ત્યારે!”

“ઓહ! કમાલ કરે છે લાલિયાભાઈ તું પણ. હવે… એક છેલ્લો સવાલ: રખેને કાલે કોઈ નવી ભેંસ કે ગાય આ બંનેથી આગળ વધી જાય તો નાતમાં શું કરશો?”

“એ વખતે નવું નામ, નવો રંગ…નવી ઓરખ…એને આલી દઈશું! આપણને ભગવાને બુદ્ધિ શેની આલી છ!??!!!!”

મારા માટે ખરેખર ચક્કરબત્તી થાય એવી વાત હતી. ઇન્ટરનેટ પર, સમાજમાં, બિઝનેસમાં, જોબમાં..અંદર હોય કે બહાર, કોઈ એવી વિશેષ ઓળખ, વિશેષ બ્રાન્ડિંગ આપણે કરીએ છીએ?

તમારો ‘ઇસ્પેસીયલ’ જવાબ હોય તો કહો ને?


‘સર’પંચ:

અમેરિકાના એક શહેરમાં ન્યુઝપેપરમાં નવા ખુલનારા હાયપર-માર્કેટમાં ‘સેલ્સ ઓફિસર’ ના ઇન્ટરવ્યુ માટે ની જાહેરાત આપવામાં આવી. ૧૭૦૦ જેટલી રિઝ્યુમ/બાયોડેટાનો ખડકલો ૩ દિવસમાં થઇ ગયો. લખાણની ઓલમોસ્ટ એક જ સ્ટાઈલ. પેપર અલગ-અલગ, નોકરી માટે હમ્બલ રીક્વેસ્ટ, ભલામણોનું સ્પામીંગ, વગેરે… વગેરે… વગેરે…

રીક્રુટમેન્ટ ઓફિસરની વાંચીને થાકી ગયેલી આંખોમાં ચમક ત્યારે આવી જ્યારે એના હાથમાં અમેરિકન ધ્વજની ડીઝાઈનનું એક કવર આવ્યુ. એક ‘હટકે’ લેટર હતો…જેમાં આ રીતે લખ્યું હતું:

“મી.સેમસન, મને દેખાઈ રહ્યું છે કે તમે બીજા લેટર્સ-બાયોડેટા વાંચીને ઘણાં થાકી ગયા હશો. પણ મારો આ નાનકડો લેટર જ્યારે પણ વાંચો ત્યારે પૂરેપુરો વાંચજો. પછી તમને લાગે તો જ મને જોબ ઓફર કરજો. કોઈ ઉતાવળ ના કરશો.

આપ જે કંપનીને કુરીયરનો કોન્ટ્રાક્ટ આપવાના છો એ જ કંપનીની આ શહેરની ઝોનલ ઓફીસમાં હાલમાં હું આસીસ્ટન્ટ વેર-હાઉસ મેનેજર તરીકે જોબ કરું છું. મારા વાળ બ્લ્યુ રંગના છે. પગમાં જાંબલી રંગના મોજા અને બૂટની આજુ-બાજુ નાનકડી પાંખો ભરાવેલી રાખું છું. જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે તમે અમારી કંપનીના મેઈન ગેટ પાસેથી પસાર થાવ ત્યારે થોડેક જ દૂર લાલ રંગની પેન્ટ અને યલો ટી-શર્ટ પહેરેલો ફક્ત એક જ વ્યક્તિ તમને હાથમાં વોકી-ટોકી લઈને કામ કરતો દેખાય તો સમજી જશો કે એ હું જ હોઈશ. તમે મને રૂબરૂ મળવા બહાર બોલાવશો તો ૧૦ મીનીટ માટે મળવા આવી શકીશ. એ વખતે એટ લીસ્ટ તમને જ્યુસ પીવડાવવાની ઓફર પણ કરી શકું છું. મારો મોબાઈલ છે…………………….”

દોસ્તો, કહેવાની જરૂર ખરી કે ત્રીજે દિવસે આ ‘યંગમેન’ નવા જ જન્મેલા હાયપર માર્કેટના ‘ચીફ સેલ્સ મેનેજર’ તરીકે ડબલ પગારે જોડાઈ ચુક્યો હતો.