માર્કેટમાં ‘લેસ’ હવે ‘મોર’ બની થનગાટ કરે છે ત્યારે…

Permission

એક વાર અચાનક ગૂગલ-ટોકમાંથી ચેટ મેસેજ ઝળક્યો.

“કેમ છો?”

“જી ! મજામાં.” –કોણ?

“ગોલ્ડ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટમાં આપનું સ્વાગત છે.”

“આભાર. આપની ઓળખ આપશો?”

“પહેલા આપનું શુભ નામ શું છે એ જણાવશો?”

“દોસ્ત, હું માની શકું કે ગૂગલ ટોકમાં તમે આ રીતે મેસેજ મુકતા પહેલા મારી પ્રોફાઈલ દ્વારા નામ જાણી લીધું હોવું જોઈએ.”

“હો હો..સોરી સોરી સાહેબ. આપને પૂછવું છે કે આપ ગોલ્ડના ઇન્વેસ્ટમેન્ટમાં રસ ધરાવો છો?”

“જરા પણ નહિ દોસ્ત.”

“ઓહ એમ!…તો પછી…જ્યારે આપને લાગે કે આપને રસ છે તો મને આ ……..નંબર પર કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો. અમે આપને ટ્રાય કરવા તેમજ તે બાબતે ફ્રિ ટિપ્સ પણ આપીશું.”

>

  • સામેની વ્યક્તિના સમય, સંજોગો જાણ્યા સમજ્યા વિના શાં માટે કોન્ટેક્ટ કરવો?- માન ન માન…મૈ તેરા મહેમાન!?!?
  • શાં માટે કોઈને પણ વગર જાણ્યે-પુછ્યે આપણી પ્રોડક્ટ કે સેવા ઠપકારી દેવી જોઈએ?- (યેસ!….ખુદના મમ્મી-પપ્પાનો પણ સમાવેશ થઇ શકે કેમ કે તેઓ જ સૌથી મોટા પ્રોસ્પેકટીવ –કસ્ટમર છે.)
  • સોનું હોય કે સગડી…માહિતી-એજમાં એ બાબત જાણવી ઘણી જરૂરી છે કે આપણું ખરું ગ્રાહકી-ધન ક્યાં છે, કેવું છે.
  • તે બાદ એમનો સંપર્ક કઈ રીતે કરવો એ હવે એક (આર્ટ) કળા બની ચુકી છે. નહિતર બજારુ જંગલમાં ‘મોર’ નાચે…તો પણ કોણ જુએ?
  • વેલ્યુ-મોર બનાવવી હોય તો કમ‘લેશ’ બનવું પડે ભાઈ!   

દોસ્તો, જમાનો ‘પરમિશન’(આજ્ઞા)નો છે. માર્કેટિંગ મહાગુરુ સેઠ ગોડીનેપરમિશન માર્કેટિંગ વિષય પર આખી એક બૂક આપી દીધી છે.

કહેવાની જરૂર ખરી કે હવે એ (એટ લિસ્ટ) મારા કોન્ટેક્ટ લિસ્ટમાં પણ રહ્યો હોવો જોઈએ?

પેટ પર‘પંચ’

તમારી પ્રોડક્ટ વેચવા તમે કેટલી હદ સુધી જઈ શકો?

જેમણે કાંઈક કરવું છે…તેવા ખોપડી છાપ લોકોએ આ દુનિયામાં પોતાની વસ્તુ કે સેવાને આગળ લાવવા ઘણું અવનવું કર્યા કર્યું છે. અહીં જોઈ લ્યો… આ ભાઈનું કામ બુલેટ-પ્રૂફ જેકેટ વેચવાનું છે.

પણ તેની મજબૂતીની સાબિતી શું? એટલે બુલેટ (બંદૂકની ગોળીઓ) પહેરીને આ બિન્દાસ્ત બંધુ ‘પ્રદર્શન’ કરે છે. ને સંદેશો એમ આપે છે કે…“એક બાર આપકી નસ ફટ જાયેગી..પર મેરા બુલેટ-પ્રૂફ જેકેટ સલામત રહેગા પ્યારો!

દોસ્તો, જૂન મહિનાના અંત સુધીમાં આ બ્લોગ બંધ થઇ જશે. એટલે હવે માત્ર એક જ જગ્યા પર :www.vepaar.net પર જ પોસ્ટિંગ કરવામાં આવશે. શક્ય હોય તો ત્યાં રહેલા ‘સબસ્ક્રાઈબ’ બટન પર આપનું ઈ-મેઈલ નોંધાવી દેશો તો પબ્લિશ થયે આપને મેસેજ મળતો રહેશે.

વેપાર વિસ્મય : “મને ત્યાં એક રાત ગાળવી છે…”

ગાંડા થવું સેકન્ડ્સનું કામ છે. પણ ગાંડા બનાવવું……બહુ ડહાપણ ભરેલી વાત છે દોસ્તો.

આ બ્લોગના ટાઈટલને જ જુઓ ને. વાંચ્યા બાદ કેવી કુતૂહલતા જાગે છે…નહિ? પણ આમાં મારો વાંક નહિ બંધુઓ. આ તો પેલી ફર્નિચરની મહારાજા કંપની આઈકિયા એ આ રીતે કહી લોકોને સુવડાવી તેના ગ્રાહકોમાં ફરીથી કુતૂહલતા જગાવી છે.

‘આઈકિયાના સુંવાળા ફર્નિચર (ખાસ કરી પલંગ)નો ઘરે લાવ્યા બાદ કેવો અનુભવ થાય એનો પ્રયોગ જો પહેલા જ કરાવવામાં આવે તો?’

બસ આવો હટકે વિચાર તેના માર્કેટિંગ વિભાગને આવ્યો ને શરુ થયુ એક મિશન : “મને આઈકિયામાં એક રાત ગાળવી છે…” (I Wanna Have A Sleepover In Ikea).

લંડનના એસ્સેક્સ ટાઉનમાં આવેલા આઈકિયા-સ્ટોરમાં આ ઘટનાની જાહેરાત કરવામાં આવી. કેટલાંક ગમતાં-ભમતાં યુગલોને આમંત્રિત કરવામાં આવ્યા. એસ્સેક્સની જ એક સેક્સી મોડેલને ઉદ્ઘાટન કરવા બોલાવવામાં આવી અને તેને પણ એક રાત ત્યાંજ ગાળવાનું ‘માનભર્યું’ ઇજન મળ્યું. – બસ! પછી શું જોઈએ?

હવે એમને શું જોઈએ એની તો મને ખબર નથી. પણ ચાલોને આપણે જ આ વિડીયોમાં એની નાનકડી ઝલક જોઈએ!

રાત પછી બીજી સવારે વેચાયેલા હજારો પાઉન્ડ્સના આઈકિયાના ફર્નિચરના સાચા સેલ્સ-આંકડાઓને બાજુ પર મૂકીએ. કેમ કે આવા રાતા-પ્રયોગની સાચી ગુલાબી અસર તેના ફેસબુક ફેન-પેજ પર મળી આવે છે.

લગભગ પોણો લાખ લોકો ‘રાતો રાત’ આ રાતી ઘટનાના સાક્ષી બન્યા છે. મસ્તીભરી વાત તો એ છે કે આવી રાતનો અનુભવ શેર કરવામાં આ યુગલો હજુયે હોંશેહોંશે આ પેઈજ પર આવતા રહે છે. હવે આવા ‘સુતેલા’ વાયરસો હજુ બીજાં કેટલાંયને ‘સુવડાવશે’ એની કોઈ ગેરેંટી ખરી?

મારી નજરે…સિમ્પલ છતાં સુપર આઈડિયા લડાવી આઈકિયાએ અસરકારક બ્રાન્ડિંગ કરી બતાવ્યું છે. લાકડાં લડાવતી કાતિલ હરિફાઈમાં Try Before You Buy’ કોન્સેપ્ટ આજે આખા આલમમાં વધુને વધુ ક્રિયેટીવલી મશહૂર થતો જાય છે. હવે જેના હાથમાં લાઠી આવે તે લાઠી-દરબાર બની જાય છે ને….બાકીનાની ભેંસ પાણીમાં બેસી જાય છે.  

વેપારિક દોસ્તો, આપણે કાંઈ પણ વેચીએ. બસ! માત્ર વેચવાની જ વૃતિથી વેચશું તો બહુ જલ્દી વેચાઈ જવાની સંભાવના રહે છે. પણ..કોઈક ચાતુરી ઘટના કે ઉપાય દ્વારા માલનો નિકાલ આજના જમાનાની માંગ ભરે છે.

શું કહો છો? : ગ્રાહકને આ રીતે ‘સુવડાવીને’ પણ કમાણી કરવું આઈકિયા પાસેથી શીખવું જોઈએ?

‘સર’પંચ:

બેકગ્રાઉન્ડ રિપોર્ટ :

આપણા એક બાપુ આ રીતે ત્યાં જઈ સુઈ સુંવાળો અનુભવ કરી આવ્યા. તો અમે ફોનથી પૂછ્યું:

“કાં બાપુ! રાત કેવી રહી?”

“એ પટેલ!..આપડે તો ત્યાં જઈ ચોરી કરી આઇવા! બોલ કેવા મરદ માણસુ કે’વાયે કે નં’ઈ?”

“શું વાઆઆઆત કરો છો…બાપુ?!?!? એવું તો શું ચોરી લાવ્યા તમે?”- મારાથી સામો સવાલ થયો.

“કાંઈ એવું બેવું નહિ ચોર્યું લ્યા!….આ તો એમણે ધાંધા કરેલો આઈડિયા ચોરી લાઈવો છું. તને તો ખબર જ છે ને કે..આંયા ધોળિયાઓ હાટુ આપડી તો બાપદાદાની વર્ષો જૂની દારુની દુકાન….બસ! એક રાત એમને ય આ રીતે ‘નવડાવી’ નાખવા છે!” :-)

.

.

થોડો વધારે જોર ‘પંચ’

દોસ્તો, જૂન મહિનાના અંત સુધીમાં આ બ્લોગ બંધ થઇ જશે. એટલે હવે માત્ર એક જ જગ્યા પર :www.vepaar.net પર જ પોસ્ટિંગ કરવામાં આવશે. શક્ય હોય તો ત્યાં જ રહેલા ‘સબસ્ક્રાઈબ’ બટન પર આપનું ઈ-મેઈલ નોંધાવી દેશો તો પબ્લિશ થયે આપને મેસેજ મળતો રહેશે.

વેપાર વિમાસણ: કેરિયરમાં આવું બને ત્યારે શું બનવું?

તે દિવસે પણ માઈકલ દરરોજની જેમ જોબ કરવા માટે ઓફિસે જવા તૈયાર થઇ ગયો. પોતાના ખાસ ક્લાયન્ટ(ગ્રાહક) સાથે લંચ-મિટિંગ નક્કી કરી હોવાથી ઈમ્પ્રેસન જમાવવા તેણે નોર્ડસ્ટોર્મનો કોટ પણ ચઢાવ્યો.

ઓફિસે આવી મિટિંગની ખાસ તૈયારી કરી. ફાઈલ્સ બરોબર ચેક કરી. જરૂરી એવા ઈ-મેઈલ્સ પણ વાંચી જવાબ આપી દીધાં અને થોડી જ મિનીટો પહેલા બનેલા સમાચારોની હેડલાઈન્સ પર ઉડતી નજર નાખી પછી પેન્ડીંગ લાગતા બીજા અન્ય કામો પણ આટોપી લીધા.

તે દરમિયાન બોસનો માત્ર એક લાઈનનો મેસેજ પણ વાંચી લીધો. “માઈકલ, બપોરે મિટિંગ બાદ જસ્ટ થોડી વાર માટે મળજે.”

ને પછી બપોરે નિયત સમયે ગ્રાહક સાથે નજીકની રેસ્ટોરન્ટમાં જમવા-મળવા માટે આવી ગયો. દિલ દઈને પોતાના રેગ્યુલર ગ્રાહક સાથે નવી ‘ડીલ’ ફિક્સ પણ કરી લીધી. ‘બોસને બીજું જોઈએ પણ શું? એમને ખુશી મળે અને મને મારું કમિશન….બસ.’

આવો વિચાર કરી ખુશ થતો પોતાના જોબ-બ્લોકમાં પાછો વળી ગયો. ને થોડી જ મિનીટોમાં પેલી એક-લાઈનના મેસેજને માન આપવા બોસ-બહેનની સામે પણ આવી ગયો.

માઈકલ! આવું કેમ થાય છે?…આ બિઝનેસની હવામાં આવી વાઈરલ અસર કેમ વધતી જાય છે?…આપણા પાછલાં ૨-૩ મહિનાનો સેલ્સ આંક પણ જરા શરમજનક આવ્યો છે, નહિ?… સાલું કાંઈ સમજણ નથી પડતી, ખરુને? – બોસ ઉવાચ.

પોતાના બોસને આર્થિક પ્રશ્નોની ચર્ચા કોઈ પણ સમયે ઉપડે એ કોઈ નવી વાત ન હતી. પણ જ્યારે જ્યારે આવી ચર્ચા થતી ત્યારે આખો સ્ટાફ સામે બેસતો પણ આજે પોતે એકલો? એવી શું ગંભીર વાત થઇ છે કે…

– માઈકલ પોતાની રીતે બોસના થોડાં આર્થિક પ્રશ્નોને હવામાં નાખી વિચારે ચઢી ગયો. ત્યાં અચાનક તેના HR Manager ના કેબિનમાં પ્રવેશથી સેકન્ડ્સમાં ધ્યાનભંગ પણ થઇ ગયું. હાથમાં બ્રાઉન બોક્સ હોવાથી ડીલ ફિક્સ કરવાની ખુશીમાં કોઈક ગિફ્ટ મળશે એવી આશાથી માઈકલ મનોમન ચુપ રહ્યો.  

બોસે હવે આર્થિક સાથે થોડી સામાજિક સમસ્યાઓ પણ ઉમેરીને વાતનો મૂળ ખોલ્યો… “માઈકલ! કંપનીના થોડાં વધુ સારા ભવિષ્ય માટે અમે પૂરદર્દ નિર્ણય લીધો છે કે…….હમણાં જ તમને કંપનીમાંથી છુટ્ટા કરવામાં આવે છે. આ બ્રાઉન-બોક્સમાં તમે તમારી દરેક વસ્તુઓ બાંધી લઇ જઈ શકો છો.”

ડેડીકેશનની હોંશ, કમિશનનો જોશ, પ્રમોશનનાં પોઝ પર કાચી સેકન્ડ્સમાં જાણે કોશ ફરી વળ્યો…..બધુંયે ટાંય-ટાંય ફીશ. તે ઘડીએ તો હજુ બપોરના ૨:૩૦ થયા હશે. પણ આ માઈકલભાઈના ત્યારે સાચેસાચ બાર વાગી ગયા હતા.

આટલા વહેલા ઘરે પહોંચી પોતાની બૈરીને શું મોં બતાવવું? બચ્ચે લોગને શું જવાબ આપવો? એ જ કે પોતાની માનસિક કાબેલિયત પર વિશ્વાસ રાખતો શખ્શ હાથમાં પાણીચું લઈને આવ્યો છે?

માઈકલના મનમાં શું થયું હશે? તે સાંજે તેની પત્ની મેરી રૂથ પર શું વીતી હશે? એ બંને એ શું છોડ્યું હશે? શું તરછોડ્યું હશેને પછી તેમના હાથે શું આવ્યું હશે? ને આખરે એમણે શું મેળવ્યું હશે?….

આ શું કામ?…શાં માટે?…કેમ આમ? જેવી સેંકડો ઘટનાઓને જાણીને, માનીને, સમજીને એક ૩૫ વર્ષિય અલગારી અમેરિકન વેપારી-મુસાફર ૨૫ ચુનિંદા વેપારીઓની વાર્તાઓ લઇ એક પુસ્તક રૂપે લઈને ‘જસ્ટ’ આવ્યો છે.

જેની વાત પુસ્તક પ્રિસ્ક્રિપ્શન સ્વરૂપે હવે પછીની પોસ્ટમાં જાણવા મળશે.  

વેપાર વ્યક્તિત્વ: ઉજડી ગયેલી રેસ્ટોરેન્ટ્સને ઉજાળતો એક અનોખો રસોઈયો..

Chef-From-Ground-To-Green

  • જે શોમાં ખોટેખોટું ડરાવી-ધમકાવી, ચાકુ-છુરીથી કાપાકાપી કરી લોહી રેડવામાં આવતું હોય એવા શો ને શું કહેશો?- હોરર શો, ખરુને?
  • જે વ્યક્તિ નકલી માસ્ક-મેકઅપ કરાવી કરી ફિલ્મો દ્વારા બીજાને બીવડાવવાનું કામ કરે એને શું કહેશો?- રામસે બ્રધર્સ, રાઈટ?
  • જે દેશની હોરર ફિલ્મો આલમમાં મશહૂર હોય તે દેશનું શું નામ? – બ્રિટન, બરોબરને?

આજે એવી જ એક વ્યક્તિની વાત કરવી છે….

  • જે ચાકુ-છુરી તો ચલાવે છે, કાપાકાપી કરે છે પણ જાન લેવાને બદલે પોતાના વ્યવસાયમાં જાન રેડી દે છે….
  • જે નકલી માસ્ક તો નથી પહેરતો કે ખોટો મેક-અપ નથી કરતો પણ જે સાચું છે તે મોં-ફાટ જણાવી દે છે કે દાળમાં ક્યાં કાળું છે…
  • જે ખરેખર બ્રિટીશ છે અને જેણે ‘રામસે’ બની ડરાવ્યા કે ધમકાવ્યા વિના ફિલ્મો પણ બનાવી છે. તોયે તેની ફિલ્મો હોરર નથી પણ હોટ હોય છે…. 

યેસ!..એનું નું નામ છે….ગોર્ડન રામસે. જે બ્રિટનનો એક મશહૂર રસોઈયો છે. શક્ય છે વર્ષોથી લંડનમાં રહેતા આપણા કોઈક વાંચક-બંધુઓને તેના વિશે થોડી વધું જાણકારી હોય.    

આમ જોવા જઈએ તો બ્રિટનની ખાસ અને નામાંકિત વ્યક્તિઓ માટે ગોર્ડનભાઈ આંગળી-ચાટું રેસિપી બનાવવામાં અગ્રેસર છે. પણ તેમ જોવા જઈએ તો ટી.વી-ઇન્ટરનેટ મીડિયાનો ઉપયોગ કરીને વન-મેન રામસે બ્રધરે વ્યાવસાયિક ધોરણે શો કરી સામાજિક કાર્ય કર્યું છે.

હવે સવાલ એ થાય કે સામાજિક-કાર્ય અને તે પણ વ્યાવસાયિક રીતે ???-

બિલકુલ સાચું! દોસ્તો. વાંચ્યા પછી તમને પણ થશે કે બરોબર વાત થઇ છે.

થયું એવું કે….૨૦૦૪ની સાલમાં એક ન્યુઝપેપરમાં તેણે પોતાના ‘શેફ’ વેપારને લગતો એક સર્વે વાંચ્યો કે…

બ્રિટનના ખાઉં-પીઉં શોખીન લોકોને ઘણી મશહૂર રેસ્ટોરેન્ટની સર્વિસ માફક નથી આવતી. ઘણું સારુ નામ ધરાવતી હોય એવી ખાણીપીણીમાં આજકાલ ‘ટેસ્ટ’ જેવું નથી રહ્યું….વગેરે…વગેરે….

વાંધાવચકાથી ભરેલા એ લેખમાં ચાલો એક રેસ્ટોરેન્ટની વાત હોય તો સમજ્યા. પણ આ તો ઘણી બધી ‘રામભરોસે’ થતી હોય ત્યારે??? હાયલા!…આવા સમાચાર દેશની બહાર બહુ જ ફેલાઈ જાય તો….કેટલી ઈજ્જત જાય !!!…ખાણીપીણીનો ધંધો ખુદ પાણીમાં બેસી જાય ને!!!

ત્યારે ‘શાક’મગ્ન થઇ ચિકન સમારતા ગોર્ડનદાસ શેફને કાંઈક થવું જોઈએ…કરવું જોઈએ….’ એવો વિચાર મનમાં તો ઉગી નીકળ્યો. પણ તેને ‘શેફ’-ડિપોઝીટમાં મુકવાને બદલે લોકોની વચ્ચે મુકીને આ વિચારને જ કાપી નાંખવાનો નિર્ણય કર્યો. આઈડિયા દોડાવ્યો કે….

લાવ જોવા તો દે…આ બધાં રેસ્ટોરંટીયાઓ એવી શું ભૂલો કરે છે જેના થકી આપણા નાગરિકોના મન પર કબજીયાત થયો છે.

સેલિબ્રિટીઝના સેવક એવા ગોર્ડનસાબને લંડનની ચેનલ-૪ની ઓફિસે (નિયમિત રીતે રામરામ કરનારા) ડાઈરેક્ટર પણ મળી ગયા. ને શરુ કર્યો સાચો જ રિયાલિટી શો!...‘રામસે’ઝ કિચન નાઇટમેર’.

દર અઠવાડિયે એક એપિસોડમાં કોઈક એવી રેસ્ટોરન્ટને પકડી મુલાકાત લેવામાં આવી જેમના વિરુદ્ધ ગ્રાહકો તરફથી ખાટી વાતો સંભળાતી. બ્રધર રામસે કેમેરા લઇ આવી જાતે ઉભા રહી તેમના ખોરાકમાં રહેલી ખાટી બાબતોને જાણી. સર્વિસમાં આવેલી ખોટી બાબતોને પકડી ઉપાય સૂચવ્યો. ને હવેથી એવું ના થાય તે માટે તકેદારી પગલાં પણ કેવા લેવા તેની ટીપ્સ મૂકી.

એટલું જ નહિ… રામસે સાહેબે શરૂઆતમાં જ્યાં જ્યાં જઈ નમક ખાધું હતું ત્યાં ત્યાં થોડાં મહિનાઓ બાદ ફરીવાર તેની મુલાકાત લીધી. અને જે સૂચનો આપવામાં આવ્યા તેના પર અમલ થયુ કે નહીં તેનું મોનિટરિંગ પણ કર્યું.

બસ પછી શું?- ઉજડી જવા ગયેલી ઘણી રેસ્ટોરન્ટસ ઉજળી જવા લાગી. ટેસ્ટ્સ, સર્વિસ અને પરિણામ સુધારાજનક મળે પછી ખાનારને-પીનારને અને પીરસનારને પ્રોફિટ દેખાય એવું આપણે સૌ ધંધાધારીઓને થોરામાં જ ઘન્નું બધ્ધું સમજાઈ ચ જાયે ને!

૨૦૦૯માં રામસે બાપુ એ વર્લ્ડ ઇકોનોમી ક્રાયસિસ દરમિયાન થાળે બેસેલી જણાતી ફૂડ ઇન્ડસ્ટ્રીઝને ખાસ પ્રાધાન્ય આપી ચેનલ-૪ પર પોતાના શોમાં વખતોવખત દર્શકોને અપીલ પણ કરી કે “દોસ્તો, તમને સારું જીવવું હોય તો એવી રેસ્ટોરન્ટ ને મરવા ન દેશો જે હજુયે તમને ભાવતું ભોજન આપે છે.”

ચિકન–શાક પકવવાના સામાજીક ધંધામાં ગોર્ડન બાપુના માથે તો ઘણાં માછલાંઓ ધોવાયાની ઘટનાઓ પણ બની છે. પણ તેઓ એ બધીયે ફિશને ‘ટાયટાય -ફિશ’ કરી ફિનિશ કરતા રહ્યા છે.

આ તો થોડાં જ ફકરાઓમાં ગોર્ડન રામસેના આ ઉદાહરણને કાચું-પાકું બનાવી ગરમ કરી આપ લોકોની સમક્ષ થોડું જ પીરસવું પડ્યું છે. તોયે એટલું જરૂરથી કહીશ કે કોઈ પણ (પ્ર)સિદ્ધિને પસીના વાળી વ્યક્તિ બહુ ગમે છે.       

બોલો હવે આ બાબા રામસે એ પણ ….આવું સામાજિક કાર્ય…પ્રોફેશનલી! કર્યું ને?

“આપણને ઘણીવાર સાચી વાતો કડવી લાગે છે પણ તેની પાછળ રહેલુ મીઠું પરિણામ સુખાકારી હોય છે.” – આવા વાક્યો જાતે જ પચાવવા ‘જીગર’ જોઈએ….જીગરી દોસ્ત જોઈએ!” ને ‘શેફ’આચાર્ય જેવો મિત્ર પણ…

બાર‘પંચ’

આ ‘બાર’વાળીને આમ અંદર જોયા પછી થાય ખરું કે….લોકોને બનાવીને…ગ્લાસમાં નશો કદાચ આ રીતે પણ નાખવામાં આવતો હશે… 😉

વેપાર વક્તવ્ય: તોલ મોલ કે ગોલ…ગોલ મોલ કે તોલ!

goal-setting-possible

Dare to live the life you have dreamed for yourself.
Go forward and make your dreams come true.
– Ralph Waldo Emerson (1803-1882)

ઈમર્સનભાઈનું આ ક્વોટ વાંચવું કેટલું સહેલું છે ને?!?!-

હાથમાં ચાયની ચુસકી કે ઘરમાં-ગરમ ભજીયા મમળાવતા આવા હજારો ક્વોટસ લાખો વાર લખાયા છે ને કરોડો વાર વંચાઈ રહ્યાં છે. પણ ડ્રીમ્સને સફળ કરવાનું ડ્રમ ઘણાં ઓછા લોકો વગાડી શક્યા છે. નહિ તો….

  • આઈ-પોડ, આઈ-પેડ, આઈ-ફોન જેવી કેટલીયે ‘આઈ’સ આપણે બ્રેક કરી શક્યા હોત…
  • એ.આર રહેમાન જેવું ફ્યુઝન તો ઠીક, પણ કોલાવરી-ડી જેવું કન્ફ્યુઝન મ્યુઝિક આપણે પણ બનાવી શક્યા હોત…
  • અંગ્રેજી ‘અવતાર‘ જેવી ફિલ્મ તો આપણે પણ ઘર બેઠે અવતરી શક્યા હોત…
  • કહીએ એ પહેલાં સર્ચ કરી બતાવે એવું ગૂગલ જેવું સર્ચ-એન્જીન આપણે પણ ‘રિસર્ચ’ કરી શક્યા હોત…
  • ઘર ઘરમાં કોમ્પ્યુટર‘ તો આપણે પણ બિલ ગેટ્સ જેવું તો નહીં પણ છબીલદાસ બનીને ઘુસાડી શક્યા હોત…
  • ટોમ ક્રુઝ જેવા સ્ટંટસ આપણે બુર્જ-અલ-ખલીફા પર તો નહિ પણ હીરાભાઈ કલોક ટાવરે પણ ચડી કરી શક્યા હોત…
  • નીલ રહીને હાથમાં કેશ મુકી લાખો શેર હોલ્ડર્સ પર ધીરુ ધીરુ રાજ આપણે પણ કરી શક્યા હોત….
  • ઐશ્વર્યા રાયો, વિદ્યા બાલનો કે દીપિકાઓ જેવી બાપડીને મુકો બાજુ પર આપણી પડોશની સોનાડી અને રૂપાડી ‘આપડી‘ પણ હોત!…
  • સચિન તો શતક ચાહે એટલા કરે હવે…એવા ચોક્કા-છક્કાતો આપણી ગલીના નાકેય કેટલા મારી આવ્યા હોત..હુહહ!
  • અરે સાહેબ!….સાવ ગરીબ ઘરમાં પેદા થઇને આખા અમેરિકા અને અમેરિકન્સના ઘરોમાં લિંક આપણે પણ મેળવી શક્યા હોત…

ઓફ્ફ્ફ્ફ!…..થાકી ન જવાય એવા કેટકેટલાં કામો આપણે કરી શક્યા હોત…યાર એ લોકો આપણા સ્વપ્નાઓને સાકાર કરી નામ ખાટી ગયા બોલો! બાકી આપણે જઈએ એવા નહીં હોં!…..

પણ આપણે હજુ ઘણું નથી કરી શક્યા….

…કેમ?…શું કામ?…શા માટે?…

એટલા માટે કે આપણે હજુ સુધી એવા જ સવાલ કરતા રહ્યાં છે. ને કોઈ આવીને જવાબ આપે એની રાહમાં કોઈ મોરલો આવીને ‘આપણા મનની વાત જાણી’ કળા કરી ગયો છે.

આપણે હોત…હોત..હોત…નું ઠંડું માચીસ પકડી રાખી સગડી આગળ બેસી જ રહ્યાં છે.

કેટલાંક દોસ્તોએ પૂછ્યું કે

‘ધંધો કરવાની હામ તો અમારા બ્લડમાંય છે.
વખત આવે શાકની લારી કે પાનનો ગલ્લો કે કપડાંના તાકા ઉપાડી ચાલવામાં કે
ચલાવી લેવામાં નાનમ નથી કે  પત્ની ખીજાવાની નથી.
પણ હિંમત થતી નથી. તો આ શરૂઆતની શરૂઆતમાં જ
લોચા ના થાય એ માટે શું કરવુ??!?!?!?!

નાનકડો જવાબ: કાંઈ પણ થાય આવનારી પાંચ મિનીટમાં….માત્ર એક જ પગલું…જસ્ટ વન સ્ટેપ! ભલે પછી ખૂબ નાનકડું હોય. મુખ્ય ગોલ માટે કરી દેવું.

જેમ કે…

  • મહિનાઓથી વાર્તા કે કવિતા લખવાનું મન જ છે પણ કાંઈ સૂઝતું નથી ને? કાંય વાંધો નહિ રે… તો આવી ’પ્રેરણા’ લેવા ‘બજાજ’ની કિક માર્યા વિના માત્ર પેન-પેપર લઇ બેસી જઈ ને માત્ર એક લાઈન…એક લીટી જેવી આવે તેવી લખી જ દેવી.
  • બ્લોગ શરુ કરવો જ છે?- તો વર્ડપ્રેસ- કે બ્લોગર.કૉમના ફક્તરજીસ્ટ્રેશન ફોર્મ પર આવી ઉભા જ રહેવું. બસ. ભરવાની વાત પછી.
  • નવી પ્રોડક્ટ માર્કેટમાં લાવવી જ છે?- તો જેની પર સૌથી વધુ પ્રેમ છે તે વ્યક્તિને જઈ માત્ર વાત કરી જ દેવી. પછી જન્મતારીખ આપી શકાય તો બોનસ સમજવું. બસ.
  • ગમતી કંપનીમાંથી ઓર્ડર લેવો છે, પણ આવડત જ નથી?- નો પ્રોબ્લેમ!….તો માત્ર એ કંપનીની રિસેપ્સનીસ્ટને માત્ર હાય કે હેલો કહી જ આવવું…(એને હેલ ઉતારવાનું નથી કીધું.. બંધુ!) બસ.
  • અરે!….નોકરીમાંથી ખૂબ કંટાળીને હવે ‘બોસને ફાયર’ કરી પોતાનો ધંધો શરુ કરવો જ છે?- તો કોરા પેપર પર માત્ર એક લાઈનમાં “સર! નોકરી છોડી રહ્યો છું.”નું કવર ટેબલ પર મૂકી છું થઇ જ જવું. પછી એમનું હોવું ન હોવું અગત્યનું ખરું?
  • ઈન્ટરનેટ પર દરરોજ કાંઈક નવું શીખવું છે પણ શું શીખવું છે, જાણવું છે એની કોઈ ગતાગમ નથી. ઊંડો શ્વાસ લઇ લ્યો ને વારેઘડીએ આ લિંક દબાવ્યા કરજો: દર ક્લિકે કાંઈક નવું જ સામે આવશે એની પૂરી ગેરેંટી…





જેટલી બુલેટ્સ ધારવી હોય એટલી…

પિતાશ્રી‘પંચ’

“ટીમમાં ગોલ કરવા માટે જેમ રમતો ફૂટ‘બોલ’ જરૂરી છે તેમ લાઈફમાં ગમતો ગોલ કરવા માટે પણ માત્ર એક ‘બોલ’ જરૂરી છે….શબ્દ-બોલ!…હવે એટલુંયે ન થઈ શકે તો પ…છી…કોઈ ક્યા કરે!?!?!?!

 આમેય…‘શબ’ ક્યારેય બોલતું નથી. એવું મારા મર્હુમ પપ્પા કહી ગયા છે.” – કાચી ઉંમરે પાકે પાયે મુર્તઝાચાર્ય.

આપના કયા સ્વજન કે દોસ્તને આ પોસ્ટ પસંદ આવી શકે?

 

વેપાર વચકો: ‘બદ’નામને બદામમાં ફેરવી નામ કરવાનો એટિટ્યુડ એટલે….?

From Bad Name to Badaam

ઇન્ટરનેટ પર એવી અમૂક સાઈટ્સ છે જ્યાં લોકો વિભિન્ન પ્રોડક્ટ અને સર્વિસની વેલ્યુ શું છે તે જાણવા અને જણાવવા મત આપતા હોય છે. જેવી કે yelp.com. યેલ્પ.કોમ પર લોકો ખાસ કરીને હોટેલ્સ, રેસ્ટોરન્ટની ખાણીપીણી વિશે મતમતાંતર (રિવ્યુઝ) મુકે છે. જેના પરથી જે તે હોટેલ્સ અને રેસ્ટોરન્ટનું વખતોવખત મૂલ્ય થતું રહે છે.

સાન્ફ્રાન્સિસ્કો શહેરમાં એક પિઝાબાર છે. પિઝેરીયા.કૉમ. શરૂઆતમાં કેટલાંક વિઝીટર્સ દ્વારા આ પિઝેરીયાને માત્ર એક સ્ટાર મળ્યો. ત્યાની સર્વિસ, વર્તણૂંક અને ટેસ્ટ વિશે થોડી નારાજગી દર્શાવવામાં આવી. બસ પછી શું!?!?! થોડાં સમય માટે પિઝા તો ગયા ઓવનમાં. પણ તેની આ બાબતની વાઈરલ અસર થઇ.

 અસામાન્ય સંજોગોમાં આવું થાય ત્યારે તેનો માલિક શક્ય છે કે ગલ્લો બંધ કરી ‘બારમાં વયો જાય’ . યા પછી કોઈક મંત્રીસાહેબની જેમ યેલ્પ.કૉમ વિરુદ્ધ ‘કડક’ શબ્દોમાં વખોડી જરૂરી ‘સખત’ પગલાં લેત.

 પણ આ માલિક જરા ‘હટકે’ નીકળ્યો. પોતાના પિઝાબારના Criticize મામલે આવો કોઈ હલ્લો બોલાવવાને બદલે સ્ટાફમાં જઈ ‘હેલ્લો’ બોલ્યો. આ રીતે….

 “હેલ્લો દોસ્તો!…આવનાર ગ્રાહક એક અઠવાડિયાની અંદર યેલ્પની સાઈટ પર જઈ પિઝેરીયા માટે માત્ર એક જ સ્ટાર પર ક્લિક કરી અહીંથીજ ફિડબેક આપશે તેને આપણી કંપની તરફથી આ ટી-શર્ટ તદ્દન મફત!….”

 આટલું કહી પોતાના પિઝેરીયામાં બધાં જ વેઈટર્સને ‘The Most Criticized & Ridiculous One Star’ ના સ્લોગનવાળું ટી-શર્ટ પહેરાવી ફોટોગ્રાફ્સ લઇ સોશિયલ નેટવર્કની સાઈટ પર ભેરવી દીધાં. ને આવનાર દરેક ગ્રાહકને યેલ્પ માટેની આ ઓફર વિશે જાગૃત કરી ત્યાં જ ઇન્સ્ટન્ટ પિઝા આપી મોબાઈલ પર ફિડબેક પણ મેળવી લીધાં.

 બસ….પછી શું?- આજે યેલ્પ.કૉમ પણ એની સર્વિસથી ખુશ છે અને પિઝા ખાનાર પણ.

બદનામની બદામ ખાઈને વેપારમેં નામ કરના તો કોઈ શીખે ઇનસે.

 દોસ્ત પિઝા ‘હટકે’, તે કોઈ એવું કામ કર્યું છે..હોય તો જણાવજે. અને ખાસ તો…આપણા કોઈક વાંચકબંધુ સાન્ફ્રાન્સિસ્કોમાં રહેતા હોવ તો ખાઈ આવી આ બાબતનો ફિડબેક પણ અમને સૌને આપજો પાછા હોં!.  

  • તમારી પર કિચડ ફેંકવામાં આવ્યું હોય ત્યારે કિચડને ‘મડ પેક’માં ફેરવી લલનાઓને ચીટકાવી દેવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • તમારા પર રસવાળું લીંબુ ફેંકવામાં આવ્યું હોય ત્યારે એમાંથી બ્રાન્ડેડ ‘નિમ્બૂ પાની (લેમોનેડ)’ બનાવી વેચવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • તમારા પર રસ વગરનું લીંબુ ફેંકવામાં આવ્યું હોય ત્યારે એમાંથી અથાણું બનાવી વેચવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • વરસાદમાં જ્યારે બધો જ માલ ‘પાણીમાં બગડી ગ્યો’ હોય ત્યારે પણ પોતાને ઠંડા અને ગ્રાહકને ગરમ રાખી છત્રી દેવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • તમે સાચા હોવ ને ખોટા સાબિત કરવાની પેરવી થાય ત્યારે…ખાટા ન બનીને પણ સારા રહેવાની શક્તિ મેળવતા એનર્જી-ટોનિક વેચવાનો એટિટ્યુડ એટલે…પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.
  • અરે!….જ્યારે તમારા ગ્રાહકો કે સ્વજનો પણ વાંકદેખા તૂટી પડતા હોય ત્યારે ખાસ…જાત પર સાબૂત રહી ગુસ્સાને બદલે જુસ્સાભેર ગોલ-અચિવમેન્ટ મિશન ચાલુ રાખવાનો એટિટ્યુડ એટલે...પોઝિટીવ વેપારિક એટિટ્યુડ.

આપના સ્વજન કે દોસ્તને આ પોસ્ટ પસંદ આવી શકે?

 

વેપાર-વિચિત્ર: નેટ પર આ રીતે ‘સરળતાથી માર્કેટ’ મેળવી શકાય છે…

સેમસંગ ‘પંચ’

  • અન્ય કોઈ પણ સરળ (કહેવાતું) ઈલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિકલ ઉપકરણ ખરીદી લાવો. ને પછી…
  • કાં તો અધીરા થઇ તુરંત એ વસ્તુને બોક્સમાંથી બહાર કાઢી વાપરવાનું ચાલુ કરી દો. અથવા…
  • શાંત રહી એ વસ્તુ ‘સરળતાથી’ કરી રીતે વાપરવી તેની માહિતી માટે યુઝવલી બોરિંગ થવાય તેવી ૧૦-૧૫ ભાષામાં પ્રિન્ટ થયેલા યુઝર-ગાઈડમાંથી માત્ર એક વાર જાણી. ને પછી…
  • મહિનાઓ બાદ ધૂળ ચડેલી હાલતમાં પસ્તીમાં નાખી દો.

પણ સેમસંગનો (એન્દ્રોઈડ બેઝ્ડ) ટોક્કો-લાઈટ મોબાઈલ લાવો ત્યારે ઉપર મુજબ બધું કરવાને બદલે સાચે જ સરળતા આપે તેવી ગાઈડ પણ કાઢી ને પછી વિડીયો-ક્લિપ મુજબ વાપરવાનું શરુ કરી લ્યો……..

એટલે જ સેમસંગ જેવી કંપની પોતાના આવા ઘણાં ક્રિયેટીવ-કાર્યો વડે આજે એપલ કંપની સાથે ખરી ટક્કર લઇ રહ્યું છે. આવું મેન્યુઅલ કાંઈ ઓટોમેટિક થોડું બની જાય છે….

ગ્રાહકને સરળતા મળે એવી વસ્તુ કે સેવા માર્કેટમાં આપણે આપી તો શકીએ છીએ. પણ ‘સરળતા’ ખરેખર ક્યાં સુધી ટકે છે…?!?!?!  હવે બીજા કરતા સાવ જ હટકે કામ તમે તમારી કોઈક એવી પ્રોડક્ટ માટે કર્યું હોય યા પછી કરવાનો કોઈ પ્લાન હોય તો જણાવશો?

===========================================================

બીજગણિત સર ‘પંચ’

વિષયનું સાચું ‘બીજ’ ગણિત આ રીતે…

સ્કૂલ અભ્યાસ વખતે મને બીજગણિત તરફ અણગમો ખરો. પણ નફરત નહિ.

ત્યારે (A +B)2   =  A2 + 2AB + B2  ખરેખર કઈ રીતે થાય છે?- એ જણાવવા વાળા કોઈ માસ્તર ન હતા. પાછલી પોસ્ટ માં જણાયું તેમ…માસ્તરથી માસ્ટર આમ બતાવીને પણ બની શકાય છે..

હવે તો બીજા ઘણાં હોઈ શકે. પણ આજે માહિતી-મહાસાગરમાં જો આપણને ઘર બેઠે વિડીયો દ્વારા આવા બીજગણિતને બહુ સરળતાથી પચાવવું હોય તો આ માસ્ટર બાવાજી…. ખુરશીદ બાટલીવાલા પાસેથી પણ દિમાગનું ‘ઢક્કન’ ખોલવા શરમાવું જોઈએ?!!!- જરાય નહીં બાપલ્યા!

બોલો હવે તમે ભલે માસ્તર ન હોઈ શકો પણ આવા અનેકવિધ વિષયોમાં સમજાવવાની માસ્ટરી હોય તો ઈન્ટરનેટ પર તમારો વિડીઓ પણ મૂકી શકો છો, તમારી સ્કિલ્સનું વેચાણ આ રીતે પણ થઇ શકે છે…ખરુને? –

એની વે…જ્યારે પણ મુકો એટ-લિસ્ટ આ નેટ-દોસ્તને જણાવજો. સાહેબ!

“વિદ્યાર્થીને સારા માસ્તર કરતા સરળ માસ્ટરની સતત શોધ રહેતી હોય છે.” – મુર્તઝાચાર્ય

બ્લોગ તમારો…લેખ અમારો….વાચા આપણા સૌની! – નેટ વેપાર પર!

 

વેપાર વિમાસણ: દોઢશો વસ્તુઓ લઇને આવુ કે ન આવુ?

Green-Info-Funnel

એક વાંચક-દોસ્તનો વન-લાઈન ઈ-મેલ મળ્યો.

“સાહેબ! આપડી પાશે દોઢશો વસ્તુઓ પડી છ. બોલો વેચવા નેટ પર આઈ જવું કે નાં આઉ?”

સહેલો-સટ જવાબ: હા ! ભાઈ…..નેટ પર આવી જાવ પણ દોઢશો વસ્તુઓ લઈને નહિ. માત્ર એક વસ્તુ જ લઈને.

શાં માટે?

લાંબો-લચક જવાબ: તમારી પાસે દોઢસો વસ્તુઓ (હોઈ શકે) છે. તે માટે સૌ પ્રથમ તમને પ્રોડક્ટસ-પતિ બનવા બદલ અભિનંદન. હવે જરા સમજીને વાંચશોજી.

ઇન્ટરનેટ એક માધ્યમ છે. જેમાં તમને લેવા અને આપવા માટેની માહિતીને સારી રીતે ફિલ્ટર થવા દેવા માટે એક ગળણી (ફનલ)ની જરૂર પડે છે. આ ગળણીમાં વસ્તુને લાગતાં પરિબળોનું અસરકારક ફિલ્ટરિંગ ત્યારે થાય છે…જ્યારે તેને પ્રમાણસર માત્રામાં ઉતારવામાં આવે છે.

પહેલું એ….કે તમારી પાસે જે વસ્તુઓ છે. તેમાં સૌથી ગમતી વસ્તુ તમને કઈ લાગે છે?- જે હોય તે. થોડો સમય બાજુએ મૂકી દો. શક્ય છે તે તમને ત્વરિત સફળતા ન પણ અપાવે. કેમ કે નેટ પર પણ ‘નેટશાહી’ છે. લોકોને શેની સૌથી વધુ જરૂર છે તે સંતોષકારક રીતે આપનાર નાગરિક ‘લિડર’ બને છે.  

એ દોઢસોમાંથી એ વસ્તુ પર વધારે નજર નાખશો જે વિશે લોકોની સૌથી વધુ ‘માંગ’ રહે. જે માટે તમને તમારા દોસ્તો, વેપારી દોસ્તો અને હરીફ-વેપારીઓ નો મત મેળવવો ઘણો જરૂરી બનશે. ઓનલાઈન પર આવતા પહેલા ઓફલાઈન પર આ ‘સર્વે’નું કામ તમને એક રસ્તો બતાવશે…વેચવાનો એક સિરસ્તો બતાવશે.

બીજું એ….માત્ર એક પ્રોડક્ટ ઓફરની શરૂઆતથી તમને તેના એવા જ જરૂરી ગ્રાહકો મળે છે જેમને ખરેખર તે વસ્તુમાં ‘રસ’ હોય છે. પછી ધીમે ધીમે એ ટ્રેઇનિંગ પણ આપમેળે મળતી જશે કે રહેલા બીજા એકસો ઓગણપચાસ ડબ્બાઓની ટ્રેઈન કયારે દોડાવવી.

દોઢ ડાહ્યા થઇ નેટ પર આખે આખો રિટેઈલ સ્ટોર્સ મુકવા કરતા એક પ્રોડક્ટ ઓફર વધુ ફરફરતી સફળતા આપે છે. દોઢસો લઈને દોડશો નહિ…ભઈશાબ!

Everything Starts with ONE and ‘One’ is a New ‘One-Fifty’ in Net World.”મુર્તઝાચાર્ય.

દોસ્તો, તમારી પાસે કઈ એવી વસ્તુઓ છે જેને નેટ પર વહેવડાવવા તડપી રહ્યા છો?- કોમેન્ટ બોક્સ અને મેઈલ-બોક્સ બંને ખુલ્લા છે….તમારા માટે !

પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: World Wide Rave- દેખતી હૈ દુનિયા…‘બઝ’ દિખાનેવાલા ચાહિયે…

કેટલાંક દોસ્તો એ જવાબ શોધવાની (સમજોને ઉંદર જેવી દોડાદોડી :-)) કોશિશ તો સારી એવી કરી. અશોકભાઈ, દીપમભાઈ, પ્રયાગભાઈનો પ્રયાસ સારો રહ્યો. શકીલભાઈ તો પાછલે બારણે આવી ‘વાઈરલ માર્કેટિંગ’ જવાબ પણ આપી ગયા.  

પણ..પણ..પણ…દોસ્તો, સાહેબો તમને તો ખબર છે કે…મને આડા ઉ(તરવું) બહુ ગમે છે. એનું મુખ્ય કારણ છે કે ‘હટકે’ એવા માર્કેટર્સ-ગુરુઓની સોબત તેવી અસર. આ ડેવિડ મિરમેન સ્કોટ પણ એમાંના જ. તમે એની એક ઝલક સ્ટિવ શાઝિનની આ વાર્તામાં જોઈ લીધી હશે. તેના વ્યક્તિત્વ વિશે પણ ખાસ અલગ પોસ્ટ લખી શકાય.

ખૈર, આ ‘વર્ડ ઓફ માઉસના’ વર્લ્ડની આબાદી અને બરબાદીની ઇન્ટરનેશનલ કથાઓ તો ઘણી આવી ગઈ છે…ને આવતી રહી છે. એ બધાંમાં ‘સફળતા’ અને ‘સુપર-ડુપર સફળતા’ વચ્ચે તફાવત માત્ર એક શબ્દનો છે. ‘બઝ’. જેમ મધમાખી ઉડતી વેળા જે ગણગણાટ કરે છે તેવું બઝીંગ તમારી ખુદની પ્રોડક્ટ કે સર્વિસમાં આપ મેળે થાય તો તમને કેવું લાગે?

સેઠ ગોડીને આ ‘બઝ’ શબ્દને ૧૦ વર્ષ અગાઉ માર્કેટિંગમાં ફેરવ્યોને એ શબ્દની બસમાં બેસી ડેવિડભાઈ સ્કોટે નાનકડી ફ્રિ બુકલેટ લખી…‘વાઈરલ માર્કેટિંગ’. પણ એટલાથી એમને બસ ના થયું. ને ૨૦૦૭માં એમણે આ બુકને રબરબેન્ડની જેમ થોડી ખેંચી નામ આપ્યું: The New Rules of Marketing & PR. જેની ગણના એમેઝોન અને ન્યુયોર્ક ‘બેસ્ટ સેલિંગ’માં થઇ. જે પછી આ ભાઈ તો માર્કેટિંગના ‘ડેવિડ’ બની ગયા. ને એ દ્વારા મળેલા સેંકડો ઉદાહરણોને એકઠાં કરી ૨૦૦૯માં એક ખાસ મસાલેદાર અને મસ્તીખોર બૂક બહાર પાડી……

 World Wide RAVE

World_Wide_Rave_Bookયેસ ! દોસ્તો…સાચો જવાબ આ છે.

હવે તમે જ વિચારો જે માણસ પોતાની દ્રષ્ટીએ લખેલા માર્કેટિંગના નિયમોની સિદ્ધિ મેળવી શકે તે પોતાની ‘બૂક’ને પણ આ રીતે બંધ ‘રેવા’ દે?- એટલે ડેવિડ સાહેબે પોતાની બૂકને જ ‘રેવ’ના નિયમો લાગૂ પાડી સુપર-સફળ બુકમાં ફેરવી દીધી છે.

WWR ( ટૂંકમાં World Wide Rave)  આવા જ ‘બઝ’ની ઘણી બધી કથાઓ અને ઉદાહરણોની સફર કરાવતી એક લક્ઝરી બસ છે.

RAVE એટલે એક એવી રચનાની ગોઠવણી જેમાં તમારી પ્રોડક્ટ્સ કે સેવાને લેવા માટે, મેળવવવા માટે લોકો ગાંડા બને…ને બીજાને ગાંડા બનાવે. પછી ભલે ને તમે રાંચીમાં હોવ કે કરાંચીમાં, નાગપુરમાં હોવ કે નાગાલેન્ડમાં, અથવા ધોળકામાં હોવ કે ડેલાવેરમાં. લેટેસ્ટ ઉ.હ. એપલ કંપનીની બહાર પડતી દરેક પ્રોડક્સ. અને ગૂગલની બહાર આવતી દરેક સેવાઓ. WWR આ પ્રક્રિયાની એકડે મીંડે દસથી શરૂઆત કરે છે.

જેમ પાછલી પોસ્ટમાં જણાવ્યુંને કે….તમારી એક વેબસાઈટ હવે ‘મીની મલ્ટીનેશનલ’ દુકાન બની ગઈ છે. જો એમાં કોઈક એવી બાબત બીજાને ‘હટકે’ લાગે તો સમજી લ્યો કે તમને લોટરી લાગે. પણ માત્ર ‘વેપ્શાઈટ’ બનાવીને રાખો તો પછી નોટરીયે કામમાં નહિ આવે. WWR તમારી પ્રોડકટ કે સેવામાં આ ‘લોટરી લગાઉં’ ફેક્ટરને મેળવવામાં મદદ કરે છે.

આપણે ઘણી વાર જોઈએ છીએ કે…ક્રિકેટ કે અન્ય મેચ જોતી વખતે પ્રેક્ષકોમાં ઉભા થઇ હાથોં ઉંચા કરતી એક યુનિક ‘વેવ’ આખા સ્ટેડિયમમાં ફરી વળે છે. આ પણ એક પ્રકારની ‘રેવ’ છે. કોઈક એવો ‘માઈ કા લાલ’ છગન-મગન શરૂઆત કરે છે ને બઝ…પછી શરુ થાય છે છટકેલોની હારમાળા…- આવું આપણે પણ પ્રોડક્ટ-સેવામાં કરી શકીએ છીએ. જરૂર છે. માત્ર ‘ઉભા થવાની’. ત્યારે બીજાને આ રીતે ઉભા કરવાની કળા ડેવિડ ચાચા WWR માં બહુ અશાંતિથી બતાવે છે. કોલા સાથેનો હલ ત્યારે જ થાય જ્યારે ખરેખર ‘કોલાહલ’ થાય. (ઉ. હ: અય્યો યેમ્મા ! કોલાવેરી ડી…કોણ બોલ્યું?)   

ઘણી એવી પ્રોડકટ્સ હોય છે જેને આપણા ગામમાં કોઈ ભાવ પણ ન આપતું હોય પણ કોઈક બીજી જ જગ્યા એનો ભાવ ખૂબ ઉંચે જઈ શકે છે. ત્યારે નેટ પર આવો ‘ભાવ’ મેળવવવા માટે શું કરું જોઈએ? અલબત્ત…. ‘Charity Begins at Home‘ જેમ આખી દુનિયામાં ‘રેવ’ ફેલાવવા શરૂઆત ઘરમાંથી કરવી પડે”. આવું સાચું મનાતું વાક્ય ખોટું પડતું જોવું હોય તો WWR નામનો અરીસો લઇ આવવો જોઈએ.

સવાલ: વસ્તુ કે આઈડિયાને સાચી રીતે બતાવવા માટે આપણા શબ્દો, આપણી પેશકશ, આપણી છંછેડવૃતિ કેટલી અગત્યની છે?

જવાબ: તમે ખરા દિલથી કહી શકો એટલી. દિમાગ એની રીતે ફોડી લેશે.   

સવાલ: શું લોકો ખરેખર તમારી પ્રોડક્ટ કે સેવાને દિલથી પ્રેમ કરે છે?-

જવાબ: ના. લોકો માત્ર પોતાનો ‘સ્વાર્થ’ જ જુવે છે.

સવાલ: શું મફતમાં આપણે ધંધો કરી શકીએ છીએ?

જવાબ: હા ! કરી શકીએ. પણ ‘કિંમત’ ચુકી ના જવાય એની તૈયારી સાથે.

ઉપર મુજબના ઘણાં પા‘રેવ’ડાં પ્રશ્નો આપણા મનમાં ઉડાઉડ કરતા હશે.- ખરુને? આવા સવાલોના પદ્ધતિસર જવાબ મેળવવા માટે WWR ની ઉડતી મુલાકત લઇ લો તો માનસિક સ્વાસ્થ્ય સારું રહે એવી ગેરેંટી (ડેવિડભ’ઈ તો નહિ પણ) આ મુર્તઝાભાઈ આપે છે.

એ સાથે સાથે….

  • નાનકડા ‘આઈડિયા’નું બીજારોપણથી લઇ પ્રોડક્ટ કે સર્વિસનો રોકડીયો પાક લણવાનું શીખવા….
  • ધંધાના ધર્મની કથા કઈ રીતે કરવાનું એ શીખવા…
  • ગ્રાહકો ‘હક કે સાથ’ તમારી વસ્તુના ‘વાસ્તુ’ માટે લાઈન કઈ રીતે લગાવી શકે એ શીખવા…
  • માર્કેટિંગનો મોરલો કળા તો કરી જાય ને પછી એનું ટેહૂંક.. ટેહૂંક આખા નેટ-જંગલમાં સંભળાય એવું રેકોર્ડિંગ કરવા માટેના જરૂરી સાધનો વસાવવાનું જ્ઞાન લેવું હોય તો…

 એ માટે WWR (વાઈલ્ડ વેસ્ટર્ન રેલ્વે)ની ટીકીટ બૂક કરવી જ પડે.  

ત્યારે બાપલ્યા !….હવે જેને હાચે હાચ નેટ પર ધંધો કરવો જ હોયે તો બીજું બધું બાજુએ ‘રેવા’ દ્યો ને લઇ આવો વાઇડી ચોપડી….

યાર !…‘રેવ’ડી કાંઈ કોઈ એમને એમ થોડી આપી દેશે !?!?!?!

સર‘પંચ’

દુબઈના એરપોર્ટ પર જાહેરાતની એક નવી કળા.. ‘ફ્લેશ મોબિંગ’

લોકોનું ટોળું જ્યાં વધુ રહે છે. ત્યાં ત્યાં…એક ક્રિયેટિવ ‘રેવ’ સર્જાય છે. ફ્લેશ-મોબ્સ તરીકે ઓળખાતા આ લોકો અચાનક ક્યાંકથી પેદા થઇ ગાઈને, બજાવીને કે નાચીને આડકતરી રીતે કોઈક સેવા-પ્રોડક્ટનું પ્રમોશન કે જાહેરાત કરી જાય છે.

આવી જ ઘટના દુબઈ એરપોર્ટ પર થાય ત્યારે…..


વેપાર વાઇરસ:: મેઇડ ‘આઉટ’ ચાઈના ટાઉન !

એનું નામ આદમ હન્ફ્રી. વેકેશનમાં તેને ફરવા માટે ચાઈના જવું હતું. એટલે ફોર્મમાં આવીને તે ઇન્ટરનેટ પર ચાઈનીઝ કોન્સ્યુલેટની વેબસાઈટ પર લાંઆઆઆઆમ્બુ-લચક વિઝા-ફોર્મ ભરવા લાગી ગયો. હિસ્ટ્રી-જ્યોગ્રાફિ અને સિવિક્સના મરી-મસાલાથી ભરપુર એવા આ ફોર્મ ભરવામાં જ તેને ખાસ્સો એવો સમય કાઢવો પડ્યો. કહેવાય છે કે ભણવા માટે ચીન પણ જવું પડે તો જાઓ. પણ અહીંયા તો ભણી-ગણીને જવું પડે એવી હાલત થઇ ગઈ.

ખૈર, ઓનલાઈન ફોર્મ ભરી પ્રિન્ટ-આઉટ લઇ બીજા જરૂરી એવા ડોક્યુમેન્ટ્સ લઇ આદમ હમ્ફ્રી ન્યુયોર્કની ચાઈનીઝ કોન્સ્યુલેટમાં વિઝા એપ્લાય કરવા માટે આવી ગયો. પણ ત્યાં પહોંચ્યા એને બાદ ખબર પડી કે વિઝા-એપ્લીકેશનનું ફોર્મ તો સાવ બદલાઈ જ ગયું છે. જે ફોર્મ ઓનલાઈન ભરવાનું હતું તે બીજું જ હતું……ભેંસ ગઈ હડસન નદીમાં !

શાંત ચિત્ વાળા આદમભાઈને ગાંધીગીરી કરવાનો પહેલો મોકો મળ્યો.

“સર ! આપ મને નવા ફોર્મ માટે મદદ કરી શકશો?

“ના, નહિ કરી શકીએ.”

“સર ! આપની પાસે બીજું પ્રિન્ટેડ ફોર્મ મળશે?”

“ના, નહીં મળે.”

“સર ! નજીકમાં કોઈ સાયબર કેફે છે?”

“હા ! છે. બર્ગર-કિંગમાં”

ખોરા આદમી જેવા એમ્બેસીના ઓફિસરોને તો અસહકારનું આંદોલન કરવું હતું એટલે આદમભાઈને મોકલી આપ્યો નજીકમાં આવેલા બર્ગર-કિંગ ફાસ્ટ-ફૂડની અંદર રહેલા સાયબર કેફેમાં. જ્યાં જઈ તેને બીજું એક નવું ફોર્મ ભરવાની નવેસરથી શરૂઆત કરવાની હતી.

આદમભાઈ આવી પહોંચ્યા એ કેફેમાં જ્યાં તેના જેવા બીજા ઘણાં ફસાઈ ગયેલા ‘આદમી’ ઓ દેખાયા. એ સૌ ત્યાંના કોમ્પ્યુટર પર ફોર્મ ભરવામાં મશગૂલ હતા. હજુયે શાંત ચિત્તની અસર હેઠળ રહેલા આદમને ત્યાં મગજમાં એક ચમકારો થયો. માથા પર ચમકેલા એ બલ્બમાંથી તેના દોસ્ત સ્ટિવન નેલ્સનનો નંબર દેખાયો.

“સ્ટિવ, એક જોરદાર આઈડિયા આવ્યો છે. તારી મદદની સખ્ત જરૂર છે. બસ અમલ કરવો છે માટે એક મોટી પેન્સકી-વાન ભાડે જોઈએ છે. આ ચીનાઓની કોન્સ્યુલેટ બહાર લઈને આવી જા.” –

સમજો કે ગાંધીગીરીનો હવે આ બીજો એક મોકો હતો.

સ્ટિવે તો આદમની આ વાત પર બીજી ઘડીએ સહકાર નોધાવી દીધો. ને પછી કોઈ સર્ચ- રિસર્ચ- બિઝનેસ મોડેલ પર બહુ લાંબી ચર્ચા કર્યા વગર…કોઈ પણ પ્રકારની બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી લીધા વિના કે પછી કોઈ પણ માસ-મોટું રોકાણ કર્યા વગર…બે દિવસ બાદ શરુ થઇ ગયો મોબાઈલ વિસા કન્સલ્ટન્સી બિઝનેસ.

એક લેપટોપ, એક પ્રિન્ટર, બે-ત્રણ ખુરશીઓ, એક અલગ તરી આવે એવો બ્લ્યુ ગણવેશ ધારણ કરી અને ૧૦ ડોલરની ફીમાં આદમે ઓનલાઈન ફોર્મ ભરી આપવાનો આ નાનકડો ‘બિઝનેસ’ હજુ સાડા ૩ મહિના પહેલા જ શરુ કર્યો છે. ઓફ કોર્સ કમાણીની મધ્યમ શરૂઆત તો થઇ જ ચુકી છે અને સર્વિસની સુવાસ ફેલાવા પણ ફેલાવા લાગી છે. ગ્રાહકો વધવા લાગ્યા છે એટલે ફી પણ ૨૦ ડોલર વધારી દીધી છે. પછી તો તેના દોસ્ત નેલ્સનની મદદ સાથે-સાથે એક ચીની-મીની દોસ્ત પણ જોડાઈ ગઈ છે. જે ચાઈનીઝ ભાષાની અનુવાદક છે.

Adam's-Visa-Consultancy-Service

આ ત્રણેઉ ભેગા મળી દિવસના આશરે ૫૦૦ ડોલર્સની કમાણી વાનમાં બેઠાં બેઠાં કરી લ્યે છે. વેપારના તેમના આ ધર્મમાં જો કોઈ બૌદ્ધ સાધુ ગ્રાહક તરીકે આવે છે તો તેને ૫ ડોલરનું ડિસ્કાઉન્ટ પણ આપી દે છે… એમ માનીને કે તેમના થકી થોડું હજુ વધુ સારુ ‘સદ્કર્મ’ થઇ શકે!…!

દોસ્તો, એ તો શક્ય છે જ કે દુનિયામાં આવા તો દરરોજ અગણિત કેટલાંય આદમો જન્મતા હશે ! એવી ઘણી કથાઓ છે…વ્યથાઓ છે. જેમાં કેટલાંક પોતાની જાતે ઉઠતાં હશે ને બાકીના પર‘પોટા’ની જેમ ફૂટતાં હશે. આ તો જેનું ‘ફોર્મ’ લાંબુ હોય છે તેની ચર્ચા થાય છે.

તમારી કે તમારી જાણમાં હોય એવી વ્યથા છે જેની કથા થઇ શકે?       

“તકલીફમાંથી તકને જે લીફ્ટ કરી જાણે એ ખરો ‘આદમી’.”

– મુર્તઝાચાર્ય 🙂

સર‘પંચ’

બિના મચાયે શોર…ચોરી કર જાયે ચોર…

ડાયલોગ્સ વગરની CCTV માં ઝડપાયેલી (કે બનાવાયેલી) એક હટકે એડવર્ટાઈઝમેન્ટ જોવી હોય તો જોઈ લ્યો….પછી કશુંયે બોલવું ‘ની’ પડે ને પાછી જોવા મજબૂર કરી દેશે એની ગેરેંટી….જી!

દોસ્તો, તમારા કોઈ એવા સ્વજન છે જેમને આ બ્લોગ-પોસ્ટ મદદરૂપ થઇ શકે?-