સવારમાં એક નેટ-દોસ્ત તરફથી સવાલ આવ્યો. તેમને ‘પૌષ્ટિક’ જવાબ આપવો જરૂરી લાગ્યો એટલે ‘પોસ્ટ’ રૂપે આપ સૌની સાથે….
“મુર્તઝાભાઈ, એક પ્લમ્બિંગ-ઇલેક્ટ્રિક જેવી રોજમરાની જરૂરિયાતના ઉપકરણોના રિપેરિંગની સુ-વ્યવસ્થિત ધંધાદારી સેવા શરુ કરવાનું વિચારું છું આપ જણાવી શકો આ વિચાર કેવો છે? માર્કેટિંગ કેમ કરવું ? અલબત્ત શરૂઆતમાંજ અને બીજા ક્યા ક્યા ક્ષેત્ર આમાં આવરી શકાય?”
જવાબ:
“ ભાઈ, પહેલા તો પ્લમ્બિંગ-ઇલેક્ટ્રિક જેવા કામોની સ્કિલ્સની બક્ષીશ મળી (અને ભળી) છે તે માટે અભિનંદન. જે કામ કરવાનું તમતમતું પેશન હોય અને માત્ર એક ગ્રાહક તરફથી ‘પ્રોફેશનલી કરવાનો ઓર્ડર’ આવ્યો હોય તો ‘યા હોમ’ કરીને ઘરેથી પણ શરૂઆત કરી દેવી.
એટલાં માટે કે એવાં કામોમાં તકોની ભરમાર રહેલી છે. જેમાં દિવસે-દિવસે અનુભવના જોરે વધુ ખીલવાની તકો પણ મળતી રહે છે. ખાસ કરીને મોબાઈલ્સ અને ઘરેલું ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને જાતે રિપેર કરવું બીજાં લોકો માટે ટીડીયસ લાગતું હોય છે અને જો તમે પોશાય એવાં ભાવમાં સેવા આપી શકો તો થોડાં જ અરસામાં રીપેરેબલ ગેજેટ્સનો ખડકલો થઇ શકે છે.
ધ્યાન રાખવા જેવી બાબતો:
• ઉપકરણમાં રહેલા પ્રોબ્લેમનું (ઈમાનદારી સાથે) સ્પષ્ટ સોલ્યુશન આપશો. શક્ય છે બીજાં ઘણાં લોકો ન આપી શકે. ત્યારે એવાં વાતાવરણમાં તેનો ભરપૂર લાભ લઇ-આપી શકો છો.
• જો નાનકડી અને આરામદાયક જગ્યા પહેલેથી તૈયાર હોય તો સારું. બાકી ‘ધંધો કરવા માટે ખાસ જગ્યા’નો ખર્ચો બચાવી રસોડા અથવા ભંડકિયાથી શરૂઆત કરી શકાય. (પછી કામ વધે ત્યારે થયેલી પ્રોફિટથી ખિસ્સા અને જગ્યાનું ક્ષેત્રફળ આપોઆપ વધવાનું જ છે.) [રેફ: એપલ, માઈક્રોસોફ્ટ…]
• ઉપકરણોને રિપેર કરનાર સાધનો-tools પણ થોડાં લેટેસ્ટ અને મજબૂત (સમજો કે મોંઘા) હોય એવાં રાખવા. (એમાં ‘ચાઈનાપણું ન જ કરવું.).
• એક વાર રિપેર થયેલું સાધન બરોબર ચાલે છે ને?- એવું અપડેટ કસ્ટમર પાસેથી સમયાંતરે મેળવતા રહેશો તો નાનકડા મોબાઈલથી મોટી ઇન્ડસ્ટ્રીઅલ મશીનરીનું રિપેરિંગ કામ પણ વગર જાહેરાતે મળી રહેશે.
• ખૂબ મહત્વની વાત: ‘ખુદના ઘરેલું પ્રોબ્લેમ્સ’ની અસર ગ્રાહકના ઉપકરણ પર ન પડે એનું ખાસ ધ્યાન રાખવું. (નહીંતર નહીંતર કાતર અને કાનસ બંનેની નેગેટીવ અસર કસ્ટમર પર પડેલી દેખાશે.)
• “ટોટલ કેશ, નો ક્રેડિટ” માં સર્વિસ. થયેલા તમારા કામથી નીકળેલો બધો પસીનો સુકાઈ જાય એ પહેલા રોકડાં પણ હાથમાં આવી જાય એવી અકસીર વ્યવસ્થા શરૂઆતથી કરવી. ધંધો..ધંધો તરીકે જ દેખાય એ જરૂરી, નહીંતર ચેરિટેબલ સંસ્થાઓના ટેબલ પર પણ ધૂળ જામેલી રહે છે.
હવે બોલો, આટલું દિલથી કર્યું હોય….પછી માર્કેટિંગ કરવાની જરૂર પડશે ખરી?- જાવ ફતેહ કરો અને અમને સૌને ફોટો સાથે અપડેટ કરશો. થોરામાં ઘન્નું ચ !
મોરલ મદદ: જેમને નવા ટૂલ્સ લેવા હોય તો અહીંથી પણ મળી શકે છે ખરા…
ન્યુટન હોય કે મૂર…પાઈથાગોરસ હોય કે ગોસ. આર્કિમીડીઝથી લઇ…ઝેલ્ડા સુધી સૌએ પોતપોતાનો નિયમ બનાવી જૈવિક રીતે ભૌતિકશાસ્ત્ર વિષયને બહુ કેમિકલી લોચાવાળું કર્યું છે. એટલેજ વર્ષોથી અગણિતનાગરિક ‘લો’કો આ નિયમને અનુસરી વિજ્ઞાનમાં કાંઈક બીજું નવું સિદ્ધ કરતા રહી નિયમાવલીમાં વધારો કરતા રહ્યાં છે.
ખૈર, એક દોસ્તના આવા જ મળેલા નિયમોના ઈ-મેઈલમાં કોઈકે કરેલા એવા પણ નિયમો પણ સર્જી નાખ્યા છે જેનાં વિશે આપણે જાણકાર હોવા છતાં અજાણ રહીએ છીએ. ‘લો’ ત્યારે તમેય આવા જ કેટલાંક ‘લો’નાં ભાષાંતર દ્વારા પ્રગટેલી કેટલીક નવી ગરમાગરમ ‘લો’…લઇ ‘લો’ ….
કતાર (લાઈન)નો નિયમ: કોઈ અગત્યના કામસર ક્યાંક લાઈનમાં ઉભા રહેવું પડે છે. તે વખતે કોઈક લાંબી લાગતી લાઈન છોડી આપણે બીજી ટૂંકી લાઈનમાં ટ્રાન્સફર થઈએ છીએ ત્યારે આપણે છોડેલી લાઈન ધનાધન ટૂંકી થવા માંડે છે. આવા નિયમો તમે કતારમાં હોવ કે કેન્યામાં… સ્વિડનમાં હોવ કે લંડનમાં…મૂંઝવણ એ છે કે હારની આ માળાને જીતવી કઈ રીતે?
ટેલિફોનનો નિયમ: ખરે વખતે જ્યારે ઓર્ડર કન્ફર્મ કરવાનો હોય ત્યારે જ ખૂબ જરૂરી નંબર ‘બિઝી’ કે એન્ગેજ ટોન આપે છે. કમબખ્ત ખોટા નંબર ડાયલ કરીએ ત્યારે કોઈ પણ ‘પાર્ટી’ ક્યારેય ‘એન્ગેજ’ નથી હોતી…હવે એમાં બોલવું શું?
બસનો નિયમ:જ્યારે જરૂર ન હોય ત્યારે જ સો-બસો જેટલી ઢગલાબંધ બસો આપણી આસપાસ પસાર થઈ જાય છે. ને ખરી જરૂરતે એક પણ બસ ‘ઓન ટાઈમ’ આવતી નથી. બસ!..બહુ થયો આ ત્રાસ! કોઈક રસ્તો કરો હવે આનો!
રિપેરિંગનો નિયમ: ભરચક ટ્રાફિકમાં કે કાતિલ ગરમીમાં ફસાયા હોઈએ ત્યારે જ આપણી ગાડી પાણીમાં બેસી જાય છે. ત્યારે શૂરવીર બની ગ્રિસવાળા કાર્બ્યુરેટર કે પાણીવાળા રેડિયેટર સાફ કરતી વખતે જ નાક કે પીઠ પર ખંજવાળ આવે છે.
લેબોરેટરીનો નિયમ: કોઈક સંવેદનશીલ પ્રક્રિયા થતી હોય ત્યારેજ ટેબલ પરથી જરૂરી એવું સાધન બેઇઝની અસર હેઠળ દાવ કરી કોઈક એવી જગ્યાએ પડી જાય છે જેને મેળવવા આપણે એસિડિક (જ્વલનશીલ) બનવું પડે છે.
બાથરૂમનો નિયમ: શરીરે ભરપૂર સાબુ ચોળ્યો હોય ત્યારે…જ…ટેલિફોનની રીંગ વાગે છે. કોઈક રીતે વ્યવસ્થા કરી ફોન રિસીવ કરી પણ લઈએ ત્યારે રોંગ નંબર હેઠળ એમાં ક્યારેક આપણું બેન્ડ પણ વાગી જાય છે.!
ઝડપાઈનો નિયમ:કોઈક દૂર આવેલી હોટેલમાં આપણી ‘વ્હાલી’ સાથે કે પછી ક્લાયન્ટ સાથે પ્રાઈવેટ મિટિંગ કરવાના હોય ત્યારે જ…કોઈક કહેવાતું સ્વજન આપણી સામે દુર્જનની જેમ ભટકાઈ પડે છે. સામાન્ય ઝડપ કરતા ઝડપાઈ જવાનો આ નિયમ ઘણો ધીમો છે. પણ તેની અસર બહુ વાઈરલ છે.
કૉફીનો નિયમ: તમે ‘રીલેક્સ’ થવા માંગો છો ત્યારે ગરમાગરમ ચોકલેટ-કૉફીનો મગ ભરી લાવો છો. ત્યારે જ…બોસનો ‘જસ્ટ થોડું જ કામ’ માટેનો કોલ આવે છે. ને ઘણાં સમય બાદ પાછા રિલેક્સ થવા તમારા ઠંડા મગને જોઈ તમને ગમ કરવો પડે છે.
બોસનો નિયમ: જ્યારે તમે સૌથી વ્હેલા આવો છો ત્યારે જ બોસ કાં તો મોડો આવ્યો હોય છે યા પછી ગાયબ હોય છે. ને જ્યારે બોસ સૌથી વ્હેલા આવ્યો આવ્યો હોય ત્યારે જ…તમે જ મોડા પડો છો. ને પછી નીચે મુજબનો ગૂગલીનો નિયમ વાપરવો પડે છે.
ગૂગલીનો નિયમ: “કેમ મોડું થયું?” એવા સવાલની સામે આપણને બોસને એવું સમજાવી દેવું પડે છે કે “સાહેબ, રસ્તામાં ટાયરની હવા નીકળી ગઈ’તી!..”- ને સાચે જ થોડાં સમયની અંદર આપણી પણ હવા નીકળી જાય એવી ઘટના બને છે.
સિનેમાનો નિયમ: થિયેટરમાં આપણને એવી નજીકની જગ્યાએ જ ખુરશી મળે છે…જ્યાંથી કેટલાંક પ્રેક્ષકો મોડા આવી વિક્ષેપ પાડી આપણી જ આગળથી પસાર થાય છે. હવે આ બાબતે કોની બત્તી ચાલુ રહે?
દોસ્તો, આવા તો કંઈક એવા બીજા નિયમો રચાયા છે…રચાઈ રહ્યા છે ને આ યમ છે ત્યાં સુધી હજુયે રચાત રહેશે. એટલેજ..
“દોષી મરે એનો વાંધો નહીં..પણ (નિ)યમ’ ઘર ના ભાળી જાય એનું ધ્યાન રાખવું..બસ બીજું શું?”. – મુર્તઝાચાર્ય
જાવ ‘ચા’ લો હવે.
સર‘પંચ’
બટન દબાવ…પિઝા ખાવ!
દુબઈમાં શરુ થયેલી ‘પિઝેરીયા’ની એક અનોખી સર્વિસ. જ્યાં રેફ્રિઝરેટર પર મુકવામાં આવતા મેગ્નેટ-બટન દબાવતાં ઓવનમાંથી પિઝા ડિલીવરી આપવામાં આવે છે. કઈ રીતે?- ફિલ્મ જોઈ લેવા જેઈ ખરી.
જે શોમાં ખોટેખોટું ડરાવી-ધમકાવી, ચાકુ-છુરીથી કાપાકાપી કરી લોહી રેડવામાં આવતું હોય એવા શો ને શું કહેશો?- હોરર શો, ખરુને?
જે વ્યક્તિ નકલી માસ્ક-મેકઅપ કરાવી કરી ફિલ્મો દ્વારા બીજાને બીવડાવવાનું કામ કરે એને શું કહેશો?- રામસે બ્રધર્સ, રાઈટ?
જે દેશની હોરર ફિલ્મો આલમમાં મશહૂર હોય તે દેશનું શું નામ? – બ્રિટન, બરોબરને?
આજે એવી જ એક વ્યક્તિની વાત કરવી છે….
જે ચાકુ-છુરી તો ચલાવે છે, કાપાકાપી કરે છે પણ જાન લેવાને બદલે પોતાના વ્યવસાયમાં જાન રેડી દે છે….
જે નકલી માસ્ક તો નથી પહેરતો કે ખોટો મેક-અપ નથી કરતો પણ જે સાચું છે તે મોં-ફાટ જણાવી દે છે કે દાળમાં ક્યાં કાળું છે…
જે ખરેખર બ્રિટીશ છે અને જેણે ‘રામસે’ બની ડરાવ્યા કે ધમકાવ્યા વિના ફિલ્મો પણ બનાવી છે. તોયે તેની ફિલ્મો હોરર નથી પણ હોટ હોય છે….
યેસ!..એનું નું નામ છે….ગોર્ડન રામસે. જે બ્રિટનનો એક મશહૂર રસોઈયો છે. શક્ય છે વર્ષોથી લંડનમાં રહેતા આપણા કોઈક વાંચક-બંધુઓને તેના વિશે થોડી વધું જાણકારી હોય.
આમ જોવા જઈએ તો બ્રિટનની ખાસ અને નામાંકિત વ્યક્તિઓ માટે ગોર્ડનભાઈ આંગળી-ચાટું રેસિપી બનાવવામાં અગ્રેસર છે. પણ તેમ જોવા જઈએ તો ટી.વી-ઇન્ટરનેટ મીડિયાનો ઉપયોગ કરીને વન-મેન રામસે બ્રધરે વ્યાવસાયિક ધોરણે શો કરી સામાજિક કાર્ય કર્યું છે.
હવે સવાલ એ થાય કે સામાજિક-કાર્ય અને તે પણ વ્યાવસાયિક રીતે ???-
બિલકુલ સાચું! દોસ્તો. વાંચ્યા પછી તમને પણ થશે કે બરોબર વાત થઇ છે.
થયું એવું કે….૨૦૦૪ની સાલમાં એક ન્યુઝપેપરમાં તેણે પોતાના ‘શેફ’ વેપારને લગતો એક સર્વે વાંચ્યો કે…
બ્રિટનના ખાઉં-પીઉં શોખીન લોકોને ઘણી મશહૂર રેસ્ટોરેન્ટની સર્વિસ માફક નથી આવતી. ઘણું સારુ નામ ધરાવતી હોય એવી ખાણીપીણીમાં આજકાલ ‘ટેસ્ટ’ જેવું નથી રહ્યું….વગેરે…વગેરે….
વાંધાવચકાથી ભરેલા એ લેખમાં ચાલો એક રેસ્ટોરેન્ટની વાત હોય તો સમજ્યા. પણ આ તો ઘણી બધી ‘રામભરોસે’ થતી હોય ત્યારે??? હાયલા!…આવા સમાચાર દેશની બહાર બહુ જ ફેલાઈ જાય તો….કેટલી ઈજ્જત જાય !!!…ખાણીપીણીનો ધંધો ખુદ પાણીમાં બેસી જાય ને!!!
ત્યારે ‘શાક’મગ્ન થઇ ચિકન સમારતા ગોર્ડનદાસ શેફને ‘કાંઈક થવું જોઈએ…કરવું જોઈએ….’ એવો વિચાર મનમાં તો ઉગી નીકળ્યો. પણ તેને ‘શેફ’-ડિપોઝીટમાં મુકવાને બદલે લોકોની વચ્ચે મુકીને આ વિચારને જ કાપી નાંખવાનો નિર્ણય કર્યો. આઈડિયા દોડાવ્યો કે….
“લાવ જોવા તો દે…આ બધાં રેસ્ટોરંટીયાઓ એવી શું ભૂલો કરે છે જેના થકી આપણા નાગરિકોના મન પર કબજીયાત થયો છે.”
સેલિબ્રિટીઝના સેવક એવા ગોર્ડનસાબને લંડનની ચેનલ-૪ની ઓફિસે (નિયમિત રીતે રામરામ કરનારા) ડાઈરેક્ટર પણ મળી ગયા. ને શરુ કર્યો સાચો જ રિયાલિટી શો!...‘રામસે’ઝ કિચન નાઇટમેર’.
દર અઠવાડિયે એક એપિસોડમાં કોઈક એવી રેસ્ટોરન્ટને પકડી મુલાકાત લેવામાં આવી જેમના વિરુદ્ધ ગ્રાહકો તરફથી ખાટી વાતો સંભળાતી. બ્રધર રામસે કેમેરા લઇ આવી જાતે ઉભા રહી તેમના ખોરાકમાં રહેલી ખાટી બાબતોને જાણી. સર્વિસમાં આવેલી ખોટી બાબતોને પકડી ઉપાય સૂચવ્યો. ને હવેથી એવું ના થાય તે માટે તકેદારી પગલાં પણ કેવા લેવા તેની ટીપ્સ મૂકી.
એટલું જ નહિ… રામસે સાહેબે શરૂઆતમાં જ્યાં જ્યાં જઈ નમક ખાધું હતું ત્યાં ત્યાં થોડાં મહિનાઓ બાદ ફરીવાર તેની મુલાકાત લીધી. અને જે સૂચનો આપવામાં આવ્યા તેના પર અમલ થયુ કે નહીં તેનું મોનિટરિંગ પણ કર્યું.
બસ પછી શું?- ઉજડી જવા ગયેલી ઘણી રેસ્ટોરન્ટસ ઉજળી જવા લાગી. ટેસ્ટ્સ, સર્વિસ અને પરિણામ સુધારાજનક મળે પછી ખાનારને-પીનારને અને પીરસનારને પ્રોફિટ દેખાય એવું આપણે સૌ ધંધાધારીઓને થોરામાં જ ઘન્નું બધ્ધું સમજાઈ ચ જાયે ને!
૨૦૦૯માં રામસે બાપુ એ વર્લ્ડ ઇકોનોમી ક્રાયસિસ દરમિયાન થાળે બેસેલી જણાતી ફૂડ ઇન્ડસ્ટ્રીઝને ખાસ પ્રાધાન્ય આપી ચેનલ-૪ પર પોતાના શોમાં વખતોવખત દર્શકોને અપીલ પણ કરી કે “દોસ્તો, તમને સારું જીવવું હોય તો એવી રેસ્ટોરન્ટ ને મરવા ન દેશો જે હજુયે તમને ભાવતું ભોજન આપે છે.”
ચિકન–શાક પકવવાના સામાજીક ધંધામાં ગોર્ડન બાપુના માથે તો ઘણાં માછલાંઓ ધોવાયાની ઘટનાઓ પણ બની છે. પણ તેઓ એ બધીયે ફિશને ‘ટાયટાય -ફિશ’ કરી ફિનિશ કરતા રહ્યા છે.
આ તો થોડાં જ ફકરાઓમાં ગોર્ડન રામસેના આ ઉદાહરણને કાચું-પાકું બનાવી ગરમ કરી આપ લોકોની સમક્ષ થોડું જ પીરસવું પડ્યું છે. તોયે એટલું જરૂરથી કહીશ કે કોઈ પણ (પ્ર)સિદ્ધિને પસીના વાળી વ્યક્તિ બહુ ગમે છે.
બોલો હવે આ બાબા રામસે એ પણ ….આવું સામાજિક કાર્ય…પ્રોફેશનલી! કર્યું ને?
“આપણને ઘણીવાર સાચી વાતો કડવી લાગે છે પણ તેની પાછળ રહેલુ મીઠું પરિણામ સુખાકારી હોય છે.” – આવા વાક્યો જાતે જ પચાવવા ‘જીગર’ જોઈએ….જીગરી દોસ્ત જોઈએ!” ને ‘શેફ’આચાર્ય જેવો મિત્ર પણ…
બાર‘પંચ’
આ ‘બાર’વાળીને આમ અંદર જોયા પછી થાય ખરું કે….લોકોને બનાવીને…ગ્લાસમાં નશો કદાચ આ રીતે પણ નાખવામાં આવતો હશે… 😉
Dare to live the life you have dreamed for yourself. Go forward and make your dreams come true. – Ralph Waldo Emerson (1803-1882)
ઈમર્સનભાઈનું આ ક્વોટ વાંચવું કેટલું સહેલું છે ને?!?!-
હાથમાં ચાયની ચુસકી કે ઘરમાં-ગરમ ભજીયા મમળાવતા આવા હજારો ક્વોટસ લાખો વાર લખાયા છે ને કરોડો વાર વંચાઈ રહ્યાં છે. પણ ડ્રીમ્સને સફળ કરવાનું ડ્રમ ઘણાં ઓછા લોકો વગાડી શક્યા છે. નહિ તો….
આઈ-પોડ, આઈ-પેડ, આઈ-ફોન જેવી કેટલીયે ‘આઈ’સ આપણે બ્રેક કરી શક્યા હોત…
એ.આર રહેમાન જેવું ફ્યુઝન તો ઠીક, પણ કોલાવરી-ડી જેવું કન્ફ્યુઝન મ્યુઝિક આપણે પણ બનાવી શક્યા હોત…
અંગ્રેજી ‘અવતાર‘ જેવી ફિલ્મ તો આપણે પણ ઘર બેઠે અવતરી શક્યા હોત…
કહીએ એ પહેલાં સર્ચ કરી બતાવે એવું ગૂગલ જેવું સર્ચ-એન્જીન આપણે પણ ‘રિસર્ચ’ કરી શક્યા હોત…
‘ઘર ઘરમાં કોમ્પ્યુટર‘ તો આપણે પણ બિલ ગેટ્સ જેવું તો નહીં પણ છબીલદાસ બનીને ઘુસાડી શક્યા હોત…
ટોમ ક્રુઝ જેવા સ્ટંટસ આપણે બુર્જ-અલ-ખલીફા પર તો નહિ પણ હીરાભાઈ કલોક ટાવરે પણ ચડી કરી શક્યા હોત…
‘નીલ‘ રહીને હાથમાં ‘કેશ‘ મુકી લાખો શેર હોલ્ડર્સ પર ધીરુ ધીરુરાજ આપણે પણ કરી શક્યા હોત….
ઐશ્વર્યા રાયો, વિદ્યા બાલનો કે દીપિકાઓ જેવી બાપડીને મુકો બાજુ પર આપણી પડોશની સોનાડી અને રૂપાડી ‘આપડી‘ પણ હોત!…
સચિન તો શતક ચાહે એટલા કરે હવે…એવા ચોક્કા-છક્કાતો આપણી ગલીના નાકેય કેટલા મારી આવ્યા હોત..હુહહ!
અરે સાહેબ!….સાવ ગરીબ ઘરમાં પેદા થઇને આખા અમેરિકા અને અમેરિકન્સના ઘરોમાં લિંક આપણે પણ મેળવી શક્યા હોત…
ઓફ્ફ્ફ્ફ!…..થાકી ન જવાય એવા કેટકેટલાં કામો આપણે કરી શક્યા હોત…યાર એ લોકો આપણા સ્વપ્નાઓને સાકાર કરી નામ ખાટી ગયા બોલો! બાકી આપણે જઈએ એવા નહીં હોં!…..
પણ આપણે હજુ ઘણું નથી કરી શક્યા….
…કેમ?…શું કામ?…શા માટે?…
એટલા માટે કે આપણે હજુ સુધી એવા જ સવાલ કરતા રહ્યાં છે. ને કોઈ આવીને જવાબ આપે એની રાહમાં કોઈ મોરલો આવીને ‘આપણા મનની વાત જાણી’ કળા કરી ગયો છે.
આપણે હોત…હોત..હોત…નું ઠંડું માચીસ પકડી રાખી સગડી આગળ બેસી જ રહ્યાં છે.
કેટલાંક દોસ્તોએ પૂછ્યું કે
‘ધંધો કરવાની હામ તો અમારા બ્લડમાંય છે.
વખત આવે શાકની લારી કે પાનનો ગલ્લો કે કપડાંના તાકા ઉપાડી ચાલવામાં કે
ચલાવી લેવામાં નાનમ નથી કે પત્ની ખીજાવાની નથી.
પણ હિંમત થતી નથી. તો આ શરૂઆતની શરૂઆતમાં જ
લોચા ના થાય એ માટે શું કરવુ??!?!?!?!
નાનકડો જવાબ:કાંઈ પણ થાય આવનારી પાંચ મિનીટમાં….માત્ર એક જ પગલું…જસ્ટ વન સ્ટેપ! ભલે પછી ખૂબ નાનકડું હોય. મુખ્ય ગોલ માટે કરી દેવું.
જેમ કે…
મહિનાઓથી વાર્તા કે કવિતા લખવાનું મન જ છે પણ કાંઈ સૂઝતું નથી ને? કાંય વાંધો નહિ રે… તો આવી ’પ્રેરણા’ લેવા ‘બજાજ’ની કિક માર્યા વિના માત્ર પેન-પેપર લઇ બેસી જઈ ને માત્ર એક લાઈન…એક લીટી જેવી આવે તેવી લખી જ દેવી.
બ્લોગ શરુ કરવો જ છે?- તો વર્ડપ્રેસ- કે બ્લોગર.કૉમના ફક્તરજીસ્ટ્રેશન ફોર્મ પર આવી ઉભા જ રહેવું. બસ. ભરવાની વાત પછી.
નવી પ્રોડક્ટ માર્કેટમાં લાવવી જ છે?- તો જેની પર સૌથી વધુ પ્રેમ છે તે વ્યક્તિને જઈ માત્ર વાત કરી જ દેવી. પછી જન્મતારીખ આપી શકાય તો બોનસ સમજવું. બસ.
ગમતી કંપનીમાંથી ઓર્ડર લેવો છે, પણ આવડત જ નથી?- નો પ્રોબ્લેમ!….તો માત્ર એ કંપનીની રિસેપ્સનીસ્ટને માત્ર હાય કે હેલો કહી જ આવવું…(એને હેલ ઉતારવાનું નથી કીધું.. બંધુ!) બસ.
અરે!….નોકરીમાંથી ખૂબ કંટાળીને હવે ‘બોસને ફાયર’ કરી પોતાનો ધંધો શરુ કરવો જ છે?- તો કોરા પેપર પર માત્ર એક લાઈનમાં “સર! નોકરી છોડી રહ્યો છું.”નું કવર ટેબલ પર મૂકી છું થઇ જ જવું. પછી એમનું હોવું ન હોવું અગત્યનું ખરું?
ઈન્ટરનેટ પર દરરોજ કાંઈક નવું શીખવું છે પણ શું શીખવું છે, જાણવું છે એની કોઈ ગતાગમ નથી. ઊંડો શ્વાસ લઇ લ્યો ને વારેઘડીએ આ લિંક દબાવ્યા કરજો: દર ક્લિકે કાંઈક નવું જ સામે આવશે એની પૂરી ગેરેંટી…
જેટલી બુલેટ્સ ધારવી હોય એટલી…
પિતાશ્રી‘પંચ’
“ટીમમાં ગોલ કરવા માટે જેમ રમતો ફૂટ‘બોલ’ જરૂરી છે તેમ લાઈફમાં ગમતો ગોલ કરવા માટે પણ માત્ર એક ‘બોલ’ જરૂરી છે….શબ્દ-બોલ!…હવે એટલુંયે ન થઈ શકે તો પ…છી…કોઈ ક્યા કરે!?!?!?!
આમેય…‘શબ’ ક્યારેય બોલતું નથી. એવું મારા મર્હુમ પપ્પા કહી ગયા છે.” – કાચી ઉંમરે પાકે પાયે મુર્તઝાચાર્ય.
ગામમાંથી ટોપી વેચી આવતા વડના ઝાડ નીચે થાક ખાવા આરામ માટે રોકાવું. વાંદરાઓનું ઝાડ પરથી આવી ને ટોપી લઇ જવું. ટોપીઓ યુક્તિથી પાછી મેળવવવા પોતાની ટોપી જમીન પર ફેંકવી. એ અભણ નટખટ વાનરોનું પણ ટોપી ફેકવું. ટોપીવાળાનું જલ્દીથી ટોપીઓ જમા કરી ત્યાંથી રવાના થવું. ખાધું પીધુને રાજ કીધું.
નવી (અપડેટેડ) કથા: ‘ટોપી‘ પહેરાવતા વાંદરાઓવાળો ટોપીવાળો….
હવે એ ટોપીવાળાનો છોકરો બાપનો ખાનદાની ધંધો સંભાળે છે. વર્ષો બાદ છોકરો પણ એજ ગામમાંથી ટોપી વેચવા જાય છે. હજુયે સાયકલ કે સ્કૂટર લીધું નથી…(એટલે જ કહેવાય છે કે…‘ટોપીઓ‘ પહેરાવવામાં કોઈને લાંબે ગાળે લાભથયો છે?!!?). ઈમાનદાર અને ચતુર બાપની શિખામણ. “દિકરા! ત્યાંના વાંદરા બહુ હરામી છે. તું આરામ કરતો હોઈશ ત્યારે એ લોકો ટોપીઓ લઇ જશે. ટોપીઓ પાછી મેળવવા માટે તારે તારી ટોપી ફેકવાની …….તારી નકલ કરતા તેઓ પણ ટોપી ફેકી દેશે….તારે લઈને ચાલતા થવાનું. બસ આપણું કામ થતું રહેશે.
લ્યો હવે થયું પણ એવું જ. છોકરો આરામ કરતો હતો એ દરમિયાન વાંદરાઓ ટોપીઓ લઇ ને ઝાડ પર ચડી ગયા. દિકરાને બાપની સલાહ યાદ આવી. દિકરાએ પોતાની ટોપી જોરથી જમીન પર ફેકી……..પણ આ શું……….???
કોઈ પણ વાંદરો પોતાની ટોપી ફેકતો નથી. દિકરાએ વારંવાર ટોપી ફેંકી ને પુનરાવર્તન કયું પણ કોઈ પણ વાંદરા એ ટોપી ફેકી નહી. ટોપીઓ જમીન પર ફેંકવામાં દિકરાના હાથ ‘ભોંયમાં પડ્યા’. આ જોઈ ઝાડ પર બેઠેલો એક વાંદરો હાથમાં મોબાઈલ લઇ જોરથી અટ્ટહાસ્ય કરી હેઠો ઉતરી આવ્યો:
“હા..હા..હા..હા..હા..ઓયે! ચમન! અમને ખબર છે કેતારા ‘બાપુ‘ એ તને શીખવાડી ને મોકલ્યો છે. તો શું અમારા બાપે આટલાં વર્ષો જખમારી છે?- પણ અમને અમારા ‘બાપુ‘એતો ‘પાકી‘રીતે ‘પડાવી‘ લેવાની ટ્રેઇનિંગ આપી છે. જા! છાનોમાનો ચાલતી પકડ. આ ટોપીઓ હવે અમને તારા જેવા વા(નરો)ને જ પહેરાવવામાં કામ લાગશે.”
વાનરભૂમિમાં મોબાઈલ પર ‘Mission Success- Fool’ ના ખુશ-ખબર એક સાથે બધાંને ફરી વળ્યા.
મોરલો :
ભાઈ-બાપુની સલાહ એમના વેપારિક સમય અને સંજોગો મુજબ બરોબર હોઈ શકે….પણ અત્યારે બીજાનું પડાવી લેવાની વૃત્તિ કરતા પોતાને જે મેળવવાનું છે તે વિષે નવા અપડેટ્સ મેળવતા રહેવું પડે, નહીંતર જમીન પર પડ્યા રહેવું પડે છે.
બાપ દાદા જે શેઠીયા-શાહીથી ધંધો કરતા હતા તેના નિયમોમાં વહેલીતકે ‘મોડી‘ફિકેશન કરવું પડે છે.
અત્યારે તો આ હાઈપર સ્ટોર્સ (સુપર કરતા પણ થોડો ઉંચો ગણી શકાય એવો) પોતાની સુપર ગ્રાહક-સેવાથી જગમશહૂર થઇ ચુકયો છે. જેણે હજારોની સંખ્યામાં પોતાના સ્ટોર્સની જાળ દુનિયાભરમાં ફેલાવી દીધી છે. પણ વર્ષો પહેલાં એક સામાન્ય રિટેઈલ સ્ટોર્સ તરીકે જ શરૂઆત કરનાર આ ચેઈન સ્ટોરમાં તે વખતે એક (અ)સામન્ય ઘટના બની…
“સાહેબ! મારા પતિ ગઈકાલે જ તમારે ત્યાંથી અમારી ગાડી માટે આ ટાયર લઇ આવ્યા છે. પણ ભૂલમાંથી તેમણે બીજી ગાડીનું ખરીદી લીધું છે એટલે ફીટ બેસતું નથી…માટે…શક્ય હોય તો બદલી આપો અથવા આ પાછુ લઇને અમને રિફંડ આપો.”
“પણ બેન! અમે આ ટાયર પાછુ કેમ લઇ શકીએ?…”
“એમ કેમ?….જે વસ્તુ અમને ના પસંદ હોય એ પાછી લેવાની તમારી ફરજ છે. મને તો મારા પૈસા પાછા જોઈએ.”- જાણે લડવાનો ઈરાદો હોય એ અદામાં બહેને વાત સાંભળ્યા વગર ફરી હુકમ છોડ્યો…
“બેન! તમને પાકી ખાતરી છે કે તમારા પતિએ આ સ્ટોર્સમાંથીજ ટાયર ખરીદ્યુ છે?”
“કેમ તમને અમારી પર શક છે?”..
“ના બેન..પણ અમે તો…..”
“અરે ! પણ ને બણ…કાં તો બદલી આપો અથવા રિફંડ કરી આપો.”
કાઉન્ટર-સેલ્સમેન અને ગ્રાહક વચ્ચે શરુ થયેલી ચડભડનો આ બનાવ (નસીબજોગે) થોડે જ દૂરથી તે સ્ટોરનો માલિક જોયા કરતો હતો. વાત વધુ વણસે તે પહેલા ‘શાંતિ-સ્થાપન’ કરવા તે આ બંને વચ્ચે આવી ગયો.
“માફ કરજો બેન..મારા સેલ્સમેનથી ભૂલ થઇ ગઈ છે. તમને આ ટાયરની જે કિંમત હશે એટલુ રિફંડ હમણાં જ મળી જશે…બસ!” – પોતાને માટે આમ અચાનક મદદ માટે આવી ચઢેલા ગ્રાહકબેનને ‘માલિક’ તરીકેની ઓળખાણ લેવી જરૂરી ન લાગી. અને તે દરમિયાન આ માલિકે કેશિયરને બોલાવી બિલ-રશીદ માંગ્યા વગર જ ‘બેક પેમેન્ટ’નો હુકમ પણ આપી દીધો.
“પણ સર!…આપણે તો…”-
કાઉન્ટર-સેલ્સમેનના આ ઓબ્જેક્શન પર પોતાના બંને હોઠો પર આંગળી મૂકી માલિકે ત્યારે સેલ્સમેનને ચુપ રહેવા જણાવ્યું. ખરીદ કિંમત જેટલી જ રકમ લઈને કેશિયર ત્યાં પાછો આવી ગયો. ગ્રાહકબેનના ‘કેષ’ની ચુકવણી અને ‘કેસ’ની સમાપ્તિ ત્યાંજ થઇ ગઈ.
“પણ સઅઅઅર!..આપણે તો સ્ટોરમાં ટાયર વેચતા જ નથી….તે છતાં પણ કોઈક બીજાનું ટાયર પાછું લઈને આપે પૈસા પણ ચૂકવી દીધાં?!?!?!?!- શાં માટે?” —
એ બહેનતો ચાલ્યા ગયા પણ મૂળ મુદ્દો ‘સેલ્સમેનના સવાલ’ રૂપે હજુ ત્યાંજ ઉભો હતો.
“હા દોસ્ત! મને ખબર છે. પણ એ બહેનને તેની ખબર નથી. ટાયર પાછુ લઇ…પૈસા પાછા આપી મે ગ્રાહક ગુમાવ્યો નથી પણ બીજા સેંકડો મેળવ્યા છે. હવે ધ્યાન રાખજે આ બહેનતો ખરીદી માટે વારંવાર આપણે ત્યાં પાછી આવશે પણ તેની સાથે બીજા સેંકડો દોસ્તો અને સગા-વ્હાલાંઓને પણ આ સ્ટોરમાં ટાયરની સાથે બીજુ ઘણું બધું ખરીદવા મોકલતી રહેશે.”
માલિક પોતાની પોકેટ લીક-પ્રૂફ પોકેટમાં બંને હાથ નાખી ત્યાંથી ચાલતા થયા…
દોસ્તો, મને કહેવુ તો પડશે જ ને કે…બીજે દિવસે ઓટો-પાર્ટ્સનો એક નવો વિભાગ એ સુપર સ્ટોરમાં ખુલી ગયો હતો. પિનથી પિયાનો સુધી હજારો વસ્તુઓ-સેવાઓ વેચતા આ સ્ટોરે ટાયરના પૈસા પાછા આપી પોતાને ક્યારેય ‘રિ-ટાયર’ કરી નથી.
એમની કસ્ટમર સર્વિસનું ચક્કર (ટાયર) આજદિન સુધી ચાલ્યું આવે છે…
સર‘પંચ’
દશેરા નજીક છે…..કેટલાંક જરૂરી એવા સજેશન્સ…જે તમારા અસંતુષ્ઠ ગ્રાહકોને પાછા લાવી શકે છે….
એક વાર બસ…અજમાવી તો જુઓ….
તમારા બીલમાં (ઇન્વોઇસમાં) પેલું એક વાક્ય હોઈ શકે ‘વેચેલો માલ પાછો લેવામાં નહિ આવે’- ભૂસી જ નાખો…કે લીટો ફેરવી દો…
તેમણે ખરીદેલી વસ્તુ/સેવાનું પૂરેપૂરું રીફંડ આપી દો. ભલે પછી એમણે એ ન માંગ્યું હોય તો પણ,…….. અરે તેનો ગેરેંટી પિરિયડ સમાપ્ત થઇ ગઈ હોય તો પણ…
માફી માંગી લો. સામે ચાલીને, ઈ-મેઈલ (જો મળ્યો હોય તો) લખીને, કે SMS લખીને (એમ આપણે ગુજ્જુઓ માસ્ટરછે!). આમાં નાટક ના કરશો સાહેબ!..પુરા દિલથી માંગજો.
તમને લાગે કે આ ગ્રાહક જઇ રહ્યો છે…ત્યારે એમની પાસે પહોંચી એક સવાલ કરી લેજો: “સાહેબ, તમને શું ન ગમ્યું, ક્યાં ખોટ લાગી?”
તમે દિલેર છો?- તો પછી કોઈ એક એવી ભેંટ આપજો જેથી તમને એ યાદ જરૂર રાખે…
હવે તમારી પાસે છે એવું કોઈ સજેશન જેના થકી તમે ગુમાવાયેલો ગ્રાહક પાછો મેળવ્યો હોય?- તો પ્રભુ…આ કોમેન્ટ બોક્સને ખાલી ન રાખતા…ભરી જ નાખો…તમારી કોઈક એવી હટકે ઘટના દ્વારા…
નશીલી ચેતવણી:આ થોડો લાંઆઆબો બ્લોગ-લેખ હાથમાં વાઈનનો ડોઝ લીધા વગર અને બની શકે તો પ્રિન્ટ કાઢીને વાંચજો. વાંચ્યા પછી મગજ અને મન નાચવા મંડે તો દોષમને દેજો. કેમ કે મને એવાં ફાઈનદોસ્તોની જરૂર છે….વાઈન દુષ્ટોની નહિં.
The Crush It! પુસ્તકનુ પ્રિસ્ક્રિપ્શનને લખવા માટે ખાસ્સો ૬ મહિનાનો સમય મેં એટલા માટે લીધો કે…૨૦૧૧ની શરૂઆતમાં જ આ બુકને બેસ્ટ બૂક ઓફ ધ યરનો એવોર્ડ મેં આપી દીધો હતો. ત્યારે આ સમજણને સાચી સાબિત કરવા માટે લાઈનમાં ઉભી રહેલી બીજી બુક્સને ન્યાય આપ્યો અને એમાં રહેલી અસરકારક ટીપ્સને સાચે જ એપ્લાય કર્યા. એ જોવા માટે કે The Crush it! ની તોલે કોઈ આવે છે. ને આખરે અર્ધ-વર્ષાંતે હું અને વાત બંને સાચા સાબિત થઇ ગયા. કેમ કે વાતને અને સોચને મજબૂતાઈ આપવા મેં પહેલા આખી બૂક વાંચી, પછી બે-ત્રણ વાર ઓડિયોબૂક દ્વારા સાંભળી. ને હજુયે સત્યના પ્રયોગો ચાલુ રહે તે માટે ચોથી વારે એક સાથે વાંચવા-સાંભળવાનો છું.
બોસ! ભારત કૃષિપ્રધાન દેશ છે. એની ના નહિ. પણ એમાં ફેલાયેલો ખુરશીપ્રધાન રોગ પોતાના અને આપણા સૌના ‘વિકાસ’ નામના પરિબળને મંતરી રહ્યો છે….યાર!. અબ કિતને કિતને ઉદાહરણ દિયે જાયે?- આપ હી સોચ લો. જેમને કાંઈક કરવું છે તેઓ વધુભાગે ભારતની બહાર છે ને જેઓ અંદર છે તેમને પેલાં બંદરની જેમ ‘વિકાસશીલ બનાવે એવું લટકતું કેળું’ બતાવાઈ રહ્યું છે.
આવા સમયમાં ‘માસ્તર ભણાવેય નહીં, મારે પણ નહિ ને સજા પણ ન કરે ત્યારે પોતાનામાં જ રહેલા ‘માસ્ટર’ને બ્લાસ્ટ કરવો જરૂરી જ જ જ છે. બુલંદ દરવાજે ચઢી આવી બૂમ પાડવી જરૂરી નથી. એ માટે અંદર રહેલા બુલંદ દિલ પર એક વાર ચઢી જવું જ પડશે…પછી જુઓ ‘ફતેહ’પુરસિક્રી સામે આવીને લઇ જશે…(સોરી! આને લટકતું કેળું ન સમજ્જો. પણ પાકા કેળાં જેવી સાચી વાત છે.)
The Crush It! – માં ગેરી વેનરચૂક આ માસ્ટરી કેમ કેળવવી તેની વાત કરે છે. જેમાં બેલારુસ દેશના એક નાનકડા ગામમાંથી અમેરિકા આવેલા ગેરીના વાઈન વેપારથી ઈન્ટરનેટ પર માર્કેટિંગ વિનર બનવાની મસ્તીભરી વાત છે. તેના માટે ફેમીલી, પેશન, મહેનત જેવા ગુણો અસલી પૂંજી છે. અને તેના મતે ‘સતત સ્માર્ટ બ્રાન્ડિંગ’ અસલી કૂંચી છે. તેના વેપારમાં વાઈનની પસંદગી, શું કામ, શા માટે તેની ચર્ચા શરૂઆતમાં જ કરવામાં આવેલી છે. પણ એ તો એક આડવાત છે. ઉભી વાતે તે વાઈન હોય કે વડા, સીંગ હોય કે સોંગ. તમને જેમાં શોખ હોય તેને ‘જુના ચશ્માં તોડી, જુના લેન્સ ફોડી, નવી દ્રષ્ટિ કેળવી ઉજાગર કરવાની શીખ અપાયેલી છે.
વાઈનના ઓથા હેઠળ પોતાનું ‘સ્વ-ટેલેન્ટ જાગરણ’ બ્રાન્ડિંગ વિવિધ ઓનલાઈન હથિયારોની મદદ લઇ કેમ કરવું તે વિષે આ માર્કેટિંગ નશાખોરે ખુલ્લે આમ જાણકારી આપી દીધી છે. શબ્દોમાં કાચો ને બોલવામાં પાકો એવો તેનો પોતાનો જ મશહૂર મીની શો “વાઈન લાઈબ્રેરી’ દ્વારા વખતો વખત તેના વિષે ચટકે ભાષામાં જાણકારી આપતા આ ધમાલિયાને જોવો-સાંભળવો-વાંચવો એક ઇન્ટરેસ્ટિંગ વિષય છે.
The Crush It! – આપણે કોણ મનુષ્યો છીએ?…આપણે શાં માટે પૃથ્વી પર અવતર્યા છે?…આપણું કાર્ય શું કરવાનું છે?…આપણે શું ધ્યેય રાખવાનો છે?…..સારા સામાજિક પ્રાણી બની માનવજાતના વિકાસમાં આપણે શું ફાળો આપવાનો છે? =||||= સોરી!… અને હાઆઆઆઆઆશ! એવી કોઈ પણ ‘કથા’ વાળી બૂક નથી.
એમાં તો છે…તમે જે પણ હોવ તે…મનીભ’ઈ કે રોંચુભ’ઈ, દામભ’ઈ કે જામભ’ઈ, સરલાબૂન કે બિરલાબૂન, ટાટાકાકા કે બાટામામા, નેશનલ મેઘાણી કંપની કે ઇન્ટરનેશનલ મેગા-અંબાણી કંપની – આપણે જે હોઇએ તે…જ્યાં હોઇએ ત્યાં…જેમ હોઇએ તેમ…આપણું પોતાનું બેશરમ માર્કેટિંગ સુસજ્જન બની કેમ કરતાં રહીએ? ક્યાંથી, કેવી રીતે કરશો? તે બતાવતો સ્માર્ટ દસ્તો છે. :: જાવ પકડી લો.
The Crush It! – બૂક નથી. ગાઈડ છે. પણ એવી નહિ કે જે વર્ષોથી આપણે સ્કૂલ કે કોલેજમાં વગર સમજણે ‘વાપરી’ નાખી છે. આ તો એવી છે કે જેના બતાવેલા સ્ટેપ્સ પર અમલ કરવામાં આવે તો અર્ધ-સત્રમાં દુશ્મન લાગતો પ્રિન્સીપાલ પણ સામે ચાલીને આખી સ્કૂલ/ કોલેજમાં પહેલો નંબર આપી દે…..એડવાન્સમાં. ::જાવ લઇ લો.
The Crush it –ચોપડી લખવામાં ગેરીએ કેટલીક વાર શબ્દોનો શુભ્ર-પ્રયોગ કર્યો નથી. જેની ચેતવણી શરૂઆતમાં જ ‘ચોપડી’ દેવામાં આવી છે. પણ એવુંએ નથી કે તેનું પ્રકાશન તદ્દન સુરતમાં જ થયું છે. એમાં તો ખરેખર તો મલ્ટીમીડિયા દ્વારા સૂરત બનાવી શબ્દોની-વિચારોની-ટેલેન્ટની- તાપી વહેવડાવવાની વાત સમજાવવામાં આવી છે. જાવ જોઈ લો.
The Crush it –જો અબ તક હમારે દિલમે હૈ વોહ હમને નહિ કિયા ઉસે કૈસે કિયા જાયે?!? તેની સોર્સી જાણકારી આપે છે. જે રીતે ‘વેડનસ ડે’ ફિલ્મ ૭૫ વાર પણ જોઈ lહોય ને આપણને હજુયે કાંઈ ન થયું તો વાંક આપણામાં રહેલા મડીયલનો છે ફિલ્મનો નહિ. એજ રીતે આ બૂક પણ વાંચ્યા પછી કુછ કુછ ન હો તો ‘ગેરી ના વેરી’ બનવાને બદલે તમારા અંદર રહેલા ‘આઈડલ’ ને ‘આઇડીયલ’ બનાવી દેજો. કારણકે એમાં આ ઘડીમાં, અત્યારે, ઈન્ટરનેટ પર શું ‘હોટ’ છે? શું ‘કૂલ’ છે? તેનો ભરપૂર ઉપયોગ કરી તેમાંથી પૈસા મેળવવા માટે કયો રસ્તો અપનાવવો તેની કી-ટેકનિક્સ પણ આપી દેવાયેલી છે.
આખી બૂકનો અર્ક એક લાઈનમાં કહેવો હોય તો….
“ઈન્ટરનેટ પર તમારું ‘સેલ્ફ બ્રાન્ડિંગ’ કે ‘બ્રાન્ડ પ્રોમોશન’ના પા પા પગલાં ભરી પર્સનલ અને પ્રોફેશનલ તોફાની મેચ્યોરિટી મેળવવા માટેનું વિશ્વાસપાત્ર મેદાન.”
હવે પ્રિસ્ક્રીપ્શન વાંચ્યા પછી ‘ચૂ’ કે ‘ચા’ કર્યા વિના વેનરચૂકની આ બૂક ને વાંચવાનું ન ‘ચૂ’કતા.જાવ એટ લીસ્ટ ઉભા થઇ પૈસા ચૂકવી ખરીદી લો. આમેય આ જમાનો ‘વર્ડ ઓફ માઉસ’નો છે.
ત્યાં સુધીમાં મને હવે એક એવી ‘ઈ’બુકના પ્રિસ્ક્રિપ્શન વિષે તૈયારી કરવા જવું પડશે જેમાં સ્વર પણ છે ને સંવાદ પણ. જેમાં મબલખ લખાણ છે…ને પૈસાની ખાણ છે. – એ શું હોઈ શકે છે? કહી શકો બૂકનું નામ? – સાચું નામ બતાવનારને એ આખેઆખી બૂક કમ્પ્લીટ ફ્રિ..મફત આપી દઈશ અને એ પણ શિપિંગ ચાર્જ લીધા વગર.
સરરરરરરરરર‘પંખ’
“પંછી બનુ ઉડકે ફીરું મસ્ત ગગનમેં,
આજ મેં આઝાદ હું દુનિયા કે ચમનમેં”
એવા ગીતડાં પ્રેમી-પંખીડાંઓ વર્ષોથી ગાતા જ રહ્યાં, તેમજ પેલાં બાલુડાંઓ વર્ષોથી પેલો ‘ધક્કા’છાપ નિબંધ “જો હું પંખી બનું તો” લખતાં જ રહ્યાં. ત્યારે એમની વાતને સાચે જ!… ખરેખર!…રિઅલી! સાબિત કરવા માટે ‘જેટમેન’ યેવેસ રોઝ્ઝી ‘ઉડનપંખ’ લઈને ક્યારનો આવીને બીજાને ઉડાવવા શરુ પણ થઇ ગયો છે.
આ બાપુ અમદાવાદથી આફ્રિકા ‘સફર’ કર્યા વગર આરામથી ઉડનછૂ થઈને ‘ચાયલા’ જાય છે ત્યારે આપણે તો હજુયે આવા ગીતો કે નિબંધોમાં જ…. ખેર, તમે પણ જોઈલો તાજેતરમાં રોઝ્ઝીની એકદમ ઇઝ્ઝી બની ગયેલી ઉડાન….ઊંડાણપૂર્વક!
ધીરજ આપણાં દોસ્તો અને કાર્યકરો સાથે રાખવી તે…માન છે.
ધીરજ આપણી જાત સાથે રાખવી તે…આત્મવિશ્વાસ છે.
ધીરજ આપણા ઇષ્ટદેવ સાથે રાખવી તે…શ્રધ્ધા છે.
–ધીરજ બંધુ મુર્તઝાચાર્ય
ચાલો પાછા આવી જઈએ નોહા સેન્ટ જોહન્સના વાંસના વિકસી અને હજુયે વકાસી રહેલા ગઈકાલના સવાલ પર….
વર્ટિકલ સવાલ: તો શું પછી ભાગતા-ભગાવતા-ભોગવાતા હરીફાઈના આ જમાનામાં અચિવમેન્ટ મેળવવા માટે વાંસના દાંડાને ઊગવા માટે લાંબી વાટ જોઈ ધીરજ રાખવી શું જરૂરી છે?
હોરીઝોન્ટલ જવાબ: રીડરભાઈઓ-બહેનો!….નીડરભાઈઓ-બહેનો!પાંચ વર્ષે વાંસનો પાક પેદા કરવો એ તો કુદરતની પોતાની ‘પાકી’ ઘડાયેલી સિસ્ટમ (નેટવર્ક) છે. એ સિસ્ટમને સમજી જ્યાં બંધ બેસે તે જ વાતાવરણ માટે તેને અનુરૂપ રાખી વિકસવા દેવું આપણું કામ છે. શું જરૂરી છે કે પાક હંમેશા વાંસનો જ નાખવામાં આવે?- કુદરતે દુનિયામાં દરેક પાકને પોતાનું એક અલગપણું આપ્યું છે. સમયના કોડથી આ બધાંને તેની રચના મુજબ ગોઠવવામાં આવ્યા છે.
જેમને ‘પાંચ-દસ સાલ તક ઇન્તેઝાર’ કરવાનો શોખ જ છે…તેમને એવી સહનશક્તિ પણ મળેલી છે. એમને વાતાવરણ-જમીન-તન-મન પણ એવું જ આપવામાં આવ્યું હોય છે. હવે વેપારના સંદર્ભમાં વાંસના આવા સહનશીલ ‘દર્ભ’ને પકડી રાખી વિકાસ કરવાની ઈચ્છા કરવી નરી મૂર્ખામી છે. આજે જરૂરીયાત જેટલી બને તેટલી જલ્દી સમજી તેમાંથી ‘રોકડી’ કરવાનો છે. ગઈકાલે અપાયેલા સુપર-વેપારીઓના ઉદાહરણોમાં હજારપતિથી લખપતિ અને લખપતિથી કરોડોપતિનું ટ્રાન્સફોર્મેશન માત્ર અમૂક મહિનાઓના અંતરાલે થયું છે. પછી આપણને એમ જ લાગશે ને કે ‘એમનો બાવો બાર વર્ષે બોલ્યો’. પણ કક્કાવારી દિવસોમાં શીખવામાં આવી હતી તેનું શું?
ન સમજણ પડી?….બમ્પર ગયું ને?….તો ઉપરના બંને ફકરા ફરીથી વાંચી જશો.
ઉભેલો કે આવનાર ગ્રાહકને શું જોઈએ છે?– એ ડિમાંડ બને તેટલી જલ્દી પૂરી કરી રોકડાં કરી લેવાનો છે. હવે લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે પહેલાથી મોઢું ધોઈ તૈયાર રહી ‘રીફેશ’ રહેવું મહત્વનું છે. એટલેજ આપણા શાણા ખેડૂતો પણ જમીનનું મૂલ્ય સમજી ‘રોકડીયા પાક’થી વધારે લ્હાણી કરતાં હોય છે. (અખિલભાઈ, બરોબર કીધું ને?)
નોહાસાહેબની પહેલા ‘નો’ કહેવાયેલી ને પછીથી આ રીતે ‘હોહા’ થયેલી વાતનો સાબિત મુદ્દો આ જ છે. તમને કયો પાક ‘રોકડીયો’ બનાવવો છે?- ઈન્ટરનેટ પર તમને લગતી કજીયાહીન જર, જમીન અને જોરુ બધુંયે ઉપલબ્ધ છે. ત્યારે હવે તમને શરૂઆત આજે કઈ રીતે કરવી છે યા પછી હજુયે પંચ-વર્ષિય યોજનામાં જ પડ્યા રહેવું છે?
સ્કેન કરો…શોપિંગ કરો. (હાલમાં તો) અદભૂત લાગતો પણ ઘણાં જલ્દીથી સામાન્ય હકીકત બનવા જઈ રહેલો સુપરમાર્કેટનો આ કોન્સેપ્ટ મોબાઈલ-આંગણે આવી જ ગયો સમજો. જે પસંદ હોય તેને ત્યાં ને ત્યાંજ ખરીદી કરી ઘરે ડિલીવરી લેવાનો એટ-લિસ્ટ આ આઈડિયા પાંચ વર્ષની અંદર ભારતમાં જોઈએ કોણ લઇ આવશે?
આપણે સૌએ કોઈકને કોઈક રીતે સેલ્ફ-અથવા બિઝનેસ ડેવેલોપમેંટને લગતા પ્રોગ્રામ કે સેમિનારમાં હાજરી આપી હશે, ખરુને? મન માટે મોટિવેશન અને પ્રોડકટીવીટી માટે પ્રેરણાત્મક બનતા આવા પ્રોગ્રામ્સ મગજના વિકાસમાં વેક્યૂમ-ક્લિનર જેવું કામ કરે છે. વખતોવખત નકારાત્મક પરિબળોની ધૂળ સાફ થતી રહે છે. વિચારો અપડેટ્સ થતાં રહે છે.
પણ સામાન્યત: આવા સેમિનારમાં દિમાગ પર બમ્બુ વાગે તેવું એક બોરિંગ ઉદાહરણ ખાસ જોવા મળે છે. વાંસનું.બામ્બુનું
“મિત્રો, તમને ખબર છે?…વાંસને પકવતા પાંચ વર્ષ લાગે છે. બી વાવ્યા પછી પાંચ વર્ષ સુધી ધીરજ ધરી, શાંતિ રાખી વાંસને ઉગવા દેવામાં આવે ત્યારે વખત આવ્યે લાંબે ગાળે ઉંચે ઉગી આ પાક સુપર કમાણી કરાવી આપે છે. આપણા સ્વ-વિકાસનું કે વેપાર-વિકાસનું પણ કાંઇક એવુંજ છે. સમયને સમજી જરૂરી જગ્યાએ રોકાણ કરવામાં આવે ત્યારે મોટો લાભ થાય છે. માટે મનુષ્ય-માત્ર માટે જરૂરી છે કે ધીરજ ધરી સહનશીલતા રાખી રાહ જુએ. તેમાંજ તમારી કર્મશીલતા છે. ટૂંકમાં, ‘થોભો, સમજો, રાહ જુઓ અને આગળ વધો’ની નીતિ આપનાવી જીવનલક્ષી વિકાસ સાધવો જોઈએ. તમારા આત્માને પર પરમ-શાંતિનો અનુભવ કરાવવો હોય ત્યારે ધીરજ ધરી મનને, સમયને આધીન રહી કર્મ કરતા જઈ ફળ મેળવવું એ સુખી મનુષ્યનું સુંદર લક્ષણ છે ”
આઆઆઆઅહ્હ્!….ભક્ત વાંચકો! આટલું શુદ્ધ વાંચવાની પણ ધીરજ રાખી આપ બેશુદ્ધ ન થયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર!
“સાવ બોર્ર્ર્રર્ર્રિંગ…ખોટી વાત…ખોટી સમજણ.”
ઓહઉફફફ!…ઝટકો લાગ્યોને?- આટલાં સેમિનારમાં શીખીને આવેલી આવી સરસ મજાની વાત વર્ષો પછી જ્યારે પાછી યાદ આવે ત્યારે તે વખતે શીખેલા જ્ઞાનની ભેંસ પાણીમાં બેસી ગયેલી દેખાય એ દેખીતું છે. પણ આ વાત આ બંદાની નથી. એટલેજ આટલું ખુલ્લું કહેવાની આ પાર્ટીએ હિંમત કરી છે. આ વિરોધી વાક્ય તો ઈન્ટરનેટના જમાનામાં ઉલટું સાબિત કરી વાંસની વાતને રીફ્રેશ કરનાર મારા બીજા એક લેખ-ગુરુ શ્રીમાન ‘નોહા સેન્ટ જોહન્સ’નું છે.
ઓફકોર્સ, મને આજે આ લેખ-ગુરુના પ્રબળ શુક્રની વાત નથી કરવી પણ તેના આ ‘ધીરજ’, ‘સબ્ર’ કે ‘સબર’ કે ‘સહનશીલતા’ની ચમકીલી વાત કરવી છે. ગામ આખું જ્યારે ‘પડ્યું પાનું નિભાવવાની’ એકજ વાત કરતુ હોય ત્યારે આ પડેલા ‘પાના’ને ખોલવાની હિંમત માટે આ સબરના સાબરને કેટલો કંટ્રોલમાં રાખવો ને કેટલો જોર કરી દોડાવવો એવી સમજણ આપી નોહા સેન્ટ જોહન્સે સાચે સાવ જ અલગ કામ કર્યું છે. એટલે જ મારા બ્લોગ માટે આવા સાવજની વાત કરવામાં મને પણ ઘણી ખુશી થાય છે.
તો બંધુઓ, ભગિનીઓ…..આ નોહાભાઈ વાંસની વાતને ઉલટી લટકાવી ‘વધુ પડતી ધીરજના ફળ ખાટ્ટા’ ના મુદ્દાને સીધો સાબિત કેમ કરશે એની ‘ટુ ધ પોઈન્ટ’ વાત બસ (ઓયે….પાંચ વર્ષે નહિં) આવતી કાલે જ (આ બીજા ભાગમાં)……
ત્યાં સુધી તમ તમારે આ સરપંચમાં ‘પતે કી બાત’ જોઈ જ લ્યો.
સરકાર્ડ‘પંચ’
ફેંકાફેંકી! એય પાછી ધંધામાં કાર્ડ ફેંકીને?!?!?!?!? દુનિયા આખી ” પૈસા ફેંક તમાશા દેખ” કહેતું હોય ત્યારે આ કોરિયન છોકરો ધમાલ કરીને બતાવી રહ્યો છે: