હો જાયે કુછ સૈરાટ!?!?!

નવો જોશ! નવી શરૂઆત !

રાતોરાત લાખો કમાઈ લેવાની ઘેલછા, મહિનામાં જ મિલિયોનેર બની જવાની તીવ્ર ઈચ્છા, કોઈકની વાત ને સાંભળી ન સાંભળી કરીને તુરંત જ પોતાનું રૂઢિચુસ્ત રિએક્શન્સ આપી (કે ચોપડાઈ) દેવાની આદત, દિવસોનું કામ કલાકમાં જ ‘પતાવી નાખવા’ના ગાંડપણમાં આપણે ઘણાં ‘નવજુવાનો’ ઝડપ નામના રોગમાં સપડાતા વાઇરલ બનતા જઇ રહયાં છે. એટલિસ્ટ પાછલાં કેટલાંય મહિનાઓથી મને એનો ઘણો અનુભવ થયો છે.

કોઈ કહે છે કે ‘એક જ જિંદગી’ મળી છે. તો કોઈક કહે છે કે ‘મોત એક જ વાર મળે છે. કાલ (કે કાળ) કોણે જોઈ છે? જેટલું જીવાય એટલું જીવી લ્યો. પણ ખરેખર એવી દોડધામી અને ફિકરી ઝીંદગીમાં આપણે કેટલું જીવી શકીયે છીએ?

માત્ર ‘પૈસાની જ ફૂટપટ્ટી’ દ્વારા બીજાંવને આખેઆખો માપી લેવાની ભૂલમાં આપણે મસ્તમૌલા જેવાં માણસોને ઓળખવાની તસ્દી લેવાનું પણ ભૂલતા જઇ રહ્યાં છે.

સાવ ક્ષુલ્લક બાબતોમાં બીજાં (અરે! બલ્કે આપણા જ સ્વજનો સાથે પણ) જોડે ઝગડો કરી સંબંધોનો રગડો કરતા જઇ રહ્યાં છે. કશુંયે વિચાર્યા વિના માત્ર એકનો ગુસ્સો કે આક્રોશ બીજાંને ટ્રાન્સફોર્મ (અરે હા! એને ‘ફોરવર્ડ’ કહેવાય છે હવે) કરી દઈએ છીએ. લાગણીઓ જાય તેલ લેવા. મને તો દેવું કરીને પણ ઘી તો જોઈશે જ.

પાછલાં ૧૫ દિવસમાં મારા બે પડોશી દોસ્તો (‘અચાનક!’ શબ્દ મારા માટે જ) આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં. તેમના મોતના બે દિવસ પહેલા જ એકની સાથે ફેસ-ટુ-ફેસ અને બીજાની સાથે વોટ્સએપી વાત થઇ.

તેમની આંતરિક બીમારીને લીધે તેઓએ તેમનો ‘ડેડ વોઇસ’ પહેલેથી જ સાંભળી લીધો હશે. એટલે જ તેમની વિદાય વાતોમાં ‘ધીરી ધીરી બાપુડિયાં’ નો સૂર મને હવે સંભળાય છે.

બેશક ! મોત એક ઉત્સવ છે. પણ ધ્યાન રહે કે તેના જન્મનો ઉત્સવ ઘોંઘાટિયો કે વસવસો ન બને…અલમસ્ત બને, મજેદાર બને. હસમુખો બને.

નવ મહિનાનો અંત અને દસમા મહિનાની શરૂઆત… હો જાયે કુછ સૈરાટ!?!?!

મનસુખી મોરલો:

“દુવા મેં યાદ રખના !” – મંત્ર માત્ર મજાક ખાતર નથી બોલાતો. તેમાં મેજીક છે. તેની અસર સાચે જ માનું છું અને માણું છું.”

‘દિલ’મુક સરકારથી ‘ડિલ’મેકિંગ સરકારની સફર!!!

Heart-Brain

.

મની, માર્કેટિંગ, મેનેજમેન્ટ, મેડનેસ, મલ્ટિપ્લિકેશન, મેનિપ્યુલેશન, મોડિફીકેશન, મેજિક-ટચ, જેવાં કેટલાંક ‘મજ્જા’દાર ગુણોની ગૂણ લઈને આવેલા મહામંત્રીશ્રી એટલે ડોનાલ્ડ ટ્રમ્પ.

આ માણસને હું (એક દશકથી પણ વધારે) તેમના રિયાલિટી-શો ‘એપ્રેન્ટિસ’થી ફોલો કરતો આવ્યો છું. “You are Fired!” ના તકિયાકલામ દ્વારા આ ડોનાલ્ડબાબાએ કેટલાંય લોકોની કેરિયરને ત્યારે ‘ડક’ કરી કાં તો ઉજાડી નાખેલી અથવા ઉજાળી દીધેલી.

શો ની શરૂઆતમાં થતું કે આ તેમના નિર્ણયમાં ઉતાવળ તો નથી કરી ને? પણ પછી તેમનો સમજાવટ રાઉન્ડ આવે ત્યારે રહસ્ય ખુલે કે ‘ઐસા મૈને ક્યોં કિયા, માલૂમ?’ અને ત્યારે ખ્યાલ આવે કે ‘બંદેને બાત તો પતે કી બતાઈ હૈ.’

(બાય ધ વે! જેઓ ધંધાધારી દિમાગ ધરાવે છે, તે સૌએ ‘ધ એપ્રેન્ટિસ’ સિરીઝ ન જોઈ હોય એમના માટે ૧૦ સિઝન્સનો મસાલો ઓનલાઈન ખઝાનામાં હાજર છે. ખોળીને ખોલી નાખજો. ખબર પડશે કે ધંધાધૂન કેરિયર કઈ રીતે વિકસાવી શકાય છે.)

ગઈકાલની તેમની પ્રમુખ તરીકેની ટૂંકી સ્પિચ અને બોડી લેન્ગવેજ જોયા પછી લાગ્યું છે કે ‘બોસ, આ ‘કામનો માણસ’ જ છે.

એક બિઝનેસમેન તરીકે જે ત્વરિત નિર્ણય લઇ શકે, જે દરેક બાબતને તોલીને નિવેડો લાવી શકે છે, એ વ્યક્તિ અમેરિકાની સૂકાયેલી સિકલ અને સૂરત પર નવું ક્રિમ અને લોશન લગાવી શકશે.

(એટલે જ અત્યાર સુધી તેમણે જનતાને જાહેરમાં આપેલાં વાયદાઓની શું પરિસ્થિતિ છે, તે જાણવા માટે તેમના (વિરોધીઓએ?!?) ૧૦૦ દિવસની ‘ટ્રેક-ટ્રમ્પ’ સાઈટ વિકસાવી છે. (કામ જો તુમ કરો, કિંમત જો હમે કરેંગે)

ઓબામાઅંકલની ‘દિલ’મુક સરકારથી ટ્રમ્પકાકાની ‘ડિલ’મેકિંગ સરકાર તરફના ટ્રાન્સફોર્મેશનની આખી પ્રોસેસ માર્કેટિંગના મહાગુરુઓ માટે નવું આઈડિયા મેનેજમેન્ટનું મેન્યુઅલ આવ્યું છે. જે શીખશે, જેટલું શીખશે એમના માટે પ્રગતિનો ‘ટ્રમ્પકાર્ડ’ મળ્યો સમજી લેવું!

(દિમાગને મસ્તમ કરનારાં આઈડિયાઝ તમને ડાયરેક્ટ ઈનબોક્સમાં મળે તો આ લિંક પર રિક્વેસ્ટ મુકવી: http://bit.ly/IdeasMarket )

[વેપાર વિકાસ]- પાંચ વર્ષનું ‘પંચ’રત્ન !

Hands of Like

“એક નાનકડો આઈડિયા લાઈફ બદલે છે. એ બરોબર પણ ત્યારે જ, જ્યારે તેને દિમાગમાંથી હાથમાં ઉતારવામાં આવે તો.”

આજથી બરોબર પાંચ વર્ષ પહેલા આ બંદાને (પહેલા ઘરમાં ને પછી) દિમાગમાં આવેલો નાનકડો લેખકી આઈડિયા સીધો કિબોર્ડ પર ઉતરી આવ્યો અને (ને પછી ઘરવાળીની ટકોરથી) વર્ડપ્રેસ પર સર્જન થયો પહેલો બ્લોગ: નેટવેપાર.

યેસ! દોસ્તો, ડિજિટલ દુનિયામાં મને આજે પાંચ વર્ષ તમામ થયા છે. વાંચ-વાંચ કરવાની આદતે જ્યારે લખવાની સુતેલી આદતને ઠમકારી ત્યારે સાચે જ ખબર ન હતી કે “મંઝીલે ઐસેહી આતી જાયેગી, ઔર કારવાં બસ યુંહીં બનતા જાયેગા.”

જે વંચાયું-લખાયું તે શેડ્યુલ વિના. એવી કોઈ ખાસ કેરિયર બનાવવાની ઝંખના નહિ, પણ જાણીને જે લખાયેલું તે પહેલા દિલને ગમે ને પછી દિલદારોને ગમે અને ઉપયોગી થાય એવી સીધી સટ્ટાક નિયત.

એ દરમિયાન નિયતિએ મને આપ લોકો જેવાં મસ્ત મજાના લોકો સાથે ઓળખાણ કરાવી છે. જેમની પાસેથી મને ઘણું જાણવા મળ્યું છે, શીખવા મળ્યું. ઉપરાંત એવી વ્યક્તિઓ સાથે મુલાકાત થઇ, જેઓએ મારામાં વિશ્વાસ રાખી તેમના દિલની પર્સનલ વાતોને મારી પાસે ‘અમાનત’ તરીકે મુકી છે.

એવાં મસ્ત (અને મસ્ટ-રિડ) પુસ્તકો પણ વંચાયા જેણે ઝિંદગીને ૩૬૦ ડિગ્રીનો ટર્ન આપ્યો. એવું રોકડું લખાણ લખાયું જેમાંથી રોકડાં પણ નીકળ્યા અને એવી ઘટનાઓ બની જેણે જોબની અપસેટમાંથી ધંધામાં અપ-સેટ કર્યો.

સાચે જ પાંચ વર્ષમાં ધ્યેય ધરાવનાર માણસ સાવ જ બદલાય છે. અરે બલકે એમ કહો કે સસલામાંથી સાવજ બને છે.
So, What’s NEXT?

આવી જ પંચ-વર્ષિય મિક્સ ઝિંદગીની લાઈફ-લાઈન પર એક વધું નવું જંકશન ગોઠવાઈ રહ્યું છે. એ પણ મને ગમતાં બે સૌથી વધુ પ્રિય સબ્જેક્ટ્સનાં કોમ્બો સાથે:

| આઈડિયા અને માર્કેટિંગ.|

Stay Tuned…એક નવી પ્લેટ અને પ્લેટફોર્મ સાથે જલ્દી મળીયે!

આઈડિયાઝની સફેદીનો બ્લેક-બોક્સ આવો પણ હોય છે….!!!

Samuel Profeta's Creative Resume

Samuel Profeta’s Creative Resume

.

આજે બ્રાઝિલના એક ગ્રાફિક-ડિઝાઈનર ‘સેમ પ્રોફેટા’ના ઉદાહરણ દ્વારા મજાની આઇડીયલ વાત કરવી છે. આ સેમભાઈએ તેમની બાયોડેટા/રિઝયુમને (ફોટોમાં દેખાતા) દૂધના કાર્ટન પર ડિઝાઈન અને પ્રિન્ટ કરી છે.

પહેલી નજરે દુધની કોઈક નવી જ બ્રાંડ લાગતા પેકને રસપૂર્વક વાંચીએ તો તેના પર સેમભાઈએ ખુદના ફોટો-લોગો સાથે પ્રોફેશનલ અનુભવો, પર્સનલ અચિવમેંટસ, (ન્યુટ્રીશનલ) ફેક્ટસ, તેમજ બારકોડ યુક્ત કોન્ટેકટ ડીટેઇલ્સને સોશિયલ-મીડિયાને અનુરૂપ એવી થિમ પર અસરકારક રીતે તૈયાર કરી અસમાન્ય ક્રિયેટીવીટી બતાવી છે.

હવે તમે જ કહો કે…આ ‘સેમ પ્રોફેટા’ ને જો દુનિયાની કોઈક સુપર એડ-એજન્સીએ જોઈ લીધો હશે તો તેનાં કામની પ્રોફિટ સેમ ટુ સેમ રહી હશે?- …………. ક્યાંથી રહે બાપલ્યા! સેમભ’ઈ એ તો પેલી કહેવત “થિંક આઉટસાઈડ ધ બોક્સ”નેય ખંખેરીને નવી બનાવી છે: “થિંક ઓન ધ બોક્સ.”

તો દોસ્તો, આપણને પણ ખબર જ છે, કે આવાં કામોને ધક્કો મારતું પરિબળ છે…. આઈડિયા!….

યેસ ! દુનિયામાં શ્વાસોચ્હ્વાસની જેમ દર સેકન્ડે ક્યાંક ને ક્યાંક ક્રેઝી આઈડિયા પેદા થતાં જ જાય છે. આ તો ઇન્ટરનેટનાં વિકસાવનારાઓનું પણ ભલું થાજો કે જેના થકી જરૂરી એવા હટકે આઈડિયાઝ આપણને વિવિધ મીડિયા દ્વારા જોવા મળે છે. જેનાથી સાવ સામન્ય લાગતી બાબત પણ અસામાન્ય બનીને વાઇરસની જેમ ફેલાઈ જાય છે.
આવાં અનોખા આઈડિયાઝનો પિટારો મેં પણ બહુ મહેનત કરીને બનાવ્યો છે. જેનું નામ છે. ટ્રેન્ડલી.

તો નેક્સ્ટ પોસ્ટમાં એ ટ્રેન્ડલીની વાત ફ્રેન્ડલી લેવલે જાણવા અહીં આવી જાવ.. “જય આઈ-દિયા!”

માર્કેટિંગ મોરલો:

“આઈડિયાનો જો સાચો ઉપયોગ થાય તો તેની સાથે વાપરનારને તે આઈડિયલ કે આઈડોલ બનાવી દે છે. નહીંતર આઈડલ કે અડિયલ બની ક્યાંક દફનાઈ જાય છે.”

વેપાર વ્યક્તિત્વ: બોક્સની અંદર રહેલો ‘રિફ્રેશિંગ’ આઈડિયા !!!

VENTiT-vinay-mehta-ventilated-pizza-box-2

VENTiT-Vinay-Mehta-Ventilated-pizza-box

દુનિયાની લગભગ બધીજ પિઝ્ઝા કંપનીઓ વાત કરે છે: ‘અમારો પિઝ્ઝા ફ્રેશ !’… ‘ગરમાગરમ પિઝ્ઝા તો અમારો !… ‘અડધો કલાકમાં તાજોમાજો પિઝ્ઝા મેળવો!’…..- બરોબર?. ચાલો માની લઈએ.

પણ બાપલ્યા! વધુંભાગે આ ‘ફ્રેશ’ નામનું ફેક્ટર પિઝ્ઝાની સોડમ સાથે અડધો કલાક પહેલા જ ઉડી ગયેલુ હોય છે. અને તેની અસલ મઝા ૧૫ મિનિટમાં જ પતાવવી પડતી હોય છે. નહીંતર હાથમાં માત્ર આવે ચીમળાયેલો ‘વાસી’ ટુકડો. કારણ?- તેમાં રહેલા મેંદાના કેમિકલ લોચા ! બીજું શું???

સવાલ એ નથી કે તાજગી નામની બી તો કોઈ ચીજ છે કે નહિ?…સવાલ તો છે…આવું ક્યાં સુધી સહન કર્યે જવાનું? – પણ જેમ યદા યદા હી પ્રોબ્લેમ્…તદા તદા સોલ્યુશનમ્ !

ઈટાલી, પિઝ્ઝા, ગરમાગરમ, ફ્રેશ, સોડમ, પેકેજીંગ, બોક્સ, ભારતીય, ગુજરાતી, મહેતા, માર્કેટિંગ…નું નવું જ કોમ્બો-પેકી સોલ્યુશન દુનિયાની સામે આવ્યું છે.

લાવનાર છે આપણા દેશી ગુજ્જુભાઈ વિનય મહેતા.

વિનયભાઈએ અત્યાર સુધી વપરાતા વિદેશી બંધ પિઝ્ઝા બોક્સમાં સાવ (અ)સામાન્ય બુદ્ધિ દોડાવી પિઝ્ઝા સાથે સુગંધ ફેલાવી છે. મહેતા સાહેબે એ ટ્રેડિશનલ બોક્સમાં ઉપર અને નીચે જાળીદાર જગ્યા બનાવી રિફ્રેશિંગ રેવોલ્યુશન કરી બતાવ્યું છે.

તેમના મત મુજબ જ્યારે કોઈપણ ગરમાગરમ ‘પીટ્જા’ વેન્ટીલેશન વિના મુકવામાં આવે તો થોડાં જ સમયમાં તેમાંથી નીકળી જતી વરાળ પિઝ્ઝા સાથે આખા બોક્સને ઠંડું કરી નાખે છે. પણ જો ઉપર-નીચે એવી જાળીદાર જગ્યા બનાવવામાં આવે તો સુગંધી વરાળ તેનું સાયકલિંગ મોંમાં મુક્યા સુધી લાંબો સમય ચલાવે રાખે છે.

હવે બોલો ક્યાં પિઝ્ઝા અને ક્યાં મહેતા?- બુદ્ધિ’ઝ?!?!?!? હુઝ ફાધર? મહેતાજી હવે ચોપડા સાથે બોક્સની સુગંધ ચોપડાવી શકે છે, ખરું ને?

મુર્તઝાચાર્યનો || મહેતા મોરલો ||

જૂની કહેવત: થિંક આઉટસાઈડ ધ બોક્સ.
નવી કહેવત: થિંક ઈનસાઈડ ધ બોક્સ એન્ડ ગેટ આઈડિયા આઉટ!

(સોર્સ: http://www.ventit.in/ )

વ્યાપાર વનિતા: તમને આ રીતે ‘ગળે પડવું’ ગમશે?

Roopal Patel

પટેલની જીભ એટલે ‘શાર્પ તલવાર’. એક વાર વાગે એટલે કેટલા કટકા થાય એ વિશે કહી ન શકાય, પણ થાય એની ગેરેંટી.

પણ જો પટેલની બ્યુટી, બ્રેઈન અને બોલ (રમવાનો નહિ પણ શબ્દોનો હોં !) ત્રણે અમેરિકાના ‘બોસ્ટનમાં’ એકસાથે ભેગાં થાય ત્યારે ત્યાં રેવોલ્યુશન થાય જ એમાં કોઈ શક ખરો?- જરાયે નહિ લ્યા!

અને એમાંથીયે એક પટલાણી બહાર આઈ જાય તોહઓઓઓઓઓઓઓ…?!?!? તો એનું નામ જલ્દી જલ્દી બોલાઈ જ જાય…

રૂપલ પટેલ.

(Communication Analysis and Design Laboratory)ના ડાયરેક્ટર તરીકે આ દેશી-રૂપાળી રૂપલબૂને ‘બોલવા’ની બાબતમાં સાયન્ટિફિક સોલ્યુશન આપી વિદેશી મીડિયામાં ‘કોમ્યુનિકેશન’ના એક ‘પ્રોબ્લેમની બોલતી બંધ’ કરી છે. હો વે..આપડેહ શીધી ભાસામોં કહીયે તોહ..

‘જે લોકો બોલી શકતા નથી, તેમના માટે તેણે ‘વોકલ આઈ.ડી.’ (VocalID) નામની ટેકનોલોજી વિકસાવી છે. જે ન બોલી શકનાર વ્યક્તિના ગળામાંથી નીકળતા એક્ચ્યુઅલ વેવ્સને પકડી વર્ચ્યુઅલ વોઇસમાં રૂપાંતર કરે છે. આ વોઇસ સિન્થેટીક વોઇસ પણ હોઈ શકે. એટલે કે….બોલી શકનાર એવી વ્યક્તિના અવાજને, ન બોલી શકનાર માટે ઉપયોગમાં લેવાય છે.

બહુ ગળે અટકી જાય એવી વાત લાગે છે ને?- તો એક કામ કરો. http://vocalid.org/ પર જઈ વધારે એ ટેકનોલોજી વિશે (અને થોડું-ઘણું રૂપલબૂન વિશે) પણ જાણી આવો. શક્ય છે આપણામાંથી કોઈનો પટેલી અવાજ અન્યને બોલવામાં મદદ કરી શકે…

બોલો હવે….આવી બાબતમાં કોઈકના માટે ‘ગળે પડી’ને પણ સદ્કાર્ય થઇ શકે છે. કેટલીક બાબતો ‘ભોડામોં મેહલવાની નઈ પણ મોઢામોં (ફિ)મેહલવાનીય હોય, હું ચ્યોં સ, ખરું ન?

જે હોય તે…મેં તો આ ટેકનોલોજીને ‘પટેલીકોમ્યુનિકેશન’ નામ આલી દીધું છે ભ’ઈ !

વેપાર વણાંક: ‘બોસ’ને પણ આ રીતે પાણીચું આપી શકાય.

Fire_Your_Boss_with_Resignation

.

“માનનીય બાર્ટન સાહેબ,

તમારી કંપનીમાં એક સાવ ફાલતું માણસ છે. હું માનું છું કે તમારે તેને ઘણાં વખત પહેલા પાણીચું આપી દેવું જોઈતું હતું. સાહેબ! હું આપને શેરવૂડ એન્ડરસન નામના એ માણસની આજે વાત કરવા માંગુ છું.

હું જોઈ રહ્યો છું કે કેટલાંક અરસાથી તેને ઓફિસના કામોમાં કોઈ રસ કે દિલચસ્પી રહી નથી. તેને એમ પણ લાગી રહ્યું છે કે પાછલાં કેટલાંક મહિનાથી એ જાણે આપની કંપનીમાં શોભાનું એક ગાંઠીયુ જ બની રહ્યુ છે.

તેનાં લાંબા વાળ તો જુઓ! ઓફીસમાં તેને પોતાના દેખાવનું પણ ભાન નથી. જાણે કોઈ લઘરવઘર કલાકાર અહીં આંટા મારી રહ્યો હોય. આવા માણસો કદાચ બીજાં પ્રસિદ્ધ કલાકારોને ઈમ્પ્રેસ કરી શકે પણ ઓફીસના રૂટિન કામ માટે……ચાલી જ કેમ શકે?

હા ! તો હું આપને એમ કહું છું કે તેની આવી હાલત જોઈને આપે આવા નકામા માણસને વહેલામાં વહેલી તકે નોકરીમાંથી કાઢી જ નાખવો જોઈએ. જેથી આપની ઓફિસનું કામ અને તેના સમયનો બગાડ થતા અટકી શકે. અને જો આપ એમ નહિ કરો તો હું ખુદ પોતે જ તેને ઓફિસમાંથી કાઢી નાખવા તત્પર થઇ ચુક્યો છું.

આમ તો તેનામાં કામ કરવાની ઘણી સારી એવી સ્કિલ્સ અને આવડત છે. એટલે શક્ય છે, તેનો સાલસ સ્વભાવ અને તેનામાં રહેલી કેટલીક સારી બાબતો તેને બીજે ક્યાંક તેના મનગમતા કામ સાથે આગળ વિકસાવી શકશે.

તો આવતા અઠવાડિયા પહેલા તેની બરતરફી ઓર્ડર પાકો ને?

આપનો સદા આભારી,
ખુદ….શેરવૂડ એન્ડરસન.”

=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=

તો આ હતુ ઈ.સ. ૧૯૧૮માં લખાયેલું અમેરિકાના સુપ્રસિધ્ધ નવલકથાકાર શેરવૂડ એન્ડરસનનું એક નવલા પ્રકારનું રાજીનામુ.

જોબના હોજમાં ફીટ ન બેસી શકનાર આ શેરવૂડ સાહેબે વર્ષો પહેલાં નોકરીથી તંગ આવી જાતને જ બોસ પાસે ‘ફાયર’ કરાવી. પછી તેમના લખવાના પેશનને બહાર કાઢી લખાણની નવીન શૈલીથી ખુદનું ‘લેખન-માર્કેટ’ વિકસાવ્યું.

દોસ્તો, આજથી ફરી એક નવું ‘વિક’ શરુ થઇ રહ્યું છે. તમારા માંથી કોઈકને લાગતું હોય કે તમારી સ્કિલ્સ, ટેલેન્ટ શેરવૂડની જેમ ક્યાંક ‘વીક’ ગયા છે, અને તમે એમાંથી બહાર નીકળવાનો ઉપાય શોધી રહ્યા છો તો…. પહેલા ખુદ થઇ જાઓ ‘રાજી’…. પછી ઉઠાઓ કલમ અને લખો તમારી અસલી કારકિર્દીનું ‘નામું’!

મોનેટરી મોરલો:

‘ખુદમાં રહેલા ‘શેર’ને બહાર લાવવો હોય આ રીતે ‘કાગળનો ટાઈગર’ બનીને પણ…….શરૂઆત તો કરવી જ પડે છે.’

વેપાર વ્યકતિત્વ: || ‘એશ’ ને કિયા કેશ! ||

Ash-Bhat- WWDC Winner

દરવર્ષે જુન મહિનામાં એપલ કંપની તેના ખાંટુ સોફ્ટવેર ડેવેલોપર્સ માટે WWDC નામના ૪ દિવસના વર્કશોપનું આયોજન કરે છે. જ્યાં થાય છે, મગજની નસનું અને એપલના ડિવાઈસીઝને ધક્કો મારતા સોફ્ટવેર્સનું અપડેટ્સ અને હાર્ડવેરનું અપગ્રેડ.

આ વર્ષે તેના વર્કશોપની ફી ૧૫૦૦/- ડોલર્સ રાખવામાં આવી છે છતાં તેની ટિકિટ સેકન્ડ્સમાં વેચાઈ ગઈ છે. મહિનાઓ અગાઉથી આ વર્કશોપમાં આવનારી અને અપાનારી બાબતોને એપલ પોલીસી મુજબ ખૂબ સિક્રેટ રાખવામાં આવી છે.

તેના પ્રથમ દિવસે કી-નોટ પ્રવચન સાથે જ માહિતીના, જ્ઞાનના રહસ્યમય પડદાઓ ખુલે છે. જેમાં આવનાર સૌને લાગે છે કે….( હાળું ૧૫૦૦ ડોલર્સમાં આ લોકો ગંજાવર કન્ટેનર ભરાય એવું આપે છે અને આપડ ખાઆલી બાલ્ટી-ટમ્બલર લઈને ઉભા છઇયે.)

ખૈર, આ ૧૦મી જુને પણ આવું જ કાંઈક બનવાનું છે. પણ આ વર્ષે પહેલી વાર એપલે એક ખેલ કર્યો છે. હજુ સ્કૂલમાં જ ભણતા એવાં ૧૫૦ વિદ્યાર્થીઓને સ્પેશિયલ વર્ગ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે જેઓ સોફ્ટવેરમાં કાઠું કાઢી રહ્યા છે. એમાંથી પણ માત્ર એક જ ખાસ સ્કોલરશીપ માટે પસંદ કરવામાં આવ્યો છે.

અને મને આજે આ ખાસ વ્યક્તિની જ આજે વાત કરવી છે. એનું નામ છે:

અક્ષત ભટ્ટ (એશ ભટ)

૧૬ વર્ષનો આ બટુકિયો NRI ગુજ્જુબાબો આ વર્ષે WWDCમાં તદ્દન મફતમાં બધી જ મોજ માણશે. એપલ તેને પ્રાઈઝ અને પબ્લિસિટીથી માલામાલ કરવાનું છે.

કારણકે કે…તેણે બહુ મહેનત કરી છે. (એનો અર્થ એમ નથી કે તેણે ચા ની કીટલીએ કપ-રકાબી ધોયા છે કે ૨૦ કિલોની સ્કૂલ બેગ ઊંચકી છે.)

પણ એટલા માટે કે…અક્ષતે WWDCના વર્કશોપમાં વાપરી શકાય એવી વોઇસ-ઓપરેટેડ મોબાઈલની એપ્લિકેશન બનાવી છે. જેના દ્વારા આવનાર બીજાં બધાં વિઝીટર્સ તે વર્કશોપને લગતી દરેક બાબતોથી અપડેટ્સ મેળવતા રહેશે.

ક્યાંથી જવું? શું અને કેવી રીતે મેળવવું? જેવી બાબતો ઉપરાંત બીજી ઘણી માહિતીઓ માત્ર બોલીને હુકમ કરવાથી તેમાં સતત અપડેટ થતી રહેશે અને મદદ કરતી જશે.

એપલના એસોસિએટ્સને આ ‘એશ’ અને તેની ‘એપ’ બહુ એટ્રેક્ટિવ લાગ્યા છે. અને એટલે જ આ વર્કશોપ અને પછી વધુ અભ્યાસર્થે સ્કોલરશીપ આપવાનું ઠરાવ્યું છે.

એશની પ્રોફાઈલ પર એક નજર કરવાથી ઘણી બાબતો જાણી શકશો.

http://www.linkedin.com/in/ashbhat

જ્યારે તેના બીજાં અચિવમેન્ટસ માટે ‘ગૂગલ’જી ભટ્ટ તેની જોશપોથી ખોલીને તૈયાર બેઠાં છે. બસ માત્ર સર્ચ-લાઈટ મારવાની છે.

સકર ‘પંચ’ 

“જો કેરિયરમાં આ રીતે ફાસ્ટ ‘કેશ’ કરવી હોય તો…તો ‘એશ’ જેવા બનવું યા મોબાઈલ એપ બનાવવી.”

વેપાર વ્યક્તિત્વ:| માનવતાના મંત્રનું ગ્લોબલ માર્કેટિંગ કરતી…ગાયત્રી !

Gayatri_Datar

Gayatri_Datar (C) BI

ગાયત્રી દાતાર નામે દેખાતો આ સોફ્ટ ચહેરો હાર્ડવર્ક કરવા માટે થોડાં સમય અગાઉ મીડિયાના મથાળે ચડ્યો છે.

હાલમાં સ્ટેનફોર્ડ યુનિવર્સીટીની સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ હાર્વર્ડ-કેનેડી સ્કૂલ ઓફ ગવર્નમેન્ટમાં (આપડી ભાસામાં) ધંધાની ચોપડીનું ભણે છે. ૨૭ વર્ષની આ ગાયત્રીએ ભણતરનો મંત્ર એવો ફૂંક્યો છે કે આજે કેટલાંક દેશોનાં (માનનીય) મંત્રીઓ/સરકારો તેમજ પ્રસિદ્ધ NGOs માં તે પોતાનો પગપેસારો કરી પ્રસિદ્ધિ મેળવી ચુકી છે.

૮ વર્ષથી વિશ્વના જાણીતા સરકારી અમલદારો સાથે સતત નેટવર્કિંગ કરતી ગાયત્રીનું એક મિશન છે.:

‘ગવર્નમેન્ટ અને નોન-ગવર્નમેન્ટ સંસ્થાઓને જોડી તેમાં ઉદ્ભવી શકાતા વિવિધ ઇનોવેશન્સ કરવા, જેથી નાનકડાં (પણ ચતુર લાગતા) નાગરિકોના કામોને બહાર લાવી ચમકાવી શકાય.’

(બહુ ચકળવકળ લાગે છે ને?!?!?!)….

પણ દોસ્તો, હાલમાં બિઝનેસ મેનેજમેન્ટના બીજા વર્ષમાં ભણી રહેલી આ દાતાર ગાયત્રીની પ્રોફાઈલ અને પ્રોજેક્ટ-પોર્ટફોલિયો જોયા-જાણ્યા પછી તેને મદદ કરવા કેટલીયે NGOs મદદ માટે આવી રહી છે. વળી ‘મિશન દ્વારા દુનિયાને બદલી શકે એવા સ્ટેનફોર્ડના ટોપ ૧૭ નવયુવાનો’માં તેનું પણ નામ આવી ગયું છે.

તેના વિશે કહેવાની જરૂર શું કામ પડી?

એટલા માટે કે….માર્કેટિંગ માત્ર પ્રોડક્ટ કે સેવાનું જ નથી થઇ શકતું. પણ વ્યક્તિ અને તેમાં રહેલો આઈડિયા પણ એટલો જ મહત્વનો છે. આપણી બિઝનેસ સ્કૂલ્સ અને એન્જિનીયરીંગ કોલેજમાંથી પણ એવા ક્રિયેટિવ નમૂનાંઓ ભરાઈને પડ્યા હોઈ શકે. બસ જરૂર છે, એમને પણ બહાર લાવતા રહેવાની…

મંત્ર મોરલો:

“લાઈફમાં માત્ર…મંત્રો, આયાત-શરીફ, કે સૂત્રો પઢતા રહી ‘સૂવા’ કરતા પથારી ‘તજ’વી વધુ ‘લવિંગ’ભર્યું રાખવું !

“તનકી શક્તિ મનકી શક્તિ….Our Own’s Inner Vita!”

Dr. Arun Majumdar

(C) Dr. Arun Majumdar

ડૉ. અરુણભાઈ મજુમદાર.

સાયન્ટીસ્ટ છે. પણ આપણે એમને ‘શક્તિમેન’ કહીશું.

“શું કામ ભ’ઈ?”

એટલા માટે કે…ગઈકાલના દિવસો સુધી એમનું કામ હતું : ઓબામા સરકારની નીચે યુ.એસ.એ.ની સરકારી ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીના અન્ડર-સેક્રેટરી તરીકે…(આઆહ! )

ને હવેથી: ગૂગલ મહારાજે અરુણભાઈને એમના એનર્જી વિભાગના વડા તરીકે જોબ આપી દીધી…..(ઓહ વાઉ! )

“કોઈ કારણ?”

“લાખોની સંખ્યામાં ગૂગલના કોમ્પ્યુટર્સ સર્વર સતત ચાલુ રહે છે. એ સિવાય એવા ઘણાં હાર્ડવેર્સ છે જેમ કે..

• >: થોડાં અરસા બાદ આવનારી ડ્રાઈવર-લેસ કારના એન્જિન્સ,

• >: હાઈપર ઈન્ટરનેટ ચલાવતા ફાઈબર્સ, અને

• >: સાથે એવા બીજાં ઘણાં સંતાયેલા પ્રોજેક્ટ્સ જેના થકી ગૂગલજી એમની શક્તિઓનો પરિચય થોડે થોડે દિવસે આપતા જ રહેવાના છે.

ટૂંકમાં, આ બધાં કામોમાં જેટલી શક્તિ ઓછી વપરાય અને વધુને વધુ માત્રામાં ટેકનોલોજીકલ-ફળો મળી શકે એનું ધ્યાન કઈ રીતે રખાય એ બાબતે અરુણભાઈ ગૂગલદેવને સલાહ-સૂચનાઓ આપશે.”

“ઓહ ! ત્યારે એમ કો’ને કે ગૂગલાને એવું લાગ્યું છે કે આ એક ભારતીય ભાયડો છે ઈ ‘પોતાની’ પૂરેપૂરી શક્તિ આ શક્તિઓને બચાવવામાં લગાડી દેશે, બરોબર?”

“જી હા! બવ સાચું કીધું તમે. હવે તમારામાં કોઈક અનોખી શક્તિ પડી હોય તો એને ય બહાર કાઢી બતાવો ને.

“ઓ’ બાપલ્યા, મારી માથાકૂટ મૂક બાજુ પર ને બતાય કે અરુણભ’ઈને ઈ લોકાં પગાર ચેટલો આલશે?”

“બસ દર મહિને થોડાંક જ મિલિયન ડોલર્સ આલી દેશે!, આપડા દેશીઓને તો આમેય ‘થોરામાં ઘન્નું’ જ મલી જાય છે, ભૂલી ગયા?

સર‘પંચ’

એક બ્રેકિંગ ન્યુઝ: 

૬૦૦ રૂપિયા, ૬ બાટલા, ૨૦ SMS જેવાં કેટલાંક ‘કંટ્રોલ્ડ તત્વોએ’ ભેગા મળી કર્યો પ્રજા પર ‘ગેંગરેપ’.

(સ્ત્રીઓ તો શું… હવે પુરુષો પણ અસુરક્ષિત?!?!?)