ભાગ-૨ [:-)ઈન્ટરનેટ પર દુનિયાને ટોપીઓ પહેરાવતા (નાઈજીરિયન) વાનરો

ગઈકાલના આર્ટિકલથી ચાલુ રાખતા…

આવોજ એક ઈ-મેલ વિષ્ણુભાઈને પણ આવ્યો – થોડોક અલગ – એમાં કહેવાયેલું કે ફલાણા કોલા કંપની દ્વારા બ્રાન્ડ પ્રમોશન માટે કરોડો ઈ-મેલ માંથી પસંદ કરાયેલા થોડાક સરનામાંઓમાં તેમનું ઈ-મેલ સરનામું છે, અને એ ઈનામ મેળવવા સંપર્ક કરવો, વિષ્ણુભાઈએ એને ડીલીટ ન કર્યો, પણ સ્પામ તરીકે માર્ક કરી દીધો. જો કે તેનો અર્થ નહોતો કારણકે એ સરનામેથી બીજી વખત ઈ-મેલ આવવાનો ન હતો, એવા કરોડો સરનામાં આવા ઈ-મેલ કરવા રોજ નવા બને છે.

રહીમભાઈનો અનુભવ થોડોક નોખો છે – એમને એમની અખિલ ભારતીય બેંક તરફથી એવુ કહેવાયું કે તેમનું બેંક ખાતું અસામાન્ય ટ્રાન્ઝેક્સન્સ ધરાવે છે, એટલે મેલમાં સૂચવેલ લિન્ક પર ક્લિક કરીને આઈડી અને પાસવર્ડ સત્વરે બદલી દેવા જણાવાયેલું. એમાં એમ પણ લખ્યું હતું કે તેમનો ફોન દ્વારા સંપર્ક કરવાના પ્રયત્ન થયેલા પણ એમ થઈ શક્યું નહોતું. મોટાભાગની રકમ એ જ ખાતામાં ધરાવતા રહીમભાઈએ ગભરાઈને એ કડી પર ક્લિક કર્યું, પણ જે પાનું ખૂલ્યું એ તેમની બેંકના હોમપેજથી મહત્તમ સમાનતા ધરાવતું હોવા છતાં થોડું નોખું હતું, એટલે તેમને શંકા ગઈ…. તેમણે બીજી વિન્ડૉમાં પોતાની બેંકનું પાનું ખોલીને ચેક કર્યું તો બધું બરાબર હતું. તેમણે ઈ-મેલ બેંકને ફોરવર્ડ કર્યો અને ત્યાંથી તેમને ખબર પડી કે એ સ્પામ – ફ્રોડ ઈ-મેલ હતો.

આજકાલ ઑનલાઈન વિશ્વમાં અનેક દાનવીરો ફરે છે, લોકો હવે સોનાનો દાંત કે કવચ કુંડળ નહીં, અબજો પાઊન્ડ અને લાખો ડોલરોની લહાણી ઈ-મેલ દ્વારા કરવાની વાત કરે છે, મોટેભાગે આવા ઈ-મેલ છેતરીને લોકો પાસેથી પૈસા કઢાવવાનો કીમીયો જ હોય છે. અને દસમાંથી એક જણ આવા કાવતરાનો ભોગ પણ બનતા હોય છે.

એક અંદાજ મુજબ એકલા અમેરિકામાં આ બાબતના આંકડા ચોંકાવનારા છે. અમેરીકાની કુલ વસ્તી (ત્રીસ કરોડ)ના પચાસ ટકાથી વધુ દિવસમાં એકથી વધુ વખત ઈ-મેલ વાપરે છે, તેમાંના આશરે અડધા (સાત કરોડ પચાસ લાખ) ને આવા ઈ-મેલ મળતા હશે, જો તેના ફક્ત એક ટકા (૭૫૦૦૦૦) રોજ આવા ઈ-મેલનો ભોગ બનતા હોય, જે લગભગ સાચા આંકડા છે, એ દરેક ફક્ત $૨૦ આમાં ખર્ચ કરે તોય આ આંકડો $૧.૫ કરોડ પ્રતિ દિવસ, $૧૦.૫ કરોડ પ્રતિ સપ્તાહ અને $૫૪૬ કરોડ પ્રતિ વર્ષ થવા જાય છે. વિશ્વમાં આટલી મોટી હદે થતી છેતરપિંડીનો આંકડો સાચે જ આશ્ચર્ય પમાડે એવડા મોટા છે, અને આ મોટાભાગની હેરફેર સામાન્ય માણસની જાણકારીનો અભાવ અથવા તેની સાવચેતીનો અભાવ સૂચવે છે.. (સંદર્ભ – http://www.consumerfraudreporting.org/spam_costs.php)

તારકભાઈના ઉલટા ચશ્મા હમણાં આ કરમકથનીને પણ ફિલ્માવી ચૂક્યા છે, પણ એમાં બતાવ્યો એવો સુખદ અંત હજારે એકાદને મળતો હશે ? એ માનવું અઘરું છે કે ઈ-મેલ દ્વારા થતી આવી છેતરપિંડીમાં – મૂર્ખામીમાં કોઈ ફસાય … પણ એ સાચું છે કે હજારો – લાખો લોકો રોજ આવી છેતરપીંડીના ભોગ બને છે. અનેક રીતે – અનેક ઉપાયોથી – અનેક બહાનાઓથી આવી છેતરપીંડીઓ થાય છે. ઑનલાઈન જગતની મહત્તા અને જરૂરત જ્યારે વધી રહી છે ત્યારે આવા ભયસૂચક તત્વોથી બચીને રહીએ અને દરેક પગલું સમજી વિચારીને ભરીએ એ જ આપણી સુરક્ષા. માર્કેટિંગના આ ભવ્યાતિભવ્ય સમયમાં આ એન્ટિ – માર્કેટિંગથી બચીને રહીએ એ જ આપણું ઈનામ.

સૌજન્ય: આ આર્ટીકલ ‘અક્ષરનાદ’ બ્લોગ-સાઈટના સંચાલક-દોસ્ત જીગ્નેશભાઈ અધ્યારૂ તરફથી મળ્યો એ બદલ આભાર.

સર’પંચ’

આવા સ્પામ કરનારાઓને ઓળખીને તેમને હેરાન કરવાની એક આખી પદ્ધતિ છે, અને એમાં અનેકગણો આનંદ લઈ શકો જો તમે વ્યવસ્થિત રીતે તમને ભોળવવા નીકળેલાને ભોળવી શકો. તેમની સાથે ખોટા નામ અને ઈ-મેલ એડ્રેસથી સંપર્ક કરો – તેમને વ્યસ્ત રાખો – તમને મનોરંજન મળશે અને એના બગડેલા સમય દરમ્યાનની ફના થવા તૈયાર એવા કોઈકની કિંમતી મૂડી બચશે. આવા સ્પામર્સને હેરાન કરી ચૂકેલા લોકોની મુખે સાંભળો – વાંચો એ વિવિધ અનુભવનું ભાથું.

http://www.419hell.com/

ઈન્ટરનેટ પર દુનિયાને ટોપીઓ પહેરાવતા (નાઈજીરિયન) વાનરો

‘અધ્યારૂ’ અટક હોવા છતાં હજુ થોડાં જ  દિવસો પહેલા એક ડોક્યુમેન્ટરીમાં અદાકારી માટે થોડાં સમય માટે ‘ગાંધી’ની અટક અને અસરમાં આવી ગયેલા જીજ્ઞેશભાઈ માટે બહુવચ(નો)માં કહેવા જેવુ ન લાગે એવો એક અક્ષરનાદી ‘બાપુ માનસ’ છે. પેલાં મારા ‘વાનરો વેચવાનો વેપાર એટલેવિષય માટે પોતાના બ્લોગ પર જગ્યા કરી આપનાર જીગુભાઈ એમનો આર્ટિકલ ‘ઈન્ટરનેટ પર દુનિયાને ટોપીઓ પહેરાવતા (નાઈજીરિયન) વાનરોવિષય પર આજે આ બ્લોગ પર ઉપસ્થિત થયા છે. એમનો આભાર માની ચાલો જાણીએ અધ્યારૂ બાપુનો પહેલો અધ્યાય શું કહે છે….

Scam

એક સવારે મફતભાઈને તેમના ઈ-મેલ ખાતામાં કોઈ અજાણ સરનામાથી એક ઈ-મેલ આવ્યો, તેમાં જણાવાયેલું, કે સંપર્ક કરનાર આફ્રિકાના વિદ્રોહી ટોળકીના કોઈ એક શહીદ થયેલા સભ્યની વિધવા છે અને તેમની પાસે ઘાનામાં કોઈક જગ્યાએ અમુક લાખ પાઊન્ડ પડ્યા છે જે તેમને વિશ્વાસપાત્ર ગણીને તેમના બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવા તૈયાર છે. એ જ્યારે ત્યાંથી છટકીને અહીં આવશે ત્યારે મફતભાઈને આ આખાય સત્કાર્યમાં મદદ કરવા બદલ એ કહે એટલા ટકાનો હિસ્સો આપવા તૈયાર છે – ઉપરાંત આ આખાય કામમાં થયેલ ખર્ચ પણ તેમને મળી જવાનો છે.

જો રસ હોય તો તેને બને તેટલી ઝડપી ઈ-મેલ દ્વારા સંપર્ક કરવા કહેવાયું જેથી એ પૈસા મફતભાઈના ખાતામાં ટ્રાન્સફર કરી શકાય. લોનથી મકાન ખરીદવાની હિંમત કર્યા પછી દર મહીનાના ઈન્સ્ટોલમેન્ટથી ત્રાસેલા, પુત્રને કોલેજમાં એડમિશન અપાવવા માટેના બે લાખની માંડ માંડ જેમણે ગોઠવણ કરી છે એવી અનેક પળોજણમાં પડેલા અને શેરબજારમાં પોતાના ડૂબેલા પૈસાને બદલે બમણું વસૂલ કરવાના સપના સેવતા મફતભાઈ આ ઈ-મેલ જોતાની સાથે ખુરશી પર પીઠ ટટ્ટાર કરી, ગર્વથી માથુ ઉંચુ કરી, રૂપિયા હાથમાં આવી ગયા હોય એવા અદભુત આનંદને વશ થઈને સ્વપ્નસાગરમાં હિલોળા લેવા માંડ્યા. અનેક સ્વપ્નોની વચ્ચે મફતભાઈએ તેમને વળતો જવાબ આપ્યો…. કે આ કામ કરવા તેઓ તૈયાર છે અને હવે તેમને શું કરવાનું છે તે જણાવવું.

આવી સુંદર તક સામે ચાલીને આવી હોય ત્યારે એ ઈ-મેલના જવાબની રાહ જોવા, આનંદના ઉભરાને ખાળવા એકાદ દિવસ નોકરીએ ન જઈએ તો શું ખાટુમોળું થઈ જવાનું એ વિચારીને મે મહીનામાંય તેમણે વર્ષની છેલ્લી બચેલી સી.એલની બલી ચઢાવી દીધી.

એકાદ-બે કલાકમાં જ વળતો જવાબ આવ્યો. તેમાં પેલી વિધવા – એક સરસ સાઊથ આફ્રિકન યુવતિનો ફૉટો હતો, મફતભાઈનો ખૂબ આભાર મનાયો અને તેમને એ રકમ મેળવવા સૌપ્રથમ કરન્સી ચેન્જ અને વ્યાજ જેટલા પૈસા ચૂકવવા વિનંતિ કરાઈ, એ પૈસા તેમને પેલી રકમ જે સહેજે બે લાખથી વધુ હતા. સાથે તેમની વિગતો જેવી કે નામ, સરનામું, બેંકોના ખાતા નંબર અને શાખાઓની વિગતો, તેમના બેંક બેલેન્સ, સ્થાવર મિલકત વગેરે આપવા કહેવાયેલું. જો કે કરોડો મળવાના હોય ત્યારે લાખમાં શું કામ વિચારવું એમ વિચારીને તેમણે ઈ-મેલમાં આપેલા ખાતા નંબરને ધ્યાનપૂર્વક નોંધી ચપ્પલ પહેરીને બેંક તરફ ઝંપલાવ્યું.

બેંકમાં તેમણે પોતાના પુત્રના એડમિશન માટે જમા કરેલા અને ઘરના હપ્તાઓ માટે ડિપોઝીટ કરેલ પૈસા ઉપાડ્યા, હમણાં થોડાક દિવસોમાં આખી લોન ભરી દઈશ અને પુત્રને તો …. કેમ્બ્રિજથી ઓછી કોઈ કોલેજ ખપે જ નહીં,  અને બે લાખ જેવી માતબર રકમ પેલા આપેલા સરનામે ટ્રાન્સફર કરી.

ઘરે આવીને એ બાબતની ખાત્રી કરતો જવાબ તેમણે પેલા ઈ-મેલ પર કર્યો…. અને ત્યારથી આજ સુધી એ મેલ બોક્ષને વારેવારે રિફ્રેશ કરે છે, પણ ખબર નહીં કેમ, કોઈ જવાબ આવ્યો જ નથી. પોલીસમાં કહેવા જઈશ કે બીજા કોઈ મિત્રને કહીશ તો લોકો હસશે એ ડરથી આ વાતને તેઓ કોઈની પણ સામે ઉચ્ચારતાંય નથી.

બાકીનો અધ્યાય આવતી કાલે…

સર ‘પંચ’

…૫ મીનીટમાં ૧૦ જાદુ….