સવારમાં એક નેટ-દોસ્ત તરફથી સવાલ આવ્યો. તેમને ‘પૌષ્ટિક’ જવાબ આપવો જરૂરી લાગ્યો એટલે ‘પોસ્ટ’ રૂપે આપ સૌની સાથે….
“મુર્તઝાભાઈ, એક પ્લમ્બિંગ-ઇલેક્ટ્રિક જેવી રોજમરાની જરૂરિયાતના ઉપકરણોના રિપેરિંગની સુ-વ્યવસ્થિત ધંધાદારી સેવા શરુ કરવાનું વિચારું છું આપ જણાવી શકો આ વિચાર કેવો છે? માર્કેટિંગ કેમ કરવું ? અલબત્ત શરૂઆતમાંજ અને બીજા ક્યા ક્યા ક્ષેત્ર આમાં આવરી શકાય?”
જવાબ:
“ ભાઈ, પહેલા તો પ્લમ્બિંગ-ઇલેક્ટ્રિક જેવા કામોની સ્કિલ્સની બક્ષીશ મળી (અને ભળી) છે તે માટે અભિનંદન. જે કામ કરવાનું તમતમતું પેશન હોય અને માત્ર એક ગ્રાહક તરફથી ‘પ્રોફેશનલી કરવાનો ઓર્ડર’ આવ્યો હોય તો ‘યા હોમ’ કરીને ઘરેથી પણ શરૂઆત કરી દેવી.
એટલાં માટે કે એવાં કામોમાં તકોની ભરમાર રહેલી છે. જેમાં દિવસે-દિવસે અનુભવના જોરે વધુ ખીલવાની તકો પણ મળતી રહે છે. ખાસ કરીને મોબાઈલ્સ અને ઘરેલું ઈલેક્ટ્રોનિક ગેજેટ્સને જાતે રિપેર કરવું બીજાં લોકો માટે ટીડીયસ લાગતું હોય છે અને જો તમે પોશાય એવાં ભાવમાં સેવા આપી શકો તો થોડાં જ અરસામાં રીપેરેબલ ગેજેટ્સનો ખડકલો થઇ શકે છે.
ધ્યાન રાખવા જેવી બાબતો:
• ઉપકરણમાં રહેલા પ્રોબ્લેમનું (ઈમાનદારી સાથે) સ્પષ્ટ સોલ્યુશન આપશો. શક્ય છે બીજાં ઘણાં લોકો ન આપી શકે. ત્યારે એવાં વાતાવરણમાં તેનો ભરપૂર લાભ લઇ-આપી શકો છો.
• જો નાનકડી અને આરામદાયક જગ્યા પહેલેથી તૈયાર હોય તો સારું. બાકી ‘ધંધો કરવા માટે ખાસ જગ્યા’નો ખર્ચો બચાવી રસોડા અથવા ભંડકિયાથી શરૂઆત કરી શકાય. (પછી કામ વધે ત્યારે થયેલી પ્રોફિટથી ખિસ્સા અને જગ્યાનું ક્ષેત્રફળ આપોઆપ વધવાનું જ છે.) [રેફ: એપલ, માઈક્રોસોફ્ટ…]
• ઉપકરણોને રિપેર કરનાર સાધનો-tools પણ થોડાં લેટેસ્ટ અને મજબૂત (સમજો કે મોંઘા) હોય એવાં રાખવા. (એમાં ‘ચાઈનાપણું ન જ કરવું.).
• રિપેર થયેલા સાધનની ડિલીવરી…’આવતીકાલેને બદલે ગઈકાલે આપવી.’ (આ વાક્ય વારંવાર વાંચશો.)
• એક વાર રિપેર થયેલું સાધન બરોબર ચાલે છે ને?- એવું અપડેટ કસ્ટમર પાસેથી સમયાંતરે મેળવતા રહેશો તો નાનકડા મોબાઈલથી મોટી ઇન્ડસ્ટ્રીઅલ મશીનરીનું રિપેરિંગ કામ પણ વગર જાહેરાતે મળી રહેશે.
• ખૂબ મહત્વની વાત: ‘ખુદના ઘરેલું પ્રોબ્લેમ્સ’ની અસર ગ્રાહકના ઉપકરણ પર ન પડે એનું ખાસ ધ્યાન રાખવું. (નહીંતર નહીંતર કાતર અને કાનસ બંનેની નેગેટીવ અસર કસ્ટમર પર પડેલી દેખાશે.)
• “ટોટલ કેશ, નો ક્રેડિટ” માં સર્વિસ. થયેલા તમારા કામથી નીકળેલો બધો પસીનો સુકાઈ જાય એ પહેલા રોકડાં પણ હાથમાં આવી જાય એવી અકસીર વ્યવસ્થા શરૂઆતથી કરવી. ધંધો..ધંધો તરીકે જ દેખાય એ જરૂરી, નહીંતર ચેરિટેબલ સંસ્થાઓના ટેબલ પર પણ ધૂળ જામેલી રહે છે.
હવે બોલો, આટલું દિલથી કર્યું હોય….પછી માર્કેટિંગ કરવાની જરૂર પડશે ખરી?- જાવ ફતેહ કરો અને અમને સૌને ફોટો સાથે અપડેટ કરશો. થોરામાં ઘન્નું ચ !
મોરલ મદદ: જેમને નવા ટૂલ્સ લેવા હોય તો અહીંથી પણ મળી શકે છે ખરા…