રીડીંગ…વાંચનના લાભ-ગેરલાભ (કે ઘેર લાભ?) માટે કન્ટેનર્સ ભરાય એટલું લખવામાં આવી ગયું છે…હજુયે આવી રહ્યું છે ને ન.મો સાહેબની કૃપાથી આવતું રહેશે. ત્યારે એવા સંજોગોમાં “ભ’ઈ રે આપણા લખાણનું કેટલું જોર?” તો પણ એટલું તો કહેવું છે કે…
“ટીવી એ મને નોલેજ મેળવવામાં ઘણો ફાયદો આપ્યો છે. જયારે જયારે મારા ઘરે કોઈ પણ ટીવી ચાલુ કરે છે ત્યારે….હું ઉભો થઈને બીજા રૂમમાં પેન્ડીંગ બૂક કે મેગેઝીન્સ વાંચવા ચાલ્યો જવું છું.”
વાંચનનું પેશન એ ન કહેવાય કે સુહાગ રાતે તમારી પત્ની રાહ જોઈ બેસી હોય ને તમે બિહારના આદિવાસીઓની ગરીબી-નિવારણ માટે શું શું કરી શકાય એ માટેની થીસીસ વાંચીને મનન કરી રહ્યા હોવ. અથવા બહામાના સેન્ડી-બીચ પર સૂર્ય-સ્નાનની સાથે સાથે કોઈ ગ્લોસી મેગેઝીનમાં માથુ ઝુકાવી ઉંધા વળી બસ પડ્યા રહ્યાં હોવ અથવા એક-બે કલાક સુધી છાપામાં સંતાઈને બધાં પાનાઓ પર ફરી ફરી વળ્યા હોવ ને દિમાગ બીજે ક્યાંક ભટકતું હોય!
દોસ્તો, હું એવું માનું છું (ને હવે ફીલ કરું છું) કે ખરા વાંચનમાં વાંચતા વાંચતા તમે પોતે જ શબ્દોમાં ગોઠવાઈ જઈ તમને ગમતા વિચારોના અપડેટ થયેલા નવા અવતાર સ્વરૂપે બહાર આવો ત્યારે તમારા વર્તન, વાણી ને વ્યક્તિત્વ ની લાઈટ સામેવાળાને મહેસૂસ થાય. એ પછી કોઈ પણ જગ્યા હોય…
ખાસ કરીને ઈન્ટરનેટ પર વેપારમાં શરૂઆતથી જ આ ૩ ફેક્ટર્સ ઘણાં કામ લાગે છે. સાચું કહું તો આ બ્લોગને શરુ કરવાની પ્રેરણા મને મારા રીડીંગના શોખને લીધે જ થઇ છે. લખાણની પીક-અપ મેળવવા માટે એવા ઘણાં રિસોર્સિસ મને ઉપયોગી થયા છે જેમણે ..સાચે જ “આઇડિયા…જો લાઈફ બદલ દે!’ વાળુ કામ કર્યું છે. એટલે જ ટાઇટલને ‘પુસ્તક-પરિચય’ કે ‘બૂક-રિવ્યુ’ જેવું સીધે-સીધુ નામ ન આપતા ‘પુસ્તક-પ્રિસ્ક્રિપ્શન’ આપ્યું છે. જેમાં વખતો વખત ઈન્ટરનેટના વેપારી આલમની એવી બુક્સ પ્રિસ્ક્રાઈબ કરવી છે જે ડીજીટલ દવાના ઇલમ જેવું કામ કરી દિલ-ઓ-દિમાગને ચેતનવંતુ રાખે.
અગર ‘બૂક’ કી ભૂખ ન હોતી તો હમ ‘બેક’ હો જાતે!
ઓફ-કોર્સ… એ જવાબદારી તમારી પોતાની જ છે ને કે સારા વિચારોના વ્યાપારિક બીજારોપણ કર્યા પછી તમે એને છોડ તરીકે ઉછેરો છો કે છોડી દો છો?
તો શરૂઆત કરીએ એવી જ એક બૂકથી:
નામ: ડીલીવરીંગ હેપીનેસ (Delivering Happiness) | લેખક: ટોની શેહ | વય: ૭ મહિના (બુકની જ સ્તો)
પહેલી નજરમાં એમ લાગે કે આ પુસ્તકમાં દરેકની સાથે ખુશીની વહેંચણી કેવી રીતે થાય….પોતાના અને બીજાના દિલને ખુશ રાખવા શું શું પગલા લેવા જોઈએ…મુશ્કેલીના સમયમાં પણ મનને મનાવી સુખની વહેંચણી કેમ કરવી…વગેરે…વગેરે..વગેરે જેવી મીઠી મીઠી વાતો લખી હશે. પણ ના દોસ્તો…આ એવા ચવાઈ ગયેલા અને છાપેલા પગલાંઓને ભૂલી જઇ સાચેસાચ પગલા (શૂઝ) વેચીને લોકોના દિલ પર રાજ કેમ કરી શકાય એવી વાત વગર-મુછીયા ચાઈનીમેરીકન (Born from Chinese womb but brought-up in America) અબજપતિ ટોની શેહ નામના છોકરાએ કરી છે.
બૂક વાંચીએ તો એવું લાગે છે કે પેનને બદલે દિલથી શબ્દોની ડિલીવરી કરી આ ટોનીએ આધુનિક સેવાના વાઇરસોને હવામાં ફેલાવી દીધા છે. તેણે પોતાની સાથે બની ગયેલી વેપારીક ઘટનાઓને બ્લોગમાં બ્લોક કરી આ બુકમાં કન્વર્ટ કરી છે. લખવા કરતા પણ પોતે જાણે વાત કરતો હોય એવી શૈલી વાપરી ટોનીએ પોતાનું પેશન (જુસ્સો) અને પર્પસ (ઉદેશ્ય) વાપરી પ્રોફિટ (નફો) કેવી રીતે રળ્યો છે એની વાતો દિલથી બતાવી છે. ૩૭ વર્ષની હાલની વય સુધીમાં તો પોતાની પહેલી ઈન્ટરનેટ કંપની (linkexchange.com) માઈક્રોસોફ્ટને ૨૧૮ મિલિયન યુ.એસ. ડોલરમાં અને બીજી ઈ-કોમર્સના બેઝ્વાળી શૂઝની (zappos.com) ૧.૨ બિલિયન યુ.એસ ડોલરમાં (રૂપિયામાં હિસાબ તમે કરી નાખોને પ્રભુ!) એમેઝોનને વેચી ધંધામાં ઉધામાની વ્યાખ્યા બદલનારા આ ચતુરની વાતો થોડી માણવા….ને વધારે માનવા જેવી છે.
નવ વર્ષની ઉમરે પાડોશીઓના છોકરાંવને સાંપોલિયા વેચી વેપારના બીજ વાવી સ્કુલકાળમાં પત્રો દ્વારા બટનો વેચ્યા અને હાવર્ડ યુનિવર્સીટીમાં કોમ્પ્યુટરનું વિજ્ઞાન ભણતા-ભણતા પણ પોતાના હાથે પિત્ઝા બનાવી ત્યાંના જ સ્ટુડન્ટસને વેચ્યા છે. બીજા માટે શું કામ? મારા માટે કેમ નહિ એવું જ્ઞાન એને ત્યારે પણ સતાવતુ રહ્યું જ્યારે ઓરેકલ જેવી મોટી કંપનીની જોબને માત્ર ૫ મહિનામાં જ લાત મારી દીધી. (તે વેળાએ ઝાપોઝના શૂઝ હજુ એણે પહેર્યા નહોતા.) બોસ તો હું પોતાનો જ … એવું શું કરું કે બીજા લોકો મારા જેવા બોસને મેળવીને ધન્ય થઇ જાય. ગ્રાહકો રડતા આવે ને હસતા જાય…(અરે! રડતા આવે જ શું કામ…આવે તો હસતાં-હસતાં જ ને બીજાને હસાવતા જાય) એવું વાતાવરણ કેમ ના બનાવુ? સમય અને સંજોગો સામે આવ્યા…તકનો તડકો નાખી શરુ કરી ઝાપોઝ.કોમ
આ બૂક આપણને ગ્રાહકો સાથે ફોન પર કલાકો સુધી ગપ્પાષ્ટક કેમ ચલાવી શકાય, કંપનીમાં મન ફાવે ત્યારે ખાઈ-પી શકાય, આવી શકાય…જઇ શકાય, નેટ પર સર્ફ કરી શકાય, કામકાજ દરમ્યાન ફેસબુક-ટ્વીટર કેમ વાપરવું જેવી ખાસ ટ્રેઈનીંગ નથી આપતી. એ બધું તો એમના લોહીમાં ભેળવી દેવામાં આવે છે. એ તો ઈશારો કરી જાય છે કે અમારી આધુનિક સુવિધાઓથી સજ્જ કરેલા કંપનીના આવા વર્ક-કલ્ચરમાં કામ કરવા લોકો પડાપડી ના કરે તો લાઈફમાં બીજું કરે પણ શું? આ બૂક તો આપણને બતાવે છે કે….
- આપણા ગ્રાહકોને એવી હટકે સેવા આપી ‘વાઆઆઆઉ’ (WOW- Words of Wonders) બોલતા કેમ કરવા?
- વેપારમાં સતત પરિવર્તન (દિલ અને દિમાગનું) કેમ કરતા રહેવું?
- ધંધામાં ‘થોડાં પ્યાર થોડાં મેજીક’ કેમ વાપરતા રહેવું?
- ખુલ્લા દિલના બની ક્રિયેટિવીટી કેમ વાપરવી?
- સતત ભણભણ કરવાની વૃતિ ભૂલીને નવું શીખતા રહેવાની આદત કેમ રાખવી?
- વાતચીતની કળા દ્વારા પોતાની સાથે બેસ્ટ અને બીજાની સાથે હજુયે બેટર સંબંધો કેવી રીતે વિકસાવવા?
- ધંધો સાચવતા હોય ત્યારે પણ ઘરના સંબંધો કેમ સાચવી લેવાના?
- જેટલું છે એમાંથી કામ કઈ રીતે ચલાવવું?
- કાંઈ પણ ના સુઝતુ હોય ત્યારે શરૂઆત કેમ કરવી?
દોસ્તો, કાલે ૧૨મી ડીસેમ્બર ટોનીનો જન્મ દિવસ છે. તમે એને ટ્વીટર કે ફેસબુક પર પર અત્યારથીજ મુબારકબાદી આપવાનું શરુ કરી શકો છો. છે કોઈ એવું જે સાવ અલગ રીતે એને ‘વિશ’ કરી શકે? બોલો બૂક ખરીદીને એને કહી શકો?
‘સર’પંચ: # ટોની ‘શેહ’ના કેટલાંક ‘નંબરી’ ક્વોટ્સ:#
- “મોટો વેપાર મારે માટે ભવ્ય જહાજ જેવો છે. જેમાં સગવડો તો ઘણી હોય છે અને લાંબી મજલ પણ આરામથી કાપી શકાય છે. પણ જયારે અચાનક ટર્ન આપવાનો થાય ત્યારે ઘણું મુશ્કેલ થઇ પડે.”- ટાઇટેનિક!..કોણ બોલ્યું?
- “મને તો નાનકડો ધંધો ગમે…એ મોટર-બોટ જેવો છે. મન ફાવે તેટલી સ્પીડ રાખો ને મન થાય ત્યારે ટર્ન કરો.”
- “ઝાપોઝની શરૂઆત કરી ત્યારે મેં વિચાર્યું કે હું આ કંપનીને ક્યાં લઇ જવા માંગુ છું?…ફક્ત જૂતાં જ વેચતી રહે એવી? અરે નહિ રે!….મને તો મારા ગ્રાહકોને મળીને જૂતાં માથે ન વાગે બસ એનું ધ્યાન રાખવું છે.”
- “ધંધાની પળોજણમાં ઘણી વાર એમાં રહેલી સંસ્કૃતિ ભૂલાઈ જતી હોય છે. એવું ત્યારે જ થાય છે જયારે તમે તમારા જ એમ્પ્લોઇઝને સારામાં સારી સેવા આપી શકતા નથી…તમે એને સાચવી ન શકો તો શું એ તમારો ગ્રાહક ધૂળ સાચવશે.”
- “મારુ કામ મારી સાથે કામ કરનાર માણસમાંથી એ શોધી આપવાનું છે જેનાથી એને મારા માટે સારામાં સારા વાતાવરણમાં સારામાં સારું કામ કરવાની ખુશી થાય.”
- “મારો ગ્રાહક જ્યારે મને ફોન કરીને કે ઈ-મેઈલ કરીને એમ કહે છે કે ઝાપોઝ નું બોક્સ ખોલ્યા પછી એમને કેવી લાગણી થાય છે ત્યારે એવી લાગણી મને મારી પોતાની કંપની તરફ લાગે છે.”
Like this:
Like Loading...