
“સર! તમારી હું જબરદસ્ત ફેન છું. તમારી ઓલમોસ્ટ બધી ફિલ્મો મેં જોઈ છે.”
“ઓહ એમ! પણ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી મેં આજ-દિન સુધી કોઈ પણ ફિલ્મમાં કામ કર્યું નથી.”
“અરે એમ કેમ હોય, ચોક્કસ તમે તમારી ઓળખ છુપાવવા આમ કરો છો, પણ આખી દુનિયા તમને ‘જેકી ચેન’ તરીકે ઓળખે છે.”
“હ્હાહાહાહાહા…ઓહ એમ છે ત્યારે. પણ મારું નામ જેકી ચેન નથી…ગાય છે. “ગાય કાવાસાકી!”
એવર-ફ્રેશ રહેતી વર્જિન એરલાઈન્સમાં મુસાફરી કરી રહેલા આ ‘ગાય’ ભાયડાને ઉપર મુજબનો ફૂલ-ફટાકડી એર-હોસ્ટેસ જેવો અનુભવ ઘણી વાર થઇ ચુક્યો છે. એ આખરે કરે પણ શું? જ્યારે એનો ચહેરો પેલા તોફાની ટારઝન જેકી ચેનને મળતો આવતો હોય ત્યારે આવા મસ્તીભર અનુભવોનો લાભ તો ઉઠાવતા જ રહેવું પડે ને!
ગાય કાવાસાકી જાપાનીઝ ઓલાદનું અમેરિકન વર્ઝન. ચિંતામાં પણ તેનો ચહેરો હંમેશા હસતો દેખાય એવા આ હસમુખલાલના હાસ્યનું સિક્રેટ એટલું જ છે કે તે હંમેશા ચિયરફૂલ મિજાજ રાખે છે. એની પાછળનું બીજુ કારણ એ કે તેની કેરિયરની શરૂઆતના અમૂક વર્ષો બીજી એવર-ફ્રેશ એપલ કંપનીમાં કામ શીખી-કરીને આવ્યો છે.
કહેવાય છે કે ‘મેકિન્ટોશ’ કોમ્પ્યુટર વિકસાવવામાં ગાયનો બહુમુલ્ય ફાળો છે. એટલે ટેનશ્ન્સના પહાડોની વચ્ચે પણ પોતાના દિમાગને ‘હટકે’ રાખી શકે છે. ઈન્ટરનેટની દુનિયામાં તેણે પોતાની ઓળખ એક ‘ઇવેન્જલીસ્ટ‘ તરીકે કાયમ કરી છે. ઇવેન્જલીસ્ટ એટલે હાલના જમાનામાં ઈન્ટરનેટ માર્કેટમાં લોન્ચ થતી કોઈ પણ ઈનોવેટિવ પ્રોડક્ટ કે સર્વિસના સારા-નરસાં પાસાઓ અને તેના પર થનારી અસર પર પ્રતિભાવ આપનાર એક્સપર્ટ.
આમ જોવા જઈએ તો આપણી દેશી ભાષામાં ગાયને આપણે માતા ગણીએ છીએ. પણ આ ગાયભ’ઈ ટેકનોલોજી વિકાસ માટે ‘બાપ’ સાબિત થયો છે. કેમ કે તેનો હાલમાં મુખ્ય વ્યવસાય જ ઉભરી આવતા ઉદ્યોગ-સાહસિકોને ‘કેપિટલ’ (રોકાણ)પૂરું પાડવાનું છે. એટલે તેની કંપનીનું નામ ‘ગેરેજ ટેકનોલોજી વેન્ચર્સ’ રાખ્યું છે. તેના મત પ્રમાણે દુનિયામાં રાજ કરતી ટેકનો-કંપનીઓ (જેવી કે એપલ, ગૂગલ, માઈક્રોસોફ્ટ, ઓરેકલ, ઇન્ટેલની શરૂઆત નાનકડા ગેરેજમાંથી થઇ છે.)
ખેર, ગાય કાવાસાકીનાં લખાણનો મને બે વર્ષ પહેલાં જ પરિચય થયો છે. અને એ લખાણ પણ તેના પ્રેઝનટેશન દ્વારા મળ્યું. લગભગ એક કલાક ચાલનારા આ લેક્ચરમાં મને કોઈક નવો કોન્સેપ્ટ, આઈડિયા કે વિચારને પ્રદર્શિત કરવા માટેની ગાઈડલાઈન્સ મળી આવી. લખાણની શૈલી ને વિકસાવવા લગતી કેટલીક નવી ટેકનિક્સની જાણકારી હાંસિલ થઇ. અને એ જ લેકચર પરથી તેમનું પુસ્તક તૈયાર થયું છે:
‘આર્ટ ઓફ ધ સ્ટાર્ટ‘. એટલે ‘શરૂઆત કરવાની કળા‘.

આ શરૂઆત એટલે શેની શરૂઆત?….
ખાવાની- પીવાની..?
ઉઠવાની- ચાલવાની- ચલાવવાની…??
દોડવાની- પકડવાની- બેસવાની- આરામની…???
હરાવવાની- જીતવાની- સામેવાળાનું ‘કરી નાખવાની‘….????
કે પછી પોતાના ગુના ધોવાની કે કોઈકને ‘ધોઈ નાખવાની….?????
…..અરે ના ભાઈ ના…એવી કોઈ ફિઝીકલ બાબતને ધક્કો મારવાની વાત નથી. પણ માહિતીઓના મહાસાગરમાંથી નાનકડાં પણ અસરકારક સારામાં સારા વિચારો, આઈડિયાઝ, કોઈ મજબૂત સ્કિલ, કોઈક પ્રયોગ યા પ્રોજેક્ટને થોડાં વધુ અસરકારક રીતે બહાર કાઢવાની વાત છે. જેમાં કોઈક નવી દુકાન, કંપની, સામાજિક મિશન યા પછી જોબ-સ્થાપન પણ હોઈ શકે.
પણ અહીં એવા પરિબળોને બહાર કાઢીને બસ પછી ‘હાશ!’ કરવાની વાત નથી કરવામાં આવી…એમાં જે માધ્યમ થકી તમારા શ્રોતાજનો, સહકાર્યકરો અને ગ્રાહકોને પાચક અદામાં સમજાવી-શામેલ કરાવવાની વાત છે. ‘અબ યેહ બાત આપકી સમજ મેં તો આ ગઈ ના સાહબ?”
કેટલાંક કહેશે “જો દિખતા હૈ, વહી બિકતા હૈ. એમાં બહુ નાટક કરવાની જરૂર ક્યાં આવી?” બરોબર છે. પણ આ ‘દિખતા હૈ’ અસરકારક ત્યારેજ બને છે જ્યારે તેમાં એવા કેટલાંક સુપાચ્ય મસાલાનો તડકો મારવામાં આવે. જેનાથી જોનાર-સાંભળનારને આ તડકાની ‘ઠંડક’ મહેસૂસ થાય. આવા નાનકડાં ચુટકી નમકવાળા વાક્યો (કે પોઈન્ટ્સ)નું સંયોજન એટલે ‘આર્ટ ઓફ ધ સ્ટાર્ટ‘.
તમને (યા પુરુષ હોવ તો તમારી પત્નીને) ગર્ભ રહે (પ્રેગ્નન્ટ થાવ) ત્યારે શું કરો?– અલબત્ત એવી વ્યક્તિઓ પાસેથી માહિતીઓ એકઠી કરો જેની પર તમને વિશ્વાસ હોય. અથવા આ જ વિષયની કોઈક એવી બૂક લઇ આવશો…બરોબર?
તમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવે ત્યારે કેમ આગળ વધશો?– એવી તકો શોધતા રહેશો જેમાં તમે જેમ બને તેમ તમારી જાતને સંભાળી શકો. અથવા એવાજ ટાઈટલની એક બૂક લઇ આવશો જે તમને પ્રેરણાત્મક બળ પૂરું પાડી શકે….ખરુને?
તમને એક કરોડ રૂપિયા (કે એક મિલિયન ડોલરનો) ભડભડતો આઈડિયા આવ્યો છે. પછી શું?– ત્યારે આ આઈડિયાની આગને લાગમાં ફેરવવા શું પગલાં ભરશો?- એવા જ કોઈક ઉદ્યોગ સાહસિકની કે સાચા સલાહકારની મદદે દોડી જશો ‘જો આપકી ઝીંદગી બદલ દે’. અથવા ‘આઈડિયામાંથી કરો કમાણી’ નામની કોઈ એક મશહૂર પોથી લઇ આવશો….કેમ સાચું કીધું ને?
‘આર્ટ ઓફ ધ સ્ટાર્ટ‘ બૂકને આવા ઘણાં વિચારોનું, આઈડિયા વિકાસનું કે મુશ્કેલીમાં મદદનું પ્રેરક-બળ કહી શકાય.
ગાયભાઈના કહેવા પ્રમાણે કોઈ પણ વિષય-વસ્તુની વ્યવસ્થિત શરૂઆત કરો ત્યારે…
- “કોઈ પણ બાબતની પાછળ રહેલી (સંતાયેલી) બાબત પર નજર રાખો.”
- “મિશન સ્ટેટમેન્ટને બદલે નાનકડો પણ અસરકારક મંત્ર રચો.” ‘ગ્રાહકનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. જે માટે એમના ઓર્ડર પર પૂરતું ધ્યાન આપવામાં અમે તન-મન-ધન એક કરીશું.’ જેવા લાંબા-લચક વાક્યોને બદલે ‘સ્વસ્થ ઝડપી સેવા’માં બધું કહી શકાય.
- “એવરેસ્ટ પર ચઢવાની શરૂઆત ઘરમાંથી બહાર નીકળીને કરો.”– એટલે મોટા પ્રોજેક્ટની આશા(નિયત) રાખી નાનકડા પગલાથી શરૂઆત…
- “બાપુજીએ વર્ષો સુધી પતરાં ટીપ્યા…તમે ટીપવાનું ઓટોમેટિક મશીન લઇ આવો.”– એટલે જુનવાણી વિચારને દફન કરી નવા-નવા અમલ પર કાર્ય કરતા જાવ.
- “આગળ વધતા રહો.” થોડો વિકાસશીલ અસંતોષી નર થોડો વધારે સુખી બનતો અને બનાવતો રહે છે.
- “શરૂઆતથી જ….તમારી એક હટકે ઓળખ સ્થાપો.” – ગાંધીદાદા, ધીરુદાદા, કરસનકાકા તમે તો હજુયે વર્ષો સુધી યાદ રહેવાના…હોં!
- “ગ્રાહક કોઈ પણ બાજુથી આવી શકે તે માટે ચારે બાજુથી દરવાજા ખુલ્લા રાખો.”– સાથે સિક્યુરિટી માટે પણ સજાગ રહો.
આવા તો કાંઈક-એવા ચબરખાઓ દ્વારા ગાયભાઈ ‘આર્ટ ઓફ ધ સ્ટાર્ટ‘ માં ડાઈરેક્ટ કે ઇન-ડાઈરેક્ટ રીતે ગાંગરે છે. તેના આવા સૂર માણવા બુકના તબેલામાં જઈ આવવું જોઈએ દોસ્ત!
વધુમાં…એમાંથી આપણને….
- કોઈ વાતને ગાગરમાં સાગરની જેમ સમજાવવી હોય તે માટે ૧૦-૨૦-૩૦ની ફોર્મ્યુલા કેવી રીતે વાપરવી?
- ધંધાની શરૂઆતમાં આપણા જેવું જ ચંચળ માનસ ધરાવતો ‘વેપારીક આત્મન’ (દિલદાર બિઝનેસ પાર્ટનર) કેવી રીતે શોધવો?
- કોઈ પણ મોટા પ્રોજેક્ટ શરુ કરતી વખતે કોની કોની સલાહ લેવી યા કોની ન લેવી?
- આપણા થકી ગ્રાહક સુધી કોઈ પણ સેવા કે વસ્તુ ખુબ સરળતાથી કઈ રીતે પહોંચાડી શકાય?
- પ્રગતિને પંથે આડે આવતા કેટલાંક ‘નસ ખેંચું’ બળો (તેની ભાષામાં ‘બોઝો’)ને કઈ રીતે દબાવવા…
જેવી ઘણી ચબરાકી ટીપ્સ પણ આપવામાં આવી છે. આવી ટીપ્સ લેવા માટે માથા ટીપ્યા વગર બૂક ખરીદી લેવી સારી.
‘ગાય’ તેના નામની જેમ નાનકડી પણ સીધી વાત કરવા માટે જાણીતો છે. એટલે ટાઈટલમાં પણ તેણે એવી સમજણવાળી વાત કરી છે. ‘શરૂઆત કરવાની કળા’….એટલા માટે કે તેની પર ‘ઝેન’ વિચારધારાની ઘણી અસર છે. જ્યારે અટક ‘કાવાસાકી’ છે એટલે બજાજ મોટર સાયકલ સાથે જોડાયેલી ન હોવા છતાં ‘બુલંદ અમેરિકામે બુલંદ વિચાર’ કરી શકે છે. વતન ભલે જાપાન હોય પણ વર્તનતો અમેરિકન જ ને…
અમેરિકન પ્યાલામાં જાપાનીઝ ‘કાહવા’ પીવડાવતા સાકીની લિજ્જત એટલે!…આર્ટ ઓફ ધ સ્ટાર્ટ!
ચાલો…..એટલીસ્ટ બૂક લેવાની પણ શરૂઆત તો કરો!
દોસ્તો, તમારા કોઈ એવા સ્વજન છે જેમને આ બ્લોગ-પોસ્ટ મદદરૂપ થઇ શકે?- તો એમનું નામ અને ઈ-મેઈલ જણાવી આજના દિવસે એટ-લિસ્ટ શુભકાર્ય કરવાની પણ શરૂઆત થઇ શકે એમ છે 🙂
Like this:
Like Loading...