
પાછલી પોસ્ટનો પૂછાયેલો અમિષ-પ્રશ્ન હવે જવાબ સાથે આગળ લાવતા…
“સ્ટુડન્ટને ભણતરની સાથે ઈંટરનેટ પર કોઈ કમાણી કરવા લાયક કામ કરવું હોય તો કેમ થઇ શકે?”
દોસ્ત અમિષ,
સોફ્ટ જવાબ: યેસ! જરૂર થઇ શકે છે. સારી રીતે થઇ શકે છે.
હાર્ડ જવાબ: કેવી રીતે થઇ શકશે એ જાણવું થોડું કડવું લાગશે. શક્ય છે એ માટે… પાનનો ગલ્લો, કેમ્પસમાં ગપશપ જેવા (અ)મંગળ ફેરાઓ બંધ થાય તો. ફાયદો લાંબાગાળાનો થશે. કેમ કે તે પપ્પાની ચિંતા બતાવી છે. તારી હજુ આવવાને શરૂઆત છે.
ખૈર, સૌ પ્રથમ તો આ પોસ્ટ વાંચ્યા દોઢ વર્ષ અગાઉ લખેલો આ લેખ ધ્યાનથી વાંચી જાજે દોસ્ત…
સાચી નિયતથી જે કામ શરુ કરવું હોય તેમાં શરમ શેની?
કેવા કામો થઇ શકે તે માટે મારા દિમાગની પોટલી ખોલી થોડાં બેઝિક્સ આઈડિયાઝ આપું છું.
બ્લોગ- કમાણી:
જેમ પહેલા કહ્યું તેમ જે બાબતનું પેશન હોય તેને બતાવવા માટે બ્લોગ એક હાથવગું સાધન છે. દુનિયામાં ઓળખ આપવા, મેળવવા માટે માહિતીઓના મોતીઓ વેરી દોસ્તી કરવાનું એક મજાનું પ્લેટફોર્મ.
પ્રથમ સલાહ તો વર્ડપ્રેસ.કૉમની આપી શકું પણ બાબત પૈસા બનાવવાની છે એટલે બ્લોગર.કૉમને પકડવું પડશે. નવા ઇન્ટરફેસ, નવું લૂક-આઉટ સાથે બ્લોગર.કૉમ હાજર છે. પણ તે પહેલા ગૂગલની Adsense.com સેવા એક્ટીવેટ કરવી પડશે. જ્યાંથી થોડી મિનીટોમાં કેવા પ્રકારની જાહેરાતો બ્લોગની સાઈટ પર બતાવવી છે તેનું સેટિંગ અને લિંકિંગ કરવું જરૂરી થશે.
એક વાર સેટ થયા પછી બ્લોગ પર થોડા સમય બાદ બ્લોગને લગતા લખાણને અનુરૂપ જાહેરાત દેખાવા લાગે છે. હવે કોઈ વાંચક તારા લેખને રસપૂર્વક વાંચીને કોઈ એવી જાહેરાત પર માત્ર ક્લિક પણ કરશે ત્યારે તેની પાછળ રહેલી જાહેરાતના મૂલ્યનો કેટલોક નાનકડો હિસ્સો તને મળી શકશે. અપસેટ થયા વિના બ્લોગર પર અપ-થઇ સેટ કરવું લાભદાયક છે.- જરૂરી છે વિષયને લગતી રસિક માહિતીઓની ખૂબ અસરકારક રીતે સતત વહેંચણી. ‘Sharing of Effective Information’. જાતે જ અજમાવી જો.
ફ્રિલાન્સ ગ્રાફિક ડિઝાઇનર:
એન્જિનિયરને આર્ટીસ્ટ બનવું જરૂરી છે. અસરકારક ડાયાગ્રામ્સ બનાવી શકતો હોય ત્યારે નેટ પર કોઈ કંપની કે વ્યક્તિ માટે લોગો, બિઝનેસ-કાર્ડ અને બીજા અનેકવિધ ક્રિયેટિવ કામોની ભરમાર રહે છે. દિવસ દરમિયાન અભ્યાસ સાથે બે-ત્રણ કલાક ડિઝાઇનિંગનું કામ એક મગજી કસરત કરાવી શકે છે. જરૂરી છે કોરલ-ડ્રો, અડોબનું ઈલ્યુસટ્રેટર અને ફોટોશોપનું જ્ઞાન. અને માત્ર એક જ ગ્રાહક. હાથમાં દીવો ને મગજમાં દીવાસળી લગાવી શરૂઆત કરી જોવા જેવી છે.
પોતાના શહેરમાંથી જ ગ્રાહક મળે એ પહેલી શરત પણ તે છતાં….એવી કેટલીક સાઈટ્સ છે જેમ કે.. www.guru.com , www.elance.com જ્યાં થોડી અર્થસભર રીતે ખાતું ખોલી કામ શરુ કરી શકાય છે.
અખૂટ કામો મળી રહે તેવી આ સાઈટ્સ પર બેંક-એકાઉન્ટ અને ક્રેડિટ-કાર્ડની જરૂરીયાત હોવાથી પહેલા એની પાળ બાંધવી પડે છે. પણ જો નેટ પર ‘નટવરલાલ’ બન્યા વિના કામ-નામ કરવું હશે તો….થો..ડી..ઓથેન્ટિક મ..હે..ન..ત ક..ર..વી..જ……
હવે આ બાબતે પિતાજી-પડોશીને કે કોઈક વડિલને પણ પુછતાં શરમ આવતી હોય તો બુરખો ઓઢી લેજે, ભાઈ…!
ભારતમાં સૌથી વધુ લોકપ્રિય એકાઉટિંગનું સોફ્ટવેર ટેલી. જો સંખ્યાઓ સાથે રમવાનો શોખ હોય તો ઘણી કંપનીઓને જેન્યુઈન ‘ડેટા-એન્ટ્રી’ કરનારની જરૂર છે. ખુદ ટેલી.કૉમ પણ આ બાબતે જોબ આપવામાં મદદ કરે છે. હવે કોણ કહે છે કે ઓફિસે કે દુકાને બેસવું જ જોઈએ?
કરી લે તેના કોઈ કંપનીના મેનેજર સાથે નેટવર્કિંગ કરી નેટ-મહેતાજી બનતા બનતા બેંક એકાઉન્ટ પણ આપોઆપ ખુલી અને ખીલી જશે એની ગેરેંટી સાઈન આપ્યા વગર આપું છું. બીજી માથા-ફોડી કરવા કરતા આ બાબતની નારિયેળી ફોડવામાં નવ્વાણું ગૂણ મળી શકે છે.
એ વાત એ છે કે ડેટા-એન્ટ્રી એક દસ-નંબરી સ્કેમ છે. પણ બાકી રહેતા ૯૦ નંબર્સની તરફ નજર રાખવામાં માલ છે. એક-નંબરી એકાઉન્ટસનું કામ કરવા માટે માણસો તો મળે છે…પણ શોધનારને ‘વિશ્વાસુ માણસ’ની જરૂર વધારે હોય છે. ‘આપનો વિશ્વાસુ’ કહેવડાવવાની તાકાત હોય તો ‘નેટની નટ્સ’ ખાઈ જવા જેવી છે. જા થઇ જા…નવ, દો, ગ્યારહ!….
ઓનલાઈન ગેમ્સ રમવાનો બેહદ શોખ છે?-
હવે આ બાબતે કોઈ કંપની રમતા રમતા પૈસા આપે તો?!?!
મોબાઈલ ‘એપ્સ’ (એપ્લિકેશન્સ) અને વિડીયો ગેમ્સ રમીને માર્કેટ કરી પૈસા કમાઈ શકે એવા નવયુવાનોની જરૂર ઘણી ખેલી કંપનીઓને હોય છે.
ગૂગલ પર સર્ચ કરી એવી નાની મોટી કંપનીઓ, ગ્રુપ્સને કોન્ટેક કરી શકાય છે જે નાનકડી ગેમ્સ બનાવતા હોય છે. માર્કેટમાં મુકતા પહેલા ટેસ્ટર્સ પાસે એ લોકો આ રીતે રમાડી રિવ્યુઝ મંગાવે છે. જેના પરથી એમનું અને બીજા સૌનું ગાડું ચાલે છે.
ગેમ્સ માર્કેટની આ ‘રમત’ બહુ મોટી છે. જ્યાં તકો ૩૬ જગ્યાઓથી મળે શકે છે. જરૂર છે ૩૬૦ ડીગ્રીથી નજર રાખવાની. આ રીતે ધમાલ કરી પૈસા બનાવવામાં પણ આપણા ગુજ્જુ વિદ્યાર્થીનું ‘લેવલ’ પાછળ કેમ રહી જાય છે??? એવા વૈજ્ઞાનિક કારણ તપાસવાનો કોઈ ફાયદો ખરો, બંધુ? એના કરતા જા કોઈક નવી આવનારી ગેમ્સના લેવલને અચિવ કરી પૈસા કમાઇ લે!
પાર્ટ-ટાઈમ ઓનલાઈન સોશિયલ નેટવર્કર
અતુલભાઈ જાનીએ કરેલી પાછલી કોમેન્ટનો ફોડ આ રીતે મળી શકે છે. સાચું છે કે…પોતાની પ્રોડક્ટ્સ કે સેવાને દુનિયામાં ફેલાવવા કંપનીઓને જાહેરાતકર્તાઓ ની ઘણી જરૂર હોય છે. કોમેન્ટ્સ કરીને, રિવ્યુઝ લખીને, ટ્વિટ કરીને પણ કમાણી કરી શકાય છે. ખુબ જરૂરી એ છે કે માર્કેટની વસ્તુઓને સમજવાની, સમજાવવાની કળા શબ્દો-ચિત્રો કે બીજા અન્ય માધ્યમો દ્વારા વરસવાની ત્રેવડ હોય તો…કંપનીઓ એવા એક્ચુઅલ વર્ચુઅલ સોશિયલ નેટવર્કર્સ માટે તરસી રહી છે.
આ બાબતે ‘એક રૂકા હુવા સવાલ: એવી કઈ વસ્તુઓ વેચવાનો તમને શોખ છે?– તેનું લિસ્ટ બનાવવા માટે ઓનલાઈન સ્ટોર્સની એટ-લિસ્ટ ઝલક પણ મારી આવવા જેવી છે. ડાઈપરથી લઇ વાઈપર વેચતા કોણ રોકે છે..બકા!?
અમિષ દોસ્ત, આ માહિતીઓ તો માત્ર એક ટીપા સમાન છે. આવી બીજી તકો ક્યાં ક્યાંથી મળતી રહેશે તે વિષે નેટ વેપાર પર પણ નજર રાખતો રહેજે. અધ્ધ્ધ્ધ્ધ્ધ્ધ્ધ્ધ્ધ કામોથી છલકાતી આ નેટ દુનિયામાં શરૂઆત કરતી વેળાએ જરૂરી એવી નોટ્સ આપુ છું જે કમાણીના દરવાજાઓ સતત ખોલતી રહે છે.
- જે બીજાઓ ન કરે તેવું ક્રિયેટીવ કામ કરવાની લગન.“એન્જિનીયરીંગનો વિદ્યાર્થી છું?” એવું કપાળે નથી લખાતું. એવું મશીન કે નાનકડું સાધન પણ બનાવી શકાય જે જોવા કોલેજના ડીન સાથે દુનિયાના પત્રકારો પણ પૂછતાં આવે! – જેણે રાખી શરમ એનો કોઈ ન હોય ધરમ!
- એન્જિનીયરીંગના વિષયો પરતો સૌથી વધુ….પણ સાથે સાથે ગમતા વિષય પરત્વે સતત અપડેટ રહી તેમાંથી માત્ર ૧૦% પર પણ અમલ કરવાની શરૂઆત…
- અંગ્રેજી બોલવાનો સતત મહાવરો(યેસ! નેટ પર નોટ મેળવવા ખુબ જરૂરી છે)- ભાંગ્યું તૂટ્યું બોલવા માટે ભરૂચથી આવવાની જરૂર નથી…
- “હું બિચારો એકલો છું.” વાક્યને મિટાવી દેવાની તાકાત.- ના મળે તો ટાગોર દાદાની ‘એકલા ચાલો રે!” કવિતાનું બંગાળી અને ગુજ્જુ વર્ઝન સાંભળી લેવું.
આટલા ‘બોલ’ આપ્યા બાદ હવે બોલ અમિષ…તું નિયમિત નેટ-પ્રેક્ટિસ કરવા તૈયાર છે?
મારી પાસે એક સરપંચી સોનેરી સિક્કો છે. જેની બે બાજુએ લખ્યું છે. Earn…Learn..!– મુર્તઝાચાર્ય
આપના કયા સ્વજન કે દોસ્તને આ પોસ્ટ પસંદ આવી શકે?
Like this:
Like Loading...