વેપાર-વંચના: પ્લેજીયારિઝમથી પ્લેઝરિઝમ સુધી… | From Plagiarism to Pleasurism

From Plagiarisam_to_Pleasurism

દોસ્તો, યશવંતભાઈના ગઈકાલના આ બ્લો’-પોસ્ટથી પેટફાટ-બાંકડાતોડ હસવું આવ્યું છે. હસતાં-હસતાં આપણને રમતા જોગી માંથી ક્રિયેટિવ-બ્લોગી થવા માટે જરૂરી એક ગંભીર વાત જાણવા મળી છે. કેમકે બ્લોગથી ઈન્ટરનેટ પર એક સાવ અલગ અને અનોખી સુપર-દુનિયા રચાઈ ગઈ છે. તેમાં એક સારા માનવી તરીકે વિકસવું હોય એમને માટે બ્લોગી બની….તેને સમજવું, જાણવું-માણવું ઘણું જરૂરી થઇ ચુક્યું છે.

આ બ્લોગ-આલમ ક્યાંથી બન્યું?…ક્યારે બન્યું?…કેવી રીતે બન્યું?…એવી પંચાતોમાં પડ્યા વગર એ શું કામ આવ્યું છે અને શું કામમાં આવવાનું છે? એવી પંચાયતમાં બેસી જાણવું વધારે ફાયદેમંદ છે. અને જો એમ ન કરાય તો પછી એના સંસારી-નાગરિક તરીકે તેનો કર-વેરો ચૂકવવો ઘણો મુશ્કેલ બની જાય એવું બન્યું છે. ત્યારે….

શરૂઆત થઇ એક સવાલથી એટલે તેના જવાબો પણ મેળવ્યા:

લોકો ખરેખર બ્લોગને સમજે છે શું?……

હવે આવા ‘સિદ્ધા’ સવાલના અવળાં જવાબો વધારે મળે એવું સામાન્યતઃ બનતું હોય છે….એટલે મેં એ જવાબો પણ થોડાં આડા રહી સીધાં જ (કોપી-પેસ્ટ કર્યા વગર જ રે!) મૂકી દીધાં છે. (જો જો પાછા કોઈને કેહતા!)

પંદરની અંદર પ્રવેશતો એક વિદ્યાર્થી: “અંકલ, મારી મમ્મીએ આ વેકેશનમાં કોમ્પ્યુટરનું કરવાનું કીધું તુ…એમાં કાંઈક બ્લોગનું શીખડાવ્વાના છે. પણ એ તો ઈન્ટરનેટ શીખડાવે ત્યારે…મેં તો હજુ ‘વિન્ડો જ’ કમ્પ્લીટ કર્યું છે. ને બ્લોગ જેવું છેએએએક્ છેલ્લે આવવાનું છે. એટલે આ મારો મોબાઈલ લઇ લો. જુલાઈના એન્ડમાં તમને બરોબ્બર આન્સરમાં જવાબ આપીસ.”

નોલેજ (ન) લેવા તડપતો એક કોલેજીયન: “યાર બોસ! સવારમાં હું જ મળ્યો? એ બી આવો સેહલો સવાલ લઈને?…આપડા આખ્ખા ગ્રુપને ખબર છે કે બ્લોગ એક વેપ્શાઈટ હોય છે. જ્યાં આપડા ગ્રુપ વાળાઓ ભેગા મળે ને બસ પછી તો કોમેન્ટોઝ પાસ કરવામાં જલસા જ જલસા. એની વે! હું પેલી મધુડીને પૂછી ને પછી કવ છું..નઈ તો એનો એસેમેસ આવે કે તરત ફોર્વડ કરી દઈશ. આમેય કોલેજમાં એની નોટ અને ફિલ્મ ઉતારવામાં આપડે એકલાજ માષ્ટર હોં!- કોઈબી કામ હોય તો બિન્દાસ કઈ દેજો..હા! ચાલો BRB.”

બોસ માટે ટોટલ ડેડીકેટેડ સેક્રેટરી: “યુ સી! મુર્તઝા…આઇ બીલીવ કે બ્લોગ મ્હારા માટે એક સોફેસ્તિકેટ પર્સનલ ડાયરી છે. મારા થોટ્સને સેવ કરવા, મારી પર્સનલ મેટર્સ(!?!) એટલીસ્ટ મારા એમના સુધી પણ કન્વે થાય. ધેટ્સ ઇનફ. એન્ડ યુ નો ભાઈ! આઈ ડોન્ટ નો મચ અબાઉટ ટેકનોલોજી. પણ આઇ લવ ઈન્ટરનેટ. હું લખું છું બીકોઝ મને મારા થોટ્સ એક્સપ્રેસ કરવુ બહુચ ગમે છે ને એમાંય પેલાં ગુજ્જુ પોએટ્સ તો વાઉ!…કમાલની કવિતાઓ કરી રહ્યાં છે એટલે એમને સાથ આપવા હું પણ મને ગમતી બધ્ધીયે લઈને બધ્ધાને પોહ્ચાડવાનું કામ કરું છું!”

નવા જન્મી રહેલા પૌરાણિક નેટ્યકાર: “મિત્ર! સાહિત્યની દ્રષ્ટીએ બ્લોગ પ્રત્યે મારી નજર થોડી આદિ છે. પણ જેમ દરેક જૈવિક-સાધન-સાધનાનું મૂલ્ય હોય છે એમ આ બ્લોગ-સેવા બાબતને પણ હું મુલવું છું. બ્લોગ માનવ-કલ્યાણ માટે જરૂરી તો છે જ પણ આત્મ-વંચના માટે જરૂરી એવું પરિબળ પણ પોષે છે. મારા સર્વ-વિદ્યાર્થીઓ અને ઘરના બાળકો જ્યારે જ્યારે પણ કોમ્પ્યુટર પર સમયનો સદુપયોગ કરતાં હોય છે ત્યારે હું પણ આડી નજરથી એમને ખબર ન પડે એમ સ્વશિક્ષણ મેળવતો રહું છું. બસ બ્લોગ બાબતે મ્હારું ફક્ત એટલુંજ જ્ઞાન જાણાવી હું મારી વાતને પૂર્ણ કરું છું.”

બસ હમણાંજ બોંતેરી પાર કરેલા બાવા: “અરે! ડાલ્લીંગ ડીક્રા…સાલું આંય બ્લોગની ડેફીનેશનનું ટો મેં યે વિચારેલુંજ નયી! મેં’તો લખવા બેસું પછી અપની પેનતો….આઇ મીન કી-બોર્ડ સ્તો પેનડ્રાઈવમાંથી જેમ ડેટા ટ્રાન્સફર કરે રાખે એમ આપરા શબ્દો પન બ્લોગ પર આવીજ જાય સમજો….મારી ઝરીન બોલટી જાય ને બંદા લખે…ઢનાઢન!” એ બુઢી ઠઇ હોસે…અપને ટો હજુ…………..એ બાય ધ વે! તારો સવાલ શું કેચ…મેં જવાબ આપીયો ને?”

ઉહ્હ્ફ!….દોસ્તો…બ્લોગ-વ્યાખ્યા હમજવામાં તો હવે હાજમોલા જ લેવી પડે કે નહિં?

એ આપ લોકોને જેટલી ખાવી હોય એટલી ખાઈ લેજો. ત્યાં સુધી હુંયે બીજો ભાગ તૈયાર કરવા ‘કોફી-ટેસ્ટ’ કરી આવું છું.  ઝેરનું મારણ હમેશાં ઝેર(વેર) તો નથી હોતું ને? એ માટે તો રોગના મૂળને જાણી જાતે જ અટકાવ કરી ઇલાજના લીલા પાનનો લેપ લગાવવો સારો.

એરવે પર સરકતો‘પંચ’:

આને કહેવાય સ્માર્ટ કોપી-પેસ્ટ: પોતાના જ શહેર, પોતાના જ એરપોર્ટની ઓરીજીનલ પરથી મીનીએચર સ્વરૂપ આપી ક્રિયેટિવ માર્કેટિંગ કરતી હેમ્બર્ગ,જર્મની શહેરની આજની આ ક્લિપ બાઝ -સાઉન્ડ સાથે (સીટ-બેલ્ટ બાંધી) જોઈ-જાણી લેજો.