
VENTiT-Vinay-Mehta-Ventilated-pizza-box
દુનિયાની લગભગ બધીજ પિઝ્ઝા કંપનીઓ વાત કરે છે: ‘અમારો પિઝ્ઝા ફ્રેશ !’… ‘ગરમાગરમ પિઝ્ઝા તો અમારો !… ‘અડધો કલાકમાં તાજોમાજો પિઝ્ઝા મેળવો!’…..- બરોબર?. ચાલો માની લઈએ.
પણ બાપલ્યા! વધુંભાગે આ ‘ફ્રેશ’ નામનું ફેક્ટર પિઝ્ઝાની સોડમ સાથે અડધો કલાક પહેલા જ ઉડી ગયેલુ હોય છે. અને તેની અસલ મઝા ૧૫ મિનિટમાં જ પતાવવી પડતી હોય છે. નહીંતર હાથમાં માત્ર આવે ચીમળાયેલો ‘વાસી’ ટુકડો. કારણ?- તેમાં રહેલા મેંદાના કેમિકલ લોચા ! બીજું શું???
સવાલ એ નથી કે તાજગી નામની બી તો કોઈ ચીજ છે કે નહિ?…સવાલ તો છે…આવું ક્યાં સુધી સહન કર્યે જવાનું? – પણ જેમ યદા યદા હી પ્રોબ્લેમ્…તદા તદા સોલ્યુશનમ્ !
ઈટાલી, પિઝ્ઝા, ગરમાગરમ, ફ્રેશ, સોડમ, પેકેજીંગ, બોક્સ, ભારતીય, ગુજરાતી, મહેતા, માર્કેટિંગ…નું નવું જ કોમ્બો-પેકી સોલ્યુશન દુનિયાની સામે આવ્યું છે.
લાવનાર છે આપણા દેશી ગુજ્જુભાઈ વિનય મહેતા.
વિનયભાઈએ અત્યાર સુધી વપરાતા વિદેશી બંધ પિઝ્ઝા બોક્સમાં સાવ (અ)સામાન્ય બુદ્ધિ દોડાવી પિઝ્ઝા સાથે સુગંધ ફેલાવી છે. મહેતા સાહેબે એ ટ્રેડિશનલ બોક્સમાં ઉપર અને નીચે જાળીદાર જગ્યા બનાવી રિફ્રેશિંગ રેવોલ્યુશન કરી બતાવ્યું છે.
તેમના મત મુજબ જ્યારે કોઈપણ ગરમાગરમ ‘પીટ્જા’ વેન્ટીલેશન વિના મુકવામાં આવે તો થોડાં જ સમયમાં તેમાંથી નીકળી જતી વરાળ પિઝ્ઝા સાથે આખા બોક્સને ઠંડું કરી નાખે છે. પણ જો ઉપર-નીચે એવી જાળીદાર જગ્યા બનાવવામાં આવે તો સુગંધી વરાળ તેનું સાયકલિંગ મોંમાં મુક્યા સુધી લાંબો સમય ચલાવે રાખે છે.
હવે બોલો ક્યાં પિઝ્ઝા અને ક્યાં મહેતા?- બુદ્ધિ’ઝ?!?!?!? હુઝ ફાધર? મહેતાજી હવે ચોપડા સાથે બોક્સની સુગંધ ચોપડાવી શકે છે, ખરું ને?
મુર્તઝાચાર્યનો || મહેતા મોરલો ||
જૂની કહેવત: થિંક આઉટસાઈડ ધ બોક્સ.
નવી કહેવત: થિંક ઈનસાઈડ ધ બોક્સ એન્ડ ગેટ આઈડિયા આઉટ!
(સોર્સ: http://www.ventit.in/ )