ધીરજ આપણાં કુટુંબ સાથે રાખવી તે…પ્રેમ છે.
ધીરજ આપણાં દોસ્તો અને કાર્યકરો સાથે રાખવી તે…માન છે.
ધીરજ આપણી જાત સાથે રાખવી તે…આત્મવિશ્વાસ છે.
ધીરજ આપણા ઇષ્ટદેવ સાથે રાખવી તે…શ્રધ્ધા છે.
–ધીરજ બંધુ મુર્તઝાચાર્ય
ચાલો પાછા આવી જઈએ નોહા સેન્ટ જોહન્સના વાંસના વિકસી અને હજુયે વકાસી રહેલા ગઈકાલના સવાલ પર….
વર્ટિકલ સવાલ: તો શું પછી ભાગતા-ભગાવતા-ભોગવાતા હરીફાઈના આ જમાનામાં અચિવમેન્ટ મેળવવા માટે વાંસના દાંડાને ઊગવા માટે લાંબી વાટ જોઈ ધીરજ રાખવી શું જરૂરી છે?
હોરીઝોન્ટલ જવાબ: રીડરભાઈઓ-બહેનો!….નીડરભાઈઓ-બહેનો! પાંચ વર્ષે વાંસનો પાક પેદા કરવો એ તો કુદરતની પોતાની ‘પાકી’ ઘડાયેલી સિસ્ટમ (નેટવર્ક) છે. એ સિસ્ટમને સમજી જ્યાં બંધ બેસે તે જ વાતાવરણ માટે તેને અનુરૂપ રાખી વિકસવા દેવું આપણું કામ છે. શું જરૂરી છે કે પાક હંમેશા વાંસનો જ નાખવામાં આવે?- કુદરતે દુનિયામાં દરેક પાકને પોતાનું એક અલગપણું આપ્યું છે. સમયના કોડથી આ બધાંને તેની રચના મુજબ ગોઠવવામાં આવ્યા છે.
જેમને ‘પાંચ-દસ સાલ તક ઇન્તેઝાર’ કરવાનો શોખ જ છે…તેમને એવી સહનશક્તિ પણ મળેલી છે. એમને વાતાવરણ-જમીન-તન-મન પણ એવું જ આપવામાં આવ્યું હોય છે. હવે વેપારના સંદર્ભમાં વાંસના આવા સહનશીલ ‘દર્ભ’ને પકડી રાખી વિકાસ કરવાની ઈચ્છા કરવી નરી મૂર્ખામી છે. આજે જરૂરીયાત જેટલી બને તેટલી જલ્દી સમજી તેમાંથી ‘રોકડી’ કરવાનો છે. ગઈકાલે અપાયેલા સુપર-વેપારીઓના ઉદાહરણોમાં હજારપતિથી લખપતિ અને લખપતિથી કરોડોપતિનું ટ્રાન્સફોર્મેશન માત્ર અમૂક મહિનાઓના અંતરાલે થયું છે. પછી આપણને એમ જ લાગશે ને કે ‘એમનો બાવો બાર વર્ષે બોલ્યો’. પણ કક્કાવારી દિવસોમાં શીખવામાં આવી હતી તેનું શું?
ન સમજણ પડી?….બમ્પર ગયું ને?….તો ઉપરના બંને ફકરા ફરીથી વાંચી જશો.
ઉભેલો કે આવનાર ગ્રાહકને શું જોઈએ છે?– એ ડિમાંડ બને તેટલી જલ્દી પૂરી કરી રોકડાં કરી લેવાનો છે. હવે લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે પહેલાથી મોઢું ધોઈ તૈયાર રહી ‘રીફેશ’ રહેવું મહત્વનું છે. એટલેજ આપણા શાણા ખેડૂતો પણ જમીનનું મૂલ્ય સમજી ‘રોકડીયા પાક’થી વધારે લ્હાણી કરતાં હોય છે. (અખિલભાઈ, બરોબર કીધું ને?)
નોહાસાહેબની પહેલા ‘નો’ કહેવાયેલી ને પછીથી આ રીતે ‘હોહા’ થયેલી વાતનો સાબિત મુદ્દો આ જ છે. તમને કયો પાક ‘રોકડીયો’ બનાવવો છે?- ઈન્ટરનેટ પર તમને લગતી કજીયાહીન જર, જમીન અને જોરુ બધુંયે ઉપલબ્ધ છે. ત્યારે હવે તમને શરૂઆત આજે કઈ રીતે કરવી છે યા પછી હજુયે પંચ-વર્ષિય યોજનામાં જ પડ્યા રહેવું છે?
હે પ્રભુ! મને ધીરજ ધરવાની તાકાત આપજે…પણ એમાંય જરા જલ્દી કરજે હોં!
સુપર-માર્કેટ‘પંચ’
સ્કેન કરો…શોપિંગ કરો. (હાલમાં તો) અદભૂત લાગતો પણ ઘણાં જલ્દીથી સામાન્ય હકીકત બનવા જઈ રહેલો સુપરમાર્કેટનો આ કોન્સેપ્ટ મોબાઈલ-આંગણે આવી જ ગયો સમજો. જે પસંદ હોય તેને ત્યાં ને ત્યાંજ ખરીદી કરી ઘરે ડિલીવરી લેવાનો એટ-લિસ્ટ આ આઈડિયા પાંચ વર્ષની અંદર ભારતમાં જોઈએ કોણ લઇ આવશે?