[વેપાર વિકાસ]- પાંચ વર્ષનું ‘પંચ’રત્ન !

Hands of Like

“એક નાનકડો આઈડિયા લાઈફ બદલે છે. એ બરોબર પણ ત્યારે જ, જ્યારે તેને દિમાગમાંથી હાથમાં ઉતારવામાં આવે તો.”

આજથી બરોબર પાંચ વર્ષ પહેલા આ બંદાને (પહેલા ઘરમાં ને પછી) દિમાગમાં આવેલો નાનકડો લેખકી આઈડિયા સીધો કિબોર્ડ પર ઉતરી આવ્યો અને (ને પછી ઘરવાળીની ટકોરથી) વર્ડપ્રેસ પર સર્જન થયો પહેલો બ્લોગ: નેટવેપાર.

યેસ! દોસ્તો, ડિજિટલ દુનિયામાં મને આજે પાંચ વર્ષ તમામ થયા છે. વાંચ-વાંચ કરવાની આદતે જ્યારે લખવાની સુતેલી આદતને ઠમકારી ત્યારે સાચે જ ખબર ન હતી કે “મંઝીલે ઐસેહી આતી જાયેગી, ઔર કારવાં બસ યુંહીં બનતા જાયેગા.”

જે વંચાયું-લખાયું તે શેડ્યુલ વિના. એવી કોઈ ખાસ કેરિયર બનાવવાની ઝંખના નહિ, પણ જાણીને જે લખાયેલું તે પહેલા દિલને ગમે ને પછી દિલદારોને ગમે અને ઉપયોગી થાય એવી સીધી સટ્ટાક નિયત.

એ દરમિયાન નિયતિએ મને આપ લોકો જેવાં મસ્ત મજાના લોકો સાથે ઓળખાણ કરાવી છે. જેમની પાસેથી મને ઘણું જાણવા મળ્યું છે, શીખવા મળ્યું. ઉપરાંત એવી વ્યક્તિઓ સાથે મુલાકાત થઇ, જેઓએ મારામાં વિશ્વાસ રાખી તેમના દિલની પર્સનલ વાતોને મારી પાસે ‘અમાનત’ તરીકે મુકી છે.

એવાં મસ્ત (અને મસ્ટ-રિડ) પુસ્તકો પણ વંચાયા જેણે ઝિંદગીને ૩૬૦ ડિગ્રીનો ટર્ન આપ્યો. એવું રોકડું લખાણ લખાયું જેમાંથી રોકડાં પણ નીકળ્યા અને એવી ઘટનાઓ બની જેણે જોબની અપસેટમાંથી ધંધામાં અપ-સેટ કર્યો.

સાચે જ પાંચ વર્ષમાં ધ્યેય ધરાવનાર માણસ સાવ જ બદલાય છે. અરે બલકે એમ કહો કે સસલામાંથી સાવજ બને છે.
So, What’s NEXT?

આવી જ પંચ-વર્ષિય મિક્સ ઝિંદગીની લાઈફ-લાઈન પર એક વધું નવું જંકશન ગોઠવાઈ રહ્યું છે. એ પણ મને ગમતાં બે સૌથી વધુ પ્રિય સબ્જેક્ટ્સનાં કોમ્બો સાથે:

| આઈડિયા અને માર્કેટિંગ.|

Stay Tuned…એક નવી પ્લેટ અને પ્લેટફોર્મ સાથે જલ્દી મળીયે!

|| જો એ ‘હોટ’ થયા પછી ‘શોટ’ થયું હોત તો ???………||

ઈ.સ. ૧૯૭૧ની શરૂઆતનો સમય. સ્ટિવ જોબ્સ અને તેનો સાથી સ્ટિવ વોઝનિયાક કોલેજના પગથીયાં ચડવાની શરૂઆત કરી રહ્યા હતા. એકનું મગજ માર્કેટિંગના મકાન તરફ દોડતું ને બીજાનું કોઈક ટેકનિકલ ટાવર’ તરફ.

કેમકે પાછલા બારણે ઓફીશીયલી તો નહિ પણ બ્રાન્ડ વિનાના ‘એપલ ૧’ નામના એક તોસ્તિક કોમ્પ્યુટર બનાવવાની શરૂઆત તો થઇ ચુકી હતી. છતાંય બંનેના નસખેંચું મગજો સતત ક્યાંક ચકરાવો લીધાં કરતા હતા.

ત્યારે એક દિવસે વોઝનિયાકે જોબ્સને ‘એસ્ક્વાયર મેગેઝિન’નો લેટેસ્ટ અંક બતાવ્યો. જેમાં કોઈક ‘બ્લ્યુ-બોક્સ’ વિશે માહિતી મુકવામાં આવી હતી. ( દેશી ભાષામાં કહીએ તો આ બ્લ્યુ-બોક્સ એટલે તે સમયના લેન્ડલાઇન ટેલિફોનની (બાય ડીફોલ્ટ) ટોનને બદલી ‘પાછલે-બારણેથી મફતમાં થઇ શકતા ઇન્ટરનેશનલ ફોન કોલ્સનો ડબ્બો.)

જોયા પછી જોબ્સે કહ્યું: “વોઝ, તું ભાવ કાઢ. બનાવીએ તો કેટલાંમાં પડશે? પછી વેચવાનું કામ મારું.”

“જોબ્સ, મેં માત્ર પાર્ટસ સાથે અડસટ્ટે ભાવ લગભગ કાઢ્યો છે, લગભગ ૪૦ ડોલર્સ. મહેનત-મજૂરીના અલગ ગણવા પડે. હવે કેટલામાં વેચી શકીએ એ તું બોલ.”

“હું માનું છું કે આપડી કૉલેજના એવા છોકરાંવથી જ શરૂઆત કરીએ જેઓને તેમના દેશમાં ફોન કરવા પડતા હોય તો ૧૫૦ ડોલર્સમાં તો આરામથી વેચાઈ શકે.”

પછી તો વોઝ પિંક મૂડમાં આવી મંડી પડ્યો બ્લ્યુ-બોક્સ બનાવવાના ધંધે. શ્રી ગણેશ તો થયા પણ હજુ વેચાણની શરૂઆતમાં જ એક જગ્યાએ અચાનક આ બંને સ્ટિવડાઓને પોઈન્ટ-બ્લેન્ક લેવલે ગન મૂકી લૂંટવામાં આવ્યા.

બેઉ જણા સમજ્યા કે ‘પાર્ટી’ને બ્લ્યુ-બોક્સનો દલ્લો જોઈએ છે. પણ પેલા બંદૂકધારીએ માત્ર એટલી બુલેટ-પોઈન્ટ વાત આપી છોડી દીધા કે… “બચ્ચું! ખબરદાર આ ધંધામાં કાંઈ પણ કર્યું છે તો…ચુપચાપ તમારો ઇલેક્ટ્રોનિક બિસ્તરો ઉપાડો અને ખોવાઈ જાવ ક્યાંક બીજી જગ્યાએ…”

ને બસ…બ્લ્યુ-બોક્સ બન્યું બ્લેક-બોક્સ. અને તેમની પાછળ (ધૂળમાં) પડેલા ‘એપલ -૧’ની સુવાવડ કરાવવાની તૈયારી શરુ થઇ. પણ આ બનાવમાંથી બંનેને એક ‘ગ્રીન લેશન’ મળ્યું: ‘અબ કુછ ભી હો જાયે પ્યારે, યેહ દોસ્તી હમ નહિ તોડેંગે… તોડેંગે દમ મગર તેરા સાથ ન છોડેંગે.”

“અલ્યા એય સ્ટિવડા, સાંભલે ચ કે તું? જો એ બ્લ્યુબોક્સ ‘હોટ’ થયા પછી ‘શોટ’ ન થયું હોત તો………તારા એપલની શરૂઆત થઇ શકી હોત!?!?? – શું કેછ પોરિયા તુ?

મૈત્રી મોરલો: “સાચો દોસ્ત ક્યારેય પણ દૂર નથી હોતો.”

વેપાર વાર્તા: તમને શું બનવું છે- બિઝનેસ માઈન્ડેડ કે સર્વિસ માઈન્ડેડ?

Rocket_Singh_-_Salesman_of_the_Year

Rocket_Singh_-_Salesman_of_the_Year

મુવી મોરલો:

“દુનિયાને જે કાંઈ કરવું હોય તે કરે હું તો પ્રમાણિકતાના ઘોડાની પૂંછ પકડી રાખીશ. પછી ભલેને લાત ખાવી પડે. પણ એકવાર જો એ ઘોડો દોસ્ત બની ગયો પછી જલસા જ જલસા.”

તમને થશે જ કે ભ’ઈ આમ તો દરેક વખતે પોસ્ટને અંતે મોરલો ખીલે છે, ને આજે પહેલા જ? તો મારા વેપારી દોસ્તો, વાત પણ એવી જ છે કે…જેમને કાયમી એમ રહેતું હોય કે ‘દિલ માંગે મોર એન્ડ મોર’ એમને માટે આ શરૂઆત છે.

‘રોકેટસિંઘ- સેલ્સમેન ઓફ ધ યર’

જેણે સેલ્સમેનશિપ (અને ઓવરઓલ માર્કેટિંગ)નો મસ્તમજાનો પાઠ ક્લાસ ભર્યા વગર સવા બે કલાકમાં ફિલ્મથી શીખવાડ્યો છે.

જો તમને રણબીર કપૂરમાં રહેલા સેલ્સમેન હરપ્રીતસિંહને…

•-> થનાર બોસને ઇન્ટરવ્યું વખતે જ ‘પેન્સિલ કેમ વેચવી’ એ જોવો હોય…

•-> સખ્ખત હરીફાઈની આ દુનિયામાં પણ સાવ હટકે રહી હરીફાઈ કરતો જોવો હોય…

•-> બિઝનેસમેન થયા વિના ધંધો કરતા જોવો હોય…

•-> કેરિયરની લાઈન પર રહી છોકરીને લાઈન માર્યા વિના પટાવતા શીખવું હોય…

•-> અને આ બધાં કરતા ‘ખોટો ઝીરો’ બનીને પણ બોસને હરાવી ‘મોટ્ટો હીરો’ થતા જોવો હોય…

તો રોકેટસિંઘનો આ ફિલ્મી ક્રેશ કોર્સ વહેલામાં વહેલી તકે કરી આવજો. નહીંતર પંદર દિવસ સુધી ન ધોવાયેલી જીન્સની પેન્ટ અને આખા બાંયવાળા ૩ શર્ટમાં જ આયખું પસાર કરવા માટે હું કોઈને ય ‘રોકટો’ નથી.

<-•-> ફિલ્મ જોયા પહેલા મારો વિચાર હતો: ‘બિઝનેસ માઈન્ડેડ બનો. સર્વિસ માઈન્ડેડ નહિ.’ પણ,

<-•-> ફિલ્મ જોયા પછી મારો નવો વિચાર છે: ‘પહેલા સર્વિસ માઈન્ડ બનો, બિઝનેસ માઈન્ડ નહિ.’

શું કામ, શાં માટે?- રે બાપલ્યા! એ જવાબ માટે તો આ ગરમાગરમ ફિલ્મ ઉતારવામાં આવી હતી.

આડી અને સટ્ટાક વાત: તમને લાગે કે તમારી સેલ્સ કેરિયર સાવ ધીમી છે તો ‘રોકેટસિંઘ’ને એન્જીન તરીકે જોડી લેજો. કે પછી સેલ્સ કેરિયર મજ્જાની ચાલે છે, તો આગળ વધવાના ચાન્સિસ લેવા માટે પહેલા દોડી જોઈ લેજો.

મને અફસોસ થાય છે કે આટલી મસ્ત મજાની ફિલ્મ મેં ‘હાડા તૈણ’ વર્ષ પછી જોઈ?- પણ જો તમે હજુયે ન જોઈ હોય તો દોઢ-ડાહ્યા થયા વિના આજે જ જોઈ આવજો. અને જોઈ લીધી હોય તો….દિમાગની ધાર કાઢવા માટે બીજું જોઈએ પણ શું?

‘પહેલો તે વહેલો વ્હાલો’ના ધોરણે!

જબ જબ યું યું હોતા હૈ, તબ-તબ કહાં-કહાં ક્યા-ક્યા હોતા હૈ?

આપડા બાપડા દેશમાં કોઈ પણ રાજકીય કે સામાજિક ઘટના થાય ત્યારે…હો હા! પો હા બહુ થાય હોં! આપણે ભલેને અંદર મળેલા હોઈએ, પણ બહારના જ નેશનને ‘યુનાઈટેડ’ કરાવવા આજીજીઓ થાય. વખોડીવેડાઓ થાય. સખ્ખત નિંદા થાય. સમિતિઓ રચાય, ‘તારીખ પે તારીખ’ ગોઠવાય, ને આખરે ડોકાં સાથે ફાંસીના માંચડા પણ ગાયબ થઈ જાય.

ખૈર, હમણાં તો ‘હમ સબ મિલકે’ આપણા રાજ્યોની અનેકતા પર થતી એકતા વિષયે જાણીએ. જેમ કે…  

  • મહારાષ્ટ્રમાં: પહેલા ઉગ્ર મોરચો નીકળશે, જેમાં બીજાં રાજ્યો (ખાસ કરીને બિહારને) એ ઘટના માટે જવાબદાર ગણવામાં આવશે, ત્યાર બાદ મીણબત્તીનું સરઘસ અને પછી?…..એક ફિલ્મ-ડાયરેક્ટર એની પર ‘ફિલ્મ ઉતારવાની તૈયારી કરશે.
  • દિલ્હીમાં: પહેલા તોડફોડ થશે, મારામારીઓ થશે ને પછી…બધું ‘ઠીક’ થઇ જશે.
  • પંજાબમાં: આવા આંતરિક આતંકવાદ વિરદ્ધ ‘કડી સે કડી ભર્થ્સના’ થશે.
  • ઉત્તરપ્રદેશમાં: પહેલા અંદરોઅંદર મારામારી થશે ને પછી એની સીધી વાઈરલ અસર મહારાષ્ટ્રમાં થશે.  
  • જમ્મુ-કાશ્મીરમાં: પહેલા “અમે સૌ સુરક્ષિત નથી.” નો પોકાર આવશે ને પછી લાલ-ચોકમાં લીલો ઝંડો લેહરાશે.
  • પશ્ચિમ બંગાળમાં: પહેલા ચક્કાજામ થશે, હડતાલો પડશે. ને પછી હારીને લોકો નજીકના જ કોઈ પર્યટનસ્થળ પર થાક ખાવા જશે. (કેમ? ‘દીદી’ગીરી નામની બી તો કોઈ ચીજ હોવી જોઈએ ને?!?!)
  • રાજસ્થાનમાં: એમના કોઈક સ્વજનના સ્વજનના સ્વજનનું મૃત્યુ થયું છે કે નહિ એ જાણી એનો ઊંડો શોક-વિલાપ થશે.
  • મધ્યપ્રદેશમાં: લોકોની પૂછપરછ થશે કે ‘યહ ઘટના કહા ઔર કૈસે હુઈ? અને પછી…કશુંયે નહિ થાય.
  • બિહારમાં: પાંચ-પચ્ચીસના ડોકાં ઉડી ગયા હશે, ૨૦-૨૫ ઘરો (આઈમીન ઝૂપડાં) બળી ગયા હશે. સૌ કોઈને લાગશે કે ઓહો કેટલી અસર થઇ ! પણ….એનું મૂળ કારણ બનેલી ઘટના સાથે તંતુથી પણ જોડાયેલું નહીં હોય.
  • જ્યારે ગુજરાતમાં...આઅહા!!! કેટકેટલાં કામો થશે. જુઓ…
  • પહેલા ઘરમાં રહી (મોંમાંથી) ને પછી જાહેરમાં આવી (મનમાં) ગાળાગાળીઓ થશે…એની સીધી અસર ફેસબૂક પર થશે.
  • જેની દિવાલો પર ઉપર મહા-મૃત્યુકાવ્યો રચાશે, દુઃખદ જોક્સ બનશે, આવા આર્ટિકલ્સ લખાશે. ‘ફેક’ ફોટોગ્રાફ્સનું કોપી-પેસ્ટ કરી ફેંકાફેંક થશે.
  • લેંઘાનું નાડુંયે બાંધતા નહિ આવડતું હોય કે ‘ગોમની બારેય નૈ ગ્યા’ હોય એવા બચુભ’ઈઓ પાકી બોર્ડર પર જઈ સામૂહિક ‘મૂત્રવિસર્જન કરાવવાની’ હોંશિયારીઓ ઠોકશે. જેની પર સેંકડો ‘લાઈક્સ’ આવશે.
  • કોઈકનું વહેલે મોડે…‘સાહેબ’ને આડકતરી રીતે પીએમ બનાવવાનું પ્રમોશન થઇ જશે.
  • જ્યાં દિમાગ ‘લગાવવાનું’ હોય ત્યાં હાથ-પગ ચોંટાડાશે.
  • રાજકીય બાબતને કોમવાદમાં વટલાવી દેવાશે.
  • ….પછી?…કોઈક નવી ઘટના બને તેની રાહ જોવાશે. અને રાત્રે તો એ જ પાછુ Unwanted72 યા પછી કામસૂત્રનું પેકેટ તો છે જ ને!…(હવે તમે જ કો’ કે ગુજરાત આટલું બધું પ્રગતિ’શીલ’ કેમ થયું?)
  • …ને બાકીના રાજ્યો: આ બધો તમાશો હરખાતા જોઈ શાંતિ-સ્થાપનના યજ્ઞો કરશે.

આ અસરો દરમિયાન અસલ વેપારી બચ્ચાંવ આ બધીયે ઘટનામાં મીણબત્તીઓ કે ‘ચહ’ વેચી આવ્યો હશે. જેવી જેની ઈચ્છા.

દેશ હમારી માતા હૈ, અબ આપકો ક્યા ક્યા આતા હૈ? 

ઉલ્ટા કામો કરી કમાણી કરવાનો એક અનોખો મુકામ એટલે…

Ulta-Pulta- Upside Down

.

• “જા! પેલી લાંબા વાળ વાળી રીટાને અમારી વચ્ચે કિસ કરી આવે તો રૂ.૫૦૦/- આપણી તરફથી…”

• “બોલ એક સાથે ૨૫ વખત આ દાદરા ઉતર ચઢ કરી બતાવે તો આ રવિવારે પિઝા-પાર્ટી આપણી તરફથી…”

• “છે કોઈ જે ૧ મિનીટમાં મેક્સિમમ કોલાની બોટલ પી બતાવે?- જો હોય તો ૧૦૦૦નું ઇનામ આપણી તરફથી…”

સ્કૂલ-કોલેજમાં, પાર્ટીમાં, મેળાવડામાં કે લગ્ન જેવા પ્રસંગોમાં આવી અવનવી શરતો લાગતી રહે છે. પણ શક્ય છે એનું ઇનામ ક્યારેક જ મળતું હોય છે. અથવા અંચાઈ કરીને ગૂટકાવી દેવાય છે. અને જો મળે ત્યારે હાજર દોસ્તોમાં દિલદારીથી શેર કરી એમાંથી જ પાર્ટી અપાય જાય છે.

મસ્તી-તોફાન-મજાક જ્યાં સુધી નિર્દોષ છે ત્યાં સુધી એ ચાલતું રહે નહીંતર ક્યારેક લેવાના દેવા થઇ જાય ત્યારે પૈસા સાથે ઘણું બધું ગુમાવી પણ દેવાય છે.

પણ વેઈટ!

ઈન્ટરનેટ (ને હવે તો મોબાઈલ) પાસે એનોય તોડ મળી શકે એવા પ્રોગ્રામ આવી ચુક્યા છે. – મૂલ્ટા.કૉમ.

નામ મૂલ્ટા… ને કામ ઉલટા-પૂલટા કરી સાચે જ કેશ કમાવાનું એક મજ્જાનું પ્લેટફોર્મ.

જ્યાં એક વ્યક્તિ વિભિન્ન ચેલેન્જ સાથે કેશ-ઇનામ આપે. જેમ કે…

• “જાહેરમાં સ્ત્રીના કપડાં પહેરી મૂત્ર-વિસર્જન કરી બતાવો તો ૫૦$….”

• “પબ્લિક ફૂવારામાં ખુલ્લા નાહી બતાવો ને ૫૦$$ લઇ જાવ….”

• “ભરબજારે અજાણી વ્યક્તિને લોકોની વચ્ચે ભેંટી લો અને ઉપાડો ૧૦૦$….”

• “દુનિયાનો સૌથી તીખો સોસ ચાટી બતાવો ને પછી મોં ખોલ્યા વિના લઇ જાવ ૫૦$$…”

• “ઉંચી બિલ્ડીંગની અગાસીથી હાથ બાંધીને વાંકા વળ્યા વિના સીડીઓ ઉતરી બતાવો ને લઇ સીધેસીધા લઇ જાવ ૨૦$…”

જે ચેલેન્જ ઉપાડી હોય એની સાબિતી વિડીયો વડે આપવી પડે. પછી જે કમાણી કરી હોય એ કાં તો ખિસ્સામાં મૂકી હાલતા થાવ અથવા સખી દાતાર હોવ તો સાઈટ પર જ દાન-પેટીમાં નાખતા જાવ.

ઝૂકતી હૈ દુનિયા ઝૂકાનેવાલા ચાહિયે…..ટુના ટુના!!!!

બોલો….તમને ચુપ રહી આવા ઉલટા આવા કામો કરવા ગમતા હોય તો આજે જ જોઈ લ્યો એ મૂલ્ટા.કૉમ.

સરપંચ:

આવનારા દિવસોમાં શરુ થનારી ટ્રાન્સપેરન્ટ લાઈફસ્ટાઈલ જે મગજ અને મનનું ચક્કર ડીજીટલમાં આ રીતે ગોઠવતું જશે…

 

કોર્પોરેટ કંપનીમાં કામ કરતા એ સર્વે પાલતું સામજિક પ્રાણીઓને….

Careerless_Bicycle

વિતેલા વર્ષના બોનસ રૂપે ક્રિસમસના દિવસે એક કોર્પોરેટ કંપનીમાં તેના એક પાલતું એસોસિએટને (વિતાવવામાં આવેલી પળોને સહન કરવા માટે?!) ‘મેન ઓફ ધ ઈયર’ નો ખિતાબ મળ્યો.

સર્ટીફિકેટ સાથે સુપર-ગિયર વાળી સાયકલ ભેંટ આપવામાં આવી. (હજુ વધારે વાપરી શકાય એવી ‘હેલ્થ’ અને સાથે જલ્દી વપરાઈ જતી ‘વેલ્થ’ બનાવવા જ સ્તો)

સાયકલ સ્વીકારાઈ તો ગઈ પણ થોડા ખચકાટ સાથે. કેમ કે તેની પાછળ (ઇન્ડિયન ઈસ્ટાઈલનું) કેરિયર નહોતું (હેલ્થ બનાવવામાં કેરિયર?).

ખૈર, બીજે દિવસે ભ’ઈએ બોસને ‘કેરિયર એડ-ઓન રિક્વેસ્ટ’ મોકલી. ને ત્રીજે દિવસે સાયકલ નવા કેરિયર સાથે પાછી આવી ગઈ.

પણ આ શું?- કેરિયર તો આવી ગયું પણ… સાયકલનું સ્ટેન્ડ ગાયબ?!?!?!? એમ કેમ બને?

ભઈલાએ રિ-રિક્વેસ્ટ મોકલી. “આવું કેમ? શું કામ? શાં માટે?”

જવાબ આવ્યો:

“ઓ ભાઈ ! આ કોર્પોરેટ ગિફ્ટવાળી સાયકલ છે. તમારી ખરીદેલી નહિ. એટલે કોઈક એક ઓપ્શન પસંદ કરો. કાં તો કેરિયર અથવા સ્ટેન્ડ. બેઉ એક સાથે ન મળે. કોર્પોરેટમાં કેરિયર બનાવવું હોય તો સ્ટેન્ડ ના લેજો. અને સ્ટેન્ડ લેશો તો કેરિયર ખત્તઅઅમ. આગળ મરજી તમારી.”

(કોર્પોરેટ કંપનીમાં કામ કરતા એ સર્વે પાલતું સામજિક પ્રાણીઓને અર્પણ…)

 

TMG (થોરાંમાં ઘન્નું) 

જસ્ટ થોડાં જ કલાકો પહેલાં ‘એપલ’ની બેકરીમાંથી નીકળેલા ફ્રેશ બેક સમાચાર.

કાંચને સિફતપૂર્વક વાળી શકાય એવી ટેકનોલોજીકલ શોધ કરવા બદલ ‘એપલ’ અંકલને આજે પેટન્ટ મળી ગયા છે. આ સમાચાર મને એટલા માટે ગમ્યા છે કે…હવે સ્વ. સ્ટિવદાદાની દરેક આઈ-ડિવાઈસમાં રહેલા ‘કાંચ’ નામના તત્વને બીજા હરીફો સાથે ‘આંચ’ નહિ આવવા દે.

એમની આવનારી અગત્યની સાવ હટકે શોધોમાં…. આઈ-પેડ્સનું ઇમ્પ્રુવમેન્ટ તો ખરું પણ સાથે આઈ-ટેલીવિઝન, આઈ-કાર અને બીજી અનેક સંતાયેલી ‘આઈ’ વસ્તુઓ આવનારા દિવસોમાં ‘આઈ’ જવાની છે. જેમાં એ લોકો આવા ફ્લેક્સિબલ કાંચનો ઉપયોગ……….નહિ કરે તો બીજે કરશે ક્યાં?

જેમનું મગજ હાલમાં આવી બાબતો તરફ ‘વળી’ રહ્યું હોય (તેવા ખાસ એન્જિનીયર્સ ભ’ઈલાઓને) નેટવર્ક-ઓટોમોબાઈલ્સ અને ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાં અખૂટ તકો મળવાની છે…..લીખ લો કુછ નયા! આજ હી અપની નોટમેં ભીડું!

કરો અહીં…અથશ્રી ફેસબૂક કથા!

સવાલ એ છે કે: ફેસબૂકને બ્રાન્ડિંગ કરવાની શી જરૂર?

પણ ના…એનું માર્કેટ ભલેને નાનું લાગતું હોય કે મોટું થઇ રહ્યું હોય…અરે! બલ્કે પોતે ખુદ મહા-માર્કેટની જેમ સર્જાઈ ગયું હોય. તો પણ કોઈક ને કોઈ રીતે ‘બ્રાન્ડિંગ’ થતું રહે એ પ્રોડક્ટ અથવા સર્વિસની મોટી જરૂરીયાત છે.

બહુ હો..હા કર્યા વગર ૨ ઓગસ્ટથી ફેસબૂકે પોતાનું એક નાનકડું પોર્ટલ સ્ટાર્ટ કર્યું છે.

http://www.facebookstories.com/

* તમારી ઝિંદગીમાં ફેસબૂકનો કેટલો ફાળો છે?-

* એનાથી તમારી ઝિંદગીમાં એવી કેવી ઘટના સર્જાઈ કે જે તમને સૌથી આશ્ચર્યજનક લાગી હોય?-

એવી ખુશહાલી (!) ભરેલી ઘટનાઓ જેમ કે..

– (ડી.એન.એ ટેસ્ટ વિના) અથવા વર્ષો પહેલાના કુંભમેળા દરમિયાન તમારું ખોવાયેલું બાળક ફેસબૂક પર મળી આવ્યું હોય…

– વધુ પડતાં સ્ટેટસ અપડેટને લીધે તમારું બૈરું પિયરે ચાલ્યું ગયું હોય…

– ઓછાં સ્ટેટસ અપડેટને લીધે તમારી મેમરી-લોસ્ટ થઇ ગઈ હોય ને તમને ‘ગજિની રોગ’ લાગુ પડ્યો હોય…

– જેને ટગરટગર જોઈને જ ક્લાસ ભર્યા હોય એવી માધ્યમિક શાળામાં રહેલી ‘પેલી’ પિંકીની અચાનક ફ્રેન્ડ-રિક્વેસ્ટ આવી હોય…

જેવી (અ) સામાન્ય બાબતોને તો ઉજાગર કરવા આ સાઈટ ખોલવામાં આવી છે. એટલે હવે જો એવી કોઈ હટકે કથા સર્જાઈ હોય તો આપ સૌ ફેસબૂક ભક્તજનોને તેની સ્તુતિ કરવા માટેનું આ મોકળું મેદાન છે ભ’ઈ !

ટૂંકમાં એમનું કહેવું એમ છે કે…

“અબ હમારે મુંહ સે હી હમ હમારે ગૂણગાન ક્યોં ગાયે!..આપ હી કુછ કહે દીજીયે!”

વેપાર પચ્ચીસી: ‘બોઝ’ભાઈની બોજ ભરેલી બંગ કહાની …

ટેન્શનના બોજથી લદાયેલા બંગાળી બાબુ વીર વિક્રમજીત બોઝે દરરોજની જેમ ઓફિસેથી નીકળતી વખતે જોબના નામના વેતાળને ખભે ઉચકી આજે ટ્રામને બદલે કોલકાતા-મેટ્રોથી ઘરની તરફ જવા રસ્તો પકડ્યો.

કારણકે ‘મમતા’થી ભરેલી રેલીના કારણે શહેરની બસ અને ટ્રામ સેવાઓ સાંજ પડતા પહેલા જ ઠપ્પ થઇ ચુકી હતી. રસ્તો સહેલાઈથી નીકળી જાય એ માટે વેતાળે વિક્રમજીતને આજે પણ ફરીથી નવી કહાની સંભળાવવાનું નક્કી કર્યું.

આ ‘કહાની’ પેલી વિદ્યા(બાલન)ની ન હતી. પણ…કહેવાતા વીરને જોબથી વેપારની તરફ વાળવાની એક નાનકડી વિદ્યા મળે એ માટેની કોશિશ માત્ર. કેમકે વેતાળ પણ હવે આ વિરલા સાથે દરરોજ સવારની સાડા સાતથી મોડી સાંજના સાડા સાત વાગ્યા સુધીની સાડાબારીથી કંટાળી ગયો હતો. તેને પણ હવે કોઈ સારો ટેકો જોઈતો હતો.

લિસન વિકી! તારી આ વધુ પડતી વિદ્યાને કારણે મને તારા સાચા જવાબોથી બહુ જ તકલીફ પડતી રહે છે. માટે ખાસ વિનંતી કરું છું કે… આજે તને જે વાર્તા કહેવાનો છું એમાં મારી ખરી કસોટી છે. તેનો ખોટો જવાબ આપી મને હવે મુક્ત કર. –વેતાળે પરસેવો લૂછતાં-લૂછતાં કહ્યું..   

હે દોસ્ત વેતાળ! ને જો આ બાબુમોશાય તને સાચો જવાબ જ આપી શક્યો તો?!?!?”- વિક્રમજીતે તેના બંગ અંદાઝમાં બણગો ફૂંક્યો.

તો પછી સમજી જાજે કે હું કાયમ માટે તારી પીઠ પર ચીટકી રહીશ. ને આખી ઝિંદગી તને મારો બોજ લઈને ફરવું પડશે.” – વેતાળે ચિંતાતૂર થઇ મુક્તિની (અવ)દશા વર્ણવી વાર્તા શરુ કરી દીધી….

|| આપણા બંગાળના જ એક નાનકડાં ગામમાં વર્ષો પહેલા એક હુસ્ન પરી રહેતી. એનું નામ જ હુસ્ના. મને તેના રૂપ રૂપના અંબારની કોઈ ચર્ચા કરવી નથી માટે સીધો મુદ્દા પર આવું છું.

બાળપણથી જ શક્તિ અને ભક્તિનું અનોખું સમન્વય એટલે જવાનીની પાંખ ફૂટે એની રાહ જોવામાં કેટલાંય મા-બાપો એ પોતાના દિકરાઓ માટે તેને મનોમન વહુ તરીકે સ્વીકારી લીધી હતી.

પણ તેના મુખી બાબા (પિતા) પાસે માંગણું નાખવાની કોઈની હિંમત થાય નહિ. કારણ એટલું જ કે…બાપ જાણે સુંદરવનનો ટાઈગર. ગુસ્સામાં ક્યારે કોઈના પર કેવો એટેક કરશે તે વિશે કોઈ કહી શકતું નહિ. એટલે તેમની એ લીલી દિકરી કરતા એ લોકોને પોતાનો લાલ વધારે વ્હાલો લાગતો.

અઢારમાં વર્ષની શરૂઆત પહેલા જ હુસ્નાના રસને પીવામાં મરીઝ જેવો બનેલો ઝફર તેની કોલેજના અંતિમ વર્ષની છેલ્લી પરીક્ષા આપી શહેરથી ગામમાં પાછો આવી ગયો હતો.

“નોકરી જાય તેલ લેવા…પહેલા હુસ્નાને મારી બીબી બનાવું તો ખરો!”- જોર અને જુનુન સાથે સાંજે ઝફર હુસ્નાની ડેલીએ હાથ રાખી ઉભો રહ્યો.      

“બાબા!…તમારી હુસ્ના મને જોઈએ જ છે.” – ઝફરે બહાદુરશાહ બની એક મરદને પણ પોતાનો મર્દાના પરિચય આપી દીધો.

“એક શરત છે બેટા. તારી કોલેજ પછીની કદાચ આ પહેલી કસોટી થશે. જો એમાંથી પાર ઉતરીશ તો હુસ્ના તારી. નહીંતર શહેરમાં બીજી ઘણી મળી રહેશે.”

“બાબા! તમારી હર શરત મને મંજૂર. પણ મારો જાન માંગવાની વાત ન કરશો, કેમ કે એ તો ખુદ તમારી દિકરી જ છે.” ઝફરની દીવાનગીનો એક ઓર નમૂનો દેખાઈ ગયો.

“કાલે સવારે મારા ફાર્મમાં આવી જાજે. શું કરવું એ તને ત્યાં કહીશ.” ભાવી સસરા તરફથી આશાનું એક કિરણ મળેલું દેખાઈ જવાથી ઝફરની જાનમાં જાન આવ્યો. પણ રાત આખી જાણે કરવટો બદલવામાં પસાર કરી.

“ઝફર બેટા!…મને ખબર છે કે તારી કોલેજનું ભણતર હજુ હમણાં જ પૂરું થયું છે. કોઈની દિકરી પાછળ સમય વેડફવાને બદલે દોકડા કમાવવામાં ધ્યાન અપાય તો સારું. પણ ખૈર, આ વાત હમણાં તારા મજનૂ દિમાગમાં નહિ ઉતરે. એટલા માટે મને તને શરતથી બાંધવો પડ્યો છે. તને હુસ્ના મળી શકે છે. પણ તે પહેલા તને મારી એક નાનકડી કસોટીમાંથી પાર ઉતારવું પડશે.

પેલી દૂર સામે મારા ખેતરની જે વાડ દેખાય છે ત્યાં જઈ તને ઉભા રહેવાનું છે. થોડી વાર પછી હું ૩ બળદોને તારી તરફ મોકલીશ. આ ત્રણમાંથી માત્ર કોઈ એક બળદની પૂંછડી પકડી તને પાછો મારા હવાલે કરવો પડશે. બોલ મંજૂર છે?”

ઝફરને તો હુસ્નાને પામવાનાના અચિવમેન્ટમાં વધારે રસ હતો. એટલે મુખીબાબાના આ ફેરી-ટેલને બાજુ પર મૂકી તેની ફેરી (હુસ્ન પરી)ને હામમાં અને ટેઈલને હાથમાં પકડવાની ચેલેન્જ કબૂલ કરી લીધી.   

થોડાં સમય બાદ….વાડની પાસે ઉભેલા ઝફરને એક મસમોટો…ધસમસતો આખલો આવતો દેખાયો. એવો આખલો તેણે આજદિન સુધી જોયો ન હતો. એટલે બેશક ઝફરબાબુના તો હાંજા ગગડી જવા લાગ્યા. હાયલા! પકડવાની વાત તો બાજુ પર, તેને જોતા જ ત્યાંથી ભાગી જવાનું મન થાય એવા ભારેખમ શરીર સાથે આખલા એ દાવ દઈ દીધો.

પણ થાય શું?…એટલે સમયસૂચકતા વાપરી લાઈફ-લાઈનને જતી કરવાનો ત્વરિત નિર્ણય લઇ લીધો. કદાચ હવે પછી આવનાર બળદિયો પકડી શકાશે એવી પોઝીટિવ ઈચ્છા રાખી ઝફર “આખલો જાય ખાડામાં”…કહી તે પોતાની પૂંછડી પકડી બાજુ પર ખસી ગયો. કારણકે તેની ‘બુદ્ધિ હજુયે બળદી’ થઇ ન હતી.

ત્યાં તો બીજી મિનિટે તેને પેલા ગયેલા આખલા કરતાય ડબલ મોટો એક બીજો આખલો દેખાયો. જાણે ધૂળનું મીની ત્સુનામી સર્જાયું. અચ્છા રૂસ્તમને પર સુસ્ત કરવાની તાકાત ધરાવતા ‘આ આખલાને પકડવો છે’ એવું વિચારવું પણ જાણે મોતને નોતરવું એવું ઝફરને સેકંડમાં સમજાઈ ગયું. ‘સર સલામત તો પઘડિયા બહોત’ સમજી બીજી લાઈફ-લાઈનને પણ એમને એમ વાપરી દેવી પડી.

આખલો તો નજીક આવી વાડ પાસેથી પાછો વળી ગયો પણ તેની પાછળ ‘હુસ્ના’ને પામવાના કોડ પણ દૂર લઇ જઈ રહ્યો હોય એવું ભાન ઝફરમિંયાને થઇ ગયું. ખૈર, ‘સરફરોશીકી તમન્ના અબ હમારે દિલમેં હૈ!’ વાળો શેર હવે આ બાકી રહેલા ત્રીજા બળદ માટે વાપરવો તેને મુનાસીબ લાગ્યો.

થોડી વારમાં તેને દૂરથી ત્રીજો એક બળદ દેખાયો. સાવ ઠુંચૂક-ઠુંચૂક…માંદલો જાણે મહિનાઓથી કોઈ ખોરાક ન ખાધેલો એવો આ બળદ જોતા જ ઝફરભાઈને ‘હુસ્ના મળી જ ગઈ સમજો’ એવો કોન્ફિડન્સ પણ સાથે આવતો દેખાયો. સમજી લ્યોને કે…બે તોફાન પછીની શાંતિ હતી.

પણ આ શું?

આ મડીયલ બળદની તો પૂંછડી જ ન હતી….એટલે પકડવાનો સવાલ જ ક્યાં આવ્યો?

…ને તે દિવસે સવારે ઝફરને ડેલીએથી હાથ લીધા વગર પાછું આવવું પડ્યું. ||

આટલું કહી વેતાળબાબુ એ પણ પોતાની વાર્તા સમાપ્ત કરી ને કહ્યું: “બોલ વિક્રમ!…મને ખોટો જવાબ આપ કે આ વાર્તા માંથી શું શીખવા મળે છે?..એટલે મારી જાન પણ છૂટે!

“બૂ..લ….શી..ટ!…અલ્યા આમાં શીખવાનું શું?- આપણી ઝિંદગીમાં તકોની ભરમાર છે…ડગલે ને પગલે અવનવી તકો આવતી અને જતી જાય છે…કઈ મોટી છે ને કઈ ખોટી છે, એવું વિશ્લેષણ કર્યા વિના વહેલી તકે જે હાથમાં આવે તે લઇ લેવી જોઈએ. નહીંતર બળદ તો શું? ‘કોડ’ પણ નહિ મળે…પછી હુસ્ના ય મામો બનાવીને જતી રહેશે….બરોબરને?”

“ઓઓઓઓઓઊઊઊહ્હ્હ્ફ્ફ્ફ્ફ્ફ્ફ્ફ્….

અલ્યા બુદ્ધિના મોટા બળદ!… સાચો જવાબ આપવાની શી જરૂર હતી…? તને જ્યારે આ જવાબની ખબર જ હતી તો છેલ્લાં પાંચ વર્ષથી તારા દિલમાં દબાયેલી બિઝનેસ કરવાની તકોને પકડવી’તી ને?

બોલો…એ બાબુમોશાયને હવે…શું પોષાય?

(થોડાં અરસો દરાઝ પછી આવનાર મારા પુસ્તક: ‘વેપાર પચ્ચીસી’ માંથી લેવાયેલી એક કથા)

હવે જો બાકીની અવનવી ૨૪ કથાઓનું આ પુસ્તક તમને પબ્લિશ થાય એ પહેલાથી ડિસ્કાઉન્ટેડ રેટમાં ઝડપી લેવું હોય તો આજે જ ‘મને પણ જોઈએ છે’ એવી કોમેન્ટ આ નીચેના સ્પેશિયલ-બોક્સમાં ઈમેઈલ સાથે લખી મોકલશો. એટલે પહેલી તક તમને મળશે….સરપ્રાઈઝ સાથે.

આ સરપ્રાઈઝ શું છે? – એ જાણવા માટે બસ આવનાર બ્લોગ પોસ્ટ્સને ફોલો કરતા રહેશો તો થોડાં જ સમયમાં તેનું અપડેટ મળી જશે.

વાંચન વિઝન: કેટલાંક વિડીયોઝ વાંચન માટે પણ હોય છે. આ રીતે….

દોસ્તો, પાછલી એક-બે પોસ્ટ્સમાં સરપંચને અનુરૂપ વિડીયો શેર ન કરી શક્યો એટલે આજે થયું છે કે આજે થોડું ઉલટું કરી શરૂઆત કાંઈક બતાવીને જ કરું.

ઇન્ટરનેટના માહિતીક દરિયામાં હિલોળા ખાતી વખતે ક્યારેક ક્યારે ન વાંચીને પણ જાત પર ઈમોશનલ અત્યાચાર કરવો ફાયદેમંદ બને છે. આજે અડધો-એક કલાક ઓછું વાંચન કરીને આ ૧૫ મિનીટની મીની ઓસ્કાર વિનિંગ ક્લિપ વાંચવા-લાયક છે.

ઘણી બાબતોને શબ્દોમાં બયાન ન કરી માત્ર અનુભવવામાં તેમજ વાંચન પણ અવાચક બની અનુભવવુ …..એક અનોખી મજા બની જાય છે.

જોયા પછી ખરેખર તમને શું અનુભવાય છે? એવું કહેવાનો સમય………આપી શકશો?- કોમેન્ટબોક્સ ખાલી જ છે આપના ‘મસ્ટ’ વિચારો માટે. મોસ્ટ વેલકમ!

The Fantastic Flying Books of Mr. Moris LessMor!

સર ‘પંચ’

આખા ભારતમાં (ને હવે તો આલમમાં પણ) ઘણાં મશહૂર થયેલા મોસ્ટ માર્કેટેડ બોસ-એમ્પ્લોયી કોણ છે?-

સિમ્પલી…અકબર અને બીરબલ!..! જેવા લટકે સવાલો..એવા જ હટકે જવાબો!

એકવાર બોસે પૂછ્યું: અલ્યા ભાઈ…આ તારા માથા પર વાળ કેટલાં ?

“હ્મ્મ્મ…….સરજી !…બરોબર ૨,૨૫,૯૭૬”

“એય! આટલું એકયુરેટ કઈ રીતે કહી શકે?”

“લો સાહેબ..વિશ્વાસ ના આવતો હોય તો ગણી નાખો!”

“એવું તો કઈ રીતે ગણાય?!?!? પણ માની લે કે…ગણી લઉં ને ઓછા કે વધારે નીકળે તોહઓઓઓ?”

“સર! એમ કોઈના આત્મવિશ્વાસને હલાવો નહિ હા!…ઓછાં હશે તો તમારી ગણતરી વખતે ખરી ગયા હશે…ને વધારે હશે તો બોનસમાં ઉગી ગયા હશે.”

વેપાર વાર્તા-વિચાર ભાગ-૨: (વધારે પડતી) ધીરજના ફળ ખાટ્ટા?

ગૂગલના પેલા પ્લસ મીડિયાની પલ્સ વધશે ને ઘટશે…એ એમનો વિષય છે. ચાલો…ચાલો..આપણે પાછા આપણા મૂળ વિષય પર આવી જઈએ.   

Networked_Rope

જો રતનભાઈએ બંગાળથી મળેલો નન્નો મનમાં દબાવી વધુ પડતી ધીરજ રાખી તાતાની નેનો બહાર ન કાઢી હોત તો?
          તો દુનિયાની સૌથી સસ્તી કારનું બ્રાન્ડિંગ તાતાને નામે ૨ વર્ષમાં ન થયું હોત….

જો અઝિમભાઈ પ્રેમજીએ વનસ્પતિ ઘી/તેલના ડબ્બામાં જ પુરાઈ ઝિંદગી પસાર કરી હોત તો?
          તો વિપ્રો સોફ્ટવેર માર્કેટમાં ૩ વર્ષમાં સિરમોર બન્યું ન હોત…

જો ધીરુભાઈ એ પણ ધીરજ ધરી દરરોજ કાપડના તાકાઓ જ વેચી ઘરે ગાદલું ઓઢી સુઈ ગયા હોત તો?
          તો ત્યારે ૩ મહિનામાં જ જામનગર ખાતે ‘રિલાયન્સ ઇન્ડસ્ટ્રી’ નામની જામગરી ચંપાઈ ન હોત…

અરે બોસ! ધીરુભ’ઈના જ શેરદિલ ‘બચ્ચા લોગોએ’ ‘તેલ અને તેલની ધાર’ જોઈ સપ્લાયર્સ કંપનીના રિપોર્ટને આધીન રહી રાહ જોઈ હોત તો?
          તો મોબાઈલ-ફોનથી લઇ મેગા-મીડિયા માર્કેટનું ‘બાપકા ‘બીગ’ સપના’ ૩ વર્ષમાં સ્થપાયું ન હોત?…શું કહેવું છે હવે?

પેલી બાજુ સ્ટીવ જોબ્સ (એપલ) હોય, બિલ ગેટ્સ (માઈક્રોસોફ્ટ) હોય, કે એરિક સ્મિદ્થ (ગૂગલ) હોય એ સૌએ માત્ર એક જ પ્રોડક્ટ કે સર્વિસ માર્કેટમાં લાવી પાંચ વર્ષ મર્કટની જેમ સુઈ રહ્યા હોત તો…
          તો આઈ:(ફોન-પોડ-પેડ)ની આંખો ખુલતા યા પછી આખેઆખું ઈન્ટરનેટ ખોળામાં સમાતા હજુ કેટલાં વર્ષો રાહ જોવી પડત?

ઓહ પ્યારે! હવે તો આખીને આખી એન્ટરટેઈન-સ્પોર્ટસ-ફોરેક્સ ઇન્ડસ્ટ્રી આજની કે અત્યારની સફળતાનો જલસો મનાવે છે. પાંચ સાઆઆઆલ?…….કિસને દેખા હૈ મેરી જાન!

આજે મોબાઈલીયા યુગમાં આપણે સૌ હજારો-લાખો ડીજીટલ-નેટવર્કના તંતુઓથી જોડાયેલા છે ત્યારે….

  • આ નેટવર્કમાં રહેલી ગાંઠો(તકો)ને સમજવાનું જરૂરી થઇ પડે છે.
  • આ ગાંઠોને સમજવા તેનું કનેક્શન જોવું પડે છે.
  • આ કનેક્શન સમજવા કોન્સન્ટ્રેશન (ધ્યાન-ફોકસ) જરૂરી થઇ પડે છે.
  • ફોકસ (દેશીમાં ત્રાટક, બરોબરને?) એજ તો આપણું અળગાપણુ….સ્પેશિયલાઇઝેશન.

હાઆઆશ્શ !….ચાલો….પ્રમેય સાબિત થઇ ગયો. વાર્તા સમાપ્ત થઇ ગઈ. બરોબર?

ના…ના..નો. નો…નોહાભાઈ જોહન્સનો અસલી સવાલ તો હવે શરુ થાય છે.

વર્ટિકલ સવાલ: તો શું પછી ભાગતા-ભગાવતા-ભોગવાતા હરીફાઈના આ જમાનામાં અચિવમેન્ટ મેળવવા માટે વાંસના દાંડાને ઊગવા માટે લાંબી વાટ જોઈ ધીરજ રાખવી શું જરૂરી છે?

 તો હવે તેના જવાબ માટે (જો કોઈ યાત્રા ના કરવી પડે તો જ) કાલ સુધી ફરી પાછી રાહ જોવી પડે એમ છે. કેમ કે રોકડીયો પાક પણ કાંઈ કલાકોમાં થોડી મળે છે?

આ તો આજના બટુક જેવા સરપંચકાકા એમના સમય મુજબ હાજર છે. એટલે એમને ‘રોકડું’ પરખાવવું મુનાસીબ માન્યું છે. લ્યો ત્યારે તમેય મળી લો એમને..

સર‘પંચ’:

મને કોમેન્ટ્સના રીપ્લાય આપવું ઘણું ગમે છે કે….એટલેજ મારા હાથોની આંગળીઓ એકદમ નાની થઇ ગઈ છે.

એક બટકુ બ્રિટીશ કોમેડિયન પોતાની હાસ્યવૃત્તિથી કઈ રીતે પોતાની અપંગતાને હાસ્યની પંગતમાં બેસાડીને લોકોની સાથે ખુશીઓ વહેંચી શકે છે….જાણવું છે?…. તો જોઈ લો આખેઆખા અડધા લીટલ રીચીને…જ્યાં મસ્તી ભરેલાં ઘણાં તોફાની વિડિયોઝ જોવા મળી શકે છે. જો જો પાછા આખો દિવસ એમાં ને એમાંજ ગાળતા…

http://www.youtube.com/user/richw4