વેપાર વ્યકતિત્વ: || ‘એશ’ ને કિયા કેશ! ||

Ash-Bhat- WWDC Winner

દરવર્ષે જુન મહિનામાં એપલ કંપની તેના ખાંટુ સોફ્ટવેર ડેવેલોપર્સ માટે WWDC નામના ૪ દિવસના વર્કશોપનું આયોજન કરે છે. જ્યાં થાય છે, મગજની નસનું અને એપલના ડિવાઈસીઝને ધક્કો મારતા સોફ્ટવેર્સનું અપડેટ્સ અને હાર્ડવેરનું અપગ્રેડ.

આ વર્ષે તેના વર્કશોપની ફી ૧૫૦૦/- ડોલર્સ રાખવામાં આવી છે છતાં તેની ટિકિટ સેકન્ડ્સમાં વેચાઈ ગઈ છે. મહિનાઓ અગાઉથી આ વર્કશોપમાં આવનારી અને અપાનારી બાબતોને એપલ પોલીસી મુજબ ખૂબ સિક્રેટ રાખવામાં આવી છે.

તેના પ્રથમ દિવસે કી-નોટ પ્રવચન સાથે જ માહિતીના, જ્ઞાનના રહસ્યમય પડદાઓ ખુલે છે. જેમાં આવનાર સૌને લાગે છે કે….( હાળું ૧૫૦૦ ડોલર્સમાં આ લોકો ગંજાવર કન્ટેનર ભરાય એવું આપે છે અને આપડ ખાઆલી બાલ્ટી-ટમ્બલર લઈને ઉભા છઇયે.)

ખૈર, આ ૧૦મી જુને પણ આવું જ કાંઈક બનવાનું છે. પણ આ વર્ષે પહેલી વાર એપલે એક ખેલ કર્યો છે. હજુ સ્કૂલમાં જ ભણતા એવાં ૧૫૦ વિદ્યાર્થીઓને સ્પેશિયલ વર્ગ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે જેઓ સોફ્ટવેરમાં કાઠું કાઢી રહ્યા છે. એમાંથી પણ માત્ર એક જ ખાસ સ્કોલરશીપ માટે પસંદ કરવામાં આવ્યો છે.

અને મને આજે આ ખાસ વ્યક્તિની જ આજે વાત કરવી છે. એનું નામ છે:

અક્ષત ભટ્ટ (એશ ભટ)

૧૬ વર્ષનો આ બટુકિયો NRI ગુજ્જુબાબો આ વર્ષે WWDCમાં તદ્દન મફતમાં બધી જ મોજ માણશે. એપલ તેને પ્રાઈઝ અને પબ્લિસિટીથી માલામાલ કરવાનું છે.

કારણકે કે…તેણે બહુ મહેનત કરી છે. (એનો અર્થ એમ નથી કે તેણે ચા ની કીટલીએ કપ-રકાબી ધોયા છે કે ૨૦ કિલોની સ્કૂલ બેગ ઊંચકી છે.)

પણ એટલા માટે કે…અક્ષતે WWDCના વર્કશોપમાં વાપરી શકાય એવી વોઇસ-ઓપરેટેડ મોબાઈલની એપ્લિકેશન બનાવી છે. જેના દ્વારા આવનાર બીજાં બધાં વિઝીટર્સ તે વર્કશોપને લગતી દરેક બાબતોથી અપડેટ્સ મેળવતા રહેશે.

ક્યાંથી જવું? શું અને કેવી રીતે મેળવવું? જેવી બાબતો ઉપરાંત બીજી ઘણી માહિતીઓ માત્ર બોલીને હુકમ કરવાથી તેમાં સતત અપડેટ થતી રહેશે અને મદદ કરતી જશે.

એપલના એસોસિએટ્સને આ ‘એશ’ અને તેની ‘એપ’ બહુ એટ્રેક્ટિવ લાગ્યા છે. અને એટલે જ આ વર્કશોપ અને પછી વધુ અભ્યાસર્થે સ્કોલરશીપ આપવાનું ઠરાવ્યું છે.

એશની પ્રોફાઈલ પર એક નજર કરવાથી ઘણી બાબતો જાણી શકશો.

http://www.linkedin.com/in/ashbhat

જ્યારે તેના બીજાં અચિવમેન્ટસ માટે ‘ગૂગલ’જી ભટ્ટ તેની જોશપોથી ખોલીને તૈયાર બેઠાં છે. બસ માત્ર સર્ચ-લાઈટ મારવાની છે.

સકર ‘પંચ’ 

“જો કેરિયરમાં આ રીતે ફાસ્ટ ‘કેશ’ કરવી હોય તો…તો ‘એશ’ જેવા બનવું યા મોબાઈલ એપ બનાવવી.”

વેપાર વ્યક્તિત્વ: ઈંટનો જવાબ ‘કાગળ’ માંથી

૩ ઈડિયટ્સ ફિલ્મ જોયા પછી મારી નજર વારંવાર એવા સમાચાર પર સતત રહેતી હોય છે, જેમાં કોઈક ભારતીય ભડવીર કોઈક નોખા ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ હાંસિલ કરે, ત્યારે મને ઘણી ખુશી થાય..

આજે એવા જ સમાચાર મને જાણવા મળ્યા.

પંડિત વિશ્વેસ્વરૈયા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (નાગપુર)ના બે વિદ્યાર્થી-છાપ પ્રોફેસર્સ શ્રી રાહુલ રાલેગાઉંકર અને સચિન માંડવગણે ૯૦% પેપર-વેસ્ટ અને ૧૦%થી ઓછું સિમેન્ટ તેમજ બીજાં અન્ય ગમિંગ કેમિકલ્સનું સંયોજન કરી ઇકો-બ્રિક્સ (સુલભ ઈંટ) બનાવી છે.

કાચા સામાન-સામગ્રી અને ખુબ ઓછા ખર્ચ-વાળી મોલ્ડ-મશીનરીનો ઉપયોગ કરી બંનેએ સામાન્ય ઈંટો સામે આ ઇકો-બ્રિક્સ બનાવી તેની કિંમત અને વજન બંને સાવ અડધી કરી પર્યાવરણ ક્ષેત્રે મજાનું કામ કર્યું છે. વળી આ બેઉ પ્રોફેસર્સ પાછા ઈંટનો જવાબ ‘કાગળ’માંથી આપતા હોવાથી એમનું આગામી સંશોધન પણ વોટરપ્રૂફ-ઈંટ પર થઇ રહ્યું છે.

હવે જે વિદ્યાર્થી મિત્રો કે ઈંટ-મેકર્સ વેપારીઓ આ પ્રોફેસર્સની મદદ લઇ તેમના પ્રોજેક્ટ્સને આગળ વધારી શકવા સક્ષમ છે, તેઓએ બીજા ‘મદારીઓ’ની વગાડાતી ખોટી બિનને સાંભળ્યા વગર ‘નાગ’પુર પહોંચી જવું એવી મારી ભલામણ છે.

બાકી……(કબ્બડી આપણો શાસ્ત્રીય ખેલ છે.)

વેપાર વ્યવસાય: નેટ પર કમાણી…કોના માટે?…ક્યાં-ક્યાં?

From-Confusion-to-Solution

  • “મુર્તઝાભાઈ, ઓનલાઈન કામ કરવા માટે કોઈ આઈડિયા આપો ને?”
  • “સાહેબ, ઇન્ટરનેટ પરથી ઘરે બેઠા ડેટા-એન્ટ્રીનું કોઈ જેન્યુઈન કામ મળી શકે?- રીટાયર્ડ થયા પછી કામો મેળવવાના લોભમાં છેતરાઈ આ પહેલા મેં ઘણાં રૂપિયા ખોયા છે.”
  • “ભાઈ, મારા જેવી ગ્રેજ્યુએટ ગૃહિણીને નવરાશના સમયે કોમ્પ્યુટર પરથી નેટ દ્વારા શું કામ મળી શકે?”

દોસ્તો, નેટ વેપારના બ્લોગ પર અવારનવાર આપ વાંચકો તરફથી મને આવા ઘણાં કેરિયર અને કામકાજને લગતાં પ્રશ્નો મળતા રહે છે. સંજોગો સંભાળવાને લીધે પૂછનારને ટૂંકમાં સીધો જવાબ મેઈલ દ્વારા આપી દઉં છું.

પણ પછી મને સવાલ થાય છે કે…

  • ઇન્ટરનેટ પર કામ કરવા માટે શું ‘ડેટા-એન્ટ્રી’ જ માત્ર એક વિકલ્પ છે?
  • નિવૃત્તો માટે ફકત તેને શીખવાનું જ કામ હોય છે?
  • ગૃહિણીઓ માટે નેટ માત્ર નવરાશનો સમય કાઢવા માટે જ હોય છે?

જોકે બ્લોગની શરૂઆતથી ‘છોટી-છોટી’ ભૂખને કઈ રીતે જગાડવી તેની માહિતીઓ વારંવાર આર્ટિકલ્સ દ્વારા આપી ચુક્યો છું. (કેટલાંક લેખોમાં એવી છુપી માહિતીઓ પણ દર્શાવી છે. જે શાણા છે તે લઇ ગયા છે. Catch me if you can!)

ખૈર, વાતમાં સરળતા રહે એ હેતુથી એવા બીજાં ઘણા સવાલોમાંથી મુખ્ય પ્રશ્નને લઇ એક વિદ્યાર્થી, એક ગૃહિણી અને એક નિવૃત નોકરીયાતના ૩ કેસ રજુ કરવાની શરૂઆત કરું છું. અલબત્ત સમયાંતરે એ ત્રણે વિશે જણાવીશ. ભાઈ રે! આપણા લખાણ-વાંચનનું પણ કેટલું જોર?

પોતાને ગમતો કોળિયો મેળવવા નાનકડા બચ્ચાંલોકથી લઇ (હજુયે જુવાન માનતા હોય એવા) બુઢાલોક કે કોઈ બાકાત રહી ના જાય એવા લોક માટે… નેટના પ્લેટફોર્મ પર ‘ફોર્મ’ મેળવવા અઢળક તકોની ભરમાર વર્ષોથી થતી આવી રહી છે. પ્લાઝ્માથી લઇ પિન, પિયાનો, પ્લેન અને પ્લેનેટોરિયમ પણ વેચી શકાય એવા દરવાજાંઓ ખુલ્યા છે.

લાખોના પેઈજીસ, કરોડોની ઇન્ફોર્મેશન અને અબજોનું જ્ઞાન વહેતું કરતો હોવા છતાં આ ઇન્ટરનેટ નામનો ‘નેટવર’ પોતાને હજુયે નાનકડો કહી તેની વિશાળતા સંતાડી આપણને સૌને વારંવાર એક જ સવાલ કરતો રહે છે કે “હુકમ મારા આકા!….તમે ક્યાં પાડો છો વાંકા…..બોલો તમને શેની ભૂખ છે?”

આપણને સૌને ‘અબજ’ સવાલો ઉદભવતા રહેશે અને તેના ‘ગબજ’ જવાબો પણ મળતા રહેશે. અહીં કોશિશ એ જ કરી છે કે…પાછલાં વર્ષોમાં કેટલાંક અનુભવોને આધારે જે કાંઈ થોડું મેળવ્યું છે તે વહેંચી શકું. આપ લોકોને જે મળશે તે માહિતી હશે. તેને એપ્લાય કરી આપ જે અનુભવ મેળવશો તે આપનું જ્ઞાન….એટલે લેનારે જાતે જ નક્કી કરવું પડશે કે….મામાનું ઘર કેટલે?

શરૂઆત કરીએ અમિષથી…

“સર! હાલમાં મિકેનીકલ એન્જિનીયરીંગ કરું છું. એવેરેજ રેન્કિંગ સ્ટુડન્ટ છું એટલે મારા પેરેન્ટ્સની ઉમ્મીદ છે કે ઉચ્ચ-ટકાવારીથી પાસ થઇ કોઈક સારી અને મોટી કંપનીમાં જોબ લઇ સેટ થઇ જાઉં. પણ ઘરની હાલની નાજુક પરિસ્થિતિ જોઈને ઘણી વાર થાય છે કે ભણતા ભણતા પણ કમાણી થઇ શકે તો પપ્પાને આર્થિક રીતે થોડી રાહત થાય. મુર્તઝાભાઈ, નેટ વેપારના બ્લોગ પર અમને ઘણી જરૂરી માહિતીઓ મળે છે. તો આજે સ્પેસિફિકલી મને એ જણાવશો કે…અમારા જેવા સ્ટુડન્ટને ભણતરની સાથે ઈંટરનેટ પર કોઈ કમાણી કરવા લાયક કામ કરવું હોય તો કેમ થઇ શકે? – (ઑન્ટ્રપ્રનર સ્પિરીટ ધરાવતો અમિષ )

~=~=~=~=~=~=~=~=~=~=~=~=~=~=~=~=

દોસ્તો, અમિષનો જવાબ હમણાં આપી શકું પણ મારા બ્લોગ-શબ્દોની મર્યાદાથી વધી જાય છે….થોડો લાંબો થઇ જાય છે એટલા માટે આ પોસ્ટના ‘પબ્લિશ’ બટન દબાવ્યાના બરોબર ૩૦ કલાક પછી વિગતો મળી શકશે.

ત્યાં સુધી…મને જે વિદ્યાર્થી દોસ્તો છે, તેમના મનમાં ઇન્ટરનેટના સારા ઉપયોગ કરવા માટેના કેવા તરેહના સવાલો થઇ રહ્યા છે તેની મૂંઝવણ જાણવી છે. મને તો એની ભુખ જાગી છે. બોલો, કોણ કોણ જણાવી શકે?

જેમને કોમેન્ટ બોક્સમાં લખવાની શરમ આવતી હોય તેઓ મને મારા આ ઈ-મેઈલ પર પૂછી શકે છે.

પણ જસ્ટ અ મિનીટ….આજે મને સર‘પંચ’ ને બદલે ‘સ્ટુડન્ટ’પંચ આપીને જવું છે…..અલ્યા ભ’ઈ કોરા હાથે એમ કેમ જવાય લા!

તો ખુંદી વળો આ સાઈટ પર: http://www.meracareerguide.com/

ભારતીય રંગોથી રંગાયેલી આ સાઈટ જાણે એક દોસ્ત જેવી છે….ગમી જાય એવા ગાઈડ જેવી છે…એક કૂલ કાઉન્સેલર જેવી છે. આંયા પર વઢારામાં થોરું સમજ્જો ની!….કેમકે એહમાં વઢારે કોશિશ કરસો તો પાછા માહીટી થી વઢેરાઈ જાહ્સો. આપરે હજુ ઘન્નું આગલ જવું ચ્છ!

અપડેટ્સ: ૩૦ કલાક બાદ આ લેખનું અનુસંધાન નવી પોસ્ટ તરીકે આવી ગયું છે.