વેપાર પચ્ચીસી: ‘બોઝ’ભાઈની બોજ ભરેલી બંગ કહાની …

ટેન્શનના બોજથી લદાયેલા બંગાળી બાબુ વીર વિક્રમજીત બોઝે દરરોજની જેમ ઓફિસેથી નીકળતી વખતે જોબના નામના વેતાળને ખભે ઉચકી આજે ટ્રામને બદલે કોલકાતા-મેટ્રોથી ઘરની તરફ જવા રસ્તો પકડ્યો.

કારણકે ‘મમતા’થી ભરેલી રેલીના કારણે શહેરની બસ અને ટ્રામ સેવાઓ સાંજ પડતા પહેલા જ ઠપ્પ થઇ ચુકી હતી. રસ્તો સહેલાઈથી નીકળી જાય એ માટે વેતાળે વિક્રમજીતને આજે પણ ફરીથી નવી કહાની સંભળાવવાનું નક્કી કર્યું.

આ ‘કહાની’ પેલી વિદ્યા(બાલન)ની ન હતી. પણ…કહેવાતા વીરને જોબથી વેપારની તરફ વાળવાની એક નાનકડી વિદ્યા મળે એ માટેની કોશિશ માત્ર. કેમકે વેતાળ પણ હવે આ વિરલા સાથે દરરોજ સવારની સાડા સાતથી મોડી સાંજના સાડા સાત વાગ્યા સુધીની સાડાબારીથી કંટાળી ગયો હતો. તેને પણ હવે કોઈ સારો ટેકો જોઈતો હતો.

લિસન વિકી! તારી આ વધુ પડતી વિદ્યાને કારણે મને તારા સાચા જવાબોથી બહુ જ તકલીફ પડતી રહે છે. માટે ખાસ વિનંતી કરું છું કે… આજે તને જે વાર્તા કહેવાનો છું એમાં મારી ખરી કસોટી છે. તેનો ખોટો જવાબ આપી મને હવે મુક્ત કર. –વેતાળે પરસેવો લૂછતાં-લૂછતાં કહ્યું..   

હે દોસ્ત વેતાળ! ને જો આ બાબુમોશાય તને સાચો જવાબ જ આપી શક્યો તો?!?!?”- વિક્રમજીતે તેના બંગ અંદાઝમાં બણગો ફૂંક્યો.

તો પછી સમજી જાજે કે હું કાયમ માટે તારી પીઠ પર ચીટકી રહીશ. ને આખી ઝિંદગી તને મારો બોજ લઈને ફરવું પડશે.” – વેતાળે ચિંતાતૂર થઇ મુક્તિની (અવ)દશા વર્ણવી વાર્તા શરુ કરી દીધી….

|| આપણા બંગાળના જ એક નાનકડાં ગામમાં વર્ષો પહેલા એક હુસ્ન પરી રહેતી. એનું નામ જ હુસ્ના. મને તેના રૂપ રૂપના અંબારની કોઈ ચર્ચા કરવી નથી માટે સીધો મુદ્દા પર આવું છું.

બાળપણથી જ શક્તિ અને ભક્તિનું અનોખું સમન્વય એટલે જવાનીની પાંખ ફૂટે એની રાહ જોવામાં કેટલાંય મા-બાપો એ પોતાના દિકરાઓ માટે તેને મનોમન વહુ તરીકે સ્વીકારી લીધી હતી.

પણ તેના મુખી બાબા (પિતા) પાસે માંગણું નાખવાની કોઈની હિંમત થાય નહિ. કારણ એટલું જ કે…બાપ જાણે સુંદરવનનો ટાઈગર. ગુસ્સામાં ક્યારે કોઈના પર કેવો એટેક કરશે તે વિશે કોઈ કહી શકતું નહિ. એટલે તેમની એ લીલી દિકરી કરતા એ લોકોને પોતાનો લાલ વધારે વ્હાલો લાગતો.

અઢારમાં વર્ષની શરૂઆત પહેલા જ હુસ્નાના રસને પીવામાં મરીઝ જેવો બનેલો ઝફર તેની કોલેજના અંતિમ વર્ષની છેલ્લી પરીક્ષા આપી શહેરથી ગામમાં પાછો આવી ગયો હતો.

“નોકરી જાય તેલ લેવા…પહેલા હુસ્નાને મારી બીબી બનાવું તો ખરો!”- જોર અને જુનુન સાથે સાંજે ઝફર હુસ્નાની ડેલીએ હાથ રાખી ઉભો રહ્યો.      

“બાબા!…તમારી હુસ્ના મને જોઈએ જ છે.” – ઝફરે બહાદુરશાહ બની એક મરદને પણ પોતાનો મર્દાના પરિચય આપી દીધો.

“એક શરત છે બેટા. તારી કોલેજ પછીની કદાચ આ પહેલી કસોટી થશે. જો એમાંથી પાર ઉતરીશ તો હુસ્ના તારી. નહીંતર શહેરમાં બીજી ઘણી મળી રહેશે.”

“બાબા! તમારી હર શરત મને મંજૂર. પણ મારો જાન માંગવાની વાત ન કરશો, કેમ કે એ તો ખુદ તમારી દિકરી જ છે.” ઝફરની દીવાનગીનો એક ઓર નમૂનો દેખાઈ ગયો.

“કાલે સવારે મારા ફાર્મમાં આવી જાજે. શું કરવું એ તને ત્યાં કહીશ.” ભાવી સસરા તરફથી આશાનું એક કિરણ મળેલું દેખાઈ જવાથી ઝફરની જાનમાં જાન આવ્યો. પણ રાત આખી જાણે કરવટો બદલવામાં પસાર કરી.

“ઝફર બેટા!…મને ખબર છે કે તારી કોલેજનું ભણતર હજુ હમણાં જ પૂરું થયું છે. કોઈની દિકરી પાછળ સમય વેડફવાને બદલે દોકડા કમાવવામાં ધ્યાન અપાય તો સારું. પણ ખૈર, આ વાત હમણાં તારા મજનૂ દિમાગમાં નહિ ઉતરે. એટલા માટે મને તને શરતથી બાંધવો પડ્યો છે. તને હુસ્ના મળી શકે છે. પણ તે પહેલા તને મારી એક નાનકડી કસોટીમાંથી પાર ઉતારવું પડશે.

પેલી દૂર સામે મારા ખેતરની જે વાડ દેખાય છે ત્યાં જઈ તને ઉભા રહેવાનું છે. થોડી વાર પછી હું ૩ બળદોને તારી તરફ મોકલીશ. આ ત્રણમાંથી માત્ર કોઈ એક બળદની પૂંછડી પકડી તને પાછો મારા હવાલે કરવો પડશે. બોલ મંજૂર છે?”

ઝફરને તો હુસ્નાને પામવાનાના અચિવમેન્ટમાં વધારે રસ હતો. એટલે મુખીબાબાના આ ફેરી-ટેલને બાજુ પર મૂકી તેની ફેરી (હુસ્ન પરી)ને હામમાં અને ટેઈલને હાથમાં પકડવાની ચેલેન્જ કબૂલ કરી લીધી.   

થોડાં સમય બાદ….વાડની પાસે ઉભેલા ઝફરને એક મસમોટો…ધસમસતો આખલો આવતો દેખાયો. એવો આખલો તેણે આજદિન સુધી જોયો ન હતો. એટલે બેશક ઝફરબાબુના તો હાંજા ગગડી જવા લાગ્યા. હાયલા! પકડવાની વાત તો બાજુ પર, તેને જોતા જ ત્યાંથી ભાગી જવાનું મન થાય એવા ભારેખમ શરીર સાથે આખલા એ દાવ દઈ દીધો.

પણ થાય શું?…એટલે સમયસૂચકતા વાપરી લાઈફ-લાઈનને જતી કરવાનો ત્વરિત નિર્ણય લઇ લીધો. કદાચ હવે પછી આવનાર બળદિયો પકડી શકાશે એવી પોઝીટિવ ઈચ્છા રાખી ઝફર “આખલો જાય ખાડામાં”…કહી તે પોતાની પૂંછડી પકડી બાજુ પર ખસી ગયો. કારણકે તેની ‘બુદ્ધિ હજુયે બળદી’ થઇ ન હતી.

ત્યાં તો બીજી મિનિટે તેને પેલા ગયેલા આખલા કરતાય ડબલ મોટો એક બીજો આખલો દેખાયો. જાણે ધૂળનું મીની ત્સુનામી સર્જાયું. અચ્છા રૂસ્તમને પર સુસ્ત કરવાની તાકાત ધરાવતા ‘આ આખલાને પકડવો છે’ એવું વિચારવું પણ જાણે મોતને નોતરવું એવું ઝફરને સેકંડમાં સમજાઈ ગયું. ‘સર સલામત તો પઘડિયા બહોત’ સમજી બીજી લાઈફ-લાઈનને પણ એમને એમ વાપરી દેવી પડી.

આખલો તો નજીક આવી વાડ પાસેથી પાછો વળી ગયો પણ તેની પાછળ ‘હુસ્ના’ને પામવાના કોડ પણ દૂર લઇ જઈ રહ્યો હોય એવું ભાન ઝફરમિંયાને થઇ ગયું. ખૈર, ‘સરફરોશીકી તમન્ના અબ હમારે દિલમેં હૈ!’ વાળો શેર હવે આ બાકી રહેલા ત્રીજા બળદ માટે વાપરવો તેને મુનાસીબ લાગ્યો.

થોડી વારમાં તેને દૂરથી ત્રીજો એક બળદ દેખાયો. સાવ ઠુંચૂક-ઠુંચૂક…માંદલો જાણે મહિનાઓથી કોઈ ખોરાક ન ખાધેલો એવો આ બળદ જોતા જ ઝફરભાઈને ‘હુસ્ના મળી જ ગઈ સમજો’ એવો કોન્ફિડન્સ પણ સાથે આવતો દેખાયો. સમજી લ્યોને કે…બે તોફાન પછીની શાંતિ હતી.

પણ આ શું?

આ મડીયલ બળદની તો પૂંછડી જ ન હતી….એટલે પકડવાનો સવાલ જ ક્યાં આવ્યો?

…ને તે દિવસે સવારે ઝફરને ડેલીએથી હાથ લીધા વગર પાછું આવવું પડ્યું. ||

આટલું કહી વેતાળબાબુ એ પણ પોતાની વાર્તા સમાપ્ત કરી ને કહ્યું: “બોલ વિક્રમ!…મને ખોટો જવાબ આપ કે આ વાર્તા માંથી શું શીખવા મળે છે?..એટલે મારી જાન પણ છૂટે!

“બૂ..લ….શી..ટ!…અલ્યા આમાં શીખવાનું શું?- આપણી ઝિંદગીમાં તકોની ભરમાર છે…ડગલે ને પગલે અવનવી તકો આવતી અને જતી જાય છે…કઈ મોટી છે ને કઈ ખોટી છે, એવું વિશ્લેષણ કર્યા વિના વહેલી તકે જે હાથમાં આવે તે લઇ લેવી જોઈએ. નહીંતર બળદ તો શું? ‘કોડ’ પણ નહિ મળે…પછી હુસ્ના ય મામો બનાવીને જતી રહેશે….બરોબરને?”

“ઓઓઓઓઓઊઊઊહ્હ્હ્ફ્ફ્ફ્ફ્ફ્ફ્ફ્….

અલ્યા બુદ્ધિના મોટા બળદ!… સાચો જવાબ આપવાની શી જરૂર હતી…? તને જ્યારે આ જવાબની ખબર જ હતી તો છેલ્લાં પાંચ વર્ષથી તારા દિલમાં દબાયેલી બિઝનેસ કરવાની તકોને પકડવી’તી ને?

બોલો…એ બાબુમોશાયને હવે…શું પોષાય?

(થોડાં અરસો દરાઝ પછી આવનાર મારા પુસ્તક: ‘વેપાર પચ્ચીસી’ માંથી લેવાયેલી એક કથા)

હવે જો બાકીની અવનવી ૨૪ કથાઓનું આ પુસ્તક તમને પબ્લિશ થાય એ પહેલાથી ડિસ્કાઉન્ટેડ રેટમાં ઝડપી લેવું હોય તો આજે જ ‘મને પણ જોઈએ છે’ એવી કોમેન્ટ આ નીચેના સ્પેશિયલ-બોક્સમાં ઈમેઈલ સાથે લખી મોકલશો. એટલે પહેલી તક તમને મળશે….સરપ્રાઈઝ સાથે.

આ સરપ્રાઈઝ શું છે? – એ જાણવા માટે બસ આવનાર બ્લોગ પોસ્ટ્સને ફોલો કરતા રહેશો તો થોડાં જ સમયમાં તેનું અપડેટ મળી જશે.