એક વાંચક-દોસ્તનો વન-લાઈન ઈ-મેલ મળ્યો.
“સાહેબ! આપડી પાશે દોઢશો વસ્તુઓ પડી છ. બોલો વેચવા નેટ પર આઈ જવું કે નાં આઉ?”
સહેલો-સટ જવાબ: હા ! ભાઈ…..નેટ પર આવી જાવ પણ દોઢશો વસ્તુઓ લઈને નહિ. માત્ર એક વસ્તુ જ લઈને.
શાં માટે?
લાંબો-લચક જવાબ: તમારી પાસે દોઢસો વસ્તુઓ (હોઈ શકે) છે. તે માટે સૌ પ્રથમ તમને પ્રોડક્ટસ-પતિ બનવા બદલ અભિનંદન. હવે જરા સમજીને વાંચશોજી.
ઇન્ટરનેટ એક માધ્યમ છે. જેમાં તમને લેવા અને આપવા માટેની માહિતીને સારી રીતે ફિલ્ટર થવા દેવા માટે એક ગળણી (ફનલ)ની જરૂર પડે છે. આ ગળણીમાં વસ્તુને લાગતાં પરિબળોનું અસરકારક ફિલ્ટરિંગ ત્યારે થાય છે…જ્યારે તેને પ્રમાણસર માત્રામાં ઉતારવામાં આવે છે.
પહેલું એ….કે તમારી પાસે જે વસ્તુઓ છે. તેમાં સૌથી ગમતી વસ્તુ તમને કઈ લાગે છે?- જે હોય તે. થોડો સમય બાજુએ મૂકી દો. શક્ય છે તે તમને ત્વરિત સફળતા ન પણ અપાવે. કેમ કે નેટ પર પણ ‘નેટશાહી’ છે. લોકોને શેની સૌથી વધુ જરૂર છે તે સંતોષકારક રીતે આપનાર નાગરિક ‘લિડર’ બને છે.
એ દોઢસોમાંથી એ વસ્તુ પર વધારે નજર નાખશો જે વિશે લોકોની સૌથી વધુ ‘માંગ’ રહે. જે માટે તમને તમારા દોસ્તો, વેપારી દોસ્તો અને હરીફ-વેપારીઓ નો મત મેળવવો ઘણો જરૂરી બનશે. ઓનલાઈન પર આવતા પહેલા ઓફલાઈન પર આ ‘સર્વે’નું કામ તમને એક રસ્તો બતાવશે…વેચવાનો એક સિરસ્તો બતાવશે.
બીજું એ….માત્ર એક પ્રોડક્ટ ઓફરની શરૂઆતથી તમને તેના એવા જ જરૂરી ગ્રાહકો મળે છે જેમને ખરેખર તે વસ્તુમાં ‘રસ’ હોય છે. પછી ધીમે ધીમે એ ટ્રેઇનિંગ પણ આપમેળે મળતી જશે કે રહેલા બીજા એકસો ઓગણપચાસ ડબ્બાઓની ટ્રેઈન કયારે દોડાવવી.
દોઢ ડાહ્યા થઇ નેટ પર આખે આખો રિટેઈલ સ્ટોર્સ મુકવા કરતા એક પ્રોડક્ટ ઓફર વધુ ફરફરતી સફળતા આપે છે. દોઢસો લઈને દોડશો નહિ…ભઈશાબ!
” Everything Starts with ONE and ‘One’ is a New ‘One-Fifty’ in Net World.”– મુર્તઝાચાર્ય.
દોસ્તો, તમારી પાસે કઈ એવી વસ્તુઓ છે જેને નેટ પર વહેવડાવવા તડપી રહ્યા છો?- કોમેન્ટ બોક્સ અને મેઈલ-બોક્સ બંને ખુલ્લા છે….તમારા માટે !