પુસ્તક પ્રિસ્ક્રિપ્શન: અકબરી સવાલોના બિરબલી જવાબો

Think-Different

જસ્ટ અનુમાન કરો…

તમે ‘ગુજરાતિ ભાસા’માં ‘ઈંગ્લીષ મીડીઅમ’ લઇને પણ ગ્રેજ્યુએશન તો પૂરુ કર્યું છે. ને હવે નોકરીની શોધમાં ચારેબાજુ રાઉન્ડ આંટા મારી રહ્યા છો… એ અરસામાં તમે કોઈ એક એજ્યુકેશન-ફેર માં કે એક્ઝીબિશનમાં હવાફેર કરવા ઘુસી ગયા છો ને ત્યાંજ અચાનક …કોઈ એક અજાણી વ્યક્તિ (કોઈ પણ સ્ત્રી કે પુરુષ) તમારી સામે આવી તમને નીચે મુજબના યેડા સવાલ કરે…

 • “આ સામે પાર્ક કરેલી મિનીબસમાં તમે ટેબલ-ટેનિસના મહત્તમ કેટલાં પિંગપોંગ બોલ ભરી શકો?”….. કે પછી…
 • “ઓવન અને ફ્રિઝનું કોમ્બિનેશન કરી રિલાયન્સ કંપની એક નવીજ પ્રોડક્ટ બનાવે તો તેનું શું નામ આપે?”….કે પછી..
 • “કાંચનજંઘા શિખરને હિમાલયમાંથી ખસેડી ગિરનારની જગ્યાએ ‘રિપ્લેસમેન્ટ’ કરવો હોય તો કેટલો સમય લાગે?”…યા પછી..
 • “કચ્છમાં કે રાજસ્થાનમાં પાણીની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવા સૌથી સચોટ ઉપાય શું આપી શકો?”….અથવા…
 • “દોઢ ફૂટ લાંબા રબરબેન્ડને તોડ્યા વિના મહત્તમ કેટલું લાંબુ ખેંચી શકો?”….અથવા
 • “તમારી શૈક્ષણિક કારકિર્દીમાં તમે જીનિયસ ગણાવ છો એવી તપાસ અમે કરી છે….તો અમેરિકાના રાષ્ટ્રપતિના અંગત સલાહકાર તરીકે તમારી ત્રીજી ફરજ કઈ છે?”…..ઉહ્ફ્ફ યા કે …
 • “તમારી કોલેજમાં જેને તમે સૌથી વધુ ગમ્યા છો એવી ખૂબસૂરત છોકરીને અત્યારે એક જ વાક્યમાં જ પ્રપોઝ કરવી હોય તો કઈ રીતે કરશો?”…..

વગેરે…વગેરે…વગેરે…વગેરે…

‘સાવ આવા’ સવાલો કોઈ પણ હોઈ શકે. ત્યારે તમને સવાલ એ થાય કે એવા વખતે તમારી શું હાલત થાય?- ઓયે બેચલર પાર્ટીઓ….

 • મોંમાંથી બોલ તો પછી નીકળે…પણ દિમાગમાં ‘પિંગપોંગ’ જેવા ધમાકાઓ થાય…કે નૈ?
 • કોમ્બિનેશન તો બાજુ પર રહે..પણ ત્યાં ઉભા ઉભા ‘ફ્રિઝ’ થઇ જવા જેવી ફીલિંગ્સ થઇ જાય…કે નહિં?
 • રિપ્લેસમેન્ટને મારો ગોળી…પણ આપણી જંઘા થોડી વાર માટે જામ થઇ જાય…કે ની?
 • પાણીની સમસ્યા દૂર થશે ત્યારે થશે…પણ એ વેળાએ તો જવાબ આપવામાં પણ ‘પાણી પાણી’ થઇ જવાય…કે નંઈ?
 • રબરને તો પછી ખેંચી શકીશું પણ આપણું બરોબર ‘બેન્ડ’ વાગી જવાની સંભાવના રહે…કે નયી?
 • ઓબામાના સલાહકાર તરીકે ધોળે દહાડે સપના પછી જોઈ શકાય પણ…ત્યારે તો ‘ઓ’ બાઆ!…ઓ’ માઆ’ યાદ આવી જાય…કે નોટ?
 • કોલેજની ઓલી ફટાકડીને તો પછી કાંઈ પણ ‘પ્રપોજ’ કરી દઈ શકાશે…પણ સાલું એવી કઈ કઈ ‘મણી’ઓ ને મારા જેવો માણીગર ગમી ગ્યો હશે!?!?!?!? જેવી પચાસેક મુંઝવણોની ધણધણાટી છૂટી પડે..કે નોય?

જે ખરેખરો વેપારી-બુદ્ધિશાળીયો હશે તેને તો આ પૂછનાર યા તો ‘કૌન બનેગાનો…કોઈ મળતિયો જણાઈ આવશે કે પછી સુપર-ડાહ્યાંઓની હોસ્પિટલમાંથી વગર કહે વછૂટેલો દર્દી લાગશે…

પણ આ બધું તપાસ કરવાનો ટાઈમ કોને કેમ મળે? અને સમજો કે તમે તેના કરતા પણ હાઈપર ડાહ્યાં હોવ ત્યારે ‘નરોવા કુંજરોવા’ કર્યા વગર જવાબ આપી પણ દો પછી શું?-

તો પછી સમજી લો કે…બે બાબતો બની શકે છે.

૧. તમારુ ભાગ્ય રાતોરાત ‘સેટ-અપ’ થઇ શકે.

૨. તમારુ ભાગ્ય (સાથે દિમાગ પણ) થોડાં દિવસો માટે ‘અપ-સેટ’ થઇ શકે.

એનો આધાર તમે એવા નસખેંચું પ્રશ્નનો જવાબ કઈ રીતે આપો છો એની પર છે.

તો દોસ્તો-દોસ્તાનીઓ, ભાઈઓ-બહેનો, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ તૈયાર થઇ જાવ. આવા ‘અબે યે તો સબ હટેલે સવાલ’ના બિન્દાસ્ત જવાબો આપી કેરિયરને યા બિઝનેસને પણ કેમ વિકસાવી શકાય તે માટેના એવા પુસ્તક પ્રિસ્ક્રિપ્શનની. જે તમને ખોટા જવાબો પણ સાચી રીતે આપીને પણ સારી નોકરી કઈ રીતે મેળવી શકાય તેનું રમતા રમતા ગાઈડન્સ આપી શકે છે.

તો ‘પુસ્તક પ્રિસ્ક્રિપ્શન’ના એ બીજા ભાગ માટે પબ્લિશ થયાના માત્ર ૩૪.૫ કલાક સુધી રાહ જોવી પડશે.

પણ એ પહેલા મારો અચાનક સવાલ:

એ પુસ્તકનું નામ શું હોઈ શકે?-

બોલો કઈ શકો તો સાચા જવાબમાં એ ‘ફૂલ’ પુસ્તક આપણા તરફથી ‘ફ્રિ (મફત)’ મિલેગા જી.

એવા ઘણાં દોસ્તો છે..જેઓ સફળ કારકિર્દીનો ઇતિહાસ ધરાવે છે પણ સંજોગો સાથે પરિહાસ રાખે છે. તો આપની નજરમાં એવા કોઈ દોસ્તો છે જેમને આવનારા આર્ટિકલ્સ મદદરૂપ થઇ શકે? તો નીચે જણાવેલા બોક્સમાં તેમનું નામ અને ઈમેઈલ જણાવી શકો.

ન્યુ ટર્નપંચ:

‘એપલ’ની એક ઐતિહાસિક હટકે જાહેરાત
કર્યા જેણે જોબ્સના વળતા પાણી રાતોરાત.

વેપાર વાર્તા-વિચાર: તાજા વાંસની [વાસી થઇ ગયેલી] વાર્તા……વેપારના સંદર્ભમાં.

Bamboo_Trees

આપણે સૌએ કોઈકને કોઈક રીતે સેલ્ફ-અથવા બિઝનેસ ડેવેલોપમેંટને લગતા પ્રોગ્રામ કે સેમિનારમાં હાજરી આપી હશે, ખરુને? મન માટે મોટિવેશન અને પ્રોડકટીવીટી માટે પ્રેરણાત્મક બનતા આવા પ્રોગ્રામ્સ મગજના વિકાસમાં વેક્યૂમ-ક્લિનર જેવું કામ કરે છે. વખતોવખત નકારાત્મક પરિબળોની ધૂળ સાફ થતી રહે છે. વિચારો અપડેટ્સ થતાં રહે છે.  

પણ સામાન્યત: આવા સેમિનારમાં દિમાગ પર બમ્બુ વાગે તેવું એક બોરિંગ ઉદાહરણ ખાસ જોવા મળે છે. વાંસનું. બામ્બુનું

 “મિત્રો, તમને ખબર છે?…વાંસને પકવતા પાંચ વર્ષ લાગે છે. બી વાવ્યા પછી પાંચ વર્ષ સુધી ધીરજ ધરી, શાંતિ રાખી વાંસને ઉગવા દેવામાં આવે ત્યારે વખત આવ્યે લાંબે ગાળે ઉંચે ઉગી આ પાક સુપર કમાણી કરાવી આપે છે. આપણા સ્વ-વિકાસનું કે વેપાર-વિકાસનું પણ કાંઇક એવુંજ છે. સમયને સમજી જરૂરી જગ્યાએ રોકાણ કરવામાં આવે ત્યારે મોટો લાભ થાય છે. માટે મનુષ્ય-માત્ર માટે જરૂરી છે કે ધીરજ ધરી સહનશીલતા રાખી રાહ જુએ. તેમાંજ તમારી કર્મશીલતા છે. ટૂંકમાં, ‘થોભો, સમજો, રાહ જુઓ અને આગળ વધો’ની નીતિ આપનાવી જીવનલક્ષી વિકાસ સાધવો જોઈએ. તમારા આત્માને પર પરમ-શાંતિનો અનુભવ કરાવવો હોય ત્યારે ધીરજ ધરી મનને, સમયને આધીન રહી કર્મ કરતા જઈ ફળ મેળવવું એ સુખી મનુષ્યનું સુંદર લક્ષણ છે ”

આઆઆઆઅહ્હ્!….ભક્ત વાંચકો! આટલું શુદ્ધ વાંચવાની પણ ધીરજ રાખી આપ બેશુદ્ધ ન થયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર!

સાવ બોર્ર્ર્રર્ર્રિંગ…ખોટી વાત…ખોટી સમજણ.

ઓહઉફફફ!…ઝટકો લાગ્યોને?- આટલાં સેમિનારમાં શીખીને આવેલી આવી સરસ મજાની વાત વર્ષો પછી જ્યારે પાછી યાદ આવે ત્યારે તે વખતે શીખેલા જ્ઞાનની ભેંસ પાણીમાં બેસી ગયેલી દેખાય એ દેખીતું છે. પણ આ વાત આ બંદાની નથી. એટલેજ આટલું ખુલ્લું કહેવાની આ પાર્ટીએ હિંમત કરી છે. આ વિરોધી વાક્ય તો ઈન્ટરનેટના જમાનામાં ઉલટું સાબિત કરી વાંસની વાતને રીફ્રેશ કરનાર મારા બીજા એક લેખ-ગુરુ શ્રીમાન નોહા સેન્ટ જોહન્સનું છે.

ઓફકોર્સ, મને આજે આ લેખ-ગુરુના પ્રબળ શુક્રની વાત નથી કરવી પણ તેના આ ‘ધીરજ’, ‘સબ્ર’ કે ‘સબર’ કે ‘સહનશીલતા’ની ચમકીલી વાત કરવી છે. ગામ આખું જ્યારે ‘પડ્યું પાનું નિભાવવાની’ એકજ વાત કરતુ હોય ત્યારે આ પડેલા ‘પાના’ને ખોલવાની હિંમત માટે આ સબરના સાબરને કેટલો કંટ્રોલમાં રાખવો ને કેટલો જોર કરી દોડાવવો એવી સમજણ આપી નોહા સેન્ટ જોહન્સે સાચે સાવ જ અલગ કામ કર્યું છે. એટલે જ મારા બ્લોગ માટે આવા સાવજની વાત કરવામાં મને પણ ઘણી ખુશી થાય છે.

તો બંધુઓ, ભગિનીઓ…..આ નોહાભાઈ વાંસની વાતને ઉલટી લટકાવી ‘વધુ પડતી ધીરજના ફળ ખાટ્ટા’ ના મુદ્દાને સીધો સાબિત કેમ કરશે એની ‘ટુ ધ પોઈન્ટ’ વાત બસ (ઓયે….પાંચ વર્ષે નહિં) આવતી કાલે જ (આ બીજા ભાગમાં)……

ત્યાં સુધી તમ તમારે આ સરપંચમાં ‘પતે કી બાત’ જોઈ જ લ્યો.

સરકાર્ડ‘પંચ’

ફેંકાફેંકી!  એય પાછી ધંધામાં કાર્ડ ફેંકીને?!?!?!?!?  દુનિયા આખી ” પૈસા ફેંક તમાશા દેખ” કહેતું હોય ત્યારે આ કોરિયન છોકરો ધમાલ કરીને બતાવી રહ્યો છે:

“કાર્ડ ફેંક ડાઇરેક્ટ, ….ઔર તમાશા દેખ ઇનડાઇરેક્ટ….સેમસંગ બ્રાન્ડકા!…….આને કહીશું કે દિલફેંક કાર્ડ-ફેંકુ

પ્રિ-વેપાર વ્યવસ્થા: કોમ્પ્યુટરથી નેટમાં કે નોટમાં ગુજરાતી લખવા માટે આ રહ્યાં કેટલાંક સરળ રસ્તાઓ…

Typing_Indic_Language

દોસ્તો, પાછલી પોસ્ટમાં મુકેલી પ્રશ્નપેટીમાં આવેલા કેટલાંક સવાલોના જવાબો તેની પ્રાયોરિટી મુજબ મળતાં જ જશે. એટલે શરૂઆત સામાન્ય પ્રશ્નથી કરું છું.

સવાલ: ઈન્ટરનેટ પર કે કોમ્પ્યુટરમાં ક્યાંક પણ ગુજરાતી લખવું હોય તો શું કરવુ?

જવાબ: ફક્ત ગુજરાતી જ નહિં પરંતુ દુનિયાની બીજી બહુપયોગી ૨3 ભાષાઓમાં પણ ફોનેટિક્સ સિસ્ટમ (જેમ બોલીએ તેમ લખવાની સુવિધા) થી મળી શકે છે. જેમાં માઈક્રોસોફ્ટ, ગૂગલ જેવાં ખાંટુઓ સાથે-સાથે આપણો ગુજ્જુ વિશાલભાઈ મોનપરાએ પણ પોતપોતાની રીતે બરોબરની ટક્કર ઝીલી લીધી છે. શક્ય છે બીજાં કેટલાંક દોસ્તોએ પણ પોતાની રીતે (ન સૂચવાયેલાં પ્રોગ્રામ્સ બનાવી) મહેનત કરી હશે. પણ આજે આ ૩ સરળ રસ્તાઓ (અને એય પાછા મફત) મુકીને ઘણાં દોસ્તોને દિલથી ગુજરાતી લખવા આમંત્રણ આપુ છું.

પ્રેક્ટીસ કર્યા બાદ આંખ બંધ કરીને પણ લખી શકાય એટલું સિમ્પલ સુવિધાજનક કોડ તૈયાર કરી તેની Transliteration Service દ્વારા ગૂગલે અને વિશાલભાઈ મોનપરાએ જલસા કરાવી દીધા છે. જો તમે ઈન્ટરનેટ ક્યાંયથી પણ વાપરતા હોવ અને ગુજરાતીમાં કાંઈ પણ લખવું હોય તો પહેલાં આ બે સાઈટ…

ખોલીને તેમાં તમારા ખુદના સંદેશાને શાબ્દિક સ્વરૂપ આપી દેજો. પછી કોઈ પણ મેઈલ-બોક્સમાં કે કોમેન્ટ-બોક્સમાં કૉપી-પેસ્ટ કરી દેજો. (આ બાબતે તો વિનયભાઈ પણ ઓબ્જેક્શન નહિ લઇ શકે ;-))

ગમતી બાબતો:

 • થોડી જ પ્રેક્ટિસ કર્યા બાદ (માખણમાં જેમ ગરમ છરી ઉતરે તેમ) ફટાફટ લખી શકાય છે.
 • ઓલ્ટરનેટ શબ્દોની પસંદગી મળી શકે છે. સીતા લખતા ગીતાની પસંદગી કરી શકાય.  
 • પળવારમાં એક ભાષાથી બીજીમાં ટ્રાન્સફર કરી શકાય.
 • રોજિંદા ગુજરાતીમાં બોલાતા-લખાતા શબ્દોની જોડણી પણ ઉપલબ્ધ. (જુઓને ‘ધ્રાંગધ્રા’ પણ સીધું લખાઈ જાય છે.)
 • લખ્યા બાદ આરામદાયક એડિટિંગ-ફોર્મેટિંગ પણ થઇ શકે.

ન ગમતી બાબત:

 • હજુ ઘણાં ગુજરાતી શબ્દો માટે થોડી લાંબી મહેનત અને માથાકૂટ કરવી પડે છે. મારી દ્રષ્ટીએ આ એક ગદ્ધા-મજૂરી છે.
 • ઓનલાઈન હોઈએ તો જ આ કામ થઇ શકે.

સવાલ: તો પછી ઓફલાઈન હોઈએ ને લખવું હોય તો હજુયે સરળ ઉપાય શું છે?

જવાબ:

 • વિશાલભાઈએ પણ જે સુવિધા ઓનલાઈન આપી છે…તેને ઓફ્લાઈનમાં પણ આપી છે. જે અહિયાંથી ડાઉનલોડ કરી શકાય છે. http://goo.gl/iSgGP

જી હા!…તેની આ યુનિકોડ સ્ક્રીપ્ટ તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી દો. (કઈ રીતે કરવુ એ પણ ખુલાસાવાર ટ્યુટોરીયલથી ત્યાં જ બતાવવામાં આવ્યું છે. તો એટલી મહેનત પણ કરશોને?….) ને પછી જુઓ તમારા ખુદના કે બાયડીના ભડાકાં. ક્યાંય પણ ગુજરાતી લખવું હોય ત્યાં માત્ર કી-બોર્ડ પરની Alt અને shift સાથે દબાવી English to Gujarati Or Gujarati to English માં ક્ષણમાં પાટલી બદલી શકાય છે.

હવે લખવામાં આપણે કેટલું પાણી પીએ છીએ કે પીવડાવીએ છીએ તેનો આધાર જોડણી પર છે. ‘જગ’ અને ‘જંગ’ લખવામાં ભંગ ન પડે એ પહેલાં સાચી જોડણીકોશનો ‘રંગ’ લગાડવા માટે આ રહ્યું… મફતિયું પણ ઘણું કિંમતી ગુજરાતી લેક્સીકોને આપી દીધેલું

બોનસ પેકhttp://www.gujaratilexicon.com/index.php?action=downloads   –> જેમાં ડિક્શનરી, સ્પેલ-ચેકર, અને ગુજરાતી ફોન્ટ્સ પણ શામેલ છે.  

બોલો હવે આ ભાવમાં બીજું શું શું જોઈએ? ત્યારે હવે કોમેન્ટ કરવામાં કંજૂસાઈ તો નહિ કરો ને?  પણ એ પહેલા માણી લ્યો…

સરઘસપંચ:

ઘણી ફિલ્મોમાં આપણે જોયું હશે કે વિલન (પ્રાણ યા કે.એન. સિંગ કે શેટ્ટી યાદ આવ્યો?) તેના કોઈ એક મળતિયાના ટકલા માથે કે પછી કોઈ પણ જગ્યાએ દીવાસળી ઠપકારી સિગરેટ ફૂંકતો જોવા મળી જાય. ત્યારે થાય કે મારું હાળું આ તે એવી કેવી દીવાસળી છે કે કોઈ પણ જગ્યાએ ઘસવાથી સળગી ઉઠે છે. તો તેનું રહસ્ય મને આજે પકડાયું…..લ્યો ત્યારે તમેય ‘સળી’ સાથે હળી-મળી કામ કરી લો….

વેપાર-વ્યથા: માત્ર એક સવાલ…

Raising-Fingureદોસ્તો, ઈન્ટરનેટ પર તમારી પ્રોડક્ટ(સ) અથવા સર્વિસ(સેવા) કે કેરિયર(કારકિર્દી) ને શરુ કરવામાં કે ડેવેલોપ કરવામાં કોઈ આડ(મુશ્કેલી) આવતી હોય ને એ માટે તમને એક જ પ્રશ્ન પૂછવો હોય તો તમે કયો પૂછો?-

 આ રહી તમારી પ્રશ્નપેટી:

વેપાર-વ્યક્તિત્વ |જે તરસે છે એને માટે વરસે છે…. શરૂઆંત

સુતા પહેલા ચાલો, કાંઈક નવું શીખીએ...

સુતા પહેલા ચાલો, કાંઈક નવું શીખીએ...

ગઈકાલની વાત થી આગળ…

અરે મારા ભાય! તું આંયાં બેસ. હવે હું ક્યાંય નથી જાવાનો. મારા પ્લેનની ટિકિટમેં એક મહિના માટે લંબાવી દીધી છે. એટલે તને આરામથી જેટલું શીખવવું હોય એટલું શીખવ….હું આ બેઠો.

આ મીની ધડાકાની ગૂંજ હતી જે કાનને ગમી ગઈ.

પછી તો શરુ થઇ કમ્પ્યુટર-ઈન્ટરનેટના ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, સમાજ-વિજ્ઞાનની મીની પરિષદ નો સીલસીલો. અલીબાબા.કોમથી ઇ-બે.કોમ થઇ, ગૂગલ-ટોક, સ્કાયપ, ઓફીસ-એલ્પીકેશન્સ, ગ્રીટિંગ-કાર્ડસની આપ-લે નું એક્શન-રીએક્શન. સુલ્તાનદાદા સવાલો પૂછતાં જાય ને બંદા એના છુટ્ટા જવાબ આપી મોઢા પર રૂમાલ લૂછતા જાય.    

એ દરમિયાન એમની દીકરીઓના-પૌત્ર-પૌત્રીઓઓના મેઈલ્સ, જમાઈઓના જવાબો, લંડન-અમેરિકા અને આફ્રિકામાં પણ ખોવાયેલા દોસ્તોની દિલદારીના લા-જવાબોથી એમનું મેઈલ-બોક્સ ઉભરાવા લાગ્યું. એમની કોન્ટેકબુકમાં ૧૦૦થી વધુ નામ તો લખાઈ ચુક્યા હતાં…

શરૂઆતમાં એ બધાંજ લોકો ચોંકી ગયેલા અને તેમને એક જ સવાલ પૂછતાં: પાપા, દાદા, નાના, ભાઈ…આ તમે ક્યારે અને કઈ રીતે શીખ્યા? – પણ આ નાનકંઠો જીવ કાંઈ એમને એમ બધું બતાવી દે?… હવે તો એમનેય ઈમોશનલ અત્યાચાર કરતા આવડી ગયો હતો. પણ બદલાની કોઈ ભાવના નહિ…..બસ એ ભલા અને એમનું ઠુચુક ઠુચુક ટાઈપીંગથી બનેલાં મીઠ્ઠા શબ્દો ભલા….

૨૫મો દિવસ  – ધડાકો ત્રીજો.    

ભાઈ, મારી દીકરી ફરીદા એની ફેમીલી સાથે આવતાં વીકમાં આંયા કેરો આવે છે. કાંઈ અમસ્તી નહિ હો…કેરો ફરવું-પિરામીડ જોવું તો એનું બહાનું છે પણ એને ઇ જાણવું છે કે પપાએ આ બધું શીખ્યું કઈ રીતે…તું જોતો ખરા..મારી બેટી…આપણું સિક્રેટ જાણવા આવી રઈ છે.  

એ પાંચ દિવસ દરમિયાન ચાચાએ પાછલાં દિવસોનું રિવિઝન કરી લીધું. અને પોતાના ગામ પહોંચી જાતે કોમ્પ્યુટર વાપરી શકે એવું વિઝન પણ જોઈ લીધું.

૩૦માં દિવસે પછી તો દીકરીની સાથે ઓળખાણ, એમના ‘પપા’ ને અપડેટેડ વર્ઝનમાં જોવાની ખુશી, એમના નવા કોમ્પ્યુટરી જ્ઞાન સાથે ખુલી ગયેલી ‘બોલતી’, એમના મારા માથે મુકાયેલા હાથ, બંધ કવરમાં અપાયેલી અમૂલ્ય યુરો-ડોલર દક્ષિણા, ખુશીઓના આંસુઓથી છલકતી આંખો, ગૂડ-ગૂડ થતું દિલ, વહીલ્ચેર પર હોવા છતાં ચીયર-અપ કરતાં થીરકતા કદમો,…..

આ બધું લખવા માટે મારી ઇન્ક પણ ડાઈલ્યુટ થઇ જાય એમ છે.

કેન્યા-વિદાય વખતે એમને એક સવાલ કર્યો: ચાચા, તમારા શીખવાની પાછળ કયું તત્વ કામ કરી ગયું?

અરે મારા દીકરા!… ફક્ત એટલું જ કહી દઉં કે કોઈને એની કોઈ વ્હાલી વસ્તુથી રોકવામાં આવે તો શું થાય? – એમ સમજ કે…આ એક ચુપચાપ બળવો હતો. એમને કાંઈ ન કહીને જવાબ આપવાનો. શીખવા માટે હું તરસ્યો થ્યો ને તું મને મળી આયવો ને મારું કામ થઇ ગયું. હવેથી કોઈનો મોહતાજ (dependent)તો નહિ રહું ને?

ફાસ્ટ ફોરવર્ડ…૨૦૧૧

“આ પાછલા પાંચ વર્ષમાં ચાચા સાથે ઘણી વાર મેસેજની આપલે થાતી…મજામાં છું…તું કેમ છે?….મારું કામ ચાલી રહ્યું છે..વગેરે…વગેરે…”  

થોડાં જ મહિનાઓ અગાઉ ચાચા અચાનક ફરીથી ફેમીલી સાથે કેરો આવી ગયા. ચાલ જલ્દી મને મળવા આવ, આંયા બધાં બચ્ચાઓ મુર્તઝા સરને જોવા માંગે છે.

હાય રે કમનસીબ…એ એરપોર્ટ પરથી એમના સ્વજનને ત્યાં આવ્યા ને હું ઇન્ડિયા જવા માટે એરપોર્ટ પર જઇ રહ્યો હતો… અને મારી પાસે એમને મળવા માટે ફક્ત અડધો કલાક હતો. ગમે તેમ કરીને મળવા તો ચાલ્યો ગયો. ત્યારે ઝ્બ્ભા-ટોપી પહેરવાની પરવા કર્યા વગર ગંજી-લેંઘાધારી એ યંગેસ્ટ જીવ મને કેન્યન ચેવડો-મીઠાઈનું બોક્સ હાથમાં આપી જોરથી દબાવી ભેંટી રહ્યો હતો. ત્યારે…

મને ક્યાં ખબર હતી કે…આ ભેંટ સાથે એમનું ભેંટવું પણ અંતિમ હતું. કેમ કે એ પછીના ૨-૩ મહિનામાં જ એક મહિનો તો હોસ્પિટલાઇઝડ રહીને ૮૫+નો આ મારો જુવાન વિદ્યાર્થી ‘સુલ્તાન’…. સુપર કોમ્પ્યુટર સર્વરએ-કાયેનાત (દુનિયા બનાવનાર) થી અપલોડ થઇ ગયો…

કેટલીક ઘટનાઓની સાચી શરૂઆત તેના અંત પછી થાય છે…

સર્વર-પંચ

દુનિયામાં માત્ર ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓ નો જ ઈજારો નથી કે ઠેર ઠેર પોતાનું બ્રાન્ડીંગ કરતુ રહે…. કંપનીઓ સાથે એવી હજારો વય્ક્તિઓ છે જેઓ એમના કાર્યો દ્વારા બીજાના દિલ પર શિલાલેખ જેવું કાયમી બ્રાન્ડીંગ કરી ચાલ્યા જાય છે….યાદો મૂકી જાય છે. “જિનકા ચર્ચા ભી નહિ હોતા…”

સુતા પહેલા ચાલો,  કાંઈક નવું શીખીએ…

વેપાર વ્યક્તિત્વ- ભાગ-૩ | જે તરસે છે એને માટે વરસે છે….

Tears-Of-Happiness

પાંચમાં દિવસે ૧૦ મિનિટમાં પોતાનું જાતે બનાવેલું Gmail ID  ખોલીને સુલ્તાનચાચાએ શીરીનચાચીને ઓર્ડર મુક્યો.

લાવ ત્યારે, પેલી મારી પોકેટમાં મુકેલું કાગર લઇ આવ. આપરી ફરીદાનું ઈ-મેઈલ એડ્રેસ એમાંજ લયખું છે. આજે આ બાપ પન એની દીકરીને પેહલો ઈમેઈલ લખશે.

આ ફીમેલ એટલે એમની મોટી દીકરી ફરીદા જે કેન્યાથી થોડા દૂર મોમ્બાસામાં રહે. દોસ્તો, આપણે એ ના જ વિચારી શકીએ કે એક બાપ એની દીકરીને પહેલો ઈ-મેઈલ કઈ રીતે લખે, શું લખે, શું ન લખે? એ તો ઈ લોકો જાણે જેમને ઈ-મેઈલની ભાષાને પણ દિલથી અપનાવી લીધી છે. ઇના માટે તો બાપ બનવું પડે…બાપાઆઆ!

મને યાદ છે કે એ દિવસે મેં મોનીટર કે સુલતાનચાચા સામે બહુ જોયું ન હતું. કેમ કે ખુરશીને થોડે દૂર રાખી મારું ધ્યાન બાપ-દીકરી વચ્ચે બનતા આ ઈલેક્ટ્રીફાઈંગ બ્રિજને જોવામાં મને વધારે ખુશી મળી. ધારું છું ત્યાં સુધી…પાંચમાં દિવસે અત્યાર સુધી તેઓ જેટલું શિખ્યા, જે અનુભવ્યું એને શબ્દોમાં બયાન કરી દીકરીને ટ્રાન્સફર કર્યું હોવું જોઈએ. યા પછી…હું મારા આ ‘ક્લાયન્ટ’ને સમજવામાં ખોટો પણ હોવ. જે હોય તે…એમણે મને ખોટો પણ ન પડવા દીધો ને સાચો પણ ન રહેવા દીધો.

છઠ્ઠો દિવસ:

“ભાઈ, ચાલને આજે પહેલા મારી ફરીનો મેઈલ આયવો કે નહિ એ ચેક કરીને પછી આગળ વધ્યે.” –

મેં કહ્યું: “ચાચુ…હું આવું એ પહેલા ચેક કરી લેવો તો ને?- આપણા બેઉનો વખત સચવાત.”

“એ બરોબર પણ ભાઈ, મને એમ કે તું સાથે ન હોય ને કાંઈક ખોટો કમાંડ અપાઈ જાય તો કાંઈક આડુંઅવળું થાય એ બીકે….”

“અરે સાહેબ! જે માણસ પાંચમાં દિવસે દીકરીને મેઈલ કરવા તૈયાર થઇ જાય એનાથી ભૂલ થવાની બહુ સંભાવના નથી હોતી. અને થાય તોયે બહુ આડુંઅવળું નથી થાતું. આજે આપ જાતે જ Gmail ખોલીને મેઈલ ચેક કરી લો. હું આ બેઠો દૂર.” એમ કહી આખું કમ્પુટર સોંપી દઈ કોન્ફીડન્સ સાથે દૂર બેસી ગયો.

વ્હાલા દોસ્તો, એ દરમિયાન બનેલી ઘટનાને શબ્દોમાં નહિ લખી શકતો. કેમ લખાય? કેમ કે શબ્દોને પણ પોતાની તાકાત હોય છે. એને તો કેમે કરીને ગોઠવી દઉં. પણ પેલી ન દેખાતી ઈમોશન્સ ક્યાંથી લાવવી જે એ બાપ-દીકરી વચ્ચે રચાઈ હશે?!?!?  જે હોય છે માત્ર વેદના વગરની….સંવેદના. એ તો રામબાણ વાગ્યા હોય એ જ જાણે. કમબખ્ત આ ઈલેક્ટ્રોનિક ઇન્કમાં આંસુઓ દેખાતા નથી..માત્ર એટલુજ કહું કે…મેઈલબોક્સ ખોલ્યાના પાંચ-છ મિનીટ પછી ૩ ચેહરાઓ પરથી આંસુ વહી રહ્યા હતાં. મોમ્બાસાનો દરિયો એ દિવસે નાઈલમાં વહી રહ્યો હતો.

ડોસા-ડોસી ખુરશી પર બેસી ડાન્સ કરી શકે!?!?!??- કેમ નહિ? આવા અમૂક સ્પેશિયલ દ્રશ્યોનો હું યે સાક્ષી છું….બંધુઓ.

“ચાલો દાદા મારું તો કામ થઇ ગયું. તમને શબ્દોને કઈ રીતે લખવું, ભૂંસવું, કાપવું-ચોટાડવું એ બેઝીક્સ તો આવડી ગયું છે. કાલથી હવે કેન્યા જઈ પ્રેક્ટિસ કરતા રહી મારી સાથે પણ આ રીતે મેળ-જોલ રાખશોને?..જ્યારે પાછા આવશો ત્યારે અવનવી એપ્લીકેશન્સ પણ શીખવાડી દઈશ.”

ત્યાજ એક બીજો ધડાકો સંભળાયો. પણ એ ગૂંજ કાનને ગમી જાય એવી હતી. કાલે….સાંભળવી છે?

ભાગ-  ૧    |     ભાગ – ૨      |    ભાગ – ૪

સરકે બદલે પેર પર પંચ’

ઉપરની વાતમાં ચાચાના ‘જવાની’ વાતને બાજુ પર મૂકી આપણે એરપોર્ટ પર આવી જઈએ ને થોડી વાર માટે વિચારીએ કે…માંચેસ્ટરના એરપોર્ટ પર મારો બેટો આ માણસ બેઠો કઈ રીતે હશે?- છે ને ક્રિએટીવ ગતકડું…

વેપાર વ્યક્તિત્વ- ભાગ-૨ | જે તરસે છે એના માટે વરસે છે….

Helping_Hands

દોસ્ત,….આ શું છે?….આ માઉસ કેવી રીતે ચાલે છે?…આ કી-બોર્ડમાં આટલી બધી કિઝનો ઉપયોગ ક્યારે થઇ શકતો હશે?…. આને મોનીટર શું કામ કહેવાય છે?….આ ઈન્ટરનેટ કેવી રીતે ચાલે છે? ….કોણ ચલાવે છે?…

 ઓહ્ફ્ફ્ફ.. પછી તો સુલ્તાનચાચાના સવાલોની છડી છૂટતી ગઈ ને મારા જવાબોની ઝડી વરસતી ગઈ… 

એમના આ પ્રશ્નકાલમાં મને એક વાત દેખાઈ કે સુલ્તાનચાચાના મનમાંથી આજે કોઈ એક એવી સ્પ્રિંગ છૂટી છે જે વર્ષોથી દબાયેલી પડી રહી હોવી જોઈએ. પણ ત્યાંજ જાણે તેઓ મારા મનની વાત જાણી ગયા હોય એમ સામેથી એક જોરદાર ઝટકો આપતા કહ્યું:

દીકરા, આ બધાં સવાલો એટલાં માટે પૂછી રહ્યો છું કે…આટલાં વર્ષો મારા દીકરા-દીકરીઓ કે પૌત્રો-પૌત્રીઓએ મને ક્યારેય એમના કોમ્પ્યુટરને હાથ લગાવા નથી દીધો. અરે એમના એ ટેબલની પાસે પણ ફરકતો ત્યારે એમને ફિકર થઇ જતી…..આ બધી એની મોકાણ એક્સાથે બારે આવી રઇ છે. પણ તું તારે હાલ્યો આવ… હુંયે ક્યાં મહિના સુધી રોકવાનો…આ આવતાં અઠવાડિયે મારા ગામ કેન્યા ચાય્લો જઈશ.” 

સુલ્તાનચાચાનો આ પહેલો ધડાકો થોડી વાર માટે સૂનમૂન કરી ગયો.

ઓહોઓઓ! તો પછી આપણી ગાડીમાં સાત દિવસ ચાલે એટલું જ પેટ્રોલ ભરવું પડશે…ને એક્સિલેટર પણ હાઈ રાખવું પડશે ચાચા. So, Fasten Your Seatbelt. અને હવે હું જેમ કહું તેમ કરશો તો સાતમાં દહાડે ‘આપણને કોમ્પ્યુટર-ઈન્ટરનેટ ચલાવતા આવડી ગ્યું હોં!’ એવો ફાંકો તમને તમારા ગામમાં મારતા પણ આવડી જશે.  

પહેલા દિવસથી ચોથા દિવસ દરમિયાન કી-બોર્ડ, માઉસ પર એમની ટાઈપીંગની અને ક્લીકીંગ-મુવમેન્ટની પકડ જમાવવામાં ૮૦ વર્ષના આ બચ્ચાને બહુ ઝાઝી વાર ન લાગી કેમ કે એની પાછળ એક જ વસ્તુ કામ કરી ગઈ…એમનું પેશન!...શીખવાની ભડભડતી ધગશ. ઓફકોર્સ, શીરીનચાચી તો એમની પાસે હતા જે કાંઈ પણ ન બોલી ને એમને ઘણો ટેકો આપતા.

દીકરા, તને થતું તો હશે કે આ ડોસલો ઇ-મેઈલ લખવાની આટલી ઉતાવર કેમ કરે છે?- ચાલ તને બતાવું. પણ પહેલા મને મારું Gmail તૈયાર કરવા દે. ને પછી જો આ બુઢ્ઢો મેલ પેલી મારી વ્હાલી ફીમેલને કેવો મેઈલ કરે છે. રોમેન્ટિક ડાઈલોગની આ બુલેટ બહાર આવી છતાં શીરીનચાચી જાણે કશુંયે થયું ન થયું હોય એમ મરક-મરક હસતા જ બેસી રહ્યાં. એમને ખબર હોવી જ જોઈએ કે એ ફિમેલ કોણ હશે.

શું વાત છે, દાદાઆઆ! આજે તો તમેય મારી ભાષામાં ઉતરી આંયા ને કાંઈ?

મારી સાથે મારા જેવા શબ્દોની રમત જોઈ બે-ઘડી હું પણ મોંમાં આંગળા નાખી બેસી રહ્યો. હાર્ડવેર પર આવેલા એમના આવા સોફ્ટ કંટ્રોલને જોઈ Windows માટે એમના દરવાજા થોડાં વધું ખોલી નાખ્યા ને આખી બાજી એમના હાથમાં મૂકી દીધી.

અને પછી આવ્યો પાંચમો દિવસ…આ પાંચ દિવસમાં એમની ટાઈપીંગ સ્પિડમાં કોઈ ફર્ક ન હતો. ‘કંટ્રોલ‘માં આવે તો ને?!?!…આવી બાબતને શિફ્ટ‘ કરવા માટે બીજો કોઈ ‘ઓલ્ટર‘નેટ હોવો જોઈએ? ના જ હોવો જોઈએ.

આ રહ્યું એનું કારણ જે પાંચમાં દિવસે મળ્યું….તમને જાણવું છે?- તો બસ કલ તક થોડાંસા ઇન્તેઝાર…..

ત્યાં સુધી તમે હમણાં કહી શકો કે એ ફીમેલ કોણ હોઈ હશે?

સર‘પંચ’

ક્લાસમાં બાળકોને બતકનું ચિત્ર બનાવવાનું કહેવામાં આવે છે. ને પછી એમાં સફેદ રંગ સાથે એક છત્રીને વાદળી રંગ પૂરવામાં આવે એમ સજેસ્ટ કરવામાં આવે છે. બબ્લીનું ચિત્ર જોવામાં આવતાં એમાં બતકનો રંગ વાદળી અને છત્રીનો રંગ લાલ બતાવવામાં આવે છે. એને જ્યારે આમ કેમ કર્યું પૂછતાં જવાબ મળે છે: “મેમ!..મારો ડોનાલ્ડ ડક તો આવો જ હોય છે!

ભાગ-  ૧    |     ભાગ – ૨      |    ભાગ – ૩

‘પોક ધ બોક્સ’- ડબ્બાને ધક્કો મારનાર વિજેતાઓ…

પોતાની જાત અને વિચારોના ડબ્બાને ધક્કો મારનાર અને આગળ વધનાર વિજેતાઓ…

દોસ્તો, સીધી અને સરળ ભાષામાં કહું તો….આપણા આ પાંચ પોકેલા બંધુઓ પોક ધ બોક્સના આર્ટિકલમાં પુછાયેલા પ્રશ્ન

આપ લોકોએ આ વર્ષની શરૂઆતથી કે આ ઘડી સુધીમાં એવું કોઈ કામ આરંભ્યું કે જે વર્ષોથી ‘પેન્ડીંગ’ હતું?-એનાથી કોઈ લાભ?….અનુભવ કહી શકો?

માટે આ દોસ્તો એ દિલથી જે કાર્ય આરંભ્યું છે એમને સૌને…સેઠ ગોડીનની ૨૦૦૧માં બેસ્ટ સેલર્સ તરીકે મશહૂર થઇ ચૂકેલી..અને આજે પણ તરોતાજા રહેલી…Unleashing the Ideas-virus -મોકલવામાં આવી છે.

૧. મુ. અખિલભાઈ સુતરીયા– ટી.વી દ્વારા એમનું  નાનકડુ અખિલ બ્રહ્માંડ-સાઈટ રચી સદાય ધબકતા રહી પ્રોડકટીવ કામો કર્યા છે અને કરી રહ્યાં છે…એમણે જે દિલથી લખ્યું છે, એ સરાહનીય છે.

૨. જીતેશ દાળવાળા–  પેલાં સફળતાના સૂત્ર પરથી પ્રેરણા લઈને થોડાં જ દિવસમાં કોલેજમાં એક પ્રોજેક્ટ હેઠળ રૂ. ૨૫૦૦/નો -પ્રથમ પુરસ્કાર લઇ આવી પોતાની એન્જિનીયરીંગ કેરિયરને હજુ વધારે સફળ કરવાની કોશિશ કરનાર દોસ્ત.

૩. મુ. સુરેશભાઈ જાની:  જે આ બ્લોગી જુવાન-દાદાને  ન ઓળખે એ બ્લોગ દુનિયાનો બાળક જ ગણાય.

૪. જીજ્ઞેશભાઈ અધ્યારૂ: શરૂઆત શબ્દોથી અને હવે સૂરને પણ સાથે સજાવી પોતાની ‘અક્ષરનાદ‘ દ્વારા રિધમ રાખનાર જીગુભાઈ….જરૂરથી કાંઈક કરી બતાવશે એનો થોડો અંદાજ તો મને આવી જ ગયો છે.

5. વિમેશ પંડ્યા: આંગણામાં બેસી કાળજાની કોરથી ‘Core’ વાતોને લખવાની કોશિશ કરતો આ વિમુ એના શબ્દો દ્વારા વિચારોનો વીમો વિમાન દ્વારા ઉતારી રહ્યો છે.

આપ વિજેતા દોસ્તો અને સૌ જેમણે બ્લોગ પર ‘Like‘ બટન પણ દબાવ્યું છે એ સર્વે દોસ્તોનો ખૂબ આભાર. પણ એક રીક્વેસ્ટ સાથે કે બૂક વંચાય પછી એમાંથી આપ લોકોને શું જાણવા મળ્યું છે એ વિશે મને પણ જણાવી શકશો તો આપણે સૌ સાથે જાણતાં અને શીખતા રહીશું…..

બોલો હવે નવી ઘોડી સાથે નવી કોન્ટેસ્ટમાં ભાગ લેવો છે?- બસ તો આ મહિનાના અંત સુધીમાં પાકું ત્યારે.

…એમાં કોઈ વાંધો નથી…

Objectionએમાં કોઈ વાંધો નથી…

૧. કે તમે એક વસ્તુ વેચો કે હજાર…પણ વાંધો કેમ વેચાતું નથી એના પર છે.

૨. કે તમે પ્રોફેશનલ સેલ્સમેન હોવ અને કોઈ વસ્તુ, સેવા કે ફક્ત માહિતી પણ વેચતા હોવ…પણ વાંધો એ કોને પહોચતું નથી એના પર છે.

૩. કે તમે મોંઘી વસ્તુઓ વેચો છો કે સસ્તી…પણ વાંધો તમારા ગ્રાહકમાં તમે ખરીદી શકવાની તાકાત કેમ પેદા કરી શકતા નથી એના પર છે.

૪. કે તમે ઈન્ટરનેટ પર વેચો છો કે બહાર દુકાનમાં….પણ વાંધો ગ્રાહકને એના વિશેની જાહેરાત મળતી કેમ નથી એના પર છે.

૫. કે તમે તમારી પોતાની બનાવેલી વસ્તુઓ વેચો કે કોઈક બીજાની…પણ વાંધો એમાંથી મળતા ઓછા નફા પર છે.

૬. કે તમે માલ એક દિવસમાં સપ્લાય કરો છો કે એક અઠવાડિયામાં….પણ વાંધો ગ્રાહકને બરોબર જેમ મળવો જોઈએ જેટલો મળવો જોઈએ એમ કેમ નથી મળતો એના પર છે.

૭. કે તમે કમાણી કેશથી કરો કે ચેકથી…પણ વાંધો ઉધાર (ક્રેડીટ)ની કમાણીથી કેમ થાય છે એના પર છે.

સરનેમપંચ:

દોસ્તો,… ગૂગલ, યાહૂ કે બિંગ કે ફેસબૂક પર ક્યારેય એવું સર્ચ (કે રિસર્ચ) કર્યું છે કે અદ્દલ તમારા નામના આ દુનિયામાં બીજી કેટલી વ્યક્તિઓ વસે છે?

ઇન્ટરનેટની પર સરખા નામોનું એક અનોખું ગ્રુપ કરી શકાય, ખરું ને?- તો પછી વાર જોવાની હોય???….શરુ થઇ જાવ ને જોડાઈ જાવો કે જોડી દો તમારા ગૂમનામ ને હમનામ સાથે.

::સફળતાની એક અનોખી કે‘મિસ્ટ્રીયસ’ ફોર્મ્યુલા::

“Before You Can Score, First You Must Have a Goal.” Greek Proverb

સર! દાખલાના આ બીજા સ્ટેપ પછી મને ખ્યાલ નથી આવતો…એટલે ફાઈનલ જવાબ આ કઈ રીતે આવે છે એની હજુ સમજ પડી નથી, પ્લીઝ મને સમજાવી શકશો?

બી.એસસી.ના એ પહેલા વર્ષના બીજા દિવસે જ પ્રો. શેખરને મારાથી આ સવાલ પૂછાઈ ગયો. એ પણ પીરીયડ પુરો થયો ત્યારે. તે વેળા નવો-સવો કોલેજીયન હોઈ થોડીવાર માટે મને થયું કે શિષ્ટાચારની (Discipline) વિરુદ્ધ અમલ થયું છે. પણ એ પ્રો. શેખર સાહેબ હતાં. એ પણ એકના એક. એટલા માટે કે બીજા અમુક ‘માસ્તરજી’ હતાં…જ્યારે તેઓ ‘ગણિતની ‘પ્રોફેસી’ ધરાવનાર માસ્ટર.

તો…સેકંડ ફ્લોરના અમારા એ ક્લાસરૂમની બહાર નીકળતા જમણી બાજુ આવેલી દાદર પરથી ઉતરતા-ઉતરતા એમણે એક સેકંડ મારી તરફ નજર કરી નોટબૂકને હજુ તાજા રહેલા સફેદ ચોક્વાળા હાથમાં લઇ પોતાની પેનથી પેલા ગૂંચવાયેલા દાખલાને ઉકેલી બતાવવામાં એમણે પોતાનું મન દાખલ કર્યું. ત્યારે ઝીંદગીમાં પ્રથમવાર આ રીતે ગણિતની એમની આ ‘પહેલી’ ઉકેલ કળાનો પરિચય થયો. એ પછી તો શેખર સર અમારા સૌને માટે ગણિત-સરતાજ બની ગયા. થાકને ૧૯-૨૦ કરીને પણ અમારા દાખલાંઓને ‘૧-૨-૩’ સ્ટેપ્સમાં મીનીટમાં ઉકેલી ‘નવ-દો-ગ્યારહ’ થઇ જતા. કમનસીબે હું તો એમના બીજા વર્ષનો લાભ ન લઇ શક્યો કેમ ગણિત કરતા કેમેસ્ટ્રીની મિસ્ટ્રીમાં મને રસ વધારે હોઈ હું એમાં ખોવાઈ ગયો. પણ એ નહિ. ઘણી વાર તેઓ એમની મેથ્સને પણ અમારી કેમિસ્ટ્રી સાથે ભેળવીને ચર્ચા કરતા. ત્યારે ત્રીજા વર્ષના પાછલા છેલ્લાં મહિનામાં એક વાર મારાથી એક નોખો સવાલ પુછાઈ ગયો.

સર, આપે સક્સેસ (સફળતા) માટેની આપની એવી કોઈ ફોર્મ્યુલા બનાવી છે ખરી જે અમને ધંધમાં કે કેરિયર ડેવેલોપમેન્ટમાં ઉપયોગી થાય?

મેં મારી એક ‘શેખરી ફોર્મ્યુલા’ બનાવી છે!….પણ ભાઈ, તમને એની કઈ રીતે ખબર પડી?

સર, આટલાં વર્ષમાં અમે હવે આપને શેખર સરને બદલે ‘શિખર સર’ કરનાર અને કરાવનાર માનતા થઇ ગયા છે. એટ-લિસ્ટ એવું નોલેજ અમને મળ્યું છે.

હ્મ્મ્મમ, જો આવો સ્માર્ટ જવાબ આપી શકો છો તો..તો પછી મારી એ સક્સેસ ફોર્મ્યુલા આ વખતે તમે ઉકેલી આપો તો હું માનીશ કે તમે સ્માર્ટ સ્ટુડન્ટ પણ છો!

 

કોલેજની શરૂઆતના પેલા બીજા દિવસની અપાયેલી નોટની ઘટના આજે અમને ઇન્વર્સમાં દેખાઈ રહી હતી. દાખલો એમનો હતો ને ઉકેલ અમને આપવાનો હતો.

New_Success_Formula_સફળતાનું_એક_નવું_સુત્ર_(D+P+T) x A = S તો, બાપુ…. એ તો હમજ્યા કે…એમાં S = SUCCESS નો . પણ એમના બાકીના આલ્ફાબેટ્સને ઓળખાતા, સમજતા, ઉકેલતા અમને વાર તો લાગી પણ ખરખરતા મગજનું દહીં એમ ને એમ થોડું થાય છે. આજે કોલેજ કાળ ભલેને છૂટ્યો હોય પણ આ ફોર્મુલાએ અમારો સાથ છોડ્યો નથી. સમયની સાથે એમાં રહેલી સંખ્યાઓ બદલાતી રહી છે પણ ફોર્મ્યુલામાં જરાય ફરક પડ્યો નથી. તમને યાદ હોય તો આપણા પેલા પાછલા બ્લોગપોસ્ટમાં (હજુ ઉભા રહેલા) બીજા નંબરના આડા પ્રશ્નનોજવાબ પણ એમાંજ રહ્યો છે.

તો દોસ્તો, આનો જવાબ હું બરોબર પરમ દિવસે આપું તો કેમ?- તમને ઉકેલ મેળવવા એટલીસ્ટ આટલો સમય તો જોઈશે ને?

ત્રીજી વાત એ કે…ગૂગલમાં, યાહૂમાં કે બિંગ સર્ચ-એન્જીનમાં શોધ કરશો તો પણ એનો ઉકેલ આજે નહિ મળી શકે એની પૂરેપૂરી ગેરેંટી. ઓફ-કોર્સ પરમ દિવસે તો બધે મળી જશે. તો…બોલ્યા વગર કોડ ઉકેલવું શરુ કરવુ છે હમણાંથી જ?

‘સર’પંચ

આ કોડ ઉકેલાતાની સાથે સાથે આ નીચેની ક્લીપ જોવાનું ન ચુકતા.. માઈક્રોસોફ્ટ નજીકના ભવિષ્ય માટે કેવું તૈયાર થઇ રહ્યું છે. રખેને એમાંથી તમને કોઈ જવાબ સૂઝી આવે..