સુખીરામ…આમ તો સુખી માણસ.. ભલો અને ભોળો જીવ એટલે કોઈનું ખરાબ કરવાની નિયત નહિ. બાપદાદાના મળેલા વારસાથી ખરીદેલી જમીન પર સુખી કુટુંબને પોષાય એવું નાનકડું મકાન બાંધીને રહેતો. કામે ખેડૂત એટલે પાક રોકડીયો કરવાની પણ થોડી ત્રેવડ. વધેલી બીજી રકમનો સદુપયોગ થાય એ માટે પડોશીઓ અવારનવાર વિવિધ સલાહોના બીજ વાવી જતા. એટલે વખતે વિચાર પણ એવો જ આવ્યો જે એને છાજે.
દીકરાને કહ્યું “જા ! બજારેથી ફળદ્રુપ આંબાના બીજ લઇ આવ. બીજા પાકોમાં આટલાં વર્ષો લગાવ્યા પણ હવે ભલે થોડાં વર્ષો વધુ લાગે પણ આંબાના લાંબા ગાળાનું રોકાણ મને આશરો અને તને વારસો બંને આપી શકશે.” – દીકરો ખેડૂતપૂત્ર ખરો પણ જીવ ખેતીમાં ન લાગે. માટે બહુ ‘લાંબા થયા વિના’ આંબાના થોડાં બીજ તો લઇ આવ્યો.
સુખીરામની ખુશીનો પાર નહિ. બીજે જ દિવસથી આંબાની ખેતી કરવામાં લાગી ગયો. વ્હેલી સવારમાં ઉઠી આંગણામાં આવેલા નાનકડા પ્લોટ પર કેટલાંક બીજ વાવી દીધાં. ખૂબ કાળજી રાખી દરરોજ તેનું જતન કરવામાં તન મન અને ધન પરોવી દેતો. અસરકારક ખાતર નાખતો, નિયમિત પાણી મળે તેવુ સિંચન કરતો.
સાચી મહેનત રંગ લાવે જ. એમાં કોઈ શક ખરો ?!- સુખીરામની સબર થોડાં વર્ષો બાદ ખીલી ઉઠી. બીજમાંથી છોડ અને છોડમાંથી ક્ષુપ અને પછી વૃક્ષની કાયાપલટ થઇ. ભલે વર્ષો નીકળ્યા હોય પણ મીઠી કેરી માણવાના તેના ઉમંગમાં કોઈ ફરક ન પડ્યો. માત્ર ફળ સારું મળે એની રાહ જોવામાં બીજી ઘણી બાબતો પ્રત્યે બેકાળજી લેવાય એમાં કોઈ શક ખરો ?!?!
…..ને એક દિવસે સુખીરામ કેરીના કરેલા ‘કોડ’ સાથે ઝાડ પર થયેલા પ્રિ-મેચ્યોર’ ફળને ચાખવામાં લાલચ રોકી ન શક્યો. પણ આ શું??!?!?!!!!??? કેરીને બદલે કોઈક બીજા જ ફળનો સ્વાદ???- આમ કેમ બને? ક્યાં કચાશ રહી ગઈ?
દીકરો તો સમજ્યા કે આ બાબતે જાણે અજાણ હતો. માટે પડોશીને મળવું સલાહભર્યું હવે તેને લાગ્યું. ફળ ચાખ્યા બાદ સમજુદાસ પડોશી પણ હવે મુકપણે હસી પડ્યો. કયા મોઢે કહે કે “સુખીરામભાઈ !…તમે વાવેલા બીજ તો જામફળના હતા. પછી કેરીની આશામાં વર્ષો પસાર કર્યા. બીજ વાવતા પહેલા જરી અમને તો પૂછી જોવું હતું મારા ભાઈ?”……..
જો જો દોસ્તો! ક્યાંક આપણે પણ કોઈક મળેલા બીજ વાવી ભળતા ફળની આશામાં તો નથી રહ્યા ને?-
સાગર-ખેડુ સર‘પંચ’
આ ક્લિપ જોયા પછી એમ લાગે છે કે…હાથ કે હાર્ટ ભલે હી છોટા સા ક્યોં ન હો…આશા હર મુશ્કિલ આસાં કર દેતી હૈ!