જે સફળતાના શિખરની ટોચ ઉપર પહોંચે છે, વધુ ભાગે દુનિયા એની ભૂલ સૌથી વધારે ધ્યાનમાં રાખે છે. લિંકન સાહેબ, બિલ ગેટ્સ બાપા, ક્લિન્ટન કાકા, અંબાણી અંકલ, સિંઘ સાહેબ કે મોદી મહારાજ…યા પછી અમે, તમે અને રતનિયો. કોઈ પણ હોય.
સાત મહિના પહેલા હજુ નવું જ લોન્ચ થયેલું આઈ-પેડ ફરીથી તેના નવા વાઘા પહેરી રી-લોન્ચ થયું છે. માર્કેટમાં તેના ફેન્સ નારાજ થયા છે એટલા માટે કે નવું વાપરીને સેટિસ્ફેક્શન મળ્યું નથી ત્યાં એને ફરીથી ઇનોવેટ કરવાની જરૂર શી હતી?
હું ‘એપલ’થી થોડો ખિન્ન થયેલો છું, પરેશાન છું. એટલા માટે કે તેની પાછલી કેટલીક ભૂલોથી તેની પ્રોડક્ટ્સ અને માર્કેટ બંનેમાં લોચાં વાગી રહ્યા છે. આ મારા એકલાનું માનવું નથી. તેનો એક આખો મોટો કબીલો પણ કણસી રહ્યો છે.
જે પ્રોડક્ટ નીકળી છે એને બરોબર વાપરવાનો સમય તો એના ગ્રાહકોને મળવો જ જોઈએ. “નહીંતર હજુ કશુક નવું આવશે ત્યારે લઈશું.” વાળો વિચાર એમને એ પ્રોડક્ટ ન ખરીદવા પર મજબૂર કરી દે છે. એવો વિચાર મને પણ આવે છે.
પ્રોડક્ટનું Segmentation માત્ર માર્કેટમાં જગ્યા પૂરવા માટે સીમિત નથી. એપલ જેના માટે જાણીતું છે, એવા ઇનોવેશનનું ઘણું મહત્વનું છે. જે મને જોવા મળ્યું નથી.
નવા આઈપેડની કળ વાળી નથી ત્યાં ‘આઈપેડ મીની’ ઉતારી દેવામાં આવ્યું છે. વ્હાલો સ્ટિવડો હોત તો આવું કરત જ નહિ. કેમ કે તે આ મીની-બીનીના વિરુદ્ધમાં હતો. આવું એપલના ચીફ ટિમ કૂકે પણ જાહેરમાં સ્વીકાર્યું છે. એટલા માટે કે ગૂગલ, સેમસંગ અને માઈક્રોસોફ્ટ પણ આવી ગયા છે એટલે એમની સાથે ધંધાકીય ઝગડો તો ચાલુ રહેવો જ જોઈએ ને?- ધંધો કેમ ચાલશે?
સ્ટિવ જોબ્સ જીવતો ‘હોત તો’ આવું ન જ કરત એવું હું યકીન સાથે કહી શકું. એવું પણ નથી કે એની સાથે બેસીને મેં ચાહ-પાણી કર્યા છે. પણ સ્ટિવના દિમાગની ‘ચાહત’ છેલ્લાં ૮ વર્ષથી માણતો અને માનતો આવ્યો છું. (એ બધુંયે એની બાયોગ્રાફી કે ઓટો-બાયોગ્રાફી ખુલ્લે આમ લખાયું છે.).
સાલું આવું મેં પહેલી વાર જોયું કે ગામ આખું એપલને ફોલો કરતુ હોય ત્યારે એપલે આ મીની મુકીને ગામને ફોલો કર્યું છે. એપલ તેના હટકે ઇનોવેશન માટે જ જાણીતું છે. પણ આઈપેડ-મીની મૂકી તેણે કોઈ ઇનોવેશન કર્યું નથી.
નો ચાલે એપલ…આડી ઉતરી રહેલી તારી ચાલ બદલ લ્યા. નહીંતર શિખર પર સફળતા જેટલી સુપર-સ્પિડથી મળી છે, નિષ્ફળતાની ખાઈમાં એટલો જ ઊંડી ઉતરી જઈશ…બંધુ!
અલ્યા ભ’ઈ ટિમ કૂક(ડા), અમારો વ્હાલો સ્ટિવડો જોબ્સ તેના એપલને સિઝનેબલ ઉગાડવા માટે જન્મ્યો હતો…નહિ કે રિઝનેબલ ઉજાડવા. જા ભાઈ..જા તારી રસોઈને થોડો નવેસરથી ‘ટેસ્ટ’ આપ.
અમને નવા ફ્રેશ એપલની આશા છે જ. એની પર ‘સેન્ડી’ના ફેરવતો…બાપલ્યા!
.