વેપાર વાઇરસ: “ભૂખ્યાં નથી રહેતાં એ નારી કે નર, ઉપયોગ કરે છે નેટ-કળથી જે પોતાનો હુન્નર”

Creative-Apple-Marketing

સાહેબ! નથી કરવી તમારી નોકરી….જેટલાં રોકડાં હું તમારી કંપનીમાંથી કમાઈ શકું છું તેના જેટલાજ…અરે બલકે થોડાં ઓછા પણ કમાઈ લઈશ તો ય મને વાંધો નહિ આવે. પણ તમારા માટે કમાવવા કરતા મારા ખુદના માટે કમાવવું મને વધારે લાભદાયક લાગે છે.

જો જો પાછા….આ ઉપર મુજબનો ઘસાયેલો ડાયલોગ કોઈ ટેલીફિલ્મ, સિરીયલ કે નાટકનો ન સમજતા દોસ્તો!…

આ સવાંદ તો સાચેસાચ થોડાં વર્ષો અગાઉ બે સ્ટીવો નામના જીવો વચ્ચે બની ગયેલો. અને તેય તેમની પાકા એપલ જેવી ઈંગ્લીશ ભાષામાં…તેમાં બોલનાર હતો સ્ટિવ શાઝીન અને સાંભળનાર સ્ટિવ જોબ્સ.

યેસ!…એનું નામ સ્ટિવ શાઝિન. એ ખરું કે તેના કેરિયરની શરૂઆત એપલ કંપનીમાં તેના હમનામી અને ક્રિયેટિવ કિંગ ‘સ્ટિવ જોબ્સ’ સાથે સોફ્ટવેર પ્રોગ્રામર તરીકે ડાઈરેક્ટ કામ કરીને થઇ. પણ વખતે ગુરૂજ્ઞાન થતા બીજાની ‘જોબ્સ’થી છુટ્ટા પડી પોતાની જોબ મેળવવાની એની અનોખી અદા અને કળા દ્વારા તેણે ‘હજારોમાં (લાખો કરતા થોડાં જ ઓછા સમજવું) હટકે’ ઓળખ પ્રસ્થાપિત કરી છે.

આજે એ સ્ટિવબાબાની એ વેપારીક ભક્તિ થી મુક્તિની જ નાનકડી કથા કરવી છે. વાત ધાર્મિક નથી…માર્મિક છે. ખુદને ગમતા કામનો ધર્મ શું છે તે થોડી સમજવાની છે….ને વધારે ‘એપ્લાય’ કરવાની છે.

તો…સ્ટિવ જ્યારે એપલમાંથી હજારો..હજારો ડોલર્સની નોકરીને મૂકી રહ્યો હતો ત્યારે તેણે વિચાર્યું ન હતું કે આહ્ય્લા!  મારુ પેટ કેમ ભરીશ? મા-બાપને, બૈરી-સાસરાને….અરે દોસ્ત-લોકોને શું મોં બતાવીશ…?!?!?

બસ એ તો દિલમાં હામ, ‘હોમ’માં દિલદારી દાખવી આવી ગયો બહાર જેમ એપલમાંથી અળસિયું.

આ વાત બની છે બસ હજુ થોડાં જ વર્ષ પહેલા…૨૦૦૭ના અરસામાં. ત્યારે ઈન્ટરનેટ પર બ્લોગ નામનું બાળક હજુ પા પા પગલી ભરી રહ્યું હતું. તે વખતે આ બ્લોગબેબીની અસાધારણ પ્રતિભા સમજી લઇને સ્ટિવભાઈએ તેને અપનાવી લઇ નેટાળો બ્લોગી બની ધૂણી ધખાવી દીધી. જેમાં તેણે જુનવાણી લાગતા તેના રિઝ્યુમ/બાયોડેટાને હોમી દીધા. કેમ કે તેના બદલે તેને એક અનોખી ભલામણનો ઉપયોગ કરવાનો હતો.

જો કે એકાદ વર્ષ ખુદના બિઝનેસને જમાવવામાં આરામથી પોતાના કુટુંબ સાથે સર્વાઈવ કરી શકે એટલું રોકડું તો તેણે પહેલાથી ખિસામાં પારખી લીધું હતું. એટલે ટેન્શન એ ન હતું. એ તો હતું કે…આ બ્લોગ પર શું લખવું, કેવું લખવું, ક્યાંથી લખવું, કોને માટે લખવું…

એ તો સારું થયું કે આવા બધાં પ્રશ્નો માટે સ્ટિવઅન્નાને કોઈ પણ પ્રકારનું લોકપાલ બિલ બહાર પાડવું ન પડ્યું. અરે બાપા!…ક્યાંથી જરૂર પડે? એ તો ક્રિયેટિવિટીનું ‘એપલ પાઈ’ ખાઈને ઉપરવાસમાંથી આવ્યો હતો.

એવા અરસામાં આઈપોડ, આઈફોન, આઈમેક, આઈટ્યુન્સ જેવા ઈલેક્ટ્રોનિક શસ્ત્રોથી સજ્જ એપલ કંપની આગે કુચ કરી રહી હતી ત્યારે આ કુચકદમમાંથી ભલેને પોતે નીકળી ગયો હોય પણ હઇશો…. હઇશો…નો ઘોંઘાટ હજુયે ચાલુ હતો. ને તેવા જ ઘોંઘાટમાં તેને એક સુરીલો સ્વર સંભળાયો સ્ટિવભાઈને એક ઉપાય પણ સૂઝી આવ્યો. જેને માટે નોબલ પ્રાઈઝ તો નહિ પણ મજાનું અલગ પ્રાઈઝ મળવાનું હતું જેની તેને ખુદને ખબર ન હતી. એ તો બેસી ગયો માર્કેટિંગનાં મંત્રો ફૂંકવા.  

“એપલના માર્કેટિંગ સિક્રેટ્સ અને મારા અનુભવો દ્વારા તેમાંથી હું શું શીખ્યો?”

બસ! સ્ટિવબાપુને મળી આવ્યો વિષય ને ઠપકારી દીધી ઈ બાપુ એ હાવ નાનકડી ઈ-બૂક….સાવ મફતમાં. કરોડો વાંચકોની વચ્ચે શરૂઆતમાં આ નાનકડી પુસ્તિકા…કોને મળે?…કોણ વાંચે?…પણ સ્ટિવભાઈ એમનું નામ. ગુરુ પાસેથી શીખેલો પદાર્થ પાઠ કાંઈ એમને એમ થોડો એળે જાય? વધુમાં બ્લોગમાં રહેલી પેલી ટેકનોલોજીની રજ  વાળી હવાએ જોર પકડ્યુ. ને જેમને જરૂરી લાગે એવા લોકો પાસે ઈ-બૂક પહોંચવા લાગી. થોડાં જ દિવસોમાં, પછી મહિનાઓમાં, ને આજે તે પાછલાં વર્ષોથી ઈ-બૂક હજુને હજુ વખતો વખત ડાઉનલોડ થતી રહે છે.

તમારો મનમાં જાગેલો સવાલ: મુર્તઝાભાઈ, પછી શું? આમાં સ્ટિવભાઈના કેટલાં ટકા? એમના હાથમાં શું આવ્યું?..કાંકરી કે ખાખરી?

તમારા મગજમાં મુકાતો જવાબ: સ્ટીવ સાહેબની જે તીવ્ર ઈચ્છા હતી તે. તેમને મળ્યું ઉપયોગી થઇ શકે તેવા સમજુ લોકોનું એક ગ્રુપ. અને એ ગ્રુપનો પ્રોફેશનલ સહારો. છે ને…‘સર’પ્રાઈઝ’?!!?!!?

આજે સ્ટિવ શાઝિન ઈન્ટરનેટના પ્લેટફોર્મ પર પોતાની માર્કેટિંગ-કળાનું જ્ઞાન અને સલાહ-સૂચનો દ્વારા કેટલીયે કંપનીઓ અને વ્યક્તિગત લોકોને મદદ કરીને કમાણી કરે છે. સેમિનાર્સ ઓર્ગેનાઇઝ કરી આજની જરૂરી એવા ઇનોવેટીવ માર્કેટિંગના સિધ્ધાંતોને શીખવે છે. એ સિવાય હજુયે ઇનડાયરેકટ એપલનું માર્કેટિંગ તો ખરું જ. કેમ કે તેનું માનવું છે જે ડાળ પર બેઠા હોઈએ તેના પર પથ્થર કેવી રીતે મારી શકાય?

મિત્રો, (અને ખાસ કરીને કોલેજ જતાં દોસ્તો)….. ઈન્ટરનેટ તમને તમારા ભાંગ્યા-તૂટ્યા અંગ્રેજી માટે નહિ પણ દિમાગની નસોમાં છુટાં થઈને ફરતા પેલા આઈડિયાઝને બહાર કાઢવા માટે…

તરસ્યું થઇ બોલાવી રહ્યું છે……

હવે તમે ક્યારે વરસો છો?….

હવે તમને લાગે છે આવું ‘સર’પ્રાઈઝ મળ્યા પછી આજે કોઈ સર ‘પંચ’ની જરૂર છે? – એ માટે સ્પેશિયલ પોસ્ટ ભરી લાવીશ..જલ્દી થી. ત્યાં સુધી…

દોસ્તો, તમારા…દોસ્તોમાં, ગ્રુપમાં, સગાંઓમાં, કોન્ટેક્ટલીસ્ટમાં એવી વ્યક્તિ(ઓ) હોય જેમને આ બ્લોગ ઘણો ઉપયોગી થઇ શકે? તો એમના નામ અને ઈ-મેઈલ નીચેના આ સ્પેશિયલ બોક્સમાં જણાવી શકશો?