ઈન્ટરનેટ પર વેપારના ‘હટકે’ આઈડિયાને પહેલા ‘હીટ કરશો કે ‘હોટ’?

વિચાર-વાઈરસ

ધારો કે તમે એક એન્ટરટેઈનમેંટ પ્રોમોશન (દેસી ભાષામાં ‘ઇવેન્ટ મૅનેજમેન્ટ’) કંપનીના ચીફ માર્કેટિંગ મૅનેજર છો. તમારી કંપની ઈન્ટરનેટના વ્યાપને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ્સ સ્વીકારે છે. ઇનૉવેશન અને ક્રિએટીવીટી જેવા ફેક્ટર્સ તમારી કંપનીના લોકોના લોહીમાં વહે છે. હવે એક દિવસ અચાનક જ તમારા બોસ તમને એકલાને કૉન્ફરન્સ રૂમમાં બોલાવી એક અગત્યના સમાચાર આપે છે.:

“દુનિયાની એક ઘણી મશહૂર કંપની નવા જ બનનાર થીમ-પાર્કનું ટોટલ પ્રોમોશન કરવાનો કોન્ટ્રક્ટ આપણને આપી રહી છે. તમે આ થીમ-પાર્ક તૈયાર થાય અને એનું ઓપનિંગ થાય એ પહેલા જ એવું કાંઈક કરી બતાવો કે ખુબ જ ઓછા (બલ્કે નહીંવત્) એડવર્ટાઈઝીંગ બજેટમાં પણ એનું નામ-જાહેરાત આખી દુનિયામાં ફેલાઈ જાય. આ પ્રોજેક્ટને સફળ બનાવવાની સંપૂર્ણ જવાબદારી હું તમને સોંપુ છું.

ઓલ ધ બેસ્ટ.”

તમારી શું હાલત થાય? માર્કેટિંગના લીડર તરીકે તમે એવું શું કરી શકો કે ખુબજ ઓછા ખર્ચે, ઓછી જાહેરાતના બજેટમાં આ કામ સફળ થાય?

  • શરૂઆતમાં આખા શરીરે પસીનો છૂટી જાય?…
  • આંખમાં અંધારા કે આંસુઓ આવવાની શરૂઆત થાય?…
  • કેરિયરની ‘વાટ’ લાગી જશે એવા મનમાં તોફાનો સર્જાય?…
  • બધું બાજુ પર મૂકી હિમાલયમાં સમાઈ જવાનું મન થાય?…
  • કે કોઈ એક એવી બીજી નાનકડી એડવર્ટાઈઝીંગ કંપનીને ખુબ ઓછા બજેટમાં કન્વિન્સ કરી આખે આખો પ્રોજેક્ટ આઉટ-સોર્સ કરી સોફેસ્ટિકેટેડ રીતે જવાબદારીથી છૂટી જવાનું મન થાય…
  • યા એક ભડવીર યોદ્ધાની જેમ આખો પ્રોજેક્ટ માથે લઇને કાંઈક ‘હટકે’ કરી બતાવવાની ખુશી ખુશી થઇ જાય…

જે પણ થાય તે થવાનું. આપણે ટૅન્શન ન’ઈ લેવાનું. જેને આવું કામ મળ્યું એ છોકરીએ પણ ન લીધું, બલ્કે એણે તો બીજાઓને સોંપી ઊલટું સાબિત કરી આપ્યું કે દરેક મોટા કામમાં એક નાનકડો ઉકેલ સમાયેલો હોય છે. જરૂર છે એને અંદર સર્ચ કરી બહાર નીકાળવાનો. હીટ કરી હોટ કરવાનો યા તો હોટ કરી હીટ કરવાનો…મરજી તમારી!

સિન્ડી ગોર્ડન એનું નામ. પાંચ વર્ષ પહેલા એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એની નવીસવી કારકિર્દીની શરૂઆત. નાની-મોટી બ્રાન્ડેડ વસ્તુઓનું અવનવું પ્રોમોશન કરતા રહેવાનું, ડીઝની-વલ્ડૅ જેવા ખેરખાંની સાથે સતત હરીફાઈમાં ઉતરતા રહેવાનું વાતાવરણ. રોજબરોજ એક નવી ચેલેન્જનો સામનો કરવાની જવાબદારી. ઉફ્ફ્ફ્!!!! હવે એવા વખતમાં એક દિવસ એને પણ આવી જ એક પરિસ્થિતિનો સામનો કરવો પડે જ્યારે એની સામે આખી દુનિયાને પોતાની જાદુઈ સૃષ્ટિ દ્વારા મોહી લેનાર હેરી પોટરના થીમ-પાર્ક ને પ્રોમોટ કરવાની પ્રોપોઝલ આવે ત્યારે શું હાલત થાય?….

તોયે એક ચપળ બિઝનેસ વીરાંગનાની જેમ એણે છેલ્લો ઑપ્શન પસંદ કર્યો. શાંતિથી એવું તિકડમ ચલાવ્યું કે…..ચાલો જાણીએ તો ખરા કે સિન્ડીબેને એવું શું કર્યું કે થોડાંજ કલાકોમાં (દિવસો નહિ) એની અ(સામાન્ય) પ્રોમોશન ટેક્નિકનો જાદુ ઇન્ટરનેટ પર હેરી પોટરના મગલની જેમ આખી દુનિયામાં ફરી વળ્યો. અને એ પણ જાહેરાતનો ખર્ચ કર્યા વગર!… જો એ ચાહતે તો કોઈ મોટી P.R (Public Relations) કંપનીને મળી આઈડિયાઝનો ખડકલો કરી શકી હોત. અમેરિકાના મોટા અખબારોમાં મુખ્ય પાનાં પર મોટી કિંમતની નાનકડી જાહેરાત આપીને વાત ફેલાવી શકી હોત. પણ એ બધું બાજુ પર મૂકી તેણીએ એક અલગ રસ્તો અખત્યાર કર્યો.

સિન્ડીએ થોડીવાર તો મનોમંથન કર્યું કે એવું શું કરવુ કે પોતાને મળેલી જવાબદારીની વાત બહાર જાય નહિ ને જે વાત એને દુનિયામાં ફેલાવવી છે એ અંદર પણ રહે નહિ. દિમાગના થયેલા દહીંનાં થોડાં વલોણા પછી એની મદદે આપણી ગુજ્જુ સ્ટાઈલ વાળી ‘ઓટલા પરિષદ’ના તુક્કાનુ માખણ તરી આવ્યું. (આખરે સ્ત્રી ખરીને). ઈન્ટરનેટના બ્લોગ-બજારમાં આમ તો એ પોતાનું નાનકડું સ્થાન ક્યારનીયે બનાવી ચુકી હતી. એટલે એણે અલગ-અલગ શહેરોમાંથી એવા ફક્ત ૭ જણાને પસંદ કર્યા જે એની વાતને ધ્યાનપૂર્વક સાંભળી શકે અને વાતને વાઈરસની જેમ ફેલાવી પણ શકે.

આ ૭ બ્લોગર્સ એવા હતાં જે હેરી પોટરની જાદુઈ દુનિયામાં ચારેબાજુથી જોડાયેલા હતાં. એમની સાઈટસ પર હજારો-લાખો એવા વાંચકો (આપડે ‘ફેન’ કો’ને બાપુ!) આવતા (અને હજુયે આવે છે હોં!) જેમને માટે હેરી પોટર એક સુપર હીરો હોય અને એના વિશે જોડાયેલી દરેક વાતમાં દરરોજ કાંઈક ને કાંઈક નવું જાણવા તલ-પાપડ રહેતા હોય. સિન્ડીબેને એ બધાંને એની નાનકડી ઈ-મેઈલ આમંત્રણ-પત્રિકામાં એક મોટી વાત લખી.

“દોસ્ત, હેરી પોટરનાં થીમ-પાર્ક વિશે મારે તમને એક વિશેષ સમાચાર આપવા છે. વાત ઘણી ખાનગી છે. તારીખ-વાર આ મુજબ છે. તૈયાર રહેજો.”

આ ૭ જણાને તો જાણે અમેરિકાના પ્રેસિડેન્ટનું તેડું આવ્યું હોય એમ લાગ્યું. એ લોકો માટે આ વાત ખાસ કરતા પણ કંઈક વિશેષ બની ગઈ. કેમ કે આ ‘થીમ-પાર્ક’ વિશે એમણે પહેલી વાર સાંભળ્યું અને એ વિશે વધુ જણાવવા એમને જાણે એક ખાસ મહેમાન તરીકે ઇન્વાઇટ કરવામાં આવ્યા હતાં! આ ખાસ મીટીંગ ‘વેબિનાર’ (ઈન્ટરનેટના માધ્યમમાં થતો સેમિનાર) હતી.  (એમ જ કો’ને કે દરેકને પોતાના ઓટલા પર જ બેસી રહેવાનું હતું!). જ્યાં આ જમાત એકબીજાના કોમ્પ્યુટરથી લાઇવ જોડાવાની હતી.

નિયત સમયે (૩૧મી મે ૨૦૦૭) સિન્ડીએ આ ૭ જણની પેનલને ‘સિન્ડિકેટ’ કરીને થીમ-પાર્ક વિશે પ્રસ્તાવનારૂપ માહિતી આપી. સૌને વિશ્વાસ બેસે એ માટે થીમ-પાર્કના વાઈસ-પ્રૅસિડેન્ટ મી. સ્કોટ ટ્રોબ્રીજ દ્વારા જ એમની સામે ટૂંકમાં થીમ-પાર્કને લગતા વિચારો, પ્લાન્સ, આયોજનના વાઈરસ ફેલાવી દેવામાં આવ્યા. કારણ કે સિન્ડી એક જ બેઠકમાં બધી જ માહિતીઓ આપી દે એટલી મૂર્ખ પણ ન હતી. એ જોવા પણ માંગતી હતી કે એની આટલી માહિતીની પણ શું અસર સર્જાય છે. બીજી માહિતી પછી કેમ, કેવી રીતે આપવી એ કામ આ વેબિ‘નાર’ પર નિર્ભર હતુ!

હવે આ તરફ ૭ સમુરાઈ બ્લોગર્સ તો માહિતીઓનો નાનકડો બોમ્બ લઈને એમાં રહેલા વાઈરસનો વરસાદ ફેલાવવા મરણીયા બની ગયા. કેમ કે એમને એ દેખાઈ ચુક્યું હતું કે એમની બ્લોગ-સાઈટ પર અનિયંત્રિત ટ્રાફિક જામ થવાનો હતો. અને થયું પણ એમ જ. થોડાં જ કલાકોમાં એમના ચક્રો ગતિમાન થઇ ગયા. પોતાના ‘હેરી’ દોસ્તો, સગા-વ્હાલાઓ, બ્લોગ-રીડર્સ પર ઈ-મેઈલથી, ટીઝર્સથી, લેખોથી આ ખબરનો મારો ચલાવી દીધો. તમાશાને તેડુ થોડું હોય!?!?…

જયારે બીજી તરફ થીમ-પાર્ક બનાવનાર મુખ્ય કંપની યુનિવર્સલ રીઝોર્ટ પણ શાણી નીકળી. એ પણ આ ત્રાટકનાર આઇડિયા-વાઈરસની અસલી અસરનું પ્રતિબિંબ બતાવવા પોતાની સાઈટ પર સમાચારને સમર્થન આપવા પુરતી માહિતીનો મસાલો ભરી તૈયાર થઇ ચુકી હતી. આ બધાં બ્લોગ-વિઝીટર્સનાં મેટ્રીક્સ-એનાલિસીસ દ્વારા આંકડો બહાર આવ્યો. અઠવાડિયામાં તો લગભગ ૩૫૦ મિલિયન (૩૫૦,૦૦૦૦૦૦) લોકોને આ ‘ખાનગી સમાચાર’ની ખબર વાયુ-વેગે પહોંચી ચુકી હતી.

“ગાંડાઓના ગામ ના હોય અલ્યા! એ તો જગેજગ ફેલાયેલા હોય.” એની સિન્ડીને પણ ખબર હોવી જોઈએ. ૧૮મી જુન ૨૦૧૦ ના દિવસે જ્યારે આ થીમ-પાર્ક ઓરલાન્ડોમાં લાખો લોકોની સામે ખરેખર ખુલીને ઊભો હતો ત્યારે એક નાનકડા વિચાર-વાઈરસની આટલી જબરદસ્ત અસર થશે એવું સિન્ડીને માનવામાં……..આવતુ જ હોય ને પ્રભુ!

સિન્ડીના ઓટલા પરિષદનો આ તુક્કો ખરેખર હીટ ગયો. કેમકે એણે હેરી પોટરના ‘ફેન્સ’ને સૌથી પહેલું મહત્વ આપ્યું. એને ખબર હતી કે ઇન્ટરનેટ પર સામાન્ય વાંચન વાંચતા રહેતા સામાન્ય રીડર્સ કરતા ખાસ વાંચન વાંચતા ખાસ વિષયના વહાલાં રીડર્સને ડાઈરેકટ કોન્ટેક્ટ કરવામાં વધુ સમજદારી છે. એ જ લોકો એના વિચાર-વસ્તુને ને હોટ કરી હીટ શકે છે. (આ ખાસ પેરેગ્રાફ પણ ખાસ કરીને વાંચજો દોસ્તો!)

“ના હોય યાર! શું વાત કરો છો?…આવું ખરેખર થયું?” તમને મનમાં થતું હશે. પણ દોસ્તો…એવું થયું અને હજુ એનાથીયે જોરદાર ઘટનાઓ બની છે, બનવાની છે…બનતી રહેશે. દિલમાં હામ હોય..દિમાગમા આઈડીયાનો જામ હોય પછી શું કામ ના હોય?!?!?!? વિચારનો વેપાર કાંઈ આમ જ થાય છે?

જો સિન્ડી ગોર્ડન કરી શકતી હોય તો ઓટલા પરિષદના માસ્ટર ગુજરાતીઓ આપણે કેમ નહિ? છે એવું કોઈ જેમણે એના જેવું યા એને પણ બાજુ પર મૂકી દે એવું કોઈ વૈચારિક સાહસ કર્યું હોય?!?!?! જો હા હોય તો બોસ! નેક્સ્ટ સ્ટોરી તમારી…પાક્કી!

હવે હેરી પોટરની ચોપડી  વિશે આપડી ભાષામાં વાંચવાનું હોય ત્યારે શબ્દગુરુ જયભાઈની સાઈટ પર ‘જય’ બોલી આવવાનું: http://goo.gl/0GkgM

‘સર’પંચ:

વેપારની દુનિયામાં પણ ૪ પ્રકારની વ્યક્તિઓ જોવા મળે છે. : ૧. શેઠિયા૨.વેઠિયા ૩. પોઠિયા૪. ગઠિયા. આપણે આપણી જાતને કઈ કેટેગરીમાં મુકીએ છે એની પર આપણા વેપારનો આધાર છે.