વ્યવસાયની, કેરિયરની કે લાઈફની ચકમક પર ચમકતાં, ચમકી રહેલા અને ચમકવા મથતા સર્વે સાહેબો, દોસ્તો, મિત્રો, ભાઈઓ, બહેનો, સખીઓ,
એક રિક્વેસ્ટ આવી હતી. “મુર્તઝાભાઈ, હોળી પર તો વેપારના રંગોવાળી બ્લોગ-પોસ્ટ લખી તમે અમને રંગી નાખ્યા હવે દિવાળી પર પણ વેપારના પહેલુંને લઇ એની પર પ્રકાશ પાડો તો ખરા…”
ચેલેન્જ તો આવી. ને મને વિચાર કરતો મૂકી ગઈ. તહેવારોના આ રાજાની ભવ્યતાને વેપાર સાથે શી રીતે સાંકળી લઉં? એટલે હાથમાં ખાલી કોડિયુ લઈને શબ્દો શોધવાની શરૂઆત કરી. પણ ચિનગારી કોઈ ભડકે તો ને?
એટલા માટે કે…દિવાળી, દીપાવલી, દીપોત્સવી કે બીજા કોઈ પણ સર્વનામથી તેને બોલાવો તો પણ આ ‘લાઈટ’ના તહેવારનું મહત્વ હંમેશા ‘ભારે’ જ રહેવાનું છે.
બોસની બૂમાબૂમ, સપ્લાયર્સની સતામણી સાથે અસંતુષ્ટ ગ્રાહકોની ગરમાગરમી વચ્ચે મગજ સલામત અને ક્રિયેટિવ રાખવું એ ફટાકડાંના બોક્સને આગથી કે ચિનગારીથી પણ સલામત રાખવા બરોબર છે. ઘણી બાબતો આપણા હાથમાં નથી હોતી…સરકતી જાયે રુખ સે નકાબ..આહિસ્તા આહિસ્તા !
જેમ ટેન્શન દૂર કરવા માટે એન્ટી-ટેન્શન્સની ગોળીઓનું પેકેટ પણ હાજર જ હોય છે તેમ હાથમાં કાયમ રાખી શકાય એવી તાકાતનું નાડું આપણને જન્મતાની સાથે જ મળી ચુકયુ છે.. પણ હાય રે કિસ્મત…ઉતાવળે એ જ ઢીલું રહેતું હોય છે. એવું મને પણ થયું. નજીકમાં જ નાનકડો દિવો સળગી રહ્યો હતો ને મને ‘લાઈટ’ થોડીવાર પછી દેખાણી !
આ નાનકડો દીવડો એટલે મને ગમતો એક એવો માણસ જેમને હું એમને સંત પુરુષ તો નહિ કહું. કેમકે એમણે એવું કહેવા મનાઈ હુકમ ફરમાવ્યો છે. આવું એટલા માટે કે એ ન તો એ કોઈ કથા કરે છે યા પ્રોફેસરી. કવિતા એમને ગમે ખરી પણ હાથમાં થેલો ક્યારેય ન ભરાવેલો.
લાખો-લાખોની કમાણી કરી હોય અને થોડાં વધારે લાખો દાન-ધરમમાં ખર્ચી નાખ્યા હોય તે પછી પણ એ વ્યક્તિ રહી છે જ સાવ સીધી સાદી. તમે કાં તો ૨૦૦-૩૦૦ પાનાંની કોઈક મોટિવેશનલ બૂક વાંચી લ્યો યા પછી ૨૦-૩૦ મિનિટ્સ એમની પાસે જઇ બેસી આવો…..બંને એક સરખું કામ થઇ જાશે. ચોઈસ ઇઝ અવર્સ.
સવાલના જવાબ આપવામાં મોં કરતા એમનો હાથ વધારે ચાલે. એનો અર્થ એમ કે… દા.ત. પૂછીએ કે “બાબજી ! ફોર્ચ્યુન મેગેઝિનનો લેટેસ્ટ અંક આવ્યો છે?” ત્યારે જવાબ કહેવાને ‘હા’ બોલવાને બદલે સીધો હાથમાં થમાવી દે.
યા પછી “સાહેબ ! સંસ્થાની મિટિંગના ગેસ્ટ તરીકે આપ આવી શકશો?” તો જવાબમાં માત્ર “પ્રોગ્રામ બોલો’ સાંભળવાની ટેવ રાખવી પડે. (એક તો એ યાદ નથી આવતું કે તેઓ ગુસ્સે કઈ સાલમાં થયા ‘તા?)
એટલે હવે એમને એક સત્પુરુષ કહેવામાં મને ન તો એમની પરવાનગીની જરૂર છે ન મનાઈની….
થોડાં અરસા અગાઉ એમને પૂછી આવ્યો “અંકલ ! દિવાળી નિમિત્તે વેપારને લગતા એવા કેટલાંક પોઈન્ટસ જોઈએ છે. જે સીધાં હોય અને સાદા હોય. આપી શકો?” –
કોફી કપ પીવાના ૧૫ મિનિટ પછી એમની જૂની ડાયરીમાં ગાંધી-છાપ અક્ષરો મને ઉકેલવા પડ્યા ત્યારે ધમાકેદાર ‘ક્રેકર્સ’ બહાર આવ્યા છે. વાંચ્યા બાદ લાગશે કે એનો અમલ કર્યા પછી કેવો દિ’વળે છે. જોબ મુક્યા પછી મારા દિ’ એમાંના કેટલાંક તારલાંઓને લીધે ઘણાં ફરી ગયા છે.
ચલો હવે જરા જોઈ તો લઈએ કે એમની સચવાયેલી નોંધના તારલાઓઓ હવે અહીં કેવા ચમકી રહ્યાં છે….
- આજથી વેપાર સાથે જોડાયેલા કોઈક એકને ફક્ત એક કામ માટે પણ ઉપયોગી થઈશ. ભલે પછી એમની પાસે કાંઈ પણ ના હોય.
- આજથી મારા ગ્રાહકોને ‘થેન્ક્યુ’ અને ‘માફ કરશો’ શબ્દોનો ઉપયોગ (ગઈકાલ કરતા) વધુ કરીશ.
- આજથી મારી જાતને મારી પ્રોડક્ટ/ સેવા માટે થોડી વધુ કિંમતી બનાવીશ. જો એમ કરીશ તો જ મારી કસ્ટમર-સર્વિસ કિંમતી બનશે. (કોઈ શક?)
- આજથી વેપારમાં કોઈ મુશ્કેલી આવશે તો એને મારી તાકાત કરતા નાની બનાવી દઈશ. (સરફરોશીકી તમન્ના જાગી હૈ)
- આજથી કમસેકમ ૩ ગ્રાહકોને (દિલથી) કોમ્પ્લીમેન્ટ્સ આપીશ. (મોબાઈલ કે ઈ-મેઈલના પૈસા ચાર ગણા વસૂલ થયા સમજો)
- આજથી મારા માર્કેટમાં બનતા એવા ચમત્કારો પર નજર રાખીશ જેનાથી અત્યાર સુધી હું અજાણ રહ્યો હોઉં.
- આજથી વેપારની સાથે સાથે મને ખૂબ ગમતા ક્ષેત્રની આવડતને બની શકે એટલી વધારે ઈમ્પ્રુવમેન્ટ કરવા મહેનત કરીશ. (પિયાનો વગાડવાનો બવ સોખ હતો?….પણ બાપા એ પીપૂડી અપાવી ને ચુપ કરી દીધેલો?- (જાવ શોધી લો કોણ એનો માસ્તર છે?)
- આજથી પેલી જે કુટેવોએ મને જકડી રાખ્યો છે એમાંની એકને હરાવવાની વધુ કોશિશ કરીશ. (આમાં પાન-તમાકુ-બીડી-ટી.વી ના જેટલાં બંધુઓ અને બંધાણી હોય એ બધાં આવી ગયા એમ સમજી લેવાનું)
- આજથી એવા ૨ કામો જરૂરથી કરીશ કે જે મારી આરામદાયકવૃતિને તોડી મને બહાર લઇ જાય.
- આજથી મને આવતી કાલે બેહતર શું કરવું છે એ વિચારવા માટે કમસેકમ ૧૦-૧૫ મીનીટનો સમય એકાંતમાં ગાળીશ.
- આજથી પેલા ઉંઘના શેતાનને વહેલી સવારમાં જ હરાવી દઈશ જે મને મોડા ઉઠાડવા માટે દબાવી દેતો હોય છે.
- આજથી જમવામાં જે પણ બ્રેડ, રોટલી કે શાક મળ્યું છે એને ગનીમત સમજી જમતા-જમતા આભાર માનીશ. (પત્નીને કાંઈ પણ નહિ કહેવાની શરતે હોં)
- આજથી જેણે મને આ દુનિયામાં રેહવાની સગવડ કરી આપી છે એવા મારા ‘ખુદના ખુદા’ સાથે એકાંતમાં થોડી પળો વીતાવીશ. (એક વાર ડેટિંગ તો કરી જોવા જેવી છે, યાર!)
- આજથી દિવસ દરમ્યાન મેં કેટલું લણ્યું એના કરતાં કેટલું વાવ્યું એનું મૂલ્યાંકન કરીને ટેન્શન-ફ્રિ થઇ સુઇશ.
હવે તમે જ કહો ‘થોરામાં ઘન્નું’ કે’નારો આ મજ્જાનો માનસ એના એક્સપીરીયન્સ પરથી આવું સ્ટારિંગ કરે તો કોઈની મજાલ છે કે આપરો દિ’ બગાડી શકે? – ત્યારે આટલું બી ન્હ થઇ શકે તો ‘કોલાવરી ડી’ ગાયા કરવું જોઈએ, શું કો’ છ્ચ?
લ્યો ત્યારે…તમતમારે દેશી ભાવે ‘સાલ મુબારક’ કે’જો ને હું અરેબિકમાં ‘કુલ્લુ આ’મ વ ઇન્તા બા ખૈર વ તય્યેબિન’ કહીને ફકત વિદા થાઉં છું.