IPhone 5C: colorful Or cheap ? યા કુછભી નયા નહિ મિલા રે….?!?!

iPhone 5C

શહેરના કોઈ સોફિસ્ટિકેટેડ જુવાનને ગામડાનો ભાતીગળ પોશાક પહેરાવી (સમજો કે તરણેતર)ના મેળામાં છુટ્ટો મુકવામાં આવે તો કેવો લાગે?- એવો જ ગઈકાલે લોન્ચ થયેલો એપલનો નવો ફોન iPhone 5C બન્યો છે.

“મારા ગ્રાહકોને શું જોઈએ છે, હું તેની પરવા કરતો નથી. પણ એમને કેવી બેસ્ટ અને યાદગાર પ્રોડકટ/સર્વિસ આપી શકું એ બાબત મારા માટે વધારે અગત્યનું છે.”

એવું કહેનાર અને માનનાર સ્ટિવ જોબ્સે વર્ષો સુધી ખુદના આઈડિયા પરથી સુપર સક્સેસીવ માર્કેટ ચલાવ્યું. પણ હવે તેના ગયા પછી ઘેંટાના ટોળાની જેમ ડિમાંડ પૂરી કરતુ એપલે ‘ઇનોવેશન’ના જીનને સ્ટિવની કબરમાં પુરી દીધું હોય એવું લાગી રહ્યું છે. જે થઇ રહ્યું છે તે માત્ર ઇમ્પ્રુવમેન્ટ. નો ઇનોવેશન!- વાત પૂરી.

મોબાઈલ-ટેકનોક્રેટ્સ અને તેના સર્વે હરીફોએ ગઈકાલના લોન્ચ બાદ “કુછભી નયા નહિ મિલા રે….” કહી ખંધુ હસીને પાર્ટી મનાવી છે. તેની સામે એન્ડ્રોઇડ અને સેમસંગને કેટલાંક બોનસ પોઈન્ટ પણ મળ્યા છે.

ખૈર, -.-.-.-.-.-.-.- ધારો કે એ જ સ્ટિવ ફરીથી ક્યાંકથી પેદા થઇને પાછો આવી જાય તો સૌથી પહેલું કામ થોડી વાર માટે જ રડવાનું તો કરશે. પણ સાથે સાથે ‘માતૃ-ભગિની’યુક્ત વિદેશી શબ્દ-પ્રયોગો કરશે.

પછી તેના હાલના CEO ટિમ કૂકને ક્યાંક મોકલી દેશે. પછી તડીપાર કરાયેલા તેના એન્જિનિયર સ્કોટ ફ્રોસ્ટેલને પાછો લઇ આવશે અને સોફ્ટવેરની અનોખી નવી સિસ્ટમ લઇ આવશે.

પછી તેના જીનિયસ ડિઝાઈનર જોનાથન ઇવ પાસે કોઈક મરી પરવારેલા હાર્ડવેરમાં નવો જાન ફૂંકી હાર્ડવેર માર્કેટમાં રેવોલ્યુશન લાવશે. અને આ જોઈ મારા જેવાં વર્લ્ડ-વાઈડ ચાહકો ૭૨૦ અંશના ખૂણે નાચવા લાગશે.

આ હું યકીન સાથે એટલા માટે કહી શકું કે પાછલાં દસકાથી એ સ્ટિવડાના દિમાગી દીવડાને સળગતો જોયો છે. મેં તેને સમયાંતરે ‘અશક્ય’ નામના શબ્દ માંથી ‘અ’ કાઢતા જોયો છે. – (પૂછના હૈ તો મેરે દિલસે પૂછો કે મૈ હોર્લિક્સ ક્યોં પીતા હૂ?).

પણ હાય રેએએએએ! વોહ દિન કહાં સે લાયેએએએએ?

બટ ફિકર નોટ! અત્યારે સ્ટિવ જેવો જ એક ડાયનામિક અને મસ્ત માણસ માર્કેટમાં આવી ગયો છે.: ટેસ્લા કંપનીનો માલિક મી. એલન મસ્ક. એની પર નજર રાખવા જેવી છે. લીખ લો ઠાકુર કુછ નયા આ રહા હૈ!

વેપાર વાવડ:: iOS 7- નવી બોટલમાં ભરાયેલો એપલનો જુનો વાઈન…

ios7_Apple's Latest Mobile Operating System

2013 (C) Apple.inc.

નવા સ્વાદ, આકાર અને રંગો સાથે પાકીને આજે આવેલા એપલની કેટલીક વાતો….

ભડકદાર પેસ્ટલ રંગો, ફ્લેટ આઈકોન્સ, સ્લિક ફોન્ટ અને બ્લેક/વ્હાઈટ ઇન્ટરફેસ જેવી અસરો સાથે ‘કહેવાતા અપડેટ્સ’ લઇ આખરે એપલે આજે તેના મોબાઈલ ડિવાઈસીસમાં વપરાતી (ઓપરેટીંગ સિસ્ટમ) iOS7 ને લોન્ચ કરી જ દીધી.

સાચું કહું?- એપલના એક એપ-ફેન તરીકે મને કાંઈ નવું નથી લાગ્યું. એટલા માટે કે…ગૂગલે તેની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં આ બધું ક્યારનુંયે અપડેટ્સ કરી ‘લાઈખું’ છે. અને હજુ ગયે મહિને થઇ ગયેલી તેની કોન્ફરન્સમાં આના કરતા પણ આગળ નીકળી ચૂકેલી ટેકનોલોજીની ‘વાત્યું’ બતાવી ચુક્યું છે.

વિશ્વની ૪૦%+ મોબાઈલી પ્રજા અત્યારે તેનો અસરકારક સોફ્ટવેર વાપરી રહી છે. હા! એ વાત જરૂરથી કબૂલવી છે કે…તેની પાછળ રહેલી પ્રોસેસ અને ફાસ્ટર રિઝલ્ટ્સ માટે ગૂગલે હવે એપલ કરતા થોડી ઝડપ વધારવી પડશે.

આ ઉપરાંત, એપલે તેનું સાવ હટકે ડિઝાઈન સાથે મેક-પ્રો પણ લોન્ચ કર્યું છે. સુપર એડવાન્સ ડેસ્કટોપ કોમ્પ્યુટર તરીકે આવનારા આ કોમ્પ્યુટર વિશે કહું તો…

“૭ ‘ગૂગલ કંપનીઓ’ ભેગી થઇને નવું કમ્પ્યુટર બનાવે તો પણ એપલની હાર્ડવેર ટેકનોલોજીને તેઓ ક્યારેય તોડી કે હરાવી નહિ શકે. અત્યાર સુધીમાં જેટલાં કોમ્પ્યુટર્સ માર્કેટમાં ‘ચાલી રહ્યાં’ છે તે સૌને ઝટકામાં આ લેટેસ્ટ મેક-પ્રોએ ‘ટચ કર્યા વગર ચટ’ કરી નાખ્યા છે. સલામ છે…તેના બ્રિલિયન્ટ ડિઝાઈનર જોનાથન ઇવને, તેના કોન્સેપ્ટને, તેમાં રહેલી અન-બિટેબલ ટેકનોલોજીને.

એ સિવાય આજે તેના WWDCમાં જે અપડેટ્સ આવી રહ્યાં છે તે વધુ ભાગે થોડાં જ ‘ફાસ્ટર અને મજબૂતર’ જણાયા છે. કેમ કે…ગૂગલ તેની ‘લવિંગ કેરી લાકડી’ લઈને સાથે જ ઉભું છે…હૂડ દબંગ દબંગ હૂડ!

દોસ્તો, એપલીયા માટે મારું તો ફરી પાછુ એ જ રોદણું છે…બાપલીયા:

“પ્યારા સ્ટિવડા ! જો તું હયાત હોત તો તે આ બધું એક-દોઢ વર્ષ પહેલા જ ‘હોટ’ બનાવી દીધું હોત. અત્યારે તારા ‘વાલા’ઓ જે કાંઈ કરે છે ઈ હંધુયે ઇનોવેટીવ ઓછું ને….ઇમ્પ્રુવમેન્ટ વધારે કરે છે.

એ ભ’ઈ, તું ખુદા ને કે’તો ખરો કે તારી લાઈફનું થોડાં મહિનાઓ માટે કાંઈક રી-ઇન્સ્ટોલિંગનું શેટિંગ કરે. આમ તો તે બવ ઈમ્પોસિબલ કામો કરેલા છે તો પછી આજે કેમ ચુપ છે, લ્યા હેં?!?!?!?

વેપાર વ્યકતિત્વ: || ‘એશ’ ને કિયા કેશ! ||

Ash-Bhat- WWDC Winner

દરવર્ષે જુન મહિનામાં એપલ કંપની તેના ખાંટુ સોફ્ટવેર ડેવેલોપર્સ માટે WWDC નામના ૪ દિવસના વર્કશોપનું આયોજન કરે છે. જ્યાં થાય છે, મગજની નસનું અને એપલના ડિવાઈસીઝને ધક્કો મારતા સોફ્ટવેર્સનું અપડેટ્સ અને હાર્ડવેરનું અપગ્રેડ.

આ વર્ષે તેના વર્કશોપની ફી ૧૫૦૦/- ડોલર્સ રાખવામાં આવી છે છતાં તેની ટિકિટ સેકન્ડ્સમાં વેચાઈ ગઈ છે. મહિનાઓ અગાઉથી આ વર્કશોપમાં આવનારી અને અપાનારી બાબતોને એપલ પોલીસી મુજબ ખૂબ સિક્રેટ રાખવામાં આવી છે.

તેના પ્રથમ દિવસે કી-નોટ પ્રવચન સાથે જ માહિતીના, જ્ઞાનના રહસ્યમય પડદાઓ ખુલે છે. જેમાં આવનાર સૌને લાગે છે કે….( હાળું ૧૫૦૦ ડોલર્સમાં આ લોકો ગંજાવર કન્ટેનર ભરાય એવું આપે છે અને આપડ ખાઆલી બાલ્ટી-ટમ્બલર લઈને ઉભા છઇયે.)

ખૈર, આ ૧૦મી જુને પણ આવું જ કાંઈક બનવાનું છે. પણ આ વર્ષે પહેલી વાર એપલે એક ખેલ કર્યો છે. હજુ સ્કૂલમાં જ ભણતા એવાં ૧૫૦ વિદ્યાર્થીઓને સ્પેશિયલ વર્ગ માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે જેઓ સોફ્ટવેરમાં કાઠું કાઢી રહ્યા છે. એમાંથી પણ માત્ર એક જ ખાસ સ્કોલરશીપ માટે પસંદ કરવામાં આવ્યો છે.

અને મને આજે આ ખાસ વ્યક્તિની જ આજે વાત કરવી છે. એનું નામ છે:

અક્ષત ભટ્ટ (એશ ભટ)

૧૬ વર્ષનો આ બટુકિયો NRI ગુજ્જુબાબો આ વર્ષે WWDCમાં તદ્દન મફતમાં બધી જ મોજ માણશે. એપલ તેને પ્રાઈઝ અને પબ્લિસિટીથી માલામાલ કરવાનું છે.

કારણકે કે…તેણે બહુ મહેનત કરી છે. (એનો અર્થ એમ નથી કે તેણે ચા ની કીટલીએ કપ-રકાબી ધોયા છે કે ૨૦ કિલોની સ્કૂલ બેગ ઊંચકી છે.)

પણ એટલા માટે કે…અક્ષતે WWDCના વર્કશોપમાં વાપરી શકાય એવી વોઇસ-ઓપરેટેડ મોબાઈલની એપ્લિકેશન બનાવી છે. જેના દ્વારા આવનાર બીજાં બધાં વિઝીટર્સ તે વર્કશોપને લગતી દરેક બાબતોથી અપડેટ્સ મેળવતા રહેશે.

ક્યાંથી જવું? શું અને કેવી રીતે મેળવવું? જેવી બાબતો ઉપરાંત બીજી ઘણી માહિતીઓ માત્ર બોલીને હુકમ કરવાથી તેમાં સતત અપડેટ થતી રહેશે અને મદદ કરતી જશે.

એપલના એસોસિએટ્સને આ ‘એશ’ અને તેની ‘એપ’ બહુ એટ્રેક્ટિવ લાગ્યા છે. અને એટલે જ આ વર્કશોપ અને પછી વધુ અભ્યાસર્થે સ્કોલરશીપ આપવાનું ઠરાવ્યું છે.

એશની પ્રોફાઈલ પર એક નજર કરવાથી ઘણી બાબતો જાણી શકશો.

http://www.linkedin.com/in/ashbhat

જ્યારે તેના બીજાં અચિવમેન્ટસ માટે ‘ગૂગલ’જી ભટ્ટ તેની જોશપોથી ખોલીને તૈયાર બેઠાં છે. બસ માત્ર સર્ચ-લાઈટ મારવાની છે.

સકર ‘પંચ’ 

“જો કેરિયરમાં આ રીતે ફાસ્ટ ‘કેશ’ કરવી હોય તો…તો ‘એશ’ જેવા બનવું યા મોબાઈલ એપ બનાવવી.”

વેપાર વસ્તુ: તંદુરસ્ત ડાળીઓ વધારતું એપલનું નવું જ આઈ‘પેડ’

New iPAD

(c) Apple.com

“એપલની કોઈ પ્રોડક્ટ ખરીદવી એટલે ૯૯ વાર વિચાર કરીને ૧૦૦મી વારે ખરીદવા જવું જ જોઈએ.”

એવું કોઈ કથન સ્ટિવાજી જોબ્સ મહારાજે  કહ્યું નથી. એ તો મારું માનવું છે. અલબત્ત તેની વસ્તુઓ (બીજી પ્રોડકટ્સની સરખામણીએ) મોંઘી જરૂર કહી શકાય. પણ તોયે એના જેવી ૧૦૦% ક્વોલિટી કોણ આપી શકે છે?

નવું આઈ-પેડ (ઇનડાયરેકટલી નંબર-૩ કહી શકાય) જે હજુ સાતમી માર્ચે જ જાહેર થયું. તેના ઓફિશિયલ લોન્ચિંગ પ્રોગ્રામ જોવા માટે બીજાં કામો બાજુએ મુકીને પણ સવા કલાકનો સમય નેટ પર અલગ ફાળવ્યો.  

પણ પછી સવાલ એ થયો છે કે એ ખરીદવું જોઈએ?

મને તો ઘણું જ મન છે. આમ તો કોઈને વગર કહ્યે દેવું કરીને પણ ઘી પી શકું છું. પણ પત્નીને અવગણી કેમ શકાય?!?!?- જ્યાં બીજી ઘણી ઘરેલું વસ્તુઓ માટે હું તેની સાથે ‘બ્રેઇન-વોશ કે સ્ટોર્મિંગ કરતો હોઉં ત્યારે આ બાબતે પણ પહેલા તો તેને મનાવવી પડે ને પછી એ માટે ઉંચી કેશ પણ ચૂકવવી પડે.

…પણ એને કહેવાની હિંમત થાય તો ને? ગયા વર્ષે આઈફોન-4S પર આ લેખ તો લખાઈ ગયો. પણ તેનો અનુભવ મેળવવા માટે અમારા એક સગા-વ્હાલાને મનાવવા પડ્યા એટલે થોડાં દિવસો માટે કામ થઇ ગયું પણ હવે ઈ પેડના બંધાણી (એડિક્શન) થ્યા પછી બાપુ કરે પણ હુ?..?!?!….

ખૈર, એ જ્યારે આવશે ત્યારે વાત. ત્યાં સુધી આ નવા કહેવાતા આઈપેડમાં ઘણું બધું નવું શું આવવાનું છે. એ વિશે તમને સૌને જણાવી દઉં..

  • રેટિના-ડિસ્પ્લે: અત્યાર સુધી કોઈ પણ કોમ્પ્યુટર, ટી.વી કે મોબાઈલમાં ન આવી હોય તેવી દ્રશ્ય-ટેકનોલોજી. સમજોને કે…ભમરાના પગમાં ચોંટેલી પરાગરજ પણ (તેના પગે પડ્યા વગર) ઝૂમ કર્યા વિના જોઈ શકાય.
  • સુપર A5X પ્રોસેસર: સેકંડમાં ચાલુ થઈ એકસાથે ૪-૫ કાર્યો કરી શકે તેવી સંત-ક્રિયા કરવા શક્તિમાન!..એ પણ સતત ૧૦ કલાક સુધી.
  • 4G LTE : સુપર ફાસ્ટ ડાઉનલોડ થઇ શકે એવી અલ્ટ્રા બેન્ડવિથ. ઓનલાઈન ફિલ્મ ક્લિક કરતા જ જોવા મળે…ટૂંકમાં ૩G કરતા ચાર કદમ આગળ. 
  • વોઇસ-ડિકટેશન: બહુ ટાઈપ કર્યું બકા!…હવે બક બક કરીને લખાવડાવવાની તક પણ કી-બોર્ડમાં જ મળશે. (જો જો પાછા રોઝી નામની સેક્રેટરીની રોજી હમણાં ન જાય એનું ખાસ ધ્યાન રાખજો હોં!)
  • ૫ મેગાપિક્સલ કેમેરા: જ્યાં બીજા કેમેરા ૩.૨ MPથી આગળ ન વધ્યા હોય ત્યારે…પાંચમાં પૂછાઈ શકો તેવા આગળ અને પાછળ ફોટા પાડતો કેમેરો.
  • HD Movie Recording: હોલીવુડ સ્ટાઈલની ફિલ્મો હવે હોમમાં પણ પાડવી હોય તો?…..બીજું કશું નહિ યા હોમ! કરીને એક વાર આઈપેડનો બટન દબાવી દેવાનો…સીના સાથે પસીનો પણ ચોખ્ખો દેખાશે એની ગેરેંટી એ આપે છે…યા આ આ ર!.
  • આઈફોટો પ્રોગ્રામ: મારું માનવું છે કે..એના જેવી ફોટો-ટેકનોલોજીનો નહિ જડે જોટો. ફોટો પાડ્યા પછી (એવી કલાકારીગરી બહુ ન આવડતી હોય તો પણ) તમે એમાં ઘણો બધો ફેરફાર કરી શકો..જેમ કે, લાલ થયેલી આંખને શાંત કરવું તો સામાન્ય છે. સાથે સાથે અંધારામાં કોણ ન દેખાયું હોય તેને અજવાળામાં લાવવા…કાચી લાગતી લીલી કેરીનો રંગ કાચી સેકંડમાં કેસરી કરવો, કચ્છના રણમાં પાડેલા ફોટોને કાશ્મીરના બરફમાં ફેરવવો…વગેરે..વગેરે… (ફોટોશોપ !…અબ તુજે કુછ ઓર કરના પડેગા પ્યારે!)

હઉફફફ…ચિયર્સ કહી કેશ પણ કરી શકાય એટલા લાંબા ફિચર્સ અને પ્રોગ્રામ્સ વાળું લિસ્ટ છે. બધું જોવું હોય યા પછી માણવું હોય તો અમેરિકા કે લંડનમાં રહેતા તમારા કોઈ સગાં કે વ્હાલીને જરા ખરીદવા મજબૂર કરી દેજો. કેમ કે એ દેશોમાં જ આ આવતા વીકે દુકાનમાં આવી જવાનું છે. એટલે તમારું પણ કામ થઇ જાય!

અને…છેલ્લે…

મેં તો મારી પત્નીને આ નવો આઈપેડ લેવા માટે મનાવી લીધી છે. એમ કહીને કે…

“જો દોસ્ત, તારા ડેડી-મમ્મી સાથે ઇન્ડિયા વારંવાર લાઈવ વાત જોવા-કરવાનો આપણે સૌને એક નવો જ મોકો મળી રહ્યો છે. મુક તારા આ ૬ મહિના જુના મોબાઈલને બાજુ પર. ચાલ લઇ આવીએ આ..આઇઇ……ચ્ચ !!!!”

સર‘પંચ’:

આ સાઈમનભાઈ તો એના બીજા આઈપેડ ચમત્કાર અને ચમકાર સાથે પણ હાજર છે.

 આ લેખની સાથે સંકળાયેલી બીજી પોસ્ટ્સ…