“મને લાસ-વેગાસ શહેરના ડાઉનટાઉનને એક નવો જ ઓપ આપી ડેવેલોપ કરવો છે. હું માનુ છું કે એમ કરવાથી તેની ભવ્યતા અનેકગણી વધી જશે .”
ઉપરનું વાક્ય જો ડોનાલ્ડ ટ્રમ્પ બોલે તો લોકો કદાચ માની લે કે ‘હશે ભઇ, તારી પાસે પૈસો છે તો તું આખી દુનિયાનેય બદલી શકે.’ પણ ઈ.સ. ૨૦૦૯માં એ વાક્ય ૩૯ વર્ષના અમેરિકન ઉદ્યોગ સાહસિક ટોની શેહ (Tony Hsieh) એ કોઇનીયે શેહશરમ રાખ્યા વિના સુપર-વિશ્વાસ ધરાવી જાહેર કર્યું ત્યારે કેટલાંક લોકોએ શરૂઆતમાં મજાક સમજી અવગણી હતી. પણ આજે ૧૦ વર્ષ બાદ લાસ-વેગાસના ડાઉનટાઉનની બદલાયેલી સિકલ જોઈ હવે ખુશ તો થયાં છે, પણ સાથેસાથે રડી પડ્યાં છે.
હવે તમને સવાલ થશે થશે કે ‘શહેરનો વિકાસ જોઈ લોકો શાં માટે રડી પડ્યાં છે?‘ – તો તેનો જવાબ આપવા સૌને ટોનીના ૨૦ વર્ષ અગાઉના ફ્લેશબેકમાં લઇ જાઉં છું. જ્યારે ટોની હાર્વડ યુનિવર્સીટીમાં કોમ્યુટર સાયન્સનું ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો ત્યારે…
ત્યાંના છાત્રાલયમાં ૨૦ વર્ષની ઉંમરથી જ વિદ્યાર્થીઓ માટે જાતે જ પિત્ઝા બનાવી, વેચી તેના ધંધાદારી ધગશનો વિકાસ કરી સેલ્ફ-ફાઇનાન્સ કરી રહ્યો હતો. તેની સર્વિસ અને પિત્ઝાએ લોકોને એવાં મસ્ત લાગ્યાં કે તેના કસ્ટમર્સ પણ દોસ્ત બની ગયા.
ને બસ એ વિશ્વાસના વહાણે ટોની બાપુએ કોમ્પ્યુટર સાયન્સના ભણવાનો સાગર તરી પ્રોફેશનલ ઝિન્દગીનાં ભવસાગરમાં ડૂબકી લગાવી લિંકએક્સચેન્જ.કોમ નામની વેબસાઇટની સ્થાપના કરી. જેમાં તેણે છાત્રાલયમાં બનેલાં દોસ્તોની મદદથી તે સાઈટ પર લોકોની સર્વિસને નજીવી રકમ લઇ એડવર્ટાઇઝિંગ બેનર્સ બનાવી આપવાનું શરુ કર્યું.
નવું-નવું ઇન્ટરનેટ અને એમાંય ફરતું રહેતું એનિમેશન બેનર જોઈ અઢળક લોકોએ ટોની સાથે તેનો વેપારીક ફાયદો ઉઠાવ્યો. આ પ્રસિદ્ધિ જોતા જ માઈક્રોસોફ્ટે તેની આ કંપનીને ૨૬૫ મિલિયન ડોલર્સમાં ખરીદી લીઘી. (વર્ષ હતું: ૧૯૯૮).
પછી શું થયું?
ટોનીભાઈ તો અઢળક કમાયેલા પૈસાના ડુંગર પર ઇન્વેસ્ટર બની પગ લંબાવી બેઠા. જયાં તેમની સાથે તેની કોલેજનો દોસ્ત-કસ્ટમર આલ્ફ્રેડ લિન પણ તલ્લીન થઇ બેઠો હતો. તે દરમિયાન એક શૂઝની એક કંપનીના માલિક નિક વ્યક્તિ તરફથી એક ઈમેલ મળ્યો:
“અત્યારે ઓનલાઇન જૂતાંનો ધંધો કરવા જેવો છે. અઢળક કમાણી છે અને ઓનલાઇન સેલિંગનું માર્કેટ આવનાર વર્ષોમાં અનેકગણું વધવાનું છે. મારી કંપની ‘ઝૅપોઝ.કોમ‘ તમને ઈન્વેસ્ટ કરવાની ઓફર કરે છે.” (વર્ષ હતું: ૨૦૦૦).
ફિર યહ હુવા કિ…
૨૦૦૯માં ઝૅપોઝની અદભૂત, હટકે, પાવરફૂલ, સુપર, વાહ !, અફલાતૂન, જબરદસ્ત જેવાં પાવરફૂલ શબ્દોથી રંગાયેલી પ્રૉડ્કટ્સ-રેન્જ, કલ્ચર, અને કસ્ટમર સર્વિસમાં ખૂંપેલી વિશ્વસનીયતા જોઈને ઝૅપોઝ.કોમને પણ એમેઝોન.કોમ ૧.૨ બિલિયનમાં ખરીદી જ લે એમાં નવાઈ થોડી લાગે?
ચંદ ડોલર્સથી શરુ કરી, કરોડોમાંથી પસાર થઇ અબજોમાં આળોટી નાખનાર ટોનીએ એ બસ વર્ષે જ જાહેર કર્યું કે લાસ-વેગાસને હવે અમે ડેવેલોપ કરીશું. અને થયું પણ એવું જ. તેની હાઇપર વિશ્વસનીયતાના જોરે આજે લાસવેગાસના ડાઉનટાઉનને અનોખો ઓપ મળી રહ્યો છે. પણ…
હાય રે ! ટોની શેહ ૨૭મી નવેમ્બરે ૪૭માં વર્ષે આ (તો)ફાની દુનિયામાંથી વિદાય લઇ લીધી છે. એટલે જ તો તેના અઢળક ચાહકો અનહદ ખુશી લઇ રડી રહ્યાં છે.
તેથી જ સ્તો આજે હું ટોનીને એટલા માટે શ્રધ્ધાંજલી આપું છું કે…
- તેણે મને તેના પુસ્તક ‘ડિલિવરિંગ હેપ્પીનેસ‘ દ્વારા ગમે તેવાં કપરાં સંજોગોમાં પણ ‘શાંત’ રહી, હેપી રહી સોલ્યુશન મેળવવાની તાકાત આપી છે.
- તેણે ‘સાહસ કરવાની કોઈ સીમા હોતી નથી‘ એવી જણાવી જીવી બતાવ્યું છે.
- તેણે સર્વ-શ્રેષ્ઠ કસ્ટમર સર્વિસમાં ‘શ્રેષ્ઠતા’ને પણ ઘણી ઊંચી આંબી બતાવી છે. (કઈ રીતે એ જાણવા તેનું પુસ્તક વાંચવું જ રહ્યું.)
- વયને વ્યય કરવાને બદલે ‘જે કામ ખૂબ જ કરવું ગમે તેમાં બધાં જ અવયવ વાપરવા’.
- દોસ્ત અને દોસ્તી એ જ દરેક સંબંધોની ‘ટકાઉ’ વ્યાખ્યા છે.
એવું ઘણું બધું શીખવી ગયો છે. આહ ! બહુ ભગ્ન હૃદયે આજે હું ‘અમેરિકામાં મને મળવા ગમે એવાં ૧૦ લોકો‘ માંથી તેનું નામ કમી કરી રહ્યો છું. પણ તેની યાદ દિલમાં તો કાયમ રહેવાની જ. શરૂઆતથી જ વસમું રહેલું ૨૦૨૦ નું વર્ષ ખબર નથી હજુ કેટલાં શૂરવીરોને એ તેની સાથે લેતું જશે?!
તમને પણ ટોનીની સુખ વહેંચવાની માસ્ટર ચાવી જોઈએ છે? આ લિંક પરથી મેળવી લ્યો: