તમને શું થવું ગમે?

કેટલાંક દોસ્તોએ વેકેશનમાં બાળકોને ધ્યાનમાં રાખી એક કૉમન સવાલને લઇ ફોન અને મેસેજીસ કર્યા છે.

“દસમા અને બારમા પછી શું કરાવીએ?”

જવાબ:
બેશક ! પહેલા તો વર્ષે-વર્ષે, પછી મહિનાઓમાં, પછી દિવસોમાં અને હવે તો કલાકોમાં બદલાતી ઇન્ફોર્મેશનની તકોના તોપગોળાં વચ્ચે એક અસરકારક ચોઈસ લેવી એ દરિયાની ઊંડે જઇ છીપમાંથી મોતી મેળવવા જેવું સાહસિક કામ છે.

“તું આ કર !, ના, તું તે કર !, અલ્યા તું તો પેલું જ કર !,” ની ઘરેડમાંથી પસાર થઈને આવેલી ૫૦-૬૦-૭૦-૮૦ની પેઢીને અત્યારની મિલેનિયમ કૉલોની સાથે તાલથી તાલ મિલાવવું થોડુંક ચેલેન્જીસ તો છે. પણ દરેક વખતે બ્રેડ આપી દેવી તેના કરતા બ્રેડની રેસિપી જ આપવી સહેલું કામ છે.

અંદરથી જ તેમની અસલ ઓળખ મેળવી આપવાની મદદ તેમને કાંઈક આગળ કરવા અને કરી બતાવવા મદદ કરી શકે છે. (આવું હું યંગ-માંઈન્ડ અને બાળકના પિતા હોવાને નાતે બિંદાસ્તપણે કહી શકું છું.)-

હા ! તો એ માટે સૌથી સહેલી શરૂઆત કઈ રીતે કરવી? 🤔

💡વર્ષો પહેલા પ્રાઈમરી વિદ્યાર્થી તરીકે આપણે “મને શું થવું ગમે?” નો તુક્કાયુક્ત નિબંધ લખતા હતા, યાદ છે ને?- તો બસ! ફરીથી એ જ રીતે તમારા દસમા કે બારમાથી પસાર થયેલા બાળકને લખાવવાનો સમય આવી ગયો છે.

”મને શું થવું ગમે?’ વિષય બાળક માટે એક એવો ઇમેજિનેટિવ અને ક્રિયેટિવ ધક્કો છે કે તેમને ખુદને જે બનવું છે, શાં માટે બનવું છે? કેટલું બનવું છે?, કઈ રીતે બનવું છે?, ક્યાંથી બનવું છે? કોની મદદથી બનવું છે? જેવાં કન્ફ્યુઝન્સને ફ્યુઝન આપવાનું કામ કરે છે. તેમની કે તમારી ‘અંદર’ શું શું છે? એ ઘણી બાબતો બહાર દેખાઈ શકશે. ગેરેન્ટેડ! ✍️

(છૂપો પોઇન્ટ: હવે તમને પણ તમારા જોબ, કરિયર કે ધંધામાં ‘હાળું હું કરવું?’ નું ટેંશન હોય તો એક ટ્રાયલ તમે પણ મારી શકો છો, હોં!) 🤪😜🥰