‘શ્રદ્ધા’નો ઘોડો અને ‘સબૂરી’ની લગામ કોઈપણ વ્યક્તિને એવી સિક્યોર્ડ સવારી આપે છે કે માઇલોબંધ મુસાફરી કરવા છતાં પણ સવાર તેના પરથી પડી શકતો નથી.”
સારું છે કે આવો ક્વોટ એક સંત દ્વારા બોલાયેલો છે જેણે તેમની ઝીંદગીમાં હજારો માઈલની મુસાફરી કરી છે અને જ્ઞાન લાધ્યું છે. જે ખરેખર એપ્રુવ્ડ છે, એપ્લાઇડ છે.
યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ, બ્લોગ કે ક્વોરા, એલેક્સા કે ગૂગલ વોઇસ, Apps ડેવલપમેન્ટ હોય કે ફક્ત પ્રોગ્રામિંગ-કોડિંગ, Spotify પોડકાસ્ટિંગ કે shopify સેલિંગ, Linkedin હોય કે પછી facebook, TikTok… આહ !
જેવાં અસંખ્ય ટેલેન્ટસની દર સેકન્ડે રાહ જોવાતી હોય તેવાં સેંકડો પર પ્લેટફોર્મ્સ કોઈ વય કે અવયવ વગર કોઈપણ વ્યક્તિ કોઈનાય બાપ કે બેટાની સેહ-શરમ વિના તેની પ્રતિભા નિખારી શકે છે. એ પણ બિન્દાસ્ત અને ખુશી ખુશી….મોજના દરિયે ન્હાતા-ધોતા કામની મોજણી અને કમાણીની ઉજવણી કરી શકે છે.
ત્યારે
“તારી હાક સૂણી કોઈ ના આવે ત્યારે એકલો જાને રે” કે પછી “ચલ અકેલા તેરા મેલા પીછે છુટા રાહી ચલ અકેલા”, જેવાં સેંકડો ધક્કા-માર ગીતોની વણઝાર હોવા છતાં ટેંશન શું કામ? દર શેનો? ગુસ્સો કેમનો? દ્વેષ-જલન શાં માટે? શેનો બળાપો?
તકોની ભરમાર, લગાર, વણઝાર જે ગણો તે અત્યારની ‘આઈડિયા’લિસ્ટિક દુનિયામાં જો મળતી રહે અથવા કેળવી લેતા આવડી જાય તો આત્મહત્યાને બદલે આત્મખોજ વાળી સુપર ઝિંદગી જીવવાનો મજો મજો પડી જાય મોટા!!!
જયભાઈ એ મસ્ત કહ્યું છે: “તમારું પાસ્ટ નહિ, પણ લાસ્ટ પરફોર્મન્સ બેસ્ટ ગણાય છે.”
Elizabeth McLellan, founder of Partners for World Health. (Photo Credit: pressherald.com)
બીજાઓ માટે જીવતી વ્યક્તિઓનું જીવન સાર્થક સાબિત થતું હોય છે.
અમેરિકાની એક નર્સ રિટાયર થઈ એ પછી તેને વિચાર આવ્યો કે હવે શું કરવું જોઈએ ત્યારે…
(ઈજિપ્તમાં રહેતા મિત્ર મુર્તઝા પટેલના સૌજન્ય સાથે એક અનોખી અમેરિકન મહિલાની વાત વાચકો સાથે શૅર કરવી છે. જીવનને એક ઉત્સવ સમાન ગણતા સાહિત્યપ્રેમી મુર્તઝા પટેલ આ કોલમ માટે અગાઉ પણ કેટલીક અનોખી અને અલગારી વ્યક્તિઓની જિન્દગીની વાતો લઈ આવ્યા છે.)
વાત છે પાર્ટનર્સ ફોર વર્લ્ડ હેલ્થ સંસ્થાની સ્થાપક એલિઝાબેથ મેકલેલનની.
એલિઝાબેથ ભણતી હતી એ દરમિયાન બોસ્ટનના એક સ્ટૉરમાં સેલ્સગર્લ તરીકે કોસ્ચ્યુમ જ્વેલરી વેચતી હતી, પણ તેની માતાએ તેને કહ્યું કે તું નર્સિંગનો અભ્યાસ કર.
માતાની વાત માનીને એલિઝાબેથે નર્સિંગનો અભ્યાસ કર્યો અને પછી તેણે પોર્ટલૅન્ડના મેઈન મેડિકલ સેન્ટરમાં નર્સ તરીકે નોકરી મેળવી. એ હોસ્પિટલમાં છ હજાર કર્મચારીઓ ફરજ બજાવતા હતા. એલિઝાબેથને નર્સ તરીકે ફરજ બજાવવામાં રસ પડવા લાગ્યો. વર્ષો પછી તે એ હોસ્પિટલમાં નર્સિંગ એડનિસ્ટ્રેટર બની. હસતા ચહેરા અને ઋજુ હ્રદયવાળી આ અનોખી સ્ત્રીએ તેની મોટા ભાગની જિંદગી અમેરિકાના પોર્ટલેન્ડની હોસ્પિટલમાં નર્સ અને નર્સિંગ એડમિનિસ્ટ્રેટર તરીકે વિતાવી.
67 વર્ષીય એલિઝાબેથ ચાલીસ વર્ષની તેની નર્સિંગ કરીઅર દરમિયાન ઘણાં દેશો ફરી આવી અને વિવિધ મેડિકલ કેમ્પ્સનુ સંચાલન કરી આવી. મેડિકલ ક્ષેત્રે કોને ક્યાં, શું શું અને કેટલી વસ્તુઓ જરૂરી છે તેની તેને ચાર દાયકાની કરીઅરમાં બરાબર સમજ પડી ગઈ હતી.
2007ના વર્ષ દરમિયાન જ્યારે અમેરિકન મેડિકલ એસોસિએશનના નિયમ પ્રમાણે એલિઝાબેથે રિટાયર થવાનો સમય આવ્યો ત્યારે તેને વિચાર આવ્યો કે રિટાયર થયા પછી પણ પોતે એવું શું કરવું જોઈએ કે જેનાથી દર્દીઓને મદદરૂપ બની શકાય?
એ વિચારો દરમિયાન તેના મનમાં વર્ષોથી દબાયેલો એક સેવાભાવી આઈડિયા બહાર આવ્યો. એ આઈડિયા અમલમાં મૂકવાનો સમય આવ્યો છે એવું તેને લાગ્યું.
નર્સિંગના કામ દરમ્યાન તેણે જોયું હતું કે તેની હોસ્પિટલ અને બીજા મેડિકલ કેમ્પસમાં ઓપરેશન પછી ઘણી એવી વણવપરાયેલી મેડિકલ સપ્લાય (જેમ કે સોય, ટ્યુબ્સ, ગ્લોવ્ઝ, રૂ, ટિશ્યુઝ તેમજ જરૂરી ત્વરિત દવાઓ)ને સરકારી મેડિકલના નિયમ અનુસાર કાં તો ડિસ્પોઝ કરવામાં આવતી અથવા સપ્લાય કરતી કંપનીને પાછી મોકલી દેવામાં આવતી.
જેનું લગભગ રિસાયક્લિંગ જ કરવામાં આવતું. વિશાળ મેઈન હોસ્પિટલમાંથી જ એ રીતે કેટલી બધી વણવપરાયેલી વસ્તુઓ ક્યાં તો ડિસ્પોઝ કરાતી અથવા તો સપ્લાય કરતી કંપનીને પાછી મોકલી દેવાતી.
એલિઝાબેથ આ બધી જ વધેલી વસ્તુઓ (મેડિકલ અને ર્સજિકલ સપ્લાય)નો બેસ્ટ ઉપયોગ કરવામાં માનતી પણ વળાવેલી દીકરીની જેમ તે હંમેશા આ વસ્તુઓને જોઈ રહેતી. નિવૃત્ત થતી વખતે હોસ્પિટલમાંથી નીકળતા અગાઉ તેણે જાણી લીધું કે કઈ કઈ કંપનીઓ આ બધી વસ્તુઓ ફેંકવામાં અથવા પાછી લઇ લેવામાં માને છે.
એલિઝાબેથ મેકલેલને પૂરી તૈયારીઓ કર્યા પછી એક અનોખી સંસ્થા શરૂ કરી અને એનું નામ રાખ્યું: પાર્ટનર્સ ફોર વર્લ્ડ હેલ્થ. તેણે એક નાનકડા રૂમમાંથી આ સંસ્થા શરૂ કરી. તેણે જુદીજુદી મેડિકલ ઈન્સ્તિત્યુટ્સ પાસેથી અન્યુઝ્ડ મેડિકલ સપ્લાય મેળવીને ગરીબ દેશોમાં મોકલવાનું શરૂ કર્યું. ધીમેધીમે તેની સંસ્થાની પ્રવ્રુત્તિ વિસ્તરતી ગઈ.
તેની આ સંસ્થા થકી આજે એલિઝાબેથ એવાં દેશોમાં રહેલી મેડિકલ સેવા સંસ્થાઓને ખૂબ જ નજીવા દરે અથવા તો મફત દરેક પ્રકારની મેડિકલ સપ્લાયઝ પુરી પાડે છે. તેની સંસ્થા દર મહિને પન્દર હજાર પાઉન્ડથી વધુ મેડિકલ સપ્લાય મફતમાં આફ્રિકન દેશોમાં, દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં અને મિડલ ઈસ્ટ કંટ્રીઝમાં મોકલાવે છે. એના શિપમેન્ટનો ખર્ચ એ દેશોની જે-તે મેડિકલ સંસ્થાઓ ચૂકવે છે.
ઘણા અતિ ગરીબ દેશોની મેડિકલ સંસ્થાઓ એ મેડિકલ સપ્લાય મગાવવાનો ખર્ચ પણ ના કરી શકે તો એલિઝાબેથની સંસ્થા પાર્ટનર્સ ફોર વર્લ્ડ હેલ્થ દાન માગીને મળેલી રકમમાંથી એ મેડિકલ સપ્લાય જે-તે દેશમાં પહોંચાડવાનો ખર્ચ પણ ભોગવે છે. એક તરફ જુદી-જુદી હોસ્પિટલ્સમાંથી નીકળતો વધેલો ચોખ્ખો સામાન કન્ટેનર્સમાં ફિટ થાય અને બીજી તરફ કોઈક જરૂરિયાતમંદ સંસ્થામાં શિફ્ટ થાય. ઘણા કોલેજિયન યુવક-યુવતીઓ પણ આ પ્રવ્રુત્તિમાં એલિઝાબેથને મદદરૂપ થવા લાગ્યા.
એલિઝાબેથે નાનકડા રૂમમાંથી શરુ કરેલી આ સેવા હવે એક દાયકામાં મસમોટ્ટાં વેરહાઉસમાં ફેરવાઈ ચૂકી છે. પન્દર હજાર ફૂટના તેના વેરહાઉસની જગ્યા પણ તેને હવે નાની પડે છે. તેની સંસ્થાને મેડિકલ સપ્લાય પૂરો પાડનારી સંસ્થાઓની સંખ્યા વધતી જાય છે અને એની સામે તેની સંસ્થા વધુ ને વધુ મેડિકલ સેવા સંસ્થાઓને મેડિકલ સપ્લાય પૂરો પાડતી જાય છે. 68 વર્ષની ઉંમરે પણ એલિઝાબેથ થાક્યા વિના સતત તેની સંસ્થાની પર્વ્રુત્તિમાં વ્યસ્ત રહે છે.
એલિઝાબેથની સંસ્થા ગરીબ દેશોમાં માત્ર મેડિકલ સપ્લાય પહોંચાડીને જ સંતોષ નથી માનતી. તે દર વર્ષે અનેક ગરીબ દેશોમાં મોટા-મોટા મેડિકલ કેમ્પ કરે છે અને એમાં તે તેની સંસ્થા સાથે સંકળાયેલા ડૉક્ટર્સ અને નર્સીસ સાથે પહોંચી જાય છે અને ગરીબ દર્દીઓની મફત સારવાર કરે છે. રિટાયર થતા અગાઉ એલિઝાબેથ મેકલેલન જેટલા લોકોને મદદરૂપ બની હતી એના કરતા સેંકડો ગણા વધુ લોકોને મદદરૂપ બની રહી છે.
મૂળ આર્ટિકલ: આશુભાઈ પટેલ દ્વારા મુંબઈ સમાચારમાં પબ્લિશ થયેલો ‘સુખનો પાસવર્ડ‘ માંથી।